Sapnana Vavetar - 33 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 33

સપનાનાં વાવેતર પ્રકરણ 33

(આ પ્રકરણ સૂક્ષ્મ જગતને લગતું અને આધ્યાત્મિક હોવાથી દરેકે શાંતિના સમયમાં ધ્યાનથી વાંચવું. )

રાજકોટ વાત થઈ ગઈ હતી એટલે અનિકેત અને કૃતિને લેવા માટે એરપોર્ટ ઉપર કૃતિનો ડ્રાઇવર રઘુ ગાડી લઈને આવી ગયો હતો.

એરપોર્ટથી ગાડી સૌથી પહેલાં યાજ્ઞિક રોડ ઉપર સરદારનગર સોસાયટીમાં જ લઈ લીધી અને દીવાકર ગુરુજીના બંગલા પાસે અનિકેતને ઉતારી દીધો.

" મારી ગુરુજી સાથે ચર્ચા પતી જાય પછી હું તને ફોન કરું એટલે ગાડી અહીં મોકલી દેજે. મને કદાચ એકાદ કલાક લાગશે." નીચે ઉતરીને અનિકેત બોલ્યો.

"ગાડી લઈને હું પોતે જ આવી જઈશ અનિકેત. તમે શાંતિથી બધી ચર્ચા કરી લો. " કૃતિ બોલી અને ગાડી કાલાવડ રોડ પોતાના ઘરે લઈ લેવા રઘુને સૂચના આપી. અનિકેતનો બપોરે જમવાનો પ્રોગ્રામ કૃતિના ઘરે જ હતો.

આજે સામાન્ય દિવસ હતો એટલે ગુરુજીના બંગલે કોઈ ભીડ ન હતી. અગાઉથી ધીરુભાઈ શેઠે ગુરુજીને ફોન દ્વારા જાણ કરી દીધી હતી એટલે ગુરુજી અનિકેતની રાહ જ જોતા હતા. અનિકેતે જઈને ગુરુજીને સાષ્ટાંગ દંડવત પ્રણામ કર્યા અને ગુરુજીની સામે બેઠક લીધી.

" આવી ગયો તું ? આજે તું આવવાનો હતો એટલે સવારે જ તારા સ્વ. મોટા દાદા વલ્લભભાઈ સાથે મેં વાત કરી લીધી છે. તું અને તારા દાદા ધીરુભાઈ શું જાણવા માગો છો એ બધી જ મને ખબર છે. " ગુરુજી હસીને બોલ્યા.

" આપને તો બધી જ ખબર પડી જાય ગુરુજી. સિદ્ધિની વાત જાણવામાં મારા દાદાને વધુ રસ છે. એ સિવાય મારો બીજો પણ એક પ્રશ્ન હતો. " અનિકેત બોલ્યો.

" તારે જે પણ પૂછવું હોય તે બધું જ તું મને પૂછી શકે છે. અને તું મારી ઈચ્છાથી જ રાજકોટ આવેલો છે. તને અહીં મેં બોલાવ્યો છે. " ગુરુજી બોલ્યા.

" કદાચ એટલા માટે જ મારા દાદાએ અહીં આવવાની પરમિશન મને આપી છે. હવે પહેલાં હું મારો સવાલ પૂછું છું ગુરુજી. ટ્રેઈનમાં મારી બેગ ચોરાઈ ગઈ હતી એ તો તમને ખબર હશે જ. પરંતુ એ બેગ ચોરાઈ ગયા પછી મારા જમવાની વ્યવસ્થા કોઈ રજનીકાંત દેસાઈ નામના સજ્જને કરી હતી. એ એમની પત્ની અને દીકરી સાથે હરિદ્વાર જઈ રહ્યા હતા. એમણે મને એમનું કાર્ડ પણ આપ્યું હતું. મુંબઈ જઈને હું એમને રૂબરૂ મળવા ગયો તો ખબર પડી કે એ તો પાંચ વર્ષ પહેલાં ગુજરી ગયા છે. તો પછી પરિવાર સાથે એ મારી ટ્રેનમાં કઈ રીતે હતા ?" અનિકેત બોલ્યો.

"હું તને બધું વિગતવાર કહું છું. આ આખી સૃષ્ટિ અનેક રહસ્યોથી ભરપૂર છે બેટા. હરિદ્વાર અને ઋષિકેશ સુધી તને પહોંચાડવાની બધી જવાબદારી તારા સ્વ. મોટા દાદા વલ્લભભાઈએ લીધેલી. તારી આ સાધુયાત્રા દરમિયાન નિયમ મુજબ ઘરનું કંઈ પણ ખાઈ શકાય નહીં એટલા માટે સ્વામીજીએ જ તારી બેગ અદ્રશ્ય કરેલી. " ગુરુજી બોલી રહ્યા હતા.

"હકીકતમાં તારી બેગ સૂક્ષ્મ સ્વરૂપે તારી સાથે ટ્રેઈનમાં જ હતી. સરદારજીની ગાડીમાં પણ હતી અને હોટલ સુધી પણ પહોંચી ગઈ હતી. એ પછી એ બેગ તારી સાથે સ્વામી વ્યોમાનંદજીની કુટીરમાં પણ પહોંચી ગઈ હતી. તેં વિજ્ઞાનમાં વિઘટનની પ્રક્રિયા વિશે જાણ્યું જ હશે. વ્યોમાનંદ સ્વામી એક સિધ્ધ પુરુષ છે. એ બેગનું વિઘટન કરીને અણુ અને પરમાણુંમાં રૂપાંતર પણ કરી શકે છે અને ફરી પાછું અણુઓમાંથી બેગમાં રૂપાંતર પણ કરી શકે છે. " ગુરુજી બોલી રહ્યા હતા.

" બેગ અદ્રશ્ય કર્યા પછી તારા માટે જમવાની અને ચા પાણીની વ્યવસ્થા પણ કરવાની હતી. તારા મોટા દાદાએ મારી સાથે એ બાબતે ચર્ચા કરી હતી. મેં એમને કહ્યું કે બે આત્માઓને હું ઓળખું છું જેમને તમે પૃથ્વી ઉપર મોકલી દો. રજનીકાંતભાઈ અને એમના પત્ની કોકીલાબેને તારા દાદાની જેમ મારી પાસેથી દીક્ષા લીધેલી. કોકીલાબેન પણ ગયા વર્ષે જ ગુજરી ગયાં હતાં. એ બંને આત્માઓને હું ઓળખતો હતો. " ગુરુજી બોલ્યા.

" પતિ અને પત્ની બંને આજે હયાત નથી એ તો ખરેખર આશ્ચર્યની વાત છે ગુરુજી. " અનિકેત બોલ્યો. એને ગુરુજીની વાતમાં બહુ જ રસ પડ્યો હતો.

" હા એ બંને પતિ પત્ની સૂક્ષ્મ જગતમાં અલગ અલગ લોકમાં હતાં. મેં તારા મોટા દાદાને એ બંનેને પૃથ્વી ઉપર મોકલી આપવાનું કહ્યું. તું જે કોચમાં મુસાફરી કરવાનો હતો એ જ કોચમાં તારી સામે ત્રણ બર્થ ખાલી રાખવાનું કામ સ્વામીજીએ કર્યું. તને ખબર છે કે સ્વામીજી ધારે તે કરી શકે છે. " ગુરુજી બોલી રહ્યા હતા.

" જમવાનો બધો નાસ્તો પણ એમણે પોતાની ઈચ્છાથી ઉત્પન્ન કરીને ટ્રેનના ડબ્બામાં સીટ નીચે ગોઠવી દીધો હતો. સ્વામીજી આખી ભ્રમજાળ રચી શકે છે. તારી સામેની ખાલી બર્થ ઉપર ત્રણ આત્માઓ શરીર ધારણ કરીને બેસી ગયા હતા. તું સરદારજીની ગાડીમાં બેસી ગયો પછી એ ત્રણેય આત્માઓ સૂક્ષ્મ જગતમાં પાછા આવી ગયા. " ગુરુજી બોલ્યા.

" એમની ૧૩ વર્ષની દીકરી પણ સાથે હતી તો એને પણ મોટા દાદાએ સૂક્ષ્મ જગતમાંથી મોકલી હતી ? શું એ પણ ગુજરી ગઈ છે ? " અનિકેત બોલ્યો.

" રજનીભાઈને કોઈ સંતાન ન હતું. એમની સાથે જે દીકરી હતી તે કોકીલાબેનની સગી બહેન હતી જે નાનપણમાં જ ગુજરી ગઈ હતી. એ સૂક્ષ્મ જગતમાં અત્યારે કોકીલાબેનના આત્માની સાથે જ રહે છે. એની ઈચ્છા પણ પૃથ્વી ઉપર જવાની હતી એટલે મોટા દાદાએ એને પણ પુત્રી તરીકે સાથે મોકલી હતી. " ગુરુજી બોલ્યા.

"સૂક્ષ્મ જગતની વાતો નવાઈ પમાડે તેવી છે ગુરુજી. શું આ રીતે પૃથ્વી ઉપરના કુટુંબીઓ સૂક્ષ્મ જગતમાં ગયા પછી સાથે રહી શકે છે ? " અનિકેત બોલ્યો.

" ના. બધા માટે એ શક્ય નથી કારણ કે દરેક આત્માની ગતિ પોતાના કર્મ પ્રમાણે થતી હોય છે. કોઈનો તરત જન્મ થઈ જાય, કોઈ પાપી જીવ નીચલા લોકમાં હોય. કોઈ ચોથા લોકમાં સાધનામાં લાગી જાય. અને બધા જ કુટુંબીજનો એક જ લોકમાં હોય એવું જરૂરી નથી. જો બે આત્માઓ વચ્ચે ખૂબ જ ખેંચાણ અને મમતા હોય અને એક જ લોકમાં એમની ગતિ થઈ હોય તો જ સાથે રહી શકે છે. " ગુરુજી બોલ્યા.

" આપની પાસેથી ઘણું નવું નવું જાણવાનું મળે છે ગુરુજી. સૂક્ષ્મ જગતનો અનુભવ કર્યા પછી તો મને પણ ત્યાં રહેવાનું મન થઈ ગયું હતું. " અનિકેત બોલ્યો

" હા પૃથ્વી ઉપર સારાં કર્મો કરો અને બીજાને માટે જીવન જીવો તો ઉપર સદગતિ થવાની જ છે અને સારો લોક પણ પ્રાપ્ત થવાનો છે. " ગુરુજી બોલ્યા.

" હવે જેના વિશે જાણવાની દાદાની તીવ્ર ઈચ્છા છે એ સિદ્ધિઓ વિશે આપ મને જણાવો. " અનિકેત બોલ્યો.

" માત્ર દાદાને જ સિદ્ધિઓ વિશે જાણવાની ઈચ્છા છે ? તારી પોતાની નથી ? " દીવાકર ગુરુજી હસીને બોલ્યા.

" સાવ સાચું કહું ગુરુજી તો મને માત્ર જીજ્ઞાસા છે. એક કુતુહલ છે બસ. " અનિકેત બોલ્યો.

" ગાયત્રી સાધનાના કારણે અને તારા મોટા દાદાના આશીર્વાદના કારણે તારામાં આ બધી પરિપક્વતા આવી છે અને એટલા માટે જ તારા મોટા દાદાએ તને પસંદ કર્યો છે. આ જગતમાં પાત્રતા વગર કોઈપણ વસ્તુ મળતી નથી અને નસીબ જોગે મળી પણ જાય તો એ ઝાઝા દિવસ ટકતી નથી. " ગુરુજી હસીને બોલ્યા.

" આપને યોગ્ય લાગે તો મને સિદ્ધિ વિશે જણાવો. અને કદાચ ના જણાવો તો પણ મને એનો કોઈ રંજ નથી. મને મારી આ નાની ઉંમરમાં જે પણ જોવા મળ્યું છે એનાથી હું ખુશ છું. " અનિકેત બોલ્યો.

" સિદ્ધિ વિશે વાત કરવા તો મેં તને અહીં રાજકોટ બોલાવ્યો છે એટલે ન જણાવવાનો તો કોઈ પ્રશ્ન જ નથી. તું આજે અહીં આવવાનો છે એ મને ખબર હતી એટલે જ આજે તારા મોટા દાદા સાથે સવારે મેં ચર્ચા કરી હતી. " ગુરુજી બોલી રહ્યા હતા.

" તને ખૂબ જ દુર્લભ સિદ્ધિ પ્રાપ્ત થઈ છે. તને વયોવૃદ્ધ મહાત્મા સ્વામી વ્યોમાનંદજીએ પણ આશીર્વાદ આપ્યા છે. ૨૦૦ વર્ષ કરતાં પણ વધુ ઉંમર ધરાવતા હિમાલયના આવા સિદ્ધો આ પૃથ્વી ઉપર ગણ્યાગાંઠ્યા છે. તને એમનાં દર્શન થયાં એ જ મહાભાગ્ય છે. " ગુરુજી બોલી રહ્યા હતા.

" તને જે સિદ્ધિ મળી છે એ કીલક કરેલી છે એટલે કે લોક કરેલી છે. એ ખોલવા માટે ગુપ્ત મંત્રનો ઉપયોગ કરવો પડે. જો તારો ઇરાદો સારો હોય તો આ સિદ્ધિ દ્વારા આ જગતમાં તું બધું જ કરી શકે છે. રોગીને તું તંદુરસ્ત કરી શકે છે. કોઈને તું એક કલાકની મર્યાદામાં સજીવન પણ કરી શકે છે. કોઈના મનના વિચારો પણ જાણી શકે છે. તું કોઈને પણ વશ કરી શકે છે. તું અદ્રશ્ય પણ થઈ શકે છે. તું કોઈપણ વસ્તુ હવામાંથી પેદા કરી શકે છે. તું એક ક્ષણમાં ગમે એટલે દૂર પણ જઈ શકે છે." ગુરુજી કહી રહ્યા હતા.

" હું જે ગુપ્ત મંત્ર તને આપું એ તારે ત્રણ વાર મનમાં બોલીને કઈ સિદ્ધિ જે તે સમયે જાગૃત કરવાની છે એ તારે વિચારવાનું છે. બસ એ સિદ્ધિ પોતાનું કામ કરશે. મંત્ર બરાબર યાદ રાખી લેજે." કહીને ગુરુજી અનિકેતના કાનમાં એક ગુપ્ત મંત્ર ત્રણ વાર બોલ્યા. અનિકેતને એ મંત્ર આખો યાદ રહી ગયો.

" તારા મોટા દાદાની ઈચ્છા છે કે આ સિદ્ધિ વિશે તું એકલો જ જાણે. તારે તારા દાદાને કે પરિવારમાં કોઈને પણ કહેવાનું નથી. તને કોઈ સિદ્ધિ મળી જ નથી એવું જ તારે વર્તન કરવાનું. દાદા તને પૂછે તો કહી દેવાનું કે 'ગુરુજીને સિદ્ધિ વિશે કોઈ જાણ નથી. એમણે એટલું જ કહેલું છે કે સિદ્ધિ એની મેળે કામ કરશે.' તું આવો જવાબ આપીશ એટલે પછી તને એ ફરી કંઈ પૂછશે નહીં." દીવાકર ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી. હું તમને વચન આપું છું કે આ સિદ્ધિનો કોઈ દુરુપયોગ હું નહીં કરું. ચમત્કારો કરવામાં આમ પણ મને રસ ઓછો છે. મારા સવાલો પૂરા થયા છે. હવે મારા માટે આપની શું આજ્ઞા છે ? " અનિકેત બોલ્યો.

"ગાયત્રીની પાંચ માળા તો તું રોજ કરે જ છે. હવે તું બંને નવરાત્રી દરમિયાન રોજ ૨૭ માળા કરીને ૨૪૦૦૦ ગાયત્રી મંત્રનું અનુષ્ઠાન પણ કરતો જા. એનાથી તારામાં એક ઉર્જા ઉત્પન્ન થશે જે તારાં ઘણાં અટકેલાં કામ કરી દેશે. આખી પૃથ્વીનું અને પૃથ્વી ઉપરના તમામ જીવોનું સંચાલન સૂર્ય જ કરે છે. સૂર્યથી જ આપણું જીવન છે. ગાયત્રી મંત્રના અનુષ્ઠાનથી આ સૂર્યની સર્જન શક્તિ સીધી આપણામાં આવે છે. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી અનુષ્ઠાન હું અવશ્ય કરીશ. એના માટે મારે કોઈ ખાસ નિયમ પાળવાના હોય ?" અનિકેતે પૂછ્યું.

" અનુષ્ઠાન એક અનુશાસન છે એટલે નિયમ તો પાળવા જ પડે. ૯ દિવસ સંપૂર્ણ ઉપવાસ કરીને પણ કરી શકાય. માત્ર દૂધ ઉપર રહીને પણ કરી શકાય. બપોરે એક વાર જમીને અને સાંજે માત્ર દૂધ કે ફ્રુટ લઈને પણ કરી શકાય. આ અનુષ્ઠાન દરમિયાન ગાયત્રીની માળા ચાલે ત્યાં સુધી ગાયના ઘીનો દીવો ચાલુ રાખવો. વહેલી સવારના ત્રણથી બપોરના ૧૨ સુધી બધી માળા થઈ જાય તો ઉત્તમ. જો ના થઈ શકે તો થોડીક માળા સંધ્યાકાળે કરવી. " ગુરુજી બોલ્યા.

" જી ગુરુજી હવે પછીની દરેક નવરાત્રીમાં અનુષ્ઠાન હું ચોક્કસ કરીશ. ગુરુજી ગાયના ઘીના દીવાનું આટલું બધું મહત્વ કેમ છે ? " અનિકેત બોલ્યો.

" ગાય વિશે બહુ ઓછા લોકો જાણે છે. ગાયનું આખું શરીર પોઝિટિવ ઉર્જાથી ભરપૂર છે. એના માત્ર સ્પર્શથી આપણી નેગેટિવ ઉર્જા દૂર થઈ જાય છે. એના છાણના હવનમાં પણ એટલી જ તાકાત છે. ગાયના દૂધમાં અને ઘીમાં ભરપૂર ઊર્જા છે અને સાત્વિક ભાવ પેદા કરે છે. ગાયના ઘીનો દીવો કરવાથી તમારી આજુબાજુ રહેલી તમામ નેગેટિવિટી દૂર થઈ જાય છે અને તમે જે મંત્રો કરતા હો તે ખૂબ ઝડપથી બ્રહ્માંડમાં આગળ વધે છે અને સૂર્યની ઉર્જાને તમારી તરફ ખેંચી લાવે છે. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી તમારી પાસેથી ઘણું જાણવાનું મળે છે. ગાયના ઘીના દીવાનું મહત્ત્વ આજે મને સમજાયું." અનિકેત બોલ્યો.

" એ સિવાય તું ધ્યાનની પ્રેક્ટિસ પણ કર. શરૂઆતમાં થોડું અઘરું લાગશે પરંતુ રોજ ૧૦ ૧૫ મિનિટ સમય ફાળવીશ તો ધીમે ધીમે ધ્યાનમાં રસ પડશે. ધ્યાનમાં બસ તારે માત્ર શ્વાસ ઉપર જ ધ્યાન આપવાનું છે. બધા વિચારોને ભગાવી માત્ર શ્વાસની આવન જાવન જોવાની છે. ધ્યાનમાં કોઈ મંત્ર કરવાનો હોતો નથી. ધ્યાન તું રાત્રે પણ કરી શકે છે. " ગુરુજી બોલ્યા.

" ભલે ગુરુજી હું જરૂર કોશિશ કરીશ. તો હું હવે કૃતિને ફોન કરીને બોલાવી લઉં ? " અનિકેત બોલ્યો.

" તારે ફોન કરવાની જરૂર નથી. તારી સિદ્ધિનો ઉપયોગ કર. મેં આપેલો ગુપ્ત મંત્ર ત્રણ વાર મનમાં બોલીને તું કૃતિને આદેશ કર કે જલ્દી મને લેવા માટે આવી જા." ગુરુજી હસીને બોલ્યા.

અનિકેતે ગુપ્ત મંત્ર મનમાં ત્રણ વાર બોલીને કૃતિને માનસિક આદેશ આપ્યો કે હવે તું નીકળ અને મને લેવા માટે આવી જા.

એ પછી ગુરુજીએ અનિકેતના હાથમાં સાકરનો પ્રસાદ આપ્યો. અનિકેતે પ્રસાદ ગ્રહણ કર્યો અને અંદરના રૂમમાં જઈને હનુમાનજીનાં દર્શન કરી આવ્યો.

લગભગ દસેક મિનિટ પછી કૃતિ ગુરુજીના બંગલે ગાડી લઈને આવી ગઈ. ગુરુજીએ અનિકેતની સામે જોઈને મ્હોં મલકાવ્યું.

કૃતિએ અંદર આવીને માથું નમાવી ગુરુજીને પ્રણામ કર્યા.

" સૌભાગ્યવતી ભવ." ગુરુજીએ માથે હાથ મૂકીને આશીર્વાદ આપ્યા.

એ પછી અનિકેત અને કૃતિ ઊભાં થઇને બહાર નીકળ્યાં.

" તું એકદમ ટાઇમસર જ આવી ગઈ. હું તને ફોન કરવાનો જ હતો. " ગાડીમાં બેઠા પછી અનિકેત બોલ્યો.

" મને અંદરથી અંતઃપ્રેરણા થઈ કે તમારું કામ પતી ગયું છે અને હવે મારે નીકળવું જોઈએ એટલે તરત જ નીકળી ગઈ. " કૃતિ ડ્રાઇવ કરતાં કરતાં હસીને બોલી.

" ચાલો સારું કહેવાય. આજકાલ તને સારી અંતઃપ્રેરણા થાય છે. હવે તારો શું પ્રોગ્રામ છે ? " અનિકેત બોલ્યો.

" તમારી કથા સાંભળવાનો. બોલો ગુરુજી સાથે શું વાતો કરી ? " કૃતિ હસીને બોલી.

" તને રસ પડે એવી કોઈ જ વાતો થઈ નથી. મારી યાત્રા વિશે ગુરુજી પૂછતા હતા એટલે મેં બધું વર્ણન કર્યું. બેગ ચોરાઈ ગઈ હતી અને હોટેલમાં પાછી આવી ગઈ હતી એ વાત પણ મેં કરી. " અનિકેત બોલ્યો.

" સાંભળો ને ! આજે રાત્રે મુવીનો પ્રોગ્રામ બનાવવો છે ? કોસ્મોપ્લેક્સ માં સારુ મુવી ચાલે છે. નજીક જ છે. શ્રુતિની ખાસ ઈચ્છા છે. એ બિચારી એકલી રાતના શોમાં જઈ શકતી નથી. આપણી સાથે એ આવી શકશે. " કૃતિ બોલી.

" તારી વાત સાચી છે કૃતિ પરંતુ હું ફિલ્મ જોવા જવાની વાત કરું તો કેવું લાગે ? અને આપણે એક રાત માટે અહીં આવ્યાં છીએ. કાલે સવારે તો નીકળી જવાનું છે એટલે રાતનો છેલ્લો શો અનુકૂળ નહીં આવે. આપણે સાડા ત્રણ વાગ્યાના શોમાં જઈએ તો શું વાંધો છે ? ફરવાના બહાને ૩ વાગે ઘરેથી નીકળી જઈશું. કોઈને મળવા ગયાં હતાં એમ ઘરે કહી દેવાનું." અનિકેત બોલ્યો.

" હા એ વાત પણ તમારી સાચી છે. હું જ દાદાને વાત કરીશ કે અનિકેતને રાજકોટમાં કોઈને મળવાનું છે એટલે અમે બે ત્રણ કલાક માટે બહાર જઈશું. " કૃતિ બોલી.

" ઓકે. " અનિકેત બોલ્યો.

૧૫ મિનિટમાં ઘર આવી ગયું. ઘરે પહોંચ્યા ત્યારે બપોરનો દોઢ વાગી ગયો હતો. દર વખતની જેમ આજે પણ અનિકેતનું સાસરિયામાં સ્વાગત થયું.

" આવો અનિકેતકુમાર. હવે સીધા જમવા જ બેસી જાઓ. " દાદા હરસુખભાઈ બોલ્યા. આજે જમાઈ આવવાના હતા એટલે એ અને મનોજ ઘરે જ રોકાયા હતા.

શિયાળો હજુ ચાલુ હતો એટલે જમવામાં પૂરી ઊંધિયું જલેબી અને કઢી ભાત હતાં.

" દાદા અનિકેતને કોઈને મળવાનું છે એટલે અમે લોકો ત્રણ વાગે બહાર જઈશું. શ્રુતિ પણ અમારી સાથે આવશે. સાંજે રેસકોર્સ બાજુ પણ આંટો મારી આવીશું એટલે અમને આવતા થોડું મોડું થશે. " જમ્યા પછી બહાર આવીને કૃતિ હરસુખભાઈ સામે જોઈને બોલી.

" અરે પણ શ્રુતિ શું કામ તમારી જોડે આવે છે ? તમે બંને જણાં જઈ આવો ને. " દાદા બોલ્યા.

" દાદા શ્રુતિ ભલે અમારી સાથે આવતી. મારે એવું કંઈ પર્સનલ કામ નથી. હું મારું કામ પતાવું ત્યાં સુધીમાં એ લોકો ક્યાંક આંટો મારી આવશે. ઘણા સમય પછી બંને બહેનો મળતી હોય એટલે એમને વાતો પણ ઘણી કરવાની હોય. " અનિકેતે વચ્ચે પડવું પડ્યું જેથી દાદાનું ગ્રીન સિગ્નલ મળી જાય.

અને બન્યું પણ એવું જ. જમાઈ કહે એટલે પછી ના પાડવાનો કોઈ સવાલ જ ન હોય !

"ઠીક છે ઠીક છે જઈ આવો. " દાદા બોલ્યા.

અને અડધી કલાક આરામ કરીને ૩ જણની ત્રિપુટી ૩ વાગે કોસ્મોપ્લેક્સ થિયેટરમાં મુવી જોવા માટે રવાના થઈ ગઈ !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED