લલિતા - ભાગ 15 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 15

શરમાળ, ગભરુ અને સાવ ભોળી એવી લલિતાના હાથ ઉપર અર્જુનને જેવો તેનો હાથ મુક્યો કે લલિતા ગભરાઈ ગઈ. અર્જુન મુંબઈની મોટી કૉલેજ અને મોર્ડન મિત્રો સાથે રહ્યો હોય તે બિનદાસ્ત હતો પણ લલિતા માટે તો આ વસ્તુ વધારે પડતી મોર્ડન જેવી હતી.

અર્જુન જાણતો હતો કે લલિતાને કમ્ફર્ટેબલ થતાં સમય લાગશે. ફિલ્મ પુરી થતાં અર્જુન લલિતાને તેના ઘરે મુકવા જાય છે.

'લલિતા રવિવારે બપોરે 3 વાગ્યે તું નીચે આવી જજે. આપણે જુહુ બીચ જશું.' અર્જુન લલિતાને ઘરના દરવાજે સુધી મુકતા કહે છે.

લલિતા હા પાડે છે અને અર્જુન તેનાં ઘરે જાય છે. અર્જુન ઘરે પહોંચતા જ ખબર પડે છે કે તેની મમ્મીના હાથમાં ફેક્ચર આવ્યું છે.

'મમ્મી શું થયું? કેવી રીતે હાથમાં ફેક્ચર આવી ગયું? હું ગયો હતો ત્યાં સુધી તો બધું ઠીક હતું.' ગભરાયો અર્જુન તેની મમ્મીને પૂછે છે.

અર્જુન જેટલો મોર્ડન, બિનદાસ્ત અને સ્પષ્ટવક્તા હતો એટલો જ તે લાગણીશીલ પણ હતો. તેના નજીકના કોઈપણ વ્યક્તિને જરા સરખી તકલીફ પણ થતી તો તે ઉંચો નીચો થઈ જતો હતો.

'હું અને તારા પપ્પા પાછળની ગલ્લીમાં રહેતાં કાકીની ખબર કાઢવા ગયાં હતાં ત્યાં સાઈકલવાળો જોરમાં મારા તરફ ઘસી આવ્યો અને હું બેલેન્સ ગુમાવી બેસી અને સીધી નીચે પટકાઈ મારુ વજન મારા હાથ ઉપર આવી ગયું અને મારો હાથ તૂટ્યો.' ઇન્દુબેન રડતાં રડતાં કહે છે.

ઇન્દુબેનને હાથમાં ફેક્ચર આવવાથી ઘરમાં ટેન્સન વધી ગયું હતું. લગ્ન માથે હતાં. બધી તૈયારી બાકી હતી. ફેક્ચર જમણા હાથે એટલે વધારે મગજમારી હતી. મોટી વહુ પણ નોકરી કરતી હતી અને તેને બાળક. બા હતા પણ તે પણ ઉંમરલાયક કેટલું દોડી શકે? બહેન કૉલેજમાં હતી. કુટુંબ મોટું હતું પણ મુખ્ય અને મહત્વનાં કામો તો ઘરના મુખ્ય માણસોએ જ કરવાનાં હોય ને? ઘરમાં વાતાવરણ પણ નાની નાની વાતમાં ગરમાવા લાગ્યું.

રવિવારનો દિવસ આવે છે. પોતાની દરેક વસ્તુ માટે બીજા ઉપર સંપૂર્ણ રીતે નિર્ભર બની જવાને લીધે ઇન્દુબેન ખૂબ જ દુઃખી હતાં જેને લીધે તેમને વાતવાતમાં ગુસ્સો આવી જતો હતો.
'ભામિનીના પપ્પા, લગ્ન પાછળ કરી દઈએ. આવા હાથે બધું કેવી રીતે થશે. તેમાં પાછું ગામ સુધી લાંબા થવાનું છે. મારે ત્રણ મહિના પ્લાસ્ટર રહેશે. એટલે લગ્નની કોઈ તૈયારી મારાથી થશે નહીં. ' ગભરાઈ રહેલાં ઇન્દુબેન જ્યંતિભાઈને કહે છે.

'શું હાથ પગ વગરની વાત કરે છે. કંઈ એમ જ લગ્ન પાછળ જતાં રહેશે. વળી પાછું અર્જુનનું મગજ ફેરવાઈ જશે તો નવી મુસીબત. લગ્ન જે તારીખે છે તે તારીખે જ થશે. અને આમ પણ તારે શું કરવું છે. ઘરમાં આટલાં બધાં લોકો છે જોઈ લેશે.' જ્યંતિભાઈ કડક સ્વરમાં ઇન્દુબેનને ચૂપ કરતાં કહે છે.

'જુઓ, પ્રસંગની વાતમાં પુરુષ માણસને બહુ ખબર ન પડે. તમારે તો પહેરેલે કપડે આવી જવાનું હોય. અમારે બધું જોવું પડે.' ઇન્દુબેન જ્યંતિભાઈની સાથે દલીલ કરતાં કહે છે.

'શું પહેરેલે કપડે આવી જવાનું? લગ્નનો ખર્ચ, આમંત્રણ પત્રિકા, ઘરનાં લોકોના કપડાં, દાગીના, મહેમાનોને લઈ જવા માટેની તૈયારી માટે લાગતાં પૈસા તારા પિયર વાળા આપવાનાં છે?' જ્યંતિભાઈ રોષે ભરાયેલા અવાજ સાથે કહે છે.

'બધી વાતમાં મારા પિયરવાળા આવી જ જાય બરોબરને? શું બગાડ્યું છે તેઓએ? મારા જેવી ભણેલી અને નોકરી કરતી છોકરી તમારે ઘરે પરણાવી. આજે હું પણ બે પૈસા ઘરે લાવું જ છું તમને તેનાથી નાણાંકીય હાશકારો કેટલો બધો થાય છે તે તો ક્યારે કહેતાં જ નથી.' ઇન્દુબેન હવે બરોબર સંભળાવવાનાં મૂડમાં આવી ગયાં હતાં.

'શું નોકરી કરતી છોકરી સાથે પરણાવી? ભૂલી ગઈ ? આપણાં લગ્ન થયાં ત્યારે તે મેટ્રિકની પરીક્ષા આપી હતી. તે મને કહેલું કે અમારા ઘરની નાણાંકીય પરિસ્થિતિ સારી નથી જો તમે આગળ ભણાવશો તો હું ભણીશ અને નોકરી પણ કરી શકીશ. એટલે મેં તને લગ્ન બાદ ટીચરનો અભ્યાસ કરાવ્યો.' જ્યંતિભાઈ જાણે આજે યુદ્ધ કરવાનાં મૂડમાં હોય એમ બોલી રહ્યાં હતાં.

તે જ સમયે અર્જુન તૈયાર થઈને લલિતાને લેવા નીકળી રહ્યો હતો. ત્યારે જ્યંતીભાઈ પાછળથી તેને ટોકે છે.