લલિતા - ભાગ 10 Darshini Vashi દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

લલિતા - ભાગ 10

"બા તમે જ અર્જુનને માથે ચઢાવીને રાખેલો છે જુઓ તમારા અર્જુનના સંસ્કાર પિતાની સામે કેવા શબ્દોનો ઉપયોગ કરે છે જુઓ કેવી રીતે વાત કરે છે અને જરા એ પણ જુઓ કે વહુ આવશે પછી તે ઘરમાં કેટલો ખર્ચ આપી શકશે?" જ્યંતિભાઈનો ગુસ્સો હજી ઉતરવાનું નામ લઈ રહ્યો નહતો. જો અર્જુન સામે હોત તો હજી બીજી લોફો મારી દીધો હોત.

બા જ્યંતિભાઈનાં હાથ જોરથી પકડીને તેને કહે છે, "જ્યંતિ, અર્જુનના સંસ્કારની તો આપણે પછી વાત કરીએ પણ તારા સંસ્કાર ક્યાં ગયાં? થોડા દિવસમાં જે છોકરાના લગ્ન થવાનાં છે તેને તું બધાંની વચ્ચે તમાચો મારી દેઈ છે તેને કેવા સંસ્કાર કહેવાય. જો અર્જુનમાં સંસ્કાર ન હોત તો તમાચો નો જવાબ આપતાં તેને વાર ન લાગી હોત."

અર્જુન તેના બિલ્ડીંગની નીચે દાદરા ઉપર બેસીને રડી રહ્યો હતો. તે વિચારતો હતો કે, " આખી જિંદગી મેં દરેક વાતમાં એડજસ્ટમેન્ટ કર્યું. મોટાભાઈને બધો પ્રેમ મળ્યો, બહેન નાની છે એટલે એમ તેને બધાંની હૂંફ મળે છે તો પછી મારી સાથે જ કેમ અન્યાય થાય છે. નાનપણથી મારા પપ્પાને કેમ મારા માટે એક અણગમો છે. તેમણે જ્યાં કહ્યું ત્યાં જઈને મેં નોકરી કરી. નોકરીમાં અપમાનનો ઘૂંટ પી ને પણ પપ્પાનું માન જાળવવા મેં નોકરી ચાલુ રાખી હતી. બેંકમાં સારી પોસ્ટ પર નોકરી મળી રહી હતી પણ ત્યાં પૈસા ભરવા પડે એમ હતું તો ત્યાં પણ પપ્પાએ પૈસા આપવાની ના પાડી દીધી. એટલે નોકરી ન મળી. બીજી બેંકમાં નોકરી મળતી હતી ત્યાં મોટાભાઈ પણ ઇન્ટરવ્યૂ આપવા આવેલા તેઓ પરણેલા હતાં અને તેઓને સારી નોકરીની વધારે જરૂર હતી એટલે મેં ત્યાંથી પાછી પાની કરી લીધી. મારી જાતે વ્યવસાય શરૂ કરવાનું નક્કી કર્યું તો ત્યાં પણ પપ્પાએ મને સ્પોર્ટ ન કર્યો અને મને કટુવચન કહેલાં. તેમ છતાં, મારે આ ઉંમરમાં પણ પપ્પાનો માર ખાવો પડે છે? આ તો હદ થઈ ગઈ."

બા અને ઇન્દુબેન અર્જુનને નીચે લેવા આવે છે પણ અર્જુન ઘરે આવવાની ના પાડે છે. ખૂબ મનાવ્યાં છતાં અર્જુન ઘરે આવવાની ચોખ્ખી ના પાડે છે આખરે બા એ પોતાના સોંગદ્ય આપ્યાં એટલે હવે અર્જુન પાસે બીજો કોઈ માર્ગ બચ્યો નહતો. અર્જુન અનહદ ક્રોધ અને નફરત સાથે ઘરમાં આવે છે અને એક ખૂણામાં બારી પાસે જઈને બેસી જાય છે.

બા કરુણાને કહે છે કે ચલો ગાદલા પાથરી દો મોટી વહુ. આજનો દિવસ હવે પૂરો થયો કાલે નવો દિવસ અને નવી શરૂઆત કરીશું. તે સમયમાં પણ અર્જુન મુંબઈમાં એક બેડરૂમ હોલ કિચનમાં રહેતો હતો જેમાં એક રૂમમાં તેના ભાઈ ભાભી તેના સંતાન સાથે સુતા હતા. તો બીજી રૂમમાં જ્યંતિભાઈ, ઇન્દુબેન અને ભામિની અને બા સુતા હતાં તો અર્જુન કિચનમાં સૂતો હતો.

બીજા દિવસે સવારે અર્જુન રોજનું કામ પતાવીને ઓફીસ નીકળી ગયો. મિત્રોને સારા સમાચાર જણાવ્યાં. મિત્રો સાથે વાત કરીને અર્જુન ઘણું હળવું ફિલ કરવા લાગ્યો. અર્જુન મિત્રએ કહ્યું કે," અર્જુન, લગ્નને તો હજી ત્રણ મહિનાની વાર છે તો આ ટાઈમમાં તું શું કરીશ?"

"શું કરીશ એટલે?" અર્જુન આશ્ચર્ય સાથે પૂછે છે.

"અરે યાર, હનીમૂન પિરિયડ કરતાં પણ આ પિરિયડ સૌથી વધારે રોમેન્ટીક હોય છે આ ત્રણ મહિના મજા કરી લે."

"અર્જુન મરક મરક મલકાઈ છે. પણ તરત પાછો બોલે છે કે અરે દોસ્ત, મજા કરવા માટે ખિસ્સામાં પૈસા પણ જોઈએ. મારો મોટા ભાગનો પગાર તો હું મારા પપ્પાને આપી દઉં છું. બાકી જે બચે છે તે તો મારા ખિસ્સા ખર્ચમાં વપરાય જાય છે. અને.." અર્જુનની વાત ને વચ્ચેથી અટકાવતાં તેના મિત્રો કહે છે "શું દોસ્ત, અમે ક્યારે કામ આવશું. એક કામ કરીએ અમે તારા અને લલિતા ભાભી માટે પિક્ચરની ટીકીટ બુક કરાવીએ છીએ. હમણાં નવું પિક્ચર આવ્યું છે એકદમ રોમેન્ટિક. તમને સાથે પિક્ચર જોવાની ખૂબ મજા આવશે" એમ નટખટ હાસ્ય સાથે બધા અર્જુનની ખેંચવા માંડે છે.