Sapnana Vavetar - 29 books and stories free download online pdf in Gujarati

સપનાનાં વાવેતર - 29

સપનાનાં વાવેતર પ્રકરણ 29

ફેમિલી સાથે વાત કરીને અનિકેતે પોતાનો મોબાઈલ બંધ કરી દીધો. પોણા દસ વાગવા આવ્યા હતા એટલે એણે પછી સૂઈ જવાનું નક્કી કર્યું.

ગાડીની વધુ પડતી સ્પીડના કારણે બારીમાંથી ખૂબ જ ઠંડો પવન આવતો હતો. એણે પોતાની સાઇડની બંને બારીઓ બંધ કરી દીધી. ઓઢવાની શાલ તો બેગમાં ચોરાઈ ગઈ હતી. એ તો સારું હતું કે એણે ગરમ જેકેટ પહેરેલું હતું અને માથે ગરમ ટોપી પણ. એ ટૂંટિયું વાળીને સૂઈ ગયો.

હમણાં હમણાંથી એણે પાંચ માળા ચાલુ કરી હતી એટલે સવારે છ વાગે તો એ ઊભો થઈ જતો હતો. બરાબર છ વાગે આજે પણ એની આંખ ખુલી ગઈ. એ આખી રાત શાંતિથી ઊંઘી ગયો હતો એનું કારણ એક જ હતું કે એને રાત્રે કોઈએ ગરમ શાલ ઓઢાડી દીધી હતી. એને ખૂબ જ આશ્ચર્ય થયું. આ શાલ કોણે ઓઢાડી હશે ? શાલ પણ આખા શરીરે ઓઢી શકાય એટલી લાંબી હતી. આજુબાજુ બધા જ સૂતા હતા. બધા જાગે ત્યારે જ ખબર પડે !

એ બાથરૂમ જઈ આવ્યો અને ત્યાં બેસીનમાં મ્હોં પણ ધોઈ લીધું. બ્રશ અને પેસ્ટ તો ચોરાયેલી બેગમાં જ હતાં. એ પોતાની બર્થ ઉપર આવીને બેસી ગયો. શાલને વાળી દીધી. માળા તો બેગમાં હતી એટલે હાથના વેઢાથી જ એણે ગાયત્રી મંત્રની માળા ચાલુ કરી. પાંચ માળા એણે હાથના વેઢાથી પૂરી કરી. એને શાંતિનો અનુભવ થયો.

બરાબર ૭ વાગે દિલ્હીનું નિઝામુદ્દીન સ્ટેશન આવી ગયું. ઘણા બધા મુસાફરો અહીં ઉતરી ગયા અને નવા લોકો ચડ્યા. એની સામેની બર્થના બે યુવાનો પણ અહીં ઉતરી ગયા. દિલ્હી આવ્યું હોવાથી રજનીકાંત અંકલ અને આન્ટી પણ જાગી ગયાં. એમણે વચ્ચેની બર્થ નીચે ઉતારી દીધી જેથી સરખાં બેસી શકાય. તેમની નાની દીકરી સૌથી ઉપરની બર્થ ઉપર સૂતી હતી.

બરાબર એ જ વખતે ચા વેચવા વાળો વેન્ડર એમના કોચમાં આવ્યો એટલે રજનીકાંતભાઈએ તરત જ ત્રણ ચા લઈ લીધી અને એક ચા અનિકેતને આપી. સવાર સવારમાં સાત વાગે ચા મળી ગઈ એટલે અનિકેતનું મન પ્રસન્ન થઈ ગયું.

"અરે આન્ટી આ શાલ તમારી છે ? મને રાત્રે તમે ઓઢાડેલી ? " ચા પીધા પછી અનિકેતે કોકિલા આન્ટીને પૂછ્યું.

" ના ભાઈ. મેં તો નહોતી ઓઢાડી. તમે સૂઈ ગયા પછી અમે લોકો પણ તરત જ સૂઈ ગયાં" આન્ટીએ જવાબ આપ્યો.

અનિકેતને ઘણું આશ્ચર્ય થયું. કોણે શાલ ઓઢાડી હશે ? ટ્રેઈન ૧૫ મિનિટ ત્યાં ઉભી રહી. કદાચ એન્જિન અહીં બદલાતું હશે.

ટ્રેઈન ઉપડી એ પછી એક યુવાન અનિકેતની ઉપરની બર્થ ઉપરથી નીચે ઉતર્યો અને વોશરૂમ તરફ ગયો. દસેક મિનિટમાં એ પાછો આવ્યો અને એણે અનિકેત પાસે શાલ પાછી માગી.

" અબ તો જરૂર નહીં હૈ ના ભૈયા ? મૈં રાતકો બાથરૂમ જાને કે લિયે નીચે ઉતરા તો દેખા કી આપ કો બહોત ઠંડ લગ રહી થી. મેરે પાસ દો શાલ થી તો એક આપકો ઓઢા દી. " પેલો યુવાન જે ભોપાલથી ચડ્યો હતો એણે કહ્યું.

" બહોત બહોત શુક્રિયા ભાઈ ! મૈં સુબહસે સોચ રહા થા કિ યે શાલ મુજે કિસને ઓઢા દી ! મૈને યે આન્ટી કો ભી પૂછા. " અનિકેત બોલ્યો અને એણે શાલ પેલા યુવાનને પાછી આપી.

યુવાન પાછો ઉપરની બર્થ ઉપર ચડવા જતો હતો પરંતુ અનિકેતે એને કહ્યું કે એની ઈચ્છા હોય તો એ નીચેની બર્થ ઉપર બેસી શકે છે. કારણ કે હવે દિવસે તો સૂવાનું છે જ નહીં.

પેલા યુવાનને આ સૂચન ગમ્યું અને એ અનિકેતની બર્થ ઉપર જ બીજા છેડે બેસી ગયો.

સવારે ૯ વાગે મેરઠ સ્ટેશન આવ્યું ત્યારે ફરીથી રજનીકાંતભાઈએ ચા વેચતા વેન્ડર પાસેથી ૪ કપ ચા લીધી. નાની બેબીને ચા પીવાની બાકી હતી. એમણે ફરી એક કપ અનિકેતને આપ્યો.

" શિયાળાની ઠંડીમાં અત્યારે સવારમાં ગરમ ગરમ ચા વધારે સારી લાગે છે. પહેલાંના જમાનામાં તો કાચના કપ રકાબીમાં ચા પીવા મળતી. ચા પણ વધારે આવતી. હવે આ પેપર કપમાં ચા આપવા લાગ્યા" રજનીકાંત ભાઈ બોલ્યા.

"તમારી વાત સાચી છે અંકલ. કિંમત વધે છે એમ સાઈઝ નાની થતી જાય છે. " અનિકેત બોલ્યો.

મેરઠથી એક સરદારજી અને એમની પત્ની કોચમાં ચડ્યાં અને સામેની બર્થ ઉપર જે બે સીટ ખાલી હતી ત્યાં બેસી ગયાં. સરદારજીની ઉંમર લગભગ ૪૦ ની હશે. એ બન્ને ખૂબ જ ટેન્શનમાં હતાં એવું અનિકેતને લાગ્યું.

સરદારજી વારંવાર મોબાઇલ ઉપર પંજાબી ભાષામાં કોઈની સાથે વાત કરતા હતા. એની પત્ની કદાચ રડી હશે એવું પણ લાગતું હતું.

અનિકેતને એમને પૂછવાનું મન થયું પરંતુ કોઈને ગમે કે ના ગમે એટલે થોડી વાર સુધી તો એ કંઈ બોલ્યો નહીં.

"માફ કીજીયેગા પાજી લેકિન આપકા ટેન્શન મેં જાન સકતા હું ? મેં કબસે દેખ રહા હું કી આપ દોનોં બહોત ટેન્શન મેં હો. " ટ્રેઈન ઉપડ્યા પછી થોડીવાર રહીને અનિકેતે વિનમ્રતાથી સરદારજીને પૂછી જ નાખ્યું.

"કયા બતાઉં ભાઈ ! મેરા ૧૩ સાલ કા બેટા પતંગ ચગાને કે લિયે દુસરે મજલે કી છત પર ચડા થા તો પૈર ફિસલ ગયા ઓર સીધા નીચે ગીરા. એક ઘંટે પેહલે યે હાદસા હુઆ હૈ. મેરા છોટાભાઈ ઉસકો હોસ્પિટલ લેકે ગયા હૈ. અભી ભી વો બેહોશ હે. ભાઈને બોલા કી ઉસકી પસલી કી હડ્ડી શાયદ તૂટ ગઈ હૈ. સર પે ભી ચોટ આયી હૈ." સરદારજી બોલ્યા.

"દસ મિનિટ રૂકો. આપ બતા સકતે હો વો અભી કૌનસી હોસ્પિટલ મે હૈ ? " અનિકેતથી બોલાઈ ગયું.

" જી. નિર્મલ આશ્રમ હોસ્પિટલ. બડી હોસ્પિટલ હૈ. " સરદારજી બોલ્યા.

અનિકેત એકદમ ધ્યાન મુદ્રામાં બેસી ગયો અને બંને આંખો બંધ કરી દીધી. આ બધું આપોઆપ જ થઈ રહ્યું હતું. એને લાગ્યું કે એના શરીરમાં કોઈ અજબ પરિવર્તન થઈ રહ્યું છે. એની દિવ્ય દ્રષ્ટિ જાણે કે ખુલી ગઈ છે. એ હોસ્પિટલમાં પહોંચી ગયો છે અને સરદારજીના દીકરાને પ્રત્યક્ષ જોઈ રહ્યો છે. એના પોતાના દિવ્ય શરીરમાંથી એક ઊર્જા નીકળીને એ છોકરાના શરીરમાં દાખલ થઈ રહી છે.

દસ મિનિટ સુધી આવો અનુભવ રહ્યો અને પછી તરત જ અનિકેત એકદમ નોર્મલ થઈ ગયો. એને પોતાને પણ સમજાયું નહીં કે એની સાથે આ બધું શું થઈ ગયું !! છતાં એને બધું જ યાદ હતું.

" પાજી આપ બિલકુલ ચિંતા મત કરો. આપકા બેટા નિર્મલ એકદમ નોર્મલ હો રહા હૈ. ચોટ તો ગેહરી થી લેકિન અબ ઉસકે સારે ટેસ્ટ એકદમ નોર્મલ આયેંગે. વો હોશમેં આ રહા હૈ થોડી દેર મેં આપકે ભાઈ કા ફોન ભી આ જાયેગા. " અનિકેત યંત્રવત્ બધું બોલી ગયો. કોણે આ બધું બોલાવ્યું એ એને કંઈ ખબર જ ના પડી.

"અરે ક્યા કહ રહે હો ભૈયા ? આપને ઉસકા નામ ભી લીયા તો આપ કૌન હો ઓર મેરે બેટે નિર્મલ કો કૈસે જાનતે હો ? " સરદારજી આશ્ચર્યથી બોલ્યા.

પરંતુ અનિકેત કંઈ જવાબ આપે તે પહેલાં જ સરદારજી ઉપર એના ભાઈનો ફોન આવ્યો. ત્રણ મિનિટ વાત ચાલી.

"અરે ભૈયા યે તો ચમત્કાર હુઆ. ડોક્ટર ભી આશ્ચર્યમેં પડ ગયે હૈ. જૈસે બેટે કો કુછ હુઆ હી નહીં હૈ. પસલી તૂટ ગઈ હે એસા ઉનકો લગ રહા થા લેકિન એક્સ રે નીકાલા તો ઉનકો સબ નોર્મલ દિખ રહા હૈ. કહીઁ કોઈ હડ્ડી ભી તૂટી નહીં હૈ. ડોક્ટર કો અબ એમઆરઆઈ કરવાને કી ભી જરૂરત નહીં લગ રહી. ડોક્ટરને ભી બોલા કી યે તો એક ચમત્કાર હી હૈ" સરદારજી નો નાનો ભાઈ ફોન ઉપર કહી રહ્યો હતો.

" આપકી બાત એકદમ સચ નીકલી. મેરા બેટા એકદમ નોર્મલ હૈ ઔર હોશમેં ભી આ ગયા હૈ. આપને તો કમાલ કર દીયા ભૈયા. " સરદારજી બોલ્યા.

"જી પાજી. આપ ટેન્શન મત કરો. બેટા આજ હી ઘર વાપસ આ જાયેગા. મેરે ગુરુજીને સબ ઠીક કર દિયા હૈ. મૈંને ઉનકો પ્રાર્થના કી હૈ " અનિકેત બોલ્યો.

" અરે ભૈયા આપ તો હમારે લિયે ભગવાન હો. આપ કહાં સે આ રહે હો ઔર કહાં જા રહે હો ? હમકો ભી સેવા કા મૌકા દો." સરદારજી બે હાથ જોડીને બોલ્યા. એમના માટે તો અનિકેત ખરેખર ભગવાન બની ગયો હતો.

" જી મૈં મુંબઈ સે આ રહા હું ઔર ઋષિકેશ જા રહા હું. " અનિકેત બોલ્યો.

"અરે હમ ભી તો ઋષિકેશ જા રહે હૈં. ઋષિકેશમેં આપ કહાં ઠહેરને વાલે હૈ ? " સરદારજી બોલ્યા.

" જી મૈં તો પહેલી બાર જા રહા હું. કોઈ હોટેલ યા ધર્મશાલા ઢૂંઢ લુંગા." અનિકેત બોલ્યો.

" અરે ભૈયા આપકો હોટલ ઢૂંઢને કી ક્યા જરૂરત હૈ ? સિક્રેટ ફોલ કે પાસ મેરી ખુદ કી હોટલ શિવ ઈન હૈ. મુજે સેવા કરને કા મૌકા દો ઓર હમારે સાથ હી ચલો. અબ મૈં આપકો કહીં જાને નહીં દુંગા. જીતના દિન ચાહો આપ મેરી હોટલ મેં ઠહેર સકતે હો. " સરદારજી ફરી હાથ જોડીને બોલ્યા.

"જી બહોત બહોત શુક્રિયા" અનિકેત એટલું જ બોલ્યો. એ ના ન પાડી શક્યો કારણ કે એ કોઈ પણ હોટલ કે ધર્મશાળામાં રોકાઈ શકે તેમ ન હતો. એની પાસે રહેવા માટે કે જમવા માટે એક પણ રૂપિયો ન હતો. અરે હરિદ્વાર ઉતરીને ઋષિકેશ કેમ જવું એ પણ એક મોટું ટેન્શન હતું.

" મેરા નામ કિરપાલસિંગ હૈ. મેરા ડ્રાઈવર ગાડી લેકે હરિદ્વાર મેં એક બજે આ જાયેગા. હમ ઉસમેં સાથ હી ઋષિકેશ ચલેંગે. મૈં આપકો મેરી હોટલમેં છોડ દુંગા ઔર સીધા બેટે કો મિલને ઘર પર જાઉંગા. હોટલ મેં પૂરી સુવિધા હૈ. ગરમ પાની ભી આતા હૈ. સાબુન ટુવાલ સબ આપકો વહાં ડીલક્ષ રૂમમેં મિલેગા." સરદારજી બોલ્યા.

"હાં ભાઈસાહબ આપ હમારી હોટલ મેં હી ઠહેરો. આપકો કહીં જાને કી જરૂરત નહીં હૈ. આપને હમારે લિયે ઇતના કુછ કિયા હૈ. હમ આપકે બહોત શુક્રગુજાર હૈં " સરદારજીની પત્ની બોલી.

" જી ઠીક હૈ. આપ લોગ ઇતના કુછ કહ રહે હૈં તો મેં આપકે સાથ હી આ રહા હું." અનિકેત બોલ્યો.

આ બધી જ વાત રજનીકાંતભાઈ અને કોકીલાબેન સાંભળી રહ્યા હતા. એમને પણ ઘણું આશ્ચર્ય થયું હતું. આ યુવાને આ સરદારજીના દીકરાને એકદમ નોર્મલ કઈ રીતે કરી દીધો હશે ! આ જરૂર કોઈ તપસ્વી યુવાન હશે !!

" અનિકેતભાઈ તમારી પાસે આટલી બધી શક્તિઓ હશે એ તો અમને અત્યારે જ ખબર પડી. તમારી ઉપર ભગવાનની કૃપા છે. જુઓ તમારી બેગ ચોરાઈ ગઈ. પૈસા પણ કદાચ ચોરાઈ ગયા. છતાં ઈશ્વરે અમને નિમિત્ત બનાવ્યાં અને કાલે તમને જમાડવાનો મોકો આપ્યો. આ અજાણ્યા ભાઈએ પણ તમને રાત્રે શાલ ઓઢાડી." રજનીકાંતભાઈ બોલ્યા.

"હું તો સાવ એક સંસારી યુવાન છું વડીલ. જે પણ થઈ રહ્યું છે એ બધું મારા ગુરુજીની કૃપાથી થઈ રહ્યું છે અંકલ." અનિકેત બોલ્યો. આ બધાં ઘટના ચક્રોને યાદ કરીને એનું હૃદય ભરાઈ આવ્યું હતું.

જો કે અનિકેત ઉપર આ બધી જ કૃપા પેલા હિમાલયવાળા સંન્યાસી મહાત્મા કરી રહ્યા હતા. અનિકેતના મોટા દાદાની સૂચનાથી અનિકેત જ્યારથી ટ્રેઈનમાં બેઠો ત્યારથી અનિકેતની બધી જ જવાબદારી એ સિદ્ધ સંન્યાસી મહાત્માએ સંભાળી લીધી હતી પરંતુ અનિકેત આ બધાથી અજાણ હતો !!

બપોરે જમવાનો ટાઈમ થયો ત્યારે રજનીકાંતભાઈએ પેન્ટ્રી કારમાં ચાર નામ લખાવી દીધાં અને એમાં અનિકેત માટે પણ ભોજનની વ્યવસ્થા થઈ ગઈ.

" કાલે બે ટાઈમ આપણે ઠંડાં થેપલા જ ખાધાં છે એટલે અત્યારે એક વાર ગરમ ભોજન જમી લઈએ." અંકલ બોલ્યા.

અનિકેતને કંઈ બોલવા જેવું હતું જ નહીં. છતાં એ "જી અંકલ" બોલ્યો.

થોડીવારમાં જમવા માટેની પ્લેટ આવી ગઈ. પેક કરેલી પ્લેટમાં બે પરોઠા, પનીર વટાણાનું મિક્સ શાક, દાળ, ભાત અને દહીં હતાં. ગઈકાલે ઠંડુ ખાધું હતું એટલે આજે ગરમ ગરમ ખાવાથી ખૂબ જ સંતોષ થયો.

બપોરે બરાબર ૧ અને ૧૦ મિનિટે હરિદ્વાર આવી ગયું. આ છેલ્લું સ્ટેશન હતું એટલે બધા જ ધીમે ધીમે ઉતરતા હતા. પ્લેટફોર્મ ઉપર ઉતરીને અનિકેતે રજનીકાંતભાઈ અને કોકીલા આન્ટીનો દિલથી આભાર માન્યો.

" અરે અનિકેતભાઈ તમારે આભાર માનવાનો હોય જ નહીં. તમારી ઉપર તો સીધી તમારા ગુરુજીની કૃપા છે. તમારું બધું ધ્યાન એ જ રાખે છે એ અમારી નજરો નજર અમે જોયું. આ સરદારજી મળી ગયા અને તમારી રહેવાની વ્યવસ્થા થઈ ગઈ એ પણ અમે તો ચમત્કાર જ માનીએ છીએ. તમારા બધા જ પૈસા અને એટીએમ કાર્ડ પણ તમારી બેગમાં હશે અને એ બધું ચોરાઈ ગયું છે એ અમે સમજી લીધું છે. તમારી ઋષિકેશની યાત્રા સફળ રહે એ જ અમારી ભાવના છે. આ મારું કાર્ડ તમે રાખો. મુલુંડમાં આવો તો દુકાને પધારશો." કહીને રજનીકાંતભાઈએ પોતાની રેડીમેડ ગારમેન્ટ શોપનું કાર્ડ આપ્યું.

" જી અંકલ જરૂર આવીશ. તમારી કંપનીમાં આટલી લાંબી યાત્રા પણ સરસ રીતે થઈ ગઈ. " કહીને અનિકેત બે હાથ જોડીને છૂટો પડ્યો.

સ્ટેશનની બહાર સરદાર કિરપાલસિંગ ની ગાડી આવી ગઈ હતી. ગાડીમાં અનિકેત ડ્રાઇવરની બાજુની સીટમાં બેસી ગયો અને સરદારજી એમની પત્ની સાથે પાછળની સીટ ઉપર બેઠા.

" અરે ભૈયા આપકા સામાન કહાં ? " ગાડી સ્ટાર્ટ થાય તે પહેલાં કીરપાલ સિંગે અનિકેતને પૂછ્યું.

" યહી તો મેરા પ્રોબ્લેમ હૈ પાજી. રાત સાડે આઠ બજે નાસિક રોડ સ્ટેશન પર હમ નીચે ઉતરે થે તબ મેરી બેગ કિસી ઠગને ચુરા લી. સારે કપડે, મેરે પૈસે, ઓઢને કી શાલ, મોબાઈલ કા ચાર્જર, રાસ્તેમેં ખાને કા નાસ્તા જો ઘર સે બનાયા થા સબ ચોરી હો ગયા. મેરે ખાને કા પુરા ઇન્તેજામ વો અંકલ ને કીયા. " અનિકેત બોલ્યા.

" ફિકર મત કરો ભૈયા. જો જો આપકો ચાહિયે વો સબ ઋષિકેશ મે મિલ જાયેગા. એક ભી રૂપિયા દેને કી આપકો જરૂરત નહીં હૈ. મેરી હોટલ મેં ખાને કે લિયે રેસ્ટોરન્ટ હૈ તો વો ભી ટેન્શન નહીં હૈ. " કિરપાલસિંગ બોલ્યા.

ઋષિકેશની ભીડથી થોડેક દૂર સિક્રેટ ફોલ પાસે શિવ ઈન હોટલ આવી હતી. એક કલાકમાં સરદારજીની ગાડી હોટલના કમ્પાઉન્ડમાં આવી ગઈ. સરદારજી નીચે ઉતર્યા અને અનિકેતને લઈને રિસેપ્શન કાઉન્ટર ઉપર ગયા.

" અરે મનોજ, યે અનિકેતભાઈ મેરે મહેમાન હૈ. ઉનકો અચ્છા ડીલક્ષ રૂમ દે દો. એકદમ વીઆઈપી ટ્રીટમેન્ટ ઉનકો મિલની ચાહિયે. રેસ્ટોરન્ટ મેં ભી બોલ દેના. ઉનકા બેગ ટ્રેઈન મેં ચોરી હો ગયા હૈ. ઉનકો જો ભી જરૂરત હૈ વો બાજારસે મંગવા લેના. મૈં ઘર જાકર આતા હું. મેરે બેટે સે મિલના બહોત જરૂરી હૈ. " કિરપાલસિંગ બોલ્યા.

"નિર્મલ એકદમ ઠીક હૈ સર. વો ઘર પે આ ગયા હૈ. હમ લોગ ભી બહોત ટેન્શનમેં આ ગયે થે. " મનોજ બોલ્યો. એ કોઈ લોકલ હિન્દીભાષી હતો.

"હા ભાઈકા ફોન આ ગયા થા. ચલો અબ મેં નીકલતા હું. સર કા ધ્યાન રખના. " કહીને સરદારજી નીકળી ગયા.

મનોજે ગંગા નદીનું દર્શન થાય એવો સુંદર ડીલક્ષ રૂમ અનિકેતને આપી દીધો. રૂમમાં તમામ સગવડ હતી. નાહવા માટે ટુવાલ અને સાબુ તો સવારે બ્રશ કરવા માટે બ્રશ, નાની ટૂથપેસ્ટ વગેરે તમામ સામાન મૂકેલો હતો. દાઢી કરવા માટે ડિસ્પોઝેબલ જીલેટ ની બ્લેડ પણ મૂકેલી હતી. કેટલી બધી વ્યવસ્થા આ હોટલમાં હતી ! અરે ચા પાણી અને બે ટાઈમ જમવા માટે રેસ્ટોરન્ટ પણ હતી !!

"સર જી ખાના ખાને ચલના હૈ ક્યા ?" મનોજ બોલ્યો. એ અદબ વાળીને ઉભો હતો.

" જી નહીં. દો પહેરકા ખાના તો મેને ટ્રેઈન મેં ખા લિયા હૈ. અબ રાત કો દેખેંગે. તુમ એક કામ કરો. આઈફોન કા એક ચાર્જર મુજે બાજાર સે મંગવા દો. " અનિકેત બોલ્યો.

"જી અભી મંગવા દેતા હું સર." કહીને મનોજ રૂમનો દરવાજો બંધ કરીને બહાર નીકળી ગયો.

બેગ ભલે ચોરાઈ ગઈ પરંતુ ઋષિકેશ યાત્રાની પૂરી જવાબદારી ગુરુજીએ સંભાળી લીધી હતી !!
ક્રમશઃ
અશ્વિન રાવલ ( અમદાવાદ)

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED