'અરે...અર્જુન કુમાર તમે! આવો આવો' પ્રકાશભાઈ અર્જુને ઘરના દરવાજેથી આવકારે છે. 'તમારે અચાનક આવવાનું થયું... મતલબ કોઈ સાથે સંદેશો મોકલ્યો હોત તો સારું થયું હોત. અમે તમારા સ્વાગતની તૈયારી કરી શક્યા હોત... કંઈ વાંધો નહીં હું પાણી લઈ આવું'
'અરે ના ના... હું ઘરેથી જ આવ્યો છું. મારે તમારી પરમિશન જોઈતી હતી.' અર્જુન થોડી શરમ સાથે સ્પષ્ટ રીતે પોતાની વાત રજૂ કરતાં આગળ કહે છે. 'હવે મારા અને લલિતાના લગ્ન થવાનાં છે એટલે અમે એકબીજાને વધુ સારી રીતે જાણી અને સમજી શકીએ તે માટે હું લલિતાને બહાર લઈ જવા માંગુ છું. મતલબ કે મારા મિત્રોએ મને પૂછ્યા વિના જ આવતી કાલની ફિલ્મની ટીકીટ બુક કરી દીધી છે તો તમે પરવાનગી આપો તો હું લલિતાને ફિલ્મ બતાવવા લઈ જઈ શકુ?'
અર્જુનને અચાનક પૂછેલા સવાલથી પ્રકાશભાઈ મુંઝવણમાં પડી જાય છે એમને સુજતું નથી તે શું બોલે એટલે તેઓ કહે છે, 'લલિતા અને તેની બહેન અત્યારે ઘરે નથી તેઓ લગ્ન માટે ખરીદી કરવા નીકળ્યાં છે તેઓ આવશે એટલે હું વાત કરીને તમને સંદેશો મોકલીશ.'
'ઠીક છે. તો હું રજા લઉં...' અર્જુનના આ વાક્યને વચ્ચેથી અટકાવીને પ્રકાશભાઈ કહે છે, ' અરે ના ના એમ કંઈ જવાતું હશે પહેલી વાર ઘરે આવ્યા છો. એમને એમ જશો તો અપમાન થશે.' એમ કહીને પ્રકાશભાઈ રસોડામાંથી નાનખટાઈ નો ડબ્બો લઈ આવ્યા અને ડિશમાં મૂકીને અર્જુનને ઘરી.
' જો ઘરમાં સ્ત્રીઓ હોત તો તમારું સ્વાગત અત્યંત સરસ રીતે થઈ શક્યું હોત પણ મારાથી થાય એ રીતે હું કરી રહ્યો છું.' એમ પ્રકાશભાઈ પ્લેટના નાનખટાઈને ગોઠવતાં કહે છે.
'બસ બસ મને નાન ખટાઈ બહુ ભાવતી નથી. એક જ ટુકડો મુકો અને તમે મનમાં એવું કંઈ નહીં રાખો કે સ્વાગત થવું જોઈએ. હવે જમાનો સુધરી રહ્યો છે. આપણે જ તેમાં સુધારા લાવવા જોઈએ. મને આ બધાં વ્યવહાર વિસ્તારમાં રસ નથી. ચલો, હું રજા લઉં.' નાન ખટાઈનાં ટુકડાને હાથમાં લઈને અર્જુન લલિતાના ઘરેથી રજા લેઈ છે.
મોડી સાંજે જ્યારે લલિતા તેની બહેન અને બહેનની સાસુ સાથે પરત ફરે છે ત્યારે પ્રકાશ ભાઈ બધાંને હૉલમાં બોલાવે છે. ' આજે અર્જુન કુમાર આવ્યાં હતાં' પ્રકાશભાઈ જેવું આ બોલ્યા ત્યાં તો લલિતાના હદયમાં ધબકારા વધવા માંડ્યા હતાં. ચહેરો શરમ અને ખુશીથી ગુલાબી થઈ રહ્યો હતો. પ્રકાશભાઈ આગળ કહે છે, ' અર્જુન કુમાર લલિતાને ફિલ્મ જોવા માટે લઈ જવા માંગે છે.' પ્રકાશભાઈ જેવું આ વિધાન કરે છે લલિતાના મુખમાંથી શબ્દો સરી પડે છે, ' ના ના મારે ફિલ્મ જોવા નથી જવું.'
ખરેખર, તો લલિતા ગભરાટ અનુભવી રહી હતી. આજ સુધી તેણે કોઈ પરપુરુષની સાથે ખુલ્લા મને વાત પણ કરી નહતી તેમજ તે શરમાળ હતી એટલે અર્જુન જેને તે એક જ વખત મળી છે તેની સાથે ફિલ્મ જોવા જવાનું સાંભળીને તે ગભરાઈ જાય છે.
'લલિતા શું થયું કેમ ગભરાયેલી છે? અમને પણ કંઈ આ બાબતે સુજતું નથી પણ એમાં ગભરાવવાની કોઈ જરૂર નથી. તું ચિંતા નહીં કર હું પોતે જઈને અર્જુન કુમારને સમજાવીશ.' એમ પ્રકાશભાઈ લલિતાને સમજાવતાં કહે છે.
વાર્તાલાપ પત્યા બાદ રાત્રે સૂતી વખતે પ્રકાશભાઈના મમ્મી લલિતાને કહે છે, ' દીકરા, આવી રીતે ના ન પાડી દેવાઈ. તારી છાપ અર્જુન કુમાર આગળ સારી નહીં પડે. લગ્ન સુધીનો સમય ઘણો નાજુક હોય છે. લગ્ન સબંધ તોડવા માટે એક નાનું સરખું તળખલું પણ કામ કરી જાય છે. આવી રીતે શરમાશે અને ગભરાશે તો કેવી રીતે ચાલશે. મારા માટે કુમાર હમણાં બન્યો પણ હું તો પહેલાં તેને અર્જુન જ કહેતી. તે નાનો હતો ત્યારથી હું તેને ઓળખું છું. તે સારો છોકરો છે તને જરા સરખું પણ અજાણ્યું નહીં લાગવા દેશે. હવે, તું તારી સાંકડી વિચાર ધારામાંથી બહાર આવ'
લલિતા આખી રાત બા એ કહેલા શબ્દો ઉપર ગંભીરતા પૂર્વક વિચાર કરે છે
(ક્રમશ)