સપનાનાં વાવેતર - 25 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 25

સપનાનાં વાવેતર પ્રકરણ 25

દેવજીએ ગાડી મુલુંડથી લાલ બહાદુર શાસ્ત્રી માર્ગ થઈને હીરાનંદાની બાજુ લીધી અને ત્યાંથી ગાડીને સીધી ફોર્ટ તરફ લઈ લીધી. સૌપ્રથમ ગેટવે ઓફ ઇન્ડિયા જવાનું હતું.

" મુંબઈનો આ બહુ જૂનો એરીયા છે. વર્ષો પહેલાં વહાણો અને સ્ટીમરો અહીં થઈને મુંબઈમાં પ્રવેશ કરતાં હશે. પાકો ઇતિહાસ તો મને પણ ખબર નથી. મુંબઈ આવતા તમામ પ્રવાસીઓ એકવાર તો ગેટ વે ઓફ ઇન્ડિયાની મુલાકાત લે જ છે. સામે જે મોટું બિલ્ડીંગ દેખાય છે તે તાજમહેલ હોટલ છે. એ પણ મુંબઈની શાન છે." અનિકેત બોલ્યો.

અહીં માત્ર ફરવાનું જ હતું એટલે અનિકેત લોકોએ ગેટ વે ઓફ ઇન્ડિયાની આજુબાજુ ચક્કર માર્યું અને પછી ગાડીમાં જઈને બેઠાં. પહેલાં તો અહીં ઘણાં યુગલો અને પરિવારો ત્યાં ફરતા ફોટોગ્રાફરો પાસે ફોટા પડાવતાં હતાં. પરંતુ આજકાલ મોબાઈલ આવી ગયા હોવાથી સૌ પોતાની રીતે જ ફોટા પાડી લેતાં હતાં.

ત્યાંથી દેવજીએ ગાડી કોલાબા તરફ લીધી અને ત્યાંથી ટર્ન લઇને સીધી નરીમાન પોઇન્ટ તરફ લઈ લીધી. દરિયા કિનારાનો આ એરિયા ખૂબ જ રળિયામણો અને પોશ હતો. સામે અફાટ દરિયો ઘૂઘવતો હતો. થોડીવાર ત્યાં ઉભા રહીને ગાડી ધીમે ધીમે મરીન ડ્રાઈવ તરફ આગળ વધવા લાગી અને અનિકેત બંને બહેનોને બધું સમજાવતો ગયો.

ડાબી બાજુ દરિયો અને જમણી બાજુ ઊંચાં ઊંચાં બિલ્ડિંગો અને ફાઈવ સ્ટાર હોટલ ! મરીન ડ્રાઈવ ખૂબસૂરત એરીયા હતો !

" બપોરના ૧૨ વાગવા આવ્યા છે. અહીં સમ્રાટ હોટલ જમવા માટે બહુ જ પ્રખ્યાત છે. આપણે ત્યાં જમીને ચર્ચગેટ થઈ હેંગિંગ ગાર્ડન બાજુ એક લટાર મારી આવીએ. " અનિકેત બોલ્યો અને દેવજીને ગાડી સમ્રાટ રેસ્ટોરન્ટ તરફ લઈ લેવા સૂચના આપી.

" જીજુ અહીંનું ફૂડ મને ખરેખર બહુ સારું લાગ્યું. આવા ટેસ્ટ અમારે ત્યાં રાજકોટમાં ઓછા મળે." શ્રુતિ બોલી.

" ના રે ના. હવે પહેલાં જેવું નથી રહ્યું. રાજકોટમાં પણ હવે એક બે સારા ડાઇનિંગ હોલ બન્યા છે." કૃતિ બોલી.

" હું પંજાબી ફૂડની વાત કરું છું દીદી. રાજકોટના મોટા ભાગના ડાઇનિંગ હોલ ગુજરાતી અને કાઠીયાવાડી થાળીઓ માટે છે. " શ્રુતિ બોલી.

એ પછી અનિકેતે ચર્ચગેટ સ્ટેશન અંદર જઈને બતાવ્યું.

" વેસ્ટર્ન લાઈનની તમામ લોકલ ટ્રેઈનો અહીંથી ઉપડે છે અને મુંબઈ સેન્ટ્રલ, દાદર, અંધેરી, બોરીવલી થઈને છેક વિરાર સુધી જાય છે. આપણી સેન્ટ્રલ લાઈન કરતાં અહીં ટ્રેઈનો વધારે દોડે છે. આપણું થાણા સેન્ટ્રલ લાઈનમાં આવે છે અને ત્યાં જવા માટે મુખ્ય સ્ટેશન વીટી સ્ટેશન છે. જો કે હવે એ છત્રપતિ શિવાજી ટર્મિનસ તરીકે ઓળખાય છે. " અનિકેતે સંપૂર્ણ માહિતી આપી.

એ પછી અનિકેતે ગાડીને હેંગિંગ ગાર્ડન તરફ લેવડાવી. વર્ષો પહેલાં આ ગાર્ડનનું જે આકર્ષણ હતું એટલું આજે રહ્યું નથી. આ ગાર્ડનમાં હવે આજુબાજુના વિસ્તારના લોકો જ ફરવા આવે છે. અત્યારે બપોરનો સમય હતો એટલે પણ પ્રવાસીઓની ખાસ કોઈ ભીડ હતી નહીં. ૧૦ ૧૫ મિનિટ ચક્કર મારીને એ લોકો ત્યાંથી નીકળી ગયાં અને ગાડી ફરી થાણા તરફ લેવડાવી.

એ પછી બીજા બે દિવસ સુધી શ્રુતિ દીદીના ઘરે રોકાણી. એણે જોયું કે અહીં પોતાની દીદીનું બહુ જ માન છે. બધા જ એનું રિસ્પેક્ટ કરે છે. એને સાસુ સસરા નણંદ વગેરે તમામ સાસરીયાં સરસ મળ્યાં છે. શ્વેતાબેન ભલે ઓછું બોલે છે પરંતુ એમનો સ્વભાવ પણ ખૂબ સરસ છે.

દીદીના સાસરિયામાં હવે વધારે રોકાવાની ઈચ્છા ન હતી એટલા માટે શ્રુતિએ રાજકોટ જવાની ઈચ્છા પ્રગટ કરી.

" સાતમ આઠમના તહેવારો શરૂ થઈ રહ્યા છે દીકરી. આવી જ છો તો ચાર પાંચ દિવસ હજુ વધુ રોકાઈ જા." ધીરુભાઈ બોલ્યા.

"ના દાદાજી. છઠ્ઠ સુધીમાં તો મારે કોઈ પણ સંજોગોમાં રાજકોટ પહોંચી જ જવું પડે દાદાજી. તમે તો જાણો છો કે સૌરાષ્ટ્રમાં આ તહેવારોમાં જાતજાતની રસોઈ બનાવવાની હોય છે. અને સાતમ આઠમના તહેવારની મજા તો કાઠીયાવાડમાં જ આવે. " શ્રુતિ બોલી.

"ઠીક છે તો પછી હું તને વધારે દબાણ નહીં કરું. તું આવી તો અમને બહુ સારું લાગ્યું દીકરી. તારી દીદીનું જ ઘર છે. જ્યારે પણ મન થાય ત્યારે આવતી રહેજે. અમને તો માણસો ગમે છે. તારા દાદા ના પાડે તો મારી જોડે વાત કરાવજે." ધીરુભાઈ શેઠ બોલ્યા.

એ પછી અનિકેતે શ્રુતિની ટિકિટ બુક કરાવી અને બીજા દિવસે શ્રુતિને એરપોર્ટ સુધી મૂકી આવ્યો. કૃતિ પણ સાથે ગઈ હતી.

" લગ્નને આઠ મહિના થઈ ગયા છતાં આટલા પ્રેમથી તમે આજ સુધી મને તો ક્યારેય પણ ફેરવી નથી. આ તો શ્રુતિ આવી એટલે મને પણ મુંબઈ જોવાનો લાભ મળ્યો. જો કે મને તમે શ્રુતિ તરફ વધુ પડતા ઢળેલા લાગ્યા." એ રાત્રે સૂતી વખતે કૃતિએ વાત છેડી.

"કૃતિ તને ભાન છે ખરું કે તું શું બોલી રહી છે ? એ તારી બહેન છે એટલા માટે એના તરફ મારી આટલી લાગણી છે. બાકી મારે અને શ્રુતિને શું ? અને શ્રુતિને મુંબઈ બતાવવાની વાત દાદાજીએ કરેલી એ પણ તને ખબર છે." અનિકેત થોડો નારાજ થઈને બોલ્યો.

"પરંતુ લગ્ન પછી તમારે મને પણ મુંબઈ બતાવવું જોઈએ એ વિચાર આઠ મહિનામાં તમને કેમ ના આવ્યો ? " કૃતિ બોલી.

"અરે પણ તારાં તો લગ્ન જ મુંબઈમાં થયાં છે. આખી જિંદગી તું મુંબઈમાં જ રહેવાની છે તો મુંબઈ જોવાની તકો તો તને અનેક વાર મળવાની જ છે. કોઈ મહેમાન આવ્યું હોય એને જ આપણે ખાસ ફરવા લઈ જતાં હોઈએ છીએ. તને ખબર છે ? ગેટ વે ઓફ ઇન્ડિયા પણ મેં આજે પહેલી વાર જોયો." અનિકેત બોલ્યો.

"અચ્છા ચલો એ વાત છોડો. મારે તમારી 'વિરાણી એસ્ટેટ ડેવલપર્સ ' કંપનીમાં પાર્ટનર તરીકે જોડાવું છે. આ તમારી પોતાની કંપની છે તો પછી એમાં તો હું જોડાઈ શકું ને ?" કૃતિ બોલી.

"કૃતિ કૃતિ... તને શું થઈ ગયું છે મને સમજાતું નથી. તું મારી પત્ની છે. તું અને હું અલગ નથી. મારી કંપની એ પણ તારી જ કંપની છે એમાં તારું નામ દાખલ કરવું જરૂરી નથી. અને આ બધા નિર્ણયો મારા દાદાજી લેતા હોય એટલે આવી વાત હું એમને કરી શકું નહીં. " અનિકેત બોલ્યો.

" તો હું દાદાજી સાથે એકવાર વાત કરી જોઉં. અત્યારે સ્ત્રી સમાજમાં પુરુષ સમોવડી છે. મને પોતાને જો બિઝનેસમાં રસ હોય તો ભાગીદારીમાં મારું નામ રાખવામાં ક્યાં વાંધો છે અનિકેત ? " કૃતિ બોલી.

એ રાત્રે અનિકેત માનસિક રીતે બહુ જ ડિસ્ટર્બ થઈ ગયો. એણે કોઈ જવાબ આપ્યો નહીં.

બે દિવસ પછી એણે પોતે જ દાદાના બેડરૂમમાં જઈને સાંજે કૃતિના આ બદલાયેલા વિચારોની વાત કરી.

" દાદા મારે તમારી સાથે એક વાત કરવી છે. " અનિકેત બોલ્યો.

" હા હા... બોલને બેટા." દાદા બોલ્યા.

" દાદા... ધીમે ધીમે હવે કૃતિના વિચારો બદલાતા જાય છે અને એની મહત્વકાંક્ષા વધતી જાય છે. " અનિકેત બોલ્યો.

" એટલે ? હું સમજ્યો નહીં." દાદા બોલ્યા.

"કૃતિને બિઝનેસ કરવો છે. એને ધંધામાં સક્રિય રસ લેવો છે." અનિકેત બોલ્યો.

" ઓહોહો...તો એમાં શું ? એ તો સારી વાત છે. એને મનગમતો ધંધો કે બિઝનેસ આપણે કરાવી આપીએ. એનો પણ ટાઈમ પસાર થાય. એમાં મૂંઝાય છે શું કામ ? " દાદા હસીને બોલ્યા.

"અરે દાદા એવી વાત નથી. એને આપણા ધંધામાં રસ લેવો છે. એટલે કે મારી કંપનીમાં એને પાર્ટનર તરીકે જોડાવું છે. મારી 'વિરાણી એસ્ટેટ ડેવલપર્સ' પેઢીમાં ભાગીદારી જોઈએ છે." અનિકેત બોલ્યો.

" જો અનિકેત. આપણી કોઈ પણ કંપનીમાં આપણા પરિવારની સ્ત્રીઓ ભાગીદાર નથી. માત્ર પુરુષોના નામની જ આ કંપની છે. તારી મમ્મી હંસાનું પણ ક્યાંય નામ નથી. કાકી ધારાનું પણ ક્યાંય નામ નથી. અરે તારા મોટાભાઈ અભિષેકની પત્નીનું નામ પણ ક્યાંય નથી. " દાદા બોલ્યા.

" એ જ તો હું કહું છું દાદા. છતાં એ જીદ લઈને બેઠી છે. અહીં એને કોઈ જ તકલીફ નથી. મારી ઓફિસે આવવા માટે પણ મેં ના નથી પાડી અને વચ્ચે વચ્ચે ઓફિસે આવે પણ છે. પરંતુ કાયદેસર ભાગીદારી શા માટે ?" અનિકેત બોલ્યો.

"હું એને સમજાવીશ. હજુ કદાચ એનામાં બાળકબુદ્ધિ છે. તું ચિંતા નહીં કર. " ધીરુભાઈ શેઠ બોલ્યા છતાં એ પોતે થોડા ચિંતામાં તો પડી ગયા. કૃતિના આવા વિચારો એમને ગમ્યા નહીં.

" દાદા બીજી એક વાત. હું જે ટાવર બનાવી રહ્યો છું એ આકૃતિ-એ વિંગનો આખો ફર્સ્ટ ફ્લોર એટલે કે ૭ ૭ કરોડના ચારેચાર ફ્લેટ એ પોતાના નામે કરવા માંગે છે. મેં અત્યારે હાલ પૂરતા એ ચાર ફ્લેટ એના માટે રીઝર્વ રાખ્યા છે. એણે કહ્યું કે બે ત્રણ વર્ષ પછી એના ડબલ કે ત્રણ ગણા ભાવ થશે ત્યારે એ વેચી નાખશે. મારી જ સ્કીમમાં એને પોતાને પ્રોફિટ જોઈએ છે. ત્રણ વર્ષ પછી એને ૭૦ ૮૦ કરોડ મળી શકે. એ પોતાની અલગ મૂડી ઊભી કરવા માંગે છે. " અનિકેત બોલ્યો.

"ધીસ ઈઝ સિરિયસ. આ વિચારધારા આપણા પરિવારમાં બિલકુલ બરાબર નથી. આટલી સંસ્કારી છોકરી આવું અલગ કઈ રીતે વિચારી શકે ? " ધીરુભાઈ શેઠ બોલ્યા અને ચિંતામાં પડી ગયા. કૃતિમાં પેલી બદલાની ભાવના તો જાગૃત નથી થઈ રહી ને !!

ત્રણેક દિવસ પછી અનિકેત જ્યારે ઓફિસ ગયેલો હતો ત્યારે ધીરુભાઈ શેઠ દરવાજો ખટખટાવીને કૃતિના બેડરૂમમાં ગયા અને ત્યાં સોફા ઉપર બેઠા.

"અરે દાદાજી તમે? મને બોલાવી હોત તો હું આવી જાત. " કૃતિ બોલી.

"ક્યારેક વડીલોએ પણ સંતાનો પાસે જવું પડતું હોય છે બેટા. " ધીરુભાઈ બોલ્યા.

" મારે લાયક કંઈ પણ કામ હોય તો બોલો દાદા. " કૃતિ બોલી.

" કામ તો તારું શું હોય બેટા ? બસ થોડી ચર્ચા કરવા આવ્યો છું. " દાદા બોલ્યા.

" જી દાદાજી." કૃતિ બોલી.

" અનિકેતે મને કહ્યું કે તારે એની કંપનીમાં પાર્ટનરશીપ જોઈએ છે. આપણી નવી સ્કીમના ચાર ફ્લેટ પણ તું તારા પોતાના નામે ખરીદવા માંગે છે. અમે તો તને અમારાથી અલગ ક્યારેય પણ ગણી નથી. અનીકેતનું જે પણ છે તે બધું તારું જ છે બેટા પછી આવા અલગતાવાદી વિચારો શા માટે ? " ધીરુભાઈ શેઠ એની આંખો માં આંખો પરોવીને બોલ્યા.

" ભવિષ્યની કોને ખબર છે દાદાજી ? અને મારી પાસે જે પણ મૂડી હશે એ અનિકેતને જ કામમાં આવવાની છે ને ? બસ મારી સલામતી ખાતર હું આવું વિચારી રહી છું. મારી પોતાની અલગ મૂડી હોય તો હું મારી રીતે પણ સ્વતંત્ર કંઈક કરી શકું. " કૃતિ બોલી.

" અરે પણ તારે કોઈ સાહસ કરવાની ઈચ્છા હોય તો બોલને ? તને જેટલા જોઈએ એટલા પૈસા આપવા હું તૈયાર છું. પરંતુ પેઢીમાં સ્ત્રીઓની ભાગીદારી અમારા કુટુંબમાં થતી નથી કૃતિ. અને તેં જે ચાર ફ્લેટ લેવાની વાત કરી છે એ પણ યોગ્ય નથી. વાડ જ ચીભડાં ગળે એવી આ વાત છે. આપણે સ્કીમ મૂકીને ફ્લેટો વેચી રહ્યા છીએ. પોતાના માટે એકાદ ફ્લેટની વાત અલગ છે કૃતિ. બાકી આ રીતે ૨૮ કરોડના ચાર ફ્લેટ માત્ર તારા માટે બ્લોક નહીં થાય." ધીરુભાઈ શેઠ થોડાક આવેશમાં આવીને બોલતા હતા.

" જ્યાં સુધી હું જીવું છું ત્યાં સુધી અનિકેત આવા સ્વતંત્ર નિર્ણયો લઈ શકે નહીં એટલે જ એણે મને વાત કરી. આ કંપની મારી છે અને મેં લીધેલા નિર્ણયો સર્વમાન્ય રહેશે. તારે પોતાનો અલગ કોઈ બિઝનેસ કરવો હોય તો અમારો ફૂલ સપોર્ટ છે બાકી મારી પેઢીમાં કોઈ સ્ત્રીનું નામ ભાગીદારીમાં નહીં આવે." દાદાજી બોલ્યા.

" અને આ વાત તારા અને મારા વચ્ચે જ રહેશે. હું પ્રશાંત કે મનીષને તારી આ ભાગીદારીવાળી કે ફ્લેટવાળી વાત કરવાનો નથી. જો હું આ વાત ઘરમાં જાહેરમાં કરીશ તો આ ઘરમાં તારું જે માન છે, જે ઈજ્જત છે એ કોડીની થઈ જશે. માટે ફરીથી આવી કોઈ વાત કરતી નહીં. આ ઘરમાં તને હું લાવ્યો છું એટલે તારી ઈજ્જત સાચવવાની જવાબદારી પણ મારી છે." દાદાજી બોલ્યા અને ઊભા થઈને બહાર નીકળી ગયા.

થોડીવાર તો કૃતિ દરવાજા સામે જોતી બેસી રહી. ધીરુભાઈ શેઠનો દબદબો એણે જોઈ લીધો અને એમનો સ્પષ્ટ આદેશ પણ સાંભળી લીધો. એને ખ્યાલ આવી ગયો કે સ્ત્રીચરિત્ર કરીને અનિકેત પાસેથી એ ધાર્યું કામ કરાવી નહીં શકે ! કંપનીમાં ભાગીદારી પણ હવે કોઈ રીતે શક્ય નથી.

કૃતિની આ એક મોટી પછડાટ હતી. એ ઘા ખાઈ ગઈ ! એને એમ હતું કે અનિકેત પાસેથી ધાર્યું કામ કરાવી શકશે પરંતુ એનાં બધાં પત્તાં ખુલ્લાં થઈ ગયાં. એણે પોતાના મન સાથે સમાધાન કરવું પડ્યું. જો વધારે જીદ કરે તો દાદા રાજકોટનો રસ્તો દેખાડી શકે તેમ હતા !

એ પછીના ત્રણેક દિવસ સુધી તો એણે અનિકેત સાથે કોઈ જ વાત કરી નહીં. લગભગ અબોલા જ લીધા.
અનિકેતે પણ એને કોઈ દાદ ના આપી.

જન્માષ્ટમીનો દિવસ ખૂબ જ ધામધૂમથી ઉજવાઈ ગયો. એ રાત્રે કૃતિએ પોતાના સુંદર કંઠથી બે ત્રણ ભજનો ગાયાં. બધાંને કૃતિનો અવાજ ખૂબ જ પસંદ આવ્યો અને એની દિલથી પ્રશંસા પણ કરી.

જન્માષ્ટમીની રાત્રિથી અનિકેત અને કૃતિ વચ્ચે ફરી સંવાદ શરૂ થઈ ગયો. કડવાશ થોડી ઓછી થઈ ગઈ. કૃતિએ મન મનાવી લીધું.

ઘીના ઠામમાં ઘી તો પડી ગયું પરંતુ ધીરુભાઈ શેઠને ચેન ન હતું. કૃતિમાં જે રીતનું પરિવર્તન દેખાયું હતું એ એમને પસંદ આવ્યું ન હતું. એમણે ઘરમાં તો કોઈને વાત કરી ન હતી પરંતુ ગુરુજીને આ વાત કરવી જરૂરી છે એમ એમને લાગ્યું.

એમણે શાંતિથી એક દિવસ સાંજના સમયે ગુરુજીને ફોન કર્યો. ફોન એમના સેવકે ઉપાડ્યો એટલે તરત જ ધીરુભાઈએ ફોન ગુરુજીને આપવાની સૂચના આપી.

" ગુરુજી હું થાણાથી ધીરુભાઈ બોલું છું. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" બોલો ધીરુભાઈ. " ગુરુજી બોલ્યા.

" ગુરુજી હમણાં હમણાંથી કૃતિની મહત્વકાંક્ષા બહુ મોટી થતી જાય છે. અનિકેત જે સ્કીમ બનાવી રહ્યો છે એમાં એણે ચાર ફ્લેટ પોતાના નામે કરવાની વાત કરી. એ પછી અનિકેતની જે કન્સ્ટ્રક્શન કંપની છે એમાં એણે પાર્ટનરશીપ માગી. ગુરુજી આ બધું શું થઈ રહ્યું છે ? " ધીરુભાઈ બોલી રહ્યા હતા.

" જો કે મેં તો એને સ્પષ્ટ શબ્દોમાં મનાઈ કરી દીધી. કારણ કે મારા ઘરમાં આ રીતે ધંધામાં સ્ત્રીઓને ભાગીદાર બનાવવામાં આવતી નથી. ચાર ફ્લેટ આપવાની પણ ના પાડી કે જોઈએ તો એક ફ્લેટ એના નામે કરી દઈશું. ઘરના લોકો જ ફ્લેટો ખરીદવાની વાત કરે તો ધંધો ક્યાંથી થાય ?" ધીરુભાઈ બોલ્યા.

"તમે જરા પણ ચિંતા ના કરશો. અનિકેતને અત્યારે ૨૮ મુ વર્ષ ચાલે છે એટલે એનો ભારે મંગળ જ બંને વચ્ચે અંતર ઉભું કરી રહ્યો છે. મહત્વકાંક્ષા જગાવનાર પણ મંગળ જ છે. મંગળની ભૂમિકા બંનેને છૂટા પાડવાની છે એટલે આવી વાતો કરીને કૃતિ લગ્નજીવનમાં તણાવ પેદા કરે છે. અનિકેતને ૨૮ વર્ષ પૂરાં થઈ જશે પછી આવી કોઈ તકલીફ નહીં થાય. બસ હવે ચાર મહિના શાંતિથી પસાર કરી દો. " ગુરુજીએ આશ્વાસન આપ્યું.

" બસ બસ ગુરુજી. તમે કહ્યું એટલે મને ઘણી શાંતિ થઈ ગઈ. તમારી સાથે વાત કર્યા પછી મનને શુકુન મળે છે. તમારા આશીર્વાદ છે એટલે મને કોઈ ચિંતા નથી. " ધીરુભાઈ શેઠ બોલ્યા.

" મારી નજર એ લોકોના લગ્નજીવન ઉપર છે જ. મારાથી કંઈ જ અજાણ્યું નથી. છોકરી જો કે થોડી મહત્વાકાંક્ષી છે જ. છતાં અત્યારે એણે જે કંઈ વાતો કરી છે તે માત્ર મંગળના કારણે છે અને ૨૮ પૂરાં થયા પછી એ લોકોના લગ્નજીવનમાં કોઈ ગંભીર પ્રશ્નો નહીં આવે. " ગુરુજી બોલ્યા.

" ભલે ગુરુજી. તમારા આશીર્વાદ છે એટલે હવે મને કોઈ ચિંતા નથી. " કહીને ધીરુભાઈએ ફોન કટ કર્યો.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)