Featured Books
  • જૂનું અમદાવાદ

    *અમદાવાદનો અમારો ગાંધી રોડલેખક: *અશોક દવે**મને એટલું યાદ છે...

  • એક ષડયંત્ર.... - ભાગ 50

    (માનવ સિયાને સોના જેવું બનાવે છે, ઉદાહરણ આપી સમજાવે છે. સિયા...

  • ભાગવત રહસ્ય - 4

    ભાગવત રહસ્ય-૪   સચ્ચિદાનંદરૂપાય વિશ્વોત્પત્યાદિહેતવે I તાપત્...

  • સચિન તેંડુલકર

    મૂછનો દોરો ફુટ્યો ન હતો ને મૂછે તાવ દેવો પડે એવા સોલીડ સપાટા...

  • જોશ - ભાગ 1

    Kanu Bhagdev ૧ : ભય, ખોફ, ડર... ! રાત્રિના શાંત, સૂમસામ વાતા...

શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 12

(અગાઉના ભાગમાં આપણે જોયું કે ભમરાજી કાળીચૌદસની સાધના કરવા સ્મશાનમાં ગયા હતા. ત્યાં વિધિ કરતાં એક કાળો આકાર પ્રગટ થયો અને ભમરાજીની પાછળ પડ્યો. જીવ બચાવવા નાઠેલા ભમરાજી તળાવની પાળ સુધી માંડ પહોંચી શક્યા અને બેભાન થઈને ઢળી પડ્યા. હવે આગળ... )
. **************


અમેય પાછળ ભાગતા તળાવની પાળે આવી પહોંચ્યા. જોયું તો ભમરાજી તળાવ બાજુ ગબડીને છેક પાણીના કિનારે જઈ પડ્યા હતા. પેલો આકાર ખૂલ્લી તલવાર લઈને પાળ ઉતરવા લાગ્યો.
"બસ, ભેમલા બસ.. હવે ઊભો રે' લ્યા.. " પાછળથી મેં ભેમાને સાદ દીધો. બે-ત્રણ વખત ધીમેથી બૂમ પાડીને અમે ભેમાને પાછા વળવા કહ્યું ત્યારે માંડ ભેમો થોભ્યો.
હા, ભમરાજીની પાછળ પડેલો પિશાચ બીજું કોઈ નહીં પરંતુ ભેમો ભીલ હતો.
*************


અમારી યોજનામાં પહેલાં અમે એવું વિચાર્યું હતું કે કાળીચૌદસની રાતે ભેમાને ભૂત બનાવીને ભમરાજી સાથે ભિડાવવો. અને અમુક અમુક ગામલોકોને પણ અમારી સાથે સામેલ કરવા. અને ભમરાજીનો ભાંડો ફોડવો.
પરંતુ ગામલોકોના મન ઉપર ભમરાજીની જબરી ધાક અને ભૂત વિશેના ભયંકર ડરનો કબજો હતો. વળી કોઈક ફૂટી જાય તો અમારો ભેદ ખૂલી જાય તેમ હતો. આમ છતાં ત્યાં કંઈક અજુગતું બની જાય તો પરિસ્થિતિને પહોંચી વળવા અડીખમ ચાર-પાંચ માણસો તો રાખવા જરૂરી જ હતા.
એ માટે એક-બે જણને આડકતરી રીતે પૂછી જોતાં કોઈનું ગજું ચાલે એમ ન લાગ્યું. ઊંડે ઊંડે અમને પણ એક અજીબ પ્રકારનો થોડો ડર તો હતો જ. છેવટે અમે ત્રણ જણા જ મક્કમ થયા.
પરંતુ હિંમત અમારામાં ત્યારે આવી, જ્યારે અમે ભમરાજીના ચેલા ભિખ્ખુને સાધ્યો. પૈસાની લાલચ અને કોઈને ન કહેવાની શરતે ભિખ્ખુએ સાધનાનો ભેદ અમને કહી દીધો.
હવે ભૂતનો તો ડર નહોતો. પરંતુ ભમરાજીના હાથે ચડીને મરવાની શંકા હતી. કારણ કે એકવાર આવી જ રીતે સાધનાનો ભાંડો ફોડવા માટે ગામના કોઈક યુવાને પ્રયત્ન કર્યો હતો. પરંતુ એકલા હાથે જ બાથે થવા જતાં ભમરાજીએ તલવારથી તેનું ખૂન કરી નાંખ્યું હતું. અને "ભૂતના હાથે મર્યો" એવું જાહેર કરીને ગામમાં ધાક જમાવી દીધી હતી. પાછળથી વાત બહાર આવી પરંતુ મેલી વિદ્યાના ડરથી કોઈ એમની સામે આંગળી ચિંધવા તૈયાર નહોતું.
બધી જ સાવધાની સાથે અમે નવેસરથી યોજના ઘડી કાઢી. રાત્રે ભેમાને ભૂત બનાવીને મોકલવો. કંઈ શક જેવું લાગે તો ભાગવામાં ભેમો ભેગો થાય એમ નહોતો. પરંતુ અમારી દશા બગડે એમ હતી. છતાં બીજો કોઈ ઉપાય નહોતો.
અમે ભેમાને સમજાવી દીધો હતો કે તે ભૂત બનીને ભમરાજી સામે આવે એટલે ખૂબ જ સાવધાન રહેવું. કુંડાળામાં પગ મૂકતાં ભમરાજીની હરકત પર ધ્યાન રાખવાનું. જો તેઓ તલવાર લઈને સામે થાય તો ભેમાએ ત્યાંથી સીમ તરફ ભાગવાનું. જેથી અમને પણ ગામ તરફ ભાગવાનો મોકો મળે. અને જો ભમરાજી ડરી જાય તો એમની જ તલવાર લઈને પાછળ પડવાનું. વચમાં ચેલાઓ આવે તો એમને પહોંચી વળવા અમારે તૈયાર રહેવું.
ગમેતેમ કરીને ભમરાજીનું જૂઠ ગામલોકો સમક્ષ લાવીને એમની અસલિયત ઉજાગર કરવી, અને ગામમાં વ્યાપેલો એમનો ડર દૂર કરવો. પછી અમારા જેવા બીજા યુવાનોની મદદ લઈને ભમરાજીનાં કરતૂતો બહાર પાડવાં.
અમારી યોજના મુજબ બધું ઠીક થઈ રહ્યું હતું. પરંતુ પથુ એની ડરામણી માનસિકતાને લીધે અમને પણ ડરાવતો હતો. ચંદુને ભૂતનો ડર હતો પણ અને નહોતો પણ. એ બધી ઉપાધિઓમાં પકડાઈ જવાનો તથા અમારું કામ બગડવાનો મને ડર હતો. વળી ભેમો આવેશમાં આવીને ભમરાજીને તલવારથી મારી નાંખે એની પણ બીક હતી.
પછી તો જે થવાનું હતું તે થયું. ઘણી બધી મુશ્કેલીઓ અને સંભાવનાઓથી બચતા અમે અમારી યોજનાને પાર પાડી હતી.
*************


ભેમો થોભ્યો તો ખરો. પરંતુ ખૂબ જ આવેશમાં આવી ગયો હોવાથી પાછો વળવા તૈયાર નહોતો. અમને જોતાં જ બોલ્યો, "આજ તો આને જીવતા જ નઈં સોડૂંગા લ્યા... ઈંના ઝેણા ઝેણા કટકા કરી નોંખુંગા આજ.."
મેં મારા મિત્રોને ઈશારો કરીને સમજાવી દીધા. એટલે અમે ત્રણેય પાળથી નીચે ઉતરીને ભેમાને પાળ ઉપર ઢસડી લાવ્યા.
"બસ લ્યા ભેમા.. બસ હવે.. આપડું કોમ તો થઈ જ્યું.. લેં હેંડ હવે નેકળી જઈએ ઓંયથી.." મેં ભેમાને સમજાવ્યો.
"મૈં ભૂત સું લ્યા... આ ભમરે હાહરે કો માર દૂંગા આજ.." કહેતો ભેમો તલવાર ઊંચી કરતો વળી પાછો ભમરાજી તરફ ધસવા લાગ્યો.
"અલ્યા આ તો હાહરો હાચ્ચો જ ભૂત સે કે સું લ્યા..?" ભેમાને પકડતાં ચંદુ બોલ્યો.
"અલ્યા બસ ભઈ.. ખમૈયા કર તું હવે.. અને કપડાં પે'રીને ભોનમોં આય ભઈ.." મેં ભેમાને પરિસ્થિતિનું ભાન કરાવતાં કહ્યું.
"હેંએંએ..??" ભેમો પોતાના શરીર સામે જોતાં ભડક્યો. "હાય હાય.. જબરી કરી આ તો.." કહીને શરમાતાં તેણે તલવાર ફેંકી દીધી અને બે હાથથી શરીર ઢાંકતો નીચે બેસી ગયો.
"લે.. હાહરા ભૂત.. આ પસેડી વેંટી લે શરીર ઉપર.. મનેય હવે તો બીક લાગે સે તને જોઈને.." ચંદુએ પછેડી આપતાં મજાક કરી.
"હાચી વાત સે હોં લ્યા.. દીયોર લાગે સે તો ભૂત જેવો જ.." પથુને પણ હિંમતની વાચા ફૂટતાં તે બોલ્યો.
"જો લ્યા માસ્તર, આ મિંદડીનેય મૂસ્યો ફૂટી.." કહીને ચંદુએ પથુની મજાક કરી.
"બસ.. લ્યા..બસ.. બીજી વાતો પસીં.. હવે ઓંયથી નેકળવાનું કરો ઝટ.." મેં ભમરાજી સામે નજર કરતાં કહ્યું. તે હજુ બેભાન જ પડ્યા હતા.
અમે ભેમાને લઈને સ્મશાનમાં પાછા આવ્યા. સાધના માટે પાણીની માટલી ભરેલી હતી. એનાથી ભેમાનો મેશ, રખ્યા વગેરેનો 'મેકઅપ' દૂર કરીને કપડાં વગેરે પહેરાવીને પહેલાં હતો તેવો જ કરી દીધો. ત્યાં પડેલી બધી વસ્તુઓને વેરણછેરણ કરી દીધી. અને સવારે ભમરાજીની ખબર લઈને આ નાટક ઉઘાડું પાડવાનું નક્કી કરીને ઝડપથી ગામ તરફ વળ્યા.
*************


આ બાજુ ભૂતથી ગભરાયેલા ચેલા ટેકરાવાળા મંદિરે ભાગી આવ્યા. એમની રાડારાડથી મંદિર અને આજુબાજુનું વાતાવરણ ખળખળી ઉઠ્યું. ગામમાં જેણે પણ સાંભળ્યું તે બધા ઊંઘમાંથી જાગી જાગીને "સું થ્યું..? સું થ્યું..?" કહેતા ઘરોની બહાર નીકળવા લાગ્યા. અને મંદિર પાસે ભેગા થવા લાગ્યા.
જુગલ અને ભિખ્ખુએ બધી હકીકત વર્ણવતાં ત્યાં હાજર લોકોમાં હાહાકાર મચી ગયો. મંદિરમાં પચીસેક ચેલાઓ રહેતા હતા તે પણ બધા બહાર આવ્યા. અને ભમરાજી હજુ સુધી મંદિરે પહોંચ્યા ના હોવાથી બધા મશાલો સળગાવીને તેમને શોધવા નીકળી પડ્યા.
રાતના ત્રણ વાગવા આવ્યા હતા. ધીરેધીરે હોબાળો ગામમાં ફેલાતાં આખાયે ગામમાં હલચલ મચી ગઈ. આજે સ્મશાનમાં કોઈ ભયંકર ઘટના બનવાની વાતે જોર પકડ્યું. અને ગામ આખુંયે ટેકરીવાળા મંદિરે ભેળું થવા માંડ્યું.
ભમરાજીને શોધતી ટુકડી તળાવના કિનારે આવી પહોંચી. જુગલ અને ભિખ્ખુએ આટલે સુધી તો ગુરૂજીને દૂરથી જોયા હતા. પછી શું થયું એ તેમને પણ ખબર નહોતી. એટલે બધા ત્યાં શોધવા લાગ્યા.
"આ રયા ગુરુજી.. તળાવમોં.." ભમરાજી ઉપર કોઈકની નજર પડતાં જ બૂમ પાડી.
બધા દોડીને ભેગા થઈ ગયા. અને ભમરાજીને ઊંચકીને પાળ પર લઈ આવ્યા. તેઓ હજુપણ બેભાન અવસ્થામાં જ હતા. એમનું શરીર સાવ ફીક્કું પડી ગયું હતું. કેટલીક જગ્યાએ વાગવાનાં અને છોલાવાનાં નિશાન પણ હતાં. કપડાંયે ફાટી ગયાં હતાં. એમની હાલત જોતાં એવું લાગતું હતું કે હવે એમનું જીવીત રહેવું મુશ્કેલ હતું.
ગુરૂજીની હાલત ગંભીર જણાતાં વધારે મોડું કર્યા વગર બધા એમને ઊંચકીને મંદિર તરફ લઈ ચાલ્યા.
ગામ તરફ આવતા અમે પાળ પર મશાલો લઈને શોધ ચલાવી રહેલી ટૂકડીને દૂરથી જ જોઈ લીધી હતી. પહેલાં તો અમે થોડા ગભરાઈ ગયા હતા. કારણ કે અત્યારે અમે પકડાઈ જઈએ તો પરિણામ કંઈપણ આવી શકે તેમ હતું. તેથી યોગ્ય અંતર રાખીને અમે છૂપાઈ ગયા. પરંતુ ભમરાજીને લઈને ટુકડી ત્યાંથી રવાના થતાં અમારા જીવમાં જીવ આવ્યો. અને કોઈ જોઈ ના જાય તેનું ધ્યાન રાખતા ગામમાં આવી ગયા.
અમારા મહોલ્લા બાજુ એકદમ શાંતિ હતી. તેથી અમે સહીસલામત ઘરે પહોંચી ગયા. ભેમો તો બારોબાર એની ઝૂપડીએ પહોંચી ગયો હતો.
"ઓહો.. દરસન કરીને એટલીવારમોં આઈએ જ્યા..?" ઘરમાં પ્રવેશતાં જ મારી પત્નીએ મને પૂછ્યું.
"હઓઓ.. ઈમોં ચેટલી વાર તાણ.. બધ્ધાએ એકજેવા હેંડનારા એટલે વાર ના જ લાગે ને.." મેં કપડાં બદલતાં કહ્યું.
"પગબગ દુ:ખે સે..? કોય તપલીક તો નહીં ને..? કુણ કુણ હતા હંગાથ..? " પત્નીએ સવાલોની ઝડી વરસાવી.
"એ બધી હવારે વાત.. હવે થોડું ઊંઘવા દેજે અત્તારે.. થાચ્યો સું.." મેં પથારીમાં આડા પડતાં કહ્યું.
"હારું તાણ.. હૂંઈ જો હેંડો થાકના.." કહેતી પત્ની પણ સૂઈ ગઈ.
હાશ... બાજુના ગામમાં માતાજીના મંદિરે ચાલતાં દર્શન કરવા જવાનું અમારું બહાનું પણ કારગર નિવડ્યું હતું. અને અમારી યોજના પણ સહીસલામત પાર પડી હતી.
બહાર ટેકરીયાવાળા મંદિરનો કોલાહલ વધતો વધતો અમારા મહોલ્લા સુધી પહોંચ્યો હતો. "ગજબ થઈ જ્યો..", " ભમરો મા'રાજ ભૂતની હડબેઠે ચડ્યા.." "ભમરોજી મરી જ્યા.." વગેરે જેવી વાતો બહાર થવા લાગી હતી.
"હાય હાય.. આ બાવો મરી જ્યો હસે તો નો'તી ઉપાદી.." બહાર થતી વાત સાંભળીને મને ફાળ પડી. પરંતુ હવે જે હોય તે સવારે વાત.. એમ વિચારીને હું મોંઢે ધાબળો ઓઢીને સૂઈ ગયો.
(ક્રમશઃ)
**************
- "નિસર્ગ" 🍁🍁🍁