(ભાગ-1 માં પથુ અને ચંદુ વચ્ચે ભૂત વિશે ચર્ચા થઈ. ભેમા વિશે પણ થોડું જાણ્યું. ભમરાજી મહારાજના ભૂત સાથેના સંબંધો વિશે થોડું જાણ્યું. આ બધાના વિચારો કરતાં કરતાં મેં ઊંઘવાનો પ્રયત્ન કર્યો. હવે આગળ... )
**********
બીજા દિવસે બપોરે હું ઘરમાં કામ કરતો હતો ત્યાં બહારથી સાદ સંભળાયો..
"માસ્તર... ઓ માસ્તર.. ભાભી માસ્તર ચોં જ્યો..? " ચંદુએ આંગણામાંથી જ બૂમ મારી.
"આ રયો લ્યા. રાડ્યો ચ્યમ પાડે સે..?" મેં બહાર આવતાં ચંદુને ધમકાવ્યો.
"અલ્યા રાડ્યો ચોં પાડુ સુ ભૈ..? ખાલી પૂસવાનુંયે નઈં..?"
"અલ્યા, ઓમ હાકોટા પાડીને પૂસવાનું..?" મેં ફરીથી ચંદુ પર ગુસ્સો કર્યો.
"હવે ભૂલ થઈ જઈ લ્યા ભૈ. હવે હાકોટા નઈ પાડું, બસ..?" ચંદુ થોથવાયો.
"અલ્યા મજાક કરૂં સુ ચંદુડા.. ઈમોં આટલો ઘબરઈ હું જ્યો..?" કહેતાં હું હસી પડ્યો.
"તુંયે શું લ્યા માસ્તર..?"
"હારું હારું.. મેલ એ બધી વાતો. એ બોલ કે સું કોમ હતું.?" મે ચંદુને આવવાનું કારણ પૂછ્યું.
"કોમ તો બીજું કોય નહીં પણ નવરો હોય તો લે હેંડ જે માતાજીએ શ્રીફળ ચડાવતા આઈએ.." ચંદુએ હાથમાં રહેલી થેલી બતાવતાં કહ્યું.
હું બધી જ વાત સમજી ગયો. મંદિર ગામથી થોડું દૂર હતું મારી પાસે બાઈક હતું. એટલે ચંદુભઈ મારી પાસે આવ્યા હતા.
અચાનક મને મજાક સૂઝી. એટલે પૂછ્યું, "ચ્યમ ભઈ, શેની મોનતા મોની'તી..?"
"એ બધુ રસ્તામો કઉં સું. લે હેંડ ને મોડું થાય સે." ચંદુ ઉતાવળમાં હોય એમ લાગતુ હતું.
"કોય ભૂત-બૂત તો સપનામોં નહીં આયુ ને લ્યા..? " મેં ચંદુને ખિજવવતાં કહ્યું.
"ચોય તંબૂરોયે ભૂતબૂતનું નહીં લ્યા. તું હટ હેંડ ને ભઈ." ચંદુ થોડો અકળાયો.
"હા ભઈ હા.. તમે કો' ઈમ.. " વધારે લમણાઝીક ન કરતાં હું બાઈક કાઢવા લાગ્યો.
**********
થોડીવાર પછી અમે ગામમાંથી નીકળીને વગડાની વાટે ચડ્યા. ચંદુ ચૂપ બેઠો હતો. સ્મશાન પાસેથી નિકળતાં મને ભમરાજીની વાતો યાદ આવી.
આ એ જ સ્મશાન હતું કે જ્યાં ભમરાજી કાળી ચૌદસની મધરાત્રે સાધના કરવા આવતા હતા. આજુબાજુનો માહોલ જોતાં ડર લાગે એવું જ હતું. ખરા બપોરે કે રાત્રે મોડા ત્યાંથી એકલા નીકળવું જેવાતેવાનું કામ નહોતું.
આ સ્મશાનના ખિજડે એક જન (એક જાતનું ખતરનાક ભૂત) રહેતો હતો એવી ઘણી વાતો સાંભળી હતી. મારી નજર એ ખિજડા પર પડી. ખિજડો પણ ખૂબ જ મોટો, જૂનો અને ભયંકર આકારવાળો હતો. આપણે જેવું વિચારીએ એવા આકારો એમાંથી ઊભા થાય.
ચંદુ પણ ચૂપચાપ એ બધું જોતો હોય એવું મને લાગ્યું. અમારી આ ચૂપકીદી અમને જ અકળાવનારી હતી. એટલે ચંદુને મેં પૂછ્યું, "અલ્યા ચંદુ, આ ભમરાજી વિશે તને સુ લાગે સે..? બધી વાતો હાચી હસે..?"
"અલ્યાઆઆ.. તુંયે આ ભમરાને વળી વળીને સું કોમ પાસો લાવે સે..? મરવા દે ને ઓયથી.." ચંદુને ન જાણે શી ખીજ હતી તે ભમરાજી પર હમેશાં ખિજાયેલો જ રહેતો.
"આ તો ખાલી ઈમ જ પૂસુ સુ લ્યા.. તું ઈમોં સુ કોમ આટલો કાયો થઈ સીં..? "
"મને તો એ ભમરો દીઠ્યો ગમતો જ નહીં માસ્તર. હાળો એક નંબરનો ખેલાડુ સે એ તો.."
ચંદુની વાતથી મને હસવું આવતું. એટલે આગળ પૂછ્યું, " તો આ ગોમમોં જે વાતો થઈં સીં, ઈનું સું..? "
"એ બધી વાતો કરવાવાળાએ નવરી બજારો સે લ્યા. તુંયે સું એવી વાતોમોં આઈ જઈં સીં..? "
"અલ્યા ભઈ, મું એવી વાતોમોં આઉં એવું લાગે સે તને.? "
"લાગતું તો નહીં. પણ તુંયે પેલા પથુડાની વાદે ચડ્યો હોય તો વળી.. કોય કે'વાય નઈ.." ચંદુએ હસતાં હસતાં મારી મજાક કરી.
"વાહ, ચંદુડી વાહ.. મેરી મજાક..? હસે ભઈ હસે.." કહેતાં મેં બાઈકની સ્પીડ વધારી.
"હારૂ ભઈ, હવે મજાક નઈ, બસ..? શું કે'તો'તો ભમરાનું, બોલ..? "
"એ બધી પસી વાત.. પે'લાં તારી મોનતાનું કર." મંદિર નજીક આવતાં મેં બાઈક ધીમું પાડતાં કહ્યું.
"જય માડી.. હઉનું હારું કરજે મા.." કહેતો ચંદુ બાઈક પરથી ઉતરીને હાથ જોડતાં બોલ્યો. મેં પણ માથું નમાવ્યું. અમે બન્ને જણા મંદિરના દરવાજા તરફ ચાલ્યા.
*********
મંદિર સાવ નાનું હતું. આજુબાજુમાં થોડી ખૂલ્લી જગ્યા હતી. મંદિરના દરવાજા આગળ નાનકડો ઓટલો હતો. માતાજીને પ્રસાદ ધરાવીને અમે ઓટલે બેઠા. આસપાસમાં દૂર સુધી કોઈ જ નહોતું.
"લે માસ્તર, આટલા બધા ટોપરાનું સું કરસું.? ઘેર તો લઈ જવાસે નઈ. આટલામોં કોય સે પણ નઈં. લે અડધુ તુ ખઈ જા.." ચંદુએ મને ટોપરું ધરતાં કહ્યું.
"ના લ્યા હોં. મને તો ખાલી પરસાદ જેટલું જ આલ. વધાર મને નહીં ભાવતું." એમ કહેતાં મેં ટોપરાનો એક નાનકડો ટૂકડો ઉપાડ્યો.
"તો આ બધું કુણ ખાસે..?" ચંદુને ચિંતા થઈ.
"અલ્યા હમણોં કોકનું કોક આવસે જ. તું તો ખા. તને તો બઉ જ ભાવે સે..! "
"ભાવે એટલે બધું હોઈયાં થોડું કરી જવાનું..? પરસાદ તો ઝાઝા મુંઢે જાય ઈમ હારું લ્યા.."
"વાહ ભગત.. તમોને આ ગ્ન્યોન ચાણનું આયું..? ઘેર તો ટોપરા ઓલે મરુ મરુ કરતો હોઈં સીં." મેં મજાક કરતાં કહ્યું.
ચંદુ ધૂધવાઈને ચૂપ થઈ ગયો. એટલે મેં કહ્યું, "ઈમ કર લ્યા, તારા પેલા ખાસ ભઈબંદ ઓલે લઈ જા. "
"કુણ લ્યા માસ્તર..? " ચંદુ વિચાર કરતાં બોલ્યો.
"બીજું કુણ લ્યા..? આપડો ખાસ ભઈબંદ કુણ સે.? "
"હોવે.. હોવે.. પથુડો..? અલ્યા માસ્તર, એ પાદોડની તો વાત જ જવા દેને ઈયાર.." ચંદુએ મોં બગાડતાં કહ્યું.
"ચ્યમ લ્યા ચંદુડા, પથુ કોય મોંણહ નહીં..?"
"મોંણહ આવું હોય લ્યા.? એક નંબરનું ટઈડકણ સે એતો. પાસો પેલા ભમરાનો ભગત."
"હારું હારં લ્યા, ગમે એવો હોય પણ આપડો ભઈબંદ તો ખરો ને." મેં ચંદુને શાંત પાડતાં કહ્યું.
. "તે મીં ચ્યોં ના પાડી ઈયાર..? " ચંદુ અકળાયો. પછી અચાનક કંઈક યાદ આવતાં મારો હાથ પકડતાં બોલ્યો, "તું પેલા ભમરાનું કોક કે'તો'તો.. ! "
"હા લ્યા. એ તો ઈંમ કે'તો'તો કે આ ભમરાજીથી આખું ગોમ ચ્યમ બીવાય સે..? હાચ્ચે જ એ મેલી વિદ્યાઓ જોણે સે.? "
"હંમ્મ્મ્મ.. તનેય બીક પેઠી લાગે સે માસ્તર." ચંદુએ હસતાં હસતાં કહ્યું. "અલ્યા તુંયે પેલી પાદોડ પથુડી જેવો થઈ જ્યો.? "
"ઓય ચંદુડી, એવું નહીં લ્યા. પેલોં મારી વાત તો હોંભળ હડકાયા.." મને થોડી ખીજ ચડી.
"બોલ.." ચંદુ થોડો ગંભીર થતાં બોલ્યો. "હંભળાય તાણ હેંડ.. સી વાત સે..?"
"મું ઈમ કઉં સું કે આ ભમરાજી ભૂતોની ને જાદુની બીવરોણીઓ બતાઈને આખા ગોમમોં દાદાગેરી કરે સે. તો મને હાળી થોડી રીંહ આવે સે.. તને કોય નહીં થતું લ્યા..?"
"હંમ્મ્મ્મ્.. હવે તીંયે મુદ્દાની વાત કરી.." ચંદુ એકદમ ઉછળી પડતાં બોલ્યો, "અલ્યા તારા કરતોં તો દહ ઘણી રીંહ મને આવે સે એ ભમરા ઉપેર. પણ હાળું એકલો સું કરું લ્યા..? "
"એકલો નઈં, લેં હેંડ આપડે બે જણા થઈન કોક કરીએ.."
"હા, આપડે તઈયાર. બોલ, સું કરવું સે ઈનું..? " ચંદુ ઉત્સાહમાં આવી ગયો.
"ઈના ઓલે કોક વિચારવું તો પડસે જ.. આ ઈંના વિચારોમોં તો મને કાલ આખી રાત હરખી ઊંઘ જ નહીં આઈ લ્યા.. "
"તને તો કાલ જ એવું થ્યું ને માસ્તર..! મને તો કાયમીક ઈના વિચારો આવે સે. એટલી દાઝ આવે સે કે હાહરાને ગળચી દાબી દઉં.. પણ... " ચંદુ ખૂબ જ ઉશ્કેરાઈ ગયો હતો.
એનું રૌદ્ર સ્વરૂપ જોતાં મને નવાઈ લાગી. એટલે શાંત પાડતાં કહ્યું, "શોંતિ, ભઈ શોંતિ.. થોડી શોંતિ રાખ. ઈને મારી નહીં નોંખવાનો.. જેલમોં જવાની ઉતાવળ આઈ સે કે સું..? "
"મારી નોંખવાની વાત નહીં ભઈ. પણ.." ચંદુ થોડો શાંત થતાં બોલ્યો, "પણ આ ભમરાનો કોક દોઈડો તો કરવો જ પડસે હોં માસ્તર.."
"હા.. આ.. . હવે હમજ્યો તુ ચંદુડા.. દોઈડો જ કરવો સે ઈંનો. અન એવો દોઈડો કરવો સે કે જીંદગીની શોંતિ થઈ જાય ગોમમોં.."
"હારું માસ્તર, એવું કોક વિચાર કે એક્કી ધડાકે એ ભમરોબમરો ખોડ ભૂલી જાય.."
"નક્કી, નક્કી.. પણ ચંદુ....." મને ચંદુ અને ભમરાજીની દુશ્મની જાણવાની ઈચ્છા થઈ. પરંતુ પૂછું કે ના પૂછું એવા અવઢવમાં હુ ચૂપ થઈ ગયો.
"હા બોલને.. પણ સું..? "
"હેંડ કોય નઈં.. લેં હેડ હવે ઘેર જઈએ. ખાસ્યો ટેમ થઈ જ્યો આયે.." એમ કહેતા હું ઊભો થયો.
"ના માસ્તર, સુ કે'તો'તો..? બોલ.. અટકી ચ્યમ જ્યો..?" ચંદુએ મારો હાથ ખેંચતાં કહ્યું.
ચંદુની જીદ ખતરનાક હતી. એટલે 'વધારે લપ કરે એના કરતાં પૂછી જ લેવા દે' એમ વિચારીને મેં કહ્યું, "બીજું કોય નહીં લ્યા. પણ તું આ ભમરાજી પર આટલો બધો દાઝે ભરઈ જઈં સીં. ઈનું કોય કારણ..?"
"ઓ હો હો.. એ વાત હતી..? ઈના વિસે તો સું કઉં લ્યા માસ્તર..? આ ભમરાએ તો મારા બાપાનું ખૂબ લોય પીધું સે.." ચંદુ વળી પાછો થોડો ઉકળ્યો.
"ના હોય.. એવું.. ? ઈમ તે વળી સું લોય પીધુ..?" મેં નવાઈ પામતાં પૂછ્યું.
"એ બધી પસી વાત. લેં હેડ હવે મારેય ભેંસ દોવરાબ્બા જઉ પડસે.." ચંદુ પણ ઊભો થયો. અને પગથિયાં ઉતરતાં બોલ્યો, "પણ માસ્તર, આ ભમરાને હવે સોડવો તો નહીં હોં. તું કોક ઉપાય વિચારવાનું ભૂલતો નઈં પાસો..! "
"ના ભૂલું લ્યા.. ભમરાજી આખા ગોમનો દોઈડો કરે સે. હવે આપડે ઈનો દોઈડો કરીએ. લેં હેંડ તાણ..." કહેતાં મેં બાઈક ચાલું કર્યું.
દિવસ હમણાં જ આથમી જશે. અને પાછું વચમાં સ્મશાન આવશે. વળી ભમરાજીની અને ભૂતની ખૂબ વાતો કરી હતી. એટલે કોઈ ભ્રમજાળના શિકાર પણ થઈ જવાની શક્યતાઓ હતી. તેથી મેં બાઈક ઝડપથી ગામ તરફ દોડાવી મૂક્યું.
**********(ક્રમશઃ)
- "નિસર્ગ"🍁🍁🍁