Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 7

(અગાઉના ભાગમાં જોયું કે ભમરાજીને સબક શીખવાડવાનો ઉપાય અમને મળી ગયો. કાળી ચૌદસની રાતે જ એમના ઉપર ઉપાય અજમાવવનું નક્કી કરીને અમે છૂટા પડ્યા. હવે આગળ...)
************
સવારે મારી આંખ ખૂલી એવા જ ભમરાજી નજર આગળ ખડા થઈ ગયા. હું થોડો ઉત્સાહિ હતો. અને અંદરથી થોડો ભયભિત પણ..
"પાસું મનમાોં કો'ક કઠલા કૂટવા મંડ્યા લાગો સો.. મને બધુ ઠીક નહીં લાગતું.. કોં'ક દાળમોં કાળું લાગે સે.." સવાર સવારમાં મને વિચારમગ્ન જોઈને મારી પત્નીએ પાછો ધડાકો કર્યો.
"એ.. હયે... ઓંને ઉપાડ્યું પાસું.." મનમાં બબડતો હું સતર્ક થઈ ગયો. કહ્યું, "કોંય વિચારતો નહીં લ્યા.. આ તો રાતે બરોબર ઊંઘ ન'તી આઈ એટલે સરીરમોં થોડી આળહ ચડી સે.. તુંયે સું લાકડે મોંકડું વળગાડી દઈં સીં ઈયાર..? "
"ખાજો મારા હમ કે તમે કોંય કઠલામોં નહીં પડ્યા.." ધર્મસંકટ ઊભું કરીને પત્ની મને તાકી રહી..
"હત્તેરી કી.. હવે સું કે'વું ઓને...? જબરો ફસાયો હોં.." એમ વિચારતો હું પણ એને જોઈ રહ્યો.
"જવાબ આલો ઈંમ તાક્યા વગર.." કડક શબ્દોમાં સૂચના મળી..
"જવાબ ને ફવાબ.. તું મેલજે અતારે બધું.." મેં પથારીમાંથી ઊભા થતાં કહ્યું. "એ બધું પસીં.. તું ના'વાનું પોણી કાઢજે.. હાડા છો થઈ જ્યા.. મારે મોડું થસે પાસું.." કહેતો દાતણ લઈને ભાગ્યો.
ભમરાજી દર કાળી ચૌદસે સ્મશાનમાં સાધના કરવા જતા. પરંતુ ત્યાં શી વિધિ કરવામાં આવતી એ અમને ચોક્કસ ખબર નહોતી. હા, લોકોના મોંઢે ઉડતી વાતો સાંભળેલી કે ત્યાં ફલાણી ફલાણી વિધિ કરવામાં આવે. પરંતુ સાંભળેલી વાતોના આધારે અમારો ઉપાય અજમાવવાનું ઠીક નહોતું. તેથી સાધનાની વિધિ પહેલાં જાણી લેવી, પછી એના આધારે અમારે શું કરવું, એવું મનોમન વિચારતો હું નોકરી પર નીકળી ગયો.
***************
"માસ્તર.. ઓ માસ્તર.." બપોરે જમીને હું હજુ સરખો થાઉં ત્યાં તો સાદ દેતો ચંદુ હાજર થઈ ગયો.
"આવો, ચંદુભઈ.. પાસા કોં'ક કઠલા કૂટવા ભેગા થ્યા બે જણા.." બહાર વાસણ ઘસતાં ઘસતાં પત્નીજીએ ચંદુને ટોંટ મારતાં કહ્યું.
"કઠલા..? સેના કઠલા ભાભી..? " ચંદુએ વળતો સવાલ કર્યો.
"અલ્યા એય.. ઓંમ ખાધું કે ઈંમનીંમ ધોડ્યો આયો..?" ચંદુ કંઈક બાફે એ પહેલાં તો હું ઝડપથી ઘરની બહાર દોડી આવ્યો. અને ચંદુની નજર મળતાં જ એને ચૂપ રહેવાનો ઈશારો કરીને સમજાવી દીધો.
ચંદુ થોડો ગૂંચવણમાં પડ્યો. મેં એની નજીક આવતાં કહ્યું, "મું આવતો જ 'તો.. તારે ઢોરોંના દાક્તર જોડે જવાનું સે એ મને ઈયાદ જ હતું..લે હેંડ જઈ આઈએ તાણ.." કહેતાં મેં બૂટ પહેર્યા.
"ઢોરોંનો દાક્તર જોડે..? મારે..?" એવા સવાલો ચંદુના ચહેરા પર તરી આવ્યા. એની આંખો ચકળવકળ થવા માંડી. અને એ કંઈક બોલે એ પહેલાં તો મેં બાઈકને કીક મારતાં કહ્યું, "લે હેંડને હટ.. તારી જેમ મું નવરો નહીં લ્યા.."
ચંદુ હતપ્રભ અવસ્થામાં જ બાઈક પર બેઠો. અને પત્ની કંઈ વધારે ગોટાળા કરે એ પહેલાં તો બાઈક મહોલ્લાની બહાર હતું.
"ઊભો રે' લ્યા માસ્તર.. બાયક ઊભું રાખજે તું.." પાદર આવતાં જ ચંદુ રીતસરનો કૂદી પડે એમ કરતાં બોલ્યો.
"હા, ભઈ હા.." કહેતાં મેં બ્રેક મારી.
"અલ્યા મીં તને ઢોરોંના દાક્તરનું ચ્યાણે કીધું'તું..?" ચંદુ કૂદકો મારીને નીચે ઉતરતાં બોલ્યો.
ચંદુના પ્રશ્નથી મને ખૂબ જ હસવું આવ્યું. પછી થોડો શાંત થતાં કહ્યું, "જો ચંદુ, એ તો મીંએ ગપ્પું માર્યું'તું લ્યા.. હાચી વાત કઉં તો તારી ભાભીને આપડા ઉપર શક થઈ જ્યો સે કે આપડે કોં'ક કઠલામોં પડ્યા સીએ.."
"હેં..એં.. એ..?" ચંદુ ચોંક્યો. અને પૂરી વાત સમજી ગયો. પછી ટાઢો પડતાં કહ્યું, "તે ભલે ને પડ્યો શક.. ખબર પડી જાય તોયે સું લ્યા..? આપડે ચ્યોં કોય ખરાબ કોમ કરીએ સીએ તે..?"
"તારી વાત તો હાચી ચંદુ. પણ આ કાળી ચૌદસ અને ભૂતની વાતોથી તો ઈંને ઝાડા થઈ જસે લ્યા.. પાસી આપડી વાત જાહેર થઈ જાય તો બાજી બધી બગડી જસે હોં.. કોમ પતી જ્યા પસીં તો ભલેને આખા ગોમમોં ખબર પડતી.." મેં ચંદુને સમજાવતાં કહ્યું..
"એ વાતેય હાચી હોં માસ્તર.. તો હમણોં થોડા ચેતન રે'સું.. બીજું સું..? લે હેંડ તાણ ઢોરોંના દાક્તર જોડે.." કહેતો ચંદુ હસી પડ્યો.
"ઓહ ચંદુડી.. દાક્તર જોડે નઈ પણ ભૂવા જોડે જવાનું સે.. લે હેંડ બેહી જા તાણ.." કહેતાં મેં કીક મારી.
"હે..? ભૂવા જોડે...?" વળી પાછો ચંદુ ચમક્યો.
"તું ઓંમ બેહી જાને ભઈ.. રસ્તામોં કઉં સું બધું.."મેં ગિયર પાડતાં કહ્યું. મનમાં ગોટાળે ચડતો ચંદુ બાઈક પાછળ બેઠો. અને અમે ત્યાંથી નીકળ્યા ચેહરાભૂવાના ઘરે જવા.
રસ્તામાં મેં વિધિવાળી વાત ચંદુને સમજાવી. ચેહરાભૂવાને ત્યાં જવાની વાત ચંદુના મનમાં સ્પષ્ટ થતાં ત્યાં જઈને ભૂવાજીને કેવી રીતે સાધવા, તે પણ રસ્તામાં જ નક્કી કરી લીધું.
************
"ચેહરાભા...ભૂવોજી સે કે..? " સાદ દેતા અમે એક ફળિયામાં દાખલ થયા.
"કુણ સે...? " અવાજ સાંભળતાં જ ચેહરાભાએ પ્રશ્ન કર્યો. પછી અમને જોતાં બોલ્યા, "અલ્યા માસ્તર.. અને ચંદુડો. ? આવો આવો લ્યા.."
"ચ્યમ સો ભા તમે..? તબિયત-પોંણી.. ?" મેં ખબરઅંતર પૂછતાં કહ્યું.
"એકદમ ધમધોકાર સે હોં બધું.. તમારે ચ્યમ આબ્બાનું થ્યું લ્યા.? " ચેહરાભાએ અમારા બન્ને સામે જોતાં પૂછ્યું.
"અમે દોઈડો કરાબ્બા આયા'તા ભા.." ચંદુ બોલ્યો.
"કુનો..?" ભા એ પૂછ્યું.
"તમારો.." ભૂવાભોપાળા ઉપર મને ખીજ હતી. એ અંધશ્રદ્ધાના ઉપાયના એક ભાગ રૂપે જ અમે અહીં આવ્યા હતા. એટલે મેં સીધ્ધું જ ચોપડાવ્યું.
"હેં..એં..એં.." ચેહરોભૂવો ચમક્યા.. સાથે ચંદુના પેટમાં પણ ફાળ પડી.. અને ફાટી આંખે મારી સામે જોઈ રહ્યો.
"તમારો એટલે..." મેં તરત જ વાત વાળતાં કહ્યું, "તમારો કરેલો દોઈડો તો કોંક જુદી જ અસર કરે સે હોં ભા.. બોંધ્યો નહીં કે દુ:ખ નાઠું નહીં.."
"આ થોડુંઘણું જોણીએ સીંએ તે લોકોની સેવા કરીએ સીંએ માસ્તર.." ચેહરાભા થોડા ફુલાણા. "તારે કુના ઓલે દોઈડો કરાબ્બો સે ચંદા..?"
"એ તો, મારી ભેંસ કાલ ચમકી સે કે સું.. તે દોવા નહીં દેતી ચેહરાભા.. કોંક કરો ભા. " ચંદુનો શ્વાસ માંડ હેઠો બેસતાં તેણે કહ્યું.
"ઓ.. હો.. અબ્બી હાલ્લ જ કરી આલું હોં.." એમ કહેતાં ચેહરાભૂવાએ ઓશીકા નીચેથી કાળો દોરો કાઢ્યો. ગાંઠો વાળતાં કંઈક મંત્રો બબડ્યા. પછી મૂઠ્ઠીમાં દોરો રાખીને ત્રણ વાર ફૂંક મારી. પછી ચંદુને દોરો આપતાં બોલ્યા, "ઘેર જઈને અગરબત્તીનો ધૂપ આલીને ભેંસના શેંઘડે બોંધી દેજે ભઈ.."
"એ ભલે ભા, ભલે હોં.." ચંદુએ દોરો ખિસ્સામાં મૂકતાં કહ્યું "તમારી ભગતી અને તમારી સાધના તો જોરદાર સે હોં ભા."
અમારી યુક્તિ કામ કરવા લાગી. ચેહરોભૂવો તો ગર્વથી ઊંચાનીચા થવા માંડ્યા. એટલે અમે થોડાં વધારે વખાણ કર્યાં.
"તે હેં ભા.. તમે સાધના કરવા જોવ સો, તે બીક નહીં લાગતી તમોને..?" મેં પોરો ચડાવવા પૂછ્યું.
"બીક...?" ભૂવાજી ગર્વ સાથે ગંભીરતાથી બોલ્યા, "બીક તો લાગ જ.. પણ માસ્તર ઈંકણીંયોં જેવાતેવાનું ગજું ના હેંડે હોં પાસું.. અને દેવશક્તિનો હાથો હોય તો જ તમે ટકી હેકો ઈં.."
"ઈંમ..? સું વાત કરો સો ભા..? તમે તો જબરા કાઠા કેવોવ હોં.." મેં વળી પાછું પોરસ ચડાવ્યું.
"કાઠા તો થઉં જ પડે માસ્તર, બાકી તો ઉપરવાળાની દયાથી બધું થયે જાય.." આ બધું જાણે એમના ડાબા હાથનો ખેલ હોય એવા હાવભાવ સાથે ચેહરાભા બોલ્યા.
"હેં ભા, તમે વિધિમોં ત્યોં જઈને સું સું કરો.. ? " લાગ મળતાં જ મેં મૂળ વાત પૂછી.
"એ તો બધું સે ને ભઈ.." એટલું બોલીને તેઓ થોડા ખચકાણા.. પછી અમારો આગ્રહ અને વખાણને વશ થઈને ચેહરાભૂવાએ તમામ વિધિ અમને કહી સંભળાવી.
અમારું કામ થઈ ગયું. જે જાણવું હતું તે જાણી લઈને અમે ત્યાંથી નીકળી ગયા.
. ***************
"અલ્યા માસ્તર, તું તો કો'ક દાડો અમોને મરાઈ નોંખે હોં લ્યા.." રસ્તામાં ચંદુ બોલ્યો.
"ચ્યમ અલ્યા ચંદુડા..? મીં એવું સું કર્યું લ્યા..?"
"સું કર્યું એટલે સું લ્યા.? હમણોં ભેંસનો દોઈડો કરાવતોં કરાવતોં તું આપડો દોઈડો કરાઈ નોંખોત.. તારે ધડાક દઈને 'તમારો' ઈંમ કે'વાય..?"
"હવે મેલ એ બધું.. તું પેલા પાદોડને કે'જે કે ભેમાને મળવાનું ગોઠવી દે. એટલે હોંજે ઈંનેય બધું હમજાઈ દઈએ." મેં મૂળ વાત પર આવતાં કહ્યું.
"કુણ પાદોડ..? અલ્યા હોવે.. પથુડી..? હવારે જ ઈંને ઈયાદ કરાયું 'તું." ચંદુએ યાદ કરતાં કહ્યું.
"હારું, લેં હેંડ તાણ મું હવે ઘેર જઉં.. ભેમલો મળ્યો કે નઈં, એ પેલાને પૂસી લેજે પાસો.." કહેતાં મેં બ્રેક મારી.
"હઓઓ.. પૂસી જ લઉં સું હમણોં.. મુંએ પસીં સેતર ઓંટો મારતો આઉં.." કહેતો ચંદુ બાઈક પરથી ઉતરીને ચાલતો થયો.
"હાશ.. ભૂવાનું કોમ તો પત્યું.. હવે ભેમલો શીશામોં ઉતરી જાય તો બસ..બસ.. પસી ભમરા, ચેહરા ને ભૂવા બધ્ધોંની વાત.." એમ મનોમન વિચારતો હું પણ ઘર તરફ વળ્યો..
*************(ક્રમશઃ)

- "નિસર્ગ" 🍁🍁🍁