Featured Books
  • એક ષડયંત્ર.... - ભાગ 39

    (સિયા તેના પ્રેમ મનથી તો સ્વીકારે છે અને સાથે સાથે તે માનવને...

  • ભાવ ભીનાં હૈયાં - 28

    આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું...

  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 6

(અગાઉના ભાગમાં ભેમાના વ્યક્તિત્વ વિશે જાણ્યું. ભમરાજીના ભયમાંથી ગામલોકોને મુક્ત કરાવવા તથા ભમરાજીને પાઠ ભણાવવાનો ઉપાય શોધવાની મથામણ કરતાં કરતાં આખરે ઉપાય મળી ગયો. જેની જાણ સવારે મિત્રોને કરવાનું નક્કી કરીને હું સૂઈ ગયો. હવે આગળ... )
******************
રાત બરાબરની જામી હતી. વરસાદ પણ જામ્યો હતો. ગામલોકો ભરનિંદરમાં પોઢી ગયા હતા. ક્યાંક ક્યાંક વીજળી કડકવાના અવાજ સાથે ધીમા વરસાદમાં પડતાં નેવાંની બંબૂડીઓના અવાજ સિવાય બધું જ શાંત હતું.
અચાનક ભેમો પોક મૂકીને રડતો હોય એવું લાગ્યું. હું સફાળો બેઠો થયો. અને બરાબર કાન દઈને સાંભળવાનો પ્રયત્ન કરતો પથારીમાં બેસી રહ્યો.
"હા લ્યા, આ તો ભેમો જ લાગે સે.. ચ્યમ રાડયો પાડીને રોતો હસે..? મારૂં બેટું સુ થ્યું હસે લ્યા..? " હું મનોમન સવાલો કરતો ઝડપથી ઊભો થઈને બારણા પાસે આવ્યો.
થોડીવાર અટકીને બારણે કાન દઈને ફરીથી સાંભળવાનો પ્રયત્ન કર્યો. હવે તો નક્કી જ થઈ ગયું કે ભેમો જ પોકે પોકે રડતો હતો.
મેં ફટાક કરતું બારણું ખોલ્યું. મહોલ્લાની વચ્ચોવચ્ચ ઊભો રહીને વરસાદમાં પલડતો ભેમો રડતો હતો. હું છત્રી લઈને ઘરમાંથી નીકળીને ભેમા પાસે ગયો.
"અરે.. રે.. માસ્તર સાહેબ.. ઓ માડી રે... ગજબ થઈ જ્યો રે.." મને જોતાં જ ભેમાએ ફરીથી પોક મૂકી.
"પણ થ્યું સું એ તો બોલ ભેમા.. " મે પ્રશ્ન કર્યો.
"અરે.રે.. સું બોલું રે.. આ ભમરાએ તો કાળો કેર કરી નોંસ્યો રે.. બાપલિયા.. રે.." ભેમો વધુ જોરથી રોવા લાગ્યો.
"હાય.. હાય.. વળી પાસું સું કર્યું હસે આ ભમરાએ.?" મને પેટમાં ફાળ પડી..
ત્યાં તો ફટાક કરતો બાજુના ઘરનો દરવાજો ખૂલ્યો. અને "ભમરાને મારો.. મારો.." કરતી એક બાઈ સળગતો કાકડો લઈને બહાર નીકળી. હું ચમક્યો.
"હએએ..આ સું પાસું.? "હું કંઈ સમજું એ પહેલાં તો બીજા ઘરનો દરવાજો ખૂલ્યો. એમાંથી પણ સળગતા કાકડા સાથે એક બાઈ નીકળી. અને પછી તો "ભમરાને મારો.. કાપો.. મારો.." ના પોકારો સાથે એક પછી એક ઘરના દરવાજા ખૂલતા ગયા. અને સળગતા કાકડા સાથે સ્ત્રીઓ નીકળીને અમને ઘેરતી ગઈ.
હું આશ્ચર્ય અને થોડા ભય મિશ્રિત ભાવ સાથે રઘવાયો થઈને બધાંને જોતો જ રહ્યો. પોકારો વધવા લાગ્યા. ભેમાએ પણ માઝા મૂકી. એ પણ કારમું રૂદન કરતો જમીન પર આળોટવા લાગ્યો.
"ભેમા.. ઓ ભેમલા.. " કરતો હું એને ઊભો કરવા અને શાંત કરવા મથવા લાગ્યો. હું ભેમાનો હાથ પકડવા જાઉં ત્યાં તો પાછળથી કોઈક સ્ત્રીએ મારો હાથ પકડી લીધો. અને મને તે ખેંચવા લાગી.
"મૂકી દે.. મને તો મૂક પણ.. " કહેતો હું છૂટવા મથી રહ્યો. હવે મારો અવાજ પણ રૂંધાવા લાગ્યો હતો. બૂમો પાડવા મથું તો પણ એક શબ્દ ગળામાંથી નીકળી શકતો નહોતો.
હું જોર કરીને હાથ છોડાવવા પ્રયત્ન કરવા લાગ્યો. અચાનક પેલી સ્ત્રીએ મારો હાથ છોડી દીધો.
********************
હું જમીન પર પટકાઉં ત્યાં તો ઝબાક કરતી મારી આંખ ખૂલી ગઈ. મારી પત્ની સામે જ ઊભેલી. એ થોડી ગભરાઈને મારી સામે એકીટસે તાકી રહી હતી.
મેં પથારીમાં બેઠા થતાં પૂછ્યું, "ચ્યમ, સું થ્યું..? ચ્યમ ઓમ હોંફળીફોંફળી થઈ જઈં સીં..? "
"હાય.. તમે તો સું ભૈસાપ બિવડાવે એવું કરો સો.." એણે ઊંડો શ્વાસ લેતાં કહ્યું.
"ચ્યમ.. ? મીં એવું સું કર્યું લ્યા.? "
"તમેય ખરા સો હોં.. ઊંઘમોં ઉં.. ઉં... કરતા હાથ પસાડતા'તા.. તેં મું તો ઘભરઈ જી'તી..કોય સપનું જોતા'તા કે સું.? "
"હોવે લ્યા.." મને બધી વાત સમજાઈ જતાં કહ્યું, "હાળું બીક લાગે એવું સપનું આયું'તું."
"સેનું સપનું હતું.. ? ભૂતબૂતનું તો નતું ને..? " વળી એણે પ્રશ્ન કર્યો.
"હવે જે આયું એ.. પસી વાત.. વાજ્યા ચેટલા..? " મેં વાતમાંથી છટકતાં પૂછ્યું.
ઘડિયાળમાં જોયું તો સવારના સાડા આઠ વાગી ગયા હતા. મેં ફટાફટ પથારી છોડી. ઝડપથી સવારની વિધિઓ પતાવીને તૈયાર થઈ ગયો.
"હાળું દિમાગમોં આવું ચ્યોંથી આયું..? " મેં મને આવેલા સ્વપ્ન વિશે વિચારો દોડાવ્યા. પરંતુ એનો કોઈ તાગ ન મળતાં "જે હોય એ, ઈમોં સું થઈ જ્યું..? " એમ વિચારીને મેં એ વાતને ત્યાં જ છોડી.
. ********************
દિવસભરનાં પોતપોતાનાં કામ પતાવીને અમારી ત્રિપૂટી સાંજે મળી. રોજની બોટેલી જગ્યાએ અમે જઈ બેઠા.
ત્યાં મેં સપનાની વાત કહી.
"અલ્યા માસ્તર, જબરી કરી હોં. હવારનું સપનું તો હાચું પડે હોં." વાત પૂરી થાય ત્યાં તો પથુ બોલી ઉઠ્યો.
"જો હોંભળ, આ પાદોડની વાતો હોંભળ તું.." ચંદુ પથુની વાત સાંભળીને ખિજાયો.
"સો રયો મું પાદોડ. પણ તું ચેવો મોટો મરદનો શીયો સે તે મને ચ્યોં નહીં ખબેર.. પેલા દાડે હમી હોંજે તો અઢાર મણ હંઘી જ્યું'તું.. " પથુ પણ ઉશ્કેરાયો.
"બસ.. બસ.. હવે. ચૂપ કરો લ્યા બેય જણા.. " વાત આડા પાટે ચડતાં હું વચમાં પડ્યો. "એ બધું મેલો એક બાજુ. પેલા ભમરાજી વિશે કોય વિચાર્યું કે નઈ લ્યા તમે...? "
"વિચાર્યું.. પણ મને તો એક જ ઉપાય ધ્યોંનમોં આવે સે માસ્તર. કે જઈને બે લાકડીઓ ઊભ્ભા બઈડાની વેટાડી દઉં.. " ચંદુએ પથુનો ગુસ્સો ભમરાજી પર કાઢતાં કહ્યું.
"લ્યા, વળી પાસી મારવાવાળી વાત..? ઈંમ નહીં કરવાનું.. " મેં ચંદુ પર ડોળા કાઢ્યા. પછી પથુ સામે જોયું.
"મું તો સું ઉપાય બતાઉ માસ્તર..? ભમરાજીને કોય પોકે ઈમ નહીં. ગોમ આખું બિવાય સે તો આપડું સું ગજું..? " પથુ તો પાણીમાં બેઠો.
"હત્તેરી કી.. આ ચંદો તને પાદોડ કે' સે એ બરોબર જ સે હોં લ્યા.. આ ભમરાની ભક્તિમોંથી બા'ર નેંકળ લ્યા.." મેં પથુને તતડાવ્યો.
"અલ્યા, મું કોય ઈનો ચેલો નહીં માસ્તર.. આ તો ખાલી વાત કરું સું.." પથું મનને થોડું મજબૂત કરતાં બોલ્યો.
"તો તું જ કોક ઉપાય કરને માસ્તર. અમોને તો કોય નઈ હૂજે લ્યા.." ચંદુ અકળાતાં બોલ્યો.
"મને તો કાલ રાતનો જ ઉપાય મળી જ્યો સે લ્યા. તમોને ચ્યાણનું કે'વું'તું, પણ દાડે ટાઈમ નોં મળ્યો.."
"હેંએંએંએં..?? તો હટ બોલને લ્યા. તુંએ સું આડીઅવળી વાતો કરે જઈં સીં ચ્યારનોય.. કે'જે, સું ઉપાય સે.. ? " ચંદુ એકી શ્વાસે બોલી ગયો.
"કઉં સું લ્યા. થોડી શોંતિ રાખ લ્યા.." કહેતાં મેં બન્ને સામે જોયું. એમની ઉત્સુકતા વધી ગઈ હતી. એટલે મેં મારો આઈડિયા સમજાવતાં કહ્યું,
"જોવો લ્યા. ઉપાય થોડો અઘરો તો સે, પણ આપડે તઈણે જણા કાઠા થઈએ તો બધું જ પાર પડે ઈમ સે. તમે બે ફહળી તો નઈં જો ને લ્યા..?"
"ના... ના.. નઈં ફહળી જઈએ.. બોલ તુંતાર.." બન્ને જણા એકસાથે બોલી ઉઠ્યા.
મને પણ એમની વાતથી હિંમત આવી. "જોવો, આ કોમમોં ભેમાની ખાસ જરૂર પડસે.. ઈંને આ કોમ માટે રાજી કરવા આપડે મથવું પડસે."
"ભેમલો.. ? એ દારૂડિયો.? ઈંની સી જરૂર પડસે લ્યા ઓમોં..? " ચંદુને આશ્ચર્ય થતાં વચમાં જ પ્રશ્ન કર્યો.
"હોવે લ્યા.. એ દારૂડિયો જ ઓમોં કોમ આવે ઈમ સે.." મેં મક્કમતાથી કહ્યું.
"તુંએ લ્યા સું ગડબડ ગોટાળા કરવા મોંડ્યો સે ભઈ..? કોક ફોડ તો પાડ ઈયાર.." પથુ પણ ફાંફે ચડતાં બોલ્યો.
"હા. હેંડજો ફોડ પાડીને વાત કરું.." મેં ઊંડો શ્વાસ ભરતાં વાત શરૂ કરી, "જોવો, આ ભમરો દર કાળી ચૌદસે મોંહણીયોંમોં સાધવા તો જાય સે ને, એ રાતે જ ઈંનો દોઈડો કરી દઈએ. ઈંમો ભેમાની જરૂર એટલા માટે સે કે.......***** "
મેં આખો આઈડિયા બન્ને જણને વિગતે સમજાવ્યો. મારી વાત પૂરી થતાં ચંદુ અને પથુ થોડીવાર માટે કંઈ જ ના બોલ્યા. એટલે મેં પૂછ્યું, "ચ્યમ લ્યા, ઉપાય બરોબર ના લાજ્યો..?"
"બરોબર સે, પણ હાહરૂં કાળી ચૌદસની અડધી રાતે મોંહણીયોંમોં જવાનું.... " પથુ ઢીલો પડવા લાગ્યો.
મેં ચંદુ સામે જોયું. એટલે એ પથુ સામે જોતાં બોલ્યો, "રાતની બીક નહીં લ્યા. પણ પેલો કાળિયો જો આવેસમોં આઈ જ્યો અને કોક હા-ના થઈ જ્યું તો..?"
"તારી વાત તો હાવ હાચી સે ચંદુ. પણ ઈંના માટે તો ભેમાને બરોબર હમજાઈને તૈયાર કરવો પડસે. અને આપડે પણ ઈંની હાર્યે તૈયાર રે'વું પડસે.." મેં વાત સમજાવવાનો પ્રયત્ન કર્યો.
"હા. એ જ મું કઉં સું તાણ. કાળિયો હમજી જાય તો પસીં કોંય વોધો નઈ આવે.." ચંદુને મારી વાત સમજાઈ ગઈ.
"તારું સું કે'વું સે પથુ.? " મે પથુને તાગવાનો પ્રયત્ન કર્યો.
"તમે બેય જણા મક્કમ સો, તો મુંયે તમારા ભેગો તૈયાર.." પથુ પણ સાથે રહેવા રાજી થયો.
"તો પસીં થઈ જો તૈયાર.. દહ દાડા બાકી સે હવે કાળી ચૌદસને. કાલબાલ ભેમાનેય ભેગું થઉ પડસે પાસું." મેં ઊભા થતાં કહ્યું.
"એ તો મને કાલે જ ભેગો થસે. મારી બાજુવાળા સેતરમોં જ બે દાડાથી કોમે આવે સે. કાલ મું ઈંને કઈ દયો બધું.." કહેતો પથુ પણ ઊભો થયો.
"ના લ્યા, બઉ હરખપદુડો ના થા પથલા. તું બીજુ કોય ના કે'તો. ઈંને ખાલી એટલું જ કે'જે કે હોંજે ભેગો થાય.." મેં પથુને સમજાવ્યો.
"હોવે લ્યા, તું પાસું બઉ ઉતાવળીયું ના થઈ જતું. નકર બાફે બધું.." ચંદુએ પથુની મજાક કરી.
"લ્યો હેડો, હવે કાલની વાત કાલ. હવે ઊંઘ ચડી સે.." કહીને મેં પગ ઉપાડ્યો. અમે ઘર તરફ ચાલ્યા.
રસ્તામાં થોડી વાતો થઈ ત્યાં પથુનું ઘર આવી ગયું. હું અને ચંદુ આગળ ચાલ્યા. થોડે દૂર ચંદુનું ઘર પણ આવી ગયું. ચંદુ થોડો વિચારમાં હોય એમ મને લાગ્યું.
"ચ્યમ, પાસું સું થ્યું લ્યા ચંદુ.? સું વિચારે ચડ્યો પાસો..?" મેં પૂછ્યું.
"વિચાર બીજો તો કોય નહીં. પણ માસ્તર, આ પથલો આપડા ભેળો આવસે ખરો..? ખરા ટોણે ઘો ના કાઢે તો હારૂં.." ચંદુએ મારા મનની જ વાત કહી.
"તારી વાત હો ટકા હાચી સે હોં લ્યા. મનેય મનમોં એ જ ચિંત્યા હતી.." મેં ચંદુની વાતમાં સૂર પૂરાવતાં કહ્યું. "પણ વોંધો નઈં લ્યા. ઈંનેય થોડી હેમત આલસું. તોયે જો ઢીલો પડે, તો પસીં આપડે બે જણા તો નક્કી જ હોં.. "
"હમ્બો માસ્તર, પથુડી ના આવે તોયે મું તો તૈયાર જ સું. મું પાસો નઈ પડું બસ.." ચંદુએ મક્કમતા બતાવી.
"બસ તાણે.. ગમેતેમ કરીનેય આ મોકો જવા નહીં દેવો.. લેં હેંડ તાણ મું હવે જઉં.. " એટલું કહીને હું ચાલી નીકળ્યો.
*********************
"તમેય આટલી રાતે ચ્યોં બેહીં રયો સો..? " હું ચૂપચાપ સૂવા જતો હતો ત્યાં જ મારી પત્નીએ મને ટકોર કરી.
"અલ્યા.. તું હજુ ઊંઘી નહીં..? " મેં ચમકીને પૂછ્યું.
"ના. પણ પેલાં એ કેજો કે તમે તઈણ જણા સેના કઠલા કૂટો સો.. મને ચેટલાયે દાડાથી એવું લાગે સે.. " એણે ધડાકો કર્યો.
"ઓ ત્તારી.. ઓને ચેવી રીતે ખબર પડી લ્યા..?" મેં નવાઈ પામતાં મનમાં વિચાર્યું. પછી કહ્યું, "કોંય કઠલા નહીં લ્યા. આ તો ઘડીક વાતો કરવા બેહીંએ. ઈંમોં ચ્યોંક મોડુંયે થઈ જાય. ઈંમોં સું થઈ જ્યું. લેં હેંડ, હૂઈ જા શોંતિથી. ખોટી ચિંત્યાઓ ઊભી નો કર.." કહીને હું પથારીમાં આડો પડ્યો.
મારી પત્ની થોડીવાર મારી સામે જોઈ રહી. પછી "હસે તાણ, મારે સું..? કૂટો તમતમારે જે હોય એ.." એમ કહેતી તે પણ સૂઈ ગઈ.
ચારેબાજુ નિરવ શાંતિ છવાઈ ગઈ. હું અમે નક્કી કરેલા ઉપાયના વિચારે ચડ્યો.
હાળું આ ભેમાને ચેવી રીતે હમજાબ્બો.?
જેવું ધાર્યું સે એવું ભેમાથી થસે કે નઈ થાય..?
ચંદુ અને પથુ ફહળી તો નઈ જાય ને..!
આ ઉપાય ભમરાજી ઉપર કારગત થસે કે નઈ થાય..?
હાળું ચ્યોંક બધું અવળું પડ્યું તો સું થસે.?
વગેરે જેવા વિચારો કરતાં મને મોડે સુધી ઊંઘ આવી નહીં. છેવટે "જે થાય એ ખરૂં, પણ હવે પાસું તો પડવું જ નહીં.." એવું મનોમન નક્કી કરીને મેં આંખો બંધ કરી..
. . ******************(ક્રમશઃ)

- "નિસર્ગ" 🍁🍁🍁