Featured Books
  • ભાવ ભીનાં હૈયાં - 28

    આ બધું જોઈ મને ખ્યાલ આવી ગયો કે ચોક્કસ આ બધું શશિએ જ કરેલું...

  • સ્ત્રીનું રૂપ

    માનસીએ પરણીને ઘરમાં પ્રવેશ કર્યો. કુમકુમના પગલાં સાસુમાએ પડા...

  • શંખનાદ - 13

    વિક્રમ સન્યાલે એક હિન્દુસ્તાની તરીકે ખુલે આમ પાકિસ્તાન ને દે...

  • નિયતિ - ભાગ 7

    નિયતિ ભાગ 7રિદ્ધિ અને વિધિ બને કોલેજની બહાર નીકળતા જ કૃણાલ ઉ...

  • એક પંજાબી છોકરી - 34

    સોહમના મમ્મી સોનાલીને કંઇક પૂછવા જતા હતા ત્યાં બોલતા બોલતા અ...

શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 11

(અગાઉ જોયું કે અમે સ્મશાનમાં સંતાઈને યોગ્ય સમયની રાહ જોતા, ભમરાજીની સાધના જોતા બેઠા હતા. એવામાં ભમરાજી અમારી તરફ ખૂલ્લી તલવાર લઈને ધસી આવ્યા... હવે આગળ... )
************
પરંતુ આ શું..? અમારા આશ્ચર્ય વચ્ચે ભમરાજી ત્યાંથી પાછા વળી ગયા. અને બીજી દિશામાં ધસી જતાં ફરીથી તાડૂક્યા, "દોઓઓ... બહાર નીકલોઓઓ..."
અમારું સંકટ ટળતાં હાશ થઈ. પથુ બેભાન જેવો થઈ ગયો હતો. મારામાં પણ થોડો ફફડાટ વ્યાપી ગયો હતો.
ત્યાં તો ભમરાજી ત્રીજી દિશામાં જતાં તાડૂક્યા. પછી ચોથી દિશામાં.. એમ ચારે બાજુ ફરીને તાડૂકતા એક, દો, ગણતા પાછા કુંડાળાની મધ્યમાં આવી ગયા.
એમના આ વર્તન કરવા પાછળનો આશય અમને સમજતા વાર લાગી નહીં. દિવસેય જ્યાં અહીં આવતાં લોકો ડરતા હોય ત્યાં રાત્રે તો જવાનું કોઈનું ગજું ક્યાંથી હોય..? આમ છતાં આવું કરીને તેઓ 'આજુબાજુમાં કોઈ જોઈ તો નથી રહ્યું ને.!' એ વાતની ખાતરી કરવા માંગતા હતા.
ખાતરી થઈ જતાં જ ભમરાજી એ સાચી વિધિ શરૂ કરી. કુંડાળાની વચ્ચે લાકડાં ગોઠવીને સળગાવ્યાં. પછી ઉઘાડી તલવાર લઈને કુંડાળાની ધારેધારે પાણીની ધારાવણી દેતા બોલવા લાગ્યા, "ૐ ભૂં ફટ્ટ.. સૂરજ બાંધું, ચંદા બાંધું, બાધું દિશા ચાર.. ઈસ રેખા સે અંદર આયે ઉસે મહાકાલી દે માર... ૐ ફટ્ટ્ટ્ટ. . "
અમારા પરથી એક ઘાત ટળી હોય એવો અનુભવ થવાથી અમને થોડી શાંતિ તો થઈ. હાલ પૂરતા તો આ કસોટીમાંથીયે પાર ઉતર્યા હતા. પરંતુ આગળ કેવી કસોટીઓ પાર કરવી પડશે, એનો ફફડાટ તો હજુ પણ મનમાં વ્યાપેલો જ હતો.
"ૐ ભૂં ફૂં ફટ્ટ સૂમ ધં ખૂં સ્વાહાઆઆઆ..." ઊંચા અવાજે ભમરાજીએ હવે મંત્રોચ્ચાર કરવા માંડ્યા. અને સળગતી આગમાં કંઈક વસ્તુઓ હોમવા માંડ્યા. પા કલાક સુધી આ રીતે હોમ-હવન ચાલ્યો. પછી કોઈ પ્રવાહી પદાર્થ હોમતાં મોટો ભડકો થયો. એ સાથે જ ભમરાજી મોટા અવાજે ભયંકર હાકોટો કરતા ઊભા થઈ ગયા.
તરત જ ઝાડીઓમાં દૂર દૂર કોઈની તીણી ચીસો સંભળાવા લાગી. ખિજડા ઉપરથી ચિબરીઓ ચીસો પાડતી ઉડીને દૂર જતી રહી. વાતાવરણ એટલી હદે ભયંકર બની ગયું કે અમારાં પણ હાજાં ગગડી ગયાં. પથુ બે કાન દાબતો આંખો બંધ કરીને થરથર ધ્રૂજવા માંડ્યો હતો. અમારી હાલત પણ કફોડી બની હતી.
ભમરાજીએ તલવાર એકબાજુ મૂકી. અને બાજુમાં પડેલી એક તાસ ઉઠાવી. એમાં શું ભરેલું હતું તે સ્પષ્ટ કળાતું નહોતું પરંતુ કંઈક તો ભરેલું હતું જ. તાસ લઈને તેઓ કુંડાળાની ધારે ધારે ફરતા મૂઠ્ઠી ભરીભરીને દૂર સુધી કંઈક ફેંકવા લાગ્યા. તાસ ખાલી થઈ ગઈ પછી પાછા કુંડાળાની મધ્યમાં આવી ગયા. અને શાંત ઊભા રહ્યા.
સાધનાની વાતો દિવસે સાંભળવી અને અડધી રાત્રે ખરેખર સાધનાને પ્રત્યક્ષ જોવી એમાં જમીન-આસમાનનો ફરક હતો. અમારી ધીરજની ખરી કસોટી થઈ રહી હતી. મારું મનોબળ પણ હવે હાંફવા લાગ્યું હતું. આગળની પરિસ્થિતિ કેવી હશે એ અમે એકેય જાણતા નહોતા. છતાં ટકી રહેવું એ જ અમારું ધ્યેય હતું.
"હાઆઆઆ... આ જાઓ.. સબ આ જાઓ.. ભૂત, પિશાચ, ચૂડેલ.. જો ભી હો હાજીર... જલ્દી સે આ જાઓ.." ભમરાજીએ એક મોટી બૂમ પાડીને પછી ભૂતાવળને આહ્વાન કરવા માંડ્યું.
"માસ્તર.. કાઠું કોમ સે હોં હવે ઓંય ટકી રે'વું.. સું કરસુ હવે..?" ચંદુ નાસીપાસ થતાં બોલ્યો. એને શું જવાબ આપવો એ તો મને પણ સૂઝ્યું નહીં તેથી મેં ચૂપ રહેવાનો ઈશારો કરતાં શાંતિથી બેસી રહેવા અને પથુને સાચવવા જણાવ્યું.
થાડીવાર સુધી કોઈ હલચલ ન દેખાતાં ભમરાજી ફરીથી બૂમ પાડતા બોલ્યા, "આ જાઓ... તુમ્હારા ભોગ તૈયાર હૈ.. આ કે ખા જાઓ.. ૐ ભૂં ષં ફટ્ટ્ટ સું... આ જાઓ.. "
ફરીથી પાછી કાનના પડદા ચીરી નાંખતી ઝાડીમાં એક કારમી તીણી ચીસ પડી. સામે ભમરાજીએ પણ ઉપરાછાપરી ત્રણ હાકોટા કર્યા. પછી બધું એકદમ શાંત થઈ ગયું.
અમારા ડરની સાથે ઉત્સુકતા પણ વધી. ત્યાં તો અમારી બાજુની ઝાડીમાં થોડી હલચલ થવા લાગી. કોઈ ધીરેધીરે ચાલતું હોય એવો પગરવ સંભળાવા લાગ્યો. પગરવ અમારી નજીક આવતો હતો. મેં ચંદુનો હાથ પકડ્યો. એણે મારી સામે જોતાં માથું હલાવ્યું. પથુને પણ સાવધ કરતાં મેં કહ્યું, "પથુ, થોડીવાર કાઠો થજે મારા ભઈ..."
પથુ ડરનો માર્યો આંખો ખોલવા તૈયાર જ નહોતો. એટલે એને વધારે ન છંછેડતાં અમે મક્કમ બનીને બેસી રહ્યા. ભમરાજી હજુપણ મંત્રો સાથે આહ્વાન કરી રહ્યા હતા.
અમે આગળ કંઈ વિચારીએ ત્યાં તો બાજુની ઝાડીમાંથી એક ઊંચો આકાર પ્રગટ થયો. ખૂલ્લી જગ્યામાં આવતાં જ એણે બન્ને હાથ ઊંચા કરીને પાતળી ચીસ પાડી. અને ત્યાં જ સ્થિર થઈ ગયો.
મોટા કાકડા સાથે જલતી મશાલના અજવાળામાં અમે એ આકારને જોયો. ઊંચો, કાળો અને બિલકુલ નિર્વસ્ત્ર. મોંઢું એનું કઈ બાજુ છે એ જ સમજાતું નહોતું. બંને હાથની હથેળીઓમાંથી લોહી જેવું નીકળતું હતું. થોડી થોડી વારે એ હાથ ઊંચા કરીને કારમી ચીસો પાડતો હતો. એની ચીસોથી આજુબાજુનું વાતાવરણ પણ કંપી ઉઠતું હતું. અમારો ફફડાટ પણ ખૂબ જ વધી ગયો હતો.
"હાઆઆ.. ટ.." આકારને સ્થિર થઈ ગયેલો જોઈને ભમરાજી તાડૂક્યા. "આ જા બચ્ચા.. આજા.. તુ ભી ખા લે... ચલ આ જા.." કહીને ભમરાજીએ એ આકાર તરફ કંઈક છૂટ્ટું ફેંક્યું.
એનાથી એ આકાર થોડો પાછો હટી ગયો. પછી તીણી ચીસ પાડતો કુંડાળા તરફ આગળ વધ્યો. ભમરાજી નિશ્ચિંત બનીને હાકોટા કરતા મંત્રો ભણી રહ્યા હતા. આકાર છેક કુંડાળાની ધાર પર આવીને ઊભો. એમને વિશ્વાસ હતો કે કોઈપણ ભૂત કુંડાળાની લક્ષ્મણરેખા ઓળંગીને અંદર આવી શકવાનું જ નહોતું.
ફરીથી ભમરાજી એની તરફ કંઈક ફેંકતા જોરશોરથી બોલવા માંડ્યા, "સૂરજ બાંધુ.. ચંદા બાંધું...."
આકાર થોડીવાર એમને ઘૂરીઘૂરીને જોતો રહ્યો. પછી અચાનક જ એણે પગ ઉપાડ્યો અને લક્ષ્મણરેખા ઓળંગીને કુંડાળાની અંદર ડગલું માંડ્યું.
ત્યાં તો ભમરાજી ભડક્યા. એ જોરથી તાડૂકતા મંત્રો બોલીને આકારને પાછો કાઢવા મથવા લાગ્યા. પરંતુ આકાર તો એમનાથીયે બમણી ચીસો પાડતો ધીમા ડગલે એમની તરફ ધસવા લાગ્યો.
હવે ભમરાજી બરાબરના મૂંઝાણા. એમના જીવનમાં ન જોયેલી અને ન કલ્પેલી ઘટના આજે એમની નજર સામે ઘટી રહી હતી. એમના અવાજમાં તરડાવા લાગ્યો હતો. અમને સમજાઈ ગયું કે ભમરાજી ગભરાઈ ગયા હતા. અને એ ગભરાટમાં ને ગભરાટમાં તેઓ પાછાં ડગલાં ભરતા મંત્રો બોલવા લાગ્યા. પરંતુ એ મંત્રોની કોઈ જ અસર પેલા બિહામણા આકાર ઉપર થતી નહોતી.
આમને આમ પેલો આકાર કુંડાળાની મધ્યમાં આવી ગયો. અને ભમરાજી પાછા પડતા પડતા છેક કુંડાળાની ધાર પર પહોંચી ગયા. મંત્રોચ્ચારણ તો ચાલું જ હતું. પરંતુ સાધનાની વિધિ પલટાઈ ગઈ હતી. થોડીવાર પહેલાં કાળી રાત્રિના બાદશાહ બની ગયેલા ભમરાજી અત્યારે ડરના માર્યા હરણાંની જેમ હાંફવા માંડ્યા હતા.
અચાનક આકારને શું સૂઝ્યું કે તેણે નીચે પડેલી તલવાર ઉઠાવી. અને આકાશ તરફ જોતાં કારમી ચીસ પાડીને તલવાર વિંઝતો ભમરાજી તરફ ધસ્યો.
બસ.. ખેલ ખતમ.. વિધિ પૂરી. સાધનાને ત્યાં જ અધૂરી છોડીને ભમરાજીએ બૂમ પાડતાં ગામ તરફ મૂઠ્ઠીઓ વાળી., "બચાઓ... બચાઓ.. અરે ઓ જુગલ.. ઓ ભિખ્ખુડા.. કહાં ગયે તુમ.? મુઝે ઈસ પિશાચ સે બચાઓ.. ઓ બાપરે.. કોઈ મુઝે બચા લો.. "
ભમરાજી જીવ હાથમાં લઈને ભાગ્યા. પેલો આકાર પણ ઉઘાડી તલવાર લઈને એમની પાછળ ભાગ્યો. અને એમની પાછળ હું, ચંદુ અને પથુ પણ ભાગ્યા. ભાગતાં ભાગતાં મેં મશાલ હાથમાં લઈ લીધી.
ત્યાં તો રસ્તામાં બે ઓળા સામેથી આવતા દેખાણા. એ ચેલાઓ જ હતા. સમય થઈ જતાં તે બંને સાધના સ્થળે આવવા નિકળ્યા હતા. ભમરાજી બૂમો પાડતાં પોતાને બચાવવા આજીજી કરતા એમની તરફ ભાગ્યા. "અરે મુઝે બચાઓ.. યે પિશાચ મુઝે માર ડાલેગા.. જુગલ.. ઓ ભિખ્ખુ.. બચાલો રે .."
પરંતુ ચેલાઓ આ બધું જોઈને એમનીયે પહેલાં જીવ લઈને ગામ તરફ ભાગ્યા. સૌથી આગળ ચેલાઓ, એમની પાછળ ભમરાજી, એમની પાછળ પિશાચ અને એની પાછળ અમે ત્રણ જણા..
આ ભાગંભાગ અને રાડારાડથી સીમમાં ધમાચકડી મચી ગઈ. અંધારામાં ભાગતાં ભાગતાં ભમરાજી બે-ત્રણ વખત ગડથોલિયાં પણ ખાઈ ગયા. પરંતુ યમદૂત જેવો પિશાચ ખૂલ્લી તલવાર વિંઝતો કાળ બનીને પાછળ પડ્યો હોવાથી તેઓ ફરી પાછા ઊભા થઈને ગામ તરફ ભાગતા રહ્યા. મદદ માટે ચેલાઓને બૂમ પાડતા રહ્યા. પરંતુ ચેલાઓ તો ક્યારનાયે છૂમંતર થઈ ગયા હતા.
ભમરાજીનો શ્વાસ ફૂલી ગયો હતો. જીવનમાં ક્યારેય ઝડપથી ન ચાલેલા એમને આજે ભાગવું પડ્યું હતું. ગામનું તળાવ આવતાં આવતાં તો એમને આંખે પાણી આવી ગયાં. તળાવની પાળ ચડી જાય તો પછી સામે જ ટેકરીવાળું મંદિર હતું. એટલે હતું એટલું જોર કરીને તેઓ ઉતાવળે પાળનો ઢાળ ચડવા લાગ્યા. પાછળ લમણો કરવાની તો ફૂરસદ જ નહોતી.
છેવટે પાળ ચડવામાં તેઓ સફળ થયા. સામે એમનો અડ્ડો દેખાય એ પહેલાં તો તેમની આંખે અંધારાં આવી ગયાં. બચાવવાની બૂમો પાડતાં ગળું પણ બેસી ગયું હતું. અવાજ પણ પરાણે નીકળતો હતો. તે થાક્યા. એક ડગલું ભરવું હવે મુશ્કેલ જણાતાં એમણે મહાપરાણે એક છેલ્લી બૂમ પાડી, "બ..ચા..ઓ..ઓ.. બ..ચા..ઓ..."
તળાવની ઊંચી પાળેથી પાડેલી બૂમના પડઘા ચારે દિશાઓમાં ગાજ્યા. અને એ પડઘા શમ્યા એની સાથે જ ભમરાજી પણ બેભાન થઈને પાળ પરથી ગબડી પડ્યા.
. (ક્રમશઃ)
*****************
- "નિસર્ગ" 🍁🍁🍁