Featured Books
શ્રેણી
શેયર કરો

કૉલેજ કેમ્પસ (એક દિલચસ્પ પ્રેમકથા) - 94

સમીર સાથે વાત કર્યા પછી અજાણતાં જ પરીના ચહેરા ઉપર સ્માઈલ આવી ગયું અને તેને લાગ્યું કે, ઘણાં સમય પછી જાણે કોઈ પોતાનું કહી શકાય તેવી વ્યક્તિ સાથે મેં વાત કરી અને તેનું મન હળવું થઈ ગયું. તે બીજું કંઈ વિચારે તે પહેલા તેની ફ્રેન્ડ ભૂમીએ તેને બૂમ પાડી, "એય, શું કરે છે ત્યાં, ચાલ જલ્દી અંદર આવી જા સર આવી જશે." તેણે હાથ ઉંચો કરીને આવું છું તેમ કહ્યું અને મોં ઉપર સ્માઈલ સાથે તે પોતાના ક્લાસમાં જઈને પોતાની જગ્યા ઉપર ગોઠવાઈ ગઈ.
એ દિવસે એ ખૂબજ ખુશ હતી. કોલેજથી છૂટીને પોતાની માધુરી મોમને મળવા માટે ગઈ અને પોતાની મોમને વળગી પડી...
તે એવું ફીલ કરવા લાગી કે, થોડા થોડા દિવસે તો મારે સમીર સાથે વાત કરવી જ જોઈએ તો પછી હું કેમ નથી કરતી? સ્ટડીમાં એટલી બધી બીઝી રહું છું કે પછી જાણીજોઈને તેની સાથે વાત કરવાની એવોઈડ કરું છું.. કંઈ સમજમાં ન આવ્યું. આ બધું વિચારતાં વિચારતાં તે પોતાની મોમને વળગેલી હતી અચાનક તે વાતને છોડીને તે પોતાની માધુરી મોમના કોમળ અને મીઠા સ્પર્શને અનુભવવા લાગી આજે તે ખૂબજ ખુશ હતી એટલે તેને મનમાં એવી તીવ્ર ઈચ્છા થઇ આવી કે આજે તો મારે મારી મોમ સાથે પેટભરીને વાતો કરવી છે તેણે માધુરીની સામે જોયું અને તેના પોચા રૂ જેવા ગાલ ઉપર પોતાના હાથને પ્રેમથી ફેરવવા લાગી તેણે એવું ફીલ કર્યું કે મોમના શરીરમાં લોહીનો સંચાર તો બરાબર રીતે થઈ રહ્યો છે તો પછી તેના શરીરમાં ચેતનાનો સંચાર કેમ નથી થતો? પોતાની મોમના હાથ ઉપર સ્પર્શ કરતાં કરતાં તેણે પોતાની મોમની હથેળીમાં પોતાનો એક હાથ પરોવ્યો અને બીજા હાથેથી તે તેના ગુલાબી ગાલને પંપાળતી રહી અને બે ચાર વખત બોલી કે, "મોમ..મોમ.. આંખો ખોલીને મારી સામે તો જો આ તારી દીકરી તને મળવા માટે આવી છે તેની સામે નહીં જુએ તું..?"
માધુરીને એઝ ઇટ ઇઝ જોઈને તે નિરાશ થઈ ગઈ. તેનું મન ભરાઈ આવ્યું..તેની આંખમાંથી અશ્રુ ટપકે તેટલી જ વાર હતી એટલામાં તેના સેલફોનમાં રીંગ વાગી. પોતાની બેગ ખોલીને તેણે પોતાનો મોબાઈલ ફોન હાથમાં લીધો અને જોયું તો છુટકીનો ફોન હતો.
"હલ્લો"
"ક્યાં છે તું?"
"માધુરી મોમને મળવા માટે હોસ્પિટલમાં આવી છું"
"નાનીમાએ ફોન કરાવ્યો છે કે વરસાદ બરાબર ચડીને આવ્યો છે તો તું જલ્દીથી ઘરે આવી જા અને મોમે આપણાં માટે આજે રસમ રાઈસ બનાવ્યા છે તો આવા વેધરમાં ગરમાગરમ રસમ રાઈસ ખાવાની ખૂબ મજા આવશે તો દી તું ફટાફટ ઘરે આવી જા "
"ઓકે ચાલ આવી"
અને પરીએ પોતાની મોમના ગાલ ઉપર હળવેથી એક મીઠું ચુંબન કર્યું અને "બાય મોમ આપણે આવતીકાલે મળીશું" તેમ કહીને તે પોતાના ઘરે જવા માટે હોસ્પિટલમાંથી નીચે ઉતરી.
નીચે ઉતરીને જોયું તો બહુજ ફાસ્ટ વરસાદ આવી રહ્યો હતો. ઓટો કરવા માટે તે "ઓટો ઓટો.." બૂમો પાડી રહી હતી પણ આજે એકપણ ઓટો મળે તેમ નહોતી. તેણે ઓલા કેબ બુક કરાવવાની પણ કોશિશ કરી પરંતુ વાવાઝોડા સાથેનો ખૂબ જ ફાસ્ટ વરસાદ હતો જે આજે તોફાની બનીને જ આવ્યો હતો અને રોકાય તેમ નહોતો. પરીએ પોતાનું પેન્ટ ઢીંચણ સુધી ફોલ્ડ કરી દીધું હતું પરંતુ તે તોફાની વરસાદની વાછ્રોટથી પોણા ભાગની પલળી ચૂકી હતી.
પરી હવે શું કરવું તેમ વિચારવા લાગી. એટલામાં ડૉક્ટર નિકેત ત્રિવેદી પણ હોસ્પિટલમાંથી નીચે ઉતર્યા. તે પાર્કિંગમાંથી પોતાની કાર લઇને બહાર આવ્યા અને તેમની નજર ખૂણામાં લપાઈને ઉભેલી પરી ઉપર પડી તેમણે પોતાની કાર રોકી લીધી.
અઠ્યાવીશ વર્ષનો સાડા પાંચ ફૂટની હાઈટ ધરાવતો, રૂપાળો અને બોલકણો ડૉક્ટર નિકેત ત્રિવેદી ખૂબ જ હેન્ડસમ લાગતો હતો. એપોલો હોસ્પિટલથી જ તેણે પોતાની જીવનની કારકિર્દીની શરૂઆત કરી હતી. તેણે પોતાની સામેની સાઈડનો કારનો દરવાજો ખોલ્યો જ્યાંથી વરસાદની બધીજ વાછ્રોટ અંદર આવી રહી હતી તેણે પરીને સંભાળાય તે રીતે બૂમ પાડી કે, "મેડમ કારમાં બેસી જાવ...
વધુ આગળના ભાગમાં....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
29/11/23