Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂત, ભેમો ને ભમરાજી - ભાગ 8

(અગાઉ જોયું તેમ અમે સાધનાની વિધિ જાણી લીધી હતી. ભમરાજીને સબક શીખવાડવા માટે હવે એક છેલ્લી તૈયારી બાકી હતી.. હવે આગળ... )
***************
સાંજે જમ્યા પછી હું જ સીધો ચંદુના ઘરે પહોંચ્યો. ચંદુ ડેરીએ દૂધ ભરાવવા ગયો હતો. એટલે મારે થોડી રાહ જોયા વગર છૂટતો નહોતો.
"આય.. આય... માસ્તર.. તું તો ઘણા દા'ડે આ બાજુ દેખોણો.." મને જોતાં જ ચંદુના બાપુજીએ ફરિયાદ સાથે આવકાર આપ્યો.
"ઓહો.. ગંગારામકાકા.. તમોનેય મીં ઘણા દા'ડે જોયા હોં.. ચ્યમ સે તબિયત પોણી..? " મેં ઓશરીમાં પ્રવેશતાં કહ્યું.
"તબિયત તો એકદમ ઘોડા જેવી સે હોં માસ્તર. ઓંય બેંહ, આ બાજુ.. ચંદુડો આવતો જ હસે.."
હું એક ખાલી ઢોલિયામાં બેઠો. અમે થોડી વાતો કરી ત્યાં તો દેગડું લઈને ચંદુ પ્રગટ થયો. "માસ્તર..?" મને જોતાં જ ચમક્યો. "આજ તો વેલ્લો પરવાર્યો લાગે સે..? ચ્યાણનો આયો તું..? "
"બસ થોડી જ વાર થઈ. તીંયે વાળું કર્યું કે નઈ..? લેં હેંડ બા'ર ઓંટો મારતા આઈએ.." મેં થોડી ઉતાવળ દર્શાવતાં કહ્યું.
"બસ બે જ મિલેટ.. આ આયો.." એમ કહેતો ચંદુ ઘરમાં ગયો. દેગડું મૂકીને ખૂણામાંથી છત્રી હાથમાં લેતો બોલ્યો, "લ્યો, હેંડો તાણ.."
"લ્યો તાણ કાકા, તમે બેહો.. અમે થોડા આઘા થતા આઈએ.." મેં ઊભા થતાં કહ્યું.
"આ ભેંના ના હટ વળજો લ્યા.. અને અંધારાના હાચવજો પાસા.." ગંગારામકાકાએ ચિંતા વ્યક્ત કરી.
"એ હારું કાકા.. બસ ગોંદરે જઈને હમણોં જ આયા હમજો.." એટલું કહીને હું અને ચંદુ પથુના ઘર તરફ નીકળી પડ્યા.
બપોરે ચેહરાભૂવા પાસેથી સાધના વિધિ જાણ્યા પછી મેં મનોમન યોજના ઘડી રાખી હતી. રસ્તામાં એની ચર્ચા કરતા અમે પથુના ઘરે પહોંચ્યા. પરંતુ પથુ હાજર જ નહોતો.
ઘરનાંને પૂછતાં જાણવા મળ્યું કે તે ભેમાને મજૂરીનું કહેવા ગયો છે. અમે સમજી ગયા. એટલે બીજી કોઈ ચૂંથ કર્યા વિના પાદર તરફ ચાલી નીકળ્યા.
પાદરે પહોંચ્યા પછી અમારે ઝાઝી રાહ જોવી પડી નહીં. થોડી જ વારમાં પથુ ભેમાને લઈને આવી પહોંચ્યો.
"બોલો માસ્તર સાહેબ, ચ્યમ આ ગરીબને ઈયાદ કર્યો.? " આવતાં જ ભેમાએ પ્રશ્ન કર્યો.
"તારી આરતી ઉતારવાની સે લ્યા.. એટલે તને હાદયો સે કાળિયા.. " ભેમાના મશ્કરીભર્યા સવાલથી ચંદુ થોડો ગિન્નાયો.
"આ ગરીબની મસકરી સું કોમ કરો ચંદુભઈ..? " ભેમો આજે ભાનમાં હતો. પોતાની દાઢી પકડતાં ફરીથી મજાકમાં બોલ્યો.
"અલ્યા.. આ કાળિયાને હવે સું કે'વું..? " ચંદુ સાચ્ચે જ ગુસ્સે થતાં બોલ્યો.
"કોંય નહીં કે'વું લ્યા.." ગાડી અવળા પાટે જતી જોઈને હું વચમાં પડ્યો."ઈંની વાતોમોં ના પડ લ્યા ભેમલા.. મું કઉં એ હોંભળ.. "
"હા, બોલો ને માસ્તર.. તમારા ઓલે તો સદા હાજર જ સું ને.." આજે ભેમો પૂરા તાનમાં હતો. એનાં એક પછી એક વાક્યોથી મને આશ્ચર્ય થતું હતું.
"હારું લ્યા ભઈ.. તું હવે મજાક મેલ એક બાજુ.. અને ધ્યોનથી હોંભળ.. વાત થોડી ગંભીર સે લ્યા હોં.." મેં થોડા ગંભીર થતાં કહ્યું.
"ઈંમ..?" ભેમો સાચ્ચે જ થોડો ગંભીર થતાં બોલ્યો.. "એવી તે સી વાત સે માસ્તર..? હા.. બોલો.. મું હોંભળું જ સું.." કહીને તે થોડો નજીક આવ્યો. ચંદુ અને પથુ એને જોઈ રહ્યા.
"જો હોંભળ ભેમા.. આ ભમરાજીને તો તું હારી રીતે ઓળખે સે ને..? ઈંમના માટે અમે આવું આવું નક્કી કર્યું સે..." મેં અમારી આખી યોજના ભેમાને કહી સંભળાવી..
. "હેં..એં.. એં.. ???" ભેમો એકદમ ભડક્યો. "ના હોં માસ્તર સાહેબ.. મારે આવી ઉપાદીઓમોં નહીં પડવું.. તમે કેતા હોવ તો તમારા સેતરમોં પોંચ દા'ડા મફતમોં મજૂરી કરી જઉં.. પણ આ નઈં હોં.."
પથુ તો અા યોજના સાંભળીને હેબક ખાઈ ગયો હતો. પણ ચંદુથી ભેમાની "ના" ખમાઈ નહીં. એટલે થોડા આવેશમાં પૂછ્યું "ચ્યમ લ્યા કાળિયા..? તને વોંધો સું સે લ્યા..? "
"વોંધો તો કોંય નહીં ચંદુભઈ, પણ ભમરાજી તો બાપડો ભોળો મોંણહ સે.. ઈંને હેરોન સું કોમ કરવો સે..? અને ઈંમના લીધે તો અમેય કો'ક કો'ક દા'ડો સોંટોપોંણી ભાળીએ સીંએ.." કહીને ભેમો પાણીમાં બેસવા લાગ્યો.
"અલ્યા.. ઓંને તો હાળે જબરી કરી.." મને થોડી ચિંતા થઈ. વળી ભેમાની "સોંટોપોંણી" વાળી વાતથી ગુસ્સો પણ આવ્યો. એટલે વધુ વાત બગડે એ પહેલાં એને ધમકાવતાં હું બોલ્યો, "અલ્યા ઓય ડફોળ.. તું તો મોંણહ સે કે જનાવર..? "
"હાહરો એક નંબરનો ઢોર સે આ કાળિયો.. રે'વા દે લ્યા માસ્તર.. એ નઈં મોંને આપડી વાત.. જવા દે હાહરાને.. ભલે મરતો.." ચંદુએ આંટા મૂકી દીધા.
મને પણ ગુસ્સો આવ્યો. અમે ત્રણેય જણે એને દારૂની બદી વિશે ખૂબ સમજાવ્યો. પછી ભમરાજીની હકીકતથી પણ વાકેફ કર્યો. એક કલાક મથ્યા ત્યારે માંડ આ ભેમા નામનું "ભૂત" શીશામાં ઉતર્યું.
"ઈંમ વાત સે.. ?" ભેમાએ વાત ગળે ઉતારતાં કહ્યું. "મું તીયાર તો થઉં. તમે કો' ઈંમેય કરું, પણ તમે બધા હંગાથ રે'સો ને..?"
"અલ્યા અમે તઈણે જણા તારી જોડે જ હસું. તારે તો ખાલી અમે કીધું એટલું જ કરવાનું. બાકીનું અમે હંભાળી લેસું.." મેં ભેમાને હૈયાધારણ આપી.
"હંમ્મ્મ.. તો તો કોંય વોંધો નઈં માસ્તર.. પણ જો જો હોં ચ્યોંક ઉલ મોંથી ચૂલમોં પડવાનું ના થાય.. " ભેમોએ વળી પાછી શંકા વ્યક્ત કરી.
"અલ્યા, આ તો હાહરો હાવ બૈરા જેવો લપડો સે હોં લ્યા માસ્તર.. વળી વળીને પાસી એ જ વાત.? " ચંદુ ફરીથી ઉકળ્યો.
"ઈંમ નહીં ચંદુભઈ.. પણ આ તો બધું પેલ્લોંથી નક્કી કરી લીધું હોય તો હારું ને.." ભેમો ધીમેથી બોલ્યો.
"હા લ્યા.. તારી વાત હાચી સે હોં ભેમલા.. પણ હવે બીજો કોઈ સવાલ નઈં.. કાળી ચૌદસની રાતે આપડો પોગરમ પાક્કો એટલે પાક્કો.." મેં ચર્ચાનો અંત લાવતાં કહ્યું.
"એ.. પાક્કો.. બસ.. હવે કોંય નઈં પૂસવું.." ભેમો પણ નિશ્ચિંત થતાં બોલ્યો.
"હાશ..." કરતાં અમે ત્રણેયે એકસાથે શાંતિનો શ્વાસ લીધો. ભેમો પણ પૂરેપૂરા હોશમાં રહીને અમારી યોજનાનો સહભાગી થવા રાજી થયો હતો.
"એ દા'ડે પાસો હાજો-નરવો રે'જે હોં લ્યા.. જો પીધો-બીધો તો હમું નઈં આવે પાસું.." ચંદુએ ચેતવણી આપતાં કહ્યું.
"તમે કીધું એટલે આઈ જ જ્યું બધ્ધું. આજથી જ બંદ બસ.. ? માં ના હમ જો આજથી સોંટોયે લઉં તો.." ભેમાએ ચંદુને ખાતરી આપતાં કહ્યું. પછી મને કહે, "માસ્તર સાહેબ, તમે કો' સો તો મું તીયાર તો સું જ.. પણ કોંક હમજજો પાસા હોં.."
હું સમજી ગયો. ભેમો પૈસાનું કહેતો હતો. એટલે મેં એને કહ્યું, "જો ભેમા.. હમજવાનું તો બરોબર સે. પણ જો આ બધું હરખું પાર પડ્યું ને તો તને ખૂબ રાજી કર્યોય.. બસ.. ?"
"તો તો આપડેય રાજી.. લ્યો તાણે મું નેકળું હવે..?" ભેમાએ રજા માંગી.
"ઓય.. ઊભો રે'.. તું ઊભો રે'.." મેં એને રોકતાં કહ્યું. "ભેમા. આ કોમ પતે નઈં ત્યોં હૂદી વાત ચ્યોંય જવી ના જોવે પાસી.. સું કીધું લ્યા..? "
"અરે મરી જઉં તોયે કોઈને ના કઉં માસ્તર.. માતાજીની સોગન બસ..?" ભેમાએ ગળે હાથ અડાડતાં અમને પાક્કી ખાતરી કરાવી.
"બસ..બસ.. ઈંમ તો તારા પર ભરોંહો સે હોં ભેમા.. તું ધારે તો કોઈનેય ના કે'.. એટલે તો તને હાર્યે લેવાનો સે.." મેં ભેમાને થોડું પોરસ ચડાવ્યું..
ભેમો થોડો ફૂલાણો. અને રાજી થતો ત્યાંથી રવાના થયો.
"અલ્યા માસ્તર, આ કાળિયા ઉપર મને તો સોંટ્ટોય વસ્વાહ બેહતો નહીં.. ચ્યોંક ઘૂંટો પી જઈને હાહરો બાફે ના તો હારૂં.. નકર બધ્ધી મે'નત બાત્તલ જસે લ્યા.." ચંદુને ચિંતા થઈ.
"તારી વાત તો હાચી સે ચંદુ.. પણ ભરોંહો કર્યા વગર સૂટકોયે નહીં ને.." મેં ચંદુને હૈયાધારણ આપતાં કહ્યું, "ચિંત્યા ના કરો લ્યા.. બધ્ધોં હારોં વોંનોં થસીં.."
"તારું મન તો કોંય આઘુંપાસું નહીં કે'તું ને લ્યા પથલા.." અત્યાર સુધી ચૂપચાપ બધું સાંભળ્યા કરતા પથુને ચંદુએ ઢંઢોળ્યો.
"કોંય આઘુંપાસું નહીં લ્યા.. મું તો તમારા ભેળો જ સું.. ગોમનું હારું થતું હોય તો મને સું વોંધોં..? આપડે તૈયાર.." પથુ પણ એની બીક, ચિંતાને દબાવતાં, મક્કમ થવાનો પ્રયત્ન કરતાં બોલ્યો.
"અલ્યા પથુને તું સું સમજે સે ચંદુ..? એ કોંય હાવખે પાદોડ નહીં હોં તારા મનમોં.. અને પાસો આપડો ભઈબંધ.. એટલે પાસું પડવાનું તો નોંમ જ ના હોય ને ..!" મેં ચંદુને ઈશારો કરતાં પથુને થોડો ટાઈટ કર્યો.
ચંદુ સમજી ગયો એટલે બીજું કંઈ ના કહેતાં એટલું જ બોલ્યો, "હારું તાણ.. કાળી ચૌદસની રાતે થઈ જજે તૈયાર.."
"અલ્યા મું તો અતારથી જ તૈયાર સું.." પથુ હિંમત દાખવતાં બોલ્યો.
મેં પથુ સામે જોયું. અત્યારે તો તે મક્કમ લાગતો હતો. પછી ની વાત ભગવાન જાણે. મને ભેમાની પણ ચિંતા હતી. થોડી ગફલત પણ વિકરાળ સ્વરૂપ ધારણ કરે તેવી પરિસ્થિતિ હતી. આમ છતાં "ડગલું ભર્યું કે ના હટવું , ના હટવું." એ કહેવત પ્રમાણે હું મક્કમ હતો.
ત્યારબાદ તે રાતની તૈયારી વિશે થોડી ચર્ચા કરી. પથુની થોડી ઉડાવી. પછી થોડા હળવા થઈને અમે છૂટા પડ્યા.
*************
સમય જતાં વાર ના લાગી. બાકીના બે-ત્રણ દિવસો પણ વિતી ગયા. અને છેવટે એ દિવસ પણ આવી પહોંચ્યો, જેની અમે રાહ જોતા હતા.
હા... આજે કાળી ચૌદસ હતી...

***********(ક્રમશઃ)


' "નિસર્ગ" 🍁🍁🍁