ભૂતનો ભય - 20 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 20

ભૂતનો ભય ૨૦

- રાકેશ ઠક્કર

હંસા ડાકણ

કોલેજમાં રજાઓ પડી ત્યારે અમોલ પોતાના મામા ગરીલાલને ત્યાં ગામમાં રહેવા આવ્યો હતો. પાંચ- છ વર્ષ સુધી એ ગામની સ્કૂલમાં જ ભણ્યો હતો. પછી શહેરમાં ભણવામાં અને બીજા ઈતર ક્લાસ કરવામાં એટલો વ્યસ્ત રહેવા લાગ્યો કે મામાના ઘરે આવી શક્યો ન હતો. એ ગરીલાલ મામાને ત્યાં પહોંચ્યો ત્યારે એને જોઈને આખો પરિવાર ખુશ થઈ ગયો હતો. મામા અને એમનો પરિવાર તો એમના શહેરના ઘરે આવતો જ હતો પણ એ પોતાના સ્કૂલના મિત્રોને મળી શક્યો ન હતો એટલે ખાસ ગામડે આવ્યો હતો.

ઘણા વર્ષો પછી ભાણીયાને પોતાના ઘરે જોઈ આખો પરિવાર આનંદિત થઈ ગયો હતો. અમોલે એમની સાથે ઘણી બધી વાતો કરી અને ગામની યાદોને તાજી કરી. અચાનક ગરીલાલ ગંભીર થઈ ગયા અને સૂચના સાથે ચેતવણીના સૂરમાં કહ્યું:ભાણાભાઈ, તમારે જેટલા દિવસ રહેવું હોય એટલા દિવસ રહેજો અને મોજ કરજો પણ ગામની સીમ પાસે આવેલી એક તૂટેલી ઝૂંપડી તરફ જતાં નહીં...

અમોલે નવાઈથી પૂછ્યું:કેમ મામા? ત્યાં શું છે?’

ભાણાભાઈ, એ ઝૂંપડીમાં એક ડાકણ રહે છે. અને એ આપણા ગામના હરીશની મા હંસા હોવાનું કહેવાય છે... ગરીલાલે વિગતો આપી.

એ જ હરીશને? જે મુંબઈ ગયો ત્યારે એક અકસ્માતમાં મોત થયું હતું?’ અમોલે યાદ કર્યું.

હા, એ જ હરીશ... પણ થોડા મહિના પછી એની મા હંસા પણ મૃત્યુ પામી હતી. અને એ ડાકણ બનીને એ ઝૂંપડીમાં રહેતી હોવાનું કહેવાય છે. ઘણા લોકોને એણે હેરાન કર્યા છે. ભૂલેચૂકે પણ ત્યાં જઈશ નહીં. રાત્રે તો બિલકુલ નહીં... ગરીલાલે ફરી ચેતવણી આપી.

અમોલે બીજા દિવસે પોતાના સ્કૂલ સમયના અનેક મિત્રો સાથે મુલાકાત કરી અને બાળપણની યાદો તાજી કરી. અમોલે હરીશ અને એના પરિવાર વિષે પણ માહિતી મેળવી. પરિવારમાં એક માતા જ હતી અને એ પણ મૃત્યુ પામી હતી. એમણે પણ એ વાત દોહરાવી કે હંસાબેન ડાકણ બની ગયા છે અને લોકોને હેરાન કરે છે...

બે દિવસ હરીફરીને એક રાત્રે અમોલે મામીને કહ્યું કે મારે ઘીનો કંસાર ખાવો છે અને મિત્રોને પણ ખવડાવવો છે. મામીએ ઉત્સાહથી ભાણાભાઈની ફરમાઇશ પૂરી કરી. મિત્રોને રાત્રે કંસાર ખવડાવવા એ ઘરેથી નીકળ્યો ત્યારે મામાએ ગામની સીમ પાસે ન જવા ફરી તાકીદ કરી.

અમોલ મિત્રોને ત્યાં જવાને બદલે લપાતો-છુપાતો સીમમાં આવેલી ઝૂંપડી નજીક પહોંચી ગયો. એને દૂરથી જ ડાકણનો હસવાનો અવાજ આવવા લાગ્યો. એ ડર્યા વગર ઝૂંપડી પાસે ગયો અને...

***

રાત આગળ વધવા લાગી હતી અને અમોલ પાછો ફર્યો ન હતો. મામાનો આખો પરિવાર ગભરાયો કે ભાણાભાઈ પાછા કેમ આવ્યા નથી? ગરીલાલ એમના મિત્રોને ત્યાં તપાસ કરવા ગયા. મહેન્દ્ર, તલત, જગન વગેરે ઘણા મિત્રોને ત્યાં તપાસ કરી ત્યારે એમને એક જ જવાબ મળ્યો કે અમોલ એમને ત્યાં આવ્યો જ નથી. ત્યારે એમને હંસા ડાકણ પર શંકા પડવા લાગી. અમોલને ગાયબ થયેલો જાણી બધા મિત્રો પણ ગરીલાલ સાથે એની શોધમાં જોતરાયા હતા. ગામમાં હોહા થઈ ગઈ. ત્યારે એક વ્યક્તિએ ખબર આપ્યા કે તે રાત્રે શહેરથી પાછો ફરતો હતો ત્યારે એક યુવાનને સીમ તરફ જતાં જોયો હતો. એને ચેતવ્યો હતો પણ માન્યો નહીં. એના હાથમાં એક થેલી હોવાની એ વ્યક્તિએ પુષ્ટિ કરી ત્યારે પાકું થઈ ગયું કે એ અમોલ જ હતો.

મામાને અમોલ પર ગુસ્સો આવવા સાથે ચિંતા પણ થઈ. બહેનને જવાબ આપવાનું ભારે પડવાનું હતું. ભાણાભાઈએ મૂર્ખામી કરી દીધી હતી. એમની સાથે ગામના અગ્રણીઓ અને અમોલના મિત્રો જોડાયા હતા. અમોલ વિષે બધાને મનમાં અશુભ વિચાર આવવા લાગ્યા હતા. ગરીલાલને જીવને જોખમમાં મૂકીને પણ અમોલને બચાવવાનું જરૂરી લાગ્યું. તે કેટલાક હિંમતવાળા લોકોને લઈને એ ઝૂંપડી તરફ ગયા.

અડધી રાત્રે દૂરથી ઝૂંપડી ભેંકાર અને ડરામણી ભાસતી હતી. જંગલી પ્રાણીનો અવાજ પણ આવતો હતો. હાથમાં જે સાધન મળ્યું એ લઈને આઠેક જણાં ઝૂંપડી પાસે જઇ ઊભા રહ્યા અને અમોલને બૂમ પાડી. કોઈ જવાબ ના આવ્યો.

અચાનક પવન આવતા ઝૂંપડીનું બારણું હલ્યું અને બધા ચોંકીને એમાં જોવા લાગ્યા. અંધારામાં કોઈ દેખાતું ન હતું. ગરીલાલે ડર વ્યક્ત કર્યો:હંસા ડાકણે મારા ભાણાનો ભોગ ના લીધો હોય તો સારું...

અમોલનો એક મિત્ર મહેન્દ્ર હિંમત કરી ટોર્ચ ચાલુ કરી દરવાજે ગયો અને પગથી ધક્કો માર્યો. કોઈ પ્રતિસાદ ના મળ્યો. એણે ઝૂંપડીમાં ટોર્ચ નાખી. એક ખૂણામાં અમોલનું શરીર હતું. એણે ધ્રૂજતા અવાજે કહ્યું:મામા, અમોલનું શરીર પડ્યું છે...

ગરીલાલ રડતાં રડતાં અંદર ગયા અને અમોલના શરીરને પકડી કહેવા લાગ્યા:ભાણાભાઈ, તમે આ શું કર્યું? મેં ના પાડી હતી છતાં અહીં આવ્યા કેમ? હું મારી બહેનને જવાબ શું આપીશ...

અચાનક અમોલ ઊંઘમાંથી જાગ્યો હોય એમ બેઠો થઈ ગયો અને પૂછવા લાગ્યો:મામા, શું થયું? આમ કેમ રડો છો?’

ગરીલાલની આંખમાં હર્ષાશ્રુ છલકાયા અને ભેટીને બોલ્યા:ભાણાભાઈ, તમે જીવો છો?!’

મને શું થયું હતું? મારી તો હંસાકાકીના ખોળામાં આંખ મળી ગઈ હતી.’ અમોલે નવાઈથી પૂછીને ગામના લોકો અને મિત્રોને સાથે આવેલા જોઈ કહ્યું.

અમને એમ કે હંસા ડાકણે તને... ગરીલાલ બોલતા અટકી ગયા.

મામા, તમે લોકો ખોટા હતા. હંસાકાકી ડાકણ ન હતા. એ તો ચપટી પ્રેમના ભૂખ્યા હતા. ચાલો ઘરે જઈને બધી વાત કરું છું. કહી એ ઊભો થયો અને બધા ખુશી ખુશી ગરીલાલના ઘરે પહોંચ્યા.

અમોલ જીવતો પાછો ફર્યો એ જાણી ઘણા લોકો એકત્ર થઈ ગયા હતા.

અમોલે કહેવાનું શરૂ કર્યું:મને ખબર પડી કે હરેશની મમ્મી હંસાકાકી ડાકણ બની છે ત્યારે સાચું ના લાગ્યું. એ બહુ પ્રેમાળ હતા. હરેશ મારો ખાસ દોસ્ત હતો અને એમને મારા માટે હેત હતું. મેં એ બંને વિષે જાણ્યું ત્યારે દુ:ખ થયું. મેં હંસાકાકીને મળવાનો નિર્ણય કરી લીધો. મને ખબર હતી કે એમને ઘીનો કંસાર બહુ ભાવે છે એટલે બનાવડાવીને હું ઝૂંપડી પર ગયો ત્યારે મને કંસાર સાથે જોઈ એ ખુશ થઈ ગયા. મને કોઈ ડર ના લાગ્યો. મેં પૂછ્યું કે તમે આ ઝૂંપડીમાં કેમ રહો છો? એમણે એમની કરમ કથની કહી ત્યારે મારી આંખો ભીની થઈ ગઈ.

હરેશના મોત પછી એ ભાંગી પડ્યા હતા. એક તો ગરીબ હતા અને આઘાતને કારણે કમાવાની ત્રેવડ ન હતી. થોડા દિવસ માંગી- કરીને ગાડું ગબડાવ્યું પણ ભૂખથી બેહાલ થયા અને એ મરી ગયા. દુ:ખની વાત એ હતી કે એમના પ્રત્યે કોઈએ દયા ના બતાવી. એમને અપશુકનિયાળ અને ગાંડા ગણીને હડધૂત કરવામાં આવ્યા. એ કારણે મર્યા પછી એમની આત્મા ભટકવા લાગી અને એ ગામલોકોને ડરાવવા લાગ્યા હતા. કોઈને મારવાનો કે નુકસાન પહોંચાડવાનો ઇરાદો રાખતા ન હતા. મેં જઈને એમની સાથે પ્રેમથી વાતો કરી અને એમને ભાવતો કંસાર ભરપેટ જમાડયો ત્યારે એમની આત્મા જાણે તૃપ્ત થઈ અને એમણે આ દુનિયામાંથી પ્રસ્થાન કરી લીધું. છેલ્લે હું એમના ખોળામાં સૂતો હતો. એમને લાગ્યું કે હરેશ પાછો આવી ગયો છે…’

અમોલની વાત સાંભળી ગામલોકોના મોં શરમથી નીચા થઈ ગયા. એમણે હંસાબેન પ્રત્યે સારો વ્યવહાર રાખ્યો ન હતો. પુત્રના મોતને કારણે હંસાબેનનું મન વિક્ષિપ્ત થઈ ગયું હતું. લોકોએ મદદ અને સહાનુભૂતિને બદલે એમને ગાંડા ગણીને મરવા દીધા હતા. એ વાતનો પસ્તાવો થવા લાગ્યો. બધાએ અમોલનો આભાર માન્યો.

*