ભૂતનો ભય ૪
-રાકેશ ઠક્કર
પાગલ મંજી
ઝૂંપડપટ્ટીમાં રાતના બાર વાગી ગયા હતા ત્યારે જગલો અને રાજલો તરીકે ઓળખાતા બે રખડુ મિત્રો સાયકલ પર ઘરે આવી રહ્યા હતા. હજુ હમણાં જ એમણે યુવાનીના ઉંબરે પગ મૂક્યો હતો અને એક નવી જ મસ્તીમાં જીવતા હતા.
આજે એમને એક જગ્યાએ બ્લ્યુ ફિલ્મ જોવાનો મોકો મળી ગયો હતો. આમ પણ ઝૂંપડપટ્ટીમાં કોઈ સારી સંગત મળી ન હતી કે કશું સારું શીખવાનું મન થાય કે ઇરાદો રાખી શકે.
બારમા ધોરણ સુધી માંડ પહોંચેલા લંગોટિયા મિત્રો જગલો અને રાજલો એક ગેરેજમાં સાથે જ કામ કરતા હતા. આજે ગેરેજમાં કામ કરતાં એક સાથીદારે મોબાઈલ પર એક બ્લ્યુ ફિલ્મ બતાવીને એમને તનમનથી ઉત્તેજીત કરી નાખ્યા હતા.
બંને મસ્તીમાં ઝૂમતા સાયકલ પર આવી રહ્યા હતા ત્યારે ઘર તરફ વળવાના રસ્તા પર જગલાએ સાયકલ ઊભી રાખી ઈશારો કરી કહ્યું:‘જો જો... પેલી ઝાડે ફરવા જાય છે...’
‘કોણ? પેલી ગાંડી મંજી છે ને? આપણે શું?’ કહી રાજલાએ એને ઇશારાથી જ સાયકલ ચલાવવા કહ્યું.
‘ગાંડી છે તો આપણે શું? આપણે તો પ્યાસ બૂઝાવવાની છે ને!’ જગલો પોતાનો ઇરાદો વ્યક્ત કરતાં બોલ્યો.
‘અચ્છા! બ્લ્યુ ફિલ્મની અસર બોલી રહી છે. મન તો મારું પણ થઈ રહ્યું છે. શું કરવું છે?’ રાજલાએ લાળ ટપકાવી.
‘પાછી આવે એટલે ત્યાં જ દબોચી લઈએ. આમપણ એ બહેરી અને મૂંગી પણ છે. એ ગાંડીને કંઇ ખબર પડશે નહીં કે પોતાના શરીર સાથે આ લોકો શું રમત રમી ગયા છે.’ જગલાએ ઇરાદો પાકો કર્યો.
સાયકલ મૂકીને બંને એની પાછળ એ જે ઝાડીવાળા રસ્તે ગઈ હતી ત્યાં જવા લાગ્યા. ઝાડીવાળા રસ્તે પ્રવેશીને એની રાહ જોવા લાગ્યા. જેવી એ પાછી આવી કે જગલાએ એને બાથમાં લઈ લીધી અને રાજલાની મદદથી ઊંચકીને જંગલ જેવા વિસ્તારમાં લઈ ગયો. માનસિક રીતે બીમાર મંજીને થોડો ખ્યાલ આવ્યો કે પોતાની સાથે કોઈ કંઈક કરવા જઇ રહ્યું છે. એણે તરફડિયાં માર્યા અને છૂટવાનો પ્રયત્ન કર્યો. જગલાએ થોડે દૂર ઘાસમાં એને સૂવડાવી અને રાજલાએ એના હાથ પકડી લીધા. જગલાએ એના પર હાવી થવાનો પ્રયત્ન કર્યો ત્યારે પોતાની પાસેનું બધું બળ અજમાવી એની જાંઘ પર ચાર-પાંચ લાત મારી. જગલો પહેલા હચમચી ગયો પણ એણે ફાવવા દીધી નહીં. બંનેએ વારાફરતી પોતાની હવસ બુઝાવી લીધી. મંજી એના શરીર પર થયેલા અત્યાચારથી વધારે ક્ષુબ્ધ થઈ ગઈ હતી.
‘જગલા, મને ખબર ન હતી કે પેલી ફિલમ જોઈને આવ્યા પછી એમાં જોયું હતું એનો અનુભવ કરવા મળશે!’ રાજલો ખુશી વ્યક્ત કરતાં બોલ્યો.
‘હવે આનું શું કરીશું? આ તો બેહોશ જેવી થઈ ગઈ છે.’ જગલાએ મંજીને આંખો બંધ કરીને પડેલી જોઈને કહ્યું.
‘આ મૂંગી કાલે કોઈને કંઇ કહી તો શકશે નહીં. એટલે આપણો ભાંડો ફૂટવાનો નથી.’ રાજલાએ હાથ ખંખેરતા કહ્યું.
'એ બોલી શકતી નથી પણ ઓળખી તો બતાવશે ને કે આ બંનેએ મારા શરીર પર કંઇક કર્યું છે.’ જગલાએ ચિંતા વ્યક્ત કરી.
‘એની આંખો ફોડી નાખીએ...’ જગલાએ ઉપાય બતાવ્યો.
‘ના-ના, એમ કરવાથી તો ખબર પડી જશે કે બળાત્કાર થયો છે.... લાંબી તપાસ થશે. હં... એક કામ કરીએ. એને પતાવી દઈએ. એ કંઇ જોવાને લાયક તો શું એનું અસ્તિત્વ જ નહીં રહે તો બળાત્કાર થયો હોવાની ખબર નહીં પડે... આમ પણ ગાંડી જ છે ને? એનો પરિવાર છૂટો થશે.’ રાજલાએ અંતિમ ઉપાય સૂચવ્યો.
જગલાને એ વાત ગમી ગઈ. એમણે થોડું વિચારીને કાવતરું ઘડી કાઢ્યું. એમને કૃત્યનો કોઈ અફસોસ ન હતો કે કોઈનો ભય ન હતો.
બીજા દિવસે વહેલી સવારે મંજી ઘરમાં ના દેખાતાં એના પરિવારે શોધખોળ શરૂ કરી. નજીકની ઝાડીમાંથી મંજીની લાશ મળતા હેબતાઈ ગયા. એના માથામાં મોટો ઘા હતો. લોકો ભેગા થઈ ગયા. કોઈને ખ્યાલ ના આવ્યો કે બળાત્કાર થયો હશે. એ પાગલ હોવાથી એવી કલ્પના પણ થઈ ના શકી. બધાંએ એમ માન્યું કે મંજી રાત્રે ઝાડે ફરવા ગઈ હશે ત્યારે ઠોકર વાગતા પડી ગઈ અને બાજુમાં પડેલો છે એ મોટો પથ્થર એના માથામાં વાગી જતાં મોત થયું છે. એની બાજુમાંથી લોટો પણ મળી આવ્યો હતો. પરિવારે એના અકસ્માત મોતને સ્વીકારી લીધું.
જગલા અને રાજલાએ પણ એ વાતને ભૂલાવી દીધી.
સમયનું ચક્ર ફરવા લાગ્યું. તેર મહિના પછી જગલા અને રાજલાએ એકસાથે લગ્ન કર્યા. બંનેને છોકરીઓ મળી ગઈ. બંને બહેનો હતી અને થોડા દિવસ પહેલાં જ બિહારથી મજૂરી માટે ઝૂંપડપટ્ટીમાં રહેવા આવી હતી. મા-બાપ વગરની બંને છોકરીઓ એમને પહેલી નજરે ગમી ગઈ હતી. એમની સુંદરતાથી બંને ઘાયલ થયા હતા.
સાદાઈથી લગ્ન કરીને બંને પોતપોતાના રૂમમાં ગયા.
આજે સુહાગરાત મનાવવાનો ઉત્સાહ માથા પર ચઢીને બોલી રહ્યો હતો. જગલાએ પત્નીનો ઘૂંઘટ ખોલ્યો અને એ ચોંકી ગયો. પત્નીનો ચહેરો બદલાઈ ગયો હતો. એ મંજી જેવી દેખાતી હતી. એણે ભયાનક હાસ્ય કર્યું અને એક લાત મારી જગલાને નીચે પાડી દીધો. એણે એના ગુપ્ત ભાગ પર અસંખ્ય લાતો મારી દર્દથી કણસતો કર્યા પછી ઘરમાંથી એક લાકડું લઈ એના માથામાં હળવેથી ફટકા મારી એને બેભાન બનાવી જતી રહી. જગલા જેવી જ ઘટના રાજલા સાથે બની હતી.
બીજા દિવસે બંને ભાનમાં આવ્યા ત્યારે ગાંડા થઈ ગયા હતા. એમને પોતાનું ભાન જ ન હતું. આસપાસના લોકોને નવાઈ લાગી. એમને થયું કે બંને છોકરીઓ લૂંટેરી દુલ્હન હશે પણ આ બંને પાસે લૂંટવા જેવું કંઇ ન હતું. પછી થયું કે એ સુંદર દુલ્હનો ભાગી ગઈ એના આઘાતમાં બંને ગાંડા થઈ ગયા છે. લોકોને ખબર ન હતી કે મંજીની એમણે ઇજ્જત લૂંટી હતી એનો એની આત્માએ બદલો લીધો હતો. મંજી મર્યા પછી ભૂત બનીને ભટકતી હતી. એણે બે સુંદર છોકરી બનીને બંનેને ફસાવી પોતાની સાથે જેવું કર્યું હતું એવું જ એમની સાથે કર્યું હતું અને એમને ગાંડા બનાવી દીધા હતા. લોકો વાત કરતા હતા કે બંને સાચા લંગોટિયા મિત્ર કહેવાય. ગાંડા પણ સાથે જ બની ગયા.
***