ભૂતનો ભય - 19 Rakesh Thakkar દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ભૂતનો ભય - 19

ભૂતનો ભય 19

- રાકેશ ઠક્કર

ભૂતની ચુંગલ

શહેરમાંથી સ્ત્રીઓ ગૂમ થવાની ફરિયાદો વધી રહી હતી. પોલીસે રાત્રિની જેમ દિવસે પેટ્રોલીંગ વધારી દીધું હતું. સ્ત્રીઓનું અપહરણ થતું હતું કે કોઈ પ્રેમમાં લલચાવી- ફોસલાવી લઈ જતું હતું એનો પોલીસને ખ્યાલ આવતો ન હતો. પોલીસ બરાબર મૂંઝાઇ હતી.

પોલીસને ખબર ન હતી કે એક ભૂત શહેરની સ્ત્રીઓને પોતાનો શિકાર બનાવતું હતું. ભૂતે શહેરની સીમા પૂરી થાય અને ગામની સીમા શરૂ થાય ત્યાં બ્યુટીપાર્લર બનાવ્યું હતું. ભૂત ત્યાં નિત્યા નામની સ્ત્રીના રૂપમાં રહેતું હતું. દર પંદર દિવસે એને માનવ લોહી પીવાની જરૂરિયાત પડતી હતી. એ દર પંદરમા દિવસે કોઈ સ્ત્રી ગ્રાહકનું લોહી પીને એની લાશને બ્યુટી પાર્લરની જમીનમાં દાટી દેતું હતું.

ભૂતે સ્ત્રીઓને બ્યુટીપાર્લર સુધી ખેંચી લાવવા એક તકનીક અજમાવી હતી. એણે શ્યામ રંગની અને ચહેરા પર ડાઘવાળી સ્ત્રીઓને ગોરો અને સુંદર ચહેરો બનાવવાની લાલચ આપી હતી. સૌથી પહેલાં ભૂતે એક પોસ્ટર મૂકી શહેરની એક સ્ત્રીને ગોરી બનાવવા એના સુધી ખેંચી લાવીને પોતાની લોહી પીવાની ઉજાણી શરૂ કરી હતી.

ભૂતની યોજના એવી હતી કે સ્ત્રીને એની ખબર જ પડતી ન હતી. એ બ્યુટીપાર્લરમાં જઈને બેસતી અને નિત્યાના સ્વરૂપમાં રહેલું ભૂત એના ચહેરા પર લાલ રંગનો લેપ લગાવી દેતું હતું. એ લેપ એના ચહેરા પર ચોંટી જતો. એને અડધો કલાક રહેવા દઈને કાઢવા માટે પાણીના ફુવારાથી છંટકાવ કરતું. ત્યારે સ્ત્રીને ખબર નહીં પડતી કે એનાથી એ બેભાન બની રહી છે. પછી ભૂત એના શરીરમાંથી લોહી ચૂસી લેતું હતું અને લાશને બ્યુટી પાર્લરની એક રૂમમાં જ દાટી દેતું હતું.

ભૂતને ખબર હતી કે પોલીસ ક્યારેય આ વાતનો પત્તો મેળવી શકવાની ન હતી. પણ જ્યારે આ તપાસ કાબેલ પોલીસ ઈન્સ્પેકટર અશોક ગુપ્તાને સોંપવામાં આવી ત્યારે એણે દરેક કેસની ઝીણવટપૂર્વક તપાસ હાથ ધરી. છેલ્લા છ માસમાં જે સ્ત્રીઓ ગૂમ થઈ હતી એ ઘરેથી કયા કારણથી નીકળી હતી એની નોંધ કરી. મોટાભાગની સ્ત્રીઓ ચાર-પાંચ કામ લઈને ઘરેથી નીકળી હતી. એટલું જ નહીં મોટાભાગની સ્ત્રીઓ દિવસ દરમ્યાન ઘરે એકલી હોય એટલે કોઈને કહીને જતી ન હતી.

અશોક ગુપ્તાએ ઘણી તપાસ પછી એવું જાણ્યું કે ઘણી સ્ત્રીઓના પરિવારે એ બ્યુટીપાર્લર જતી હોવાની વાતનો ઉલ્લેખ કર્યો હતો. એમણે શહેરના ઘણા બ્યુટીપાર્લર પર વોચ ગોઠવી પણ પત્તો ના લાગ્યો. આખરે એક દિવસ એમને ખબર પડી કે શહેરની બહાર નિત્યા બ્યુટી પાર્લરમાં પણ સ્ત્રીઓ જાય છે. ત્યાં વોચ ગોઠવી. પંદર દિવસમાં એક જ વખત ભૂત લોહી પીવા સ્ત્રીની હત્યા કરતું હતું એટલે ખ્યાલ આવી રહ્યો ન હતો.

પંદરમા દિવસે મુકતા નામની સ્ત્રી ગૂમ થઈ હોવાની ફરિયાદ નોંધાઈ. અશોક ગુપ્તાએ દરેક બ્યુટીપાર્લરની બહાર સીસીટીવી કેમેરા મુકાવ્યા હતા એની તપાસ કરી. મુકતા નિત્યા બ્યુટીપાર્લરમાં ગઈ હોવાનું જોવા મળ્યું પણ થોડીવાર પછી બહાર નીકળતી પણ જોવા મળી હતી. એ પોતાની સ્કૂટી પર નીકળીને શહેર તરફ જતી દેખાઈ હતી.

પોલીસને ખબર ન હતી કે ભૂત ચાલાક હતું. એ ગ્રાહક તરીકે આવતી મહિલાનું લોહી પીને એની લાશને દાટી દીધા પછી એનું રૂપ લઈને બહાર નીકળતું હતું અને શહેર તરફ ગયું હોવાનો આભાસ ઊભો કરી દેતું હતું.

ભૂતને ખબર ન હતી કે પોલીસ અધિકારી ગુપ્તા કાબેલ માણસ હતો. એણે મુકતાની સંપૂર્ણ તપાસ કરી. એનું સ્કૂટી જ્યાંથી નધણિયાતું મળ્યું એની આસપાસના સીસીટીવી કેમેરા ચેક કરાવ્યા ત્યારે એક કેમેરામાં એ સ્કૂટી દેખાયું. પણ એના પર કોઈ સવાર ન હતું!

ગુપ્તાને ખ્યાલ આવી ગયો કે કોઈ ભૂત છે જે નિત્યા બ્યુટી પાર્લરમાં રહે છે. એને પકડવા છટકું ગોઠવ્યું. એક તાંત્રિકને વાત કરીને મહિલા કોન્સ્ટેબલને ગ્રાહક બનાવીને મોકલી. પરંતુ ભૂત પંદર દિવસ સુધી કોઈને મારતું ન હતું એટલે એને કંઇ ના કર્યું. પણ એ મહિલા કોન્સ્ટેબલે ઈન્સ્પેકટર ગુપ્તા અને તાંત્રિકના કહ્યા મુજબ નિત્યા સાથે વાતવાતમાં દોસ્તી કરી આઇડિયાથી પોતાની પાસેનું મંત્રેલું જળ પીવડાવી દીધું. એનાથી ભૂત મહિલાના વશમાં આવી ગયું અને મહિલા કોન્સ્ટેબલે એને એક બોટલમાં પ્રવેશવા હુકમ કર્યો ત્યારે એમાં જતું રહ્યું. એ બોટલમાં આવી ગયા પછી બહુ તરફડયું પણ કોઈ રસ્તો ન હોવાથી નીકળી શક્યું નહીં અને ત્યાર પછી મહિલાઓ ભૂતની ચુંગલમાં ફસાતી બચી ગઈ.

***