સપનાનાં વાવેતર - 19 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 19

સપનાનાં વાવેતર પ્રકરણ 19

અને બીજા દિવસે રવિવારે સવારે ૧૧ વાગે અનિકેત વીણાનગરના ગેટ ઉપર પહોંચી ગયો. ભાર્ગવ ભટ્ટ એના પપ્પા શશીકાંતભાઈને લઈને આ સમયે જ આવવાનો હતો.

પાંચેક મિનિટમાં જ શશીકાંતભાઈની ગાડી પણ આવી ગઈ. અનિકેત કોલેજ કાળ દરમિયાન બે થી ત્રણ વખત ભાર્ગવ ભટ્ટના ઘરે ગયેલો એટલે શશીકાંતભાઈ એને ઓળખતા હતા.

બંનેએ ગાડી બહાર જ પાર્ક કરી અને ચાલતા ચાલતા સુરેશભાઈ ગોટેચાના ફ્લેટ ઉપર પહોંચી ગયા. સુરેશભાઈ સાથે વાત થયેલી હતી એટલે એ પણ ઘરે હાજર જ હતા.

"આવો આવો અનિકેતભાઈ. હું તમારી જ રાહ જોતો હતો. હવે બોલો તમે લોકો બધા ચા તો પીઓ છો ને ?" સુરેશભાઈ બોલ્યા.

"ચા પાણીની અત્યારે કોઈ જરૂર નથી અંકલ. બસ અમે ૧૫ ૨૦ મિનિટમાં જ નીકળી જઈએ છીએ. તમને ડિસ્ટર્બ કરવાની અમારી કોઈ ઈચ્છા ન હતી પરંતુ આ ફ્લેટને ઓફિસમાં કન્વર્ટ કરવાનો હોવાથી થોડા ફેરફાર કરવા જરૂરી છે. એટલે અંકલને મારે અહીં બોલાવવા પડ્યા." અનિકેત
બોલ્યો.

"ડિસ્ટર્બ કરવાનો કોઈ સવાલ જ નથી અનિકેતભાઈ. હવે આ ફ્લેટ તમારો જ છે. અમે તમારા ભાડુઆત જેવા છીએ. " કહીને સુરેશભાઈ ખડખડાટ હસી પડ્યા.

એ પછી અનિકેતે શશીકાંત અંકલને બધું સમજાવવા માંડ્યું. ડ્રોઈંગ રૂમને કસ્ટમર માટેનો વેઇટિંગ રૂમ બનાવવો છે અને અહીં એક રિસેપ્શનિસ્ટ પણ બેસશે. અહીં સીસીટીવી કેમેરા પણ ગોઠવવો પડશે.

" આ જે બેડરૂમ છે ત્યાં મારી ઓફિસ બનશે. મારી રિવોલ્વિંગ ચેર આ બાજુ રહેશે. એની સામે ટેબલ અને સામે કુશન સાથેની ત્રણ ખુરશીઓ રહેશે. દરેક રૂમમાં લેટેસ્ટ ડિઝાઇનનાં વોલપેપર લગાવી દેજો જેથી ઓફિસ જેવું લાગે. " અનિકેત શશીકાંતભાઈ ને બેડરૂમમાં લઈ જઈને બોલ્યો.

" હવે આ બીજો સહુથી મોટો બેડરૂમ છે ત્યાં બે એન્જિનિયર અને ત્રણ કોન્ટ્રાક્ટર બેસશે. એન્જિનિયર સામે ડ્રોવર અને કબાટ સાથેનાં બે ટેબલ જોઈશે જેથી એમની ફાઈલ વગેરે રાખી શકાય. આ ખૂણામાં એક મોટું કબાટ ગોઠવી દેજો જેથી કોન્ટ્રાક્ટર્સ નો અમુક માલ સામાન ત્યાં પડ્યો રહે. એમના માટે ખાલી ત્રણ ખુરશીઓ ગોઠવવાની છે. " અનિકેત સમજાવતો હતો. શશીકાંતભાઈ બધી નોંધ કરતા હતા.

" આ ત્રીજો વધુ હવા ઉજાસવાળો જે બેડરૂમ છે એ ઓફિસ તરીકે રહેશે. અહીં મેનેજરનું મોટું ટેબલ તથા એની બાજુમાં એકાઉન્ટન્ટ અને એક ક્લાર્ક બેસશે. સાથે સાથે પ્યુન માટે પણ એક ખુરશી રહેશે. અહીં પણ ફાઈલો ગોઠવવા માટે એક કબાટની વ્યવસ્થા કરવી પડશે. એક રેક પણ ગોઠવી દેજો જેથી અમુક ચાલુ ફાઈલો ત્યાં પણ રાખી શકાય. કેશ રાખવા માટે લોખંડની એક તિજોરી પણ અહીં ગોઠવવી પડશે. " અનિકેત બોલ્યો.

"અનિકેતભાઈ... તમે પહેલીવાર ઓફિસ બનાવી રહ્યા છો પણ ઓફિસ વિશેનું તમારું નોલેજ ખરેખર ગજબનું છે. " શશીકાંતભાઈ બોલ્યા.

" કારણકે પપ્પાની ઓફિસ મેં જોઈ છે એટલે અમુક બાબતનો મને ખ્યાલ છે જ. તમામ રૂમમાં એસીની વ્યવસ્થા કરવાની છે અને કિચન પણ એકદમ ચાલુ હાલતમાં બનાવવાનું છે. ગેસના સ્ટવ વગેરે નવા લઈ લેજો." અનિકેત બોલ્યો.

" તમારું આખું વિઝન મારા મગજમાં બેસી ગયું છે તમે જરા પણ ચિંતા ના કરો. તમારી ઓફિસ જોઈને તમે ખુશ થઈ જશો. અંદર આવ્યા પછી કોઈને ખ્યાલ પણ નહીં આવે કે આ ફ્લેટ છે કે ઓફિસ. મને આ ફ્લેટ ખાલી મળે એ પછી બે થી ત્રણ મહિનાનો ટાઈમ લાગશે. બને એટલું વહેલું કરી આપીશ છતાં આટલો સમય પકડીને ચાલજો" શશીકાંતભાઈ બોલ્યા.

" એક મહિના પછી મને પજેશન મળી જશે એટલે હું તમને ફોન કરી દઈશ. તમે કામ ચાલુ કરી દેજો. " અનિકેત બોલ્યો અને ફરી પાછા બધા ડ્રોઈંગ રૂમમાં આવ્યા.

"સુરેશ અંકલ હવે તમારો અમેરિકા જવાનો પ્રોગ્રામ કેવી રીતનો છે કારણ કે મારે આ ફ્લેટ ઇન્ટિરિયર ડિઝાઇન માટે આ અંકલને સોંપી દેવાનો છે." અનિકેત બોલ્યો.

" વધુમાં વધુ એક મહિનો પકડીને ચાલો. કારણ કે ફ્લેટ વેચાઈ ગયો છે એટલે હવે મારે ફેબ્રુઆરી સુધી રાહ જોવાની કોઈ જરૂર નથી. મકરસંક્રાંતિ પછી અઠવાડિયા દસ દિવસમાં જ હું નીકળી જઈશ." સુરેશભાઈ બોલ્યા.

" તો તો બહુ સરસ. ચાલો હવે અમે નીકળીએ. અંકલને પણ એક પ્રસંગમાં જવાનું છે. " કહીને અનિકેત બહાર નીકળી ગયો.

" અંકલ તમે પૈસાની કોઈપણ જાતની ચિંતા ના કરશો. તમે જેટલા કહેશો એટલા એડવાન્સ મળી જશે પરંતુ ઓફિસના કામમાં કોઈ જ સમાધાન ના કરશો. " ગાડીમાં બેસતા પહેલાં અનિકેતે શશીકાંત અંકલને કહ્યું.

" અરે અનિકેતભાઈ હું તમને ક્યાં નથી ઓળખતો ? અને થાણાના એરિયામાં તો વિરાણી બિલ્ડર્સનું નામ બહુ મોટું છે. મારે જરૂર હશે એટલા પૈસા માગી લઈશ. કામની બાબતમાં તમારે કંઈ પણ કહેવું નહીં પડે. મારા પોતાના પણ કારીગરો છે. " ભટ્ટ સાહેબ બોલ્યા.

એ પછી અનિકેત પોતાની ગાડીમાં બેઠો અને ગાડી ઘર તરફ લઈ લીધી.

જૈમિન છેડા અનારને દસ લાખ અપાવીને ખૂબ જ ખુશ હતો. એણે પહેલીવાર અનારની આંખોમાં આભારની લાગણી જોઈ હતી અને એ આંખોમાં આભારની સાથે કદાચ થોડોક પ્યાર પણ છલકાતો હતો !

એને અનિકેત ઉપર પણ માન ઉપજ્યું હતું. દસ લાખ રૂપિયા અનિકેતે પોતે જ આપ્યા હતા અને છતાં અનારને એમ જ કહ્યું હતું કે આ ૧૦ લાખ જૈમિન આપી રહ્યો છે ! કેટલી બધી ઉદાત્ત ભાવના ! પોતે જરા પણ ક્રેડિટ લીધી નહીં.

અનારે પોતાની ઓફિસમાં રાજીનામું આપી દીધું હતું. જાન્યુઆરી મહિનો ચાલુ થઈ ગયો હતો એટલે અનિકેત તરફથી અનારનો નવો પગાર પણ ચાલુ થઈ ગયો હતો.

" મમ્મી મને અહીં આવ્યા ને ૧૫ દિવસ થવા આવ્યા. હવે મારે મુંબઈ ક્યારે જવાનું ? " કૃતિ એની મમ્મી સાથે વાત કરી રહી હતી.

" બેટા લગન પછી આ તારું પહેલું આણું છે એટલે કમૂરતાંમાં ના જવાય. મકરસંક્રાંતિ પછી તારા પપ્પા તને મૂકી આવશે." આશાબેન બોલ્યાં.

"મમ્મી પપ્પા ના બદલે હું જાઉં તો ?" શ્રુતિ બોલી.

" અત્યારે નહીં. અત્યારે તારા પપ્પા મૂકવા જશે. પછી ગમે ત્યારે તારે જવું હોય ત્યારે એકલી જજે. " મમ્મી બોલી.

શ્રુતિ કંઈ બોલી નહીં પરંતુ એને કૃતિના સાસરે બે ત્રણ દિવસ રોકાવાની ખૂબ જ ઈચ્છા હતી. જે રીતે કૃતિ પોતાના વૈભવનું વર્ણન કરી રહી હતી એનાથી એ ખૂબ જ પ્રભાવિત થઈ હતી.

એણે અનિકેતે આપેલો ચેક પોતાના ખાતામાં જમા કરાવી દીધો હતો અને એની ફ્રેન્ડને પોતે દસ લાખ રૂપિયા રોકી રહી છે એવી વાત પણ કરી દીધી હતી.

દસ દિવસ ક્યાં પસાર થઈ ગયા ખબર પણ ના પડી. મકરસંક્રાંતિ પણ પસાર થઈ ગઈ.

" કહું છું...કમૂરતાં પૂરાં થઈ ગયા છે. હવે બે ચાર દિવસમાં સારું મુરત જોઈ કૃતિને મૂકી આવો. એ લોકો પણ હવે રાહ જોતા હશે. દીકરી તો સાસરે જ શોભે." ઉત્તરાયણના બીજા દિવસે આશાબેને રાત્રે મનોજભાઈને કહ્યું.

" આજે બપોરે જ મારે ગૌરીશંકર શાસ્ત્રી જોડે વાત થઈ છે. ૧૮ તારીખનું મુહૂર્ત સારું છે. એ દિવસની હું ફ્લાઈટની ટિકિટ બુક કરાવી દઉં છું. " મનોજભાઈ બોલ્યા.

" તમને યાદ છે એ સારું કહેવાય. તો પછી તમે કાલે સવારે ટિકિટ બુક કરાવી જ દો. " આશાબેન બોલ્યાં.

અને ૧૮ તારીખે મનોજભાઈ કૃતિને લઈને મુંબઈ પહોંચી ગયા. અગાઉથી ફોન ઉપર વાતચીત થઈ ગઈ હતી એટલે અનિકેત પોતે જ ગાડી લઈને એ લોકોને લેવા માટે એરપોર્ટ આવ્યો હતો.

"પધારો પધારો મનોજભાઈ. ઘરે બધાં મજામાં ? " મનોજભાઈએ કૃતિના સાસરે પ્રવેશ કર્યો એટલે સ્વાગત કરતાં ધીરુભાઈ બોલ્યા.

" હા અંકલ... બસ તમારા જેવા વડીલોના આશીર્વાદ છે. તમારી અમાનત તમને પાછી સોંપવા આવ્યો છું." મનોજભાઈ બોલ્યા.

કૃતિ તમામ વડીલોને નીચે નમીને પગે લાગી. નોકર પાંડુએ એની બેગ લઈ લીધી અને એના બેડરૂમમાં મૂકી આવ્યો.

જમવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે તમામ પરિવાર જમવા માટે બેસી ગયો. આજે કૃતિ આવી હતી એટલે મહારાજે કંસાર બનાવ્યો હતો. સાથે ઊંધિયું જલેબી અને પૂરી પણ બનાવી હતી. ધીરુભાઈના પરિવારનો સંપ જોઈને મનોજભાઈ ખૂબ જ પ્રભાવિત થઈ ગયા.

બપોરે આરામ કરીને સાંજે સાડા ચાર વાગે અનિકેત કૃતિને અને પોતાના સસરાને મુલુંડના પ્લોટ ઉપર લઈ ગયો.

" ૨૨૦૦ વારનો આ પ્લૉટ છે અને આ પ્લૉટ ઉપર બે ટાવર બનાવવાનો મારો પ્લાન છે. આઠ આઠ માળનાં બે ટાવરમાં ૨૫૦૦ ચોરસ ફૂટના કુલ ૬૪ ફ્લેટ બનશે. " અનિકેત સસરા સામે જોઈને બોલ્યો.

"લોકેશન તો બહુ સારું લાગે છે કુમાર. એકદમ ભરચક અને પોશ એરીયા છે. " મનોજભાઈ બોલ્યા.

" હા આ લોકેશન ખૂબ જ પ્રાઈમ છે. એક એક ફ્લેટ આઠ થી દસ કરોડમાં આરામથી વેચી શકાય. " અનિકેત બોલ્યો.

" મને પણ બિઝનેસમાં ખૂબ જ રસ છે પપ્પા એટલે અનિકેતની સાથે હું પણ ઓફિસ સંભાળવાની છું. " કૃતિ બોલી.

" હા પણ એ માટે તારે તારા દાદા સસરાની પરમિશન લેવી પડે. એમની પરમિશન વગર તારાથી બિઝનેસમાં ના પડાય. " મનોજભાઈ બોલ્યા.

" એને પરમિશન મળી જશે પપ્પા. અમારા ઘરમાં કોઈ જાતની રોકટોક નથી. દાદા કૃતિને ગાડી અપાવવાનું પણ કહેતા હતા. અને કૃતિ અહીં ઓફિસમાં બેસશે તો એને પણ ટાઈમ પાસ થશે અને મને પણ રાહત થશે. ઓફિસ અહીં વીણાનગરમાં લીધી છે અને બે ત્રણ મહિનામાં તૈયાર થઈ જશે. " અનિકેત બોલ્યો.

ગાડી અપાવવાની વાતથી કૃતિ ખૂબ જ ખુશ થઈ ગઈ. ખરેખર ખૂબ જ સરસ પરિવાર મળ્યો છે.

" કુમાર મારે તમને એક મીઠો ઠપકો આપવાનો છે. તમે શ્રુતિને દસ લાખ જેટલી માતબર રકમ આપી દીધી. એ તો નાદાન છે. એના કહેવાથી આટલી મોટી રકમ થોડી અપાય ? એણે મને બધી જ વાત કરી છે. જોકે પપ્પાને આ વાતને કોઈ ખબર નથી અને અમે કહેવાના પણ નથી" મનોજભાઈ બોલ્યા.

" પપ્પા શ્રુતિ મારી એકની એક સાળી છે. એણે જિંદગીમાં પહેલીવાર મારી પાસે કંઈ માગ્યું છે તો હું એને નારાજ કઈ રીતે કરી શકું ? અને દસ લાખ હોય કે વીસ લાખ મને કોઈ જ ફરક પડતો નથી. મેં મારી જિંદગીમાં આવા હિસાબો ગણ્યા નથી. શ્રુતિ પાસે આટલી મોટી ટેલેન્ટ છે તો એણે બિઝનેસ કરવો જ જોઈએ. " અનિકેત હસીને બોલ્યો.

"એ તમારી ખાનદાની છે. પણ અમારા ઘરમાં મારા પપ્પાનો સ્વભાવ જરાક કડક છે અને થોડાક જૂનવાણી પણ છે. છોકરીઓને મર્યાદામાં જ રાખવાના એમના સંસ્કાર છે એટલે ના છૂટકે એણે તમારી પાસે પૈસા માગ્યા. જો કે મને તો હમણાં જ ખબર પડી." મનોજભાઈ બોલ્યા.

" તમે એ પૈસાનું કોઈ ટેન્શન ના લેશો પપ્પા. મારે એ પાછા જોઈતા પણ નથી. મેં તો શ્રુતિને પણ કહ્યું છે કે બીજા વધારે જરૂર હોય તો પણ મને કહેજે. " અનિકેત બોલ્યો.

કૃતિ આ બધી જ વાતો સાંભળતી હતી. એને પોતાના પતિ માટે ખૂબ જ માન ઉપજ્યું.

બીજા દિવસે રાત્રે સૌરાષ્ટ્ર મેલની ટિકિટ હતી એટલે અનિકેત અને કૃતિ મનોજભાઈને મુંબઈ સેન્ટ્રલ સ્ટેશન સુધી મૂકી આવ્યા.

"કુમાર તમે પણ હવે રાજકોટ આવતા જતા રહેજો. દીકરીનું ઘર છે એટલે અમારાથી વારંવાર નહીં અવાય. થોડા દિવસ પછી શ્રુતિ આંટો મારી જશે. મને તમારા ઘરે આવીને ખૂબ જ સંતોષ થયો છે. અને શ્રુતિ બેટા તું પણ તારાં સાસુ સસરાની સેવા કરજે. ફરિયાદનો એક પણ મોકો આપતી નહીં." મનોજભાઈ પ્લેટફોર્મ ઉપર ઉભા ઉભા વાતો કરતા હતા.

" પપ્પા તમે મારી કોઈપણ જાતની ચિંતા કરશો નહીં. મમ્મીને પણ કહી દેજો. તમારા આશીર્વાદથી હું ખૂબ જ સુખી છું. " કૃતિ બોલી.

એ પછી થોડી આડીઅવળી વાતો થઈ ત્યાં ટ્રેઈન ઉપડવાનો ટાઈમ પણ થઈ ગયો. કૃતિ અને અનિકેત બંનેએ નીચે નમીને મનોજભાઈના ચરણ સ્પર્શ કર્યા. મનોજભાઈએ બંનેને આશીર્વાદ આપ્યા અને કોચમાં ચડી ગયા. ટ્રેઈન તરત જ ઉપડી.

સુરેશ ગોટેચા ૨૧ જાન્યુઆરીએ પોતાના પરિવાર સાથે અમેરિકા જવા માટે નીકળી ગયા. પોતાના ફ્લેટની ચાવી એમણે જૈમિન છેડાને આપી હતી એટલે બીજા દિવસે જ જૈમિને અનિકેતને ફોન કરી દીધો.

"અનિકેત... સુરેશ અંકલના ફ્લેટનું પજેશન મળી ગયું છે. અંકલ ગઈ કાલે રાત્રે અમેરિકા જવા માટે નીકળી ગયા છે એટલે હવે શશીકાંત અંકલને કામ ચાલુ કરવા માટે તું કહી શકે છે. હું મુલુંડમાં જ રહું છું એટલે ભાર્ગવને મારા ઘરેથી ચાવી કલેક્ટ કરવાનું કહી દઉં છું. " જૈમિન બોલ્યો.

" બહુ સરસ. હું શશીકાંત અંકલને આજે જ ફોન કરી દઉં છું." અનિકેત બોલ્યો.

જાન્યુઆરી મહિનો પૂરો થયો એટલે પહેલી ફેબ્રુઆરીએ અનિકેતે જૈમિનને પોતાના ઘરે બોલાવ્યો અને અનારના નામનો ૭૫૦૦૦ નો ચેક એના હાથમાં આપ્યો.

" આ ચેક તું તારા હાથે જ અનારને આપજે. એ બહાને તારી મુલાકાત પણ થશે. અને જરા પણ શરમાયા વગર તારા દિલની વાત એના સુધી પહોંચાડજે. આટલી મોટી રકમ તેં એને ગિફ્ટ આપી છે તો તારો હક બને છે જૈમિન." અનિકેત હસીને બોલ્યો.

એ પછી અનિકેતે કૃતિને બૂમ પાડીને પોતાનું રૂમમાં બોલાવી.

કૃતિ રૂમમાં આવી. જૈમિન તો એને જોઈને સાવ અવાક જ થઈ ગયો. કોઈ હિરોઈનને પણ ટક્કર મારે એવી અદભુત સૌંદર્યવાળી કૃતિ એની સામે ઉભી હતી.

" કૃતિ આ મારો ખાસ મિત્ર જૈમિન છેડા છે. એના કારણે જ મને આ મુલુંડનો પ્લૉટ મળ્યો છે. મને બિલ્ડર બનવાનું પ્રોત્સાહન પણ એણે જ આપ્યું છે. " અનિકેતે કૃતિની ઓળખાણ કરાવી.

" નમસ્તે જૈમિનભાઈ." કૃતિ બે હાથ જોડીને બોલી. "તમારો પરિચય એમણે મને ફોન ઉપર આપ્યો હતો. રૂબરૂ મળવાની તક આજે મળી. તમે એમના માટે ખૂબ જ સારું કામ કર્યું છે." કૃતિનો મીઠો રણકતો અવાજ પણ જૈમિનને પ્રભાવિત કરી ગયો.

" અનિકેત મારો ખાસ અંગત મિત્ર છે ભાભી. એના માટે જેટલું કરું એટલું ઓછું છે. એના જન્મદિવસે અમે લોકોએ તમને બહુ મિસ કર્યાં હતાં. " જૈમિન બોલ્યો.

"તો બીજી વાર મને પાર્ટી આપો. મને જમાડ્યા વગર થોડું ચાલે ? " કૃતિ હસીને બોલી.

" ઊંધીયા જલેબીની સિઝન ચાલુ જ છે. આવતા રવિવારે એક ગુજરાતી ડાઇનિંગ હોલમાં જમવાનું રાખીએ. અને પાર્ટી મારા તરફથી રહેશે. " જૈમિન ખુશ થઈને બોલ્યો.

પરંતુ આ લોકો હોટલમાં જમવાની પાર્ટી રાખે એ પહેલાં તો જૈમિન અને અનારની લંચ પાર્ટી ગોઠવાઈ ગઈ.

બન્યું એવું કે ૭૫૦૦૦ નો ચેક આપવા માટે જૈમિને અનારને ફોન કર્યો.

" અનાર જૈમિન બોલું. "

"હા બોલ ને જૈમિન." ફોન ઉપર જૈમિનનો અવાજ સાંભળીને અનાર રોમાંચિત થઈ ઊઠી.

" બસ તારી સાથે લંચ કે ડીનર લેવાની ઈચ્છા છે. તને જો મારી સાથે વાંધો ના હોય તો. " જૈમિન બોલ્યો.

" અરે જૈમિન તારી સાથે જમવામાં મને શું વાંધો હોય ? અને તારો તો મારી ઉપર એટલો ઉપકાર છે કે મારે ના પાડવાનો કોઈ સવાલ જ નથી. " અનાર બોલી.

" જો અનાર. ઉપકારની વાત ક્યારેય પણ નહીં કરવાની. મેં તને મદદ કરી છે એ તારા પ્રત્યેની લાગણીથી કરી છે. અને મેં મદદ કરી છે એટલે તું મને કોઈ વાતની ના ન પાડી શકે એવું કંઈ નથી. જમવા માટે મારું કોઈ દબાણ નથી. તને અનુકૂળ હોય તો જ ગોઠવીએ." જૈમિન બોલ્યો.

" હું સમજુ છું જૈમિન. હું આજ સુધી તને ઓળખી શકી નહીં. તારો ઉપકાર તો મારા ઉપર રહેવાનો જ. હું કહું ના કહું તેનાથી કોઈ ફરક પડવાનો નથી. ચોક્કસ આપણે મળીએ છીએ. હવે તો હું ઘરે જ છું એટલે મને લંચ પણ ફાવશે અને ડીનર પણ ફાવશે. તને જે પણ અનુકૂળ હોય તે." અનાર બોલી.

"તો પછી કાલે બપોરે ૧૨:૩૦ વાગે ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઈવે ઉપર રેઈનબો રેસ્ટોરન્ટમાં આપણે મળીએ છીએ. " જૈમિન બોલ્યો.

" ઓકે..હું પહોંચી જઈશ." અનાર બોલી.

અને બીજા દિવસે અનાર નામની ગોરી નાગર કન્યા જે રીતે તૈયાર થઈને આવી હતી એ જોઈને જૈમિનનું હૃદય બે ધબકારા ચૂકી ગયું. આજ સુધી એણે અનારનું આવું સૌંદર્ય જોયું ન હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)