સપનાનાં વાવેતર - 18 Ashwin Rawal દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • ભાગવત રહસ્ય - 103

    ભાગવત રહસ્ય-૧૦૩   મનને સ્થિર કરવા નામ-જપની આવશ્યકતા છે.જપથી...

  • ખજાનો - 70

    ઝાંઝીબારના કિનારે હરોળબંધ નાના મોટા જહાજો અને સ્ટીમરો લાંગરે...

  • નારદ પુરાણ - ભાગ 49

    સનત્કુમાર બોલ્યા, “ત્યારબાદ ડાબે અથવા જમણે જે બાજુથી શ્વાસ ચ...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 13

    બિલ"એક કામ કરો બધા બિલ ભેગા કરીને કેવિનને આપો તે આપી આવશે."...

  • નફરત ની આગ

      નફરતના સંસારમાં હવે રમીએ આ રમત એક એક માણસે જોડાઈ, બાંધી દઈ...

શ્રેણી
શેયર કરો

સપનાનાં વાવેતર - 18

સપનાનાં વાવેતર પ્રકરણ 18

અનિકેત પપ્પાની સામે જ જોઈ રહ્યો. એને પપ્પાની દિલેરી ગમી ગઈ. આજે પપ્પાએ સુરેશભાઈ ગોટેચા સાથે જે રીતે વાતચીત કરી હતી એનાથી પણ એ ખૂબ જ પ્રભાવિત થયો હતો. પપ્પા પાસેથી ઘણું શીખવા જેવું છે.

પપ્પા સાથેની વાતચીત પૂરી થઈ ગયા પછી અનિકેતે જૈમિન છેડાને ફોન કર્યો.

" જૈમિન... સાંજે ૭ વાગ્યા પછી જરા મારા ઘરે આવી જજે ને. પપ્પાએ તને બોલાવ્યો છે. " અનિકેત બોલ્યો.

" અંકલે મને બોલાવ્યો છે ? પ્લોટની બાબતમાં કંઈ ગરબડ તો નથી ને ?" જૈમિન બોલ્યો. એ થોડો ટેન્શનમાં આવી ગયો. પ્રશાંત અંકલ બહુ મોટા માણસ હતા. આજ સુધી એમની સાથે એણે ડાયરેક્ટ ક્યારે પણ વાત કરી ન હતી.

" અરે ના ના એવું કંઈ નથી. જસ્ટ તને મળવા માંગે છે. " અનિકેત બોલ્યો.

અને સાંજે સાડા સાત વાગે જૈમિન અનિકેતના બંગલે આવી ગયો. એ સમયે પ્રશાંતભાઈ ઘરે આવી ગયા હતા અને મુખ્ય હોલમાં સોફા ઉપર જ બેઠેલા હતા. ધીરુભાઈ શેઠ પણ બાજુમાં જ બેઠેલા હતા. ધીરુભાઈ વિરાણીને ત્યાંના સ્થાનિક લોકો ધીરુભાઈ શેઠ તરીકે જ ઓળખતા હતા.

" આવ આવ જૈમિન. બેસ.... અરે અનિકેત તારો મિત્ર જૈમિન આવ્યો છે." કહીને પ્રશાંત ભાઈએ અનિકેતને બૂમ પાડી. અનિકેત પોતાના રૂમમાં હતો. એ તરત બહાર આવ્યો અને જૈમિનની બાજુમાં બેઠો.

કોઈપણ જાતની આડી અવળી વાતો કર્યા વગર પ્રશાંતભાઈએ પોતાના પાઉચમાંથી જૈમિનના નામનો ૩૫ લાખનો જે ચેક એમણે લખ્યો હતો તે બહાર કાઢ્યો અને જૈમિનને પાસે બોલાવી એના હાથમાં આપ્યો.

જૈમિન તો બે મિનિટ ચેકની સામે બસ જોઈ જ રહ્યો ! એને કંઈ ખ્યાલ જ ના આવ્યો કે શું બોલવું ?

" અરે મુંઝાઈશ નહીં. આ તો તારું કમિશન છે. " પ્રશાંતભાઈ બોલ્યા.

" અરે પણ અંકલ મને કંઈ આપવાનું ના હોય. મેં તો અનિકેતને અમારી મિત્રતાના દાવે આ પ્લોટ બતાવ્યો હતો. મારે દલાલી થોડી લેવાની હોય ? " જૈમિન પાછો સોફામાં બેસીને બોલ્યો.

"અરે બેટા તેં તારી ફરજ બજાવી તો અમે અમારી ફરજ બજાવી. તારા થકી આવો લગડી પ્લોટ મળી રહ્યો છે તો તારો હક્ક તો બને જ છે ને ? જો બીજા કોઈ દલાલે બતાવ્યો હોત તો અમારે એને પણ આપવા પડત ને ? " હવે ધીરુભાઈ શેઠ બોલ્યા.

" હા દાદા.. પણ મને આટલી મોટી રકમ આપવાની ના હોય." જૈમિન બોલ્યો.

" પપ્પાએ તને પ્રેમથી આપ્યા છે ને ? તું લઈ લે જૈમિન. હવે વધારે ચર્ચા કરીશ નહીં. ચાલ આપણે મારા રૂમમાં બેસીએ." અનિકેત બોલ્યો.

જૈમિનને લાગ્યું કે હવે વધારે ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી. આ મોટા લોકો છે. જરૂર પૂરતી જ વાત કરાય.

એ ઉભો થયો અને અનિકેતની સાથે એના રૂમમાં ગયો.

" અનિકેત ખરેખર બહુ મોટી રકમ છે. તું મારો ફ્રેન્ડ છે અને તું આગળ આવે એટલા માટે જ મેં આ પ્લોટ તને બતાવ્યો. આટલી મોટી રકમ લેતાં મને સંકોચ થાય છે. " જૈમિન બોલ્યો.

" તારે સંકોચ રાખવાની કોઈ જરૂર નથી. પપ્પા ખૂબ જ પ્રેક્ટીકલ છે અને કોઈનો પણ ખોટો લાભ લેતા નથી. તું એ રાખી લે. હું તો તને બીજી ઓફર એ પણ કરું છું કે મારી સ્કીમ ચાલુ થાય એટલે તું મેનેજર તરીકે ત્યાં બેસી જા. આમ પણ હું બધે પહોંચી વળવાનો નથી. " અનિકેત બોલ્યો.

" તારી ઓફર બદલ ખૂબ ખૂબ આભાર પરંતુ મારો તો દવાઓનો હોલસેલનો બિઝનેસ છે એટલે એને હું વાઇન્ડ અપ કરી શકું નહીં. એના બદલે વાડેકરને મેનેજર તરીકે લઈ લે બહુ પ્રમાણિક છે અને એને જરૂર પણ છે. " જૈમિન બોલ્યો.

" હા એ વાત તેં સાચી કહી. કિરણ વાડેકર મેનેજર તરીકે એકદમ યોગ્ય છે. સારુ હું એને ફોન કરી દઈશ. " અનિકેત બોલ્યો.

" અનિકેત મને સુરેશ અંકલે પણ ૧૦ લાખ આપવાની વાત કરી છે. હવે તેં મને ૩૫ લાખ આપ્યા છે એટલે મારી ઈચ્છા વધારાના ૧૦ લાખ અનારને આપવાની છે. અનારને પૈસાની ખૂબ જ જરૂર છે. તારે તારા હાથે અનારને આપવા હોય તો હું તને એ ૧૦ આપી દઉં. તું પોતે અનારને આપી દે. " જૈમિન બોલી રહ્યો હતો.

"અનાર બિચારી બહુ જ સંઘર્ષ કરી રહી છે. એમબીએ કર્યા પછી પણ એ ૨૫૦૦૦ ના પગારમાં એક પ્રાઇવેટ કંપનીમાં એકાઉન્ટન્ટની જોબ કરે છે. સાથે સાથે સાઈડમાં એ સી.એ નું પણ ભણી રહી છે. એના પિતા બીમાર છે પરંતુ નાગર કુટુંબની કન્યા હોવાથી કદી હાથ લાંબો નહીં કરે." જૈમિન બોલ્યો.

"મને આ બધી કંઈ જ ખબર નથી. જો કે મેં એને કદી એની પર્સનલ લાઈફ વિશે પૂછ્યું જ નથી. તારો વિચાર ઘણો ઉમદા છે. હું જ એને ૧૦ લાખનો ચેક કાલે આપી દઈશ. તારે કંઈ પણ આપવાની જરૂર નથી. અને હું તો એમ કહું છું કે એને પણ મારી સ્કીમમાં એકાઉન્ટન્ટ તરીકે લઈ લઉં. કારણ કે કરોડોના વ્યવહારો થવાના એટલે સારો પ્રમાણિક એકાઉન્ટ પણ મારે જોઈશે." અનિકેત બોલ્યો.

" તો તો ઘણું સારું. તારા ત્યાં સેટ થઈ જાય તો પછી કોઈ ચિંતા જ નહીં અને દસ લાખ જેવી એને મદદ પણ મળશે એટલે એ પણ એકદમ રિલેક્સ થઈ જશે. " જૈમિન ખુશ થઈને બોલ્યો.

" તું એક કામ કર. આપણે પહેલાં જ્યાં મળતા હતા એ પંચ પખાડી એરિયામાં જે સીસીડી છે ત્યાં એને સવારે ૧૦ વાગે બોલાવી લે. ત્યાં એને હું દસ લાખનો ચેક પણ આપી દઉં છું અને જોબની પણ વાત કરું છું. " અનિકેત બોલ્યો.

"શુભસ્ય શીઘ્રમ. કાલે સવારે ચોક્કસ મળીએ છીએ. તું સમયસર આવી જજે. ઘણા સમય પછી આપણે સીસીડીમાં મળીશું. આપણા બાકીના બે મિત્રોને બોલાવવા છે ?" જૈમિન બોલ્યો.

" આમ તો એ લોકોને બોલાવવામાં કોઈ વાંધો નથી પરંતુ બધાની હાજરીમાં અનાર આ દસ લાખનો સ્વીકાર નહીં કરે. એ લોકોને પણ એવું લાગશે કે હું શા માટે એને દસ લાખ આપી રહ્યો છું ?" અનિકેત બોલ્યો.

" તારી સમજશક્તિ માટે મને માન છે અનિકેત. તારી વાત એકદમ સાચી છે. બધાની વચ્ચે અનારને આટલી મોટી રકમ લેતાં સંકોચ થાય જ." જૈમિન બોલ્યો.

" તારે મારું બીજું પણ એક કામ કરવાનું છે. તું એસ્ટેટ બ્રોકર પણ છે તો મુલુંડમાં મારા માટે એક સારી ઓફિસ શોધી કાઢ. કારણકે મેનેજર, એકાઉન્ટન્ટ, એન્જિનિયર તેમજ કોન્ટ્રાક્ટર વગેરેને બેસવાની વ્યવસ્થા પણ કરવી પડશે ને ? " અનિકેત બોલ્યો.

"તને એક સજેશન કરું? સુરેશ અંકલ નો ફ્લેટ તાત્કાલિક વેચવાનો છે. તેં એ ફ્લેટ જોયેલો પણ છે. વીણાનગરમાં અંદર એકદમ રોડ ટચ છે અને ગ્રાઉન્ડ ફ્લોર છે એટલે બીજા લોકોને નડતર રૂપ થાય એવો નથી. 3 બેડરૂમ કિચનનો ફ્લેટ પણ ઘણો મોટો છે. આપણે ઓફિસ લઈશું તો પણ ભાવ તો એટલા જ થશે અને ઓફિસમાં બધી ચેમ્બરો બનાવવી પડશે જ્યારે અહીં તો દરેક રૂમનો ઉપયોગ થઈ શકશે. " જૈમિન બોલ્યો.

" તારો આઈડિયા જરા પણ ખોટો નથી. ઠીક છે તું બધું ફાઇનલ કરી દે. રકમ નક્કી થાય એટલે પપ્પા પાસેથી ચેક લઈને તને આપી દઈશ. ફ્લેટ ખરીદી લઈએ એટલે અંદરના ફેરફારનું કામ ભાર્ગવ ભટ્ટને જ સોંપી દઈશું કારણ કે એના પપ્પા સારા ઇન્ટિરિયર ડિઝાઇનર છે. " અનિકેત બોલ્યો.

" ચાલો તો હું રજા લઉં. કાલે સવારે આપણે મળીએ છીએ. " જૈમિન બોલ્યો અને બહાર નીકળી ગયો.

અને બીજા દિવસે સવારે દસ વાગ્યે સીસીડીમાં ત્રણેય મિત્રો ભેગા થયા.

" અનાર તું ઘરેથી નીકળી ત્યારે કોના શુકન જોઈને નીકળી હતી ? " જૈમિન હસીને બોલ્યો.

" શુકન ? હું વળી ક્યાં શુકન જોઈને નીકળું છું ? કેમ આવો સવાલ કરે છે ?" અનાર બોલી.

" કારણ કે આજથી તારું કિસ્મત ખુલી રહ્યું છે. આપણા આ અનિકેતે મેં જે બતાવ્યો હતો તે મુલુંડનો પ્લોટ ૩૫ કરોડમાં ખરીદી લીધો છે અને ત્યાં બે ટાવરની સ્કીમ બનાવી રહ્યો છે. એનું નામ અનાર રેસીડેન્સી રાખ્યું છે. " જૈમિન આજે મજાકના મૂડમાં હતો. અનિકેત પણ હસી પડ્યો.

" જા ને હવે ! શાના માટે મને બોલાવી છે એ વાત કરને ? " અનાર છણકો કરીને બોલી.

" એ જ વાત તો કરી રહ્યો છું. એ જે સ્કીમ બની રહી છે એમાં અનિકેત તને એકાઉન્ટન્ટની જવાબદારી સોંપી રહ્યો છે. ફ્લેટોનું બુકિંગ શરુ થાય એટલે કસ્ટમરોના કરોડોના ચેક અને કેશની લેવડદેવડ થશે. કન્સ્ટ્રક્શન શરૂ થાય એટલે માલ સામાન અને મજૂરોના પણ હિસાબ રાખવા પડશે. અનિકેતની ઈચ્છા છે કે આ મોટી જવાબદારી તું સંભાળે. " જૈમિન બોલ્યો.

" હા અનાર. હું તને ૭૫૦૦૦ રૂપિયા પગાર આપીશ. આજે ૨૭ ડિસેમ્બર થઈ. ત્રણ દિવસ પછી પહેલી તારીખથી તારો પગાર ચાલુ. ભલે કામ ગમે ત્યારે શરૂ થાય." અનિકેત બોલ્યો.

"અચ્છા એટલા માટે જૈમિન શુકનની વાત કરતો હતો ! આ તો ખરેખર મારા માટે એટલા મોટા સમાચાર છે અનિકેત કે મને વિશ્વાસ જ નથી આવતો કે મને આટલો પગાર મળશે." અનાર બોલી.

" હજુ બીજા પણ એક સમાચાર આપવાના છે. જૈમિન તને દસ લાખ રૂપિયા આપી રહ્યો છે. જો કે અત્યારે એના વતી દસ લાખનો ચેક હું તને આપી દઉં છું. જૈમિન પાસેથી હું લઈ લઈશ. જૈમિનને દલાલી પેટે મેં ૩૫ લાખ રૂપિયા આપ્યા છે એટલે એમાંથી એ ૨૫ લાખ રાખી ૧૦ લાખની તને મદદ કરવા માંગે છે. એણે મને કહ્યું કે મારા કરતાં અનારને પૈસાની જરૂર વધારે છે. " અનિકેત બોલ્યો અને એણે ૧૦ લાખનો ચેક અનારની સામે ધર્યો.

" અરે અનિકેત આ ૧૦ લાખ તો તું આપી રહ્યો છે...." જૈમિન બોલવા જતો હતો પણ અનિકેતે એને અધવચ્ચે જ અટકાવ્યો.

" તું બોલીશ નહીં. મને ખબર છે કે તું તારું નામ આપવા નથી માગતો પરંતુ અનારને મારે સાચી હકીકત કહેવી જ જોઈએ કે આ પૈસા હું નહીં પણ તું આપી રહ્યો છે." અનિકેત બોલ્યો.

" અરે પણ આટલી મોટી રકમ હું કઈ રીતે લઈ શકું ? ના ના મારાથી આ ચેક ના લેવાય. આટલા મોટા અહેસાન નીચે હું આવવા માગતી નથી જૈમિન" અનાર બોલી. એની આંખમાં પાણી આવી ગયાં.

" લઈ લે અનાર. તારી પરિસ્થિતિ હું જાણું છું. તારા પપ્પાની તબિયત પણ ખરાબ રહે છે અને મારે આટલા બધા પૈસાની કોઈ જરૂર નથી. અનિકેતે મને ૩૫ લાખ આપ્યા એ લેવાની પણ મેં ના પાડી હતી પરંતુ એણે જબરદસ્તી આપ્યા. તારા માથે જવાબદારીઓ ઘણી છે. આ ૧૦ લાખ તારું બધું ટેન્શન દૂર કરશે." જૈમિન બોલ્યો.

જૈમિનની આવી લાગણી નીતરતી વાત સાંભળી અનારે એની સામે આભારવશ નજરોથી જોયું અને ચેક લઈને પોતાની પર્સમાં મૂકી દીધો. આજના જમાનામાં કોણ કોઈના દુઃખો વિશે વિચારે છે અને આટલી બધી મદદ કરે છે ? એના હૃદયમાં પણ જૈમિન માટે લાગણીઓ ઉભરાઈ આવી.

"ચાલો હવે લેવડદેવડ પૂરી થઈ. તું હવે તારી જોબ છોડી દેજે. તારો પગાર તો બે દિવસ પછી ચાલુ થઈ જશે. વીણાનગરમાં મારી ઓફિસ ચાલુ થશે પછી હું તને બોલાવીશ. હમણાં એક બે મહિના આરામ કર." અનિકેત બોલ્યો.

એ પછી જૈમિને કોલ્ડ કોફી અને ગાર્લિક બ્રેડનો ઓર્ડર આપ્યો. અડધા કલાક પછી અનારે રજા લીધી કારણ કે એણે એની ચાલુ જોબ ઉપર જવાનું હતું.

" અનિકેત ૧૦ લાખ તો તું આપી રહ્યો છે પછી મારું નામ શું કામ લીધું ? " અનારના ગયા પછી જૈમિન બોલ્યો.

"હું આપું કે તું આપે શું ફરક પડે છે ? અને અનારને મદદ કરવાનો આઈડિયા કોનો હતો ? અનારની તું આટલી બધી ચિંતા કરે છે એ શું હું નથી સમજી શકતો ? તું તારા ૩૫ લાખમાંથી ૧૦ લાખ જેવી રકમ એને આપવા તૈયાર થયો. એ શું બતાવે છે ? તને એના માટે આટલી બધી લાગણી છે એ એને પણ ખબર પડવી જોઈએ ને ? " અનિકેત બોલ્યો. જૈમિને કોઈ જવાબ આપ્યો નહીં.

અનિકેતની વાત એકદમ સાચી હતી. અનાર દિવેટિયા એક નાગર કન્યા હતી અને ખૂબ જ રૂપાળી હતી. બુદ્ધિશાળી પણ એટલી જ હતી. પરંતુ એ પહેલેથી અનિકેત તરફ ઢળેલી હતી એટલે જૈમિન પોતાની લાગણીઓ વ્યક્ત કરી શકતો ન હતો. હવે અનિકેતનાં લગ્ન થઈ ગયાં હતાં એટલે એના માટે આશાનું એક કિરણ પેદા થયું હતું.

આ બાજુ અનાર પોતાની જોબ ઉપર જવા માટે રિક્ષામાં બેઠી. જૈમિન સાચું જ કહેતો હતો કે પોતે કદાચ સારા શુકન જોઈને જ નીકળી હતી. આજે જૈમિને જે પણ કર્યું એ એની કલ્પના બહારનું હતું ! એના માટે દસ લાખ એટલે અધધધ રકમ હતી. પિતાની બીમારીમાં એને એક લાખ રૂપિયાનું દેવું થયું હતું. એ ભરાઈ જાય તો પણ બીજા નવ લાખ વધતા હતા. અને હવે તો દર મહિને ૭૫૦૦૦ પગાર પણ અનિકેત આપવાનો હતો. ખરેખર પોતાનું ભાગ્ય બદલાઈ ગયું હતું !!

જૈમિને પોતાના માટે આટલી બધી લાગણી કેમ બતાવી ? શું એ મને પ્રેમ કરે છે ? આજ સુધી તો એણે મને એવો કોઈ ઈશારો પણ કર્યો નથી. હા હંમેશા એણે મારો પક્ષ લીધો છે. ૩ વર્ષ પહેલાં પોતે જ્યારે કોલેજમાં ભણતી હતી અને પેલા જયંતે બધાની વચ્ચે મારી ભદ્દી મજાક કરી હતી ત્યારે પળનો પણ વિલંબ કર્યા વગર એ જયંત સાથે ઝઘડ્યો હતો. આજ સુધી એના પ્રેમને હું કેમ ના ઓળખી શકી ?

એમ તો અનિકેત મારા પ્રેમને પણ ક્યાં ઓળખી શક્યો ? મેં એના માટે કેટલું કર્યું ? પણ એ તો શ્રીમંત ઘરનો નબીરો છે એટલે એની સાથે લગ્ન થાય એવું તો હું સ્વપ્ને પણ વિચારતી નહોતી છતાં હું એને એક તરફી પ્રેમ કરતી જ રહી. આ બિચારો જૈમિન પણ આજ સુધી મને એક તરફી પ્રેમ કરતો રહ્યો પણ હું જ એને પારખી ના શકી !! એણે તો આજે મારી દુનિયા જ બદલી નાખી.

અને આ અનિકેત હવે મારો બોસ બની રહ્યો છે. સ્કીમ મૂક્યા પછી એ મોટો બિલ્ડર પણ બની જશે. એટલે જોબ જોઈન કર્યા પછી મારાથી હવે એને તું તારી થી વાત નહીં કરાય. મિત્રતા હતી ત્યાં સુધી બધું બરાબર પરંતુ મારે એને હવે સર કહીને જ બોલાવવો પડશે. જિંદગી કેટલા રંગ બદલતી હોય છે !!

એ પછીના અઠવાડિયામાં જૈમિને વીણાનગરના ફ્લેટનો સોદો પતાવી આપ્યો. સુરેશભાઈ ગોટેચા ૮૦ લાખ પકડીને બેઠા હતા પરંતુ સ્કીમ જૂની હતી એટલે છેવટે ૭૦ લાખમાં ડીલ થઈ ગયું અને અનિકેતે ચેક આપી પણ દીધો.

એ પછી અનિકેતે ભાર્ગવ ભટ્ટને ફોન કર્યો.

"અરે ભાર્ગવ તારું એક કામ હતું. મેં મુલુંડ વાળો પ્લોટ ખરીદી લીધો છે અને એકાદ મહિનામાં ત્યાં કન્સ્ટ્રક્શન પણ ચાલુ થઈ જશે. હવે ઓફિસ કરવા માટે વીણાનગરમાં એક ફ્લેટ મેં ખરીદ્યો છે અને એ ફ્લેટને ઓફિસમાં કન્વર્ટ કરવો છે. મારી ઈચ્છા છે કે તારા પપ્પાને આ કામ સોંપી દઉં. તું મારી સાથે એમની મીટીંગ કરાવી દે. " અનિકેત બોલ્યો.

" અરે વાહ ! તેં બહુ સારા સમાચાર આપ્યા તું હવે બિલ્ડર તરીકે આગળ આવે છે એ જાણીને આનંદ થયો. કાલે રવિવાર છે તો કાલે તું મારા ઘરે જ આવી જા ને ? તેં તો ઘર જોયેલું જ છે." ભાર્ગવ બોલ્યો.

" મને તારા ઘરે આવવામાં કોઈ જ પ્રોબ્લેમ નથી પણ અંકલે ફ્લેટ જોયો ના હોય ત્યાં સુધી હું એમની સાથે શું ચર્ચા કરું ? ફ્લેટ જોવાનું તો ઉભું જ રહે. એના કરતાં તું અંકલને લઈને વીણાનગર આવી જા. તું પપ્પા સાથે વાત કરીને મને ટાઈમ આપી દેજે એટલે હું ત્યાં ગેટ ઉપર જ હાજર રહીશ. ફ્લેટ ઉપર જઈને જ હું એમને સમજાવી શકું કે મારે શું ફેરફાર કરવા છે. " અનિકેત બોલ્યો.

" એ વાત પણ તારી સાચી છે. ઠીક છે હું પપ્પા સાથે વાત કરીને તને ટાઈમ આપી દઉં છું. એ સમયે તું ત્યાં આવી જજે. " ભાર્ગવ બોલ્યો.

અને છેવટે બીજા દિવસે રવિવારે સવારે ૧૧ વાગે વીણાનગરના ગેટ ઉપર મળવાનું બંને મિત્રોએ નક્કી કર્યું.
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)