પનઘટનો પોકાર... NISARG દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

પનઘટનો પોકાર...

કૂકડે...કૂક.....કૂકડે...કૂ....ક...
દૂર વાડામાં મરઘો બોલ્યો. ગંગામા સફાળાં પથારીમાંથી બેઠાં થઈ ગયાં. ઉઠીને ખડીયો પેટાવ્યો. ઓસરીમાં આવીને પુત્રવધૂને બૂમ મારી, "વઉ બેટા, વ્હોણું વાયુ. હટ ઉઠજો બેટા. બેડુ ભરવા જવાનું સે.." અને વાસીંદુ વાળવા મંડી પડ્યાં.
પાછળના ઓરડામાં સૂતેલી કંકુ સાસુમાના એક જ ટૌકે જાગી ગઈ. બહાર આવીને ઝટપટ દાતણપાણી પતાવી દીધાં. પાણીયારેથી ખાલી બેડું લઈને પનઘટ તરફ નીકળી પડી.
* * * * *
ગામડાના ભૂતકાળમાં આંટો મારીએ તો દરેક ખોરડામાં આ ક્રિયા સામાન્ય હતી. પાછલા પહોરની મીઠી નિંદ્રા માણી રહેલું ગામડું સવારના ચાર વાગ્યા આસપાસ તો સળવળવા માંડતું.
સૂરજદેવ રન્નાદે ના ખોરડેથી નીકળવાની તૈયારીઓ આદરે એ પહેલાં તો ગામડાનાં દરેક ખોરડામાં નવા દિવસની શરૂઆત થઈ જતી. ક્યાંક દાતણપાણી થતાં હોય, ક્યાંક વાસીંદાં થતાં હોય. કોઈ ખોરડામાથી ઘમ્મર ઘમ્મર વલોણાનો નાદ ગાજતો હોય, તો વળી ક્યાંક ઘરરરર ઘરરરર ઘંટી ગરજતી હોય.
કેરોસીનના દેશી ખડીયા કે ફાનસના આછા અજવાળામાં ક્યાંક ગાય-ભેંસ દોહવાની મથામણ ચાલતી હોય. તો વળી ક્યાંકથી પાણીયારે રાતનું ભરેલું માટલાનું પાણી ગાળીને બીજા માટલામાં ભરવાનો ખળખળ અવાજ આવતો હોય. ક્યાંક આછોપાતળો ભજનનો સૂર સંભળાતો હોય, તો ક્યાંક શિરામણના રોટલા ઘડાવાની ટપટપ ટપાટપ થપાટીઓ સંભળાતી હોય.
કોઈકને પનઘટ જઈને પાણી ભરી લાવવાની ઉતાવળ હોય, તો વળી કોઈને ખેતરે જવાની જલ્દી હોય. ક્યાંક "અલ્યા, બળદને ચારપૂળો કર્યો કે નહીં..?" એવી ચિંતા વ્યક્ત થતી હોય, તો વળી ક્યાંક કોઈ ભાભલાના "વઉ બેટા, ચા ની ચેટલી વાર સે હજી..?" એવા ઉદ્ગારમાં ચા પીવાની તડપ છતી થતી હોય..
આમ રાતભર મજાની નિંદર માણીને ગામડું ચોથા પહોરમાં આળસ મરડીને બેઠું થઈ જતું. ના અેલાર્મની જરૂર પડતી કે ના કોઈ સાયરનની. કુદરતી સુટેવો અને કુદરતી વાતાવરણમાં આળોટતા ગામમડાનો પરોઢિયાનો આ નિત્યક્રમ હતો.
* * * * *
કંકુ બેડુ લઈને મહોલ્લામાંથી બહાર આવી. ત્યાં તો આથમવાની તૈયારી કરતા ચંદરમાના આછા અજવાળામાં એક સ્ત્રી નજરે પડી. એની ચાલ પરથી જ પારખી જતાં કંકુએ હળવા સાદે બૂમ મારી, "અલી મેના.. ઊભી રે'.. હથવારો થાય.."
. . પેલી સ્ત્રીએ પાછળ લમણો વાળ્યો. પહેલાં અવાજ અને પછી શરીરના બાંધા પરથી ઓળખી જતાં બોલી, "કુણ, કંકુ..?"
"હોવે અલી, કંકુ જ સુ."
"અલી બૂન, હેંડ હેંડ હટ."
"ચ્યમ પણ આટલી ઉતાવળ સે તને.? પોણી ભરીને પાસુ જ આબ્બુ સે ને.." કંકુએ નજીક આવતાં પૂછ્યું.
"અલી તારા જેઠને બા'રગોમ જવુ સ. ઘરમોં ના'વા સોટ્ટોયે પોણી નહી. હાડા છો ની બસ પકડવાની સે. એટલ ઉતાવળ કરુ સુ બૂન.. લે હેંડજે.." મેના ઝપાટાબંધ પગ ઉપાડતાં બોલી.
બંને જણીઓ ઉતાવળે પનઘટ તરફ ઉપડી. સામેથી પાણી ભરીને આવતી પનીહારીઓને સાદ પૂરાવતી, ખબરઅંતર પૂછતી નદીકાંઠે પહોંચી. અહીં જીવી, શાન્તા, મણી, કાન્તા, રૂખી, કાશી, હીરા, મંગુ, વગેરેનો પહેલેથી જ મેળાવડો જામ્યો હતો.
"અલી, આ તારું માટલું ઠીક તો મેલ. હમણોં ઢપચી પડસે તો પોણી વગર રે'વું પડસે.."
"તુ પકડી રાખને થોડીવાર. મું હાલ્લ જ આ બીજુ માટલું ભરી લઉ."
"લાય હેંડ પકડું. હટ ભરી લે." મણીએ નીચે બેસતાં કહ્યું.
શાન્તાએ બીજું માટલું ભર્યું. પછી કાશીની મદદથી બંને માટલીઓ માથે મૂકીને મણી સાથે ઘર તરફ નીકળી પડી.
"ઓ.. હો.. કંકુભાભી તું..? ચ્યમ આજ મોડી પડી..? મીં તો કીધું કે તુ જતી રઈ હસીં.." જીવીએ કંકુને જોતાં જ પ્રશ્ન કર્યો.
"અલી બૂન શું કરું..? આજ થોડું મોડું ઉઠોણું.." કંકુએ માટલી વીંછળતાં જવાબ આપ્યો.
"હંમ્મ્... હવે ખબર પડી. મારા ભઈને ઈયાદ કરવામાં ઊંઘ નઈ આઈ હોય. હાચ્ચું ને ભાભી..?" જીવીએ ટીખળ કરી.
કંકુના ચહેરા ઉપર શરમના શેરડા ઉભરાઈ આવ્યા. પછી છણકો કરતાં બોલી, "જા ને ચિબાવલી. તું તો એવી ને એવી જ રહી. પોણી ભરવા દે. મોડું થાય સે.." કહીને નદીના પાણીમાં માટલી ડૂબાડવા લાગી.
"અલી જીવી, તું બધોંનાં નખરાં કરે સે, તે તુંયે હાહરે જજે ને પસી ખબર પડસે." મેનાએ કંકુનું ઉપરાણું લીધું.
"હંમ્મ..એ વાત હાચી કીધી હોં મેના.." કહેતાં ત્રણેય જણીઓ હસી પડી.
"લે તાણ, તું વાતો કર. મું જઉં. તાર જેઠ ચ્યારનાય ઊંચાનેચા થતા હસીં. લે, આ બેડું મેલાવજે થોડું." કહેતાં મેનાએ માડલી ઉપાડી. અને ઝપાટાબંધ ત્યાંથી નીકળી ગઈ.
બીજી પનીહારીઓ પણ આવતી ગઈ અને પોતપોતાના સથવારા મુજબ બેડાં ભરીને ચાલતી થઈ. જીવી ગામની કુંવાસી હતી. સરખા જેવી જ અને કંકુ સાથે જીવ મળી ગયેલા એટલે બંને નણંદભોજાઈ એકબીજાને તુંકારાથી જ બોલાવતી. બેડાં ભરીને એ બંને પણ વાતો કરતી કરતી ઘર તરફ ચાલી નીકળી.
* * * * *
"પનઘટ" એટલે પાણીનો ઘાટ. પહેલાંના સમયમાં નદી, તળાવ કે કૂવાના કાંઠે એક એવી ચોકકસ જગ્યા હોય, જ્યાંથી પાણી સરળતાથી લઈ શકાય એવી વ્યવસ્થા કરવામાં આવી હોય. પથ્થરોથી એને ચોક્કસ ઘાટ-આકાર આપવામાં આવ્યો હોય. આમ પાણી ભરવાનો ઘાટ એટલે પનઘટ.
આ પનઘટ પણ રાત્રિના સમયે શાંત થઈ જતો. સૂમસામ રાત્રિમાં નદીનાં નીરના ખળખળાટને ચૂપચાપ માણતો. પરંતુ એને પણ જલ્દી સવાર પડવાની તાલાવેલી રહેતી. વહેલી સવારે પનીહારીઓના સથવારે તે સજીવન થઈ ઉઠતો.
આ પનઘટ એટલે પનીહારીઓનું બીજું પિયર. કોઈ સ્ત્રીને પનઘટ જવું ન ગમે એવું તો બને જ નહીં. પોતાના પિયર જેટલો જ પોતીકો લાગતો આ પનઘટ. સવાર પડે એટલે પનીહારીની સૌથી પહેલી તાલાવેલી પનઘટ પહોંચવાની જ હોય.
આ પનઘટ એટલે કોઈ દુખિયારી અબળાનું હૈયું ખાલી કરવાનું સ્થળ. કોઈ સાસુ-વહુની ચડભડથી સમસમીને ચૂપ થઈ ગયેલી, કોઇ પિયર જવાથી વંચિત રહી ગયેલી, કોઈ પરદેશ ગયેલા ભરથારની યાદમાં ઝૂરતી, રાતભર એકલી એકલી રડતી રહેલી વહુવારૂઓ પોતાની હૈયાવરાળને અહીં ઠાલવીને હળવી ફૂલ બની જતી.
. સારીનરસી ચર્ચાઓનું કેન્દ્ર પણ આ પનઘટ જ હોતો. ગામમાં કે બહારગામમાં બનતી ઘટનાઓનો ચિતાર મેળવવાનું સ્થળ એટલે પનઘટ.
પનઘટ એટલે પનીહારીઓનો પર્યાય. એકબીજાની ઠઠ્ઠા-મશ્કરીઓ કરીને તરોતાજા થઈ જવાનું સ્થળ એટલે પનઘટ. ક્યાંક કોઈની કાનભંભેરણી કરવાનું, તો ક્યાંક ગેરસમજને કારણે તરડાયેલા સંબંધોને સાંધવાનું માધ્યમ એટલે પનઘટ.
ખળખળ વહેતાં નદીનાં નીરથી જીવનનાં સપનાંને સીંચવાની ભૂમિ એટલે પનઘટ. કોઈ નવોઢાનાં સુખદુ:ખનાં આંસુઓને ધોવાનું સ્થળ એટલે આ પનઘટ. જીવનનાં અધૂરાં અરમાનોને કલ્પનાઓના ઘોડે ચડીને આંબી જવાની હામ ભરવાનું સ્થળ પણ આ પનઘટ જ હતો.
વહેલી સવારે પનિહારીઓના પગરવથી જાગેલો અને પનીહારીઓનાં કોમળ પગલાંઓથી ખૂંદાઈને આ પનઘટ તાજોમાજો થઈ જતો.
* * * * *
કંકુ પાણી ભરીને ઘરે આવી. ગંગામાએ ઘરનું મોટાભાગનું કામ પતાવી દીધું હતું. પાણીયારે બેડું મૂકીને કંકુ વાડામાં ગાય દોહવા ગઈ. સસરા વેરશીકાકા શિરામણ કરીને ખેતરે નિકળી ગયા. ગંગામા ઘરના કામમાં ગૂંથાણાં.
ગંગામાને એકનો એક દીકરો અરજણ. જે દૂરના શહેરમાં એક કારખાનામાં નોકરી કરતો હતો. અને ત્યાં જ રહેતો હતો. દિવસ દરમિયાન ઘરમાં સાસુવહુ એકલાં જ રહેતાં.
ઘરનું બધું જ કામ પતી ગયા પછી કંકુ કપડાં ધોવા તથા ન્હાવા માટે નદીએ ચાલી. રસ્તામાં જીવીનો જ સથવારો થયો. બન્ને જણીઓ વાતો કરતી કરતી ફરી પાછી એ જ ઘાટ પર આવી પહોંચી.
વળી પાછો એ જ મેળાવડો. અલકમલકની વાતો, ઠઠ્ઠામશ્કરીઓ, રીસામણાં મનામણાં, ક્યાંક હાસ્ય, ક્યાંક ગુસ્સો, ક્યાંક હૈયાવરાળ તો ક્યાંક અંતરના આનંદની વાતો વગેરેથી પનઘટ પાછો ફરીથી જીવંત થઈ ઉઠ્યો હતો.
જીવી અને કંકુ થોડે દૂર જઈને બેઠાં. કંકુએ કપડાં નીચે ઠલવ્યાં અને નદીમાંથી ડોલ ભરવા માંડી. ત્યાં તો એની નજર વહેતાં નીર પર સ્થિર થઈ ગઈ.
"ચ્યમ, સુ થ્યુ ભાભી.? તું ઓમ ચૂપ ચ્યમ થઈ જઈ..?" જીવીએ કંકુને ઢંઢોળતાં પૂછ્યું.
કંકુ એકદમ ચમકીને ભાનમાં આવી. પછી એક ઊંડો શ્વાસ ભરીને નિ:સાસો નાંખતાં બોલી, "કોય નઈ બૂન. આ તો ખાલી...... " એટલું બોલીને અટકી ગઈ.
"ખાલી કોય નહીં હોં ભાભી. હાચ્ચુ બોલ, માર ભઈ ઈયાદ આયા ને..?" જીવી એની મનોદશા પારખી ગઈ.
"એવું કોય નહી લી. તાર તો આખ્ખો દાડો એની એ જ વાતો. લાય, પેલો હાબૂ આઘો કરજે. આજ તો લૂગડોંયે વધારે સીં." કહીને કંકુએ સ્વસ્થ થવાનો પ્રયત્ન કર્યો.
"અલી, મારી વ્હાલી કંકુડીભાભી, મું તારી બધ્ધી જ કથા જોણું સું હોં. પણ ચિંતા નો કર. લે હેંડ મું તને મદદ કરાવું." કહીને જીવી કપડાંને સાબુ દેવા માંડી.
કંકુ પણ મનોમન ગડમથલ કરતી કામે લાગી. પરંતુ એનું હૈયું બેચેન હતું. આજે એનું મન કામ કરવામાં ઓછું અને ભૂતકાળમાં વધુ ગૂંથાયેલું હતું.
* * * * *
ચાર વર્ષ પહેલાં આવી જ રીતે કંકુ બપોરના સમયે કપડાં ધોવા પોતાના ગામના પનઘટ પર ગયેલી. દસ-બાર બીજી સ્ત્રીઓ પણ કપડાં ધોતી હતી.
. ગામમાં કોઈને ત્યાં પ્રસંગ હોવાથી મહેમાન આવેલા. એમાં બપોરના સમયે બે-ચાર જુવાનિયા નદીકાંઠે આંટો મારવા નીકળેલા. જેમાં અરજણ પણ હતો. કંકુની આંખમાં એ જુવાન વસી ગયો. અરજણને પણ કંકુ ગમી ગઈ. મિત્ર-સહેલી દ્વારા પ્રેમના સંદેશાઓની આપ-લે થઈ.
પછી તો આ નદીકાંઠો એમના છૂપા પ્રેમનો, મુલાકાતોનો સાક્ષી બની ગયો. વખત જતાં વાત માવતર સુધી પહોંચી. બંને કુટુંબને વાત યોગ્ય લાગતાં લગ્નની મહોર પણ વાગી ગઈ. અને કંકુ એક ઉમંગભરી વહુવારૂ બનીને આ ગામમાં પધારી.
એકાદ વર્ષ સાથે રહ્યા પછી ગૂજરાનમાં થોડી મુશ્કેલી પડવા લાગી. એટલે શહેરમાં એક-બે વર્ષ નોકરી કર્યા પછી કંકુને પણ સાથે લઈ જવાની અભિલાષા સાથે અરજણે વિદાય લીધી.
કંકુ એકલી પડી. સાવ એકલી. આમ જૂઓ તો બધું જ હતું. પણ સ્નેહના સાથી વિના જીવતર સાવ સૂનું હતું. વિયોગની આ કપરી પરિસ્થિતિમાં જીવી અને પનઘટ જ એના સાચા સાથી હતાં.
* * * * *
"અલી એય.. પાસી ચો ખોવોણી તું..? હવે બે મઈના, પસી દિવાળીએ તો અરજણભઈ આબ્બાના જ સીં." જીવીએ ફરીથી કંકુને ઢંઢોળી.
કંકુ ફરી પાછી ભાનમાં આવી. એક લાંબો નિ:સાસો નાંખ્યો. અને ફરીથી કામમાં ગૂંથાણી. થોડીવાર માટે મન મજબૂત કરવા પ્રયત્ન કર્યો. પછી હળવી ટીખળ કરતાં બોલી, "હેં લી જીવી, તારે મારા ગોમની વઉવારૂ બનવુ સે..?"
. "ના રે ના બાપ. તારા ગોમમોં તો નર્યો ભૂખમરો સે. મારે ઈં આઈને ભૂખે નહીં મરવું હોં ભઈ." જીવી મોં મચકોડતાં બોલી.
"હારુ બૂન, તમે તાણ ચેવા રાજાના કુંવરને પઈણો સો એ અમે જોઈએ સીએ.." કંકુએ ટોણો મારતાં જ બંને હસી પડ્યાં.
. પછી તો વાતોમાં સમય ક્યાં ગયો એની ખબર પણ ના પડી. ન્હાવા-ધોવાનું કામ પતાવીને બંને પાછી ઘર તરફ વળી.
. ઘરે આવીને બપોરનું રાંધવા-જમવાનું પતાવીને કંકુ નવરી પડી. પાછળના ઓરડામાં પથારી કરીને સહેજ આડી પડી. ત્યાં તો છેલછબીલાની યાદ છવાઈ ગઈ. યાદ કરતાં કરતાં ક્યારે નિંદર આવી ગઈ એની પણ ખબર ના રહી.
ઢળતા બપોરે વેરશીકાકાને ખેતરે જવાનું હતું તેથી ચા બનાવવા ગંગામાએ ટૌકો પાડ્યો ત્યારે કંકુ જાગી. ચાપાણી કરાવીને સસરાને ખેતર રવાના કર્યા. અને સાસુવહુ મીઠી વાતો કરતાં ઘરના કામે વળગ્યાં.
* * * * *
દિવસ આથમવાની તૈયારી હતી. ગાયોનાં ધણ, ઘેટાંબકરાં, વગડે ગયેલાં સૌ માનવીઓ ગામમાં પાછાં આવી ગયાં હતાં, કાં તો આવી જવાની તૈયારીમાં હતાં. ઘરમાં વાળુપાણી પણ તૈયાર થઈ ગયાં હતાં. પણ વેરશીકાકા હજુ સુધી ઘરે આવ્યા નહોતા.
"બા, ઓ બા, બાપા આવે તોં લગીમોં એક બેડું ભરતી આઉ મું..?" કંકુએ પૂછ્યું.
"હવે હવારે જજેને વઉ બેટા. આટલું મોડું કોય જવુ નહી. આખ્ખો દાડો પોણી પોણી કરીને હું કોમ મરી જઈં સીં બેટા." ગંગામાને વહુ પર દયા આવી.
"પણ બા હવારે વે'લુ મોડું થાય તો વોંધો નઈ. હાલ્લ જ જઈ નહી કે પાસી આઈ નહીં."
"હારુ બેટા, જા. પણ હટ આવજે હોં.. તાર હાહરો પણ હમણોં જ આઈ પોકસીં. પાસુ વાળુનું મોડું ના થાય."
. "અબ્બી હાલ જ જઈ એવી પાસી.." કહીને કંકુ પવનવેગે બેડું લઈને નીકળી ગઈ.
રસ્તામાં બીક જેવું કંઈ હતું નહી. એકલદોકલ પનીહારીઓને બાદ કરતાં રસ્તો સૂમસામ હતો. કંકુ ઉતાવળે પનઘટ પહોંચી. ઉતાવળથી બેડું ભર્યું. ત્યાં અરજણ સાંભર્યો.
એકવાર સમી સાંજે ઘરમાં બિલાડાં લડતાં લડતાં પાણીયારામાં પેઠાં. અને બધ્ધાં જ માટલાંનો કચ્ચરઘાણ વાળી દીધો હતો. ઘરમાં પીવા માટે પવાલું ભરીનેય પાણી બચ્યું નહોતું.
. પછી ઘરમાં ડાગળી પર રાખેલાં નવાંનક્કોર માટલાં કાઢીને પોતે અરજણ સાથે રાત્રે પાણી ભરવા અંધારામાં આ જ ઘાટ પર આવી હતી. બન્ને જણે ખૂલ્લા દિલે ખૂબ જ મસ્તી કરી હતી.
પરંતુ આજે પોતે એકલી હતી. એની આંખો ભરાઈ આવી. પનઘટ એનો સાક્ષી બન્યો. ઘણીબધી મથામણ કરીને એને મનને મનાવ્યું. નદીના સામે કિનારે દૂર સુધી નજર કરીને એક નિ:સાસો નાંખ્યો. અને ઘર તરફ ચાલી નીકળી.
વેરશીકાકા આવી ગયા હતા. ત્રણેય જણે સાથે વાળું કર્યું. બાકીનું કામ પતાવીને સાસુસસરા માટે ઓસરીમાં પથારીઓ કરી દીધી. બધું જ બરાબર થઈ ગયા પછી પોતાના ઓરડામાં આવી. પથારીમાં બેઠી. થોડો વિચાર કર્યો. કલ્પનાઓ દોડાવી. અને આવતીકાલે કોઈક નવી જ આશા લઈને જાગવા માટે નિંદ્રાધીન થઈ.
આ બાજુ નદીકાંઠાનો પનઘટ પણ શાંત થઈ ગયો હતો.
* * * * *
આમ "પનઘટ" એટલે માત્ર થ્થરોનો ઓટલો જ નહીં, પરંતુ એક લાગણીસભર પિતા. જે પનીહારીઓના હાસ્ય સાથે હસતો, રૂદન સાથે રડતો. એકાંતમાં અડીખમ સહારો એ જ આ પનઘટ. યુવાન હૈયાંના ધબકારને અનુભવતો પનઘટ. છાનીછપની પાંગરતી પ્રિતનો સાક્ષી પણ આ પનઘટ જ. કોઈ નવોઢાની ઉર્મિઓને પંપાળતો પનઘટ, તો કોઈ વિરહાના અાર્તનાદને શમાવતો આ પનઘટ જ.
. નાનાંનાનાં બાળની મસ્તીને મમળાવતો આ પનઘટ, પાણી પીવા માટે કાંઠા સુધી આવતા કોઈ યુવાનના જોમને છલકાવતો આ પનઘટ. કેટલીયે ફરીયાદો, કેટલાંય ડૂસકાં, કેટલાંય આંસુઓને પોતાના મૂક હૈયામાં સમાવતો આ પનઘટ. ઉનાળાના ખરા તાપમાં ભરબપોરે એકલો એકલો ઝૂરતો આ પનઘટ. તો વળી ધોધમાર વરસાદની ઝડીઓમાં એકલો એકલો મોજથી ઝૂમતો આ પનઘટ જ.
આથમતા સૂરજને ભાળીને ધ્રાસકે ભરાતો આ પનઘટ. ધરતી પર ઉતરતી સાંજને કોસતો આ પનઘટ. અને રાતની એકલતા, ઉદાસી, અને ખાલીખમ્મપણું નિજ હૈયામાં ધરબી દઈને એક નવી પરોઢની રાહમાં જંપતો આ પનઘટ.
* * * * *
મિત્રો , સમયે કરવટ બદલી છે. આજે નદી, નાળાં, કૂવા, સરોવર બધું જ સૂકાયું. પનઘટ તો માત્ર વાતોમાં જ રહી ગયો.. અત્યારે પાણી છેક પાણીયારે સીધું જ માટલામાં આવતું થઈ ગયું છે. એટલે પનઘટ હવે વિસરાયો.
. ક્યાં ગયાં એ માનવીઓ,? ક્યાં ગયાં એ નીર,? ક્યાં ગઈ એ દીકરીઓ.? ક્યાં ગઈ એ નવોઢાઓ.? ક્યાં ખોવાણી પનઘટની એ આતુરતા.? ક્યાં છે હવે એ સાદાં ખોરડાં.? ક્યાં ડટાયા એ ધૂળિયા રસ્તા.? ક્યાં ખોવાણો માટલાંનો એ રણકાર.? ક્યાં ઓગળી ગયાં નદીકાંઠાનાં અરમાનો.? ક્યાં વિસારાઈ ગઈ એ વાતો..? ક્યાં ઠૂંઠવાઈ ગઈ એ ઠઠ્ઠામશ્કરીઓ.? ક્યાં પીગળી ગઈ એ પ્રીત..? અને ઉગતાં પહેલાં જ ક્યાં આથમી ગયું મારા ભોળા ગામડાનું એ પરોઢ..?????
ક્યારેક કોઈ નસીબ જાગે, અને પનઘટને મળવાનું થાય તો બેઘડી શાંત બની જઈને સાંભળવાનો પ્રયત્ન કરજો. પનઘટનો પોકાર ના સંભળાય તો કહેજો...!!!
. ***************
- "નિસર્ગ" 🍁🍁🍁