ગામડું - માંણો તો મોહી જ પડો.. NISARG દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ગામડું - માંણો તો મોહી જ પડો..

"મમ્મી.. મમ્મી... આ શું છે..?" નાનકડા પ્રિન્સે દિવાલ તરફ આંગળી કરતાં બાળસહજ સવાલ કર્યો.
"એ છે ને... એ.. છે.. ને.. એ.. આઈ થીન્ક છાણ.. હા છાણ જ છે બેટા.." આયુષી થોડી થોથવાણી.
"છાણ...??? એ વળી શું મમ્મા..?" પ્રિન્સ નવાઈ પામતાં બોલ્યો..
"ઓ.. હો..બેટા. છાણ એટલે.. છાણ.. એટલે... અરે હા. કાઉ જે પોટ્ટી કરે ને એને છાણ કહેવાય.."
"અંમ્.. હંમ્મ્... કાઉની પોટ્ટી..?? છીં..છીં..છીં... " પ્રિન્સે હાથ વડે નાક-મોં દાબી દીધાં. આયુષીને પણ થોડી સૂગ ચડી હતી.
થોડીવાર નિરીક્ષણ કરતાં પ્રિન્સની આંખોમાં આશ્ચર્ય છવાયું. પૂછ્યું , "મમ્મા, આ વૉલ પર ચડીને કાઉ કેવી રીતે પોટ્ટી કરતી હશે..??"
એનું ભોળપણ જોતાં આયુષી હસી પડી. "બેટા, એને હાથથી લગાવવા પડે.. "
"હાથથી..? પણ કેમ મમ્મા..? વોલ કેમ બગાડવી પડે..છીં.. છીં..." પ્રિન્સે ફરીથી મોં બગાડ્યું.
"એ તો છે ને.. એ બધું દાદીમાને પૂછજે બેટા. ચાલ લેટ થાય છે.. ચાલ ચાલ જલ્દી .." આયુષીને જવાબ આપવા થોડા અઘરા પડતાં એણે વાતને બદલી. અને પ્રિન્સનો હાથ પકડીને ઝડપથી મહોલ્લામાં દાખલ થઈ ગઈ..
* * * * *
એક નાનકડું ગામડું. ગામની વચ્ચોવચ એક નાનકડો મહોલ્લો. મહોલ્લામાં છેલ્લે એક નાનકડું ખોરડું. જેમાં ખેડૂત જેઠાભાઈ પત્ની કાશીબેન સાથે સુખેથી રહે.
સંતાનમાં એક જ દીકરો પ્રવિણ. નામ પ્રમાણે ભણવામાં ખૂબ જ પ્રવિણ હતો. જેઠાભાઈએ ખૂનપાણી એક કરીને એને ભણાવ્યો. ગામની શાળામાં 1 થી 5 ધોરણ હોવાથી બહાર ભણવા મોકલ્યો. ત્યાંથી શહેરમાં જઈ બધો અભ્યાસ પૂર્ણ કરી સારી નોકરી પણ મળી ગઈ.
શહેરના પ્રતિષ્ઠિત નાગરિક રતિલાલની પુત્રી આયુષી પ્રવિણ સાથે ભણતી. પહેલાં દોસ્તી પછી પ્રેમ અને છેવટે એકબીજા સાથે લગ્ન પણ થઈ ગયાં. પ્રવિણ પોતાના પરિવાર સાથે શહેરમાં જ રોકાઈ ગયો.
દીકરાની લગ્નવિધિ પણ શહેરમાં જ થઈ. ખેડૂત દંપતી દીકરાને પરણાવી ખુબ જ રાજી હતું. દીકરો અને વહુ પણ આજ્ઞાકારી. શહેરમાં સાથે રહેવામાં કોઈ જ વાંધો નહોતો. પરંતુ ગામડાના જીવને શહેરમાં રૂંધામણ થવા લાગી. એટલે ખેડૂત દંપતી ગામડે આવી ગયું અને લ્હેરથી જીવવા લાગ્યું.
લગ્નના છ માસ પછી પ્રવિણ એકવાર પત્ની સાથે વતનમાં આવ્યો હતો. માતાપિતાએ માનેલી માનતા પૂરી કરીને બેએક કલાક રોકાઈને પાછો શહેર ચાલ્યો ગયો.
એ વાતને આજે પાંચ વર્ષનાં વહાણાં વાઈ ગયાં હતાં. આયુષીને પુત્ર જન્મ્યો ત્યારે ખેડૂત દંપતી ચાર માસ જેટલો સમય શહેરમાં રહ્યું હતું. ત્યાર પછી શહેરમાં જવાનો સમય મળ્યો જ નહીં. હા, પ્રવિણ ક્યારેક આવીને ખબરઅંતર પૂછી જતો.
આજે કોઈક પ્રસંગ બાબતે આયુષી પુત્ર પ્રિન્સ સાથે ગામડે આવી હતી. પ્રવિણ કોઈ કામ માટે વિદેશ ગયેલો હોઈ સાથે આવ્યો નહોતો.
મહોલ્લામાં પ્રવેશતાં પહેલાં નાનકડા પ્રિન્સે રસ્તામાં દીવાલ પર છાણાં થાપેલાં જોયાં. એટલે બાળસહજ કૌતુક થતાં એણે મમ્મીને પ્રશ્ન કર્યો. આયુષી શહેરમાં જ જન્મી ને મોટી થઈ હતી. એટલે છાણાં વિશે સાંભળેલી વાતો મુજબ જવાબ આપતી મહોલ્લામાં દાખલ થઈ.
* * * * *
"આ લ્યો.. કાશીમાના મે'મન તો આઈ જ્યા. બાપડોં ડોશી ચ્યારનોં વાટ જોવી સીં." આયુષીને જોતાં જ કોઈકે કહ્યું.
બીજી એક સ્ત્રીએ બૂમ મારી ." કાશીમા.. ઓ.. કાશીમા.. તમારી વઉ આઈ.. ચ્યોં જ્યોં સીખબર.. ? ઓ કાશીમા... "
"અલી હમણોં તો ઓંય જ ઉભોં તોં. વઉ આબ્બાની સે કરતોં હવ્વારોં નોં હડીયમડોટા કરીં સીં ડોશી.."
કાશીમા સવારથી જ કાગડોળે રાહ જોતાં મહોલ્લામાં આઘાંપાછાં થતાં હતાં. હમણાં જ થાકીને ઘરમાં ગયાં ત્યાં તો પોતાના નામની બૂમ સાંભળીને બહાર દોડી આવ્યાં.
સામેથી વહુ અને પૌત્રને જોતાં જ કાશીમાએ રીતસરની ડોટ મૂકી. "અલેલેલે.. આયો માલો દીકલો..આત્તો લે.. આત્તો લે.." કહેતાં પ્રિન્સને ઊંચકી લીધો. વહુ પણ સાસુમાને પગે લાગી.
"મું ચ્યારની વાટ જોતી'તી બટા.. અબ્બી હાલ જ ઘરમોં જઈ.. રસ્તામોં કોય તપલીક તો નહીં પડી ન વઉ બેટા.?"
"ના રે ના... કંઈજ પ્રોબ્લેમ નથી હોં. તમારી તબિયત કેમ છે કેમ છે મમ્મી..? પપ્પા ક્યાં ગયા..?" ઘરમાં બેગ નીચે મુકતાં આયુષી બોલી.
"ઈના દાદો તો ઢોરોંને ચારપૂળો કરવા જ્યા સીં. ચ્યારનાય જ્યા સીં.. હજુ ચ્યમ નો આયા સીખબર..?"
નાનકડો પ્રિન્સ પહેલોવહેલો જ ગામડે આવ્યો હતો. અચાનક જ ડોશીમાએ તેડી લેવાથી થોડો ડઘાઈ ગયો હતો. પરંતુ આયુષીએ દાદીમાની ઓળખાણ કરાવ્યા પછી એને પણ અતડાપણું ઓછું થઈ ગયું હતું. પરંતુ જૂની બાંધણીનું મકાન, નળિયાં, લીંપણ, ચૂલો, ધૂમાડીયું, કબાટ, પાણીયારૂં વગેરે જોતાં તેની નવાઈનો પાર નહોતો.
"આ શું છે મમ્મા.? આને શું કહેવાય મમ્મા..?" એક-બે પ્રશ્નો આયુષીને પૂછતાં તે "બધ્ધું જ દાદીમાને પૂછી લે બેટા. પરફેક્ટ આન્સર મળશે." એમ કહીને છટકી ગઈ.
"મું તને બધ્ધી જ હમજ પાડ્યોય.. પણ તું પે'લોં ખઈ તો લે દીકરા.. તાર દાદોય તને બધ્ધી જ વાતો કે'સીં. લે આ ભીસ્કુટ... તાર દાદો કાલ જ લાયા'તા તારા ઓલે.."
કાશીમાનો હરખ માતો નહોતો. શું ખવડાવું ને શું પીવડાવું..? આગતાસ્વાગતા કરું કે વાતો કરું કે દીકરાને વહાલ કરું કે 'વઉ'નાં ઓવારણાં લઉં..?
એટલામાં તો જેઠાભાઈ પણ આવી પહોંચ્યા. રસ્તામાં જ એમને સમાચાર મળી ગયા હતા. એટલે ચોરાના ઓટલે બેસવાનું માંડી વાળીને ઉતાવળા સીધા ઘરે જ આવી ગયા.
"ચ્યોં જ્યો મારો બટો..? ચ્યોં જ્યો લ્યા..?" લાકડી ખુણામાં મૂકતાં જેઠાભાઈ બોલ્યા.
"હએએ તાર દાદો આયા..! જા.. જા..તને હાદ્દી સીં.. હેંડ હેંડ તાર દાદા જોડે.." કહેતાં કાશીમા પ્રિન્સને તેડીને બહાર ઓસરીમાં દોડી આવ્યાં. સાથે આયુષી પણ બહાર આવી.
"ઓહ મારો દીકરો..! આઈ જ્યો લ્યા...! " જેઠાભાઈએ પ્રિન્સને તેડી લીધો. આયુષી પગે લાગી. "સુખી રો' બેટા. પરવીન ચમ સ..? ઈન વળી અતારે જ બા'ર જવાનું મૂરત ચ્યોંથી આયું..? બધોં હંગાથ આયોં હોત બે દાડા તો હારૂ હતુ.."
"ઈન ચાલે એવુ નઈ હોય તાણ તો નઈ આયો... વઉ તો આઈ સે ને..! હેંડો કોય વોંધોં નઈ. કો'ક દાડો ફેર ઓંટો મારી જાસે.. અને આ મારો પિન્સુડો તો આયો સે ને..!" કાશીમાએ પરિસ્થિતિ સ્વીકારતાં કહ્યું.
ત્યારબાદ ઘરની, નોકરીની, પ્રિન્સની, શહેરની, ગામડાની ઘણી વાતો થઈ. બપોરનું જમવાનું પતાવીને મહોલ્લાનાં સૌ કાશીમાની ઓસરીમાં ભેગાં થયાં. (ધન્ય છે મારૂં ગામડું કે જ્યાં આજે પણ બહાર વસતું કોઈ આવે કે મહેમાન આવે તો મહોલ્લો આખો ખબર પૂછવા ભેગો થઈ જાય.)
મહોલ્લાની સ્ત્રીઓ કાશીમા અને આયુષી સાથે વાતે વળી. બહાર ઢાળીયામાં જેઠાભાઈ અને પ્રિન્સ અલકમલકની વાતો કરતા હતા.
પ્રિન્સ આજુબાજુનું અવલોકન કરતો જાય અને બાળસહજ પ્રશ્નો પૂછતો જાય. દાદા પણ ખૂબ જ ધીરજથી એને બધુ સમજાવતા જાય. "આ શું ..? દાદાજી આ શું .. ? " કહેતાં પ્રિન્સે ઘણુંબધું પૂછી લીધું.
* * * * *
હા મિત્રો, ગામડાનું ખોરડું એટલે એક કુદરતી આવાસ. જે માત્ર મકાન નહીં પરંતુ સાચા અર્થમાં ઘર કહેવાય.
. * નળિયાં- દેશી નળિયાંમાંથી હવાની અવરજવર થવાથી AC ની જરૂર જ ન પડે. કુદરતી રીતે જ ઘરમાં ઠંડક રહે. વાંદરા કૂદવાથી ફૂટી ગયેલાં નળિયાં, પવનથી ભરાયેલો કચરો વગેરે દૂર કરવા માટે ચોમાસા પહેલાં નળિયાં સંચવાની મથામણ અનોખી હોય. પછી વરસાદનાં ફોરાં નળિયાં પર ટપક.. ટપક.. થતાં હોય ત્યારે એનો કર્ણપ્રિય અવાજ બેઘડી સાંભળ્યા જ કરીએ.
* ચૂલો- ઘરમાં ઈંટો અને છાણમાટીથી બનાવેલો દેશી ચૂલો હોય. કપાસની સાંઠીઓ, રાયડાના દંઠા, લીમડાનો ફાલ, છાણાં વગેરે ઈંધણ તરીકે વપરાય. ગેસનો બાટલો પતી જવાની ચિંતા જ નહી. માટીની તવી (કલાડી) ઉપર દેશી બાજરાનો રોટલો શેકાય ત્યારે દૂર સુધી એની સોડમ ફેલાતી હોય. મહોલ્લાના નાકે બેઠેલા લાલિયા કૂતરાના મોંમાંથી પણ લાળ ટપકવા માંડે. બા જ્યારે રોટલા ઘડતી હોય ત્યારે ટપ...ટપ... અેવા સુમધુર અવાજથી પાચનતંત્ર સક્રિય બની જતું. શિયાળાની ઠંડી હોય ત્યારે સવારના પહોરમાં છેક ચૂલાની આજવેણમાં ઘૂસી જઈ બેસવાનું અને ચા ના સબડકા લેવાના. રસોડામાં બે પ્રકારની ઉષ્મા મળતી, ચૂલો સળગતો હોય એની અને બા ના વ્હાલની. પછી તો મજાલ છે કે ઠંડી નજીક પણ ફરકે..!
* ધૂમાડીયું- ચૂલાનો ધૂમાડો ઘરમાં ન ફેલાય એટલે ચીમની બનાવવામાં આવતી. જેનાથી ઘરમાં કાળાશ ફેલાતી પણ અટકતી. વરસમાં બે વાર ધૂમાડીયાની પણ સફાઈ થતી. ઉપરથી અંદરના ભાગે દોરી નીચે લંબાવીને કંથેરનું જાળું બાંધવામાં આવે. પછી ઉપર ખેંચવામાં આવે. વળી પાછું જાળું ફરીથી ધૂમાડીયામાં નીચેથી ઉપર ખેંચવામાં આવે. આમ ત્રણ ચાર વાર કરવાથી ધૂમાડીયાની અંદરની દીવાલોમાં જામેલી કાળાશ બધી સાફ થઈ જાય. પછી છ મહિનાની શાંતિ.
* પાણીયારૂં- પાણીયારૂં જોતાં જ હૈયે ટાઠક થાય. ઈંટોની ભેડલી ઉપર આડો પથ્થર મૂકીને પાણીયારૂં બનાવવામાં આવતું. બે-બે ની જોડમાં ઉપરનીચે દેશી માટલાં ગોઠવેલાં હોય. નજર પડે એટલે અનાયાસે જ પાણી પીવાનું મન થાય. કુદરતી રીતે જ ઠરેલું પાણી ગળામાં ઉતરે ત્યારે ઉદરની સાથે આત્માને પણ ટાઠક પહોંચે.
* લીંપણ- લીંપણ એ તો ખોરડાનો શણગાર ગણાતો. છાણ અને માટીને ભેગાં કરી તેને પાણીથી પલાળવાનાં. પછી ચોળીચોળીને એકરસ કરી ગારને સાવ મૃદુ બનાવી દેવાનો. થોડો થોડો ગાર લઈને એને હાથથી આખા ઘરમાં લીંપવામાં આવે. પછી હાથથી સુંદર મજાની આંકળીઓ પાડવામાં આવે. આ રીતે તૈયાર થયેલી ડીઝાઈન જોનારને ઊડીને આંખે વળગી જ જાય. આ લીંપણ સૂકાયા પછી ઘરમાં રાબેતા મુજબ અવરજવર ચાલુ થાય. લીંપણવાળા ભોંયતળિયે બપોરે જમ્યા પછી કંતાનનો કોથળો પાથરીને સૂઈએ ત્યારે ધરતી સાથે જોડાયાનો અહેસાસ થાય. મા ની ગોદમાં જ સૂતા હોઈએ એવું લાગે.
* ઓસરી- ખોરડાનો સૌથી જીવંત હિસ્સો એટલે ઓસરી. પુરુષ વિભાગનો અડીંગો પણ અહીંયા જ હોય. એક-બે ઢોલિયા ઢાળેલા હોય, થોડા ખાટલા દીવાલે ઊભા કરેલા હોય. સામે જ પાણીયારું હોય. મહેમાનોની આગતાસ્વાગતાની મૂક સાક્ષી એટલે ઓસરી. બાળકોને રમવાનું, ધમાચકડી મચાવવાનું સ્થળ એટલે ઓસરી. પુરુષોને આરામ કરવાની જગ્યા એટલે ઓસરી. વાતોનો વિસામો એટલે ઓસરી. ઘરના કોઈપણ પ્રસંગમાં ધમધમતું સ્થળ એટલે ઓસરી. આમ ઓસરી એટલે જ ઘર.
* આંગણું- ખોરડાની સાચી ઓળખ એટલે આંગણું. ઘરની બહાર નાનકડો ઓટલો હોય, એકાદ હરીયાળું ઝાડ લહેરાતું હોય, તુલસીનો ક્યારો હોય, નેવાંના નીચેના ભાગે પક્ષીઓને પાણી પીવા માટે ઠીબ લટકાવેલી હોય, ખૂણામાં જૂની એકાદ સાયકલ પડી હોય. વહેલી સવારે ઘરની સાથે આંગણાની પણ સફાઈ થાય. નાનામોટા, સારાનરસા પ્રસંગોનું સાક્ષી પણ આંગણું જ હોય. પક્ષીઓને મોજથી ચણવાનું અને અને કિલ્લોલ કરવાનું સ્થળ એટલે આંગણું. બહારથી ગમેતેટલા થાકીને આવ્યા હોઈએ પરંતુ જ્યાં આંગણામાં પગ પડે એટલે બધો જ થાક ગાયબ થઈ જતો એવી આંગણાની અસર હોય.
આમ જૂના ખોરડાની એકેએક બાબતો તનમનને અપાર આનંદ અને શાંતિ આપનારી હતી.
* * * * *
આ બધી વાતો કરતાં કરતાં પ્રિન્સ દાદાના ઢોલિયામાં ક્યારે સૂઈ ગયો એની પણ ખબર ન પડી. મહોલ્લાનાં લોકો પણ "લ્યો તાણ! કાશીમા, થોડોંક આડોળ થોવ, વઉએ થાકી હસે. અમેય થોડોં આડોં પડીએ.." કહેતાં રવાના થયા. ઘરમાં સાસુ-વહુએ પણ મજાની નિંદર માણી.
બપોરનો આરામ કર્યા પછી સૌ ખેતરે ઉપડ્યાં. આયુષી અને પ્રિન્સ પહેલાંવહેલાં પોતાના ખેતરે જતાં હતાં. ગામમાંથી બહાર નિકળીને સૌ ધૂળિયે રસ્તે ચડ્યાં. ગામનું તળાવ, લહેરાતાં વૃક્ષો, ગાયો-ભેંસો, આંબાવાડી, વચ્ચે પાણીના વહેણનાં નાનાં કોતરો વગેરે જોવાની બન્નેને ખૂબ જ મજા આવી. રસ્તાની કોમળ અને ઠંડી ધૂળના સ્પર્શથી પ્રિન્સ તો ખૂબ જ રોમાંચિત થઈ ગયો. ઘડીકમાં બૂટ કાઢીને ચાલે, ઘડીકમાં રેતીની મૂઠ્ઠી ભરી લે, તો ઘડીકમાં કૂદકા મારતો દોડે. ખરા આનંદનો અહેસાસ તેને આજે જ થયો હતો.
સૌ ખેતરે પહોંચ્યા. ખેતરના એક ખૂણે સરસ મજાનો વાડો બનાવેલો હતો. ત્યાં એક ભેંસ, બે ગાયો અને એક વાછરડું બાંધેલાં હતાં.
"મમ્મા મમ્મા કાઉ..." કહેતો પ્રિન્સ રાજીના રેડ થઈ ગયો. નાનકડી વાછડીને જોઈને તો તે ગેલમાં આવી ગયો. આયુષીને પણ ખેતરનું વાતાવરણ ખૂબ જ ગમ્યું. પ્રિન્સ થોડીવાર વાછરડી સાથે રમ્યો. પછી દાદાજી સાથે વાડામાં ફરવા લાગ્યો. ત્યાં તો વાડામાં થાપેલાં છાણાં પર આયુષીની નજર પડી. 'ગાયની પોટ્ટી' વાળી પ્રિન્સની વાત યાદ આવતાં તે હસી પડી.
"ચ્યમ વઉ બેટા.. હસવુ ચ્યમ આયુ..?" કાશીમા થોડા આશ્ચર્ય સાથે હસતાં હસતાં બોલ્યાં.
"એ તો મમ્મી પ્રિન્સે મને રસ્તામાં પૂછ્યું હતું એનું હસવું આવ્યું." આયુષીએ હસતાં હસતાં આખી વાત કહી સંભળાવી. કાશીમાને પણ ખૂબ હસવું આવ્યું.
"સાચું કહું મમ્મી, મને પણ નથી ખબર હોં કે આ છાણાં એચ્યુલી બને કેવી રીતે..મને પણ કહોને મમ્મી.." આયુષી થોડી લાચારી અનુભવતી બોલી.
"અલી...હાય... હાય... ગોંડી આવુ કોઈન કે'તી નઈ. નકર કો'ક મૂરખ ગણસે..હેંડજે હમજાઉ બધુ. પિન્સુડાનેય બોલાવજે ઓંય.. તમોન બેવોને બતાઉં હેંડો.." કહેતાં કાશીમા ગાયનું છાણ લેવા ઉપડ્યાં.
"હોંભળો સો ઈન દાદા, પિન્સુડાને ઓંય લેતા આવજો. ઓમ આય વઉ. આ જો, આ રાયડાની ફોતરી કેવાય. ઈન સોંણમોં ભેગી કરીને ગોળા બનાઈ દેવાના.. એ... આ.. ઓમ.." કાશીમા છાણ અને ફોતરી ભેગું કરીને છાણાં બનાવવા માંડ્યાં.
* * * * *
ગાય-ભેંસનું તાજું છાણ અને રાયડાની ફોતરીને મિક્સ કરી દેવાનાં. પછી નાના નાના ગોળા બનાવીને ભીંત ઉપર કે નીચે જમીન ઉપર હાથથી દબાવીને જાડા રોટલાના આકારમાં ફેલાવી દેવાનાં. થાપેલાં છાણાંને બીજા દીવસે ઊંધા ફેરવી દેવાનાં. જેથી ઉધઈ કે ઉચેરાથી બચાવી શકાય. બે-ત્રણ દિવસે સુકાઈ જાય એટલે એની એક ઢગલી બનાવી દેવાની. પછી જરૂરિયાત મુજબ લાવીને એનો ઈંધણ તરીકે ઉપયોગ કરવાનો.
આ છાણાંનો ઉપયોગ કરવાથી ઘણા ફાયદા પણ થતા. મચ્છર, જીવાત એનાથી દૂર રહે. ગેસ, કેરોસીન ખતમ થવાની ચિંતા જ નહીં. ઘરનાં જ પશુઓ હોય એટલે છાણ સહેલાઈથી મળી રહે. સસ્તું ઈંધણ મળે. બળી ગયા પછી એની રાખનો ખાતર તરીકે ઉપયોગ થાય.
આમ છાણાં એ ગામડાનું સસ્તું, સરળ અને હાથવગું ઈંધણ હતું.
* * * * *
. કાશીમાએ દસ-બાર છાણાં બનાવીને બતાવ્યાં. આયુષી અને પ્રિન્સ આશ્ચર્યચકિત થઈને બધું નિહાળી જ રહ્યાં.
"એ... આ ઓમ સોંણોં બનાવઈ વઉ. હમજણ પડી..? ચોય ગાય ભેત પર ચડીને પોલ્યો નો મેલ હોં.." કહેતાં કાશીમાએ છેલ્લું છાણું થાપ્યું. એ સાથે જ ચારે જણાં ખડખડાટ હસી પડ્યાં.
ત્યારબાદ ખેતર-વાડીની મુલાકાત પતાવી સૌ ઘરે આવ્યાં. સાંજે વાળુપાણી પતાવીને ફરીથી ફળિયામાં ડાયરો જામ્યો. અલકમલકની વાતો થઈ. અને મોડી રાત્રે સૌ નિંદ્રાધીન થયાં.
બે-ત્રણ દિવસમાં પ્રસંગ પતાવીને આયુષી શહેરમાં જવા રવાના થઈ. એણે ખરા અર્થમાં ગામડાને જોયું, જાણ્યું, માણ્યું. ગામડાનાં લોકોનો પ્રેમ, રીતરીવાજ, પ્રસંગની ઉજવણી , ખેતરનું વાતાવરણ વગેરેએ એનું મન મોહી લીધું હતું. પ્રવિણ રિટાયર્ડ થાય પછીની જીંદગી ગામડામાં જ વિતાવવાનું મનોમન નક્કી કરીને તે પોતાના ઘેર પાછી ફરી.
* * * * *
મિત્રો, આ છે ગામડાની મોજ. આ છે ગામડાની તસવીર, જે ભલભલાના મનની તાસીર બદલી નાંખવા સમર્થ છે. મારું વતન કુણઘેર પણ આવું જ રૂપાળું, રઢિયાળું અને મનમોજીલું ગામડું છે. જે સદાય સાદ દીધા જ કરે છે.
*******************
- "નિસર્ગ" 🍁🍁🍁