છોટુ NISARG દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

છોટુ

"એ છોટુ... પાણી લાવ તો..!"
"ધત્ તેરી કી.. આ ટેબલ તો જો લ્યા..! એય છોટુ, પોતુયે ભેગુ લેતો આવજે લ્યા..!"
"એ છોટુ... આ ખાલી પડેલા કપ ઉઠાવ અહીંથી..!"
ત્રણ-ચાર લબરમૂછિયા કૉલેજીયન યુવકોએ હોટલમાં ઘૂસતાં જ ઉપરાછાપરી હૂકમો છોડવા માંડ્યા.
પરંતુ સાયરન વગાડતી ત્યાંથી ગૂજરી રહેલી પોલીસની ગાડીને, ખૂબ જ ઉત્સુકતાથી જોવામાં લીન થઈ ગયેલા છોટુના કાન સુધી એ હૂકમો જાણે કે પહોંચ્યા જ ન હોય, તેમ તે બહાર રોડ પર જોઈ જ રહ્યો.
"એ બે'રા...!" બાકસના ખાલી ખોખા વડે છોટુના ટાલકાનું નિશાન સાધતાં લચ્છાજી તાડૂક્યા, "હાંભળતો નથી લ્યા..? ઘરાક ચ્યાણનું બૂમો પાડ છ... પેલું ટેબલ સાફ કર.. અન પાણીનો જગ પ્હોંચાડ ઝટ..."
શેઠના એક જ ધાંટાથી છોટુને પોતાના કર્તવ્યનું સ્મરણ થઈ ગયું. અને સાયરન પાછળ ભાગતા પોતાના મનને પરાણે પાછું ખેંચી લાવીને તેણે ઘરાકની સેવામાં સ્થિર કર્યું.
* * *
પાટણના પ્રસિદ્ધ કોહિનૂર સિનેમાગૃહની સામે જ નાનકડી અને ઠીક ચાલતી ચાની એક હોટલ. માલિક લચ્છાજીના નામ પરથી સૌ તેને 'લચ્છાની હોટલ'ના નામથી જ ઓળખતાં.
હું કામ અર્થે બજારમાં નિકળ્યો હતો. કોહિનૂર સિનેમા આગળ જ મારા મિત્ર ધીરજીનો ભેટો થઈ ગયો. ઘણા દિવસે મળ્યા હોઈ, ચા પીતાં પીતાં ગપાટા મારવાના મનસૂબા સાથે અમે લચ્છાજીની હોટલમાં પ્રવેશીને એક ટેબલ બોટી લીધું.
છોટુ આવીને પાણીનો જગ અને બે ચા મૂકી ગયો.
અમે ચાની ચૂસકીઓ લેતા વાતે વળગ્યા. ત્યાં તો હૂઈઈ હૂઈઈ હૂઈઈ કરતી પોલીસવાન નીકળી. કુતૂહલવશ છોટુ બહાર દોડી ગયો અને પગથિયા પર ઊભો રહીને, ત્યાંથી પસાર થતી પોલીસવાનને જોઈ રહ્યો.
એ જ વખતે બે બાઈક હોટલ આગળ આવીને ઊભી રહી. ચાર યુવકો મજાકમસ્તી કરતા હોટલમાં દાખલ થયા. અને ટેબલ પર બેસતાં પહેલાં જ છોટુ પર હૂકમોની ઝડીઓ વરસાવી દીધી.
એમના ઓર્ડર મુજબ ચા ટેબલ પર મૂકીને ખાલી ટ્રે ને હાથમાં સ્ટીયરીંગની માફક ઘૂમાવતો, મોંઢેથી હળવા અવાજે સાયરન વગાડતો છોટુ, અમારા ટેબલને કટ મારતો કાઉન્ટર તરફ આગળ વધી ગયો.
એની આગવી મસ્તીભરી આ હરકત જોઈને મને આનંદ થયો. 'વાહ..! શું તારી મોજ છે..! બાળક તો આમ નિરંતર મસ્તીમાં જ હોવું જોઈએ.' એમ વિચારતો હું એને જોઈ રહ્યો.
પરંતુ બીજી જ ક્ષણે, સતત કંઈક ને કંઈ નિરીક્ષણ કરતા રહેવાની માટી ટેવ સક્રિય થઈ ગઈ. ધીરજી સાથે વાતો કરતાં કરતાં મેં છોટુનો ચહેરો, હાવભાવ વગેરે વાંચવાનો પ્રયત્ન કર્યો.
દસેક વર્ષનો માસૂમ એ બાળક. સાવ ભોળપણ ભરેલો, નિર્દોષ ચહેરો, હોટલની બહાર થતી ચહલપહલને સતત નિહાળવા મથતી તેની ચંચળ આંખો, હોટલની કોઈપણ વસ્તુ સાથે સહજતાથી જ રમતે વળી જતા તેના કોમળ હાથ, હરઘડી ઘર તરફ દોટ મૂકવા મથી રહેતા તેના પગ, લાચારીને દબાવી રાખવા મથતો તેનો મૃદુ અવાજ, મરજીમુજબની ઉછળકૂદ અને ધીંગામસ્તીને પોતાનામાં જ સમાવીને, પરાણે હોટલમાં ફરજ બજાવતું તેનું શરીર.. અને... અને... એવું ઘણું બધું... અઢળક... પારાવાર... અસીમ... અગોચર... એટલું બધું કે ત્યાં સુધી મારા વિચારો પણ પહોંચી શકે એમ નહોતા.
"ચા ના પૈસા લઈ લેજે લ્યા.. હું કારખોનામોં ચા આલીને આઉં છું.." કહીને લચ્છાજી કીટલી લઈને બાજુના શોપિંગસેન્ટરમાં ઉપડી ગયા.
મેં છોટુને સાદ દઈને મારી પાસે બોલાવ્યો. પૂછ્યું, "તું અહીંનો જ છે છોટુ..?"
"ના.. હોંસાપુરનો..!" એટલો ટૂંકો જવાબ આપીને તે બહાર રસ્તા પર તાકી રહ્યો.
એના અવાજમાં જવાબદારીનો બોજ અને રમવાની ઉંમરમાં કરવી પડતી મજૂરીની લાચારી ડોકાતી હતી.
મેં એને વધારે પૂછતાં તેની હકીકત જાણવા મળી તે આ મુજબ હતી:
પાટણ શહેરથી ત્રણેક કિલોમીટરના અંતરે આવેલું, ખોબા જેવડું હાંસાપુર ગામ. એ ગામમાં અત્યંત કંગાળ પરિસ્થિતિમાં જીવતો એક નાનકડો પરિવાર. ટૂંકી બિમારીમાં બાપનું મૃત્યુ, અસ્થમાના રોગથી પીડાતી માતા, પાંચેક વર્ષની અપંગ બહેન અને નાની ઉંમરમાં કુટુંબની જવાબદારી ઉઠાવતો છોટુ.
નામ તો એનું કર્તવ્ય હતું. પરંતુ ગામમાં તેને સૌ 'કતલો' કહીને બોલાવતાં. અને હોટલમાં નોકરીએ લાગ્યા પછી તે 'છોટુ'ના નામથી જાણીતો બની ગયો. સવારે સાડા છ વાગે આવી જવાનું. દિવસભર ચા ના ઑર્ડર, કચરાં-પોતાં, વાસણની સફાઈ, ગ્રાહકોના તું'કારા અને શેઠની કચકચને અંતે માંડ સાંજના સાત વાગે એનો છૂટકારો થતો. અને પગાર માત્ર એક હજાર રૂપિયા.
ગામના છેવાડે, ભાંગ્યા-તૂટ્યા, એક કૂબામાં, નાનકડી બહેનને ભગવાન ભરોસે મૂકીને, એની માતા આજુબાજુમાં ઘરકામ કરીને, મહિને હજારેક રૂપિયા લાવતી. આ બે હજાર રૂપરડીમાં તાણીતૂંસીને માંડ એમનું ગાડું ગબડતું હતું.
"હેં છોટુ.. ભણવા જવું નથી ગમતું તને..?" શિક્ષક હોવાથી અનાયાસે જ મારા મોંઢેથી સવાલ નીકળી ગયો.
"ગમે સે ને સાયેબ.. પણ માં નહીં જવા દેતી..!" અમારા ખાલી કપ ઉઠાવતાં તેણે જવાબ આપ્યો.
એના ટૂંકા ઉત્તરમાં ભણવાની ઉત્સુકતા, માતાની આજ્ઞાનું પાલન, પિતાના અભાવનું દર્દ, કુટુંબ પ્રત્યેનો પ્રેમ વગેરે ઘણું ઘણું છતું થઈ ગયું.
ત્યાં તો બાજુના ટેબલ પરથી એક કૉલેજીયનનો ઑર્ડર છૂટ્યો, "એય બબૂચક.. ખારીનું પેકેટ લાવ લ્યા... બીજી બે ચા પણ લેતો આવજે.. જલ્દી લ્યા.."
છોટુએ ખુરશી પર ચડીને, લોખંડના ઘોડામાંથી ખારીનું પેકેટ ઉતારીને આપ્યું. નાના ટેબલ પર ચડીને પ્રાઈમસ પર મૂકેલી કીટલી લીધી. જાતે જ કપમાં ચા કાઢવાના ઉત્સાહમાં અને ઉતાવળમાં ટેબલ પરથી તેનો પગ લપસ્યો. કીટલી હાથમાંથી મૂકાઇ ગઈ. અને ચા જાણે હવા ખાવાના મૂડમાં હોય તેમ, કીટલીમાંંથી નીકળીને ભોંયતળિયે પોતાના સ્વરૂપને વિસ્તારવા લાગી.
"ઓંધળા.. આ હૂં કર્યું લ્યા..? હાથ ભાગી જ્યા છ તારા..? બઉ ડોડડાયું થવાનું તન કૂને કીધું'તું લ્યા..? હારા ડફોર..." ચા આપીને આવી પહોંચેલા લચ્છાજીએ સરપાવ આપતાં છોટુને બે અડબોથ મારી દીધી.
"અરે અરે.. આ શું કરો છો ભલાઆદમી..?" મેં વચમાં પડીને છોટુનો બચાવ કરતાં કહ્યું. "છોકરું છે બાપડું.. એને મારવાથી હવે ઢળ્યું નાઢળ્યું થોડું થવાનું હતું..?"
"અલ્યા સાયેબ.. ઓને તો આ રોજનું વરદોન છ.." લચ્છાજી ઉકળાટ કાઢતાં બોલ્યા, "દાડામોં એકવાર ભજવાડ ના કર ન, ત્યોં હૂંદી ઓંન ચેન નહીં પડતું સાયેબ... એક નમ્બરનો નઠોર છ આ તો.. તમે ઓંન ઓળખતા નહીં હજી.. હોવ..!"
"આ ઝૂંપડપટ્ટીયા તો બની ગયેલા જ હોય લા.." એક કૉલેજીયન બળતામાં ઘી હોમતાં બોલ્યો.
"છાંટા ઉડાડીને મારા પેન્ટની આ દશા કરી જોજે લ્યા... હું જ ઊભો થઈને એક આપી દઉં કાનપટ્ટીની એવું થાય છે..." બીજાએ મોં બગાડતાં કહ્યું.
લચ્છાજી વધારે ખિજાયા. પરંતુ પરિસ્થિતિ વધુ વણસે એ પહેલાં, "હશે હવે.. જવા દો ને બિચારાને..!" કહીને મેં મામલો માંડ શાંત પડાવ્યો.
આંખમાં આવેલાં ઝળઝળિયાંને લૂછતો છોટુ, કોઈનાયે હૂકમ વગર પોતું લઈને ઢોળાયેલી ચા સાફ કરવા મંડી પડ્યો. સાફસફાઈ થઈ ગઈ કે તરત જ લચ્છાજીના હૂકમ પ્રમાણે તે કીટલી લઈને સામેના પાનના ગલ્લે ચા આપવા નીકળી ગયો.
એની ભારે ચાલ મારા હૈયા પર વજન મૂકતી ગઈ. ચા ના પૈસા ચૂકવીને હું અને ધીરજ પણ છોટુની વાતો કરતા ત્યાંથી નીકળી ગયા.
* * *
દિવસભર છોટુ મારા મન-હૈયામાંથી ખસ્યો જ નહીં. લચ્છાજીની અડબોથથી ગભરાઈ ગયેલો એનો ચહેરો, ફરિયાદ કરવા માટે કોઈ આપ્તજનને શોધતી તેની આંખો, પળવારમાં જ બધું દુ:ખ વિસારી દઈને પોતાના કર્તવ્યમાં લાગી જવાની ઉતાવળ અને હોટલ બહાર ચા આપવા જતાં, ખૂલ્લી હવામાં ખિલી ઉઠેલી તેની બાળસહજ ચંચળતા... આ બધી બાબતોએ મારા હૈયાને વલોવી નાંખ્યું હતું.
સાંજે કોઈક કામથી હું બજારમાં નીકળ્યો. ત્યાં રેલ્વે સ્ટેશનની સામે જ, સાયકલ લઈને જતા છોટુનો ભેટો થઈ ગયો.
મેં સાદ દઈને તેને ઊભો રાખતાં અમસ્તું જ પૂછ્યું, "કેમ છે છોટુ..? આ થેલીમાં શું લીધું..?"
"આ..? મારી બૂન ઓલે કેળાં લીધાં... અન માં ની દવા સે સાયેબ.." એના અવાજમાં એક અનેરો ઉત્સાહ વર્તાતો હતો.
હોટલમાં જોયેલા છોટુ કરતાં અત્યારનો છોટુ મને સાવ અલગ જ લાગ્યો. ચમકતો અને હસતો ચહેરો, શરીરમાં ઉત્સાહ, રણકીલો અવાજ, શેઠની ગુલામીમાંથી રાત્રી પૂરતું મુક્ત થયેલું મન અને ખૂલ્લી દુનિયાની હવામાં ચેનથી શ્વાસ લેવાનો અહેસાસ... ખરો છોટુ તો આ જ હતો.
તેની આ છબી મને ખૂબ જ ગમી. મેં તરત જ મનોમન એક નિશ્ચય કરી લીધો. અને વધારે વાતો ન કરતાં, બાજુની લારીમાંથી પાંચેક કિલો જેટલાં વિવિધ ફળ લઈને છોટુને આપ્યાં.
પહેલાં આનાકાની, પછી મારા આગ્રહને વશ થઈને તેણે ફળ સ્વીકાર્યાં. અને "હવ મું જઉં હોં સાયેબ..!" કહીને, મોંઢેથી પોલીસની સાયરન વગાડતો, નાનકડી સાયકલ પર સવાર થઈને ત્યાંથી નીકળી ગયો.
એનામાં ખિલી ઉઠેલા સાચા બાળકને જોઈને, મનોમન હરખાતો હું, એને જતો જોઈ જ રહ્યો.
********
એક અઠવાડિયાની મથામણને અંતે છોટુના નસીબ આડેથી પાંદડું હટ્યું. જરૂરી પ્રક્રિયાને અંતે એક સંસ્થાએ છોટુના પરિવારની તમામ જવાબદારી સ્વીકારી લીધી.
છોટુને નાનકડું છતાં પાકું ઘર મળ્યું. માં માટે સારા ઈલાજની વ્યવસ્થા થઈ ગઈ. નાનકડી બહેનને વિકલાંગોની સંસ્થામાં અને છોટુને એક સારી સ્કૂલમાં એડમીશન મળ્યું.
અકાળે અને પરાણે બજાવવા પડતા 'કર્તવ્ય'માંથી મુક્ત થયેલા અને દરરોજ મારા ઘર આગળથી જ શાળાએ જતા એ ચંચળ છોટુને, હરખનું એક આંસું વહાવીને મારી આંખો થોડીવાર માટે તેને જોઈ જ રહે છે.
(કાલ્પનિક)
************
-"નિસર્ગ" 🍁🍁🍁