Negative to positive books and stories free download online pdf in Gujarati

નેગેટિવ ટુ પોઝિટિવ






' નિજ ' રચિત એક સુંદર વાર્તા

નેગેટિવ ટુ પોઝિટિવ

સમ્યક પેન હાથમાં લઈ વિચારી રહ્યો હતો, સામે સફેદ કોરો કાગળ હતો, માથા પર ફેન ફરરર એકધારી ગતિએ ફરી રહ્યો હતો, ચકો ચકી બારીના કાચ પર ટક ટક કરી રહ્યા હતા, પણ સમ્યક એના પોતાના વિચારો માં ખોવાઈ ગયો હતો,...
સમ્યક એક વાર્તા લેખક, ખાસ કરીને હાસ્યરચનામાં એની હથોટી હતી , પણ કોઈ કોઈ વખત લઘુકથા પણ લખી કાઢતો.
આજે એને બહુ મન થયું એક લઘુકથા લખવામાં, પણ વિષય મળતો ન હતો, ત્રણ કલાક થી વધારે વખત થયો રૂમ માં બેઠે બેઠે, પણ કોઈ નવો વિચાર એને આવ્યો જ નહીં, ત્રણ કલાકમાંથી દસ વખત તો એણે રૂમમાં આંટાફેરા માર્યા, પત્ની પિયર ગઈ હતી એટલે એ ફક્કડરામે ત્રણ વખત જાતે ચા બનાવી ને પી લીધી, બારી ઉઘાડી ને વારે વારે બહાર ડોકિયા કાઢતો, જાણે બહાર કોઈ વિષય છુપાયેલો હોય.
સાંજ પડી , સમ્યક કંટાળી ને નીચે ગાર્ડન માં બાકડે બેસવા આવ્યો. જાહેર ગાર્ડન હતો. ભીડ બહુ જ હતી, પણ એને જોઈતી જગ્યા મળી ગઈ, ' હાશ હવે કંઇક નવું સુઝશે ', એણે વિચારો ચાલુ કર્યા.
' ઓ ભાભી, ઓ કરુણા ભાભી, આ બાજુ આવો, બેસો બેસો,હું સમ્યક , ભાભી ભૂલી ગયા?, ઘણા વર્ષે મળ્યા ભાભી આપણે, ક્યાં છો? કોઈ કોન્ટેક્ટ જ નથી, અને મારો મિત્ર ચિરાયુ શું કરે છે? ક્યાં છે?કઈ કંપની માં છે?'.........
સમ્યકે પ્રશ્નો ની ઝડી વરસાવી દીધી, અને પ્રશ્નાર્થ નજરે સામે જોતો રહ્યો.
બહુ વરસે સમ્યક મળ્યો એટલે એકદમ જ કરુણા ભાવુક થઈ ને રડવા માંડી:
' સમ્યકભાઈ તમે તો જાણે ખોવાઈ જ ગયા, તમારો કોન્ટેક્ટ કરવાનો બહુ પ્રયત્ન કર્યો પણ થયો જ નહીં. એમણે પણ છેલ્લે છેલ્લે બહુ ટ્રાય કર્યો પણ તમારો નંબર એમને મળ્યો જ નહીં.'
' શું ભાભી, શું ? છેલ્લે છેલ્લે એટલે?'
' ચિરાયુ હવે આ દુનિયા માં રહ્યા જ નથી, કોરોના ની બીજી લહેર વખતે જ એ ધામ માં જતા રહ્યા.'
' ઓહ, ઓહ. '
' હા સમ્યકભાઈ, એમને તમારી યાદ પણ બહુ આવતી હતી .'
' સોરી ભાભી, મારો પણ વાંક તો કહેવાય જ ને, મારે જ કોન્ટેક્ટ કરવા જેવો હતો, આ તો અફસોસ રહી ગયો ભાભી,'
બે મિનિટ શાંતિ રહી.
' ભાભી , હવે તમારો પુત્ર તો મોટો થઈ ગયો હશે ને? ને ભાભી તમારું જીવન નિર્વાહ? તમારા ને ચિરાયુના તો લવ મેરેજ હતા ને તો પછી બન્ને ફેમીલી એ તમને સ્વીકારી લીધા કે નઈ ?'..
ફરીથી સમ્યકે પ્રશ્નોની ઝડી વરસાવી.
' ના સમ્યકભાઈ, બન્ને ફેમીલીમાંથી કોઈએ જ બોલાવ્યા નથી અને હવે તો જરાય બોલાવતા જ નથી . તમારા મિત્ર થોડા ઘણા રૂપિયા મૂકીને ગયા છે , થોડા વિમાના રૂપિયા આવેલા છે અને ફ્લેટ તો ક્યારનોય છૂટો કરી દીધેલો , થોડી ઘણી ઘટ પડે પણ હું ચાર ઘરે ભોજન બનાવવા જાઉં છું, એટલે ગાડું ચાલ્યા કરે છે. '
' ઓહ, અને તમારો પુત્ર?'
' મારો પુત્ર ચિરાગ ખડગપુર IIT માં પહેલા વર્ષ માં છે .'
' શું વાત છે ભાભી,સુપર્બ , તમારી મહેનત રંગ લાવી .'
' બસ સમ્યક ભાઈ, હું જાઉં હવે, મળીને આનંદ થયો '
' ઓકે ભાભી, કંઈ પણ કામ હોય તો કહેજો,'
સમ્યકનો મૂડ ફ્રેશ થઈ ગયો. મનોમન બોલ્યો :
' ચાલો આજે એક નવી શરૂઆતી કરુણ પણ પાછળથી પોઝિટિવ સ્ટોરી મળી જ ગઈ.'
અને ફટાફટ કાગળ લઈ શબ્દોથી રંગોળી પૂરવા માંડ્યો....
.
.
જતીન ભટ્ટ ' નિજ'
94268 61995

બીજા રસપ્રદ વિકલ્પો