સંભાવના - ભાગ 8 Aarti Garval દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સંભાવના - ભાગ 8

બપોર હવે ધીમે ધીમે સાંજમાં ઢળી રહી હતી. ઊંચા ઊંચા ઝાડની પેલે પાર સુરજ આથમ તો દેખાઈ રહ્યો હતો. ધીમે ધીમે તિમિર નો અવાજ વધી રહ્યો હતો. કાલની એ મનહુશ રાત ફરી શરૂ થવાના અણસાર આપી રહી હતી. સૌથી પહેલા શ્રેયસ તેના પછી રાધિકા અને હવે જશોદાબેન ત્રણે આ ગુમનામ જંગલમાં ગાયબ થઈ ગયા હતા. કાવ્યા સતત રડી રહી હતી તેના મમ્મી પપ્પાને યાદ કરીને. યશવર્ધનભાઈ તેને ચુપ કરાવાની બહુ કોશિશ કરી રહ્યા હતા પરંતુ હવે આ વાત અને સમય બંને હાથમાંથી નીકળી ચૂક્યા હતા. નાનકડી કાવ્યા ને આ ઘનઘોર જંગલમાં લઈને જવું તો પણ ક્યાં? સમય આ પરિવાર સાથે કોઈ વિચિત્ર રમત રમી રહ્યો હતો જાણે...

"આવા સાંજના સમયે અહીં થી બહાર જવું ઠીક રહેશે કે નહીં? અને કંઈ થઈ ગયું તો? મારી નાનકડી ઢીંગલી ડરી ગઈ તો?"- યશવર્ધનભાઈ મનમાં વિચારે છે.


વિચારોના વંટોળ સાથે આખરે યશવર્ધનભાઈ ગાડીની બહાર નીકળે છે અને કાવ્યા ને પોતાના ખોળામાં ઉચકે છે.યશવર્ધનભાઈએ ચારે તરફ નજર નાખી. આ ઘનઘોર જંગલ કોઈ ભૂખી ડાકણની માફક તેમની સામે જોઈ રહ્યું હતું.યશવર્ધનભાઈ પણ જે રસ્તે જંગલમાં પ્રવેશ કર્યો હતો તે જ દિશામાં આગળ વધવાનું નક્કી કરે છે.

યશવર્ધનભાઈ ગાડી ની ડીકી માંથી એક નાની બેગ બહાર કાઢે છે તેમાં થેપલાનો ડબ્બો થોડા બિસ્કીટના પેકેટ અને પાણીની બોટલ નાખીને બેગની ચેન બંધ કરે છે.

જેમ જેમ સાંજનો સમય વીતી રહ્યો છે તેમ તેમ એ જ વાદળ આચ્છાદિત ધુમ્મસ ફરીથી આખા જંગલને ઘેરી લે છે.

યશવર્ધનભાઈ તેઓ જે દિશામાંથી અહીં પ્રવેશ્યા હતા તે દિશામાં આગળ વધે છે.

ધીમે ધીમે....
લાચાર અવાજે...
મદદની બૂમ પાડતા પડતા....
પોતાના પરિવારના સભ્યોને શોધવા નીકળે છે.....
એ પણ એક નાનકડી ઢીંગલીને ખોળામાં ઊંચકીને....

ધુમ્મસને જોઈને કાવ્યા ડરી રહી હતી પરંતુ નાનકડી ઢીંગલી પણ આ વાત સમજી ગઈ હતી કે તેઓ કંઈક મુસીબતમાં ફસાઈ ગયા છે.

" દાદુ તમે મને નીચે ઉતારી દો હું તમારી સાથે ચાલીશ"- દાદુ ને થાકેલા જોઈને નાનકડી કાવ્યા એ કહ્યું

" પણ બેટા તું થાકી જઈશ"- યશવર્ધનભાઈએ કહ્યું

"હું નહીં થાકુ દાદુ. મેં હમણાં જ મમ્મીના બનાવેલા હેલ્ધી હેલ્ધી થેપલા ખાધા છે ને એટલે હું બહુ સ્ટ્રોંગ થઈ ગઈ છું. તમે મને નીચે ઉતારો હું તમારી સાથે ચાલીશ."-કાવ્યા એ કહ્યું

આટલી નાનકડી છોકરી માં આવી સમજ જોઈને યશોવર્ધનભાઈ ની આંખોમાં આંસુ આવી ગયા તેમણે કાવ્યા ને નીચે ઉતારી અને તેની નાનકડી આંગળી પકડીને તેઓ આગળની તરફ વધે છે

એક કલાક....

બે કલાક.....

સતત ચાલ્યા બાદ તેઓ પહોંચે છે ફરી પોતાની ગાડી પાસે જ.....

યશવર્ધનભાઈ આશ્ચર્યમાં મુકાઈ જાય છે. જશોદાબેન એ જતી વખતે તેમને કહ્યું હતું કે તેઓ ફરી ફરીને આપણી ગાડી બાજુ જ આવી જાય છે. એટલે હવે તેઓ વાત સમજી ગયા કે આ જંગલમાંથી બહાર નીકળવાનો કોઈ રસ્તો જ નથી. તેઓ ગમે તેટલું ચાલશે ફરીને છેલ્લે અહીં જ આવીને ઊભા રહેશે અને પરિવારના સભ્યો જે દિશામાં ગયા છે ત્યાં જશે તો કદાચ પરત ફરી ક્યારેય નહીં આવી શકે પરંતુ તેમની પાસે બીજો કોઈ રસ્તો પણ ન હતો.


મન મક્કમ કરીને યશવર્ધનભાઈ તે જંગલની અંદર વાળા રસ્તા પર જવાનું નક્કી કરે છે.

દાદા ગાડી નો દરવાજો ખોલીને પોતાની દવાઓ બહાર નીકાળે છે અને તેમાંથી એક ગોળી લે છે.જેવો તે ગાડીનો દરવાજો બંધ કરે છે કે અચાનક ધુમ્મસ માં તેમને દેખાઈ રહ્યો હતો એક પડછાયો....



(કોણ હતું તે? કોનો હતો તે પડછાયો?)