શ્રેયસ અને રાધિકા બંને ગાયબ થઈ ચૂક્યા હતા. દૂર દૂર સુધી તેમના પરત ફરવાના કોઈ અણસાર નહોતા દેખાઈ રહ્યા. જશોદાબેન સમજી ગયા હતા કે તેઓ બહુ મોટી અણધારી આફતમાં ફસાઈ ચૂક્યા છે જ્યાંથી બહાર નીકળવું લગભગ અશક્ય લાગી રહ્યું હતું.
" સાંભળો તમે કાવ્યાનું ધ્યાન રાખો હું આગળ જોઈને આવું છું"- જશોદાબેન એ કહ્યું
"અરે ના ના તારે જવાની કોઈ જરૂર નથી તું કાવ્યાનું ધ્યાન રાખ હું જોઈને આવું છું"- યશવર્ધનભાઈ ભાઈ દરવાજો ખોલતા બોલ્યા
"તમે મારી વાત કેમ નથી સમજી રહ્યા? કાવ્યા તમારા વગર નહીં રહી શકે અને તમારી તબિયત પણ સારી નથી રહેતી મને જોવા જવા દો"- કહેતા જશોદાબેન ગાડીમાંથી નીચે ઉતરે છે
યશવર્ધનભાઈનું મન જશોદાબેન ને આમ એકલા જવા દેવા માટે સહેજ પણ રાજી ન હતું.
"દાદુ મમ્મી પપ્પા હજી આવ્યા નથી અને હવે તો બા પણ ક્યાંક જઈ રહ્યા છે. બધા ક્યાં જાય છે એક પછી એક??? દાદુ આ શું થઈ રહ્યું છે ???"-રડમસ સમાજમાં કાવ્યા બોલી
"કઈ નહિ મારી ઢીંગલી આવી જશે હમણાં.... ચાલ તને ભૂખ લાગી હશે ને થેપલા ખાઈશ..."- કહેતા યશવર્ધનભાઈ કાવ્યા ને ખોળામાં લઈને થેપલાનો ડબ્બો ખોલે છે.
જશોદાબેન ગાડીની બહાર ઉતરીને આજુબાજુ નજર નાખે છે.
"રાધિકાને શ્રેયસ બંને આ દિશા તરફ ગયા હતા પરંતુ ત્યાંથી હજી પરત નથી ફર્યા. એટલે મારે મદદ માટે એ જ રસ્તે જવું જોઈએ જ્યાંથી અમે આવ્યા હતા ત્યાં કદાચ કોઈ મદદ મળી જાય તો મારા દીકરા-દીકરીને શોધવામાં સરળતા રહેશે"- આવું વિચારીને જશોદાબેન તેઓ જે રસ્તે આવ્યા હતા તે રસ્તા તરફ આગળ વધે છે.
યશવર્ધનભાઈ નાનકડી કાવ્યાને પોતાના હાથથી ખવડાવતા લાચાર નજરોથી જશોદાબેન ને જતા જોઈ રહે છે.
સવારના પહોરમાં તો આ જંગલ અત્યંત સુંદર દેખાઈ રહ્યું હતું અને ચારે તરફની લીલોતરી તો જાણે જંગલની સુંદરતામાં ચાર ચાંદ લગાવી રહી હતી. જશોદાબેન ભગવાનનું નામ લેતા લેતા મદદ માટે આગળ અને આગળ વધતા જાય છે....
તે ચાલી રહ્યા છે.....
સતત....
લગાતાર ચાલી રહ્યા છે......
એક કલાક.....
બે કલાક.....
અને ફરી તેઓ આવીને થોભી જાય છે તેમની ગાડી પાસે જ.......
" અરે આ શું થઈ રહ્યું છે. હું અહીંથી તો આગળ જ ચાલી છુ સીધી સીધી તો ફરી અહીં ગાડી પાસે કેવી રીતે આવીને ઉભી રહી ગઈ??? આટલો બધો સમય આટલું બધું ચાલ્યા બાદ પણ અહીં આવીને..... આ શું થઈ રહ્યું છે????"-જશોદાબેન મનમાં જ વિચારે છે.
યશવર્ધનભાઈ કાવ્યા અને ખોળામાં લઈને આંખો બંધ કરીને ગાડીમાં બેઠા હતા. તેમના ઉપર નજર નાખીને જશોદાબેન ફરી આગળની તરફ વધે છે.
તેઓ ફરીથી જે દિશામાંથી આવ્યા હતા ત્યાં ચાલવાનું શરૂ કરે છે. લગાતાર....
તે ચાલે છે.....
એક કલાક.....
બે કલાક.....અને ફરી ફરીને તે એક ગાડી પાસે જ આવીને ઊભા રહી જાય છે.
" હે ભગવાન અમારી મદદ કરો. આ કેવી ભૂલ-ભૂલામણીમાં અમે ફસાઈ ગયા છે.આટલું બધું ચાલ્યા બાદ પણ હું અહીં જ આવીને અટકું છું. હું આ જંગલમાંથી બહાર કેમ નથી નીકળી રહી???"
" સાંભળો જંગલની બહાર જવા માટે આપણે જે રસ્તા પર આવ્યા હતા ત્યાં જવાનો મેં પ્રયાસ કર્યો પરંતુ હું ફરી ફરીને અહીં જ આવી ગઈ છું. હવે શ્રેયસ અને રાધિકા જે દિશામાં ગયા હતા હું એ દિશા તરફ થઈ રહી છું તમે તમારું અને કાવ્યા નું ધ્યાન રાખજો."-ગાડી પાસે આવીને જશોદાબેન ને કહ્યું
"જશોદા તું એકલી ના જઈશ આપણે ત્રણેય સાથે જઈએ. આપણે સાથે રહીશું તો એમને શોધવામાં સરળતા રહેશે."-યશવર્ધનભાઈએ જવાબ આપ્યો
" હા હું એ વાત જાણું છું પણ આપણે કાવ્યાને અહીં લઈને નથી જઈ શકતા. અને હવે તો બપોર પણ થઈ ગઈ છે આવા તાપમાં.... તમે મારી વાત સમજો અને તમે અહીં રહીને એનું ધ્યાન રાખો હું આવું છું"-કહેતા જશોદાબેન રાધિકાને શ્રેયસ જે દિશામાં ગયા હતા તે તરફ આગળ વધે છે.
યશવર્ધનભાઈ જશોદાબેન ને જતા જોઈ રહે છે.....
( શું જશોદાબેન પાછા વળશે કે તે પણ રાધિકા અને શ્રેયસ ની જેમ થઈ જશે ગાયબ???)