સાજીશ - 12 - છેલ્લો ભાગ Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 12 - છેલ્લો ભાગ

૧૨. સાજીશનો સૂત્રધાર... !

નાગપાલ ખુશખુશાલ  ચહેરે પોતાની ચેમ્બરમાં બેઠો હતો. ‘પુત્તર... !’ એણે પોતાની સામે બેઠેલા દિલીપ સામે જોતાં પ્રસન્ન અવાજે કહ્યું, ‘તેં ખરેખર એક અદ્ભુત સફળતા મેળવી છે... ! આ જો... આજનાં તમામ અખબારો તારાં જ વખાણથી ભરેલાં છે. તારે કારણે આજે ફરીથી એક વાર સમગ્ર ડિપાર્ટમેન્ટની પ્રતિષ્ઠામાં ચાર ચાંદ લાગી ગયા છે.' કહીને એણે દિલીપની સામે ટેબલ પર જુદાં જુદાં અખબારો ગોઠવી દીધાં.

બધાં અખબારોનાં પહેલાં જ પાનાં પર દિલીપના ફોટા સહિત એણે ઉકેલેલા કેસની વિગતો છપાઈ હતી.

‘થેંક યૂ અંકલ... !' દિલીપ અખબારો પર ઊડતી નજર ફેંકતાં બોલ્યો.

‘એટલું જ નહીં... !’ નાગપાલે પૂર્વવત્ અવાજે કહ્યું, ‘સોમચંદની સજાના અમલની તારીખ પણ નક્કી થઈ ગઈ છે. ૨૫મી મેના રોજ બપોરે બરાબર બાર વાગ્યે તેને ફાંસીના માંચડે લટકાવી દેવાશે... !'

‘૨૫મીના દિવસે… ?'

‘હા, પુત્તર... !’

દિલીપ ચૂપ રહ્યો. કોણ જાણે કેમ એના ચહેરા પર ગમગીની ફરી વળી હતી.

‘શું વાત છે દિલીપ... ?’ નાગપાલની ચકોર નજરથી એના ચહેરા પર આવેલું પરિવર્તન છૂપું ન રહ્યું,

‘શું સોમચંદને સજા થવાથી તું ખુશ નથી...?’

'ના, એવી કોઈ વાત નથી, અંકલ... !'

‘તો શું વાત છે... ?’

'મારી તબિયત બરાબર નથી... ! દોડાદોડી કરીને હું થાકી ગયો છું અને થોડો આરામ કરવા માગું છું… !' વાત પૂરી કરીને દિલીપ ઊભો થઈ ગયો.

નાગપાલ એકીટશે એની સામે તાકી રહ્યો. દિલીપ પોતાનાથી કશુંક છુપાવે છે એવો ભાસ તેને થયો. પણ શું છુપાવે છે એ તે ન સમજી શક્યો.

*

તારીખ ૨૪મી મે.. ! રાતના ત્રણ વાગ્યા હતા.

દિલીપની આંખોમાં ઊંઘનું નામોનિશાન નહોતું. એ બેચેનીથી પોતાના બેડરૂમમાં સિગારેટ પર સિગારેટ ફૂંકતો આંટા મારતો હતો.

સામે ટેબલ પર પડેલી ઍશ-ટ્રે સિગારેટનાં ઠૂંઠાંથી છલોછલ ભરાઈ ગઈ હતી.

એણે પોતાની કાંડાઘડિયાળમાં સમય જોયો. સોમચંદની સજાના અમલમાં હવે માત્ર નવ કલાક બાકી રહ્યા હતા.

પછી અચાનક જ એણે આગળ વધીને ટેલિફોનનું રિસીવર ઊંચકીને એક નંબર ડાયલ કર્યો. સામે છેડે ઘંટડી રણકી ઊઠી.

‘હલ્લો...' થોડી પળો બાદ એક પિરિચત સ્ત્રીસ્વર એને સંભળાયો.

‘રજની, હું દિલીપ બોલું છું... !'

‘દિલીપ... તું... ? આટલી મોડી રાત્રે... ?' સામે છેડેથી ગુંજેલા રજનીના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો.

‘હા... હું થોડી મૂંઝવણમાં છું !'

‘શું મૂંઝવણ છે... ?’

'એ હું તને રૂબરૂમાં કહીશ... ! તું અત્યારે જ ધીરજને લઈને

'મારા ફ્લેટ પર આવી જા... !'

‘ઓ.કે...’ કહેતાંની સાથે જ સામે છેડેથી સંબંધ વિચ્છેદ થઈ ગયો.

દિલીપે પણ રિસીવર મૂકી દીધું.

બરાબર એક કલાક પછી ફ્લૅટના ડ્રૉઇંગરૂમમાં દિલીપ, રજની અને ધીરજ બેઠાં હતાં.

દિલીપ હજુ પણ વારંવાર સિગારેટ ફૂંકતો હતો. એના ચહેરા પર છવાયેલી વ્યાકુળતા સ્પષ્ટ રીતે દેખાઈ આવતી જ્યારે રજની તથા ધીરજના એરા પર અત્યારે જાણે પોતાની હતી.

સામે દિલીપ નહીં પણ સાક્ષાત્ તાજમહેલ ઊડી આવીને ગોઠવાઈ ગયો હોય એવા હાવભાવ છવાઈ ગયા હતા.

છેવટે રજનીથી પૂછ્યા વગર ન રહેવાયું.

‘તો તું એમ કહેવા માગે છે દિલીપ, કે જે સોમચંદને કાલે બપોરે બાર વાગ્યે ફાંસી થવાની છે તે નિર્દોષ છે... એણે અજિત મરચંટનું ખૂન નથી કર્યું ?'

'હા...' દિલીપે સિગારેટનો કસ ખેંચતાં ગંભીર અવાજે જવાબ આપ્યો, ‘હું એમ જ કહેવા માગું છું.'

‘પણ પુરાવાઓ...’

‘તું જે પુરાવાઓની વાત કરે છે એ પુરાવાઓએ જ મારા મગજમાં શંકા ઉત્પન્ન કરી છે કે સોમચંદ નિર્દોષ છે... !' ધીરજ નર્યા અચરજથી આંખો પટપટાવતો દિલીપ સામે જોતો હતો.

'કેવી રીતે... ? હું કંઈ સમજ્યો નહીં... !' એણે ઉત્સુક અવાજે કહ્યું

'‘સમજાવું છું... !' દિલીપ સિગારેટનો અંતિમ કસ ખેંચીને

તેના ઠૂંઠાને ઍશટ્રેમાં પધરાવતાં બોલ્યો, ‘જરા વિચારો... ! સૌથી પહેલાં તો અજિત મરચંટના ખૂન તરફ ધ્યાન આપો... ! સોમચંદે ચાલાકીપૂર્વક અજય સકસેનાની જ પદ્ધતિથી અજિત મરચંટને મોતને ઘાટ ઉતાર્યો... એણે અજય જેવી જ રિવૉલ્વર વડે ખુન કર્યું તથા મૃતદેહની બાજુમાં ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને  બાદશાહ – પણ મૂક્યાં અને અજિતનું ખૂન કરવાનો આરોપ અજયના માથા પર આવ્યો તથા તે ફાંસીના માંચડે પણ લટકી ગયો. જો ખરેખર આવું બન્યું હોય તો આના પરથી એક વાત દીવાની જેમ સ્પષ્ટ થઈ જાય છે અને તે એ કે સોમચંદ ખૂબ જ બુદ્ધિશાળી તથા અત્યંત ચાલાક છે... !'

‘હા, એ તો સ્પષ્ટ જ છે... !'

‘તો હવે તમે પોતે જ વિચારી જુઓ... ! સોમચંદ જેવો બુદ્ધિશાળી અને ચાલાક માણસ પોતાની વિરુદ્ધના પુરાવાઓ, પોતાનાં ઘર તથા ઑફિસમાં રાખે ખરો...? એણે તો અજિતને મોતને ઘાટ ઉતાર્યા બાદ તાબડતોબ આ બધા પુરાવાઓનો નાશ કરી નાખવો જોઈતો હતો... !'

દિલીપનો તર્ક સાંભળીને રજની તથા ધીરજ એકદમ ચમકી ગયાં.

‘તું... તું કહેવા શું માગે છે દિલીપ...?' રજનીએ પૂછ્યું.

‘હું એમ કહેવા માગું છું કે ક્યાંક કોઈક આપણને ભ્રમમાં રાખીને ડબલ ક્રોસ તો નથી કરતું ને...?'

‘તો વાસ્તવમાં અજિત મરચંટનું ખૂન કોઈક બીજાએ જ કર્યું છે અને તેના આરોપમાં સોમચંદને ફસાવવામાં આવ્યો છે, એમ તું કહેવા માગે છે... ?'

‘શું એવું ન બન્યું હોઈ શકે...?' જવાબ આપવાને બદલે દિલીપે સામો સવાલ કર્યો. રજની અને ધીરજ મોં વકાસીને એકબીજા સામે જોવા લાગ્યાં.

તેમનાં દિમાગ ચકરાવે ચડી ગયાં હતાં.

‘સાંભળો...’ દિલીપ ફરીથી બોલ્યો, ‘જે દિવસે કોર્ટમાં સોમચંદ વિરુદ્ધ પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા અને એણે બૂમો પાડી પાડીને પોતે નિર્દોષ હોવાનો કક્કો ઘૂંટ્યો ત્યારથી જ આ વાત મને ખૂંચે છે. પછી ત્રણ ત્રણ દિવસ સુધી રિમાન્ડ દરમિયાન અસહ્ય યાતનાઓ ભોગવ્યા પછી પણ સોમચંદે અજિત મરચંટના ખૂનનું કારણ ન જણાવ્યું ત્યારે મારા અચરજનો પાર ન રહ્યો. બાકી આટલી આટલી યાતનાઓ પછી તો કાળમીંઢ પથ્થર જેવું કલેજું ધરાવતો અઠંગ ગુનેગાર પણ સાચી હકીકત બકી નાખે છે... !

'તો સોમચંદે શા માટે સાચી હકીકત ન જણાવી...?' એટલા માટે કે એની પાસે જણાવવા માટે કોઈ હકીકત હતી જ નહીં... ! જો એણે અજિત મરચંટનું ખૂન કર્યું હોય તો એ કોઈ કારણ જણાવે ને ?’

રજની અને ધીરજ સ્તબ્ધ બની ગયાં.

કેસમાં ફરીથી એક વાર નાટકીય વળાંક આવ્યો હતો. નવાં નવાં અને ચમકાવી મૂકનારાં રહસ્યો ઉજાગર થતાં હતાં.

‘દિલીપ... !' છેવટે ધીરજ બોલ્યો, ‘તારા કહેવા મુજબ જો ખરેખર કોઈ આપણી સાથે રમત રમતું હોય... આપણને ભ્રમમાં રાખીને ડબલ ક્રોસ કરતું હોય, તો એ કોણ હોઈ શકે છે...?'

'થોડી ધીરજ રાખો... !' દિલીપે આરામથી કહ્યું, ‘એ શખ્સ પણ મારી નજરમાં આવી ગયો છે. થોડા કલાકોમાં જ દૂધનું દૂધ અને પાણીનું પાણી અલગ થઈ જશે... ! હવે તમે બંને ધ્યાનથી મારી વાત સાંભળો... !'

ત્યાર બાદ દિલીપ ધીમે ધીમે તેમને કશુંક સમજાવવા લાગ્યો.

સવારનો સમય હતો. સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરમાં માલાના રોષથી તમતમતા બરાડા ગુંજતા હતા.

'આ શું માંડ્યું છે...? મને શા માટે આ રીતે પકડીને અહીં લાવવામાં આવી છે...?'

તમને પકડી લાવવાનો હુકમ મિસ્ટર દિલીપનો છે, મૅડમ... !' ‘દ... દિલીપનો... ?’ માલાએ ચમકીને પૂછ્યું, ‘પણ મિસ્ટર દિલીપ આવું શા માટે કરે ?'

'આ સવાલનો જવાબ તમે એમને જ પૂછજો... !'

માલાને ઇન્ટરોગેશન રૂમમાં ખુરશી પર બેસાડીને તેના હાથ-પગ બાંધી દેવાયા.

એ જ વખતે દિલીપ, રજની, અને નાગપાલ પણ ત્યાં આવી પહોંચ્યાં.

તેમના આગમનની સાથે જ બાકીના એજન્ટો ત્યાંથી ચાલ્યા ગયા.

‘મિસ્ટર દિલીપ... !’ માલાએ કર્કશ અવાજે પૂછ્યું, ‘આ શું માંડ્યું છે...? મને શા માટે પકડવામાં આવી છે...?' દિલીપે આરામથી એક સિગારેટ પેટાવીને ઉપરાઉપરી બે-ત્રણ કસ ખેંચ્યા.

અત્યારે એનો ચહેરો બેહદ ગંભીર હતો.

‘શું આ સવાલનો જવાબ પણ હવે મારે જ આપવો પડશે...?' એના અવાજનો બદલાયેલો ટોન પારખીને માલા એકદમ ચમકી ગઈ.

‘એટલે... ? હું કંઈ સમજી નહીં, મિસ્ટર દિલીપ... !' એણે મૂંઝવણભર્યા અવાજે કહ્યું.

‘હું પણ તને તથા તારી યોજનાને સમજવા માગું છું, માલા !' દિલીપ સિગારેટનો કસ ખેંચ્યા બાદ એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલ્યો, ‘તેં શા માટે અમારી સાથે આટલી મોટી ૨મત રમી

‘૨... રમત... ?'

‘હા, રમત... !' દિલીપ પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘સોમચંદે અજિત મરચંટનું ખૂન નથી કર્યું પરંતુ તેમ છતાંય અમને એની વિરુદ્ધ કેવી રીતે એક પછી એક પુરાવાઓ મળતા ગયા...? સોમચંદ નિર્દોષ હતો તો પછી શા માટે એની વિરુદ્ધ અમને પુરાવાઓ મળ્યા…? બોલ, જવાબ આપ... !'

માલા વ્યાકુળ બની ગઈ.

એના કપાળ પરથી પરસેવાની ધાર નીતરવા લાગી.

‘જવાબ આપ, માલા... !' દિલીપનો અવાજ એકદમ કઠોર થઈ ગયો, ‘બોલ... કોણ અમને ડબલ ક્રોસ કરતું હતું...? એક નિર્દોષ માણસને ખૂનના આરોપમાં લપેટવાનો દાવ તું નહોતી રમતી...?'

‘મ... મેં એવું કશુંય નથી કર્યું …!' માલાએ પોતાના સુકાયેલા હોઠ પર જીભ ફેરવી.

‘તું ખોટું બોલે છે... ! હળાહળ ખોટું... !' કહેતાં કહેતાં કાળઝાળ રોષથી દિલીપનો એરો તમતમી ઊઠ્યો, ‘સાચી વાત તો એ છે કે તું શરૂઆતથી માંડીને અત્યાર સુધી ચાલબાજી જ રમી છે... ! તારી મારફત ભરવામાં આવેલું એક એક ડગલું કાયદાને અંધારામાં રાખવાનું અને અમને અવળે માર્ગે દોરવા માટેનું જ હતું... !' ‘આ... આ ખોટી વાત છે !' માલાના અવાજમાં વિરોધનો સૂર હતો. આ ખોટી નહીં પણ સાચી જ વાત છે... !'

એ જ વખતે ધીરજની નજર દીવાલ પર લટકતી ઘડિયાળ પર પડી.

ઘડિયાળમાં બાર વાગવામાં એકાદ-બે મિનિટની જ વાર હતી.

નાગપાલ ચૂપચાપ પાઇપના કસ ખેંચતો બધો તાલે જોતો હતો.

‘દિલીપ... !' ધીરજ ઉતાવળા અવાજે બોલ્યો, બાર વાગ્યાની તૈયારીમાં છે. માલાને તો આપણે પછી નિરાંતે પણ પૂછપરછ કરી શકીશું. સૌથી પહેલાં તો આપણે સોમચંદની ફાંસી અટકાવવી જોઈએ... ! જો એક નિર્દોષ માણસ ફાંસીના માંચડે લટકી જશે તો પછી આ પૂછપરછનો કોઈ અર્થ નહીં રહે... |

'ધીરજ સાચું કહે છે, દિલીપ !' રજની ધીરજની વાતને સમર્થન આપતાં બોલી, ‘સૌથી પહેલાં આપણે આ જ પગલું ભરવું જોઈએ... !’

'ઓ.કે... જેલમાં ફોન કરી દે...!'

ઇન્ટરોગેશન રૂમના ખૂણામાં જ એક ફોન પડ્યો હતો. રજનીએ આગળ વધી રિસીવર ઊંચકીને કોઈક નંબર ડાયલ કર્યો.ત્યાર બાદ તે ફોન પર સોમચંદની ફાંસી અટકાવવા બાબત વાતચીત કરવા લાગી. પછી વાત કરતાં કરતાં અચાનક જ એના ચહેરાનો રંગ ઊંડી ગયો. એના હાથમાંથી રિસીવર છટકીને ઝૂલવા લાગ્યું .

એણે હતાશ ચહેરે ઝૂલતું રિસીવર ઊંચકીને ક્રેડલ પર ગોઠવ્યું અને પછી દિલીપ સામે જોયું.

‘શું વાત છે, રજની…?' દિલીપે પૂછ્યું, ‘તારો ચહેરો ઊતરી શા માટે ગયો... ?'

‘સૉરી દિલીપ... !' રજનીના અવાજમાંથી દુનિયાભરની નિરાશા નીતરતી હતી, આપણે મોડાં પડ્યાં.. !'

'કેમ... ?'

થોડી પળો પહેલાં જ સોમચંદની સજાનો અમલ થઈ ગયો છે... ! એને ફાંસીના માંચડે લટકાવી દેવામાં આવ્યો છે... ! હી ઇઝ નો મોર... ! એ મૃત્યુ પામ્યો છે... !'

‘ઓહ, શિ..ટ. !' દિલીપે રોષભેર ડાબા હાથની હથેળી પર જમણા હાથની મુઠ્ઠી પછાડી...જ્યારે રજનીની વાત સાંભળતા જ અચાનક માલા ખડખડાટ હસી પડી. એનું હાસ્ય ચૂડેલ જેવું હતું.

'શું વાત છે માલા ?'

દિલીપે પૂછ્યું, ‘તું હસે છે શા માટે... ?'

‘મિસ્ટર દિલીપ... !' હસવાનું બંધ કરીને માલાએ કહ્યું, ‘તમારા કાયદાએ સોમચંદને ફાંસીના માંચડે લટકાવ્યો છે એમ શું તમે માનો છો...?’

'કેમ... ? તેં હમણાં સાંભળ્યું તો ખરું કે સોમચંદને ફાંસી આપી દેવામાં આવી છે... !'

‘ના, મિસ્ટર દિલીપ... ! તમારી નજરે ભલે એ ફાંસી હોય પણ મારી નજરે ખૂન છે... ! સોમચંદનું ખૂન થયું છે. સમજ્યા..?'

માલાના આ શબ્દો ઇન્ટરોગેશન રૂમમાં મોજૂદ સૌ કોઈને બૉંબવિસ્ફોટ જેવા ભીષણ લાગ્યા.

'આ... આ તું શું કહે છે...?' દિલીપે હેબતાઈને પૂછ્યું,

'સોમચંદનું ખૂન કોણે કર્યું... ?

અજય સકસેનાએ... !' માલાના અવાજમાંથી અપાર આનંદ છલકતો હતો, ‘સોમચંદનું ખૂન અજયે કર્યું છે... !'

‘અજયે ... ?’ દિલીપ ઊછળી પડ્યો,

‘આ... આ તું શું લવારો કરે છે...? અજય તો ફાંસીના માંચડે લટકી ચૂક્યો છે તો પછી એ કેવી રીતે ખૂન કરી શકે...?'

'હા... અજય મૃત્યુ પામ્યો છે...!' માલા એક એક શબ્દ પર ભાર મૂકતાં બોલી, ‘એ ફાંસીના માંચડે લટકી ચૂક્યો છે. પરંતુ સોમચંદ નામના આ માણસનું ખૂન એક મૃત્યુ પામેલા માણસે જ કર્યું છે... ! એટલું જ નહીં, અજિત મરચંટનું ખૂન પણ એણે જ કર્યું હતું... ! ફાંસીના માંચડે લટકતો માણસ તમારી પાસે ખોટું બોલ્યો હતો કે અજિત મરચંટનું ખૂન પોતે નથી કર્યું... ! અજિતનો ખૂની હજી ખુલ્લેઆમ ફરે છે વિગેરે... વિગેરે...'

માલાના આ ધડાકાથી નાગપાલ સહિત સૌ કિંકર્તવ્યવિમૂઢ જેવાં બની ગયાં હતાં.

ચારેયનાં દિમાગમાં જબરી ઊથલપાથલ મચી ગઈ હતી. આ બધું શું છે એ તેમને કશુંય નહોતું સમજાતું. ચારેયની મતિ એકદમ મુંઝાઈ ગઈ હતી અને દિમાગ કામ કરતાં અટકી ગયાં હતાં.

પછી સૌથી પહેલાં દિલીપે જ પોતાના આશ્ચર્યાઘાત પર કાબુ મેળવ્યો.

‘પણ અજય સકસેનાએ આ બધાનાં ખૂનો શા માટે કર્યાં ? એ બધા અપરાધીઓ સાથે એને વળી શું દુશ્મનાવટ હતી...?'

‘એ વાત બહુ મોટી છે, મિસ્ટર દિલીપ... !'

છતાંય હું બધી વિગતો જાણવા માગું છું.' કહીને દિલીપે એક સિગારેટ પેટાવી.

‘ઠીક છે...' માલા એક ઊંડો શ્વાસ ખેંચતાં બોલી, ‘તમે કહો છો તો હું તમને બધી વિગતો જણાવીશ. સોમચંદના આ સંસારમાંથી વિદાય થયા પછી હવે મને સાચી હકીકત કહેવામાં કંઈ વાંધો નથી. અજયના પિતાજી કામતાપ્રસાદ સકસેના 'વિશાળગઢ ટાઇમ્સ' નામના અખબારના માલિક હતા એ તો તમે જાણો જ છો. આ સોમચંદ ગુપ્તા 'વિશાળગઢ ટાઇમ્સ''માં સબ-એડિટર તરીકે નોકરી કરતો હતો. સ્વભાવે એ ખૂબ ઉગ્ર, તોછડો અને અભિમાની હતો. 'વિશાળગઢ ટાઇમ્સ' પોતાના થકી જ ચાલે છે તથા જો પોતે ન હોય તો અખબાર છપાતું બંધ થઈ જાય એવા ભ્રમમાં તે રાચતો હતો. ઑફિસમાં પણ એ સ્ટાફ સાથે અપમાનજનક વર્તન દાખવતો હતો. નાની નાની વાતમાં તે કર્મચારીઓનાં વડકાં ભરીને તેમને અપશબ્દો કહેતો હતો. પરંતુ એક દિવસ તો એણે હદ કરી નાખી... ! પ્રિન્ટિંગમાં સાવ નજીવી ભૂલ કરવા બદલ એણે મશીનમૅનને એટલા જોરથી તમાચો માર્યો કે એ બિચારો ચાલુ મશીન પર જઈ પડ્યો અને તેનો એક પગ મશીનમાં આવી જતાં કપાઈ ગયો. કામતાપ્રસાદ જેવા ભલા અને માયાળુ માણસ માટે સોમચંદનું જુલ્મી કૃત્ય અસહ્ય હતું. એ દિવસે કામતાપ્રસાદ તથા સોમચંદની વચ્ચે ખૂબ જ ઝઘડો થયો અને તેમણે એને તાબડતોબ નોકરીમાંથી કાઢી મૂક્યો.' કહેતાં કહેતાં માલાએ એક ઊંડો શ્વાસ લીધો.

માત્ર દિલીપ જ નહીં, રજની, ધીરજ અને ખુદ નાગપાલ પણ ખૂબ જ ધ્યાનથી માલાની વાતનો એક એક શબ્દ સાંભળતાં હતાં.

‘પણ મિસ્ટર દિલીપ... !' માલા ફરીથી બોલી, ‘નોકરીમાંથી જાકારો મળ્યા પછી જતાં જતાં સોમચંદ કામતાપ્રસાદને એક ધમકી આપતો ગયો... !

‘કેવી ધમકી... ?’

એણે ધમકી આપી કે પોતે ત્રણ મહિનામાં જ 'વિશાળગઢ ટાઇમ્સ’થી પણ મોટું અખબાર કાઢી બતાવશે અને તેની લોકપ્રિયતા તથા વેચાણ એના અખબાર કરતાં પણ વધુ હશે...! ત્યાર બાદ સોમચંદે ‘ધર્મજગત’ દૈનિકની શરૂઆત કરી. મિસ્ટર દિલીપ, અખબાર ચલાવવું રમત વાત નથી... ! કોઈ પણ અખબારને ચલાવવા માટે જબરદસ્ત નેટવર્કની જરૂર પડે છે... ! બે મહિનામાં જ સોમચંદને લાગ્યું કે પોતે કામતાપ્રસાદને આપેલી ચેલેન્જ પૂરી નહીં કરી શકે. પરિણામે અખબારનું વેચાણ વધારવા માટે એણે એક ખતરનાક યોજના બનાવી. એણે વિશાળગઢમાંથી શોધી શોધીને આઠ ખતરનાક બદમાશોને ભેગા કરીને તેમનું એક ગ્રુપ બનાવ્યું. આ આઠ જણમાં અજિત મરચંટનો સમાવેશ પણ થઈ જતો હતો. આ આઠેય જણ રાતના સમયે વિશાળગઢમાં ફરીને ચોરીથી માંડીને બળાત્કાર તથા ખૂન સુધીના ગુનાઓ આચરતા અને તેના સમાચારો સૌથી પહેલાં સોમચંદના અખબાર ‘ધર્મજગત’માં છપાતા. એટલે દિવસે દિવસે ‘ધર્મજગત’નું વેચાણ વધવા લાગ્યું. ત્યાર બાદ સોમચંદ આનાથી પણ વધુ ભયંકર રમત રમ્યો. કામતાપ્રસાદને કોઈ પણ રીતે ‘ધર્મજગત'ના રાતોરાત વધતા જતા વેચાણના રહસ્યની ખબર પડી ગઈ. તેમણે સહાનુભૂતિ ખાતર સોમચંદને ફોન કરીને આવી ખતરનાક રમત ન રમવા માટે સલાહ આપીને સમજાવ્યો, પરંતુ કામતાપ્રસાદની આ સમજાવટની સોમચંદ પર અવળી જ અસર થઈ. કામતાપ્રસાદ પોલીસ સમક્ષ પોતાનો ભાંડો ફોડી નાખશે એવો ભય તેને લાગ્યો. આ ભયથી છૂટકારો મેળવવા માટે કામતાપ્રસાદનું મોં હંમશને માટે બંધ કરવાનું તેને જરૂરી લાગ્યું. તે એ જ રાત્રે પોતાના આઠેય બદમાશો સાથે કામતાપ્રસાદને ઘેર જઈ પહોંચ્યો અને કામતાપ્રસાદ સહિત તેનાં કુટુંબીજનોને મોતને ઘાટ ઉતારી દીધાં... !' દિલીપ વિગેરે માટે આશ્ચર્યાઘાતનો એક વધુ આંચકો હતો.

‘ઓહ...’ દિલીપ નર્યા અચરજથી બોલી ઊઠ્યો, ‘તો અજય સકસેનાનાં માતા-પિતા તથા બહેનનાં ખૂનો સોમચંદે જ કર્યાં હતાં, એમ ને... ? '

‘હા...' માલાના અવાજમાં રોષ મિશ્રિત નફરતનો સૂર હતો, હવે એ વાત અલગ છે કે કાયદો સોમચંદ તથા તેના આઠેય સાથીદારોનું કશુંય ન બગાડી શકી. બગાડવાની વાત તો એક તરફ રહી, તેમને શોધી પણ ન શક્યો. કામતાપ્રસાદનાં કુટુંબીજનોનાં ખૂનમાં કોનો હાથ છે એ પણ ન જાણી શકી. પરંતુ અજયને આ વાતની ખબર પડી ગઈ હતી. એટલા માટે તે એક એક કરીને બધાને મોતને ઘાટ ઉતારીને વેર લેતો હતો.'

‘પોતાનાં કુટુંબીજનો પાછળ સોમચંદ વિગેરેનો હાથ હતો એની અજયને કેવી રીતે ખબર પડી...?'

‘સોમચંદના ગંજીપત્તાંના શોખને કારણે... ?

‘ગંજીપત્તાં ?'

‘હા... અજયને પોતાના પિતાના મૃતદેહના ગજવામાંથી ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ – · મળ્યાં હતાં. આના પરથી તે સમજી ગયો કે પોતાના કુટુંબની બરબાદી પાછળ સોમચંદનો જ હાથ છે. એટલા માટે સોમચંદના સાથીદારોનાં ખૂન કર્યા પછી બનવાના સ્થળે ગુલામ, બેગમ અને બાદશાહ મૂકી જતો હતો. પરંતુ તેમ છતાંય પોતાના સાથીદારોને કોણ મોતને ઘાટ ઉતારે છે એ સોમચંદ ન સમજી શક્યો. પરંતુ મિસ્ટર દિલીપ, અહીં પણ કમનસીબે અજયનો પીછો ન છોડ્યો..!'

'કેમ...?’

‘અજયે સફળતાપૂર્વક સોમચંદના આઠેય સાથીદારોને તો મારી નાખ્યા, પરંતુ તે પોતાના હાથેથી સોમચંદને મોતને ઘાટ ઉતારે એ પહેલાં જ તમે એને પકડી લીધો. કોર્ટે તેને ફાંસીની સજા ફરમાવી. મિસ્ટર દિલીપ, હું જેલમાં જઈને અજયને મળી હતી. એ વખતે એનો ચહેરો એકદમ ઊતરેલો હતો. મેં જિંદગીમાં ક્યારેય તેને આટલો ઉદાસ નહોતો જોયો. અત્યારે પણ મને એનો એ ચહેરો બરાબર યાદ છે... ! અમારી વચ્ચે થયેલી વાતનો એક એક શબ્દ અત્યારે પણ મારા કાનમાં ગુંજે છે... !'

કહેતાં કહેતાં માલા જાણે કે ઊંડા વિચારમાં ડૂબી ગઈ. અજય સાથેની મુલાકાતનું દશ્ય ચલચિત્રની માફક એની આંખો સામે ઊપસી આવ્યું.

હંમેશની જેમ એ દિવસે પણ અજય પોતાની કોટડીના ચબૂતરા પર સૂતો સૂતો શૂન્ય નજરે છત સામે તાકી રહ્યો હતો. પગરવ સાંભળીને એણે કોટડીના દરવાજા તરફ નજર કરી. પછી દરવાજાની પેલે પાર માલાને જોતાં જ એ સ્ફૂર્તિથી ચબૂતરા પરથી નીચે ઊતર્યો અને આગળ વધીને દરવાજા પાસે પહોંચી ગયો.

‘આવ માલા... !' એણે પરાણે હોઠ પર સ્મિત લાવવાનો નિરર્થક પ્રયાસ કરતાં કહ્યું.

માલાએ મજબૂતીથી દરવાજાના સળિયા પકડી લીધા. એની આંખોમાં આંસુ ચમકતાં હતાં.

'રડ નહીં માલા... !' અજયનો અવાજ નાના બાળક જેવો માસૂમ હતો, ‘તું રડીશ તો મારી આંખોનો બંધ પણ તૂટી જશે..!'

'આ... આ બધું શું થઈ ગયું, અજય...'

‘અરે ગાંડી, એક વાર તેં જ તો કહ્યું હતું કે માણસના નસીબમાં જે લખ્યું હોય છે એમ જ બને છે... ! આ સળિયા જ મારા નસીબમાં કદાચ લખ્યા છે... ! મને ફાંસી થતાં જ આપણી વચ્ચેના આ સળિયાનું અંતર પણ દૂર થઈ જશે... !'

‘અ... અજય... !' કહેતાં કહેતાં માલાની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યાં.

‘રડ નહીં માલા... !' અજય સળિયા વચ્ચેથી હાથ બહાર કાઢીને માલાનાં આંસુ લૂછતાં બોલ્યો.

'એક વાત કહું, અજય... ?'

'બોલ...'

‘તેં સોમચંદના આઠેય સાથીદારોને તો મારી નાખ્યા...' ભાવાવેશથી માલાનો અવાજ કંપતો હતો,

‘પણ .’

‘પણ, શું...?

‘પણ તારા પરિવારનો અસલી ગુનેગાર સોમચંદ તો હજુ જીવે જ છે... ! એ તો હજી પણ માતેલા આખલાની જેમ ખુલ્લેઆમ ફરે છે. એને તું કેવી રીતે સજા કરીશ... ?'

માલાની વાત સાંભળીને અચાનક અજય ખડખડાટ હસી પડ્યો.

‘માલા … ! છેવટે હસવાનું બંધ કરીને એ ગંભીર અવાજે બોલ્યો,

‘સોમચંદ પણ મરશે જ... ! એને પણ મરવું પડશે... !'

‘પણ કેવી રીતે... ? તું તો ટૂંક સમયમાં જ ફાંસીના માંચડે લટકી જઈશ... !'

‘માલા, અત્યાર સુધીમાં થયેલાં આઠેય ખૂનો કોણે કર્યાં છે ?’

'તેં કર્યાં છે... બીજા કોણે કર્યાં છે.. ?'

‘ના...’ અજય હિંસક અવાજે બોલ્યો, ‘આ ખૂનો એક મા- બાપના દીકરાએ કર્યાં છે... ! એક માસૂમ બહેનના ભાઈએ કર્યાં છે ! પરંતુ સોમચંદ ગુપ્તાનું ખૂન ક્રિમિનોલૉજી એટલે કે અપરાધશાસ્ત્રનો એક વિદ્યાર્થી કરશે અને આ ખૂન મારા મોત પછી થશે...!

‘મર્યા પછી... ?’ માલાના અચરજનો પાર ન રહ્યો, ‘મર્યા પછી કોઈ માણસ કેવી રીતે ખૂન કરી શકે...?' સવાલ પૂછીને તે મૂંઝવણ મિશ્રિત અવિશ્વાસભરી નજરે અજયના ચહેરા સામે તાકી રહી.

‘કરશે... !' અજય એક એક શબ્દ પર ભાર મૂકતાં મક્કમ અવાજે બોલ્યો, ‘આ વખતે એક માણસ મર્યા પછી જ ખૂન કરશે... ! બસ, આ ખૂન કરવામાં તારે મને થોડી મદદ કરવી પડશે... !'

‘હું તારે માટે કંઈ પણ કરી શકું છું, અજય... !' માલાએ દૃઢ અવાજે કહ્યું.

માલા વર્તમાનમાં પાછી ફરી. દિલીપ વિગેરે તેને ઘેરીને ઊભાં હતાં.

‘બસ, મિસ્ટર દિલીપ... !' માલા બોલી, ‘મેં અજયને મદદ કરી હતી. અજિત મરંચટનું ખૂન પોતે નથી કર્યું એવું જૂઠાણું ચલાવીને અજયે અગાઉથી જ સોમચંદ માટે ફાંસીનો ગાળિયો તૈયાર કરી નાખ્યો હતો. ત્યાર બાદ હું તમારી સાથે મળીને ઠેકઠેકાણે અજિત મરચંટનું ખૂન સોમચંદે જ કર્યું છે એવું પુરવાર થાય એ જાતના પુરાવાઓ ગોઠવતી ગઈ... ! ઓહ... તો અમને સોમચંદની ઑફિસ તથા ઘરમાંથી જે પુરાવાઓ મળ્યા હતા એ બધા તે જ ગોઠવ્યા હતા, એમ ને ?'

હું 'હા...' માલા નીડર અવાજે બોલી, ‘અને આવું કરવા માટે મને અજયે કહ્યું હતું. આખી યોજના એની હતી. મારે ક્યારે શું કરવું, એ બધું જ એણે મને સમજાવી દીધું હતું. તમને મળી, સમજાવીને અજિત મરચંટના ખૂનકેસની ફરીથી તપાસ કરાવવાનો આઇડિયા પણ એનો જ હતો. હું તો માત્ર એની યોજનાનો અમલ જ કરતી હતી. ઉપરથી નસીબે પણ આપણને પૂરો સાથ આપ્યો. સોમચંદ વિરુદ્ધ આપોઆપ જ અમુક એવા પુરાવાઓ મળ્યા કે જેને કારણે તે શંકાની પરિધિમાં આવી ગયો અને આ પુરાવાઓને તોડવા માટે તેની પાસે કોઈ સાક્ષી કે આધાર નહોતો. સોમચંદ પાસેથી મીનાક્ષી ટૉકીઝની જે બે ટિકિટો મળી તે એક જોગાનુજોગ સિવાય કશું જ નહોતું. તે ફિલ્મ જોતી વખતે એક-દોઢ કલાક માટે ક્યાંક બહાર ગયો અને આ સમયગાળાનો એની પાસે કોઈ સાક્ષી નહોતો, એ પણ એક જોગાનુજોગ જ હતો. આ બંને જોગાનુજોગ સોમચંદ માટે ખતરનાક પુરવાર થયા. ખેર, આજે અજય જીતી ગયો છે એ વાતનો મને ખૂબ જ આનંદ છે... ! એણે મર્યા પછી પણ પોતાનાં મા- બાપ તથા બહેનનાં મોતનું વેર લઈ લીધું છે... !'

વાત પૂરી કરીને માલા ખડખડાટ હસી પડી. દિલીપ એક ઊંડો શ્વાસ ખેંચીને ત્યાં જ પડેલી એક ખુરશી પર બેસી ગયો.

‘કેટલા વાગ્યા છે રજની… ?' એણે રજની સામે જોતાં ગંભીર અવાજે પૂછ્યું.

‘હજુ તો સાડા અગિયાર જ વાગ્યા છે, દિલીપ !' રજની પોતાની કાંડાઘડિયાળમાં નજર કરતાં બોલી, ‘તારી સૂચના પ્રમાણે મેં પહેલેથી જ ઇન્ટરોગેશન રૂમની ઘડિયાળ એક કલાક આગળ મૂકી દીધી હતી. હજુ સોમચંદની સજાનો અમલ નહીં થયો હોય... !' ‘ગુડ... તો તાબડતોબ જેલમાં ફોન કરીને ફાંસી અટકાવી ... !'

રજની તથા દિલીપની વાત સાંભળીને માલાનું હાસ્ય થંભી ગયું.

'આ... આ તમે શું કહો છો... ? એણે નર્યા અચરજ અને અવિશ્વાસથી પૂછ્યું, ‘હજુ સોમચંદ ફાંસીએ નથી લટક્યો ?'

‘ના, એ હજુ જીવતો જ છે …!' દિલીપ ગંભીર અવાજે બોલ્યો, તારો અજય દરેક વખતે રોન કાઢતો હોય તો અમને પણ ત્રણ એક્કા કાઢતાં આવડે છે...! તારા મોંએથી સાચી હકીકત સાંભળવા માટે જ અમે આ નાટક ભજવ્યું હતું. થોડી વાર પહેલાં રજનીએ ફોન પર જેલમાં જે કંઈ વાતચીત કરી તે એકતરફી જ હતી. હકીકતમાં એણે કોઈને ફોન કર્યો જ નહોતો. પરંતુ સોમચંદ ફાંસીએ લટકી ગયો છે એની તને પૂરેપૂરી ખાતરી થઈ જાય એટલા માટે જ એણે એ રીતે વાતચીત કરી હતી. અને બન્યું પણ મારી ગણતરી મુજબ જ... સોમચંદ ફાંસીએ લટકી ગયો છે એની જાણ થતાં જ તે તારા મોંએથી સાચી હકીકત કહી નાખી... !

વાત પૂરી કર્યા બાદ દિલીપ ઊભો થઈને ટેલિફોન તરફ આગળ વધ્યો.

‘ના, મિસ્ટર દિલીપ... એણે રિસીવર ઊંચક્યું કે તરત જ માલા ચીસ જેવા પણ કરગરતા અવાજે બોલી ઊઠી, ‘પ્લીઝ... સોમચંદની ફાંસી ન અટકાવો... ! સોમચંદે અજિત મરચંટનું ખૂન નથી કર્યું એ વાત સાચી છે, પરંતુ એનો અર્થ એવો નથી કે તે નિર્દોષ હતો. એણે અજયનાં કુટુંબીજનોનાં ખૂન કર્યાં છે. ઉપરાંત પોતાના અખબારનું વેચાણ વધારવા માટે એણે આ શહેરમાં કેટલાય નિર્દોષ માણસોનાં લોહી રેડ્યાં છે. અજયને તો તેની કરણીની સજા મળી ગઈ છે, હવે સોમચંદને પણ સજા થવા દો !’

‘તારી વાત મુદ્દાની છે, પણ કાયદાએ પોતાનું કામ કરવું જ રહ્યું... !'

‘મિસ્ટર દિલીપ... !' સહસા માલા તીખા અવાજે બોલી, ‘જો કાયદાએ પોતાનું કામ કર્યું હોત તો અજય આજે જીવતો હોત... ! અજયનાં માતા-પિતા તથા બહેનનાં ખૂનો કરવાના આરોપસર સોમચંદ તથા તેના આઠેય સાથીદારો ક્યારનાય ફાંસીના માંચડે લટકી ગયા હોત... ! જે કામ કાયદાએ નથી કર્યું તે અજયે કરી બતાવ્યું છે. જો તમે નૈતિકતાથી વિચારશો તો મારી વાત તમને સાચી લાગશે... !'

દિલીપની પ્રશ્નાર્થ નજર હવે નાગપાલ સામે સ્થિર થઈ. 'માલા, મારા એક સવાલનો જવાબ આપ... !' નાગપાલ માલા સામે જોતાં ગંભીર અવાજે બોલ્યો.

‘પૂછો...’

‘ભવિષ્યમાં તું શું કરવા માગે છે...?

‘મારી જિંદગીનો હવે એક જ મકસદ છે, અંકલ... !' માલા ભાવાવેશથી ગળગળા અવાજે બોલી, ‘અને એ મકસદ છે અજયનું અધૂરું રહી ગયેલું સપનું પૂરું કરવાનો… ! અજય એક બાહોશ ઍડ્વોકેટ બનીને ગરીબ તથા લાચાર લોકોને ન્યાય અપાવવા માગતો હતો! હું પણ એ જ કરવા માગું છું. આ સિવાય મારો બીજો કોઈ મકસદ નથી’

નાગપાલે થોડી પળો સુધી કશુંક વિચાર્યું અને પછી દિલીપ સામે જોઈને ગંભીર અવાજે કહ્યું, ‘પુત્તર, પાપને હણવામાં પાપ નથી એવું ભગવાન શ્રીકૃષ્ણ કહી ગયા છે. જો સોમચંદ જીવતો રહેશે તો બીજા કેટલાય સોમચંદને જન્મ આપશે તથા પાપાચાર વધશે..! એના કરતાં તે ફાંસીએ લટકી જાય એ જ વધુ યોગ્ય રહેશે. એના જીવતા રહેવાથી સમાજને કોઈ લાભ થાય તેમ નથી. ઊલટું નુકસાન જ થશે... ! રિસીવર મૂકી દે ! સમાજમાંથી સડો ઓછો કરવા માટે આને સી.આઈ.ડી. ઇન્સ્પેક્ટર મેજર નાગપાલનો હુકમ માનીને થોડી વાર માટે કાયદો. કાનૂન, ફરજ બધું જ ભૂલી જા અને આ છોકરીનાં બંધનો ખોલી નાખ... !'

નાગપાલનો આદેશ મળતાં જ રજનીએ માલાનાં બંધનો ખોલી નાખ્યો. બંધનમુક્ત થતાં જ માલા દોડીને ભાવાવેશથી નાગપાલને વળગી પડી અને ધ્રુસકે ધ્રુસકે રડવા લાગી.

અલબત્ત, એની આંખોમાંથી વહેતાં આંસુ આનંદનાં જ હતાં.

‘આપ ખરેખર મહાન છો, અંકલ... !'

‘મહાન હું નહીં પણ ઈશ્વર છે, બેટા... !' નાગપાલ સ્નેહથી એના માથા પર હાથ ફેરવતાં બોલ્યો, ‘હું તો ફક્ત સાચા અર્થમાં 'માણસ' તરીકે જીવવા માગતો એક પામર માનવી માત્ર છું.' દિલીપે રિસીવર મૂકી દીધું હતું અને હવે તે નર્યા અચરજથી નાગપાલ તથા માલા સામે જોતો હતો.

[ સમાપ્ત ]

 

ખાસ નોંધ

(૧) પ્રસ્તુત નવલકથા માત્ર વાચકોના મનોરંજન માટે જ છે. કથાનાં પાત્રોને કોઈ પણ જીવિત કે મૃત વ્યક્તિ સાથે કંઈ સંબંધ નથી. કોઈ પણ નાતજાત કે ધર્મ સાથે કથાવસ્તુને કંઈ જ લાગતું- વળગતું નથી.

(૨) નવલકથા વિશે આપનો નિષ્પક્ષ અભિપ્રાય નીચેના સરનામે લખી મોકલવા વિનંતી.

કનુ ભગદેવ