સપનાનાં વાવેતર પ્રકરણ 9
"કૃતિને મળી લીધું ? હવે તને શું લાગે છે અભિ? " મુંબઈ આવી ગયા પછી બીજા દિવસે સવારે ધીરુભાઈએ કેનેડાથી આવેલા પૌત્ર અભિષેકને સવાલ કર્યો. અનિકેત એ વખતે બહાર હતો.
"દાદા તમારી પસંદગી ખરેખર દાદ માગી લે છે. કૃતિ હિરોઈનને પણ ટક્કર મારે એટલી સુંદર છે. એ સ્વભાવમાં પણ એકદમ હસમુખી અને લાગણીશીલ છે. છેલ્લે જ્યારે એણે અનિકેતની વિદાય લીધી ત્યારે એની આંખો ભરાઈ આવી હતી. અનિકેત નસીબદાર છે." અભિષેકે પોતાનો અભિપ્રાય આપ્યો.
" એટલા માટે જ મેં તને રાજકોટ મોકલ્યો હતો જેથી તારા મનનો ડર દૂર થઈ જાય. હરસુખભાઈના સંસ્કાર છે એનામાં. એ આપણા ઘરમાં આવીને મારું અહિત કરી જ ના શકે." ધીરુભાઈ બોલ્યા.
બીજા દિવસે વહેલી પરોઢે કેનેડાનું ફ્લાઇટ હતું એટલે અભિષેક કેનેડા જવા માટે નીકળી ગયો.
દિવસો પસાર થતાં વાર લાગતી નથી. નવેમ્બર પણ પૂરો થવા આવ્યો હતો. લગ્નને હવે માત્ર ૧૫ દિવસની વાર હતી. બંને પક્ષે તમામ ખરીદીઓ થઈ ગઈ હતી. બસ હવે કંકોત્રી એટલે કે આમંત્રણ પત્રિકા છપાવવાની બાકી હતી.
" દાદા મારે તમને એક વાત કહેવી છે. મેં તમને અગાઉ કહ્યું હતું કે મારે ભારે મંગળદોષ છે જ્યારે કૃતિને બિલકુલ નથી એટલે ઉજ્જૈન જઈને મંગલનાથ મહાદેવની પૂજા કરીને ઉજ્જૈનમાં જ અમારે લગ્ન કરવાં પડશે. " બપોરે જ્યારે ધીરુભાઈ એકલા હતા ત્યારે એમના બેડરૂમમાં જઈને અનિકેતે પોતાની વાત શરૂ કરી.
" હા તો પૂજા કરાવશું ને આપણે ! પ્રશાંતે મને વાત કરી છે. આપણે ઉજ્જૈન જઈને તારાં લગન કરશું. મને યાદ જ છે બેટા. " ધીરુભાઈ બોલ્યા.
"હા દાદા પરંતુ મેં તમને લોકોને બધી વાત હજુ વિગતવાર કરી નથી. એમના શાસ્ત્રીજીએ એમ કહ્યું છે કે લગ્ન કરવા માટે અમારે બંનેએ મંદિરમાં એકલા જ જવું પડશે. મંગલનાથ મહાદેવની પૂજા કરીને એમની સાક્ષીમાં જ અમારે લગ્ન કરવાનાં છે. ત્યાં કોઈપણ કુટુંબીઓની હાજરી ના હોવી જોઈએ. ત્યાંના પંડિતજી અમારાં લગ્ન કરાવી દેશે. રાજકોટના શાસ્ત્રીજીએ ઉજ્જૈન વાત પણ કરી દીધી છે. " અનિકેત બોલ્યો.
"આ તું શું બોલે છે ? અને આ બધી વાત તું મને છેક અત્યારે કહે છે ? તમે લોકો છોકરબુદ્ધિ છો. આપણા ઘરનો આ સૌથી મોટો પ્રસંગ છે. પ્રશાંતનો તું એકનો એક દીકરો છે. જાન જોડીને છેક ઉજ્જૈન સુધી જઈએ અને લગન કરવા માટે મંદિરમાં તમે બંને એકલાં જાઓ ? ના કન્યાદાન ના મા-બાપ ની હાજરી ! આ કોઈ મજાક થોડી છે ? પૂજા કરાવવાની ના નથી પરંતુ તમે બંને એકલાં જઈને લગ્ન કરી લો એવું થોડું ચાલે ? " ધીરુભાઈ થોડા ગુસ્સે થઈ ગયા.
" દાદા હું બધું જ સમજુ છું. કૃતિએ પણ શાસ્ત્રીજી સાથે આવી બધી જ દલીલો કરેલી. પરંતુ શાસ્ત્રીજીએ સ્પષ્ટ ના પાડી છે. વર કન્યા સિવાય મંદિરમાં બીજું કોઈ પણ હાજર ના જોઈએ. મંગલનાથ મહાદેવની સાક્ષીમાં સાત ફેરા ફરી લગ્ન કરી લેવાં પડશે. જો એમ નહીં કરો તો પછી તમારા લગ્નજીવનમાં એટલું મોટું સંકટ આવશે કે તમે કલ્પના પણ નહીં કરી શકો. ! લગ્ન પછી કૃતિનું મૃત્યુ પણ થઈ શકે છે." અનિકેત બોલ્યો.
અનિકેત જાણતો હતો કે મંદિરમાં જઈને માત્ર ફૂલહાર જ કરવાના છે. અગ્નિની સાક્ષીએ સાત ફેરા પણ ફરવાના નથી કે હસ્તમેળાપ પણ કરવાનો નથી. પરંતુ એ બધી વાત દાદા આગળ થઈ શકે તેમ ન હતી. દાદા આ વાત સ્વીકારે પણ નહીં. એટલા માટે જ વરકન્યા મંદિરમાં એકલાં જ જાય એવી વાત એણે કરી.
ધીરુભાઈને યાદ આવ્યું કે ભૂતકાળમાં મુંબઈના કોઈ પ્રસિદ્ધ જ્યોતિષીને એમણે અનિકેતની કુંડળી બતાવી હતી અને એમણે પણ અનિકેતનો મંગળ ખૂબ જ ભારે છે એવી વાત કરી હતી. કૃતિના મૃત્યુની વાત સાંભળી એ થોડા ઠંડા પડ્યા. લગન ભલે મંદિરમાં કરે પણ લગનમાં કુટુંબની હાજરી ના જોઈએ એ વાત એમના મગજમાં બેસતી ન હતી.
"ઠીક છે હું કાલે જ રાજકોટ એમના શાસ્ત્રીજી સાથે વાત કરી લઉં છું. હરસુખભાઈને કહીશ એટલે એ મારી સાથે વાત કરાવશે. મને પણ સંતોષ થવો જોઈએ ને ? માત્ર તારા કહેવાથી જાન ઉજ્જૈન લઈ જવાનું મુલત્વી ના રખાય. મારે મહેમાનોને કેમ કરીને સમજાવવા ? " ધીરુભાઈ બોલ્યા.
વાત તો ત્યાં પતી ગઈ પણ પછી અનિકેત ખૂબ જ ટેન્શનમાં આવી ગયો. એણે ફૂલહારવાળી વાત દાદાથી છૂપાવી હતી. જો દાદા પોતે શાસ્ત્રીજી સાથે વાત કરે તો આ બધી વાત ખુલ્લી થઈ જાય અને પોતે ખોટું બોલ્યો છે એવું સાબિત થાય.
" કૃતિ એક ગરબડ થઈ છે." અનિકેતે પોતાના રૂમમાં જઈને કૃતિને ફોન કર્યો.
" શું થયું જાન ? " કૃતિ પણ ટેન્શનમાં આવી ગઈ.
" મારા દાદા આવતીકાલે તારા દાદા સાથે વાત કરવાના છે. કદાચ આજે રાત્રે પણ કરે. મેં એમને વાત કરી છે કે મંગલનાથ મહાદેવમાં કોઈ પણ કુટુંબીજનોએ આવવાનું નથી. માત્ર મારે અને કૃતિએ એકલાં જ મંદિરમાં લગ્ન કરવા જવાનું છે. " અનિકેત બોલી રહ્યો હતો.
"દાદા આ બાબતમાં શાસ્ત્રીજી સાથે ચર્ચા કરવા માંગે છે. જો શાસ્ત્રીજી સાથે દાદા વાત કરે તો આપણી વાત ખુલ્લી પડી જાય. શાસ્ત્રીજી માત્ર ફૂલહાર પહેરાવવાની જ વાત કરશે જ્યારે મેં તો અમે મંદિરમાં સાત ફેરા ફરીશું એવી દાદાને વાત કરી છે. તારે કોઈ પણ હિસાબે દાદાની શાસ્ત્રીજી સાથે વાત રોકવાની છે." અનિકેત બોલ્યો.
"હમ્ ... મારે હવે દાદા સાથે જ વાત કરવી પડશે. કારણકે શાસ્ત્રીજી તો સિદ્ધાંતવાદી છે એ ખોટું નહીં બોલે. " કૃતિ બોલી.
" હા કૃતિ. કોઈપણ હિસાબે તારા દાદા શાસ્ત્રીજી સાથે મારા દાદાની વાત ન કરાવે એવું કંઈક કર." અનિકેત બોલ્યો.
" ઠીક છે હું કંઈક વિચારું છું. તમે ટેન્શન નહીં લો. " કહીને કૃતિએ ફોન કટ કર્યો.
દાદા ફેક્ટરીએથી ઘરે આવે એટલે તરત જ મારે આ ચર્ચા કરી લેવી પડશે. - કૃતિએ વિચાર્યું.
"દાદા મારે તમારી સાથે થોડીક અંગત વાત કરવી છે. તમે ફ્રેશ થઈને મારા બેડરૂમમાં આવો. " હરસુખભાઈ સાત વાગે જેવા ઘરે આવ્યા કે તરત જ કૃતિએ કહ્યું.
"કેમ એવી તો શું વાત છે જે અહીં ના કહી શકાય ?" હરસુખભાઈ બોલ્યા.
"હું બધું જ કહું છું દાદા. બસ તમે મારા બેડરૂમમાં આવો." કૃતિ બોલી.
વીસેક મિનિટ પછી હરસુખભાઈ કૃતિના બેડરૂમમાં ગયા.
" ઘણા સમય પછી મારે તારા બેડરૂમમાં આવવાનું થયું. " દાદા બોલ્યા.
" હા દાદા. લગભગ વર્ષ જેવું થઈ ગયું હશે. ગયા વર્ષે મને ટાઈફોઇડ થયો ત્યારે તમે મારા બેડરૂમમાં આવ્યા હતા. " કૃતિ હસીને બોલી.
" બોલ હવે શું અર્જન્ટ વાત કરવાની હતી ? " હરસુખભાઈ ઇન્તેજારીથી બોલ્યા.
" દાદા આજે બપોરે અનિકેતનો ફોન આવ્યો હતો. મેં તમને કહ્યું જ હતું કે અમારે બંનેને લગ્ન કરવા માટે ઉજ્જૈન જવું પડશે અને મંદિરમાં મંગલનાથ મહાદેવની સામે કોઈ પણ કુટુંબીની હાજરી વગર ગુપ્ત લગન કરવાં પડશે. અનિકેતે આજે આ વાત એના દાદાને કરી. તો એમના દાદાએ કહ્યું કે મારે રાજકોટના શાસ્ત્રીજી સાથે આ બાબતમાં ચર્ચા કરવી પડશે. " કૃતિ બોલી રહી હતી.
" હવે આજે એમના દાદાનો ફોન રાત્રે પણ આવે અથવા કાલે સવારે પણ આવે. અનિકેતની એવી ઈચ્છા છે કે દાદા શાસ્ત્રીજી સાથે વાત ન કરે તો સારું. કારણ કે એમના દાદા ઘણા બધા પ્રશ્નો પૂછે અને શાસ્ત્રી એવી કોઈ વાત કરી દે તો વળી લગ્ન કરવામાં પ્રોબ્લેમ આવી જાય. અનિકેત પોતે ગુપ્ત લગ્ન કરવા માટે તૈયાર છે. એટલે આ બાબતમાં હવે કોઈ બીજી ચર્ચા થાય એવું એ નથી ઈચ્છતા. " કૃતિ બોલી.
" હમ્.."
"તમારી ઉપર ફોન આવે તો તમારે એટલું જ કહેવાનું કે મારે શાસ્ત્રીજી સાથે ક્લિયર વાત થઈ ગઈ છે અને જમાઈને ભારે મંગળ છે તો વર કન્યા બંને મંદિરમાં એકલાં જઈને મંગલનાથ મહાદેવની સામે લગ્ન કરી લે એ જ બંનેના ભવિષ્ય માટે સારું છે. " કૃતિ બોલી.
" પરંતુ માની લો કે ધીરુભાઈ શાસ્ત્રીજી સાથે વાત કરવાનો આગ્રહ રાખે તો ? " ધીરુભાઈ બોલ્યા.
"એટલા માટે તો મેં તમને અહીં બોલાવ્યા છે દાદા. એનો રસ્તો તમારે જ કાઢવાનો છે. અનિકેતને પણ તમારી ઉપર વિશ્વાસ છે. તમે એવું કંઈક કહો કે જેથી એ શાસ્ત્રીજી સાથે વાત કરવાનો આગ્રહ છોડી દે અથવા તો પછી એવું કંઈક કહી દો કે હું એમના ઘરે જઈને વાત કરાવું છું. અને કલાક પછી કહી દેવાનું કે શાસ્ત્રીજી બહારગામ ગયા છે." કૃતિ બોલી.
" આમ તો હું કહીશ એટલે ધીરુભાઈ શાસ્ત્રીજી સાથે વાત કરવાનો દુરાગ્રહ નહીં રાખે છતાં એવી કોઈ વાત કરશે તો તેં કહ્યું એ પ્રમાણે હું જવાબ આપી દઈશ. તું ચિંતા નહીં કર. " ધીરુભાઈ હસીને બોલ્યા.
" થેન્ક્યુ દાદા. અનિકેતને પણ તમારી ઉપર બહુ જ વિશ્વાસ છે. એમણે જ મને કહ્યું કે તું દાદાને વાત કર." કૃતિએ જાણી જોઈને વાર્તા કરી જેથી દાદાને સારું લાગે.
દાદા ગયા પછી કૃતિએ તરત જ અનિકેત સાથે વાત કરી લીધી.
" દાદા સાથે મારે વાત થઈ ગઈ છે. તમે જરા પણ ચિંતા ના કરશો. દાદા બધું સંભાળી લેશે." કૃતિ બોલી.
" ચલો બહુ સરસ. હવે મને શાંતિ થઈ. કારણ કે મારા દાદા શાસ્ત્રીજીને ઘણું બધું પૂછી શકે છે એટલે મને ડર હતો. " અનિકેત બોલ્યો અને એણે ફોન કટ કર્યો.
બીજા દિવસે સવારે લગભગ દસ વાગે હરસુખભાઈ ઉપર ધીરુભાઈનો ફોન આવ્યો.
"જય મહાદેવ હરસુખભાઈ. મુંબઈથી ધીરુભાઈ બોલુ. "
" મહાદેવ હર. બોલો ધીરુભાઈ. સવાર સવારમાં કેમ યાદ કર્યો મને ? " હરસુખભાઈ બોલ્યા.
"હરસુખભાઈ મારી તમારા શાસ્ત્રીજી સાથે જરા વાત કરવાની ઈચ્છા છે. અનિકેતે મને કાલે જ વાત કરી કે રાજકોટના જે શાસ્ત્રીજી છે એમણે ઉજ્જૈનમાં જઈને લગ્ન કરવાની સલાહ આપી છે. પહેલાં અમને એણે એવું કહેલું કે ઉજ્જૈન જઈને લગન કરવાનાં છે. હવે કહે છે કે લગન ત્યાં મંગલનાથ મંદિરમાં કુટુંબના કોઈ પણ સભ્યની હાજરી વિના ગુપ્ત રીતે કરવાનાં છે. આ વાત મને મગજમાં બેસતી નથી. મને જરા શાસ્ત્રીજી સાથે વાત કરાવો ને ?" ધીરુભાઈ બોલ્યા.
"અનિકેત કુમારની વાત સાચી છે. મને પણ કૃતિએ ૩ દિવસ પહેલાં આ વાત કરી એટલે હું કાલે જ શાસ્ત્રીજીને મળવા માટે ગયો હતો અને આ બધી વાતનો ખુલાસો મેં કર્યો છે. એમણે કહ્યું છે કે મંગળ એટલો બધો ભારે છે કે આમ તો આ લગ્ન થઈ શકે જ નહીં છતાં પણ તમારે લગ્ન કરવાં જ હોય તો મંગળની પૂજા કરીને એ મંદિરમાં જ ગુપ્ત લગ્ન કરવાનાં રહેશે. અને કુટુંબના બીજા કોઈ સભ્ય ત્યાં હાજર રહી શકશે નહીં." હરસુખભાઈ બોલ્યા.
"અરે પણ એવું તો કેવી રીતે ચાલે હરસુખભાઈ ? પ્રશાંતના એકના એક દીકરાનાં લગન છે. આટલા બધા મહેમાનો આવવાના અને મંદિરમાં એકલા જઈને લગન કરી આવે એ કેવું લાગે ? લોકો હજાર સવાલ પૂછે. " ધીરુભાઈ બોલ્યા.
" હું તમારી બધી વાત સમજુ છું ધીરુભાઈ પણ આપણાં બાળકોની જિંદગીનો સવાલ છે. લોકો બે મિનિટ વાતો કરીને રહી જશે. અને આમ પણ આટલા બધા મહેમાનોને થોડા છેક ઉજ્જૈન સુધી લઈ જવાશે ધીરુભાઈ ? મુંબઈથી ફ્લાઈટમાં ઈન્દોર જાઓ અને ઈન્દોરથી પાછા ઉજ્જૈન જાઓ. એટલે માત્ર તમારું કુટુંબ જ ઉજ્જૈન જાય. અમે પણ કન્યાને લઈને ઉજ્જૈન આવી જઈશું." હરસુખભાઈ સમજાવી રહ્યા હતા.
"અને ઘરે આવીને તો આપણે એ જ વાત કરવાની કે ઉજ્જૈન જઈને ધામધૂમથી લગ્ન કર્યાં. અમારે પણ મહેમાનોને એવી જ વાત કરવી પડશે. મહેમાનોને ક્યાં ખબર પડવાની છે કે વર કન્યાએ મંદિરમાં એકલાં જઈને લગ્ન કર્યાં છે કે કુટુંબની હાજરીમાં ? " હરસુખભાઈ બોલ્યા.
" મતલબ કે અનિકેત સાચું જ કહી રહ્યો છે. ચાલો ઠીક છે. શાસ્ત્રીજી આટલું બધું કહેતા હોય તો પછી મારે બીજું કંઈ પૂછવા જેવું રહેતું નથી. મારે હવે મોટાભાગના મહેમાનોને માત્ર રિસેપ્શનમાં જ બોલાવવાના રહેશે. " ધીરુભાઈ બોલ્યા.
" હા ધીરુભાઈ. આટલો ભારે મંગળ હોવા છતાં પણ આ લગ્ન આપણે કરી રહ્યા છીએ એટલે શાસ્ત્રીજીની વાત માનવી જ પડે. હું તમને આજકાલમાં આ વાત કરવાનો જ હતો પણ તમારો સામેથી ફોન આવી ગયો." હરસુખભાઈ બોલ્યા.
" ચાલો કંઈ વાંધો નહીં. આપણે એ પ્રમાણે જ કરશું. " ધીરુભાઈ બોલ્યા અને ફોન કટ કર્યો.
એ પછીના એક કલાકમાં કૃતિનો ફોન અનિકેત ઉપર આવી ગયો.
" તમારા દાદાનો ફોન આવી ગયો છે. ચિંતા કરવાની કોઈ જરૂર નથી. દાદાએ બધી વાત કરી દીધી છે અને શાસ્ત્રીજી સાથે કોઈ જ વાત કરાવી નથી. તમારા દાદા પણ માની ગયા છે એટલે હવે લગભગ આપણાં બધાં જ વિઘ્નો દૂર થઈ ગયાં છે. " કૃતિ બોલી.
" થેન્ક્યુ વેરી મચ કૃતિ. આ કામ તું જ કરી શકે. ગઈકાલે તો હું બહુ જ ટેન્શનમાં આવી ગયો હતો. દાદા માની ગયા છે એટલે હવે મને કોઈ જ ચિંતા નથી. " અનિકેત બોલ્યો અને ફોન કટ કર્યો.
ધીરુભાઈએ તમામ ધંધાદારી મિત્રો અને તમામ સગાંઓને રિસેપ્શનમાં હાજરી આપવા માટે આમંત્રણ પત્રિકાઓ મોકલી. કુટુંબ સિવાય કોઈ પણ વ્યક્તિને ઉજ્જૈન લઈ જવાની ન હતી.
લગ્નના આગલા દિવસે ૫ ડિસેમ્બરે ગણેશ સ્થાપન અને મંડપ મુહૂર્ત હતું. કેનેડાથી અભિષેક પણ એની પત્ની કાવ્યાને લઈને આવી ગયો હતો.
આમંત્રણ પત્રિકામાં રિસેપ્શનનું આમંત્રણ હોવા છતાં કેટલાંક નજીકનાં સગાં તો આગલા દિવસે ૫ તારીખે જ ધીરુભાઈના બંગલે આવી ગયાં.
" ધીરુભાઈ આ બરાબર ના કહેવાય હોં ! પારકાંની વાત તો અલગ છે પણ અમે તો સાવ નજીકનાં છીએ. અમને જાનમાં ના લઈ જાઓ એ ના ચાલે." ધીરુભાઇનાં પિત્રાઈ બેન બોલ્યાં.
"અરે જશુબેન એવું નથી. જો જાન મુંબઈમાં કે નજીકમાં ક્યાંય જવાની હોત તો બધાને આમંત્રણ આપવાનો હતો. પરંતુ ફલાઇટમાં જાન લઈને છેક ઉજ્જૈન જવાનું છે. અમારા વેવાઈએ ત્યાં લગન કરાવવાની બાધા રાખેલી છે એટલે મહાદેવના મંદિરમાં જ લગન ગોઠવ્યાં છે. હવે જો કોઈ એકને લઈ જાઉં તો બીજાને ખોટું લાગે." ધીરુભાઈ સમજાવી રહ્યા હતા.
"અને તમે લોકો આ બંગલામાં રહી શકો છો. આ તમારું જ ઘર છે. મહારાજ ઘરે જ છે એટલે બધાની રસોઈ પણ કરશે. અમે લોકો બીજા દિવસે તો પાછાં આવી જઈશું. " ધીરુભાઈ બોલ્યા.
ધીરુભાઈએ આ રીતે નજીકનાં ચાર પાંચ સગાંઓને સમજાવવું પડ્યું. બહારગામના અને વિદેશના મહેમાનો ૭ તારીખે રિસેપ્શનમાં હાજરી આપવા માટે આવવાના હતા એમના માટે અલગ હોટલો બુક કરી હતી.
એ દિવસે રાત્રે ધીરુભાઈના બંગલે નાનકડો રાસ ગરબાનો પ્રોગ્રામ પણ રાખ્યો અને જમણવાર પણ કર્યો.
૬ તારીખે વહેલી સવારે પાંચ વાગે ધીરુભાઈના ઘરે ઢોલ ઢબૂકી ઉઠ્યાં. શરણાઈના મીઠા સૂર રેલાઈ રહ્યા. ૮ ૧૦ નજીકનાં સગાંઓની હાજરીમાં ધીરુભાઈ વિરાણીનો સમગ્ર પરિવાર કુટુંબના માત્ર ૧૦ સભ્યોની જાન લઈને સારા ચોઘડિયામાં એરપોર્ટ જવા માટે નીકળી ગયો.
મોંઘામાં મોંઘા શૂટમાં અનિકેત વરરાજા બનીને તૈયાર થયો હતો પરંતુ એને જોનાર માત્ર પોતાનું ફેમિલી અને નજીકનાં સગાંઓ સિવાય બીજું કોઈ ન હતું !!
ક્રમશઃ
અશ્વિન રાવલ (અમદાવાદ)