Avantinath Jaysinh Siddhraj - 27 books and stories free download online pdf in Gujarati

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 27

૨૭

કુમારપાલનો આશાતંતુ!

ક્ષુધાની શાંતિ થઇ એટલે બંને જણા પહેલાં તો કોઈ ડુંગરટેકરાનો આશ્રય લેવા ગયા, ત્યાં એમને વધારે સલામતી જણાઈ. પડખે એક પાણખાણ જેવું હતું એમાં ઘોડાને ઉતારી દીધો. ઘાસ નીરીને કાકભટ્ટ કુમારપાલ પાસે બેઠો. 

‘મહારાજ! તમે આંહીં ક્યાંથી? ઉદયનજીએ તો મને તમારા દક્ષિણના સમાચાર આપ્યા હતા!’

‘સૌ એમ જ ધારે છે. પણ કાંતિનગરીમાં મહારાજને જોઈએ છે એવો રાજગજ છે એ મને ખબર હતી. મહારાજ એ વહેલામોડા લેવા જશે જ, એ મારું અનુમાન સાચું નીકળ્યું છે. હું પણ ત્યાં જાઉં છું, વખત છે ને છેલ્લી પળ આ મુદ્દામાં મહારાજને મારો ખપ દે તો હું મારું આ ચક્ર ઉતારી શકું. મોટા કાકાની મહત્તા મારાથી ભૂલી ભુલાતી નથી, કાકભટ્ટજી! તમે તેમ પણ ચૌલક્ય કુળના શિરોમણી છે! મારે એમનો આધાર મેળવવાનો છે.’

કાકભટ્ટ સમજી ગયો. કુમારપાલજી હજી આશાતંતુએ વળગ્યો હતો. પણ એ જોખમ ખેડે તેવો હતો, એટલે કાકે એ વસ્તુને વધુ ઉત્તેજન ન આપ્યું. તેમ પોતે જાણતો હતો એ કાંઈ સમાચાર પણ ન આપ્યા.

‘તમે કેમ કાંઈ બોલ્યા નહિ કાકભટ્ટજી?’

‘મહારાજ! શું બોલું? તમારો ખપ પડે – ભગવાન કરે તો એવું થાય. મહારાજે તો એટલા માટે જ આ ત્યાગભટ્ટને ઉપાડ્યો છે.’

‘એક છોકરો ભેગો હતો એ?’

‘હા.’

‘ઉદયનજી ક્યાં છે? કાંઈ ખબર? એ કાંતિનગરી આવ્યા હોત! એ નગરી એક વખત મેં જોઈ છે, એટલે જોવાની ફરી ઈચ્છા પણ હતી. આ તક લીધી છે. તમે મળ્યા એ પણ ઠીક થયું. વખત મહારાજને છેલ્લી પળે – બીજો કોઈ મળવાનો સંભવ ન હોય ત્યારે – તમને જાણ હોય તો નામ દઈ દેવાય. હું કાંતિનગરીમા સન્યાસીઓના મઠમાં હોઈશ. ત્યાં એક મઠ તો સરોવરને કાંઠે જ છે!’ 

‘હું આંહીં છું એ મહારાજને ખબર પડે તો તો ભારે થાય. પણ હવે એ તો ત્યાં ગયે ખબર પડે. બાકી તો...’ કાકે વિચાર કર્યો: ‘આને માલવરાજની વાત ન કરવી. હજી એનામાં સાહસ કરી નાખવાની વૃત્તિ છે. મહારાજની કૃપા મેળવવા એ સાહસ કરી બેસે – આ કર્યું છે તેવું – ને વખતે ઊંધામાંથી ચતું થાય.’ એ વાતને ખાઈ ગયો.

‘કેમ અટકી ગયા?’

‘મને લાગે છે, મંત્રીશ્વર ઉદયન પણ વખતે ત્યાં જ મળશે.’

‘મને પણ એમ જ લાગે છે!’

થોડી વાર બંને જણા ઊંઘી ગયા. 

કાકને હવે પેલા સોલંકી સવારોનો પત્તો મળી ગયો એટલે ઉતાવળ ન હતી. તાજા થઈને પછી એણે ઊપડવાની તૈયારી કરી. એણે જતાં જતાં કુમારપાલને કહ્યું: ‘કુમારપાલજી! મારું માનો તો હમણાં દક્ષિણપથ જ લ્યો.’

‘મને થાય છે કાકભટ્ટજી! વિધિ બળવાન છે. પણ પ્રયત્ન તો કરું. કદાચ ફેરો સફળ થાય. હું તો સાધુ-સન્યાસીઓના મઠમાં હોઈશ એટલે પત્તો નહિ લાગે. આ રસ્તે બર્બરક ગયો છે એટલે મુસાફરી પણ ગુપચુપ કરવી પડશે. તમે ત્યાં મળજો – હું તો રાતે નીકળીશ!

થોડી વાર પછી કાકભટ્ટ રજા લઈને પોતાને રસ્તે પડી ગયો. કુમારપાલની ભાગ્યરેખા વિશે એ ઊંડા વિચારમાં પડી ગયો હતો. એની પાસે શું ન હતું! એ મલ્લ હતો, સાહસિક હતો, ગજવિદ્યામાં તો એ નિષ્ણાત ગણાતો. એકલયુદ્ધ એનું જ. અને છતાં આ દશા!

એક રાત એણે વચ્ચે કાઢી. બીજે કે ત્રીજે દિવસે એને જમીનમાં ફેર જણાયો. વૃક્ષો વધારે સુંદર થતાં જણાયાં. જમીનમાં ચમક અવી. પાણીનાં ઝરણાં ઠેરઠેર દેખાવા લાગ્યાં. હીરાના વેપારીઓનો રસ્તે ભેટો થવા લાગ્યો. એને લાગ્યું કે એ કાંતિનગરીની સમીપમાં હવે હોવો જોઈએ. 

એક ઠેકાણે એ પાણી પીવા થોભ્યો. કોઈકનું ટટ્ટુ ઊભેલું જોઇને નવાઈ લાગી.

થોડી વારમાં તો એનો માલિક નજરે પડ્યો ને કાકભટ્ટ આંખો ફાડીને જોઈ જ રહ્યો: ‘અરે, આ તે ભ્રમ છે કે સત્ય?’

પણ એટલામાં પેલો માણસ વધુ નજીક આવી પહોંચ્યો: ‘કાં કાકભટ્ટજી! કોને શોધવા નીકળ્યા છો? માલવરાજને?’

‘અરે! પણ મંત્રીશ્વર! તમે આંહીં ક્યાંથી?’

‘તમે ક્યાંથી?’

‘ત્યારે હું ઇંગનપટ્ટનથી – એમ જ સમજોને. બોલો, તમે મળ્યા તે ઠીક થયું. શું થયું પછી આપણી વાતનું? મહારાણીબા આવી પહોંચ્યાં હતાં?’

‘એ તો આવી ગયાં હતાં.’

‘મને ખબર તો મળી ગયા હતા, એટલે નિરાંત થઇ ગઈ હતી. હું આંહીં નીકળ્યો છું, કારણ કે મલ્હારભટ્ટ છટકી ગયો છે. એ ઊંધું-ચત્તું ભરાવે તે પહેલાં મહારાણીને દક્ષિણ દરવાજાની માહિતી પહોંચાડી દેવી છે. રસ્તે એક વૃદ્ધ માલવસૈનિક મળી ગયો તે ત્યાંનો જ નીકળ્યો. એની પાસેથી દામભેદે વાત મળી ગઈ. જતો હતો ત્યાં રસ્તે ખબર મળ્યા કે માલવરાજ જેવું કોઈક નીકળેલ છે. એટલે પત્તો મેળવવા આ બાજુ નીકળી આવ્યો. પણ એ હોય તો એ કાંતિનગરી ભેગા થઇ ગયા. પછી કીધું, મલ્હારભટ્ટ ઊંધુંચત્તું ભરાવવાનો જ છે – તો ભેગાભેગી કાંતિનગરીની હકીકત પહોંચાડી હોય તો – મહારાજને કહેવાપણું રહે નહિ ને ભામણો નાહકનો હેરાન ન કરી શકે!’

‘પણ ત્યારે તમને ખબર પડી નથી લગતી?’

‘શેની?’

‘મહારાજ તો અનુષ્ઠાનમાં બેઠા છે?’

‘એમ? ઓહો – ત્યારે તો આપણે કાંતિનગરીને જોઇને જ જઈએ. યુદ્ધવિરામ હશે હમણાં?’

‘યુદ્ધવિરામ જ છે!’

‘મેં તો આ નગરી જોઈ છે કાકભટ્ટ! નગરીષુ કાંતિ – તે આ તમે એને જોશો, પછી સ્વર્ગ સાંભરશે નહિ. મેં એમ સાંભળ્યું છે, ત્યાં એક ગાથા છે!’

‘ગાથા? શેની?’

‘સિંહસેનજીની લખેલી કહેવાય છે, એ મારે જોવી પણ છે!’

‘શું છે એમાં?’

‘એમાં અગમનિગમની વાતો છે, કુમારપાલજીનું ભાવિ એમાં કહ્યું છે!’

‘કુમારપાલજીનું? પણ હું કુમારપાલજીથી હમણાં જ છૂટો પડ્યો છું. એ પણ ત્યાં આવે છે. અને મંત્રીશ્વર! મહારાજ પણ ત્યાં ગયા છે!’

‘મહારાજ? કોણ જયદેવ મહારાજ? એ તો અનુષ્ઠાનમાં છે. એમ તમે કહ્યું ને?’

‘એ ખોટું. આ સાચું.’

‘કોણે કહ્યું?’

‘હું જાણું છું. હું એમની પછવાડે-પછવાડે કુતૂહલભર્યો નીકળ્યો. રસ્તોફેર થઇ ગયો. એક ગામડે ગયો તો ત્યાં માલવરાજવાળી વાત, તમે કહી તે જાણી, પાછો કાંતિનગરીનો માર્ગ પકડ્યો, ત્યાં રસ્તે આશ્ચર્ય થયું – કુમારપાલજી મળ્યા!’

‘હજી પોતે અહીં જ ફરે છે? કાકભટ્ટ! આ તો ભારે જોખમની વાત થઇ. મહારાજ ત્યાં ગજ માટે જાય છે નાં!’

‘હા. કેશવ પણ સાથે છે. ત્યાગભટ્ટ છે. કુમારપાલજી ત્યાં સંન્યાસીઓના મઠમાં હશે. તમે પણ ત્યાં જાઓ છો. હું પણ ત્યાં ઊપડ્યો છું. આ તો આપણે સૌ પ્રગટ થઈએ તેવી વાત થઇ!’

‘પણ હવે તો આપણે જવું જ છે. મહારાજ ગજેન્દ્રને કેમ લાવે છે તે જોવા મળશે.’

‘આપણે સાવચેત રહેવું પડશે.’

‘કુમારપાલજી એ ગજેન્દ્રની આશાએ ત્યાં જતા લાગે છે.’

‘એ કહે છે, પહેલાં તો એ ગજ કળવો જ મુશ્કેલ છે!’

‘એમ? નગરી ઘણી મોટી છે. જૈન દેવાલયોનો પાર નથી. મારા એક-બે ઓળખીતા શ્રેષ્ઠી પણ છે. આપણે હવે તો ત્વરા કરો ક્યાંક કુમારપાલજી કાંઈકનું કાંઈક કરી ન બેસે! આપણે એ જોતાં રહેવું પડશે. એ જુવાન છે. નિરાશા પણ મળી છે. પોતાની શક્તિ વડે મહારાજને કેમ પોતે ન જીતે એનો જાણે અંત લેવા નીકળ્યા છે, જુઓ, શું થાય છે.’

ત્વરાથી બંને ઊપડ્યા. કાકભટ્ટને તો આ બધી વસ્તુ કુમારપાલના ભાવિ માટે શંકાસ્પદ લાગતી હતી. પણ ઉદયનના મનમાં ઘણી જ આશા લાગી, ‘કાકભટ્ટજી! આ જબ્બર જોગ, ચોક્કસ ભાવિમંગલનો સૂચક છે. હું હવે મહારાજનો માલવવિજય જોઈ રહ્યો છું. તમે પણ કહ્યું કે માલવરાજ જવાની વાત થતી હતી!’

‘હા.’

‘ત્યારે એ પણ ચોક્કસ મદનવર્માની મદદ યાચવા માટે જાય છે. મદનવર્મા તો યુદ્ધને જ ધિક્કારે છે. એ કોઈને મદદ નહિ કરે!’

આ વાત કરતા એ બંને કાંતિનગરીને પંથે  ઝપાટાબંધ ઊપડ્યા. એકાદ ટંકનો પંથ રહ્યો ત્યારે રાત રહી ગયા. સવારે વહેલી પ્રભાતે ઊપડ્યા. 

રસ્તાનું રૂપ થોડે જતા ફર્યું. બંને બાજુ પાણીના પ્રવાહ વહી રહ્યા હતા. એમાં ઠેરઠેર વનકુંજો દેખાતી હતી. રૂપાળા પાન્થાશ્રમો નજરે પડતા હતા. એક જગ્યાએ ઊંચી ધાર ઉપર એક સુંદર આરામછત્રી જોઇને ત્યાં થોડી વાર એ બેસી ગયા. 

પ્રભાત થયું. અજવાળું આવ્યું. પક્ષીઓ બોલવા માંડ્યા. મયૂરો ટહુક્યા. સૂરજકિરણાવલિએ પોતાની સોનેરી રેખા વડે આકાશને છાઈ દીધું. કાકભટ્ટ ચારે તરફ મનોહર રૂપભંડાર જોઈ રહ્યો.

એટલામાં ઉદયને કહ્યું: ‘કાકભટ્ટ! જુઓ, પેલી દૂર દેખાય તમારી સામે, સોનેરી કમળ ખીલ્યું હોય તેવી એ જ કાંતિનગરી!’

કાકભટ્ટ ત્યાં જોઈ રહ્યો. એનું મન ઘડીભર જે જોયું તે માનવાની ના પાડી રહ્યું હતું. ત્યાં મહાલયો, દેવમંદિરો, ઉત્તુંગ ગોપુરો, ને મહાપ્રાસાદોથી ઊભી રહેલી કાંતિનગરી ઊભી હતી.

પણ આટલે દૂરથી, જાણે આકાશમાં કોઈ સુવર્ણ વિમાન ઊડી રહ્યું હોય એવું સુંદર એની છટા જણાતી હતી. 

કાકભટ્ટ એ આંખો ભરી ભરીને જોઈ જ રહ્યો. 

બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED