Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 24

૨૪

દંડદાદાકે રસ્તો કાઢ્યો

કાકભટ્ટ કૃષ્ણદેવને મળ્યા પછી ફરીને આ ખબર એને કરવા ગયો હતો. પણે બહાર નીકળી ગયેલ. પ્રભાતે એને માટે ફરીને ગયો, પણ પત્તો ન મળ્યો. તે શિબિર તરફ ગયો. એને જોવાની એણે આશા રાખી હતી. પણ એ આવ્યો ત્યાં તો  બધી વાતની તૈયારી થઇ ગયેલી જણાઈ, બે-ચાર બ્રાહ્મણો આવીને મંડપમાં ઊભા રહી ગયા હતા. મંત્રીઓના હાથીઓ પણ બહાર ઝૂલી રહ્યા હતા. સૈનિકો વ્યવસ્થા માટે ચારે તરફ ફરી રહ્યા હતા. એણે કેશવને શોધ્યો પણ દેખાયો નહિ. મહારાજનો ઉત્તુંગ ગજરાજ એક તરફ ઊભો ઊભો પોતાના ગૌરવમાં આમતેમ ઝૂલી રહ્યો.

વખત તો ઝપાટાબંધ વહી રહ્યો હતો. કાકે ચારે તરફ દ્રષ્ટિ કરી પણ હજી મહારાણીબાની સાંઢણી ક્યાંય આવતી જણાઈ નહિ. પળ ચાલી જશે કે શું એની એને ચિંતા થઇ. એટલામાં એને સાંભર્યું કે કદાચ કેશવ સેનાપતિ એની રાહ જોતો હશે. એ જરાક સામે ચાલ્યો. થોડી વાર થઈને કેશવ સેનાપતિ દેખાયો. 

‘તમે કહ્યું તેમ હતું. પણ એને કોઈએ ચેતાવી દીધો જણાય છે!’ કેશવે કાકને જોતાં જ કહ્યું: ‘રાતે જ ભાગી ગયો લાગે છે!’

‘એમ? અત્યારે તો આપણે એક લપ ગઈ એમ સમજો ને. પણ મહારાજને મળવાય ન રોકાયો?’

‘ક્યાંથી રોકાય?’

‘તો આપણે પણ વધારે શું કામ હતું? ત્યાગભટ્ટ સહીસલામત છે નાં?’

‘એ તો એ સ્નાન કરીને આવે. પણ ચોર પકડવાનો રહી ગયો નાં?’

‘પકડીને અત્યારે આપણે રોકવો તો ભારે પડે તેમ હતો. ભયથી ભાગ્યો એ જ ઘણું છે!’

અત્યારે સમય ન હતો એટલે કેશવે વધારે વાત છેડી નહિ, પણ એના મનમાં અસંતોષ રહી ગયો હતો. કેશવની પાછળ-પાછળ કાકે પણ ત્યાં મહારાજના પરિષદખંડમાં પ્રવેશ કર્યો. 

ત્યાં એણે તમામ મહામંત્રીઓને દીઠા. કૃષ્ણદેવ પણ આંહીં હતો. મંચ ઉપર રાજગાદી પથરાઈ ગઈ હતી. મહારાજ પોતે ત્યાં બેઠા હતા. એની પાસે દંડદાદાક એક નાનકડી ગાદી ઉપર બેસીને મહારાજ સાથે કાંઈક મંત્રણા કરી રહ્યા હતા. કાકને હવે આ સમય ભારે કટોકટીનો લાગ્યો. ત્યાં પવિત્ર બ્રાહ્મણો હાજર હતા. સોમનાથનું જલ હાજર હતું, દરેકેદરેક મંત્રી જ એક પછી એક મહારાજના સાંનિધ્યમાં સોમનાથની સાખે, કુમારતિલક ત્યાગભટ્ટનો અત્યારે સ્વીકાર કરવાનો હતો, એનો અર્થ વ્યવહારુ રીતે તો રાજ્યાભિષેક સમાન થઇ જતો હતો. એટલે મહારાણીબા જો બરાબર સમયસર આવી નહિ પહોંચે તો બધું કર્યું, કારવ્યું ધૂળમાં મળવાનું હતી. આંહીં પ્રતિજ્ઞા લીધેલા તમામ મંત્રીઓ જો ત્યાગભટ્ટનો સ્વીકાર કરે તો પછી કાંઈ બાકી રહેતું ન હતું. વારંવાર ચિંતા ભરેલી દ્રષ્ટિએ, મહારાજની રાજગાદી પાછળ આવી રહેલા પશ્ચિમદ્વારમાંથી બહાર દ્રષ્ટિ કરતો, એ ત્યાં શાંત બેઠો. ક્યાંક સાંઢણી આવતી દેખાય છે? પણ હજી ત્યાં કોઈ ચિહ્ન ન હતું. આંહીં તૈયારી હતી. એણે કેશવ તરફ જોયું. જાણે કોઈ જીવનકાર્યની સિદ્ધિ મળી હોય એટલો આનંદ ત્યાં એના ચહેરા ઉપર બેઠો હતો. પોતાને દંડદાદાકજી પ્રથમ બોલાવે એની જાણે એ રાહ જોઈ રહ્યો હતો. 

એટલામાં ત્યાગભટ્ટ આવ્યો. એણે સ્નાન કરીને પવિત્ર વસ્ત્ર પહેર્યા હતાં. તે શાંતિથી આવીને દાદાકજીના પગ પાસે બેસી ગયો. 

મહારાજે ચારે તરફ દ્રષ્ટિ કરી. કોઈ અગત્યની વ્યક્તિ હવે બાકી ન લાગી. એમણે એક શાંત મૂંગી અર્થભરી દ્રષ્ટિએ તમામ મંત્રીઓને નિહાળ્યા; પછી ધીમેથી કહ્યું: ‘દાદાકજી આપણે જે માટે સૌને બોલાવે છે તે વાત ત્રણ વખત રજૂ કરી જુઓ, કોઈના મનમાં પછી વસવસો ન રહે.’

કાકભટ્ટે આતુરતાથી મહારાજની બેઠકની પાછળ રહેલા પશ્ચિમદ્વારમાંથી ફરીને બહાર દ્રષ્ટિ કરી. પણ હજી કોઈ કહેતાં કોઈ નિશાની ત્યાં ન હતી. તે અધીરી અશાંતિમાં બેસી રહ્યો. એ વિચારી રહ્યો હતો કે આ પળ નહિ જળવાય તો ઉદયને લીધેલી તમામ મહેનત અફળ જવાની. પળે પળે એ ચોરી ભરેલી દ્રષ્ટિ કરવા લાગ્યો. 

એટલામાં દંડદાદાકજી બેઠા થયા. ભીષ્મપિતામહ જેવો, ધોળા નિમાળામાં શોભતો, એનો ગૌરવ ભરેલો ચહેરો, એક વખત પટ્ટકુટીના ખૂણેખૂણાને માપી વળ્યો. પછી એમણે શાંત ધીમા ગંભીર અવાજે કહ્યું: 

‘મહારાજ પ્રત્યેની અંગત પ્રેમભરી રાજભક્તિ જેનામાં ન હોય, અને પોતાના અધિકાર પરત્વેની સેવાભક્તિથી જે જે આવ્યા હોય, તે આંહીંથી હવે વિદાય લઇ શકે છે! આપણું આજનું કામ એવા વિશ્વાસુનું છે.’

કાંકરી નાખી હોય તો એનો અવાજ સંભળાય એવી શાંતિ ત્યાં બે પળ વ્યાપી ગઈ. સૌ એકબીજા તરફ જોઈ રહ્યા હતા. પરિસ્થિતિની મૂંઝવણ મુંજાલ, મહાદેવ અનુભવી રહ્યા હોય તેમ જણાતું હતું. પણ સ્પષ્ટપણે ઊભા થવાનો અવિવેક કોણ કરે? મહારાજ પ્રત્યે અંગત પ્રીતિ ભરેલી રાજભક્તિનો કોણ ઇન્કાર કરે? એ શી રીતે થાય? અને એ પ્રીતિનો સ્વીકાર કર્યા પછી તો મહારાજની વાતને અનુમોદન આપવાનું જ રહેતું હતું. વાત કોયડા જેવી હતી. 

દંડદાદાકજીનો રૂપેરી રણકા જેવો, સ્વચ્છ, સ્પષ્ટ, ભાવભીનો અવાજ ફરીને આવ્યો: ‘કેવળ મહારાજ પ્રત્યેની સ્વજન જેવી પ્રીતિ જેમના હ્રદયમાં હોય, એમને માટે જ આજનો આ કાર્યક્રમ છે. રાજહિતની દ્રષ્ટિએ પણ, મહારાજપ્રીતિ જેમને ગૌણ હોય, એ કોઈ જાતના માનભંગ વિના હજી વિદાય લઇ શકે છે. મહારાજ જે પગલું લેવાના છે, એની એમને ખાતરી થઇ ચૂકી છે. અને તમામ સહાયકોને એ ખાતરી કરાવશે – ભવિષ્યમાં આટલું જાણ્યા પછી પણ જવાવાળા હજી ભલે!’ પણ એના જવાબમાં તો સૌ મહારાજ પ્રત્યે બે હાથ જોડીને નમી રહેલા દેખાયા. મહારાજ પ્રત્યેની અંગતપ્રીતિ જાણે સૌ મતે સર્વોપરી હતી. 

દંડદાદાકજીએ, એક વજ્ર જેવા બંધનથી સૌને જાણે બાંધી લેવાની ભૂમિકા આંહીં તૈયાર કરી દીધી હતી. એ હવે કાક અનુભવી રહ્યો. હરપળે એ મહારાણીબાના આગમનની પ્રતીક્ષા કરી રહ્યો હતો. બે પળ અત્યારે બે વરસ જેવડી હતી. 

દંડદાદાકજીએ ત્રીજી વાર કહ્યું: ‘આપણી નગરી પાટણમાં, સ્વજનપ્રીતિથી પ્રેરાઈને, મહારાજ કર્ણના અવસાન સમયે દેહ ધારી રાખવાનું દેવપ્રસાદજીને ન રુચ્યું એ જાણીતી વાત છે. આજની વાત પણ એવી જ છે. કેવળ એવા અંગત પ્રેમને માટે આ સભા છે. બીજા ભલે વિદાય લે. એમને માટે હજી રસ્તો ખુલ્લો છે.’

કોઈ સ્થાન ઉપરથી ફરક્યું નહિ, તરત દંડદાદાકજીએ એક બ્રાહ્મણને ઈશારત કરી. સોનેરી કુંભમાં ભગવાન સોમનાથનું જલ લઈને એ આગળ આવ્યો. 

દંડદાદાકજીએ પોતે બ્રાહ્મણને અને જલકુંભને બે હાથ જોડીને નમસ્કાર કર્યા.

બ્રાહ્મણ એમના હાથમાં જલ આપવાની તૈયારી કરતો હતો, એટલામાં મહારાજે ઉતાવળે કહ્યું: ‘દાદાકજી! ખમો.’

દાદાકજી એક ક્ષણભર થોભી ગયા – શું હતું એ જોવા.

મંચની પાસે એક તરફ આવીને, છાતી ઉપર માથું ઢાળી, એક પણ અક્ષર બોલ્યા વિના, બર્બરક ઊભો રહી ગયો હતો. એ બોલ્યો કાંઈ ન હતો, પણ મહારાજે એનો મર્મ તરત પકડી લીધો હતો.  

મહારાજની પ્રીતિપરીક્ષાથી છક્ક થઇ જતા દાદાકજીએ પણ બોલ્યા વિના જ મહારાજને પ્રણામ કર્યા, માથું નમાવ્યું ને બર્બરક તરફ એક દ્રષ્ટિ કરી. દ્રષ્ટિમાં જ એને ઉપર આવવાનું નિમંત્રણ હતું.

મહારાજની અંગત પ્રીતિભક્તિનો ખરો વારસો, દંડદાદાકજીની પણ પહેલો આ જંગલી બર્બરક સાચવી રહ્યો હતો, એ વાત મહારાજે આજે પ્રગટ કરીને, કેવળ ગુજરાતની ભૂમિમાં શક્ય છે એવી, સાચી પ્રેમસમજ દર્શાવી હતી; અણહિલપુર પાટણ નામ પડતાં મહારાજ વનરાજે એ પહેલાં બતાવી હતી. આજ મહારાજ સિદ્ધરાજે બતાવી. 

મોટા મોટા રાજભક્ત મંત્રીઓની પણ પહેલાં મહારાજને આ જંગલીએ પોતાના હ્રદયમાં સંઘર્યા હતા. એને મન હવે પોતાના દેવ નહિ – જાણે બાપ હોય, એવા બની રહ્યા હતા. નાના બાળકની માફક જ મહારાજને પડછાયે પડછાયે એ હંમેશાં ઊભો જ હોય! અત્યારે પણ એ આંહીં એક ખૂણે ઊભો રહી ગયો હતો. જ્યારે મહારાજની અંગત પ્રીતિભક્તિની વાત દાદાકજીએ કરી ત્યારે  સૌથી પહેલો આગળ આવ્યો. એ બોલી શક્યો ન હતો, પણ એને કહેવાનું હતું કે, ‘સૌથી પહેલો એમનો આ વરસો હું ધરાવું છું. એ મારો હક્ક છે. મને પહેલી પ્રતિજ્ઞા લેવા દો.’

મહારાજે એને ત્યાં દીઠો. અને તરત એમણે એનું હ્રદય જોઈ લીધું. દંડદાદાકજી જેવા મહાઅમાત્યની પણ પહેલાં, ત્યાગભટ્ટના કુમાર તિલક અભિષેકની પડખે ઊભા રહેવા ને જીવનસમર્પણની પ્રતિજ્ઞા લેવા એ આવ્યો હતો. 

મહારાજે એને ઉપર આવવા માટે સહેજ પ્રેમનિશાની કરી. 

બર્બરક ઉપર આવ્યો. સોમનાથ મહાદેવનું વંધ્યત્વ એ પ્રતિજ્ઞા-ભંગ માટે શાપરૂપે મુક્યું: પ્રતિજ્ઞાનું ઉચ્ચારણ કર્યું: ‘હું કુમારતિલક ત્યાગભટ્ટના અભિષેકનું પડખું પ્રાણાંતે પણ ન છોડું!’

બર્બરકે જલ અભિષેક માથે ચડવ્યો. ત્યાગભટ્ટને બે હાથ જોડીને એ નમ્યો, અને પછી ધીમેથી પોતાના સ્થાને, એક પડછાયાની જેમ, શાંત સ્થિર ગતિરહિત ઊભો રહી ગયો – જાણે એ ત્યાંથી ખસ્યો જ ન હોય!

ત્યાર પછી તરત વૃદ્ધઅમાત્ય દંડદાદાકજીએ સોમનાથની સાખે ત્યાગભટ્ટના અભિષેકને જ પોતાનું જીવનધ્યેય કહીને, મહારાજને ચરણે સમશેર ધરી.

હવે સેનાપતિ કેશવ ઊભો થયો. કૃષ્ણદેવ ઊંચોનીચો થઇ ગયો – પોતાનો હક્ક ખૂંચવાય છે એવો ડોળ કરતો: ખરી રીતે તો મહામોંઘી પળ વીતી રહી છે ને મહારાણીબા કાં આવતાં નથી, એનો શોક કરતો.

કેશવ સેનાપતિ પછી એનો જ વારો હતો.  

કેશવ સેનાપતિએ આગળ આવીને પોતાની સમશેર મહારાજને ચરણે ધરી. કુમારતિલક ત્યાગભટ્ટ માટે જાન ન્યોછાવરીની સોમનાથજળે પ્રતિજ્ઞા લીધી. મહારાજની આપેલી તલવાર લઇ એ ધીમેથી નીચે ઊતર્યો. 

કૃષ્ણદેવ માટે હવે બીજો રસ્તો ન હતો. તેને ઊભો થતો કાકભટ્ટે જોયો. એને મનમાં પગથિયાં ચડતો એણે નિહાળ્યો. એ રાજગાદી પાસે પહોંચ્યો. એણે મહારાજને ચરણ પોતાની તલવાર મૂકી અને બ્રાહ્મણને પ્રણામ કર્યા. બ્રાહ્મણે સોનેરી કુંભ ઊંચો કરીને જલધારાની તૈયારી કરી. બરાબર એ જ વખતે કાકભટ્ટની બહાર ફરતી દ્રષ્ટિએ રાણીબાની સાંઢણીને ઝોકારાતી જોઈ. અને એના અંતરમાં અધીરો વ્યાપી ગયો. બે ક્ષણમાં તો, એણે મહારાણીબાને મહારાજની બેઠકના પાછળના દ્વારમાંથી આગળ આવતાં દીઠાં. તે અતિ આનંદમાં આંખો મીંચી ગયો. ત્યાં જેવા તેવાનાં હાડ ધ્રુજાવી દેતો તેવો, ઉતાવળો, વ્યગ્ર, પણ સમર્થ અને સ્પષ્ટ અવાજ બહારથી આવતો એને કાને સંભળાયો: ‘દાદાકજી! ખમો, તમે આ શું આદર્યું છે?’

કાકની આંખ ઊઘડી ગઈ. કૃષ્ણદેવ આશ્ચર્યમાં હોય તેમ થંભી ગયો. બ્રાહ્મણની જલધારા આવતી અટકી પડી. દાદાકજીએ ઉતાવળે અવાજની દિશા તરફ જોયું. મહારાજે પાછા ફરીને એક દ્રષ્ટિ કરી, મંત્રીઓ તમામ ઊભા થઇ ગયા હતા. પાછળના દ્વારથી આવી રહેલ મહારાણીબાને રોકવા વ્યર્થ પ્રયત્ન કરતો દ્વારપાલ ત્યાં દ્રષ્ટિએ પડ્યો. હવે રોકવાનું કરવું નકામું છે. એ જાણીને એ બહાર જ ધ્રૂજતો ઊભો રહી ગયો હતો. એટલી વારમાં તો મહારાણી લક્ષ્મીબા પાછળના પગથિયાં ચડીને મંચ ઉપર જ સીધાં આવી ગયાં હતાં. એમણે એક તીક્ષ્ણ દ્રષ્ટિથી સૌને જાણે ભેદી નાખ્યા. અને કાંઈક તીખા, વેગભર્યા, ઉતાવળા પણ શક્તિશાળી અવાજે તરત પૂછ્યું: ‘આ બધું શું થાય છે, મહારાજ? દંડદાદાકજી! આ શું આદર્યું છે? ક્યાં છે મુંજાલ મહેતો? મહાદેવ ક્યાં છે! આ તમે શું કરો છો? સોમનાથનું જળ શું? આ પ્રતિજ્ઞા શી? આ શું ચાલી રહ્યું છે?’

મહારાણીએ આટલી ઉતાવળે વાતમાં વચ્ચે પ્રશ્નો મૂક્યા હતા કે પહેલાં તો આનો શો જવાબ વાળવો એની કોઈને ખબર ન પડી. અંતે દાદાકજી ધીમેથી બોલ્યા: ‘મહારાણીબા! આપને અન્યાય આપવા માટે આ નથી!’

‘ત્યારે તો મને ન્યાય આપવા માટે ભેગા થયા છો કાં?’ રાણીએ તીખાશથી કહ્યું, ‘પણ મેં તમારી પાસે ક્યારે ન્યાય માગ્યો છે દાદાકજી? આનકરાજ આમાં કેમ નથી?’

‘મહારાણીબા! આપ જરા શાંતિ રાખો તો વાતની સમજણ પડે!’ દાદાકજીએ ગૌરવથી કહ્યું. 

‘શાંતિ તો દાદાકજી! મેં ઘણી રાખી છે. આજ તમે આ ન આદર્યું હોત તો હું શાંત જ હતી નાં? તમે પરાણે બોલાવી છે. આ તમે આદર્યું છે શું? હજી તો હું જીવતી છું! મહારાજ! આ વાત તમે મને કરી નહિ? શું આ પાટણનું સિંહાસન આટલું બધું ગૌરવહીણું થઇ ગયું છે કે આવા મહત્વના પ્રસંગે એની રાણીનો એમાં અવાજ પણ ન હોય? આ રાજરીત ક્યાંની? આ રાજનીતિ તમે શીખવી દાદાકજી? અને આ છોકરો – આ આંહીં બેઠો છે. કૃષ્ણદેવજી?

રાણીએ વાત એવી ત્વરાથી – જાણે વાત તો પોતે જાણે જ છે એમ – ઉપાડી લીધી હતી કે, એનો જવાબ કોઈની પાસે ન હતો. મહારાજ જયદેવ પણ શાંત થઇ ગયા હતા. એમના મનમાં, કોઈક ઉતાવળ થઇ છે એવી વાત એકદમ આવી ગઈ. પોતાની પાસે પણ મહારાણીના પ્રશ્નનો પ્રત્યુત્તર ન હતો – સિવાય કે ભુવનેશ્વરીની સ્મૃતિની નિ:સીમ મધુરતા મહારાજ શી રીતે કહી શકવાના હતા કે કોઈક વખત – જીવનમાં ક્યારેક જ – બે પળનું જીવન એ બની રહે છે. ને લંબાતા વર્ષો એ કેવળ પડછાયા થઇ જાય છે. મહારાજ તદ્દન શાંત રહ્યાં.

કૃષ્ણદેવને પણ પ્રત્યુત્તર ન વાળવામાં ડહાપણ લાગ્યું. તે કાંઈ જ બોલ્યો નહિ. પણ મહારાણીબાએ તો ફરીને પૂછ્યું: 

‘કેમ કોઈ કાંઈ બોલતા નથી? આ સોમનાથજળ આંહીં કેમ લાવ્યા છો? મહારાજજી? આ છોકરો કોણ છે કૃષ્ણદેવજી?’

‘મહારાણીબા!’ કૃષ્ણદેવે પોતાના કાર્યની સિદ્ધિની તક હવે જોઈ. અનુમાનથી વાત ઉપાડી એણે બે હાથ જોડ્યા. એને લાગ્યું હતું કે એણે કાંઈક એવો પ્રત્યુત્તર આપવો જોઈએ કે આ વાત અત્યારે બીજી દિશામાં જાય. તો પછીની વાત પછી. એણે નમન કર્યું: ‘મહારાણીબા! એ પણ એક શક્તિશાળી જુવાન છે. આંહીં તો જુદ્ધના મામલા છે. કૈંકના ખપ પડે, કૈક વાત સાચવવી પડે, કૈંક રીતે સાચવવી પડે. એ ગજનિષ્ણાત છે, મહારાણીબા! મહારાજને આંહીં આ રણભૂમિમાં એનો ખપ પડ્યો છે!’

‘હેં મહારાજ?’ મહારાણીના કાનમાં ઉદયનના શબ્દના ભણકારા વાગી રહ્યા હતા: ‘તૂટે એટલું લંબાવતા નહિ બા! ગજનિષ્ણાત થઈને તો એ ભલે ને રહેતો.’ એટલે એણે આ વસ્તુનો તાર તરત પકડી લીધો.

જયદેવ મહારાજને તો આમ અચાનક આ વસ્તુનો આવો અંત આવશે એ ખ્યાલ પણ ન હતો. એને લાગ્યું કે આ ઘા પેલાં ખંભાતી વાણિયાનો લાગે છે. એણે રસ્તો બતાવી દીધો છે. પણ આ કૃષ્ણદેવના ઉત્તરમાં કાંઈક બીજી ભૂમિકા તૈયર થતી હતી, એમણે કહ્યું:

‘મહારાણી! એ રાજકુમાર આ રણક્ષેત્રના ગજસેનાપતિ છે!’ 

‘ગજસેનાપતિ? ઓહો! આટલી કુમળી વયમાં? એ કોના કુમાર છે, મહારાજ?’

‘મહારાણીબા!’ દંડદાદાકે હાથ જોડ્યા. ‘એ બધું સમય આવ્યે પ્રગટ થાશે. આંહીં તો રણક્ષેત્ર છે. બધું એકીસાથે પ્રગટ ન થાય!’

‘દાદાકજી!’ મહારાણીબાને ઉદયનના સ્વપ્નભણકારા હવે સાંભરી આવ્યા. એમણે એ વાત સ્પષ્ટ કરી નાખવામાં પોતાનું વધારે હિત દીઠું. ‘તે ભલે તમતમારે તમારાથી થાય તેટલી વાતો રણક્ષેત્રના ઓઠા નીચે ગોઠવી લેજો.’ જરાક તીખો કટાક્ષ કરીને પછી એમણે જવાબ ફેરવ્યો: ‘પણ વૃદ્ધ છો, અનુભવી છો, પંડિતજન છો; ચૌલુક્યવંશના સ્વજન જેટલા જ રાજભક્ત છે.’ મહારાણીબાનો અવાજ શાંત, ધીમો, અતિશાંત અને પછી ભાવભીનો થઇ ગયો હતો. ‘મારી એક અચળ શ્રદ્ધાની વાત મારે તમને કહી બતાવવાની છે. મહારાજ! તમારે પણ એ સમજવા જેવી છે. વડસસરા ભીમદેવ મહારાજે જે પ્રણાલિકા પાડી ને સસરા ક્ષેમરાજજીએ રાજગાદી તજી દીધી, એ કાંઈ અમસ્તી તજી દીધી નથી. મહારાજ! એ પ્રણાલિકા હજી આંહીંનું ગૌરવ જાળવી રહી છે! ને જાળવી રાખશે.’

‘દંડદાદાકજી! ભગવાન સોમનાથ જેવા મહાદેવ છે, અને હવે ભાવબૃહસ્પતિ જેવા એમને પ્રત્યક્ષ જોનાર પંડિત મહારાજને મળ્યા છે. મહારાજે તો એ ધજાનું ઉચ્ચતમ ગૌરવ સ્થાપ્યું છે – તમારી સૌની શ્રદ્ધા ડગી હોય તો ભલે, મારી ડગી નથી. હું તો ચૌલુક્યરાજની પરંપરાને આગળ ચાલતી આજ પણ નિહાળું છું. આ ઉતાવળું પગલું શા માટે લ્યો છે મહારાજ? આ પગલું તમે ભર્યું, અને દંડદાદાકજી! આવતી કાલે સોમનાથ પ્રસન્ન થયા... તો...? વિચાર કર્યો કાંઈ? તો કેટલો પશ્ચાતાપ હશે અને કેટલું ઘર્ષણ થાશે?

દંડદાદાકના દિલમાં મહારાજ પ્રત્યેની નિ:સીમ પ્રેમભક્તિથી આ વાત તો બેઠી જ હતી. અને એમાં મહારાણીબાનો ભાવભીનો અવાજ. એટલે એમને એની વધારે અસર થઇ ગઈ. એમણે મહારાજ સામે ધીમેથી જોયું. વાતને વધારે સ્ફૂટ કર્યા વિના, કોઈ પણ જાતનો વધારે રુચિભંગ કર્યા વિના, આટલેથી જ અત્યારે અટકાવાય તો ખોટું નહિ, એવી સમજણ એ દ્રષ્ટિમાં હતી.

ભાવબૃહસ્પતિને હજી શ્રદ્ધા હતી એ તો મહારાજે જ કહ્યું હતું. આજે લક્ષ્મીરાણીને પણ અચાનક એ જ વાત કરતી જોઈ એમની શ્રદ્ધા વધારે દ્રઢ થઇ. ઉદયને બરાબર જ્યાં જેટલી જોઈએ તેટલી વસ્તુ મૂકવાની ચીવટ રાખી હતી, એનું ફળ આવી રહ્યું હતું. કૃષ્ણદેવને તો મહારાણીના શબ્દોમાંથી ઉદયનની અજબ બુદ્ધિનો પરિચય મળી ગયો હતો. તે મનમાં ને મનમાં એને પ્રશંસી રહ્યો; અને જરાક ભય પણ પામ્યો. એણે આ વાતને એકદમ જ મહારાણીબા સ્વીકારી લે એવો એક વધુ પાસો નાખવામાં સિદ્ધિ જોઈ: ‘મહારાણીબા! આંહીં તો બધા નાણી જોયેલા મંત્રીશ્વરો છે, એટલે કહેવામાં વાંધો નથી. પણ અમારા સૌના જીવ તાળવે ચોંટ્યા છે. મહારાજે ‘જળસમાધિ’ની પ્રતિજ્ઞા લીધી છે એ તમને ખબર છે?’

‘હેં! શું? મહારાજ!’ મહારાણીબાનો અવાજ એકદમ અસ્થિર ને વ્યગ્ર હતો.

‘ત્યારે એ વાત છે બા! અમે તો વધારેમાં વધારે માન આપીને કોઈ એવો ગજસેનાપતિ લાવવા માગીએ છીએ કે, આ દુર્ગ મહારાજે જે દિવસે કહ્યો છે તે દિવસે તૂટે જ તૂટે. અમારા મોં ઉપર અમારે મેંશ નથી લગાડવી બા! એટલા માટે આ આજનો પ્રસંગ છે બા! આ તો રણક્ષેત્ર છે. આંહીં તો અનેક રમત હોય. તમે અધીરાં થાવ – પણ મહારાજને આધારે લાખ્ખોની સેના પડી છે એનું શું? આ કુમાર ગજવિદ્યાના મહાનિષ્ણાત છે!’

કૃષ્ણદેવની વાત વધારે અસર કરી ગઈ. મહારાણી લક્ષ્મી ત્યાં મહારાજની પાસે શાંતિથી બેસી ગયાં. એમણે વ્યથાથી કહ્યું: ‘મહારાજ! આ શું કહ્યું કૃષ્ણદેવે? શી વાત છે આ?’

‘મહારાણી!’ મહારાજે શાંતિથી કહ્યું, ‘આંહીં આ જુદ્ધમાં આ રાજકુમાર – અમારા ગજનિષ્ણાત બન્યા છે. એની પાસે સિંહનાદી વિદ્યા છે!’

‘એમ? ઓહો મહારાજ! એનું નામ તો મને કહો!’

‘એનું નામ ત્યાગભટ્ટ!’

‘ચારુભટ્ટ કહે છે તે આજ નહિ?’

‘હા, એ જ!’

‘ગજેન્દ્રનાથજી!’ મહારાજે ત્યાગભટ્ટને કહ્યું, ‘તમને આજે એક સદ્ભાગ્ય ફળ્યું છે. તમને તમારા કામમાં મહારાણીના પણ આશીર્વાદ મળે છે!’

ત્યાગભટ્ટજી સમજી ગયો. તે ઊઠીને ઊભો થયો, બે હાથ જોડીને મહારાણી લક્ષ્મીને નમી રહ્યો. 

મહારાણી લક્ષ્મીએ અજબ એવી સુરુચિ ધારણ કરી લીધી. એને બહુ ખેંચવું નહિ, એ ઉદયને આપેલું સૂત્ર હ્રદયે પૂરેપૂરું બેસી ગયું હતું. વળી મહારાજની પ્રતિજ્ઞાનો ભાર એને લાગ્યો હતો. એટલે અત્યારે આ બધું છિન્નભિન્ન નથી જતું હતું, એ એને માટે કંઈ ઓછું કામ ન હતું. એણે રુચિભંગ ન દેખાય માટે ત્યાગભટ્ટના માથા ઉપર પ્રેમથી હાથ મૂક્યો: ‘તમને શતયુદ્ધમા વિજય મળો. ગજાધિપતિરાજ! મહારાજ અધિકાર તો મેં કહી નાખ્યો, પણ એ બરાબર છે?’

‘બરાબર છે. તમારા આશીર્વાદે એમને સિદ્ધિ મળશે જ મળશે. એ અમારા હવે પછીના ગજાધિપતિરાજ બની ચૂક્યા છે. ત્યાગભટ્ટજી! આ લ્યો...’ મહારાજે સોનેરી મૂઠવાળી એક સમશેર એની સામે ધરી. 

વાતને આ પ્રમાણે તદ્દન નવો જ વળાંક મળતો સૌ જોઈ રહ્યા.

દંડદાદાકજીના મનમાં એક પ્રકારનો સંતોષ આવી ગયો લાગ્યો. કદાચ સોમનાથ પ્રસન્ન થાય – એવી હવા એમને સ્પર્શી ગઈ હતી. 

મહારાજને પણ એ જ હવાનો સ્પર્શ થયો હોય તેમ કૃષ્ણદેવને લાગ્યું.

પણ પોતે આજે પ્રતિજ્ઞામાંથી આબાદ બચી ગયો છે. એના મનમાં એનો ઊંડો સંતોષ આવી ગયો હતો. પણ સોમનાથ કરે, ને કુમારપાલજીનું ભાવિ જોર કરે, તો એણે આ બે – બર્બરક ને કેશવ –પ્રતિજ્ઞાથી ચારુભટ્ટના જે પક્ષકાર થાય છે, તેમનું જેવું તેવું ધ્યાન રાખવાનું નહિ રહે. એણે પોતાના મનમાં એવી ઊંડી નોંધ ટપકાવી રાખી. 

થોડી વાર થઇ અને મંચ ઉપર મહારાજના અનુષ્ઠાનની વાત ઊપડી. મહારાજ પંદર દિવસ એક અનુષ્ઠાનમાં બેસવાના હતા. એનું મુહૂર્ત પણ તરત હતું. માલવરાજે પંદર દિવસની સંધી યાચી હતી.

મહારાણી લક્ષ્મીબા એ પંદર દિવસ હવે આંહીં જ રોકાઈ જશે, એ નક્કી થયું. 

કાકને મનમાં ધરપત થઇ ગઈ કે ઉદયને એને જોખમમાં તો મૂક્યો હતો, પણ વાત બરાબર ધારી ઊતરી હતી.

થોડી વાર પછી એક શંખનાદે સૈન્યમાં જાહેર કર્યું કે મહારાજ હમણાં અનુષ્ઠાનમાં બેઠા છે. પણ કાકભટ્ટને નિરાંત ન હતી. એને આમાં ઊંડો ભેદ જણાયો હતો. 

તે દિવસે મધરાતે સોલંકી છાવણીમાંથી ત્રણ ઘોડેસવારોને ક્યાંક જવા માટે નીકળતા કાકભટ્ટે જોયા. અને એને ભેદ ઉકેલવા જેવો જણાયો. પછી એને શાંતિ વળી નહિ. આ ત્રણ સવારો કોણ હશે? ક્યાં જવા નીકળ્યા હશે? મહારાજનું અનુષ્ઠાન શું? એ જાણ્યા વિના એને અનાજ ભાવે તેમ લાગ્યું નહિ. ઉદયન આંહીં હતો નહિ. કૃષ્ણદેવને જણાવવા જતાં વખત જાય. કાકભટ્ટે તો તરત જ એમનો પીછો પકડવાનો નિશ્ચય કરી લીધો. આંહીં રણભૂમિમાં બંને પક્ષે પંદર દિવસનો ગાળો અરસપરસની સમજૂતીથી જાહેર થઇ ગયો હતો. એટલા દિવસ આંહીં માખો મારવાનો કાંઈ અર્થ ન હતો. મહારાજ અનુષ્ઠાનમાં બેઠા હતા. એણે તે જ ક્ષણે પોતાનો નિશ્ચય કરી લીધો. અને તે એકલો, એમને નજરમાં રાખતો, એમની પાછળ પડ્યો. કાકનો ઘોડો કમ ન હતો, પણ આગળ જતા સવારો પવનવેગી લાગ્યા. અદ્રશ્ય ન થઇ જાય એટલું અંતર જાળવતો એ અંધારામાં દિશા સાચવીને એમની પાછળ પાછળ આગળ વધતો રહ્યો.