Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 18

૧૮

મહાઅમાત્ય દંડદાદાકને ત્યાં

ઉદયન મહાઅમાત્ય દંડદાદાકને મળવા જઈ રહ્યો હતો એ દંડદાદાક, મહારાજની પાસે એક પ્રકારની અનોખી પ્રતિષ્ઠા ધરાવતા હતા. એ માત્ર મહાઅમાત્ય ન હતા, એનાથી કાંઈક વિશેષ હતા. પણ અત્યારે તો ઉદયનને એક નવી જ દ્રષ્ટિ મળી હતી. દંડદાદાક, ભાવબૃહસ્પતિ અને કેશવ એ ત્રિમૂર્તિ વિશે ઉદયનને લાગ્યું કે, એ ત્રણેને અવંતીનો પ્રાચીન ગૌરવશાળી વારસો પાટણમાં ઊભો કરવાની લગની છે. એ લગની તો મુંજાલ મંત્રીને પણ છે. પોતાને ક્યાં નથી? પણ એવી ઘેલી કલ્પનામાં કેટલાં જુદ્ધ કરવાં પડે ને એમાં પાટણ પોતે જ હતું ન હતું થઇ જાય, એવું કોઈ વ્યવહારુ સત્ય આ ત્રિપુટીની સમજણમાં આવ્યું હોય તેમ લાગ્યું નહિ. ઉદયનને તો એક વાત તાવી જોવી હતી. આ દંડદાદાક કાંઈ સમજે તેમ હોય તો આ ત્યાગભટ્ટવાળી વાતને પાછી ઠેલાવવી. નહિતર પછી મહારાણીબા તો છે જ. 

પોતે મહાઅમાત્ય ‘આ આવ્યું, આ આવ્યું,’ એમ કરતાં ગુમાવ્યું હતું એ એને યાદ આવ્યું. રાજા જયસિંહદેવ ભલે એને રાજમામા કહીને બોલાવે, પણ વિશ્વાસ એનો ઓછામાં ઓછો કરે, એ પરિસ્થિતિ મોજૂદ હતી એટલે એણે આ પાસો ખોલવામાં ધ્યાન રાખવાનું હતું. કુમારપાલજી ગાદી ઉપર આવશે કે નહિ આવે એવો મહાન પ્રશ્ન આમાં હતો. 

જે દંડદાદાકને મળવા જઈ રહ્યો હતો એ પણ સમજવા જેવી વ્યક્તિ હતી. કેટલાકનું યૌવન પ્રતાપી હોય છે. કેટલાકની વૃદ્ધાવસ્થા ભવ્ય હોય છે. દંડદાદાકને દેવોને દુર્લભ એવા એ બંને લાભ મળ્યા હતા. એમને કચ્છ જેવી રણભૂમિને સિંધપતિની સામે જાળવીને પોતાનો પ્રતાપ દાખવ્યો હતો. સંધ સામે ગુજરાતની મોટામાં મોટી રક્ષણદીવાલ હંમેશાં કચ્છની ગણાતી હતી. એ કચ્છના પોતે વર્ષો સુધી પશ્ચિમ દ્વારપાલ બનીને રહ્યા હતા, એનું દંડદાદાકને આજ પણ અભિમાન હતું.જ્યારે આ વૃદ્ધ વયે હવે એ મહારાજના વિશ્વાસુ મિત્ર બની ગયા હતા, ત્યારે ખરી રીતે તો નામમાં પણ એમને ‘મહાઅમાત્ય’ પદ લગાડાતું નહી. એ ‘દંડદાદાક’ કહેવાતા. અને દંડદાદાકમાં બધું આવી જતું. મહાઅમાત્યપદ તો ઊલટું એમની પાસે ઝાંખું થઇ જતું. એવા આ દંડદાદાક હતા. પાંડવકૌરવ સભામાં જે સ્થાન ભિષ્મ પિતામહનું ગણાતું એ સ્થાન એમને મળ્યું હતું. એમની ભવ્યતા જુદી જ હતી. પોતાનો બોલ મહારાજ જ ઉથાપી શકે એવી રીતે બોલવાનું સામર્થ્ય એમનું એકનું જ ગણાતું એટલે આંહીં માલવાના રણકેન્દ્રે એમનું આગમન ઉદયનને ઘણું સૂચક જણાયું હતું. 

ચૌલુક્યોની પરંપરાના એ પરમ ભક્ત હતા. એ પરંપરા અખંડ જાળવવાની એમને અચલ શ્રદ્ધા હતી. એ પરંપરા તૂટવી ન જોઈએ – એ એમનું જીવનધ્યેય હતું. એ તૂટી ન શકે એ એમની કલ્પના હતી.  

મહારાજના પછી ત્યાગભટ્ટને અધિકારી ગણવામાં એમની આ શ્રદ્ધા જ કામ કરી રહી હતી. એ જ યોગ્ય હતું એમ એ માનતા. 

એ કોઈની સાથે બહુ ભળતા નહિ. પોતાની અસ્પર્શ ઉત્તુંગ એકાકી ગૌરવ ભૂમિકા જાળવતું એમનું સ્થાન પર્વતરાજના ઉચ્ચતમ શિખર સમું હતું. એમનો નિશ્ચય એ પ્રશ્ન – ઉત્તરને અવકાશ ન આપતો. 

ત્યાગભટ્ટ એ ભવિષ્યનો મહાન ગુર્જર નરેશ્વર હતો, એવી શ્રદ્ધા એમને આ પહેલાં પણ વ્યક્ત કરી હતી. પ્રતાપદેવી, કેશવ સેનાપતિ અને ભાવબૃહસ્પતિ આ ત્રણેની કલ્પનાદોરી મહારાજ જયસિંહદેવ, પાટણના સિંહાસનને ઇન્દ્રાસન સમું મહામૂલ્યવાન ગણતા થયા. સિંહાસન ઉપર એ જ આવી શકે જે લોહીશુદ્ધ હોય, પરંપરાને જાળવવાની તાકાત ધરાવતો હોય, વિદ્યાની પેઠે અનધિકારી માટે એ સિંહાસન ન હોય. મહારાજ જયદેવ પોતાના સિંહાસનને વિક્રમી યશગાથાનો વારસો ગણતા થઇ ગયા, સિંહાસન એમને મન દેવમંદિર સમું એક પ્રતીક બની ગયું. 

ઉદયનને આ વાત ખબર હતી. ચૌહાણની દેરીએ આનકરાજની મળવાની વાત, એટલા માટે જ એણે સાધી હતી. પણ હવે તો મહારાજની આ વાત જાણ્યા પછી એને એક હજાર બાબત ઉપર ધ્યાન ચોંટાડવું હતું અને સમય તો પળભરમાં વહી રહ્યો હતો. 

આંહીં આવ્યા પછી દંડદાદાકને એ હજી મળ્યો ન હતો એટલે એક વખત એને મળી લેવાનું જરૂરી તો હતું જ. 

એમને મળવા જતાં આખે રસ્તે એને અનેક વિચારો આવ્યા. એક રીતે પોતે નજરકેદ જેવી અવસ્થામાં મુકાઈ ગયો હતો. એમાંથી પણ કોઈક રસ્તો કાઢવાનો હતો. મહારાજ એને હવે સ્તંભતીર્થ પાછો ફરવા દે એ અશક્ય જણાતું હતું.  કુમારપાલનો દરેક આધાર લઇ લેવાની નીતિમાં એ બંધબેસતું હતું. અને એ વાતનો તો બહુ અફસોસ ન હતો. 

એની જરૂર આંહીં હતી. અત્યારની પળેપળ કીમતી હતી. ત્યાગભટ્ટને કોઈ પ્રકારની રાજવંશી પ્રતિષ્ઠા મળી ગઈ તો એ વાત પછી ઉથાપવી શક્ય જ ન હતી. 

પોતે ઇંગનપટ્ટન તરફ હોવાની વાત આંહીં દંડદાદાક પાસે આવી હોય તો અત્યારની આંહીંની હાજરી વિશે ખુલાસો કરવો ભારે પડી જાય, એ વાત ઉદયનના લક્ષમાં હતી; એને માટે પણ એ તૈયાર હતો. વિજયાદીત્યની તરફ પોતાને રવાના કરવામાં આ ત્યાગભટ્ટની નિર્વિઘ્ન પ્રતિષ્ઠા સ્થાપવાનો  હેતુ એને સ્પષ્ટ દેખાતો હતો. દક્ષિણ દરવાજા વિશે તમામ માહિતી મલ્હારભટ્ટ પાસેથી ને બીજેથી મળી જ ગઈ હતી. ને હવે તો એવો મહાન ગજ આપવાની જ વાર  હતી. એટલે ખરી રીતે ઇંગનપટ્ટની કોઈ જ અગત્ય રહી ન હતી. 

દરમિયાન આ રણભૂમિમાં જ ત્યાગભટ્ટને કુમાર તરીકેનું ગૌરવ મળી જાય એ યોજના આંહીંની હોય એ હવે દીવા જેવું ચોખ્ખું જણાતું હતું. 

પછી  પાટણના વિજયોત્સવ-પ્રવેશ સમયે તો લોકના મનમાં રમતો થઇ ગયો હોય. 

કુમારપાલ માટે કોઈ અવકાશ પછી ન રહે; સિવાય કે રખડવાનો, એના બંને મોટા ભાઈઓ કીર્તિપાલ અને મહીપાલ તો ઠેંઠણેઠેં હતા. રાજા જયસિંહદેવ જેવો મહાન રાજા; વિદ્યાની પેઠે પવિત્ર મનાતા રાજસિંહાસનને એવાઓના હાથમાં સોંપે એ કોઈ પણ ન માને.

ઉદયનને આ વિચારસરણી એટલી તો સ્પષ્ટ રેખાવાળી હવે દેખાતી હતી કે એણે એક વખત ઉઘાડા પડીને પણ હવે આ વાતને ટાળવામાં જ સલામતી જોઈ લીધી હતી. એટલે એ ત્વરિત પગલે દંડદાદાકના શિબિર તરફ ઊપડ્યો. 

રાત્રિ ઠીકઠીક ગઈ હતી. પણ હજી રણક્ષેત્ર તો જાગતું હતું. 

કોઈ જગ્યાએ આવતી કાલના વ્યૂહની વાતો થતી હતી. ક્યાંક મોમલાદેવીના વીરત્વને અંજલિ અપાતી હતી. કોઈ ઠેકાણે વળી છાની-છાની પ્રતાપદેવી ને ત્યાગભટ્ટની વાતમાં પણ રસ લેવાતો હતો. માલવજુદ્ધ હવે પૂરું થાશે જ એમ ક્યાંક વાત ચાલતી હતી, તો બીજે હમણાંના જુદ્ધવિરામ વિશે વિસ્મયકારી ગપ્પાં પણ ચાલી રહ્યાં હતાં.

એક જગ્યાએ કેશવના એક ઓળખીતા સૈનિકને ઘસાઈને એ ગયો. પેલો થોભ્યો. પછી જાણે કોઈ સૈનિક છે એમ ચાલતો થયો.

ઉદયનને મનમાં ધરપત થઇ એને કોઈ ઓળખી શકતું હોય તેમ લાગ્યું નહિ. એટલે એ વધારે નિરાંતે આગળ વધ્યો. 

સૈનિકોના દિલમાં ત્યાગભટ્ટની માનસમૂર્તિ અવશ્ય ઊભી થઇ રહી હતી એ એણે હવામાંથી અત્યારે સાચું પકડ્યું! આવી માનસીમૂર્તિઓ અજેય થઇ પડે છે એ ઇતિહાસનું સત્ય એની દ્રષ્ટિએ ચડ્યું. એની મૂંઝવણ વધી. દંડદાદાક આટલે આગળ ગયેલી વાતને પાછી લેવામાં સંમત થાશે? એણે પણ કેશવ ને પ્રતાપદેવી પેઠે જ જૈનોના ઘેરાના એકહથ્થુ થતા જતા શાસનમાં વિપ્લવના ભણકારા લાગતા સંભળાતા નહિ હોય? એ પણ એ જ માન્યતા ધરાવતા હશે.

પડશે એવા દેવાશે કરીને એ આગળ તો ગયો. થોડી વારમાં દંડદાદાકનું શિબિર સામે જ દેખાયું, કોઈ બે સૈનિકો ત્યાં દ્વારનું રક્ષણ કરી રહેલા એની નજરે ચડ્યા. પણ એ બે-ચાર પગલાં આગળ ગયો ત્યાં કોઈએ દ્વારરક્ષકમાંનાં એકને બૂમ પાડેલી સંભળાઈ: ‘ધનુરભટ્ટ! તમે ત્યાં રહેજો ને નામભટ્ટને આંહીં મોકલજો જરા!’

ઉદયન ચાલતો હતો તે સ્થિર થઇ ગયો. એણે આસપાસ નજર કરી તો એક ઠેકાણે પથરાનો ઢગલો પડ્યો હતો. ત્યાં પાસે એક ઝાડ હતું. તે ધીમેથી ઝાડના થડને ઓથે સંતાઈ ગયો.

નામભટ્ટ આવતો જણાયો. બોલનાર કોણ હતો તે ખબર પડી નહિ.

‘છે, દંડદાદાકજી છે નાં અંદર?’ બોલનારે નામભટ્ટને પૂછ્યું. 

‘હા છે; કેમ?’ નામ ભટ્ટે કહ્યું.

‘એ તો જરા સેનાપતિરાજ જાણવા માગતા હતા. મહારાજ આવવાના છે!’

‘કોણ મહારાજ? ક્યારે આવવાના છે? અત્યારે?’

‘હા હા. કેમ અત્યારે ન આવે? તમને દંડદાદાકજીની મહત્તાનો ખ્યાલ ન હોય. પણ અમે તો જૂના જોગી છીએ. એ છે , તો રાજ છે. નહિતર તો આંહીં એકલા હોત એ... પીળા ચાંદલાં!

ભયંકર કટાક્ષ સાંભળીને ઉદયનને જરાક બોલનારને સીધો કરવાનું મન થઇ આવ્યું. પણ તે તરત સ્વસ્થ થઇ ગયો. 

બોલાવનારે નામભટ્ટને કાનમાં કાંઈક કહીને ક્યાંક મોકલ્યો લાગ્યો. થોડી વારમાં એ પોતે પણ ચાલ્યો ગયો. 

નામભટ્ટને એણે કાનમાં કાંઈક કહ્યું તે પોતાના વિશે તો નહિ હોય? એવી એક ભયંકર શંકા ઉદયનના દિલમાં ઊભી થઇ. પણ એ તો ત્વરિત પગલે દ્વાર તરફ જ ઊપડ્યો. ધનુરભટ્ટનું  નામ એણે આગંતુક સૈનિકને મોંએ સાંભળ્યું, એ મંદિરવાળો તો ન હોય? તો તો એનો ઉપયોગ કરી લેવી.

દ્વાર ઉપર જતાં પોતાનું અનુમાન સાચું નીકળ્યું. એટલે ઉદયનના આનંદનો પાર રહ્યો નહિ. ધનુરભટ્ટ મંદિરવાળો જ આંહીં આવી ગયેલો જણાયો. 

‘કેમ ધનુરભટ્ટ! કેમ છો? તેણે ઓળખતો હોય તેમ કહ્યું, ‘ઓળખ્યો મને?’

ધનુરભટ્ટ પહેલાં તો ચમકી ગયો. તરત એનો હાથ તલવાર ઉપર ગયો. 

‘બસ હાંઉ’કે એટલી વારમાં ભૂલી ગયા? અરે! ભલા માણસ, બીજું તો ઠીક આંહીં અમારા ત્રિભુવનપાલજીની ઓળખાણ પણ ન રહી? મને ન ઓળખ્યો? જરાક દંડદાદાકજીને મળવું છે. નીકળ્યો એટલે કીધું મળતો આવું!’

ધનુરભટ્ટને હવે સાંભર્યું. કાકની સાથે હતા તે જ આ સ્તંભતીર્થના મંત્રીશ્વર.

તેણે ખસીને માર્ગ દીધો: ‘પણ મહારાજ આવવાના છે એમ સમાચાર આવ્યા છે!’

‘હું તો આ મળ્યો ને આ ભાગ્યો. તમને ત્રિભુવનપાલજીનું પેલું પરાક્રમ સાંભરે કે?’ ઉદયને એને વાતમાં રોક્યો. ‘પોતે ગાંડા હાથીને વશ કરવા એકલા દોડ્યા હતા તે?’

‘અરે મંત્રીરાજ! એ જમાનો... એ ગયો!’ ધનુરભટ્ટે ભૂતકાળનો મહિમા ગાતાં હાથ ખંખેર્યો, ‘હવે તો પ્રભુ! આ થોડા નીકળી જાય... હમણાં બાબરું આવ્યું બતાવું!’

ઉદયનને જે જોઈતું હતું તે જ એના હ્રદયમાં બેઠું હતું.

‘હા હા હા!’ તે મીઠું હસ્યો, ‘શું જમાનો છે ભટ્ટરાજ! મારા તમારા જેવા જૂના સંસ્મરણો વડે જીવીએ એટલું જ. ઠીક લ્યો ત્યારે... આ હું ગયો કે આવ્યો.’

ઉદયને એક ડગલું અંદર મૂક્યું, અને તરત પાછો ફર્યો: ‘ઠીક સાંભર્યું. કઈ બાજુથી પેલી તરફ નીકળી જવાશે? બાબરું આવે તો મારે એનું મોં જોવું ન પડે!’

ધનુરભટ્ટે સમજણ આપી. ઉદયન કાંઈક સંભારતો હોય તેમ કહ્યું: ‘અરે! પણ ભટ્ટરાજ! મારે તમને આ આપવાનું હતું તે તો હું ભૂલી જ જતો હતો. ત્રિભુવનપાલજીની આંગળી ઉપર રમતું હતું હો – આ નંગ... હવે એ તમારા હાથ ઉપર જ શોભે. તમને રોમેરોમ ત્રિભુવનપાલજીનો નાદ છે. મને તો કાકભટ્ટજીએ આજે કહ્યું, ત્યારે ખબર પડી. ત્રિભુવનપાલજીના હાથ ઉપર હતી એટલે તમને આપી છે હા! હવે કોઈ વખત તમને બોલાવીને જૂની વાતો સાંભળશું. ઠીક, ચાલો ત્યારે, આ હું આવ્યો...’

ઉદયને ધનુરભટ્ટના હાથમાં એક વીંટી ધીમેથી સેરવી દીધી. પોતે અંદર જવા ઊપડ્યો. 

ધનુરભટ્ટને થોડી વાર પછી સાંભર્યું કે એના અંદર પ્રવેશ માટે અનુજ્ઞા તો મેળવવી જ રહી ગઈ હતી! તે હાંફળોફાંફળો એની પાછળ અંદર દોડ્યો. પણ એટલી વારમાં તો મહારાજની સવારીનો પડઘો સંભળાયો.

એટલેતે પાછો દ્વાર સાચવવા દોડ્યો.