Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 12

૧૨

ઉદયન મહારાજને મળે છે

બીજે દિવસે ઉદયન ઊઠ્યો ત્યારે હજી એના મનમાં આનકરાજવાળી વાત ઘોળાઈ રહી હતી. એણે વિચાર કર્યો કે એકલા આનકરાજનું આમાં ગજું નથી. કૃષ્ણદેવને કાને એણે હજી વાત નાખી ન હતી. એટલામાં તો કૃષ્ણદેવ જ તૈયાર થઈને આવતો લાગ્યો. ‘કેમ મહેતા! તમારે મહારાજને મળવા  જવું નથી કે શું?’

‘અરે! આ આવ્યો, કૃષ્ણદેવજી! પણ મહારાજ પૂછે તો શું પ્રત્યુતર વાળવો તેની મનમાં ગાંઠ વાળતો હતો! મહારાજ પાસે કુમારપાલજીની વાત અવશ્ય આવી ગયેલી હોવી જોઈએ. અને પેલો ભામણો પણ પાછો આંહીં તો દેખાણો જ નથી!’ 

‘એ તો હવે દેખાઈ રહ્યો! મહારાજ પાસે પહોંચ્યો હશે. એ દેખાય? રાત્રે તો પછી તમે બહુ મોડા આવ્યા.મને હઠીલાએ કહ્યું. ક્યાં કાંચનબાને મળવા ગયા હતા?’

‘કાંચનબા ક્યાં છે અહીંયા? આનકરાજ સાથે જૂની ઉખેળીને બેઠા’તા. એમને પણ હમણાં તો આ જ ચિંતા છે! આપણે આનકરાજને મળવાનું છે!’ ઉદયને સહેજ વાત કરતો હોય તેમ કહ્યું.

‘આપણે? કેમ?’ કૃષ્ણદેવને આશ્ચર્ય થયું.

‘મેં એણે થોડોક પિગાળ્યો છે. સમજ્યો લાગે છે. જેમજેમ વખત જાય છે, કૃષ્ણદેવજી! તેમતેમ આ ત્યાગભટ્ટવાળું મજબૂત બનતું જાય છે!’

‘બનતું જાય છે કે બન્યું છે? પણ એમાં આનકરાજ શું કરવાના હતા?’

‘કહું? આ અજમેરિયા આંખમાંથી કણું કાઢે તેમ માણસને ઉપાડી લે છે. એ કળા એમની છે. આનકરાજને સ્વાર્થ છે. આંધળુકિયા કરશે. ત્યાગભટ્ટને આખો જ અલોપ કરી દ્યો! આપણે આનકરાજને સાધીએ તો એ થાય!’

કૃષ્ણદેવ ચોંકી ઊઠ્યો. આ વાણિયે એક રાતમાં રસ્તો તો ખરેખરો ગોતી કાઢ્યો હતો. જરાક ઝીણી આંખ કરીને એ વિચાર કરતો હોય તેમ, પોતાની મૂછ ઉપર હાથ ફેરવી રહ્યા.

‘શું વિચાર કરો છો? આંહીંની વાતમાં તમને પૂછ્યા વિના હું પાણી પીઉં તેમ નથી.’

‘આ જુક્તિ તમને કોણે આનકરાજે કહી?’

‘કહી કોઈએ નથી. મારા મનમાં ઊગી નીકળી. આજ આપણે પ્રહર રાત્રિ વીત્યે ચૌહાણની દેરી પાસે એને મળવું એમ વાત થઇ છે. એની પાસે અજબ જેવા સાંઢણીસવારો છે!’

‘પણ ઉદયનજી! એ આહીંથી ત્યાગભટ્ટને ઉપાડી શકશે? ક્યાંક મફત ફજેતો કરે નહિ! ને જો પગેરું નીકળશે ત્યાં, તો તમે ને હું બેય ભોંય ભેગા થઇ જાશું એનું શું? આંહીં સામે જયદેવ મહારાજ છે ને સેનાપતિ કેશવ છે! હું માંડમાંડ શંકાથી પર રહ્યો છું, એ જો ટળી જાશે તો કુમારપાલજીનું રખડી પડશે!’

‘પણ આપણે, એ કરતો હોય તો, આંખ આડા કાન તો કરો! વખત છે ને રાખવું એવું કે જો કોઈ આડુંઅવળું થાય તો અડિયોદડિયો જાય એના માથા ઉપર! આપણે કહી દેવાનું છે કે આ તારો... પ્રતિસ્પર્ધી. ઉપાડી લે! એટલું જ.’

‘વાત તો સોળ વાલ ને એક રતી. પણ એ આનકરાજને તમે ઓળખો છો?’

‘ભૂખ એવો. તમે ઓળખાવજો. આપણે તો એના જડસુ સ્વભાવનું કામ છે; બીજી કોઈ વાતનું કામ નથી.’

કૃષ્ણદેવ ખુશ થતો જણાયો. એ જરાક રંગમાં આવ્યો. 

‘ત્યારે તો તમે એને સમજી ગયા છો એમ કહો ને!’

‘વધુ સમજવા માટે તો તમને લઇ જવાનાં છે. આપણે તો એને હોળીનું નાળિયેર બનાવવો છે. આ ત્યાગભટ્ટવાળું તે વિના બીજી કોઈ રીતે નહિ ટળે ને એક વખત જો લોકક્લ્પનામાં એનું નામ રમતું થઇ જાશે, તો તો પછી એને કોઈ ઉખેડી નહીં શકે. અત્યારે જ થોડોઘણો તો એ લોકોનો માનસકુમાર થઇ પડ્યો છે.’

‘અને એમાં હવે જો એને ગજનિષ્ણાત તરીકેની નામના મળશે, તો તો એ યોદ્ધાઓમાં પણ અગ્રણી થઇ પડશે!’

‘હં, ત્યારે? એ પણ આજકાલમાં થશે.’

‘આજે કે કાલે કે પછી. પણ મહારાજ એનું નામ પ્રગટ કરશે આ તો જયદેવ મહારાજ છે. એને કુમાર તરીકે લાવશે તે પહેલાં તૈયારી પૂરેપૂરી કરશે.’

‘તો તો આપણે આ ટૂંકો મારગ જ લેવો પડશે. તમને કેમ લાગે છે?’

‘સાંગોપાંગ પાર ઊતરે તો. નહિતર થાય ફજેતી!’ 

‘પાર તો, આનકરાજને પોતાને પોતાની ક્યાં પડી નથી? પણ આપણે તો એવું રાખવું કે એ પાર પડે તો કુમારપાલજીના મારગમાંથી એક કાંટો ગયો. ન પાર પડે તો આનકરાજજી માથે હાથ દઈને રુએ ને એ પણ કાંટો હતો બીજો, માટે એ ગયો. આપણે એ રીતે ગોઠવો તો વાંધો નહિ આવે!’

‘પણ આનકરાજ જોખમ સમજે છે?’

‘સમજતો જ હશે નાં? ન સમજતો હોય તો આપણે શું? આપણે તો એને કાંટો વચ્ચેથી ગ્યો તેમ સમજવું!’

કૃષ્ણદેવ વિચાર કરી રહ્યો. તેણે થોડી વાર પછી કહ્યું: ‘આપણે હઠીલાને તૈયાર કરીએ. એ ઘડીના છઠ્ઠા ભાગમાં એને અજમેર ભેગા કરી દેશે! આપણી ભેગો એને લઇ લેશું. ભુવનેશ્વરીના મંદિર તરફ કેશવની હિલચાલ વધી ગઈ છે. એટલે ચોક્કસ ત્યાં કાંઈક ગોઠવણ થતી હશે. ત્યાગભટ્ટ ત્યાં હોવો જોઈએ. પણ હવે આનો એક પણ ઈશારો ક્યાંય ન કરતા.’

પણ ઉદયનને મોટામાં મોટી ચિંતા તો મલ્હારભટ્ટની હતી. એણે મહારાજ પાસે શું બાફ્યું છે એ જાણવામાં ન આવે ત્યાં સુધી પોતાનો માર્ગ સ્પષ્ટ થયો ન હતો. 

થોડી વારમાં જ એ કૃષ્ણદેવની રજા લઈને મહારાજને મળવા ઊપડ્યો.

પણ એ થોડેક આગળ ગયો હશે ત્યાં એણે કેશવને આ તરફ આવતો જોયો. તે એની તરફ જ આવી રહ્યો હતો. 

ઉદયનને જોતાં આશ્ચર્ય થયું હોય તેમ એ થોડી વાર થોભી ગયો: ‘અરે મહેતા! તમે છો? તમને તો મહારાજ યાદ કરી રહ્યા છે! મલ્હારભટ્ટને જોયો?’

‘મલ્હારભટ્ટને? ના.’

‘મંત્રીશ્વર, ચાલો! ત્યારે તો આપણે. આપણે મહારાજ પાસે જલ્દીથી જવાનું છે. પણ કાલે તમને પૂછવું રહી ગયું: તમે ક્યાંથી સ્તંભતીર્થથી આવ્યા કે ભૃગુકચ્છથી? મલ્હારભટ્ટ તો ભૃગુકચ્છનો છે!’

‘હું આવ્યો સ્તંભતીર્થથી. કેમ?’

‘કુમારપાલજી ત્યાં નથી? તમને તો દૂત મોકલ્યો’તો કહેવરાવવા કે ગજનિષ્ણાતોનો આંહીં ખપ છે, ને કુમારપાલજીને લાવવા. કુમારપાલજીને મૂકીને તમે આવ્યા છો કે લઈને? કુમારપાલજી જેવાની તો અત્યારે આંહીં જરૂર છે! કુમારપાલજી ક્યાં છે હમણાં?’

‘સેનાપતિજી!’ ઉદયને અધિકારથી કહ્યું, ‘મહારાજને એ સમાચાર દેવા જ હું અત્યારે જઈ રહ્યો છું! મહારાજે જ મને બોલાવેલ છે!’

કેશવે એનો પ્રત્યુતર ન વાળતાં ભળતો જ પ્રશ્ન કર્યો: ‘તમારે આંહીં રોકાવું છે હમણાં?’

‘હું તમારી પેઠે આજ્ઞા ચડવું મહારાજની; નિર્ણય તો મહારાજ જે આપે તે.’

‘મહારાજની પ્રતિજ્ઞાનું તો તમે કાલે સાંભળ્યું નાં?’

‘એ સાંભળ્યું, એટલે તો મારે કાંઈક મહારાજને એકાંતમાં કહેવું છે! મલ્હારભટ્ટે કાંઈક કહ્યું હશે નાં મહારાજને?’

‘મળ્યો એટલે કહ્યું તો હશે જ નાં!’ કેશવે કહ્યું, ‘તમે એને આ રસ્તાની ઓળખાણે ઓળખો કે તે પહેલાંની ઓળખાણ?’

‘એ વાત પછી કરીશું, અત્યારે મારે મહારાજને અગત્યના સમાચાર આપવાના છે, સેનાપતિજી!’

પોતપોતાની ગડમથલમાં હોય તેમ બંને શાંત ચાલતા રહ્યા. થોડી વારમાં મહારાજનો શિબિર દેખાયો. કેશવે એક સૈનિકને કાંઈક નિશાની કરી. તે એકદમ અંદર દોડ્યો ગયો. પળ બે પળમાં જ એ કેશવ પાસે આવ્યો: ‘મહારાજ બોલાવે છે!’

ઉદયન એકલો મહારાજને મળવા આગળ ચાલ્યો. પણ આજ એના સંકલ્પવિકલ્પનો પાર ન હતો. એક પળભર તો એનો પગ મહારાજની પટ્ટકુટીની બહાર થંભી ગયો. જે વિચાર એને કાલે મળવા આવતાં ઉદભવ્યા હતા તે વિચાર પાછા ઊભરાયા.

આંહીં જયસિંહદેવ મહારાજ, ખેંગારવિજેતા, ગુર્જરેશ્વર અંદર હતા. એની પાસે એની એક અનોખી સંસ્કાર-પ્રણાલિકા હતી. એણે એક અદ્ભુત મહાકાવ્યને ગુજરાતભરમાં જીવંત બનાવ્યું હતું. એણે વિદ્યાને ગુજરાતમાં આણી હતી. એણે લક્ષ્મીને આંહીં રમતી કરી હતી. એણે રંકમાં રંકની ઝૂંપડીમાંથી પણ વીરશ્રીને પ્રગટાવી હતી. એને યુદ્ધનો થાક ન હતો. વિદ્યાનો થાક ન હતો, સમૃદ્ધિનો થાક ન હતો. સંસ્કાર વિશેની એની ભવ્યતા પાસે તો ખુદ ઈન્દ્રદેવ પણ માથું નમાવે. 

વિક્રમની પ્રણાલિકા સ્થાપવાના એને જુવાનીથી કોડ હતા. આજ એની ગણના વીર વિક્રમ સાથે જ થઇ રહી હતી. એણે પોતાનું રાજ એકચક્રી અને સમર્થ બનાવ્યું હતું, એણે પરદુઃખભંજન માટે રાત ને દિવસ ગણ્યાં ન હતાં. એનો ન્યાય કેવળ ધર્મરાજ સાથે સરખાવાતો. એની હાજરી એક મહાન સામર્થ્ય મનાતું, અને એવો જ સમર્થ વારસો પાછળ મૂકતા જવો હતો. એની મોટામાં મોટી અભિલાષા એ હતી. ઉદયનને એના પ્રતાપની ખબર હતી. વન કેસરીની ગુફામાં જતો હોય તેમ ઉદયન ક્ષણભર ધડકતે હ્રદયે ત્યાં ઊભો રહી ગયો. પછી તેણે અંદર પ્રવેશ કરવા પગ ઉપાડ્યો. 

અંદર પટ્ટકુટીમાં સામેના એક વિશાળ રેશમી ગાદીતકિયા ઉપર બેઠેલા મહારાજ સિદ્ધરાજને ઉદયને જોયા.

ઉદયનને લાગ્યું કે એમનો પ્રતાપ હજી સહન ન થઇ શકે એવો આકરો હતો. જોકે એમની  યુવાવસ્થા પૂરી થઇ ગઈ હતી. પણ નવું યૌવન જાણે હજી હમણાં જ પ્રગટ્યું હોય એમ જણાતું હતું. એટલી બધી તેજસ્વિતા એમની મુખમુદ્રા ઉપર રમી રહી હતી. એમનો ગર્વ, એમનું ગૌરવ, એમની વિનમ્રતા, અને એમનો સંસ્કાર-સઘળાં વિરોધાભાસી લક્ષણો, મહારાજે પોતાના પ્રિય દેવ ભગવાન સોમનાથમાંથી જાણે ભેગાં કર્યા હોય એમ લાગે. દ્રષ્ટિની એમની નિર્મળતા એક પળભર આકર્ષે, પણ  બીજી જ પળે એમનો પ્રકાશ આંજી નાખે. ઉદયન એની મહત્તાને ક્ષણભર વિચારી રહ્યો. એમણે અનેક યુદ્ધો જોયાં, અનેક યજ્ઞો કર્યા, અનેક પ્રવાસો ખેડ્યા, અનેક મંદિરો બાંધ્યા, અનેક  જળાશયો ઊભાં કર્યા, અનેક મિત્રો બનાવ્યા, અનેક શત્રુઓને હણ્યાં અને છતાં એમાંના કોઈનો લેશ પણ થાક ત્યાં ન હતો. એક ક્ષણે એ સામાન્યમાંના એક લાગે; પણ બીજી જ ક્ષણે એ કોઈ ભવ્ય પર્વતના ગગનગામી શિખર સમા લાગે. 

મૂર્તિમંત પૌરુષ અને પ્રતાપ જાણે એમનામાં ત્યાં બેઠાં હતાં. ઉદયન પળભર જોઈ જ રહ્યો.

એક ખૂણામાં સ્ત્રીસૈનિકો ત્યાં શાંત ઊભી રહી ગઈ હતી. પાછળ પાષાણની પ્રતિમા હોય તેવો બર્બરક ઊભો હતો. પોતે તો ત્યાગભટ્ટને ઊપાડીને મહારાજની યોજના વિફળ કરે ત્યારે પણ એક સહેન નિશાની થતાં, આ બર્બરક એને ઘડીના છઠ્ઠા ભાગમાં ક્યાંનો ક્યાં ઉપાડી જાય તેમ હતો. એને ઘડીભર પોતાની લઘુતા જાણે ડારી રહી. પણ એ જીવડો ધર્મનો હતો. એ ધ્વજ કરતાં દુનિયામાં વધારે મહાન કાંઈ નથી એમ એ અંત:કરણથી માનતો. એ નિશ્ચયમાંથી એ બળ મેળવતો. તે તરત સ્વસ્થ થઇ ગયો. બે હાથ જોડીને મહારાજને એણે પોતાનું મસ્તક નમાવ્યું.

‘મહેતા! તમે ક્યારે કાલે આવ્યા?’ જયદેવે એને જોતાવેંત કહ્યું, ‘કુમારપાલ? કુમારપાલ આવેલ નથી?’

‘ના, મહારાજ!’ ઉદયને શાંત અવાજે કહ્યું. 

‘કેમ?’ જયદેવનો અવાજ સ્વસ્થ હતો. પણ સ્વરભાર ધ્રુજાવે તેવો હતો. 

એક પળભર ઉદયન થંભી ગયો: ‘મહારાજ! કુમારપાલજી મારી સાથે જ આવી રહ્યા હતા. પણ રસ્તામાંથી મેં જ એમને દક્ષિણ તરફ રવાના કરી દીધા!’

‘તમે?’

‘હા મહારાજ! મેં. આંહીં એ આવ્યા હોત તો એમનું અકાલ મૃત્યુ થાત, આપનો પરાજય થાત, અને દુશ્મનોને અનહદ આનંદ થાત!’ 

‘ઓહોહોહો! આટલું બધું?’ જયદેવ મહારાજે મજાકમાં કહ્યું.

મહારાજે આ વાતને આટલી સહેલાઈથી ઉડાડી દીધી એની ઉદયનને નવાઈ લાગી. એમાં એને ભેદ પણ લાગ્યો. તેણે વધારે સ્પષ્ટ થવાની તક લીધી. 

‘મહારાજ! આપણે અત્યારે મોટામાં મોટા જુદ્ધમાં પડ્યા છીએ. આ યુદ્ધની જીત એટલે ભારતભરમાં આપણું ગૌરવ. કુમારપાલજી ન આવ્યા – તો એક ઘર્ષણ અટક્યું. તમે કુમારપાલજીને ઈચ્છી રહ્યા છો, પણ મહારાજ! આનકરાજ કુમારપાલને ઈચ્છે ખરા? અને કોને ખબર છે, કાલે ભગવાન સોમનાથ શું કરશે? અત્યારે આપણે ગજનિષ્ણાતોનું કામ છે, તો એનું જ ગાણું કરો ને!’

‘છે કોઈ તમારી જાણમાં?’

‘મેં સાંભળ્યું છે કે એક અદ્ભુત ગજનિષ્ણાત તો આંહીં છે!’

‘આંહીં?’

‘મહારાજની પાસે!’

‘હાં, હાં, એ તો પેલો ત્યાગભટ્ટ. એ ગજનિષ્ણાત છે ખરો. પણ કુમારપાલને તમે લાવ્યા હોત!’

‘મહારાજ! એ પણ આવશે, કે નહિ આવે? કૃષ્ણદેવજી આંહીં છે, મહારાજને એમનો ખપ હોય તો આપણે કોઈને મોકલીએ દક્ષિણ તરફ, તો હજી એ દોડ્યા આવે! પણ મહારાજ! આપણે એક જોવાનું છે. આનકરાજજીને એમનો મેળ-પત્તો નહિ ખાય. કિરાડુ, નડૂલ, આબુ, ભિલ્લરાજ, કોઈ ને કોઈ અજમેરની પડખે આંહીં થઇ જાય એ પણ ઠીક નહિ. એટલે કુમારપાલજી આંહીં ન હોય એ આપણા માલવીજુદ્ધ માટે તો જરૂરી છે. પછી મહારાજની જેવી ઈચ્છા. મહારાજ મને આજ્ઞા આપે – તો હજી હું જવા માટે તૈયાર છું. ક્યાંય બહુ આઘાપાછા એ ગયા નહિ હોય!’

ઉદયને જાણી જોઇને મહારાજની પોતાની જે અનિચ્છા હતી તે વાતને આગળ કરી તેને માટે તૈયારી બતાવી. કુમારપાલને પોતે જ નસાડ્યો છે એ કબૂલી લઈને મહારાજના ગુસ્સાનું કારણ જ ઉડાડી દીધું. ગમે તે વખતે કુમારપાલ આને લીધે આવશે, એ આશા ઊભી કરી પોતાનું સ્થાન વધારે સ્થિર કર્યું. પણ જયસિંહદેવ ઘણો ચતુર હતો. એ ઉદયનની વાત સમજી ગયો. તેણે એક તાળી પાડી. બે પળમાં જ પડખેથી મલ્હારભટ્ટ નીકળી આવ્યો. 

ઉદયન ચમકી ગયો. પણ તેણે તરત સ્વસ્થતા મેળવી લીધી. 

‘મલ્હારભટ્ટ! આમને તું ઓળખે છે કે?’

‘હોવે મહારાજ! કેમ નહિ? અમે તો સાથે આવ્યા ને! એ જ તો સ્તંભતીર્થના મંત્રીશ્વર ઉદયન મહેતા!’ મલ્હારભટ્ટે હાથ જોડીને કહ્યું. 

ઉદયનના પેટમાં ધ્રાસકો પડ્યો. મહારાજની મજાકનું રહસ્ય હવે સમજાયું. આ મારો બેટો ભામણો ક્યાંક ભાંગરો વાટે નહિ. એણે કુમારપાલ સાથેની વાત ક્યાંય સાંભળી તો લીધી નહિ હોય? પણ એટલામાં તો મહારાજે કહ્યું: ‘મહેતા! તમે ને મલ્હારભટ્ટ એકબીજાને ઓળખો છો, એ સારું થયું. અજાણ્યા હોત તો વાંધો આવત.’

આથી તો પેટમાં તેલ રેડાયું. કૃષ્ણદેવ કહેતો હતો કે સામે જયદેવ મહારાજ છે, એનો ખરો અર્થ ઉદયનને હવે સમજાવા મંડ્યો. એક દિવસ પણ, આંહીં પોતે પગ માંડે તે પહેલાં જ એણે પગ નીચેથી રેતી સરકતી જોઈ. ઘડીભર તો એ મંત્રમુગ્ધ થઇ ગયો. અત્યારે જયદેવ મહારાજના સાચા પ્રતાપનું એને ભાન થઈ ગયું. એટલામાં મહારાજ બોલ્યા:

‘તમે બંને આંહીં સાથે આવ્યા તો જુદ્ધનો નિર્ણય કરી નાખે એવું એક પગલું મારે તમને બંનેને સાથે સોંપવું છે!’

‘મહારાજ... પણ ત્યાં સ્તંભતીર્થમાં...’

‘સ્તંભતીર્થની તમે ચિંતા ન કરતાં મહેતા! ત્યારે તો જે ગાણું ચાલે છે એમાં તમારો સૂર પુરાવો. તમે ને મલ્હારભટ્ટ બંને ઊપડો.’

ઉદયન અવશતાની અવધિ જોતો હોય તેમ બોલ્યો: ‘પ્રભુ! ક્યાં...?’ એને પોતાના પગ નીચેની ધરતી જાણે ખસી જતી લાગી. 

જયસિંહદેવે વધારે મીઠ્ઠા આવજે કહ્યું: ‘રાજમામા! આ કામ જેવું તેવું નથી. માલવયુદ્ધ આપણે જીતવું જ રહ્યું. અથવા તો આપણે ખતમ કરવું રહ્યું. આમાં હવે ત્રીજો માર્ગ નથી. મારી પ્રતિજ્ઞાનો એ જ અર્થ છે. મલ્હારભટ્ટે તમને વાત તો કરી હશે ના?’

‘શાની મહારાજ?’

‘શાની મલ્હારભટ્ટ?’ મહારાજે મલ્હારભટ્ટ સામે જોયું.

‘કેમ મંત્રીશ્વર! દક્ષિણ દરવાજાવાળી... તો...’

ઉદયનને શાંતિ વળી. મલ્હારભટ્ટની સાથે મહારાજ પોતાને કુમારપાલને પાછો લાવવાની વેતરણ ગોઠવતા હતા કે શું એ વિચાર આવતાં એને ગભરાટ છૂટ્યો હતો. પણ ત્યાં તો આ બીજી જ વાત નીકળી એટલે શાંતિ થઇ. પણ એ એક વાત સમજી ગયો. મહારાજ એને આંહીં લાંબો વખત સ્થિર થવા દેવા માગતા નથી. સ્તંભતીર્થ પણ જવા દેવા માગતા નથી. જે કરવું હોય તે એણે હવે તો તરત કરી નાંખવું જોઈએ.

‘ઇગનપટ્ટન તમે જોયું છે?’

ઉદયન આશ્ચર્ય પામ્યો: ‘ઇગનપટ્ટન? મહારાજને એનો શું ખપ પડ્યો?’  

સિદ્ધરાજે એને વધારે પ્રેમથી સંબોધન કર્યું: ‘ત્યાં ધારાગઢનો દુર્ગપાલ છે, રાજમામા!’

‘કોણ?’

‘વિજયપાલ. એ હવે પોતાને ધારાથી સ્વતંત્ર મને છે. આપણે પણ એ “પરમભટ્ટારક પરમેશ્વરને’ હમણાં મોટો ભા કરવો છે. એની પાસે આટલું કઢાવવું છે – દક્ષિણદ્વારનું. મુંજાલ મહેતા બરાબર લાવ્યા છે, એટલે આ વિજયપાલ હવે ધારાગઢમાં નથી એ ચોક્કસ! નરવર્મા ઢળ્યા ને તરત ભાગ્યો છે!’

ઉદયન સાંભળી રહ્યો, એને લાગ્યું કે અત્યારે તો હવે ઇગનપટ્ટન આ મુસાફરી નક્કી થઇ ચૂકી છે. મલ્હારભટ્ટને સાથે મોકલવામાં પણ એ જ વાત લાગે છે. પોતાના ઉપર એક પ્રકારની સખ્ત નજરબંદીની રચના છે એ એ સમજી ગયો. આ જોતાં તો કૃષ્ણદેવને પણ આંહીંની દિનદશાનું ઊંડાણ હજી માપ બહારું રહ્યું હોય એમ એને લાગ્યું. 

તેણે બે હાથ જોડ્યા: ‘મહારાજ! ક્યારે જાવું છે?’

‘આજ તો આરામ લ્યો. કાલે સવારે તમે ઊપડી જજો. કેશવ વધારે વાત પછી કહી જાશે! કેશવ!’ મહારાજે કેશવને બોલાવ્યો. 

કેશવ તરત ત્યાં આવ્યો. ‘મહેતાનો ઘોડો આ મલ્હારભટ્ટે ઉપાડ્યો છે,’ મહારાજે હસતાં કહ્યું, ‘તો તું એક પાંખાળો ઘોડો એમને મોકલી આપજે, એમને પવનવેગે જવાનું છે હો! તમે હવે આરામ કરો મહેતા, તમારે માથે લાંબો મુસાફરી લટકે છે!’

ઉદયન બે હાથ જોડીને નમન કરી બહાર નીકળ્યો. જતાંજતાં એણે કાન સરવા કર્યા... એ ચોંકી ઊઠ્યો. મહારાજ કેશવને કહેતાં સંભળાયા:

‘રાજસભામાં ગજનિષ્ણાતોને આમંત્રણ છે, એ પહેલાં પ્રગટ કરો કેશવ! ને પછી તું ત્યાં ગયો હતો? આવી ગયેલ છે?’

 ઉદયન ચાલતો ચાલતો શબ્દ પકડવા સ્થિર થવા જતો હતો, પણ તેણે પોતાના ઉપર ચારે તરફથી દ્રષ્ટિનો વરસાદ થતો અનુભવ્યો. એટલે એ ચાલતો જ રહ્યો. એના કાને જે છેલ્લો શબ્દ પકડ્યો એ વધુ ચોંકાવનારો હતો: ‘આવી ગયેલ છે પ્રભુ! ભુવનેશ્વરીના મંદિરમાં જ છે!’

કૃષ્ણદેવે કહ્યું તેની આ તૈયારી હોય તેમ ઉદયનને લાગ્યું. ત્યાગભટ્ટના ગજનિષ્ણાત તરીકેના પ્રગટીકરણ માટેની આ પૂર્વભૂમિકા લાગી. ‘રાજા જયસિંહદેવ!’ એ મનમાં જ એ ધન્યવાદ આપી રહ્યો, ‘આ રાજા જો જૈન હોત! ભારતવર્ષનું ભાગ્ય, તો આજે જુદું જ હોત!’

પોતાના વિચારમાં મગ્ન તે પોતાના નિવાસ તરફ ફરી રહ્યો.