Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 11

૧૧

આનકરાજ

પટ્ટકુટીમાં પ્રવેશ કરતાં જ ઉદયને કુમારનો હાથ હાથમાં લીધો. સ્વજનના પ્રેમથી કહેતો હોય તેમ એણે કહ્યું: ‘કેમ કુમાર! એકલા એકલા આવ્યા કે? માને મૂકીને? મહારાજ!’ તેણે બે હાથ જોડ્યા: ‘હું તો આવી રહ્યો હતો કાંચનદેવીબાનાં દર્શને. પણ એ તો આંહીં આવ્યાં જ નથી જણાતાં!’ સોમેશ્વરના માથા ઉપર તેણે હેતથી હાથ મૂક્યા: ‘માને મૂકીને યુદ્ધ જોવા આવ્યા ને?’

‘મા પણ આવવાના છે.’ સોમેશ્વરે બાલોચિત ઉલ્લાસથી કહ્યું.

‘હેં મહારાજ? સાચું?’

‘ભૈ! આ તમારું આંહીંનું... આવે તો આવે!’ આનકરાજે પ્રત્યુતર વાળ્યો.

‘આવવાનાં છે, મારી ધનુર્વિધ્યાની કસોટી જોવા, ઘોડેસવારી તો પૂરી થઇ ગઈ!’

‘એમ? ઓ હો! ત્યારે તો તમે જબરા જોદ્ધા નીકળવાના હો!’

આનકરાજની સામે ઉદયને જોયું: ‘પ્રભુ! આવવાના હોય કાંચનદેવીબા...’

‘આવે તો આવે, વખતે આવે...’ આનકરાજે પરાણે આપતો હોય તેમ ઉત્તર વાળ્યો. 

ઉદયને આનકરાજને ઘણા વખતથી જાણ્યો હતો. એને પોતાનો સ્વાર્થ આંહીં હતો. બાકી પાટણના જુદ્ધમાં એને કાંઈ રસ ન હતો. 

એક પળભર ઉદયન એની સામે જોઈ રહ્યો: એનું મન વિચારી રહ્યું: આ આનકરાજ, મહા હઠીલો, દુરાગ્રહી, તીખો અને અણનમ ગણાતો. આજ એ પણ આંહીં  આવ્યો છે લાભે લોભે. એને પાટણની ગાદી પોતાના આ છોકરા માટે લેવી છે! સૌને આંહીંનો આંબો વેડવો છે, કેમ જાણે આ બોડીબામણીનું ખેતર હોય!

મોટેથી એ બોલ્યો:

‘ત્યારે મહારાજ! હું રજા લઉં? બા આવશે ત્યારે પાછો મળવા આવી જઈશ!’ 

‘કેમ કેમ? મહારાજે બહુ કામ સોંપ્યું છે કાંઈ? ઘડીક બેસો તો ખરા. અલ્યા ક્યાં ગયા નરદેવજી? કોઈને હમણાં પ્રવેશ આપતાં નહિ.’  આનકે દરવાનને કહ્યું. આસન ઉપર બેસી ઉદયનને સામેનું આસન બતાવતાં એ ધીમેથી બોલ્યો:’ઉદયન મહેતા! હમણાં તો તમે આ ત્યાગભટ્ટમાં પડ્યા હશો નાં? કુમારપાલજી બિચારા રખડી પડ્યા!’

ઉદયન સમજી ગયો: આના મનમાં પ્રશ્ન તો એ જ રમી રહ્યો છે – પાટણનું રાજસિંહાસન! પણ એ કેટલું ભવ્ય છે એની આને ખબર છે? અને કેટલું ભયંકર છે ત્યાં સુધી પહોંચવું, એની પણ આને ખબર છે? એણે એની સામે ફરીને જોયું. પોતાની જૂની પિછાનનો એ જ આનકરાજ! આગ્રહી, આખાબોલો, જાડો, મશ્કરો, વા સાથે વઢવાડ માંડે તેવો, જુવાન આનકરાજનો ચહેરો એમાંથી ઊભો થતો એમણે દીઠો એમાં અનુભવે કાંઈ સુધારો કર્યો હોય તેમ જણાયું નહિ. બુદ્ધિએ કાંઈ વધારો કર્યો હોય તમ પણ લાગ્યું નહિ. એ તો એ જ આનકરાજ હતો, જેને ઉદયને પહેલાં જાણ્યો હતો. એનો જબરજસ્ત પહાડી દેખાવ, દ્વન્દ્વયુદ્ધ માટે તૈયાર હોય તેવું શરીર, મોટી ઘાટીલી ડારતી આંખો અને રૂપાળું કડક મોં! ઉદયનને લાગ્યું કે આને જો સાધ્યો હોય તો એ ત્યાગભટ્ટને આખો ને આખો અલોપ કરી દે તેવો છે! અને એને સોમેશ્વરનો સ્વાર્થ પણ છે! માત્ર એ પાછો આપણને મ્યાઉં કરી ન જાય એ જોવાનું રહે!

એનો બાપ માલવાના દંડનાયક સોલ્હણને સાંઢિયા ઉપર નાખીને ઉપાડી નહોતો ગયો?

જૂનાં સંસ્મરણોની મીઠાશ અનુભવી રહ્યો હોય તેમ ઉદયન પ્રેમ ઝરતી આંખે આનકરાજ સામે થોડીક વાર નીરખી રહ્યો: ‘કુમાર ક્યાં અંદર ચાલ્યા ગયા? મહારાજ! આપણને મળ્યા બહુ વરસો થયાં કાં? એ વખતે કુમાર નહિ!’

‘પંદરેક થયાં હશે!’

‘એટલાં તો હશે, મહારાજ! એ વખતે હું આંહીંથી તહીં ગોથાં ખાતો એટલે મને સાંભરે ના? તમે આવેલા – રાજમાતાજી સાથે, ત્રિભુવનપાલજી હજી એ વખતે જીવે. બંને બહેનો સામસામે બેસીને સુખદુઃખની માંડે. એક વખત તમે ને કુમારપાલજી ચોપાટ ખેલતાં ઝઘડી પડ્યા’તા ને ત્રિભુવનપાલજી છૂટા પાડવા દોડ્યા’તા. ઓ હો હો! ગઈ કાલની વાત, એને પણ વરસ પંદર થઇ ગયાં! ક્યાં એ બહેનોનાં હેત અને ક્યાં...’

‘અમારાં હેત એમ તમારે કહેવું છે?’

‘હા, મહારાજ! મારે એ જ કહેવું છે,’ ઉદયને સ્વજનને કહેતો હોય તેમ કહ્યું, ‘તમે ને કુમારપાલજી માશિયાઇ ભાઈ છો, મહારાજ એમના ઉપર રૂઠે ને તમને આઘેરા ખસેડે તોય વાંધો નહિ, પણ આ તો વચ્ચે કોક પૂણી જાય છે. આ ત્યાગભટ્ટ એ ક્યાંથી ફૂટી નીકળ્યો?’

‘એ તો તમારું પાટણનું મંત્રીમંડળ જાણતું હશે, નાં? મુંજાલ મહેતા, આશુક મહેતા, મહાદેવ નાગર... આ તમારો કેશવ સેનાપતિ...’

‘એ કોઈનો આમાં ગજ વાગે તેમ નથી. વૃદ્ધ દંડદાદાક બોલશે એ વેદનું વાક્ય થવાનું છે!’

‘પણ એ શું કહે છે?’

‘એ તો તમારાથી ક્યાં અજાણ્યું છે, પ્રભુ? પણ મહારાજ! આપનો કાંઈ વિચાર કર્યો? મારે કાંઈ તમારાથી વાત છુપાવવી નથી. મારા મનને કુમારપાલજી આંહીં છે.’ ઉદયને પોતાના માથા ઉપર હાથ મૂક્યો, ‘કારણકે અમારા જીવ મળ્યા છે. પણ હું ઢોળાઈ જાતું હોય તો ઢોળાઈ જાવા દઉં, ને બીજાને મોંએથી પણ ટાળું એવો હું મૂરખ નથી હો! હુંય થોડુંઘણું અનુભવની વડવાઈએ હીંચક્યો છું. કુમારપાલજી ઉપર મને પ્રીત શેની છે? એ પ્રીતિ શા માટે છે?’

‘એને રાજ મળે!’

‘ના.’ ઉદયને ભાર દઈને કહ્યું, ‘ના... મહારાજ આનકરાજજી! હું કાંઈ દેવનો દીકરો નથી. કુમારપાલજીને રાજ મળે એ પછી મને કારભારું મળે એ પહેલું! એ પ્રીત એની છે!’

પોતાની વાત જાણ જોઇને જાણે પ્રગટ કરી દેવાની આ રીતમાં સચ્ચાઈનો રણકો હોય તેમ બોલીને, બે પળ આંખ ઝીણી કરીને ઉદયન, આનકનું મન વાંચી રહ્યો: ‘મહારાજ પણ અમે તૂટી જાય ત્યાં સુધીનો તંત બાંધીએ નહિ. જયદેવ મહારાજને કુમારપાલજી ન જોઈએ. સારું. એનો અત્યારે કોઈ ઉપાય ન મળે. પણ બીજો કોઈક જે આવશે તેનો સત્કાર તો ત્યારે થશે જ્યારે એનો કાંઈકે પણ હક્ક હશે. પણ અમારી વાત તો સીધી છે મહારાજ! જયદેવ મહારાજ સમજે તેમ નથી. કાંચનદેવી બા આંહીં આવે કે ન આવે, મહારાજ તો નહિ જ માને. તો એ બધું કરવું શું કરવા? કાંઈ કારણ? એના કરતાં જે કારણ છે – આ વસ્તુ ઊભું કરનારું – એણે જ ઉડાડી ન મૂકવું? એ...ને જ ઉડાડી મૂક્યું હોય તો?’ ઉદયન એની વધુ પાસે સર્યો: ‘મહારાજ, તમે તમારી વાત રજૂ કરો, કોઈ કુમારપાલજીની વાત રજૂ કરે, એમાંથી મહારાજના મનમાં શંકા જાગે. એના કરતાં જેના ઉપર મહારાજનો મદાર છે એને જ છૂમંતર ન કરી દઈએ? રાત જેવું ધાબું છે ને સાંઢિયા જેવો સાંઢિયો છે!’  

‘ઉદયનજી!’ આનકરાજ એની સામે ચમકીને જોઈ રહ્યો, ‘આ તમે શું કહો છો?’

‘શું ખોટું કહું છું પ્રભુ?’ ઉદયને હાથ જોડ્યા, ‘મેં પોતે સામે પગલે ચાલીને કુમારપાલજીને કાઢી નથી મૂક્યા!’

આનકરાજ હવે ખરેખરો ચમકી ઊઠ્યો: ‘આણે પોતાની વધી વાત વિશ્વાસ મૂકીને કહેવા માંડી હતી શું કરવા? છેક સ્તંભતીર્થથી આંહીં સુધી એણે ધક્કો ખાધો હતો તો વાત છેલ્લે પાટલે હોવાની એને ખાતરી હોવી જોઈએ. અત્યારે એની કારી ફાવે તેવું નહિ હોય એટલે જ એ આંહીં આવ્યો હશે. એને પણ સ્વાર્થ તો છે. મહાઅમાત્યપદ મેળવવાનો, તો અત્યારે આને કાં મળી ન જાવું? પછી વળી એને દેખી લેવાશે! એને ક્યાં અંગૂઠો દેખાડાતો નથી? પછી તો મારે એની તલવાર!’ એ વિચારી રહ્યો. 

ઉદયન એની વિચારસરણી કળી ગયો: ‘મહારાજ! કાંચનદેવીબા અજમેરમાં આવ્યાં, લડાઈના તંતમાંથી એવું શુભ પરિણામ આવ્યું, ને પાટણ ને અજમેર પાસેપાસે આવ્યાં. એમાં આ આપના મારવાડીનો હાથ હશે હો!’ તેણે પોતાની દાઢી ખંજવાળી.

આનકરાજે હસતાં હસતાં એના ખભા ઉપર હાથ મૂક્યો: ‘ઉદયનજી! એ મારું કાંઈ અજાણ્યું છે? કુમારપાલજી તો ત્યારે આંહીં હમણાં ફરકશે જ નહિ. કેમ? આંહીં મહારાજ તો ગજનિષ્ણાતોને ભેગા કરે છે ને કુમારપાલજી તો એમાં એક્કા છે!’

‘એ બધું સાચું, પણ જેનો પડછાયો જોવાની પણ મહારાજને પડી નથી એને આંહીં લાવીને મારે મારા ઉપર ચક્કર ઉતારવું? કુમારપાલજી હવે આંહીં એક જ સમે આવશે!’

‘ક્યારે?’ આનકરાજે જરાક ઉતાવળે પૂછ્યું. ઉદયન મનમાં હસ્યો: ‘તને ઠામ કરવો પડશે ત્યારે!’ તેણે મોટેથી કહ્યું: ‘વિધિ એને ઘસડી લાવશે, એના પોતાના વિનાશ માટે ત્યારે!’

‘મંત્રીજી! તમારે બધાએ સમાધાન લાવવું ઘટે!’

‘મહારાજ! અમારા કરતાં જયદેવ મહારાજના પ્રતાપકોપાનલનો અનુભવ તમને વધુ છે. પણ આ કુમારપાલજી ને આ સોમેશ્વરજી, એ બંનેને સૂતા રાખીને ત્રીજો ગગનમાં ઊતરી પડે એ અમારાથી સહન થાય તેમ નથી. એટલું જ.’

‘પણ ત્યારે કરવું શું?’

‘મેં કહ્યું તે. રાત જેવું ધાબું છે, સાંઢિયા જેવો સાંઢિયો છે!’

‘ના ના, તમે ગંભીર બનીને કહો, આપણે સૌ વિચાર કરીએ; શું કરવું છે? મહારાજ જયસિંહદેવ તો આ તરફ આજે જ આ પ્રતિજ્ઞા લઈને બેઠા છે. અમારે જોવાનું એ છે કે, ન કરે નારાયણ ને જુદ્ધ તમારી વિરુદ્ધ જાય, તો ચેદિ, કર્ણાટક મેદપાટ, સૌનો આ માલવરાજ સગો, એ અમને રોળવા આવશે! અને અમારે ત્યાં પહેલો આવશે, કારણ કે અમે ઠર્યા મહારાજના સગા!’

‘અત્યારે આ જુદ્ધ જિતાડવું હોય પાટણને તમારે, તો આનકરાજજી! આ નાચકણામાં કુદકણું થયું છે, એનું પહેલું કરો!’

‘અરે મંત્રીશ્વર! સ્તંભતીર્થના તમે રાજા છો. તમે ભાઈ ગમે તેમ બોલો તો તમને શોભે. પણ અમારે તો ભોં ભારે પડી જાય. અમારે પાછું જવું કઈ ગુફામાં?’

ઉદયન સમજી ગયો. આને વાત તો રુચિ ગઈ હતી. ભાવ ખાતો હતો. ‘જુઓ! આનકદેવજી! હું તો આ બે સ્વજનોની લડાઈમાં ત્રીજાનો વિજય જોઈ રહ્યો છું! તમારે એમ હશે તો અડિયો દડિયો કુમારપાલજી ઉપર ઢોળાશે. એને તો બહુ રણિયાને રણ નહિ એવું છે! મેં તો કુમારપાલજીને પણ એ જ શિખામણ આપી હતી. મૂળને જ છેદી નાખો!’

‘પછી?’

‘એનું એ ગજું નહિ, અને એની પાસે સાધન પણ નહિ!’

આનકરાજ વિચાર કરી રહ્યો: ‘પણ એ બને શી રીતે?’

‘એ તો બધું બનાવવાવાળા બનાવશે, તમતમારે ડોકું ધૂણાવો ને!’

‘પણ જો શંકા પડશે...’

‘મહારાજ! તમારે તો હવે ક્યાંય જાવાનું નહિ. પછી શંકા કેવી ને વાત કેવી? મહારાજ સિદ્ધરાજની પ્રતિજ્ઞાની વાત સાંભળીને કાંચનદેવીબા પણ આંહીં આવે એમ કરો. એક માણસ મોકલો તમારો, આંહીં અંબાજીમા લક્ષ્મીરાણી દર્શને આવ્યા છે તે આ ખબર કરીને, એમને પણ આંહીં લાવે. અને આપણે આ ત્યાગભટ્ટ જે કોઈ હોય એને છૂમંતર કરી દ્યો! એ ભુવનેશ્વરીના મંદિરમાં રહે છે. આવતાં જતાં એવી રીતે આપણે કામ કરવું કે કાંઈ પત્તો જ ન લાગે. એટલે પછી શંકા પણ કોની થાય!’

‘પણ હજી તો એની વાત હવામાં છે!’

‘એક વખત તો વાત મહારાજ સાથે સંધાઈ જાશે, પછી વજ્રલેપ થઇ જાશે. પછી એ કોઈનાથી નહિ ઊખડે. ડામવું હોય તો આપણે ઊગતું જ ડામો!’ 

‘શી રીતે?’

‘પ્રભુ! અજમેરના સાંઢણીસવારોને એ શીખવવું પડશે? છૂમંતર એ તો એને ગળથૂથીમાં મળે છે!’

‘આનકરાજ હસી હસીને બેવડ વળી ગયો. એણે વારંવાર ઉદયનના ખભા ઉપર હાથ ઠબકારી ઠબકારી કહ્યું: ‘અરે મંત્રીરાજ તમે પણ આ ભારે ગોઠવ્યું છે છટકું હો!’

‘અને તમે વાત બીજી એમ ચાલતી કરો પ્રભુ! કે કુમારપાલજી તો આટલામાં જ હજી ભટકી રહ્યા છે! દક્ષિણ પંથનું તો જાણી જોઇને ચલાવ્યું છે. તમારું સૌ કોઈ માનશે. એટલે તમારા ઉપરથી ચક્કર જાય. પછી બાકી તમે બે રહ્યા તે લડજો ને!’

‘એ બરાબર! તમે એવે વખતે કોને મદદ કરશો?’

‘કુમારપાલજીને!’ ઉદયને તાત્કાલિક ઉત્તર વાળ્યો: ‘મારે તો આમાં મારી સીધી વાત છે. કાં તમે આવો, એટલે કાંચનબાનો દીકરો આવે. કાં કુમારપાલજી આવે. ત્રીજો નહિ... પણ સમુંસુતર પાર ઊતરે ને સોમેશ્વરજી દત્તક થાય એવો પ્રસંગ આવે તો...’

‘મહેતા! તો તમે અમારા એ વખતે મહાઅમાત્ય. આનકરાજનું વેણ છે લ્યો...’ તેણે ઉદયનના હાથમાં તાળી આપી.

‘તો મહારાજ! હવે રજા લઉં? કાલે મળીશ.’

આનકરાજે બે હાથે તાળી પાડી. તરત એક ભીલ જેવો સૈનિક આવ્યો. ‘મહેતાને બારોબાર કૃષ્ણદેવજીને ત્યાં મૂકી આવો.’ આનકરાજે કહ્યું, ‘વચ્ચે આપણી દેરી છે નાં, ચૌહાણની એ જરાક બતાવજો.’

‘કાલે હું ત્યાં ઊભો હઈશ ઉદયનજી! એટલે.’ તેણે ઉદયનને ધીમેથી કહ્યું.

‘ક્યારે?’

‘બે પ્રહર રાત્રિ વીત્યે.’ વધારે ધીમા અવાજમાં પ્રત્યુતર વાળ્યો.

ઉદયને બે હાથ જોડ્યા. આનકરાજે ફરીથી એને ધીમેથી કહ્યું: ‘ચૌહાણની દેરી પાસે! ભૂલતા નહિ.’