Featured Books
  • પ્રેમ અને મિત્રતા - ભાગ 2

    (પ્રથમ ભાગ માં જોયું કે રાહુલ એ નીરજા ને પ્રેમ કરે છે....અને...

  • સ્વપ્ન્સમ - ભાગ 2

    ગત. અંકથી શરુ......અનુએ આંખો ખોલી એ નામ હજી સુધી એના કાનમાં...

  • Dear Love - 3

    એક દિવસ મારા હોસ્ટેલના રૂમ પાસેથી એક છોકરી પસાર થઈ. તે એટલી...

  • લવ યુ યાર - ભાગ 74

    રહસ્યમય રીતે એક ગાડી મિતાંશની લગોલગ આવીને ઉભી રહી અને તે ગાડ...

  • સોલમેટસ - 7

    અદિતિના મૃત્યુનો આજે તેરમો દિવસ હતો. પરિવારજનો વિધિ પતાવી અન...

શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 9

પ્રતિજ્ઞા

સેંકડો શંખનાદોના ધ્વનિથી રણક્ષેત્ર જાગી ઊઠયું હતું. ઉદયનને અને કાકને પ્રથમ તો ખબર પડી નહીં કે આ શંખનાદ શા માટે થઇ રહ્યા છે. કોઈ નવા રણક્ષેત્રનો મોરચો શરુ થાય છે કે નવો વિજય મળ્યો છે, કોઈ નવી વાત આવી છે કે શું? એકદમ તો કાંઈ સમજમાં આવ્યું નહિ. 

જેમજેમ એ આગળ ગયા તેમતેમ ઉત્સાહનાં પૂર એમણે વધતાં જોયાં.

પણ હજી કોને કાંઈ ખબર હોય તેમ લાગ્યું નહિ.

એટલામાં રસ્તા ઉપરથી આજ્ઞા આપતો સેનાપતિ કેશવનો અવાજ સંભળાયો. 

‘મલ્હાર ભટ્ટ! દક્ષિણ મોરચે તમે હમણાં ને  હમણાં ઊપડો ને ત્યાં પણ શંખનાદ કરીને સૌને જાહેર કરી દો!’

ઉદયન ચોંકી ઊઠ્યો. મલ્હાર ભટ્ટે પોતાનું સ્થાન એટલી ટૂંકી મુદતમાં જમાવી દીધું લાગ્યું!

ચોક્કસ કાંઈક અગત્યની બીના બની ગઈ હતી. કાક અને ઉદયન વેગ વધારી રહ્યા. 

રસ્તામાં જ મહાઅમાત્ય દંડ દાદાકનો હાથી ઉતાવળે રાજપટ્ટકુટ્ટી તરફ જતો નજરે પડ્યો. મહાદેવ, મુંજાલ, આનકરાજ સૌ જુદીજુદી દિશાએથી ઉતાવળા ઉતાવળા એ તરફ જ જઈ રહ્યા હતા. કોઈને કાંઈ ખબર ન હોય તેમ લાગ્યું. 

એટલામાં કૃષ્ણદેવને પણ એ બાજુ જતો ઉદયને જોયો. એણે એને જવા દીધો. સેનાપતિ કેશવનો આજ્ઞાવાહી સ્વર હજી સંભળાતો હતો. રણક્ષેત્રના તમામે તમામ મોરચે, એક પળના વિલંબ વિના, મહારાજની ઈચ્છા પ્રગટ કરી દેવાની એમાં વાત હતી. 

‘ભટ્ટરાજ! જરાક આગળ વધીને તપાસ તો કરો. આમાં તો ભારે થઇ લાગે છે. તમે કહ્યું હતું તે જ થયું કે શું?’

‘એવું જ કાંઈક લાગે છે!’ 

કાક જુદો પડીને આગળ વધી ગયો. ઉદયન ધ્યાનપૂર્વક આસપાસના સૈનિકોની વાત સાંભળવા લાગ્યો. પણ એમાં એને કાંઈ સમજ પડી નહિ. સૌ હજી આ શંખધ્વનિની પરંપરાનો મર્મ પકડવામાં રોકાઈ ગયા હતા. 

એટલામાં આગળ જતાં એણે એક તરફ સેનાપતિ કેશવ ને બીજા કોઈને ગંભીર ચર્ચામાં હોય તેમ. પોતપોતાના ઘોડાની લગામ પકડી રાખીને વાતોમાં પડેલા જોયા. એની ઈચ્છા તો રાજસભા સિવાય બીજે એને મળવાની ન હતી. પણ ત્યાં કેશવની ચપળ દ્રષ્ટિએ એને પકડી પાડ્યો હતો. 

‘પણ કરે શું મહારાજ? જેમની સલાહ લેવી જોઈએ એવા આ અનુભવી જોદ્ધાઓ તો જાતા દેખાય છે જ હમણાં જુઓ. આ કોણ આવે છે?’ કેશવે ઉદયન તરફ પેલા જોદ્ધાની નજર ખેંચતા કહ્યું. ઉદયન ઓળખી શક્યો નહિ. એણે તરત હાથ જોડ્યા: ‘સેનાપતિ! જય સોમનાથ!’

‘ઓ હો હો! મહેતા? ક્યારે આવ્યા?’

‘તમારાથી ક્યાં અજાણ્યું છે સેનાપતિરાજ? તમે દેખ્યો ત્યારે. આ શું છે બધું? શાની આજ્ઞા આપો છો? કોઈ નવો મોરચો ઉઘાડવાનો છે કે શું?’

કેશવે પેલા સૈનિકને હાથની નિશાનીથી જવાનું કહ્યું: ‘તમે પણ ત્યાં જ હો ભટ્ટરાજ! દક્ષિણ મોરચે. પહેલાં તો ખૂણેખૂણે મહારાજની ઈચ્છા પ્રગટ કરી દ્યો!’

‘શાની વાત છે સેનાપતિજી?’

‘અમારી તો આ કામગીરી મંત્રીશ્વર!’ કેશવે વાત ઉઘાડી, ‘હું તો કહું છું સાત જનમારેય સેનાપતિપદ ન મળજો. મેં તો કાક ભટ્ટને કહ્યું પણ ખરું! જો તું હોય તો લે ને બાપલ્યા! આ લાકડાના લાડુનો સ્વાદ છે લેવા જેવો!’

ઉદયન વિચાર કરી રહ્યો: મારો બેટો આ નાગર સેનાપતિ! આંહીં થઇ પડ્યો છે મહારાજનો જમણો હાથ ને પાછા સૌને ભળાવે છે. જે કોઈ આવે એના તરત સોના સાઠ કરે તેમ છે!

‘મહારાજ ક્યાં દક્ષિણ મોરચે છે?’

‘ભૈ! આ દક્ષિણ મોરચે તો બધું સળગાવ્યું! હવે મહારાજ અમાત્યજી ને મહાદેવ મંત્રીરાજ ને મુંજાલ મહેતા ને સૌ કહી રહ્યા છે. તમે કેમ ધ્યાન ન આપ્યું? તમે ભેગા હતા ને આવી આકરી પ્રતિજ્ઞા કેમ લેવા દીધી?’

ઉદયનના પેટમાં ધ્રાસ્કો પડ્યો. એણે અત્યંત શાંતિથી કહ્યું: ‘પ્રતિજ્ઞા? મહારાજે લીધી છે? શાની પ્રતિજ્ઞા?’

‘આજે મહારાજ દક્ષિણ મોરચે, પેલા મલ્હાર ભટ્ટે કાંઈ સમાચાર આપેલા તે ગયા હતા. એ તમારી સાથે જ આવ્યો છે ને? કહેતો હતો!’ કેશવે એક તીક્ષ્ણ દ્રષ્ટિ ઉદયન તરફ કરી. ઉદયને એની નજર ચૂકાવી.

‘શું કહેતો હતો?’    

‘એ પણ મારો વાલીડો જબરો છે. જંગલમાં જ્યાં પશુઓએ કેડી પાડી હોય એ રસ્તે ચાલ્યો આવ્યો! હાસ્તો એ વિના છાનું રહેવાય પણ કેમ!’

ઉદયન એક ક્ષણભર ચમકી ગયો. પણ તેણે તરત પોતાની સ્વસ્થતા મેળવી લીધી. કૃષ્ણદેવે કહ્યું હતું, કુમારપાલ વિશે, એ એને યાદ આવી ગયું. આ નાગરો પણ કાંઈક જાણતો લાગે છે. એ તો પછી દેખી લેવાશે કરીને એણે પોતાનો અવાજ જરાક બદલાવ્યો. જાણે એક મુખ્ય રાજકર્મચારી તરીકે મહારાજની ઈચ્છા જાણવાનો એને અધિકાર હોય તેમ એણે કહ્યું: ‘સેનાપતિજી! મહારાજની શી ઈચ્છા તમે અત્યારે ખૂણેખૂણે પ્રગટ કરવા માગો છો?’

પ્રત્યુત્તર આપવાને બદલે સેનાપતિ કેશવે જરાક ઘોડો આઘો ફેરવ્યો. એણે અવાજનો ફરેલો રણકો તરત પકડી લીધો હતો. એ પણ નાગરબચ્ચો હતો. એમ જેવા તેવાને ગાંઠે તો સેનાપતિ શાનો?

‘એ તો મંત્રીરાજ! તમે ત્યાં આવો છો નાં? મહારાજ પોતે પોતાની ઈચ્છા આજે પ્રગટ કરવાના છે! ચાલો ત્યાં... ત્યાં જ આવો છો નાં? મારે પણ તમને મળવું હતું. મલ્હાર ભટ્ટે કેટલીક વાત કરી હતી!’

એક ત્વરિત નિશાની ને કેશવનો ઘોડો અદ્રશ્ય થઇ ગયો!

ઉદયન તો ત્યાં એમ ને એમ ઊભો રહ્યો!

‘મારું બેટું! આંહીં... આંહીં તો કાંઈ વાજું જ જુદું લાગે છે!’ એ શોચી રહ્યો. સ્તંભતીર્થમા એની આટલી ઉપેક્ષા કરનાર બીજે દિવસે ક્યાં હોય? કચ્છના રણમાં. પણ આંહીં, આંહીં પોતે પાંજરાનો સિંહ હતો. ઠીક છે! એણે એક પળમાં ભવિષ્યની પોતાની નીતિ વિશે કાંઈક નિશ્ચય કર્યો હતોય તેમ એ આગળ વધ્યો. એણે આ નીતિરેખા એક પળમા ઘડી કાઢી. અને પછી પોતે જ મનમાં મોટેથી હસી પડ્યો: બસ! એ જ બરાબર છે. તમામ સૂઈ જાય તો જ તમે જાગો એ કામનું!’ એ પૂરાં પચાસ ડગલાં પણ ગયો નહિ હોય, ત્યાં કાક સામેથી આવતો જણાયો.

‘કેમ ભટ્ટજી! શા સમાચાર છે?’

‘ભારે થઇ છે!’

‘હેં શું થયું?’

‘માલવાનો પાટવી ઇન્દ્રવર્મા પણ રણમાં પડ્યો!’

‘આજે!’

‘આજે મહારાજ દક્ષિણ મોરચે ગયા ત્યારે ખબર પડી કે ધારદુર્ગમાં રણમહોત્સવ મંડાયો છે ને આનંદ-વિનોદ થાય છે. મોમલાદેવીની આજ્ઞા થઇ હતી. બહુ ઝીણવટથી જોતાં ગુપ્તચરોને ખબર મળ્યા કે પાટવી પડ્યો છે એ સમાચાર ઢાંકી દેવા માટે આવો જબરદસ્ત, તમામ આઘાતોને ઘોળીને પીનારો મહારણ – મહોત્સવ માલવીઓએ શરુ કર્યો હતો! અને મોમલાદેવી પોતે એમાં અગ્રસ્થાને હતી!’

‘અરે! એ ડોશી...’

‘ડોસા તો તમે છો, ને બીજો હું છું. એને તો હજી જુદ્ધ ચલાવવાના કોડ છે. મહારાજે આ જાણ્યું ને એક ક્ષણભર તો થંભી ગયા!’

‘ના, ના, કહું છું. મહારાજે ત્યાં ગંગાજળ લઈને પ્રતિજ્ઞા મૂકી કે આજથી બરાબર એક મહીને, આ જ દિવસે ને આ જ ઘડીએ, આ જ પળે, જો ધારાદુર્ગમા, ગુર્જરોનું સૈન્ય પ્રવેશ ન કરે તો હું જળસમાધિ લઉં!’

‘અને એ કાક ભટ્ટ! ખરેખર?’

‘આ શંખનાદ એના થાય છે.’

‘અરે? પણ...’

‘ઉદયનજી? હવે હું કે તમે માલવ મોરચે કાં દેહ છોડીશું ને કાં વિજય મેળવીશું! આ મહારાજ સિદ્ધરાજ! એની પાસે એની જ અનોખી રીત છે!’

‘ભટ્ટરાજ! ત્યારે હમણાં તો માલવયુદ્ધ મુખ્ય બની રહેશે!’

‘આ શંખનાદથી ગાજતું આકાશ તો એમ કહે છે! એ તો તમે રાજમંડપમાં જશો ત્યાં આ જ વાત હશે! હું હમણાં આવ્યો.’ કાકે જવા માટે ઉતાવળ માંડી, ‘કૃષ્ણદેવજીનું એક કામ છે જરા!’

ઉદયન સમજી ગયો. કૃષ્ણદેવે આને ચેતવ્યો લાગતો હતો કે જરા સંભાળીને રહેજે!

ઉદયનને લાગ્યું કે કૃષ્ણદેવ પાસે પળપળની જુક્તિ હતી. અને એની આંહીં અત્યારે જરૂર પણ હતી. તે સાવધ થઇ ગયો. રાજમંડપ તરફ જવા માટે આગળ વધ્યો. મહારાજની પ્રતિજ્ઞાથી ફેરવાયેલ પરિસ્થિતિમાં અત્યારે યુદ્ધ એ મુખ્ય વિષય બની ગયો હતો. રસ્તે પણ સૈનિકોમાં એ જ ચર્ચા થતી હતી એણે સાંભળી: ‘હવે તો પરમારો જીવ સટોસટ ધારાદુર્ગને રક્ષશે, અને હરેકેહરેક વીરની આ મોરચે જરૂર પડશે!’ 

દેખીતી રીતે તમામના અંત:કરણમાં યુદ્ધ જીત્યે છૂટકો છે એ વસ્તુ આવી ગઈ હતી. રાજમંડપ પહોંચ્યો તો ત્યાં પણ એ જ વાત ચાલતી હતી. 

આવી પહોંચેલા ને આવી રહેલા અમાત્યો, મંત્રીઓ, સેનાપતિઓ અને માંડલિકોથી એ આખું હરિયાળું મેદાન ઊભરાઈ ગયું હતું. હવે તો મહારાજની પ્રતિજ્ઞાની જાણ થઇ જતાં બધા ગંભીર બની ગયા હતા. સેંકડો સૈનિકો હજી ચારે તરફથી આ બાજુ આવી રહ્યા હતા. ઉદયન સીધો મહારાજને એકલો પહેલાં મળી લેવા આવ્યો હતો. 

પોતાનો અશ્વ ત્યાં રાખીને ધીમે પગલે એ મુખ્ય મંત્રણાગૃહ તરફ, પાછળને રસ્તેથી પ્રવેશ મેળવવા માટે ચાલ્યો. 

નાનીનાની અસંખ્ય ટેકરીઓથી આ સઘળો પ્રદેશ જાણે સેંકડો પટ્ટકુટ્ટીઓમાં વહેંચાયેલો લાગતો હતો. વચ્ચેવચ્ચે ઝાડના ઝૂંડ આવી રહ્યા હતા. ઠેરઠેર રાત્રિના પહેરેગીરો પોતપોતાની ચોકી ઉપર ગોઠવાઈ ગયા હતા. ટેકરીઓ ઉપર પ્રગટેલી સેંકડો દીપીકાઓના પ્રકાશથી જાણે મેદાનમાં ચાંદની રેલાઈ રહી હોય એવો ભાસ થતો હતો. 

ઉદયન મહારાજને મળવાની તક લઇ લેવા પાછળના ભાગ તરફ ગયો, પણ એનો પગરવ સંભળાયો ન સંભળાયો ત્યાં પાસેની પાછળની ટેકરી ઉપરથી એક આકાર ઊભો થતો એણે જોયો. 

કાકે કહેલો બર્બરક હોવો જોઈએ, એણે અનુમાન કર્યું. બે ડગલાં આગળ ગયો ત્યાં તો પટ્ટકુટ્ટીના દ્વાર ઉપર ઊભેલું નારીદળ દેખાયું.

ઉદયન દ્વાર તરફ ચાલ્યો. તરત જ પ્રશ્ન આવ્યો: ‘કોણ છે એ?’

‘સ્તંભતીર્થથી મહામંત્રી મળવા માગે છે. મહારાજને જરા ખબર કરો!’

નારીદળની સેના આગળ આવી, તેણે આવીને બે હાથ જોડ્યા: ‘પ્રભુ! અત્યારે મહારાજ મંત્રણામાં છે!’

‘કોણ છે?’

‘એ જાણવાનો અધિકાર કેવળ સેનાપતિ કેશવનો છે, પ્રભુ! આંહીં એ પ્રણાલિકા છે!’ તેણે વિનમ્ર મક્કમતાથી કહ્યું. અને નમીને પાછા જવા માટે પગ ઉપાડ્યો.

‘પણ મારું કામ ઘણું અગત્યનું છે, ઉદયને કહ્યું. ‘મહારાજને ખબર કરો! મારે અત્યારે જ પાછું ફરવું જોઈએ!’ સેના તરત અદ્રશ્ય થઇ ગઈ. બે પળ ઉદયન ત્યાં વિચાર કરતો થોભ્યો. પરિસ્થિતિએ એક પળમાં નવું રૂપ લીધું હતું. પોતાની જાતને એમાં મહત્વના સ્થાને રોકી લેવાની જરૂર હતી. કુમારપાલજીનું પણ, સમો આવે સાંગોપાંગ એ રીતે જ પાર ઊતરે. બીજો ઉપાય ન હતો. તે ત્યાં ઊભોઊભો મનમાં એક પછી એક પગથિયાં ગોઠવવા માંડ્યો.

એટલામાં પેલી સ્ત્રી સૈનિકા પાછી આવતી જણાઈ. તેણે આવીને માથું નમાવ્યું: ‘પ્રભુ! કાલે સવારે –’ અને એ તરત પાછી વળી ગઈ.

ઉદયને જવા માટે પગ ઉપાડ્યો. તેને એક હજાર વિચાર આવી ગયા. તે કોઈ મહાન સિંહરાજની ગુફામાંથી પાછો ફરી જતો હોય એમ ઘડીભર વ્યગ્ર થઇ ગયો. તેમ પણ આંહીં એનું મૂલ્યાંકન શું હતું એનું તીવ્ર ભાન આ સંદેશાએ કરાવ્યું. આ રાજમતીને એણે જુવાનીમાં જોયો હતો. તે વખતે પણ આ જ તેજસ્વિતા હતી. આજ એમાં એક હજારગણો વધારો થયો હતો. માતા મીનલદેવીને મુંજાલની અત્યારે બોલબાલા હતી. એણે આવીને તમામને પોતપોતાને સ્થાને મૂકી દીધા. પોતે જ તંત્રનાયક થઇ રહ્યો. એણે આખા ગુજરાતમાં પોતાના નામની કંઠોપકંઠ વહેલી લોકકથાઓ સરજી. એણે એવું અનોખું સ્થાન મેળવ્યું કે જે કોઈ દી ડગે જ નહિ! એ દેવ મનાતો. દેવની જેમ એ આજ્ઞા આપતો. દેવની જેમ એનો શબ્દ અનિવાર્ય બની રહેતો. દેવની જેમ જ એ રૂઠતો. ગર્વીલા, કોને ન ગાંઠે તેવા શ્રીમંત ગૌરવશાળી ધર્મઘેલા જૈનોને પણ એમનાં સ્થાનની મહત્તાનાં સિમાચિહ્ન જાણે એણે દર્શાવી દીધાં હતાં. વગર આજ્ઞાએ સમજાવ્યું હોય કે તમે પણ આટલે સુધી, આથી આગળ નહિ! ચૌલુક્યોમાં જે કરવાની કોઈએ હિંમત કરી ન હતી એ એણે કરી બતાવ્યું હતું. એણે રુદ્રમાળ અને સોમનાથને લોકયુદ્ધના રણદેવ બનાવી, તમામ ધર્મધ્વજોમાં એમની એકની સર્વોપરિતા સરજાવી હતી. આવા વિચક્ષણ, દેવાંશીમાં ખપતા, પ્રતાપી નૃપતિ પાસે હવેના પોતાના મેળાપ વિશે ઉદયનના પગ પાછા પડી રહ્યા હોય એમ એને લાગવા માંડ્યું! સ્તંભતીર્થ રહેશે કે જાશે – એનો જ પોતે દાવ ખેલવા જાણે આંહીં આવ્યો હોય એમ એણે ઘડીભર થઇ ગયું! અત્યારે તો પાછું ફરવાનું હતું! આવી રીતે પાછા ફરવાનો પણ નવો જ અનુભવ એને માટે હતો.

પોતાને પાછો ફરતા કોઈ જુએ કે નહિ એ જોવા એણે ચારે તરફ એક દ્રષ્ટિ કરી. ત્યાં બીજું કોઈ લાગ્યું નહિ. સોનેરી રૂપેરી દીપીકાઓના સુગંધી તેલે વાતાવરણને મોહક બનાવ્યું હતું. ચારે તરફ ચાંદની જેવો આછો પ્રકાશ રેલાઈ ગયો હતો. કાલે સવારે જ હવે મળવાનું હોઈ પોતે ત્યારે તો આવશે. પણ તે પહેલાં એણે પોતાની ભવિષ્યનીતિ વિશે કાંઈક સ્વસ્થ વિચાર કરી લેવાની જરૂર હતી. 

કુમારપાલજીનો ગજ અત્યારે આંહીં વાગે તેમ ન હતો એ સ્પષ્ટ હતું. મહારાજ સાથે અત્યારે કોણ હતું એનો પત્તો મળે તો ઠીક એમ એના મનમાં એક વિચાર આવી ગયો. એ કાકને ખોળવા લાગ્યો, પણ તે ક્યાંય દેખાતો ન હતો. પોતાને જે જવાબ મળ્યો તે તમામ અમાત્યો અને મંત્રીઓને મળ્યો હોય તેમ લાગ્યું. સૌ આવ્યા એવા જ વીંખાવા માંડ્યા હતા. એક વયોવૃદ્ધ દંડ દાદાકનું સુખાસન હજી ત્યાં ઊપડ્યા વિનાનું રહ્યું હોય તેમ જણાતું હતું. 

ઉદયન પણ પોતાને રસ્તે પડી ગયો. આજના બનાવોની આસપાસ એ આખી રાત ચિંતન કરે તોપણ કાંઈ પત્તો ન ખાય એવી અટપટી વેલીઓ વીંટળાયેલી હતી.

પહેલો પ્રશ્ન એના મનમાં એ હતો કે એણે હવે પોતે શી રીતે પોતાનો માર્ગ કાઢવો? આંહીં પોતે કુમારપાલના પક્ષકાર તરીકે તો ત્રણ બદામનો બની જાય તેમ હતું! અને એનો પક્ષ છોડે એ તો ન ભૂતો ન ભવિષ્યતિ વાત હતી.

ત્યારે હવે એણે શું કરવું? ક્યો મારગ લેવો?

એ વિચાર કરતો પોતાને રસ્તે પડ્યો.