Featured Books
શ્રેણી
શેયર કરો

અવંતીનાથ જયસિંહ સિદ્ધરાજ - 6

મલ્હાર ભટ્ટે ઘોડું તો મેળવ્યું!

મલ્હાર ભટ્ટને તેજદેવ સાથે ઠીક ચાલવું પડ્યું. એમાંથી એણે અનેક વાત જાણી લીધી. 

મહારાજ જયસિંહદેવે નિશ્ચય કર્યો હતો કે હવે ધારાગઢનો દુર્ગ તોડવો જ જોઈએ. એમણે ઉત્તમોત્તમ ગજસૈન્ય તૈયાર કરવા માંડ્યું હતું. પણ હજી જોઈએ એટલી તૈયારી થઇ ન હતી, એટલે ઉપરટપકે હમણાં છૂટાછવાયાં યુદ્ધ ચાલતાં હતાં.

પણ મહારાજે તમામ મંત્રીશ્વરો ને સેનાપતિઓને જણાવી દીધું હતું કે એ પાટણની ગાદીનો વારસ પણ સ્થાપી દેવા માંગે છે!

એ વારસ કોણ હશે – એનું સૌ અનુમાન કરી રહ્યા હતા.

કેટલાક, મહારાજની પુત્રી કાંચનદેવી, જેને શાકંભરીશ્વર આનકરાજ સાથે પરણાવી હતી, એનો પુત્ર સોમેશ્વર ચૌહાણ એ વારસો લેશે એમ માનતા હતા. 

બીજા કેટલાંક હવામાં નવી જ વાત દેખતા હતા. 

મહારાજ જયસિંહદેવને પોતે હજી કંઈ પ્રગટ કર્યું ન હતું, પણ એ વિશે બધામાં ખાસ મતભેદ પ્રવર્તતો હતો. મહારાજની અદ્ભુત શક્તિને લીધે એ ભેદ દેખાતો ન હતો, પણ દેખીતી રીતે તો, માલવા પડે એટલી જ વાર આ મતભેદને ઉગ્રરૂપે પ્રગટ થવાને હતી!

તેજદેવની વાતમાંથી આ સઘળું જાણીને ભટ્ટ મલ્હારનો અંતરાત્મા તો જાણે થનગની ઊઠ્યો. એણે કાંઈનું કાંઈ કરી નાખવાનું મન થઇ આવ્યું. એણે પણ સાંભળ્યું હતું કે મહારાજનો એક પુત્ર છે. કોણ છે, ક્યાં છે, એ તો કોઈ જાણતું નહોતું. મલ્હાર ભટ્ટને એ અજ્ઞાત કુમાર માટે પોતાની જાત નોંધાવવાનું મન થઇ આવ્યું. એના સ્વભાવ પ્રમાણે એ વાતની જ એને અસર થવી જોઈએ એ ને એ પ્રમાણે એ થઇ. એને આ ઉદયન ને કૃષ્ણદેવનો સંગ તરત તજવા જેવો લાગ્યો. પોતે ચાલી રહ્યો હતો એ સોલંકીની તુરંગછાવણીનો છેવાડાનો ભાગ હોય એમ એને લાગ્યું. એટલામાં તો એની પટ્ટકુટ્ટી આવી. એની પટ્ટકુટ્ટીથી થોડે દૂર ડુંગરાઓ જેવડા હાથીઓની મોટી કતાર ઊભીઊભી ઝૂલી રહી હતી. મહાવતો, પરિચારકો, યોદ્ધાઓ અને અરચૂરણિયા પરચુરણિયા આમથી તેમ કામમાં મશગૂલ હોય તેમ ઘૂમી રહ્યા હતા. થોડેક આઘે એક નાની સરખી નદી વહી રહી હતી. કેટલાંક સૈનિકો ત્યાં અત્યારમાં ઘોડાઓને ધમારવા આવ્યા હતા. મલ્હાર ભટ્ટે ઉતારોપાણી જોઈ, હાથમાં લોટો લઇ નદી ભણી જવાનો વિચાર કર્યો.

‘તેજદેવ! તમે આંહીં બેઠા છો? તો હું બે’ક પાણીના છાંટાબાંટા નાંખી આવું. ઉદયનજી મંત્રીશ્વર આવશે ત્યાં તો હું આવી જઈશ!’

‘મલ્હાર ભટ્ટ નદી તરફ ઊપડ્યો. એના મનમાં એક વાતની ગાંઠ બંધાઈ ગઈ હતી. આ બંને જણા મળીને મહારાજની પાસે એને રજૂ કરવાના હતા. પણ કુમારપાલજીની વાત વિશે એણે જે જે અત્યાર સુધી સાંભળ્યું હતું તે વાતની સાથે એમણે કહેવરાવવા ધારેલી વાતનો ક્યાંય મેળ ખાતો ન હતો, કુમારપાલ હજુ ભૃગુકચ્છમાં હતો, એમ એણે સાંભળ્યું હતું. એ લાટમાં રખડતો હતો. એમ પણ માહિતી હતી. એ એક વખતે મંત્રીને ત્યાં સ્તંભતીર્થમા હતો, એવા પણ સમાચાર ચાલ્યા હતા. ગમે તેમ, મહારાજ જયસિંહદેવને પોતાની વિક્રમી પરંપરા તૂટે એ પસંદ ન હતું, અને એમાં પણ આ અર્ધશિક્ષિત જેવો ત્રિભુવનપાલનો પુત્ર ગાદી ઉપર આવે એ એમને ગમતું ન હતું. અને મલ્હાર ભટ્ટ તો પોતાને પેલાં મહારાજના હવાઈ પુત્રનો સૈનિક માનતો થઇ ગયો હતો! એટલે એક રીતે તો એને ઉદયનના નામથી જ અરધી ઝાંઝ ચડી ગઈ હતી. એકલો પડતાં એ પોતાની રીતિના વિચારે પડી ગયો. એને લાગ્યું કે આ મારવાડો, ઘી વેચવાવાળો, એના જેવા અર્જુન ભટ્ટના વંશજને મહારાજ પાસે રજૂ કરે, એ તે વળી કઈ વાડીનો મૂળો? એની પાસે એવી કઈ પરંપરા હતી? એના જેવો અયાચી બ્રાહ્મણોત્તમ આ પીળા ચાંદલાનો આધાર લ્યે એમ? એનું સ્થાન તો એ પોતે મેળવી લેશે. એનું ખરું સ્થાન તો મહારાજ જયસિંહદેવના જમણાં હાથે હતું! એને ઉદયનનું પણ કામ નથી ને મોઢરેકના સ્વામીનું પણ કામ નથી! મહાઅમાત્ય દંડ દાદાક જેવા કે મુંજાલ મહેતા જેવા એને કંઈક પિછાની શકે. કેશવ સેનાપતિ એને જાણી શકે. મહારાજ જેવા એની પરંપરા પિછાની શકે. પોતે જુદા જળમાં આવી પડ્યો હોય એમ એને લાગવા માંડ્યું. એના લોહીમાં રહેલી અર્જુન ભટ્ટ જેવાની વિચિત્ર શૈલીએ એને આ બંને પ્રત્યે ઠંડી ઉપેક્ષા અપાવી. 

અને એક વખત એ આવી, એટલે તો પછી એનો ખેટકપંથી, વિનોદી, જાડો સ્વભાવ એમાંથી રસ્તો શોધવા માંડ્યો!

એને લાગ્યું કે, એ ઉદયન મહેતાને જો ઘોડા વિનાનો કરે તો એને જાણ પડે કે ખેટકપંથી કેવો હોય! નાહી પરવારીને એ આવ્યો ત્યાં સુધીમાં હજી તેજદેવ પટ્ટકુટ્ટીને ઠીકઠાક કરવી રહ્યો હતો. ‘તેજદેવજી! રાખો, રાખો, હવે. અમારે બ્રાહ્મણભાઈને તો ત્રણ પથરાનો બહારજ મંગાળો હોય ને પડખે ખાખરાનાં પાન હોય એટલે બધું પતી ગયું! મને તો મંત્રીશ્વરના ઘોડાનું લાગી આવે છે. કેવો જાતવાન ઘોડો છે. તમે ઉપાડી આવો તો ભેગા ભેગો ધમારી કાઢીએ. બિચારે આખી રાત માથે લીધી છે. મને ખબર નહિ, આંહીં નદી છે. મંત્રીશ્વરને કહીને લાવો તો એનું પણ કામ થઇ જાય. એ બિચારું મૂંગું પ્રાણી, એ થોડી આપણને આપદા કહેવા આવશે! પણ એનેય અશાતા તો થાતી હશે નાં? ભગવાન! ભગવાન! તેજદેવજી! આટલું કરો. બીજી બધી ઉપાધિ કરો મા.’

તેજદેવને મલ્હાર ભટ્ટની વાત કરવામાં વાંધો ન હતો. થોડી વારમાં જ એ તો ઉદયનના ઘોડાને દોરતો આવ્યો. 

એ જેવો આવ્યો તેવો જ સરસામાન ઘણોખરો નીચે ઉતરાવ્યો. સાદી ગાદી જ રહેવા દીધી. પછી મલ્હાર ભટ્ટે કહ્યું: ‘તેજદેવજી! એક ચક્કર મરાવી લાવું! તમે જરાક આ સમાન સાચવજો. મહારાજનો રાજમાર્ગ તો આટલામાં નથી નાં?’

‘આટલામાં નથી, પણ આ હાથીખાના પછવાડે ડુંગરાઓની હાર છે. પછી મંત્રીશ્વરોનાં થાનક આવે છે. વચ્ચે મોટું મેદાન છે. મેદાનને છેડે મહારાજનો મુકામ છે, એ કાંઈ રહેશે? સૂરજ છાબડે ઢંકાય એવી વાત છે! અત્યારમાં હથી-ઘોડા પાલખીની ત્યાં તો કતાર જામી પડી હશે!’

‘થયું ત્યારે આપણે એ માર્ગે ન ચડવું, પછી?’

‘તો તો ચાલ્યા જાવ ને આમ પછવાડે, નદીને કાંઠેકાંઠે, મોટું એક મંદિર આવે છે! ત્યાં કોઈની અવરજવર પણ નહિ!’

‘કંઈ બીજું?’

‘આ સીધેસીધું, નાકની લીટીએ, ત્યાં નદીમાં પાણી પણ ઠીકઠાક છે!’

‘તો તમે થોડોક લોટ મંગાવી લેજો. હું આવીને બે બાટી કરી નાખીશ. આ ઘોડાને ચક્કર લગાવીને ધમારીને આ આવ્યો!’

મલ્હાર ભટ્ટે ઘોડો ઉપાડી મૂક્યો.

તેજદેવ જોઈ રહ્યો: એ જાય!

અને પછી એ જોતો જ રહ્યો. હઠીલો મોડેથી એને બોલાવવા આવ્યો, પણ ત્યાં સુધી હજી એ જોતો જ બેઠો હતો!

એ મનમાં સમસમી ગયો. જ્યારે હઠીલો એકલો પાછો આવ્યો ત્યારે ઉદયન સમજી ગયો કે બ્રાહ્મણે હાથતાળી દીધી છે, પણ વાત એવી બની ગઈ કે કોઈને કહેવાય તેવી જ ન હતી. તેણે કહ્યું: ‘હઠીલા! એ તો એના સમાચાર આંહીં આવી ગયા છે!’

સાંજ પડવા આવી પણ ભટ્ટનો પત્તો લાગ્યો નહિ. ત્યારે કૃષ્ણદેવ પાસેથી બીજા ઘોડાનો બંદોબસ્ત કરી ઉદયન મહારાજ જયસિંહદેવને મળવા માટે ઊપડ્યો. 

કૃષ્ણદેવે એને ચેતવ્યો હતો કે મહારાજ જયસિંહદેવ ત્યારે માલવાના, રણયજ્ઞના, મહાનરુદ્રમહાલયના, અવંતીનાથને નિર્મૂળ કરવાના, અને પોતાની એક સર્વોત્કૃષ્ટ પ્રણાલિકા સ્થાપવાના – એમ તમામ સ્વપ્નોને એકીસાથે એટલી એકાગ્રતાથી જોઈ રહ્યા છે કે કોઈ બીજીત્રીજી વાતને એમાં સ્થાન નથી!

‘સૌથી વધારેમાં વધારે ઉત્કૃષ્ટ છે એમની – પોતાની એક અદ્ભુત પ્રણાલિકા સ્થાપી જવાની.’ કૃષ્ણદેવે કહ્યું:

‘અને એ ઈચ્છાને મહાઅમાત્ય દંડ દાદાક પોષી રહ્યા છે. ભાવ બૃહસ્પતિ ભાવતામયતાથી રહ્યા છે. પેલી ‘પ્રતાપદેવી તેજથી દીપ્તિ આપી રહી છે એમાં હમણાં તમારો ગજ વાગે તેમ નથી. જોજો, ભૂલેચૂકે કુમારપાલનું કાંઈ બોલતા નહિ કે સાંભળતા પણ નહિ.’

‘ત્યાં કોણ અત્યારે હોય છે દ્વાર ઉપર?’

‘દ્વાર ઉપર તો ઘણું ખરું કૃપાણ, પણ કોઈ વખત પેલો, લાટનો યુદ્ધપતિ ઊભો હોય છે. એ જરાક વિચક્ષણ છે!’

‘કોણ? કાક ભટ્ટરાજ!’

‘હા, એ પણ ક્યારેક ઊભો રહે છે – એ તો આવનાર-જનારની નજર રાખવા. એમ તો કેશવ સેનાપતિ ત્યાં હોય. બાકી પેલો અચૂક ત્યાં હોવાનો!’

‘કોણ?’

‘એ તમને દેખાશે નહિ; આઘોપાછો કોઈક અંધારખૂણે જડમૂર્તિ જેવો, એક સ્થિર હાલતમાં કાં ઊભો હશે, કાં બેઠો હશે – બર્બરક. તમારા આ બધા રસ્તાની રચના એણે જ કરેલી છે. એ એક અક્ષર બોલતો નથી. માત્ર જાણે મહારાજના અંતરના બોલ વાંચી લેતો હોય તેમ. પડછાયા પેઠે ત્યાં હશે, હશે ને હશે! એ અબોલ માનવી કે અમાનવી સૌથી ભયંકર છે. એને મન મહારાજનો દરેકે દરેક શબ્દ ઈશ્વરાજ્ઞા છે! એની હડફેટે ચડવા જેવું નથી!

‘કુમારપાલજી દક્ષિણપંથમાં ગયા છે એ ખબર છે મહારાજને હો!’

‘ઉદયન સડક થઇ ગયો: કૃષ્ણદેવ પોતાને ભડકાવતો હતો કે સાચું બોલી રહ્યો હતો એ એને સમજાયું નહિ. તેણે ધીમેથી કહ્યું:

‘પણ હજી તો...’ 

‘હઠીલો માંડ જંગલ વટાવી આવ્યો છે એ ખરું, પણ એ ખબર આંહીં આવી ગયા!’

‘તમને કેમ ખબર પડી?’

‘મહારાજે પોતે જે કહ્યું ને! કુમારપાલ દક્ષિણમાં છે, અને આપણે આંહીં એનો ખપ છે! એ ગજશાસ્ત્ર નિપુણ છે! મને બોલાવ્યો હતો જ એટલા માટે!’ 

ઉદયન વિચારમાં પડી ગયો. જે વાતને એ અત્યંત ગુપ્ત માનતો હતો એ તો આંહીં આવી ગઈ હતી. પણ એણે  હરેક પ્રકારની મુશ્કેલીઓ જોઈ હતી. એ વધારે સાવચેત થઇ ગયો.

‘પછી તમે શું કહ્યું?’

‘મારે શું કહેવાનું હતું? હઠીલો તૈયાર થાય છે, મંત્રીશ્વર જવા માટે, તમે જ કહ્યું નથી કે આપણે તો રાહ જ જોવાની છે!’

‘હા. છે તો એવું જ!’

પણ કૃષ્ણદેવની આ વાતમાં ને વાતમાં જ ઉદયને પોતાની તક જોઈ લીધી. મહારાજને દક્ષિણપંથના સમાચાર મેળવવા હતા. પેલો ભામણો મલ્હાર ભટ્ટ એને હાથતાળી આપી ગયો હતો, પણ કેવળ વિદ્વેષથી પ્રેરાઈને પણ એ રહેવાનો તો આંહીં જ હતો. આંહીં રહેવા માટે જ આવ્યો હતો, એને જો દક્ષિણના ડુંગરાઓમાં રખડાવ્યો હોય નાં – તો એ ખો ભૂલી જાય – ઘોડાં ઉપાડી જવાની!

મહારાજ જયસિંહદેવને મળવા માટે એ ઊપડ્યો.