Runanubandh - 61 - Last part books and stories free download online pdf in Gujarati

ઋણાનુબંધ.. - 61 - છેલ્લો ભાગ

સૌમ્યા ડોક્ટરને મળીને અજયની શું પરિસ્થિતિ છે એ વિશે પૂછી રહી હતી. ડોક્ટરે એને સમજાવતા કહ્યું કે, "અજયને જે પછડાટ લાગી એની માથા પર ઈજા પહોંચી છે. મગજને સહેજ નુકશાન થયું છે. કેટલું નુકશાન થયું છે એનો બધો જ આધાર એ ભાનમાં આવીને કેમ વર્તે છે એના પર છે. બની શકે કે, એની યાદશક્તિ ક્ષણિક જતી રહી હોય એટલે કે શું થયું કે કેમ થયું એ એને યાદ જ નહોય અને એમ પણ બને કે બિલકુલ કઈ જ યાદ ન હોય! હા, એ સાવધાની રાખવી ખાસ જરૂરી છે કે, પેશન્ટને તકલીફ થાય એવી કોઈ જ વાત એમની સામે ઉચ્ચારવી નહીં. જો પેશન્ટ દુઃખી થશે તો એને નર્વસ બ્રેકડાઉન એટેક આવી શકે અથવા કોમામાં પણ સરી પડે એ પૂરી શક્યતા છે. પેશન્ટની આસપાસ એકદમ હળવું વાતાવરણ રાખવું જરૂરી છે. અમારું કામ એની જિંદગી બચાવવાનું હતું એ અમે કરી શક્યા પણ એનું જીવન ખુશીઓથી ભરવાનું કામ તો પરિવારનું જ હોય ને!" ડોક્ટર તો વાત કરીને જતા રહ્યા પણ સૌમ્યા વિચારે ચડી ગઈ હતી.

સ્નેહાએ સૌમ્યાને આશ્વાસન આપતા કહ્યું, "તું ચિંતા ન કર કેમ કે, જે થશે એ થઈને જ રહેશે. કુદરત શું ઈચ્છે છે એ તો કુદરત જ જાણે!"

"વાત તારી સાચી છે પણ અજયે ક્યારેય પ્રીતિનું વિચાર્યું જ નથી તો એને નોર્મલ રહેવા કેમ સમજાવવી? એ પણ અત્યારે કે જયારે એને અજયનો આખો ભૂતકાળ ખબર પડ્યો છે ત્યારે? એનો જે વિશ્વાસઘાત અજયે કર્યો એ પછી પ્રીતિ તો શું કોઈપણ સ્ત્રી આ સહન ન જ કરી શકે!"

"તારી વાત તો સાચી જ છે. પણ હજુ અજય ભાનમાં આવે ત્યાં સુધીમાં પ્રીતિ નોર્મલ થઈ જ જશે. મને પ્રીતિના સ્વભાવની ખબર છે એ સ્તુતિને તકલીફ પડે એવું ક્યારેય નહીં કરે. ખૂબ હિંમતવાળી છે. એ જે પણ રસ્તો પસંદ કરશે એ બધાં માટે સારો જ હશે!"

"હા. આપણે ઘરે જઈએ ત્યારે બધાને ડૉકટરે કહી એ વાત જણાવશું. એ જણાવવું ખૂબ જરૂરી છે. પપ્પા અહીં આવે એટલે એમને પણ કહીએ."

પરેશભાઈ અને હસમુખભાઈ હોસ્પિટલ પહોંચી ગયા હતા. હોસ્પિટલ એ બંને રોકાવાના હતા. સૌમ્યાએ બધી જ વાત પપ્પાને કરી અને એ બંને ઘરે ગયા હતા.

એ બંને ઘરે પહોંચી ત્યારે સ્તુતિ એમના બંને ભાઈ પ્રિયાંક અને આયુષ સાથે સ્ટડીની ચર્ચા કરી રહી હતી. એવું બિલકુલ લાગતું જ નહોતું કે એ લોકો આજે પહેલીવાર મળ્યા હોય! ભાઈઓ અને બહેનનો પણ આ એક અલગ જ ઋણાનુબંધ જ હતો ને કે, જે એટલાં વર્ષો પછી મળ્યાં હોવા છતાં પણ હંમેશાથી સાથે રહેતાં પરિવારના જ સદસ્યોની જેમ જ વર્તી રહ્યાં હતાં.

બીજા રૂમમાં સુજલકુમાર, ભાવિની, કુંદનબેન અને પ્રીતિ બેઠા હતા. બધાં જ ચૂપચાપ પોતાના મોબાઈલમાં સમય પસાર કરી રહ્યા હતા. સૌમ્યા અને સ્નેહા ત્યાં એમની પાસે આવ્યા. સૌમ્યાએ થોડીવાર પછી ડોક્ટરે જે કહ્યું એ બધું જ જણાવ્યું હતું.

પ્રીતિની આજના દિવસે ફરી કુદરતે પરીક્ષા લીધી. પ્રીતિ બધું સાંભળીને એટલી હદે પરેશાન થવા લાગી કે, હૃદય ધબકી રહ્યું હતું એનો અવાજ એને સંભળાઈ રહ્યો હતો. ભીતરનું મન ચીસો પાડીને પાડીને પોક મૂકી રડી રહ્યું હતું. વાત બધી પ્રીતિ પર જ આવીને અટકી હતી. પ્રીતિ જો અજયને ભાનમાં આવ્યા બાદ ન મળે તો અજયને તકલીફ થાય એ નક્કી જ હતું. અને મળ્યા પછી નોર્મલ વર્તવું એના કરતાં પણ વધુ તકલીફ પ્રીતિને થાય એમ હતું. આથી બધાની નજર પ્રીતિના ચહેરા પર અટકી હતી. પ્રીતિને આમ બધાનું બોલ્યા વગર ફક્ત નજરથી કહેવું ખૂબ જ તકલીફ આપતું હતું. એ ત્યાંથી ઉભી થઈને અંદરના પોતાના રૂમમાં જતી રહી હતી. આજે બધાંએ એને એકલી થોડી વાર રહેવા દીધી હતી.

પ્રીતિ જયારે જયારે અતિ મૂંઝવણમાં આવતી ત્યારે જાત સાથે સંવાદ કરતી હતી.

આજે પણ એ પોતાના મનને જ કહેવા લાગી, "આજ પહેલા જયારે અજય કાજલને ચાહતો હતો ત્યારે તું જાણતી નહોતી ત્યારે એને પ્રેમ કરતી જ હતી ને તો આજે કાજલ એના જીવનમાં નથી તો તને કેમ નફરત?"

"સંપૂર્ણ સમર્પણમાં પણ સામે વિશ્વાસઘાત થયો કદાચ એટલે જ.."

"પ્રેમ તો સારા નરસા બધાં જ પાસાને સ્વીકારે તો જયારે એને અફસોસ હોય તો તું ન સ્વીકારી શકે?"

"ના ન જ સ્વીકારી શકું."

"પ્રેમની સામે તો અહમ જીતતો લાગે છે."

"ના જરાય નહીં."

"અજયથી નફરત બરાબર પણ સ્તુતિથી તો પ્રેમ છે ને! તો પ્રેમ કરતા નફરતને મહત્વ શું કામ?"

"બસ, એ સ્તુતિના પ્રેમ માટે જ!"

"એ તો તને છે કે ફક્ત એક જ પિયરનો પ્રેમ જ એને જોઈએ છે. એ તો પહેલીવાર જ મળી છતાં બધા સાથે ભળી રહી ને!"

"હા, એ તો પરિસ્થિતિ એવી બની એટલે.."

"તો એ જ પરિસ્થિતિથી એને એના જીવનના દરેક પાત્રનો પ્રેમ મળે તો શું ખોટું?"

"ના ખોટું તો કંઈ જ નથી પણ ફરી એ જ માહોલ બને તો?"

"અજય જો તારી પાસે માફી માંગે તો તું શું માફ ન કરે?"

"ના ન જ કરું. તો પછી લગ્ન વખતના વચનનું શું મૂલ્ય?"

"એ વચન તોડવાનું તો અજયે શરૂ કર્યું ને?"

"પણ એ પ્રેમ શું કે જે પોતાના જીવનસાથીને સાચે રસ્તે ન લાવી શકે? અને જયારે એને એ બાબત સમજાણી અને માફી માંગે તો શું બંનેનો રસ્તો એક ન થાય?

"ના ન જ થાય!"

"તો અજયમાં અને મારામાં ફેર શું?"

"ઘણો ફેર.."

"તો ફેરને જીતાડ... ખોટા અહમથી બધા જ પાત્રના પ્રેમને દૂર થતા અટકાવ ને સાબિત કરી દે કે ઋણાનુબંધ હતું, છે અને રહેશે જ!"

પ્રીતિને કુદરતે જાણે રસ્તો દેખાડ્યો. મન એકદમ શાંત થઈ ગયું હતું. એ કુદરતનો જ ઈશારો હતો ને કે, સ્તુતિની પ્રાર્થના જાણે ફળી રહી હતી! પ્રીતિએ પોતાની ડાયરી ખોલી અને શાયરી લખવા લાગી.

મારા અસ્તિત્વની સાથે જ હું કેમ લડી શકું?
મારાથી જ સમેટાઈ દરેક તકલીફ તો કેમ પીછે હઠ કરી શકું?
મારાથી જ જો ઘા રૂઝાય તો કેમ દર્દ આપી શકું?
દોસ્ત! આ તો જન્મોજન્મનું છે ઋણાનુબંધ, એને કેમ તોડી શકું?

પ્રીતિનું મન શાંત થઈ ગયું હતું, આથી એ શાંતિથી ઊંઘી ગઈ હતી. વહેલી સવારે એ સ્તુતિ સાથે હોસ્પિટલ પહોંચી હતી. એણે જેવો હોસ્પિટલમાં પગ મૂક્યો કે, અર્ધજાગૃત અવસ્થામાં પણ અજયને પ્રીતિના પગલાંની આહટ મહેસૂસ થઈ રહી હતી. સહેજ હાથ પગમાં હલચન હોસ્પિટલના સ્ટાફબોયના નજરમાં આવી ગઈ હતી. એણે તરત જ ડોક્ટરને બોલાવ્યા હતા. પ્રીતિ જેમજેમ અજયના રૂમ તરફ આગળ વધી રહી હતી તેમતેમ અજયનું બોડી સળવળતું સહેજ વધુ હલ્યું હતું.

પ્રીતિ એના રૂમની બહાર એ રીતે ઉભી હતી કે, અજય અને એની આંખ એકબીજાને જોઈ શકે. અજય ભાનમાં આવી રહ્યો હતો. ડૉક્ટર પણ ત્યાં જ હતા. મશીનના રિપોર્ટ્સ બધા બરાબર દેખાય રહ્યા હતા. અજય ભાનમાં આવ્યો અને એણે આંખ ખોલી હતી. પ્રીતિની અને એની આંખ મળી. આંખ ખોલતાં જ પ્રીતિને વર્ષો બાદ એણે આજે જોઈ. પ્રીતિને જોઈને એની આંખમાંથી આંસુ સરી પડ્યાં. જાણે આટલાં વર્ષોની બધી જ ઘટનાઓ કે, જ્યારે જ્યારે પણ એણે પ્રીતિને અન્યાય કર્યો હતો એ બધી જ એના ચેહરા સમક્ષ તરવરી ઉઠી. એના દિલમાં એક એવું તોફાન ઉઠ્યું હતું જે દર્દ બનીને એને ખૂંચી રહ્યું હતું.

એ ધીરા સ્વરે બોલ્યો, "પ્રીતિ...!"

પ્રીતિ એના અધકચરા અવાજને સાંભળીને કાચનો દરવાજો ખોલી રૂમની અંદર અજયની પાસે આવી રહી હતી. અજય પ્રીતિને જ જોઈ રહ્યો હતો. ડૉકટર અજયની પરિસ્થિતિને સમજવા ત્યાં જ ઉભા હતા.

અજય હવે ધીરા પણ સ્પષ્ટ અવાજે બોલ્યો, "મને માફ કરી દે પ્રીતિ!"

પ્રીતિએ એના હોઠ પર પોતાનો હળવેકથી હાથ મૂકીને કહ્યું, "તમારે કંઈ જ બોલવાનું નથી આરામ કરો. હું જાણું છું તમે શું કહેવા માંગો છો. આટલાં વર્ષોથી તમને ઓળખું છું. આટલાં વર્ષોમાં એટલું તો હું સમજી શકી છું કે, તમે મને અને સ્તુતિને ખૂબ ચાહો છો પરંતુ માત્ર તમારું મૌન જ આપણાં સંબંધને ભરખી ગયું. કદાચ આપણે બંને એકબીજા સામે પૂરી રીતે વ્યક્ત જ ન થઈ શક્યા."

"ના, આજ મને કહેવા દે, હું ખુબ ચૂપ રહ્યો છું. આટલું બોલી એ થંભી જાય છે. અજયના શ્વાસની ગતિ પણ વધી ગઈ હોય છે."

ડોકટરની ટીમ ત્યાં હાજર જ હોય છે. અજયનું બીપી એકદમ ઉપડાઉન અનિયમિત થઈ રહ્યું હતું. એ ભાનમાં જ હોય છે એને ઘણું બધું કહેવું હોય છે પણ એનાથી બોલાતું નહોતું એ સ્પષ્ટ જણાય રહ્યું હતું. ડોકટરે પણ પ્રીતિને કહ્યું કે, એમને કહેવા દો, એમના મનમાં જે છે એ બહાર આવવા દો.

અજયે ફરી કહ્યું, "હું તને અને તારા પ્રેમને સમજી શક્યો નહીં. તે હંમેશા મને ખુબ સાથ આપ્યો છે. મેં તારો વિશ્વાસ તોડ્યો છે. તે આખું જીવન મારા એ સત્યને જાણ્યા વગર મારે માટે જ વિતાવ્યું છે. પણ એ મારે તને કહેવું છે. હું મારી મિત્ર કાજલને ખુબ ચાહતો હતો. પણ મારો એ પ્રેમ એકતરફી જ હતો, આથી એ પૂરો થવો અશક્ય જ હતો. મને ઘડી ઘડી એમ જ થતું કે તું મારા જીવનમાં ન આવી હોત તો હું કાજલને મેળવી શક્યો હોત! બસ, આ ગુસ્સો જ મારો બધાનું જીવન બગાડી ગયો હતો. સ્તુતીએ ગયા વર્ષે મેડીકલમાં એડમિશન લીધું એ જોઈને મને મારા ચરિત્ર પર ખુબ ગુસ્સો આવ્યો. મને થયું કે, હું કુદરતે આપણું જે ઋણાનુબંધ લખ્યું હશે એ સ્વીકારી જ ન શક્યો. તે એકલા રહીને પણ સ્તુતિને ખુબ સરસ પરવરીશ આપી છે. હવે સ્તુતિ માટે તારા માટે હું એ બધું જ કરવા ઈચ્છું છું જે એક પિતાએ, પતિએ કરવું જોઈએ! તું મને માફ કરી આમ મને કરવા સાથ આપીશ ને!"

અજય આટલું માંડ માંડ બોલી રહ્યો હતો. ધીરે ધીરે અને ધીમા સ્વરે અંતે એણે એની વાત રજુ કરી જ દીધી હતી.

"હા, જરૂર સાથ આપીશ!" ટૂંકમાં જ જવાબ આપી પ્રીતિએ એક સુંદર હાસ્ય આપતા અજયના હાથને પોતાના હાથમાં લીધો હતો.

અજયને આજ ક્ષણે પુજારીના શબ્દો યાદ આવ્યા. "તથાસ્તુ. તું તારા કામમાં સફળ થઈશ. બેફીકર તું જા." અજયે પણ પ્રીતિને એક હળવું હાસ્ય આપ્યું હતું. બંને એ પછી મૌન હતા પણ આંખોથી વ્યક્ત થતો એમનો પ્રેમ વરસી રહ્યો હતો.

"તો તે મને માફ કરી દીધો?"

"હા..."

"પણ સ્તુતિ? સ્તુતિ તો મને ક્યારેય માફ નહીં કરે ને?"

હજુ તો પ્રીતિ કંઈ બોલે ત્યાં જ સ્તુતિ આવી અને બોલી ઉઠી, "માફી તો મારે તમારી માંગવાની છે પપ્પા! મેં તે દિવસે તમારી જોડે ખૂબ ખરાબ વર્તન કર્યું. પણ હું પણ શું કરું? મને તમારા પર ગુસ્સો જ એટલો હતો કે, કે મનમાં આવ્યું એ બધું જ નીકળી ગયું.

અજય ફક્ત હળવું એ બંનેની સાથે હસ્યો અને પોતાના હાથ પ્રીતિ અને સ્તુતિ બંને તરફ પ્રેમથી લંબાવ્યા.

પ્રીતિ અને સ્તુતિ બંને અજયની બાહોમાં સમાઈ ગયા. અજય બોલી ઉઠ્યો, "આજે મારો પરિવાર ખરાં અર્થમાં પૂર્ણ થયો."

પ્રીતિને એના હાસ્યમાં પ્રેમની જીત અને સંપૂર્ણ પરિવારના સાથની રાહત દેખાઈ રહી હતી.


--- --- સમાપ્ત --- ---


બીજા રસપ્રદ વિકલ્પો

શેયર કરો

NEW REALESED