Ajju Bhai books and stories free download online pdf in Gujarati

અજ્જુ ભાઈ

અજ્જુ ભાઈ


મારો પાક્કો મિત્ર, નામ અરજણ. પણ હું એને અજ્જુ કહું. યારો નો યાર, ભાઈઓ નો ભાઈ. દિલનો સાફ પણ થોડીક ખરાબ આદતો. દસ વર્ષ પેલાની વાત છે જ્યારે ચરસ - ગાંજો, દારૂ શહેરમાં સામાન્ય હતું. અજ્જુ ગરીબીમાં મોટો થયેલો, અમીરીની હવા પણ તેની ઝુપડી પાસેથી પસાર થઈ નહોતી. આવા હાલમાં ગમ્મે તેમ કરીને તેને બસ પૈસા કમાવવા હતા. સાચી કે ખોટી રીતે એતો મુદ્દો જ નહોતો. તેના માટે તે શોર્ટકટ લેવા તૈયાર થયો.


હું અત્યાર સુધીમાં પહેલી વખત તેની વાતથી સહમત નહોતો. જયારે તેને કહ્યું, ‘ એક પિસ્તોલ જોશે, બે જણા આગળથી જશે ને બે જણા પાછળ રહેશે ફિલ્ડિંગ ગોઠવશું અને કામ પતાવીને પાછા ફરશું.‘ હું ડરી ગયો અને મેં તેને પણ આમ ન કરવા મનાવ્યો. પણ માને તો અજજુ શેનો? પણ કમનસીબે બધું પ્લાન પ્રમાણે થયું. તે પાછો ફર્યો ત્યારે ખિસ્સામાં નોટો જ નોટો હતી.


હવે અજ્જુના મોજ-શોખ પણ પૈસા સાથે વધવા લાગ્યા. મારો અજ્જુ હવે તેની ગેંગ નો ‘અજ્જુભાઈ‘ બની ગયો. તે માને કહેતો, ‘ ચાલ શોપિંગ કરવા જઈએ, ચિંતા ન કર પૈસા તો પાણી છે... ચાલ ફરવા જઇએ, તું મને લઇ જતીને હવે મારી વારી...‘ અજ્જુ માટે એની માં જ બધું હતી. એના બાપા તો તેને બાળપણમાં મૂકી ને ચાલ્યા ગયેલા. ત્યારથી હું અજ્જુને ઓળખાતો. અમારી વચ્ચે કોઈ વાતનો પડદો નહોતો. બીજા છોકરાઓમાં અજ્જુનો ખોફ હતો પણ હું એનાથી ડરતો નહીં. હું જ્યારે એને મળતો ત્યારે કહેતો, ‘યાર, આ બધું ઠીક નથી‘ પણ અંદરખાને હુંય જાણતો કે એની પાસે કોઈ ડીગ્રી-સર્ટીફીકેટ નથી. મારા કહેવાથી તેને નોકરી માટે પ્રયત્નો કર્યા હતા. પણ કંઈ હાથ નહોતું લાગ્યું. ભૂખ્યો તો રોટલી જ માગે અને ભૂખ તો ભૂખ્યો જ જાણે.


એકતો ગરીબીના કારમા પીંજરા માંથી નીકળેલો અજ્જુ. ઉપરથી પિસ્તોલ અને નશો, બંનેનું મિશ્રણ ખતરનાક હોય છે અને તેમ જ થયું. અજ્જુએ પૈસાની બાબતમાં ડીલરને ઉડાડી દીધો. તેના પર 302ની કલમ લાગી. હવે પોલીસને પણ તેની શોધ હતી. ઘણા દિવસ સુધી તે કંઈ દેખાયો નહીં. અચાનક એક દિવસ તેનો મેસેજ મળ્યો, ‘સાંજે મળીએ, રાજુની ટપરી પર...‘ અમે નાનપણથી ત્યાં મળતા. રાજુકાકાના મસ્કા-બનનાં તો અમે દિવાના હતા. ઘણા દિવસે મળશું એ વાતનો મને આનંદ હતો અને તેના હાલ-ચાલ જાણવાની જીજ્ઞાશા પણ હતી.


આ બાજુ અજ્જુ ઘરે આવ્યો. માં ને મળ્યો. માંને પગે લાગી, પોતાની રૂમમાં ગયો. તેને કોઈ ઉપર ભરોસો નહોતો બધા મતલબી લાગતા. એ પણ જાણતો હતો કે મરવું હોય તો હીરોની જેમ, વિલનની મોતનો શોક નથી હોતો. તેણે પિસ્તોલ કાઢી લમણા ઉપર ગોઠવી પણ ત્યાં તેની માનો ચહેરો સામે આવ્યો. માથું ભમવા લાગ્યું, શરીર પરસેવાથી રેબઝેબ થઈ ગયું. ઘણી મહેનત કરવા છતાં ટ્રિગર દબાવવાની હિંમત ના થઈ. બધા પૈસા અને નશા પણ હવે પૂરા થઈ ગયા હતા. છેવટે થાકી- હારીને ઘર ની બહાર નીકળ્યો. આવા માણસોની માથે શેતાન સવાર થઈ જાય છે. મેં તેને ઉતાવળા બહાર નીકળતા જોયો. હું દોડતો તેની પાસે આવ્યો. ‘ યારા, અત્યારે નઈ સાંજે મળીયેને નિરાંતે...‘ મને આટલું સંભળાયું અને વીજળી વેગે તેની મોટર ત્યાંથી નીકળી ગઈ. મને થયુ કોઈ જરૂરી કામ હશે સાંજે મળવાનું જ છે ને આથી મેં તેને ના રોક્યો.


સાંજના સાડા સાત થવા આવ્યા હશે, હું તો પહોંચી ગયો રાજુકાકાની દુકાને. પહેલાની ટપરી હવે દુકાન થઈ ગઈ હતી. મેં અમારા સ્પેશિયલ મસ્કા-બનનો ઓર્ડર આપ્યો. દુકાનમાં ટીવી પણ આવી ગયું હતું. મેં ટીવી શરૂ કર્યું. ત્યાં સમાચાર હતાં " શહેરમાં બે ગુનેગાર ગેંગની અથડામણમાં ચાર અનામી વ્યક્તિની મોત થઈ છે. જેની પાસેથી પિસ્તોલ અને....." ટીવી પર અનામી વ્યક્તિઓના ફોટા દેખાયા. પણ દુઃખની વાત એ હતી કે તેમાંની એક અજાણી વ્યક્તિનો ચહેરો હું જાણતો હતો.


હવે અજ્જુ તો આ દુનિયામાં નથી, પણ મારું એક વચન છે કે જ્યારે પણ તેની પાસે જઈશ તે સાંજે તેને જરૂર મળીશ...


Inspired by : Talha Anjum “balli aur Main”

બીજા રસપ્રદ વિકલ્પો