Sacha mitro books and stories free download online pdf in Gujarati

સાચા મિત્રો

સાચા મિત્રો


મિત્ર એટલે મૈત્રી ધરાવનાર, દોસ્તાર, દોસ્ત, હિત્તેશુ, શુભેચ્છક. કોઈ પ્રશ્ન પુછે કે મિત્ર કેવો શોધવો જોઈએ? તો આપણને બાળપણથી સાંભળેલું પેલું વાક્ય યાદ આવે કે "મિત્ર એવો શોધવો જે ઢાલ સરીખો હોય,
સુખમાં પાછળ પડી રહે પણ દુઃખમાં આગળ હોય.."
જોકે મિત્રોને સુખમાં પાછળ મૂકવામાં હું માનતો નથી. ( કારણ કે આપણે પણ કોઈ ના તો મિત્ર છીએ) પણ મિત્રોની સાચી કસોટી તો દુઃખના કપરા સમયમાં જ થાય છે. જીવનમાં આવેલી દુઃખની ઘડીમાં જે પડખે આવીને ઉભો રહે તે સાચો મિત્ર.
એક દરવાજા પર લખ્યું હતું કે 'આજે હું બહુ દુઃખી છું, કોઈ પણ મારી પાસે ન આવતા' તો સાચો મિત્ર અંદર ગયો અને બોલ્યો, 'મને વાંચતા નથી આવડતું, દોસ્ત'. એક મિત્ર જ બીજા મિત્રને ઓળખી શકે છે. તેના વિચારોને જાણી શકે છે. કોલેજમાં બંક મારવાનો હોય કે પરીક્ષા સારી ના ગઈ હોય, ભાઈને પ્રેમમાં ફરીથી દગો મળ્યો હોય કે પપ્પાનું પ્રેશર હોય બધી જ સમસ્યા નો એક જ રસ્તો એટલે દોસ્તો. ખરો મિત્ર તો તેને જ કહેવાય કે જે લાગણીઓને સમજી જાય, તેને કહેવાની જરૂર ના પડે. તે જોતા જ એ શા માટે આવ્યો હશે તે હૃદયથી વાંચી જાય. વિશ્વાસ નો પર્યાય બીજું કોઈ નહીં પણ ફક્ત સાચા મિત્ર જ હોઈ શકે. એના દૃષ્ટાંતમાં તમે કેટલાય લોકોને કહેતા સાંભળ્યા હશે કે, 'ફલાણા ભાઈ તો મારા મિત્ર છે, મારું નામ આપજો ને કામ કરી નાખશે'.
જીવનના દરેક ઉતાર- ચડાવમાં તે મિત્રનો ખ્યાલ રાખે છે. તેને સમજી શકે છે. મિત્ર એ એવું ફૂલ છે જે તમારા જીવનને સુગંધથી ભરી દે છે. જીવનના નિર્ણયો વ્યવહારો સારા મિત્રો હોય તો સરળ રીતે પાર પડી જાય છે. કેટલાક મિત્રોની મૈત્રી સવારના ઝાકળ જેવી હોય છે, ભલે થોડા સમય માટે હોય છે પણ મીઠી યાદ આપી ને જાય છે. તો અમુક તો કાયમી ઉધયની જેમ ઘર કરી ગયા હોય છે. જે જવાનું નામ જ નથી લેતા પણ તેની દોસ્તી જીવનભર કાયમ રહે છે.
ચાણક્યનું એક વાક્ય છે જેમાં તેણે કહ્યું છે કે, 'મિત્રતા અને દુશ્મની હંમેશા સરખા વ્યક્તિ સાથે કરવી' એનો અર્થ એ થાય કે સમાન વિચારો, કાર્યો, સામાજિક, આર્થિક સ્થિતિ વગેરે ધરાવતા મિત્રો વચ્ચે સામ્યતા હોય તો સંબંધો લાંબા ટકે છે. તે એકબીજાને સમજી શકે છે. કહેવાય છે મિત્રતા એ દિલનો સંબંધ છે તેના લીધે બીજા બધા કારણો કરતા મનની વાતો સૌથી આગળ રહે છે. દોસ્તીની કોઈ ડેફીનેશન હોતી નથી દોસ્તી તો પિતા પુત્ર વચ્ચે, માતાને દીકરી વચ્ચે, એક શિક્ષકને વિદ્યાર્થી વચ્ચે જોવા મળે છે.
શેરીમાં રમતા તો સો મિત્રો મળે, તાળી પાડનાર તો અનેક છે પણ જેના સુખ-દુઃખ પામી શકાય તેવા મિત્રો તો સોમાં એક હોય છે. જીવનની ચડતી પડતી પડતીમાં સાથ આપે સાથે રહે તે ખરો મિત્ર છે. મિત્રો મેળવવા અઘરા છે તો યારી નીભાવવી તો તેનાથી પણ અઘરી છે. સાચી મિત્રતા એક છોડ જેવી હોય છે જે ધીમે ધીમે વધે છે તે મોટું વૃક્ષ થઈ જીવન ભર છાંયો આપે છે. જીવનમાં માં-બાપ અને ભાઈ-બહેનની સાથે મિત્રોને પણ જરૂર રહે છે. જ્યારે ઘરના 'ભાયુ- બંધુ' કામે નથી આવતા ત્યારે 'ભાઈબંધુ' કામ માં આવે છે.

ગુજરાતીમાં એક કહેવત છે કે 'મૂર્ખ દોસ્ત કરતા એક શાણો દુશ્મન સારો' ઘણીવાર આપણે કોઈ એવી વ્યક્તિને દોસ્ત બનાવીએ છીએ જે આપણને આપણી મુશ્કેલીમાં વધારો કરે છે. અમુક વાવાઝોડા જેવા મિત્રો પોતાને સાથે બીજા ને પણ ખોટા રવાડે ચડાવી દે છે. ઘણીવાર દોસ્ત પણ આપણને જ નુકસાન પહોંચાડે છે. આથી દોસ્ત બનાવવા પહેલા પણ સો વાર વિચાર કરવો જોઈએ. મિત્ર એટલે તમારું પ્રતિબિંબ, તમારા આત્માનો અવાજ અને તમારા અસ્તિત્વનો આધાર. તમારા મિત્રો પરથી તમારો વ્યવહાર દેખાય આવે છે. ભલે દોસ્ત ઓછા બનાવો પણ એમાં દોસ્તી વધારે રાખજો !

જીવનમાં એક મિત્ર કૃષ્ણ એવો હોવો જોઈએ જે યુદ્ધમાં લડે નહીં પણ સાચો માર્ગદર્શન બને. સુદામા જ્યારે દ્વારિકાના દ્વારે આવી ને દરવાનો ને કહે છે કે, 'શ્રી કૃષ્ણને કે જે કે એનો મિત્ર સુદામો આવ્યો છે', અને પછી ભગવાન જ્યારે ભાન ભૂલીને ખુલ્લા પગે સુદામા ને મળવા દોટ મૂકે છે એ દશ્ય મિત્રતાની પરાકાષ્ટા દર્શાવે છે. એટલું જ નહીં સુગ્રીવ પણ ભગવાન શ્રીરામના સખા, ભાઈ, સેવક સમાન બની રહ્યા. ભગવાન સુગ્રીવને પોતાનો પ્રિય મિત્ર કહેતા હતા. પુરાણો માં અર્જૂન અને કૃષ્ણ, દુર્યોધન અને કર્ણની, સીતા અને ત્રિજટા ની દોસ્તી ની વાતો થઈ છે. સાથે રહેવાનું તો ઠીક સાથે મારવાનું પસંદ કર્યું એવા ભગતસિંહ - રાજગુરુ - સુખદેવની દોસ્તી અમર રહેશે.

સારા મિત્રો બનાવો અને એનાથી જરૂરી કોઈના સારા મિત્ર બનો. જે મન અને હૃદયથી આપણી સાથે હોય, આપણી સફળતા જોઈ આપણા કરતાં વધુ ખુશ થાય એ ખરો મિત્ર. દોસ્તો વગર જીવન સુનું છે. તમે ગમે તેવા કરોડપતિ હોય તેને સર્ટિફાઇડ કરવા પરિવારને નહીં પણ મિત્ર ની જરૂર પડે છે. મિત્રોને માટે લાફટ ખાવી પડે તો ખાય લેવાની અને મારવી પડે તો મારી પણ લેવાની અને જેની સાથે વાતો કરતા ચા ઓછી પડે એવા મિત્રોએ જ પાક્કા મિત્રો.

Happy Friendship Day Guys....!
6 Aug’23



બીજા રસપ્રદ વિકલ્પો