રામ-કૃષ્ણ BHIMANI AKSHIT દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

રામ-કૃષ્ણ

રામ-કૃષ્ણ

મારા વ્હાલા વાચક મિત્રો આજે આપણે વાત કરવાની છે રામ-કૃષ્ણની. રામ વર્સીસ કૃષ્ણ નહીં, પણ‌ રામ અને કૃષ્ણને કૃષ્ણની. આપણે રામ અને કૃષ્ણ બન્નેને સાથે રાખીને જીવનનો સાક્ષાત્કાર કરવાનો છે. એક બાજુ અયોધ્યાના રાજા દશરથના પુત્ર અને વિષ્ણુના સાતમા અવતાર એવા શ્રી રામ છે તો બીજી તરફ દેવકીના આઠમા પુત્ર અને આઠમા અવતાર એવા શ્રી કૃષ્ણ.

પહેલા આપણે રાઘવ રાજા રામ ની વાત કરીએ. વર્ણન કરતા શબ્દો પાછા ફરે છે, ભાષા પાછી ફરે છે. તેને ઉપમા અપાય તેમ નથી છતાં એ આપવાની જ હોય તો ચંદ્ર ની ઉપમા અપાય તે શીતળ અને આહ્લાદક છે. તેથી જ રામચંદ્ર છે! રામ એટલે નિર્લોભીતાનો આદર્શ. ત્રણ ત્રણ રાજ્યો હાથમાં આવ્યા છતાં તેને છોડી દીધા છે! પિતાની આજ્ઞા મળતા જ એક ક્ષણ નો પણ વિચાર કર્યા વગર પોતાને મળેલી રાજગાદીને છોડી, કોઈ પણ વિરોધ વગર હસતા મોઢે ચૌદ-ચૌદ વર્ષના વનવાસે નીકળી જાય છે. વાલીને સદ્ગતિ કરાવી રાજગાદી ની વાત તો દૂર પણ સુગ્રીવ તેમને કહે છે " તમે જંગલમાં આવ્યા છો, અહીં મહેલમાં તો પધારો" પણ સુગ્રીવના રાજ મહેમાન તરીકે ન રહેતા રાજ સ્થાનની બહાર પર્ણકુટીમાં વસ્યા છે. રામ એટલે રામ. છેલ્લે રાવણને હણીયા પછી તેનું રાજ્ય મળતા જ નિર્લોભીપણાથી તે લેતાં નથી પણ...
अपि स्वर्णमयी लंका न मे रोचते लक्ष्मण ।
जननी जन्मभूमिश्च स्वर्गादपि गरीयसी ।।
( એ લક્ષ્મણ સોનાની લંકા મને નથી ગમતી, પોતાની મા અને જન્મભૂમિ સ્વર્ગથી પણ ચડિયાતી છે) તેવું કહીને રામ પાછા ચાલ્યા જાય છે. કૈકેયીએ સ્વાર્થથી રામને કાઢી મૂક્યા. પણ એક (ભરત) કહે 'મારે રાજ્ય કરવું નથી!' જ્યારે બીજો કહે 'મારે લેવું નથી!'. આવો ઝગડો કોઈ ઠેકાણા વિશ્વમાં તમે ક્યારેય જોયો નહીં હોય. રામ એટલે આપણા હૃદય સિંહાસન પર બેઠેલા મહાન પુરુષ. રામએ ચારિત્ર્યનો આદર્શ છે, જીવનનો આદર્શ છે. તમને શું લાગે છે રામ સુગ્રીવ પાસે ગયા, વાત કરી અને સુગ્રીવ એ વાત માની લીધી? ચાલો માની પણ લીધી અને પછી સુગ્રીવના‌ એક વખત કહેવાથી વાનરો રામ માટે જાન આપવા તૈયાર થઈ ગયા?? નહીં, આની પાછળ રામ ની ઘણી મહેનત છે. રામે વાનરોને દૈવી જીવન સમજાવ્યું છે. સંસ્કૃતિ ટકાવવા તેઓની મદદ માંગી છે. રામ લોકો વચ્ચે રહીને તેની સાથે ભળ્યા છે, ફર્યા છે. એવા ભારતીય સંસ્કૃતિની નિષ્ઠા સમજાવવા વાળા રામને શતકોટિ-અનંત પ્રણામ...
હવે કૃષ્ણ-કનૈયાની વાત, કૃષ્ણ બધી જ રીતે પૂર્ણ અવતાર છે. તેના જીવનમાં કોઈ ઠેકાણે ચાંચ મારવા ની જગ્યા નથી, એક સ્થાન એવું નથી કે જ્યાં ખામી જણાય. આધ્યાત્મિક, સામાજિક, નૈતિક અથવા બીજી કોઇ પણ દ્રષ્ટિથી જોશો તો કૃષ્ણ જેવો સમાજ સમાજ-ઉદ્ધારક બીજો કોઈ પાક્યો નથી. શ્રીકૃષ્ણને પચાવશો તો જીવનમાં તેજ આવશે. કોઈ તમારી સામે આવવાની હિંમત નહીં કરે પણ પછી તે ન પચ્યો તો તે બહુ ભયંકર છે! તે સામાજિક અને સાંસ્કૃતિક વિકાસમાં અંતરાય થતા હોય તેવા ધર્મની વિરુદ્ધમાં છે. તે જાણતા હતા કે ધર્મરાજા ખોટું બોલશે તો સત્યનો રથ નીચે આવશે, પણ તે આવા ધર્મ અને ધર્મ માનતા નહી.
કૃષ્ણના પ્રેમ એ તો લોકોને મુગ્ધ બનાવ્યા છે. જે ઠેકાણે જાય ત્યાં પ્રેમ-પ્રેમ-પ્રેમ તે સિવાય બીજી ભાષા નહીં. ગોકુળ એટલે કૃષ્ણ પ્રેમ ની પરાકાષ્ઠા. ગોકુળ ના પ્રેમમાં તો આપણે તલ્લીન થઈ જઈએ છીએ. તે વાંચતા એમ થાય કે આનાથી સારું શું હોઈ શકે ?? અને પ્રેમના અતિરેકમાં લોકોએ ત્યાંથી વાંચવાનું જ મૂકી દીધું છે. આટલું પચે તો ય ઘણું!! આજની કૃષ્ણ-લીલામાં પણ કંસવધ સુધી જ બતાવે છે પણ ત્યાર પછી કૃષ્ણએ સમાજ સુધારણા માટે શ્રીમદ્ ભગવદ્ ગીતા કહીને મહાન કાર્ય કર્યું છે. અહીં આધ્યાત્મિક જીવનમાં માર્ગદર્શન કરનાર કૃષ્ણનું સ્થાન ઘણું ઊંચું છે. આથી જ તો આપણે कृष्णम् वंदे जगतगुरूम् કહીએ છીએ. 'ગો' એટલે 'ઇન્દ્રિયો' અને 'કુળ' એટલે 'સમુદાય' આમ 'ગોકુલ' એટલે 'ઈન્દ્રિયોનો સમુદાય' એટલે કે 'આપનું શરીર'. શ્રી કૃષ્ણ 'ગોકુળ'માં વસે છે. આથી આપણે પણ કૃષ્ણને પોતાના અંતરમાં બેસાડવા જોઈએ. ગાયોના ધણને લઈને જતો ગોવાળીયો કોઈ ગાયને ખાડામાં પડતા અટકાવે, તેમ જ આપણી નાચતી કૂદતી ઇન્દ્રિયો જો ખાડામાં જાય તો કૃષ્ણ રૂપી ગોવાળીયો તેને સીધી દોર કરી દેશે...
રામ અને કૃષ્ણ બંને જુદી જુદી પરંપરાના છે. કૃષ્ણની જીવન નિષ્ઠા જુદી હતી. રામ સામાજિક વિકાસમાં કુટુંબની પરંપરા દ્રઠ કરે છે, મર્યાદા ઓળખે છે અને સમાજને વિકસિત કરે છે. જેથી તે ' જંગલમાં જા...' એમ દશરથની આજ્ઞા મળતા જ તે આજ્ઞા માને છે. પિતૃ આજ્ઞાએ મારા જીવનનું ધ્યેય છે મારી ફરજ છે એમ સમજે છે. લોકો ભલે તેને ગાન્ડો કહે, પરંતુ તે જંગલમાં જાય છે. કુટુંબના એકમને પકડી રામે સમાજ વિકાસનો રસ્તો બતાવ્યો છે. જ્યારે કૃષ્ણ સમાજના એકમને પકડીને સમાજનું નિયમન કરે છે. રામ ની જગ્યાએ કૃષ્ણ હોત તો જરૂર તે દશરથને પ્રેમથી કહેત કે તમે આ અન્યાય કરો છો અને તે જંગલમાં ન જાતા સૌમ્ય, પ્રેમાળ અને તેટલા જ નિશ્ચયી શબ્દથી દશરથને સમજાવેત અને જરૂર પડે કૈકેયીને યશસુવિધા શાસન કરી બાજુએ બેસાડેત. દાંભિક, ખોટા, લુચ્ચા, સ્વાર્થી અને લોભલંપટમાં મામા,માસી,ફોઈ વગેરે જ્યાં સુધી આપણા સાંસ્કૃતિક વિકાસના કાર્ય ની વચ્ચે ના આવે ત્યાં સુધી તેને બેસવા દો પણ વચ્ચે આવે તો ચોટલી પકડી ને ઉડાવો એ જ એમની નીતિ હતી. તે કૈકેયીને કહેત ' ચુપ બેસ નહીં તો જેલમાં ધકેલી દઈશ' વિકાસ પરંપરાની વચ્ચે આવે તેને ઉડાડવા તે તૈયાર થાત. જોકે રામ જે કાળમાં આવ્યા હતા તે કાળમાં કુટુંબ એકમની સંસ્કૃતિની જરૂર હતી અને કૃષ્ણના કાળમાં સમાજ એકમની સંસ્કૃતિની જરૂર હતી.
કૃષ્ણ અને રામ કરોડો લોકો પર હજારો વર્ષોથી રાજ કરે છે. ભારતથી હજારો કીલોમીટર દુર બેઠાં બેઠાં પરદેશી તત્વચિંતકો રામાયણ અને મહાભારત ઉપર ટીકા-ટીપ્પણીઓ કરે છે. તેના ભાષાંતરમાં 'ભાષા' માં 'અંતર' રહી જાય છે. આને લીધે આવનારી પેઢીને રામ-કૃષ્ણ પરની શ્રધ્ધા ઓછી થતી લાગી છે.‌ આપણે પણ એક વાત સમજવા જેવી છે કે રામ અને કૃષ્ણ પર જે લખાય છે તે વાંચતા કરતા રામ અને કૃષ્ણએ જે કહ્યું છે તે વાંચવા યોગ્ય છે. બાકી મર્યાદા પુરુષોત્તમ રામ અને પૂર્ણ પુરુષોત્તમ કૃષ્ણ આપણા જીવનના સાચા સમ્રાટ છે. તેની ઉપર માણસની મક્કમ નિષ્ઠા અને મક્કમ શ્રદ્ધા છે. ત્યાં સુધી માણસ ભૌતિકવાદમાં જાશે નહિ અને સુખી જીવન જીવશે...

જય યોગેશ્વર
( પુજનીય પાંડુરંગ શાસ્ત્રી આઠવલેનાં પ્રવચનોના આધારે )