૨૬મી જુલાઈ ૨૦૦૫, મુંબઈનો ભારે મુશળધાર વરસાદ; મહાનગરના રેકોર્ડમાં સૌથી ભીનો દિવસ સાબિત થયો હતો! હું, ગૌતમ સૂર્યવંશી; બેંગ્લોર રહેવાસી. તે વરસાદી અવ્યવસ્થામાં, મને સારા અને નરસા, બંને અનુભવોનો સમન્વય થતાં વિચાર આવ્યો, કે શું તે આબોહવા વિનાશની શરૂઆત હતી? આ રહી મારા તોફાની દિવસની યાદો.
ઓફિસના કામે મને ૨૬મી જુલાઈ ૨૦૦૫ના રોજ મુંબઈ આવવાની ફરજ પાડી. મારી ફ્લાઈટ નાણાકીય રાજધાનીમાં બપોરે ૪ વાગ્યે ઉતરી અને મારું એક નંબર સ્વાગત થયું!! "માફ કરો સાહેબ, હું નથી આવી શકતો. આ ગાંડા વરસાદમાં બાંદ્રા કમર સુધીના પાણીથી ભરેલું છે. ભગવાન જાણે આપણે કેટલા કલાકો ટ્રાફિકમાં ફસાઈ જઈશું."
આ એક ડઝન ટેક્સી ડ્રાઈવરનો પ્રતિભાવ હતો. એરપોર્ટની બહાર ઊભા રહેતા, ગુસ્સો અને હતાશા મને વળગી પડી. પછી ક્યાંયથી, એક માણસ, ફરિશ્તો બની મારી પાસે આવ્યો. વૃદ્ધ, પાતળો, લાંબી દાઢીવાળો, ડ્રાઇવરના યુનિફોર્મમાં. "સાહેબ, તમારે ટેક્સી જોઈએ છે?"
જવાબ આપતા પહેલા શંકાશીલ થઈ, મને ડર લાગી, કે મારી મંઝિલ સાંભળ્યા પછી તે પણ ના પાડશે તો? "હા. બાંદ્રા?"
તેણે સ્મિત કર્યું અને મારો સામાન ઉપાડવા લાગ્યો. "સાહેબ, હું પણ બાંદ્રા જાઉં છું. ચાલો."
વાહ! શું નસીબ!
"થેન્ક્યુ ભાઈ!" મેં તેની પીઠ થપથપાવી અને આગળની સીટ પર બેસી ગયો. ટેક્સીના ટ્રંકમાં મારી સૂટકેસ મૂકીને, તે આવીને મારી બાજુમાં બેઠો અને અમે ત્યાંથી રવાના થયા.
"તમારું નામ શું છે?" મેં ડ્રાઈવરને પૂછ્યું.
"ઈકબાલ રશીદ."
મેં તેના ખભા પર હાથ મૂક્યો, "હું ગૌતમ છું. તમારો ખૂબ ખૂબ આભાર ઈકબાલભાઈ. તમારા પહેલા ૧૨ લોકોએ ના પાડી હતી."
ઈકબાલે માથું ધુણાવ્યું, "અરે સર, માત્ર બાંદ્રા જ નહીં, આખું મુંબઈ આ સુનામી જેવી લહેરની ઝપેટમાં છે. હું બાંદ્રામાં રહું છું. મારી પત્નીએ ફોન કર્યો અને ખૂબ જ ચિંતિત લાગતી હતી. કોઈએ તેને કહ્યું, પરિસ્થિતિ વધુ ખરાબ થવાની છે, તેથી તેણે આગ્રહ કર્યો કે હું ઘરે પાછો આવું."
ઈકબાલ રશીદ સારો વ્યક્તિ હતો અને અમે સરળતાથી વાતચીતમાં સરકી ગયા. "ગૌતમ સાહેબ, તમે મુંબઈ આવવાનો સૌથી ખરાબ દિવસ પસંદ કર્યો છે."
હું તેની સાથે સંમત થયો. "હા, હવે મને પણ એવું જ લાગે છે, પરંતુ કામ તો કામ છેને. એમપણ, હું અહીં માત્ર બે દિવસ માટે જ છું. ઈકબાલભાઈ, મેં મુંબઈના કુખ્યાત ચોમાસા વિશે સાંભળ્યું છે, પણ આ અચાનક અને અણધાર્યો લાગે છે. શું દર વર્ષે વરસાદ આટલો જ ખરાબ હોય છે?"
બારીની બહાર નજર કરીને મેં જોયું કે તમામ વાહનોના ટાયર પાણીમાં ડૂબી ગયા હતા અને થોડા દેખાતા રાહદારીઓ આગળ વધવા માટે સંઘર્ષ કરી રહ્યા હતા. ધોધમાર વરસાદમાં રેઈનકોટ અને છત્રી સાવ નકામી લાગતી હતી.
ઈકબાલના અવાજમાં ઉશ્કેરાટ હતી જ્યારે તેણે મને જાણ કરી, "અરે સાહેબ, આ વર્ષે મૂશળધારની સ્થિતિ એવી છે જાણે ઉપરવાળો આપણાથી બદલો લેતો હોય. આ અડીખમ વરસાદે તો સમયને પણ હંફાવી નાખ્યો અને પરિસ્થિતિને વધુ ખરાબ કરી રહી છે આ ભરાયેલા, અવરોધિત નાળા."
પછી...અમારી ટેક્સી ટ્રાફિક જામમાં અટવાઈ ગઈ!
ભારે વરસાદના અવાજની સાથે, ચારેબાજુ, કાનના પડદા ફાડી નાખે, તેવો ઘોંઘાટ હવામાં ધ્રુજી રહ્યો હતો.
"ગૌતમ સાહેબ, હવે કલાકોની ફુરસદ. આ ટ્રાફિક લાંબા સમય સુધી હટવાની નથી."
હું આશ્ચર્યચકિત થઈ ગયો, "શું?"
"જો તમે કોઈને કૉલ કરવા માંગતા હો, તો હમણાં કરી લો."
મારા મોબાઈલની બેટરી ઓછી હોવાથી તે બંધ થઈ ગયો હતો. ઈકબાલે તેની પત્નીને ફોન કર્યો અને મને તેનો મોબાઈલ આપ્યો. "સર, તમે મારો ફોન વાપરી શકો છો. હું જઈને આપણા માટે થોડો નાસ્તો લઈ આવું."
મેં મારા સાથીદારને જાણ કરી અને ઈકબાલ ચા અને વડાપાવ લઈને પાછો આવ્યો, મને અહેસાસ થયો કે હું કેટલો ભૂખ્યો હતો. "તમે બહુ સારા માણસ છો ઈકબાલભાઈ."
"અરે સાહેબ, જો આપણે મુશ્કેલ સમયમાં એકબીજાની મદદ ન કરીએ તો માનવી હોવાનો શું ફાયદો?"
તેમના શબ્દો મને સ્પર્શી ગયા. મેં જોયું કે ઘણા મુંબઈવાસીઓ સમાન અદ્ભુત આતિથ્યનું વલણ ધરાવતા હતા. થોડા કલાકો પછી, અમે કાળા રેઈનકોટમાં કેટલાક છોકરાઓને જોયા, જેઓ અવરોધિત રસ્તામાં ફસાયેલા બધાને મફત નાસ્તો વહેંચી રહ્યા હતા.
ઈકબાલે મારું આશ્ચર્ય જોઈને ટિપ્પણી કરી, "સાહેબ, અમે મુંબઈવાસીઓ અતિશય સેવાભાવી લોકો છીએ. આ વરસાદ અમારી અદમ્ય લાગણીને હરાવી નથી શકતો. તમામ ભયંકર સંકટ પછી પણ જીવન હંમેશા સામાન્ય થઈ જ જાય છે."
ન છૂટકે, અમને સતત નવ કલાક રોકાયેલી ટેકસીમાં બંધ રહેવું પડ્યું. આખરે, હેમખેમ હોટેલ પહોંચ્યા પછી, મેં ઈકબાલને તેની દયા અને ઉદારતા માટે કૃતજ્ઞતાના સંકેતે ₹ ૨૦૦૦/-નું ઈનામ આપ્યું.
સદભાગ્યે, બે દિવસ પછી, હું ત્રણ કલાક વિલંબિત ફ્લાઇટમાં પૂરગ્રસ્ત શહેરથી પાછો બેંગલોર રવાના થયો. ધરતીનો છેડો ઘર!
શમીમ મર્ચન્ટ, મુંબઈ.________________________
Shades Of Simplicity
This is my page on Facebook. I request you to please share it with your friends and family. Thank you so much
https://www.facebook.com/Shades-of-Simplicity-104816031686438/
Follow me on instagram
https://instagram.com/shades_of_simplicity?igshid=YmMyMTA2M2Y=