ગામડાની કડકતી ઠંડીમાં રોજ રાત્રે ગામના ચોકમાં રોજ સિનિયર સિટીઝન અને યુવાનો તાપણું કરી ચર્ચાઓનો દોર ચાલુ કરે અને બધા વિવિધ વાતું કરે. જાત જાતની અને ભાત ભાતની અને અમુક લેવાદેવા વગરની વાતો કરતા કરતા શરીરને તાપણું આપીને ગરમ કરતા જાય. આમ આ રોજનો ક્રમ ઠંડીની ૠતુમાં બની ગયો. એક દિવસ ભૂરાને ધૂન ચડ્યું તાપણું કરવાનુ. ઘરે બધા મિત્રોને બોલાવી કહે, " આ બુઢ્ઢાઓ તાપણું કરીને આનંદનો અનુભવ કરતા હોય છે તો આપણે પણ ઘરે તાપણું કરીએ". મોજમાં આવેલા ભૂરાના મિત્રો લાકડા, કોથરા, કેરોસીન વગેરે તાપણું કરવા માટે સામાન લઈને આવ્યા. જેમ હોલિકા દહનના કાર્યક્રમમાં છાણા ગોઠવીને રાખ્યા હોય એમ ભૂરાએ ઘરના ફળિયામાં સવાર સવારમાં લાકડા અને એમાં થોડાક કપડાના ટુકડા રાખી તાપણું કરવાની તૈયારી કરી રાખી. શિયાળાનાં દિવસો ટૂંકા હોય અને એમાં સાંજે ભોજન કરી બધા મિત્રો ભૂરાના ઘરે ભેગા થયા. થોડીક અલક મલકની વાતો થવા લાગી એમાં ભુરાએ દીવાસળીમાં આગ લગાડીને તાપણાની શરુઆત કરી. ધીમા ધીમા પવન હોવાના કારણે તાપણું પણ સરસ રીતે થઈ રહ્યું હતું એમાં ભૂરો અને એના મિત્રો બટેકા, લીલી મગફળી, ચણા વગેરે વગેરે શેકીને ખાતા હતા. એમાં અચાનક તાપણું પવનના વધારે પ્રવાહમાં ઠરી ગયું, પણ આ તો ભૂરો હો બધી તૈયારી કરીને રાખેલી, "તાપણું ઠરી જાય તો પાછું જગાવવાનું. એમાં એને કેરોસીનની મોટી બોટલ રાખેલી, એટલે ભૂરાના મનમાં તોફાની વિચાર જાગ્યો કે, આ તાપણુંમાં કંઇક તુફાની કરી શકાય કે નહીં? પણ એના મિત્રોએ સમજાવ્યો, "આગ સાથે રમત ન હોય". પણ ભૂરો તોફાનના મૂડમાં હતો, મિત્રોને કહ્યું, "હિંમતે મર્દા તો મદદે ખુદા, ભાગ્ય હિંમતવાનનો પણ સાથ આપે છે, રિસ્ક હૈ તો ઇશ્ક હે , આવા ડાયલોગ બોલવા લાગ્યો અને તાપણું કરતા કરતા વાત હવે વટે ચડી. જેમ જેમ મિત્રો ના પાડતા ગયા તેમ તેમ ભૂરો વટે ચડતો ગયો. અને આપણા સાહિત્યમાં કહેવત છે અક્કલમઠ્ઠા લોટકા બહુ હોય તેમ ભૂરો પણ અક્કલને પારખે એવો. તાપણું ચાલતું હતું ત્યાં કેરોસીનની બોટલ લઈને તાપણામાં કેરોસીન નાખવા લાગ્યો, જેમ જેમ કેરોસીન નાખતો ગયો તેમ તેમ તાપણામાં ભડકો વધતો ગયો. કેરોસીન રેડવાની ધૂનમાં ભૂરાને ભાન ન રહ્યું અને અચાનક તાપણાનો ભડકો કેરોસીનની બોટલને અડી ગયો. ત્યાં તરત જ તેના મિત્રોએ ભૂરાના હાથમાં રહેલી બોટલને ધક્કો મારી દૂર ફેંકી દીધી અને ભૂરાના હાથને દાજતા દાજતા બચાવી લીધો. નિરાંતે તાપણું કરતા કરતા ક્યારે ભડકો થઈ ગયો એની ખબર જ ન પડી પણ સદનસીબે કોઈને કંઈ ઇજા ન થઈ. મિત્રોએ ભૂરાને ઠપકો આપ્યો. પણ ભૂરો તેની મોજમાં જ હતો, ભૂરો બોલ્યો, "સિંહ તો તેની મોજમાં જ હોય". બધા મિત્રોનો શ્વાસ થોડીવાર માટે અધ્ધર થઈ ગયો હતો. મિત્રોએ ભૂરાની આવી હિંમત જોઈને, ફરી પાછું તાપણું ન કરવાનું નક્કી કર્યું. પણ આ તાપણું કર્યુ કે ભડકો એ હજી પણ ઘણા મિત્રોના મનમાં પ્રશ્ન ઉદ્ભવે છે. પણ તાપણાંની પૂરેપૂરી મોજ તો ખરેખર ભૂરા એ જ લીધી. ત્યારે ભૂરા એ શાયરી ના અંદાજમાં કીધું,
ન કેરોસીન કી ધાર સે,
આગ કે વાર સે,
ભૂરા ડરતા હે તો,
અંધારી રાત સે,
ખરેખર બધા મિત્રોએ ઘણી મોજ કરી પણ આ પ્રસંગ બધાના મનમાં વર્ષો વર્ષ સુધી યાદ રહે એવો બની ગયો. જ્યારે જ્યારે પણ મિત્રો મળે ત્યારે ચર્ચા થાય કે તાપણું કરવું કે ભડકો અને એ વાત યાદ કરી બધા ખડખડાટ હસી પડે છે. અને એ બહાને ભેગા થઈને તાપણું કરે છે પણ કેરોસીનની બોટલ ભૂરાથી અલગ રાખે છે.