"માં તો મારી ખુશીમાં ખુશ છે. બસ મને જે ગમે તે કરવા માટે તે હંમેશા તૈયાર રહે છે. મારી એકલીની માં નહીં કદાચ આ દુનિયામાં બધાની માં આવી જ હોતી હશે!"
"સાચી વાત છે અપેક્ષા તારી બધાની માં આવી જ હોતી હશે. ઓકે તો હવે આ વાત નક્કી કે આપણે સાદાઈથી લગ્ન કરવાના છે અને લગ્નની બધી જ તૈયારી પણ મારે જ કરવાની છે."
"પણ લગ્નની બધી જ તૈયારી તમે એકલા શું કામ કરશો?" અપેક્ષાએ પ્રશ્નાર્થ નજરે ધીમંત શેઠની સામે જોયું.
"એટલા માટે કે આ મારા લગ્ન છે." અને તે હસી પડ્યા.
"એમ નહીં સાંભળ અપેક્ષા મારો કહેવાનો મતલબ એમ છે કે, તું અને માં બંને અહીંયા એકલા જ છો અક્ષત પણ અહીંયા નથી એટલે હું કોઈ પણ જવાબદારી તમારા માથે નાંખવા ઈચ્છતો નથી.ઓકે? નાઉ અન્ડરસ્ટેન્ડ માય ડિયર?"
"ઓકે, આઈ એમ રેડી ફોર ઈટ બટ મા માને મનાવવી પડશે ને?"
"એ હવે તારા હાથમાં છે. તું માને મનાવી લેજે."
"ઓકે આઈ વીલ ટ્રાય માય બેસ્ટ પણ આ જ વાત જો તમે માંને કહેશો તો તે સરળતાથી માની જશે..."
અને વાતો વાતોમાં ધીમંત શેઠની ઓફિસ ક્યારે આવી ગઈ ખબર જ ન પડી બંને કારમાંથી નીચે ઉતર્યા અને ઓફિસમાં પ્રવેશ્યા....
ધીમંત શેઠની સમજણભરી વાતોથી અપેક્ષા ખૂબજ ખુશ હતી. બંને જણાં ઓફિસમાં પોત પોતાના કામમાં બીઝી થઈ ગયા. ધીમંત શેઠે પોતાની ઓફિસના એક જવાબદાર માણસ જીગર જોષીને બોલાવીને લગ્ન માટેની બધી જ તૈયારી કરવાની સૂચના આપી દીધી. લગ્નની જ્ગ્યા માટે ધીમંત શેઠે ઘણું વિચાર્યું અને પછીથી પોતાની કુળદેવી માં આશાપુરા માંના મંદિરમાં જ સાદાઈથી લગ્ન કરવાનું નક્કી કર્યું.
આજે ઓફિસનું કામ થોડું વહેલું પતાવીને ધીમંત શેઠ અને અપેક્ષા બંને અપેક્ષાના ઘરે જવા માટે નીકળી ગયા ધીમંત શેઠ પોતાના સાસુમા સાથે લગ્નમાં કોને કોને આમંત્રણ આપવું તે બાબતે ચર્ચા કરવા માંગતા હતા.
લક્ષ્મી બાના ઘરે જઈને ધીમંત શેઠ તેમને પગે લાગ્યા અને તેમના આશિર્વાદ લીધા. જમાઈરાજાને જોઈને લક્ષ્મી તો જાણે ગાંડી ઘેલી થઈ ગઈ હતી. લક્ષ્મી બાની સરભરા જોઈને ધીમંત શેઠે લક્ષ્મી બાને જણાવ્યું કે, પોતે મહેમાન નથી આ ઘરનો સભ્ય જ છે.
ધીમંત શેઠે લગ્ન બાબતે ચર્ચા છેડી અને લક્ષ્મી બાને જણાવ્યું કે, "પોતે સાદાઈથી લગ્ન કરવા ઈચ્છે છે અને અપેક્ષાની ઈચ્છા પણ સાદાઈથી લગ્ન કરવાની જ છે." લક્ષ્મી બા બે મિનિટ માટે અપેક્ષાની સામે જોઈ રહ્યા અને બંનેની ઈચ્છા સાદાઈથી જ લગ્ન કરવાની હોય તો પછી પોતે તે બાબતે કંઈ જ બોલવા ઈચ્છતી ન હોય તેમ ચૂપ રહી. અપેક્ષા પોતાની માં પાસે જઈને ઉભી રહી અને જાણે તેને ઢંઢોળતી હોય તેમ તેને કહેવા લાગી કે, "માં, બોલ શું ઈચ્છા છે તારી?"
"તમને બંનેને જેમ યોગ્ય લાગે તેમ કરવાની છૂટ છે બેટા, મને કંઈ વાંધો નથી." અને આ શબ્દો સાંભળતાંની સાથે જ જાણે ધીમંત શેઠના અને અપેક્ષાના દિલને ટાઢક વળી.
લક્ષ્મીએ પોતાના જમાઈરાજા માટે ગરમાગરમ આદુવાળી ચા બનાવી અને જમવાનું તેમને શું ફાવશે તેમ પૂછવા લાગી.
ધીમંત શેઠે જમવાનું ઘરે બનાવવાની ના પાડી અને સાસુમાને લઈને પીઝા ખાવા જવાની ઈચ્છા બતાવી. લક્ષ્મીના સતત ઈન્કાર છતાં અપેક્ષાએ અને ધીમંત શેઠે તેમને ફોર્સ કર્યો અને બધાએ સાથે પીઝા ખાવા જવાનું નક્કી થયું.
લગ્ન ખૂબ જ સાદાઈથી કરવા અને માત્ર નજીકના સગા સંબંધીને જ આ લગ્નમાં પધારવા માટેનું આમંત્રણ આપવું તેવું નક્કી કરવામાં આવ્યું.
લગ્નનું આમંત્રણ આપવા માટે વોટ્સએપ ઉપર જ દરેકને લગ્નની કંકોત્રી મોકલી આપવાનું નક્કી કરવામાં આવ્યું અને નજીકના સગા સંબંધીનું એક લિસ્ટ પણ તૈયાર કરી દેવામાં આવ્યું.
અપેક્ષાના તેમજ ધીમંત શેઠના કપડાની ખરીદી કરવા માટે બીજે દિવસે ઓફિસમાંથી ચાર વાગ્યે જ નીકળી જવું તેમ નક્કી કરવામાં આવ્યું. લગ્નની ખરીદી બધી જ ધીમંત શેઠ કરવાના હતા લગ્ન સમયે પહેરવાની પાનેતર સાડી લક્ષ્મી બા જ લઈ આવવાના હતા. અપેક્ષાએ કયા બ્યુટી પાર્લરમાં તૈયાર થવા જવાનું છે તે તમામ બાબતો ધીમંત શેઠે નક્કી કરી લીધી હતી.
લગ્ન પૂર્ણ થયા બાદ ધીમંત શેઠે ફાઈવ સ્ટાર હોટેલમાં જમવાનું પણ ગોઠવી દીધું હતું. બસ હવે બધું જ નક્કી થઈ ગયું હતું.
ધીમંત શેઠ પોતાની ભાવિ પત્ની અને સાસુમાને લઈને મેકડોનાલ્ડમાં પીઝા ખાવા માટે નીકળી ગયા.
પીઝા પાર્ટી પૂરી થઈ એટલે ધીમંત શેઠ લક્ષ્મી બાને અને અપેક્ષાને તેમના ઘરે મૂકવા માટે ગયા. લક્ષ્મી બા ઉતરી ગયા પછી અપેક્ષા ધીમંત શેઠ સાથે વાત કરવા માટે ઉભી રહી ગઈ. કારના વિન્ડો ગ્લાસ ઉપર પોતાનો હાથ મૂક્યો અને બોલી કે, "ઓકે ચાલો તો બાય, સવારે મળીએ.."
જવાબમાં ધીમંત શેઠે અપેક્ષાનો કૂણો માખણ જેવો નાજુક નમણો હાથ પોતાના હાથમાં લીધો અને તેની આંખોમાં આંખો પરોવીને તે બોલ્યા કે, "આજે તું ચાલ ને મારી સાથે આપણાં ઘરે, એકલા એકલા હવે એ ઘર મને જાણે ખાવા આવે છે અને રાત્રે તો ઉંઘ જ નથી આવતી મારી તો ઉંઘ પણ તું ચોરી ગઈ છે ગઈકાલે રાત્રે ખૂબ મોડા સુધી મને ઉંઘ જ નહોતી આવી."
"બસ હવે થોડા દિવસનો તો સવાલ છે પછી હું તમારી સાથે જ છું ને... મને પણ ગઈકાલે રાત્રે મોડા સુધી ઉંઘ નહોતી આવી પણ શું કરું..??" અપેક્ષા ધીમંત શેઠને સમજાવી રહી હોય તેમ કહેવા લાગી.
"બસ, આ થોડા દિવસો કાઢવા જ મારા માટે અઘરા છે, ઘરે ગયા પછી એમ જ થાય છે કે અપેક્ષાને સાથે લઈને આવ્યો હોત તો સારું હતું, ટીવી જોવાનું પણ મન નથી થતું. અત્યાર સુધી એકલો હતો ત્યારે કદી આવું નથી બન્યું પરંતુ હવે તારા મારા આ વેરાન જીવનમાં આવી ગયા પછી જાણે તારા વગર રહેવું મુશ્કેલ જ નહીં પણ નામુમકિન છે."
"અત્યારે તો મોમ પણ મને તમારી સાથે નહીં આવવા દે, શું કરું? હવે થોડા દિવસ તો છે..આટલી બધી ધીરજ રાખી છે તો થોડી વધારે.. પછી તો આપણે બંને સાથે જ છીએ ને.."
અંધકાર છવાયેલો હતો, રસ્તો સૂમસામ હતો રાત્રિના અગિયાર વાગી ગયા હતા.. ધીમંત શેઠે પોતાની કારને રસ્તાના એક ખૂણામાં પાર્ક કરી અને પાછળની સીટ ઉપર બેસી ગયા અને અપેક્ષાને થોડી વાર શાંતિથી પોતાની બાજુમાં બેસવા માટે કહ્યું અપેક્ષા પાછળની સીટ ઉપર પોતાના ધીમંતના શરીરને અને મનને પણ મીઠો પ્રેમાળ હૂંફાળો સ્પર્શ થાય તેમ લગોલગ ચોંટીને બેસી ગઈ. ધીમંત શેઠે તેને પોતાના આલિંગનમાં લઈ લીધી અને તેનાં લાલ ચટ્ટાક કૂણાં હોઠ ઉપર પોતાના હોઠ ગોઠવી દીધા...
~ જસ્મીના શાહ 'સુમન'
દહેગામ
18/9/23