ન થવાનું તો...? Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ન થવાનું તો...?

ચોમાસાની ઋતુ છે.વરસાદી માહોલમાં રોડ પરની લાઈટો બંધ થઈ ગઈ છે.એટલે બધે અંધારપટ છે.ચોતરફ પાણી જ પાણી વરસી રહ્યું છે.રાતના બારેક વાગ્યાના સુમારે એક ઝૂંપડું હજીએ મરવાની અણીએ ધમધમી રહ્યું છે.

આ ધોધમાર વરસાદ વચ્ચે રમા એના પાંચ મહિનાના દીકરાને પાલવમાં સંકોરીને એક ખૂણામાં બેઠી છે.એ ચીથરેહાલ સાડીને પાલવની ઓથે એ જીવ જીંદગી જીવવા મથી રહ્યો છે.માંડ ચાર માણસો બેસી શકે એવડી ઓરડીમાં જાણે આજે સીધું આભ નીતરતું હોય એમ એ કાપડનાં નેવા ચૂવી રહ્યા છે.ફુટપાથ પર એટલું પાણી છે કે, આ ઝુંપડી પણ જાણે નદીમાં બંધાઈ હોય એમ ઘૂંટી સમુ પાણી વહી રહ્યું છે.અને ખુલ્લા મેદાનમાં ઊભી કરેલી ઝુંપડી જાણે ઉપરના પાણીના મારથી ધરાશયી થવાના આરે આવતી આવતી અટકીને ઊભી છે.

છાતી સરખું ચાપેલું એ બાળ વરસાદ અને ઠંડા પવનને લીધે ધ્રુજી રહ્યું છે.પણ,આ આશ્રય છે તો રાહત છે,એ વિચારતી રમા નીતરતી આંખે દીકરાને પાલવમાં વારંવાર સંકોર્યા કરે છે ને ભગવાનને મનોમન વિનવ્યા કરે છે...

" હે ભગવાન ! આ મેહૂલે હવે માજા મુકી સે..જો અમ રાંકનો આ આશરોય છીનવાઈ જાહે તો અમે કયા જાહું..? મારું આ ભૂલકુ આજ તારે ભરોહે ધમધમી રહયુ સે.એને આયજની રાત હંભાળી લયજે.અટાણે આ અંધારે હુ કયા જાવ..?આ હવાર થાય તો મારા આ બાલુડાને દવાને દુવા કરી રૂડું રમતું કરું."

વળી,વિચારવા લાગી. મનોમન બબડવા લાગી.. "ઓલી જીવલીની વાત માયની હોત તો આ દસા નો થાત..પણ,આ આભ ફાટે ન્યા થીંગડા સેના..?આ મેહુલો તો ન્યાય આ જ દશા કરત ..ને આનો બાપેય હજી ગામથી આયવો નથ..નકર મારે કયા ચંત્યા હતી..આ ઝુપડુંય કાંઈ એમ થોડો દગો દેહે..!

પેલું બાળક હવે તો રડી રડીને થાક્યુ 'તું એટલે એનો અવાજ ધીમો પડી ગયો હતો. ને વરસાદનો અવાજ જોર પકડી રહ્યો હતો.પણ,બહારની ઠંડકે એ હજી ધ્રુજી રહ્યું હતું.રખેને એને ભુખ લાગી હશે એમ વિચારી એ બાળકને છાતીએ વળગાડી એની ક્ષુધા શાંત કરવા લાગી.બાળકને ભૂખ કરતા ઠંડીનો માર વધુ અસહ્ય લાગતો હતો...એણે મોઢું ફેરવી પાછું રડવાનું શરૂ કર્યું. રમા છેડો સરખો કરી બાળકને પાછું બે હાથથી છાતીએ વળગાડી હૂંફ આપવી લાગી.

એટલામાં અચાનક જોરદાર પવન આવ્યો ને ઝુંપડીનો એકબાજુનો લાકડીનો ટેકો નમીને ધરતીને આલિંગન આપતો પડયો.ને એક ધ્રાસકો રમાના હ્રદયમાં પણ...! એક ખુણાને બાદ કરતા પાણીની ધારા આખા ઝૂંપડામાં આવવા લાગી.

એ ખૂણો હજીએ રમાનો આધાર બની ઊભો હતો.પણ,કયાં સુધી..?ભીંતરે ભય થથરે ને બહાર હાથમાં આ ભૂલકું..ચિત ચકરાવે ચડ્યું...એકએક ઘડીએ જાણે જીવ પડીકે બંધાયા કરે.

રમા મુંઝાણી ..! "આ કોરા લુગડેય આ આમ થથરે સે તો ભીનું થાહે તો સુ કરીશ..?"એ વાંકાવાકા જ દીકરાને બચાવતી એને વીંટાળવા કંઈ મળે તો ગોતવા લાગી.પાણીના સ્પર્શે એ વાસેથી આખી પલળી ગઈ પણ,દિકરાને હજી કોરો રાખી એની હૂંફમા વીટાળ્યો હતો.માંડમાંડ એકખૂણે સંઘરેલો સિમેન્ટની કોથળીનો એક કટકો મળ્યો.એણે તરત એનાં દિકરાને એમાં વીંટાળી દીધો.

એટલામાં વરસાદે વધુ જોર પકડ્યું ને આખું ઝુંપડુ ધરાશયી થયું.અત્યાર સુધી તો રમા કોરી હતી તો એની ઓથે જીવતું એ બાળ હવે ઓથ વિનાનું થયું.ધીમેધીમે રમા આખી પાણીથી નીતરવા લાગી. હવે તો એનુંય અંગેઅંગ ધ્રુજતુ હતું.પણ,માંનુ હૃદય હજીએ દીકરાના જીવ સાથે તાળવે ચોટ્યું હતું.સવાર પડશે ત્યાં સુધીમાં એ માં માં રહેશે કે કેમ...? એ વિચારે અંધારામાંય એ બાળકના ચહેરાને જોવા મથતી રહી.હવે તો ભીની થઈને સ્પર્શ પણ ગયો.પ્લાસ્ટિકમાં વીંટાળી રાખેલા બાળકને માત્ર શ્વાસ પુરતું મોઢું ખુલ્લુ રાખી એ વાંકી વળી એને ઓથ આપતી ઊભી રહી.એને એના કરતા બાળકની ચિંતા હતી એટલે એ થાકવાનુંય ભુલી બેઠી હતી.

આજુબાજુના વિશાળ પટમાં હવે કોઈ નોતુ કે એને મદદે બોલાવે.એમ જ એણે માંડમાંડ રાત પસાર કરી.સવાર પડીને રડીરડીને બેભાન થઈ ગયેલા બાળકનો ચહેરો સાવ ફિક્કો પડી ગયો હતો.રમાનો જીવ અધ્ધર થઈ ગયો હતો.વરસાદે પણ હવે વિરામ લીધો હતો.બાળકને લઈ રમા રસ્તા તરફ દોડી રસ્તે જતી રીક્ષાને રોકતી મદદ માગવા લાગી..બાળકની દશા જોઈ માંડ એક રિક્ષાવાળાએ હા કહી.રમા બાળકને લઈ રીક્ષામાં બેઠી.

રીક્ષા સરકારી હોસ્પિટલ તરફ વળી..આખા રસ્તે રમાએ બાળકના બેભાન ચહેરા તરફ જોઈ રોયા કર્યું.મનમાં અનેક ખોટા વિચારો આવી રહ્યા હતા.એને એના વ્હાલસોયાને છાતી સરસો ચાપવાનું મન થઈ આવ્યું... પણ, ભીના વસ્ત્રોમાં એય હજી ધ્રુજી રહી હતી.એમાં બાળકને હૂંફ ક્યાંથી આપવી..?રીક્ષા હોસ્પિટલના દરવાજે જઈ ઊભી રહી..રમા બાળકને લઈ દોડી..અંદર જઈ બાળકને હોસ્પિટલના પલંગ પર સુવડાવી દીધું.નર્સ તરત આવી. એ પેલી પ્લાસ્ટિકની કોથળી હટાવવા લાગી. રમાને મનમાં એક જ બીક ...એ જાણે ભગવાનને કહી રહી હતી "હે ભગવાન ! કાંઈ નો થાવાનું તો નઈ થ્યુ હોય ને ?"

નર્સે બાળકને કોરા કપડામાં વીંટાળી એની સારવાર શરૂ કરી..કપડાની હૂંફ,માં ની દૂવા અને નર્સની કલાકોની સારવારના અંતે નિર્જીવ બનેલું બાળક સરવર્યુને જાણે રમાના જીવમાં જીવ આવ્યો.જાણે એક સાથે બે જીંદગી સજીવન થઈ.

આશા ભરી નજરે રમા રડતાં રડતાં એટલું જ બોલી "હે પરભુ ! તારો આભાર..તે આયજે નો થવાનું નો જ થાવા દીધું...."

-ડૉ.સરિતા (જલધિ)