નસીબ નો અણગમો Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નસીબ નો અણગમો

આથમતા સૂર્ય ની કાળઝાળ ગરમી એ સુનસાન રસ્તાને તાકી તાકી નિહાળી રહી હતી. એવામાં એક સાેળ વર્ષની યુવતી જેના માટે 'યુવતી' શબ્દ કહેવાે ઘટે એવી અલ્લડ અદાથી ઉઘાડાપગે એક લજામણા સ્મિત સાથે આવી રહી હતી. તેના પગના ઝાંઝર ના રણકારે એ શાંત વાતાવરણમાં જાણે સંગીત ઘોળ્યું હતું. દરરોજના નિત્યક્રમ પ્રમાણે તે આજે પણ શાકની લારી સાથે આવી હતી. પરંતુ ,નિવેદિતા એ તેને આજે જ તેને જોયેલી! બે ઘડી આંખો પલકારવાનું ચૂકી જાય તેવું દેહ-લાવણ્ય અને એક અજબ આત્મવિશ્વાસ સભર વ્યક્તિત્વ.તે નજીક આવી. ત્યાં નિવેદિતા ના મમ્મી ઘરની બહાર આવ્યા અને તેની સાથે ઔપચારિક વાતચીત કરવા લાગ્યા. નિવેદિતા એ પૂછ્યું "મમ્મી તમે આને કેવી રીતે ઓળખો છો!", "કોણ છે?" .તેના મમ્મી કદાચ તેનો પૂર્વ પરિચય લઈ ચૂક્યા હોય આથી, ખૂબ જ રસપૂર્વક તેનો પરિચય આપવા લાગ્યા. પણ, આ શું? તેઓના અધૂરા પરિચયથી તે પોતાનું કામ છોડી નિવેદિતા તરફ આવી દીદી કહી સંબોધવા લાગી. પોતાનું નામ રાધિકા હોવાનું કહ્યું, નિવેદિતા એ કહ્યુ "તું મને શી રીતે ઓળખે છે?" તે બોલી કે "તેમના મમ્મી એ તેને તેના વિશે કહેલું" ખૂબ જ સ્પષ્ટ અને કદાચ શિષ્ટ શબ્દોવાળી તેની બોલી હતી. નિવેદિતાઅે પૂછ્યું "તું આટલું સ્પષ્ટ ભાષામાં બોલવાનું શીખી ક્યાંથી?, તું અહીં નવી આવી છે?" તેણે હકારમાં માત્ર માથું ધુણાવ્યું ને નિવેદિતા સામે જોઈ એક આશ્ચર્ય પરક સ્મિત સાથે થોડીવાર માટે તેને તાકતી રહી. પછી તે બોલી, "મારે તમારું કામ છે, મારે કોલેજના પુસ્તકો જોઈએ છે."
નિવેદિતાને પ્રથમ તો આશ્ચર્ય થયું. પરંતુ પછી તેણે સ્વસ્થ થતાં પૂછ્યું,"તારે પુસ્તકોનું શું કામ છે?"તે બોલી," દીદી, મારે પરીક્ષા છે, હું કોલેજમાં અભ્યાસ કરું છું. મારી પાસે પાેતાના પુસ્તકો નથી અને પુસ્તકાલયનાં પુસ્તકો પણ હવે જમા કરાવવાના છે. તમારા મમ્મીઅે મને મને કહેલું કે "તમે કોલેજમાં પ્રોફેસર છો". તમે મારી મદદ કરશો ને? એક દયામણા ભાવથી તેણે નિવેદિતા પાસે પુસ્તકોની માંગણી કરી. નિવેદિતા તેના શિક્ષણ વિશેના વિધાયક વલણ પ્રત્યે ખૂબ જ ખુશ થઈ. તેણે માત્ર હકારમાં માથું ધુણાવ્યું.પણ બે ઘડી તે સ્વયં વિચારશૂન્ય બની ગઈ, એક શાકભાજીનો વ્યાપાર કરનારી યુવતી ને ભણવાનો આટલો શોખ! તાે બીજી તરફ તે ખૂબ જ સંતુષ્ટ પણ થઈ કે સમાજ એક વિધાયક તરફ ગતિ કરે છે. પછી તેણે રાઘિકાને બે ઘડી ગમ્મત માટે પૂછ્યું "અરે બેટા, જો તું અભ્યાસ કરે છે. તો, તને આ શાકભાજી વેચવા જવાનું કામ સંકોચ નથી કરાવતું?" તેની આંખોમાં એક અજબ ચમક હતી.પણ તેના જવાબમાં એક જીવનભરની નરી વાસ્તવિકતા પણ હતી જે કદી ભૂંસાઈ શકે તેમ ન હતી તેણે કહ્યું,“ દીદી ભણવું એ મારો શોખ છે.પણ, પ્રારબ્ધ નહી; મારી સગાઈ જેની સાથે થઈ ચૂકી છે, તે તો મારી જેમ શાકભાજીનો જ વ્યવસાય કરે છે. અને કદાચ તેથી મારે પણ એ કરવું જ પડશે.નિભાવવું જ પડશે. કેમકે જો હું સંબંધ તોડીશ તો મારા ભાભી તેમની બહેન છે. તેને પણ દુઃખ થશે. માટે મારા ભાઈનું સગપણ પણ રહે , કુટુંબ પણ ન વિખેરાય તે માટે આજે શિક્ષણના ભોગે મારે આ શાક ને સ્વીકારવું જ ઘટે?" આટલું બોલી ત્યાં તો, તેની આંખમાં ઝળઝળિયા આવી ગયા. તે 'શાકભાજી...'ની બુમો પાડી ઝડપથી આગળ નીકળીગઈ.
નિવેદિતા હજી ત્યાં જ ઉભી હતી અને વિચારતી હતી
કે, શાકના સમાજે શિક્ષણનું ત્રાજવું ઓછું પાડી દીધું. અને, નિવેદિતાની એ મશ્કરી એક કરુણ નરી વાસ્તવિકતા માં પલટાઈ ગઈ.
- ડૉ.સરિતા (માનસ)