નિંદ્રા આગમન- સ્વ રચિત હાલરડાં સંગ્રહ Dr.Sarita દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

નિંદ્રા આગમન- સ્વ રચિત હાલરડાં સંગ્રહ

વર્તમાન સમયમાં વિસરાતો સાહિત્ય પ્રકાર એટલે હાલરડું માતાના સ્નેહાળ કંઠે ગવાતું સુરીલું ગાન બાળકને મીઠી નીંદરમાં પોઢાડે છે.એવા જ કેટલાક સ્વ રચિત હાલરડાં રચવાનો મારો આ પ્રયાસ છે.



હાલરડું -1

નિંદ્રારાણી જલ્દી આવ.
શમણાંની સૌગાતો લાવ.
જગત આખું નીંદરે પોઢે,
એવું હું હાલરડું ગાવ.

આભની છાબડીમાં તારા એકલાં ઘૂમે,
વાદળ પાછળ ચાંદો સંતાકુકડી રમે,
તારા ને તું ચાંદો બતાવ.
નિંદ્રારાણી જલ્દી આવ.

શમણાંની એક કોરે દુનિયા નવી ડોલે,
સુખના સોનેરી ફુલડાઓ પર્ણ-પર્ણ ફોરે,
સુગંધી શમણાં ગૂંથાવ.
નિંદ્રારાણી જલ્દી આવ.

-ડૉ.સરિતા (માનસ)



હાલરડું - 2

ચાંદો રમતો આભલે ને ,સૂરજ થાકી પાેઢયાે.
વનવગડાના પંખીડા પણ પાછા માળે ફર્યા,
સુઈ જા તું પણ પારણીયે,જોને હેતના સમીર વળ્યા.

અંધારામાં ટમટમ તારા જોને કુદા-કુદ કરે.
આગિયાઓ પણ ઓઢી તેજ-ઊજાસે કેવા ફરે,
સુઈ જા તું પણ પારણીયે,જોને હેતના સમીર વળ્યા.

નજરે ના નજરાયે મુખડું ,આંખડી જોઈ ઠરે.
લાગણીએ હરખાયે માવડી, હેતનું અમી ઝરે.
સુઈ જા તું પણ પારણીયે,જોને હેતના સમીર વળ્યા.





કાનાનું હાલરડું -1


હીરની દોરી સોહે માતા જ઼શાેદા ઝુલાવે જો.
કામણગારા કાનને મીઠી નીંદરમાં પોઢાડે જો.
સુઈ જા કાના સુઈ જા,
તારી નીંદર ના નજરાયે રે.

મોરલી તારી મીઠી તારા અધરને સોહાવે રે.
મોરપિંછ,પિતાંબર તારા અંગને ઓપાવે રે.
સુઈ જા કાના સુઈ જા ,
તારી નીંદર ના નજરાયે રે.

વનના પંખી પોઢ્યા,ગોરી ગાવલડી હરખાવે રે.
વ્હાલપની સરવાણી માતા ઉરથી જોને ગાવે રે.
સુઈ જા કાના સુઈ જા,
તારી નીંદર ના નજરાયે રે.

હીરની દોરી સોહે માતા જ઼સોદા ઝુલાવે જો.
કામણગારા કાનને મીઠી નીંદરમાં પોઢાડે જો....

- ડૉ.સરિતા (માનસ)


રામનું હાલરડું - 1

માતા કૌશલ્યાના બાળ,
માતા સુમિત્રાના લાલ,
માતા કૈકેયીના ઉરહાર,
તમને પારણીયે ઝુલાવું.

સંગે પોઢે લક્ષ્મણ બાળ,
સંગે પોઢે ભરત બાળ,
શત્રુધ્ન વીરનો સંગાથ ,
તમને પારણીયે ઝુલાવું.

આભે તારલાં ગાતા ગીત,
ચંદ્ર સરીખા જેના મીત,
કેવો વાયરો વાતો શીત,
તમને પારણીયે ઝુલાવું.

અરે કરશો ન કોઈ શોર,
પોઢે મારા મનનાં મોર,
જોજો જલ્દી થાશે ભોર,
તમને પારણીયે ઝુલાવું.

હેતે હાલરડા સૌ ગાય,
નિંદરે પોઢે ચારે ભાઈ,
માતા આનંદે હરખાઈ,
તમને પારણીયે ઝુલાવું.

-ડૉ.સરિતા (જલધિ)


કાનાનું હાલરડું - 2

હિંડોળો ઝૂલે ને મોહન પોઢોરે નીંદરમાં,
રાધિકા રાણીના ભરી સોણલા ભીતરમાં.
મોહન મારા પોઢો રે નીંદરમાં..

ગોપીના વલ્લભનું હું ગાઉં રે હાલરડું,
વાંસળીના સૂરે ધન્ય ધન્ય થાઉં રે.
મોહન મારા પોઢો રે નીંદરમાં..

કદંબની ડાળે ઝુલે વિંઝણો રે નાખતી,
જમુનાના નીર સૂર રેલાવે રે.
મોહન મારા પોઢો રે નીંદરમાં..

માતા રે જશોદા તમને હેતેરે ઝુલાવે,
દેવકીજી જોને મંગળ ગાયે રે.
મોહન મારા પોઢો રે નીંદરમાં..

-ડૉ.સરિતા (જલધિ)


રાધાનું હાલરડું - 1


રાધારાણી હરખે પોઢે રે નીંદરમાં,
સોણલા સોનેરી તું તો લાવને.
પવન તું તો વિંઝણલાે નાખને.

મોરલાં, પોપટ ,મોર શોભતા પારણિયે,
ઘુઘરો રૂડો તું ખમકાવ રે.
બાંધવ બેનને હેતે ઝુલાવને.

વનની વાદલડી તું વરસી રે જાજે,
ફોરાની ફોરમ તું રેલાવ રે.
ધરતીના રવને થંભાવી જાજે.

રાતનાં તારલિયા ટમટમી જાને,
ચાંદનીનું નૂર તું રેલાવ રે.
નયને મીઠા સોણલા તું લાવ રે.

-ડૉ.સરિતા (જલધિ)


રાધાનું હાલરડું - 2

નિંદરે ઘેરાણી રાધા રાણીને ,
માતા મીસરી રે ઘોળે સોણલાની.

અંધારાના રાજા ચાંદા તપ ધરી રહેજે,
મારીમીઠડી પરીની તું આડશ કરી દેજે.
તારાને મળેતો એ જ સંદેશો તું કહેજે.
નિંદરે.......(૧)

તારે રે પારણીયે આ મારો લાડ ખજાનો.
છે જગથી અનોખોને તોયે સૌથી મજાનો.
બૂંદ બૂંદ ભરી કર્યો છે એને મોટા ગજાનો.
નિંદરે.......(૨)

નિંદરે ઘેરાણી રાધા રાણીને ,
માતા મીસરી રે ઘોળે સોણલાની.

-ડૉ.સરિતા (જલધિ)