૯૮ અબ્દુલ રહીમ ખાનખાનાન
ગુજરાતના વિખ્યાત શહેર પાટણમાં સિદ્ધરાજ જયસિંહની જાહો જલાલી ન હતી. એક જમાનામાં ગુજરાતના સુવર્ણયુગની એ રાજધાની હતી. ગુજરાતે ચાવડા, સોલંકી અને વાઘેલા વંશના રાજપૂતોના શાસનકાળ જોયો હતો. છેવટે કરણદેવ વાઘેલા અને એના મુખ્યમંત્રી માધવમંત્રીના કલહે દિલ્હીના બાદશાહ અલાઉદીન ખીલજીનું આક્રમણ આવી પડ્યું. ત્યારથી મુસ્લીમ સત્તા ગુજરાતમાં સ્થપાઈ.
આજ મુસ્લીમ સત્તાના સુબાસોમાંથી સુલતાનો ઉદ્દભવ્યા. મહંમદ બેગડો, અહમદશાહ, બહાદુરશાહ વગેરે નામાંકિત સુલતાનો થઈ ગયા.
ઇસુની ૧૫ મી સદીનો ઉત્તરાર્ધ ચાલતો હતો.
દિલ્હીમાં અકબરશાહ મોગલવંશને મજબૂત કરી દીધો હતો. ફતેહપુર સિક્રીની શક્લ ઉદ્ભવી રહી હતી.
ગુજરાતમાં મુઝફરશાહનુમ શાસન હતું.
પાટણ રાજધાની મટી ગયું હતું. એ સ્થાન અમદાવાદે લઈ લીધું હતું. છતાંયે પાટણ એક જાહોજલાલીવાળું શહેર તો હતું જ.
આ પાટણ શહેરમાં એક પઠાણ પરિવાર રહે. પરિવારમાં માત્ર બેજ જણ હતા. વિધવા માં અને લાડકો જુવાન દીકરો. તેના કાંડામાં અતુલ બળ હતું અને દિમાગ તેજ હતું.
“માં, મારા પિતા વિષે તું કાંઈક કહેવાની હતી ને?
“જો દીકરા, હવે તું જુવાન થયો છે. તારા પિતાનો ક્રૂર રીતે મોગલ સેનાપતિ બહેરામખાને વધ કર્યો હતો., બાપના ખૂનનો બદલો લેવા જેટલો જુવાન અને જોરાવર તું થઈ ગયો છે. ઇન્તકામના શોલા પંદર-પંદર વર્ષથી મેં મારા હૈયામાં ભંડાવી રાખ્યા છે.”
“અમ્મા, આ વાત તો તેં મને આજે જ કહી. મને મારૂં ધ્યેય મળી ગયું. જે પુત્ર પોતાના પિતાની હત્યાનો બદલો ન લે એ કપૂત કહેવાય. હવે હું મારા પિતાના હત્યારાને છોડીશ નહિ.”
બાવીશ વર્ષનો જવામર્દ પઠાણ, શૂરવીર હતો, તેને ખબર હતી કે, પિતાના ખૂનનો બદલો લેવો એ પઠાણોની પરંપરા હતી.
શમીમખાન એક ખૂબસૂરત છોકરીને ચાહતો હતો. ગોરો બદનમાં, માંજરી આંખોવાળી નરગીસ, જુવાનીનો નશો લઈને માદક ચાલે ચાલતી ત્યારે ગમે તેવા યુવાનનું મનરૂપી પંખીડું ઉડવા લાગતું. આ હસીના એક તવાયફનું ફરજંદ હતી.
શમીમખાન અને નરગીસ પ્રેમના રંગે રંગાઈ ચૂક્યા હતા.
નરગીસના હુશ્નની ચર્ચા મોગલ હરમ સુધી પહોંચી. જેનો ખરીદદાર બાદશાહ હોય અને જેની સોદાગર તવાયફ હોય એ હુશ્નને મોગલ હરમમાં પહોંચતા વાર ક્યાંથી લાગે? તવાયફની કાતીલ નજરોમાં શમીમખાનનો પ્યાર, બાદશાહની દોલત સામે કચડાઈ ગયો. શબનમની પસંદગીનો સવાલજ ન હતો. તવાયફ માટે બેટી બેટી ન હતી. દૌલત પેદા કરવાનું યંત્ર હતું.
અચાનક એક રાતે શહેરમાંથી પેલી તવાયફ અને નરગીસ ગાયબ થઈ ગયા.
સમચાર સાંભળી શમીમખાન અવાચક બની ગયો. સૌ કોઇ કહેતા, “નરગીસ કે હુશ્ન કા તોહફા બાદશાહી હરમ મેં પેશ કિયા ગયા, જો અબ કભી હરમસે બાહર નહીં નિકલેગા.”
પ્રેમ-લગ્ન શમીમખાનનું મસ્તક ભમવા લાગ્યું. એને બાદશાહત, હરમ અને સામ્રાજ્યવાદ પર સખત નફરત જાગી. તે વિચારતો, “આ બાદશાહે કેવા ક્રૂર, ઘાતકી અને નિર્દયી હોય છે, હું નાનો હતો ત્યારે બાપ છીનવી લીધો. જુવાન થયો ત્યારે દિલરૂબા છીનવી લીધી. કુમળી કળી જેવી નરગિસ આ નરપિશાચના હાથમાં પશુથીયે બદતર જિંદગી જીવશે. મોગલ હરમમાં તો હજારો નાઝનીનો છે. આ નાઝનીનો ભગ્ન પ્રેમીજ હશેને ? મારા હ્રદયને આઘાત આપનાર શહેનશાહના હ્રદયને પણ મારે આંચકો તો આપવો જ જોઇએ. બાદશાહો ઔરતોના જિસ્મ અને જમીરને દૌલતથી તોલે છે. જ્યાંસુધી બજાર છે ત્યાં સુધી ચીજો તો વેચાતીજ રહેશે. વેચનારના હૈયાને ખટકો નથી તો ખરીદનારના હૈયાને તો હોયજ ક્યાંથી? અને આ બજારમાં પુરૂષ કરતાં સ્ત્રીઓજ વધારે જોવા મળે છે.
શમીમખાનનું મસ્તક ભમવા માંડ્યું.
“અઠમાં, હું આગ્રા જાઉં, દિલ્હી જાઉં, દિલ્હી જાઉં, ક્યાં જાઉં? મને હવે તો કેવળ ઇન્તકામ જ દેખાય છે. હું તડપી રહ્યો છું વૈરાગ્નિમાં.”
“બેટા, મોકો જોઇને ચતુર આધમી ઘા કરે છે. આપણે સચોટ ઘા કરવાનો છે.”
અને થોડાજ સમયમાં એક સુંદર મોકો અનાયાસે તેને પ્રાપ્ત થયો.
-૨-
સાંજનો સમય છે. પાટણના પથિકગૃહમાં હલચલ મચી ગઈ. સાફ-સફાઈ થઈ રહી હતી.
શમીમખાને પૂછ્યું, “યે ક્યા હો રહા હૈ?”
“ભાઈ, આવતી કાલે બાદશાહના ફોઇ અને ફુઆ પાટણ પધારવાનો છે. મહેમાન શાહીઘરાનાના છે. એક જમાનાના શાહી સેનાપતિ બહેરામખાન. તેઓ અહીં બે દિવસ રોકાઈ ખંભાત તરફ રવાના થશે. ત્યાંથી મક્કા હજ કરવા જશે.” એક જાણકારે માહિતી આપી.
શમીમખાન ચમક્યો. મોગલ સેનાપતિ બહેરામખાન! તે દોડ્યો.
“અમ્મા, મારા પિતાનું ખૂન કોણે કર્યું હતું?”
“દીકરા, એ જાલીમ સેનાપતિ હતો બહેરામખાન. જેની ક્રૂરતાના ફળરૂપે આજ પંદર પંદર વર્ષથી વિધવા થઈને હું દુ:ખભરી જિંદગી ગુજારી રહી છું.”
“ત્યારે તો માં, બદલો લેવાનો અવસર આવી પહોંચ્યો છે.” અને મોડી રાત સુધી મા-દીકરાની મંત્રણા ચાલુ રહી.
પથિકભવનમાં બહેરામખાન પોતાની પત્ની અને નૂરે-ચશ્મ રહીમને જોઇને સંતોષ અનુભવતો હતો ત્યારે ઉંધતા શમીમખાનને જોઇને એની માં વિચારવા લાગી. “ઐસા હી થા મેરા પઠાન. બાપ પર હી ગયા હૈ યહ શમીમ.”
“હમ લોગ બાજાર ધૂમકર આતે હૈ” બહેરામખાન બોલ્યા.
અંગરક્ષકો સાથે, પાટણના બજારમાં બહેરામખાન ફરવા નીકળી પડ્યા.
એક વળાંક આગળ, દૂરથી બહેરામખાનને આવતો જોઇને શમીમ તૈયાર થઈ ગયો. સવારેજ તેની અમ્માએ દૂરથી બહેરામખાનને પરિચિત કરાવી દીધો હતો. ખતરાની કોઇપણ આશંકા ન હોવાથી અંગરક્ષકો અને બહેરામખાન વચ્ચે દશેક ફૂટનું અંતર હતું.
શમીમે વળાંક પાસે આવેલા બગીચાના વરંડા પરથી ત્વરાથી કૂદ્કો માર્યો અને તત્ક્ષણ બહેરામખાનની છાતીમાં છૂરો હુલાવી દીધો. આ બધું બની ગયું. કોઇ સમજે અને બોલે તે પહેલાં બની ગયું. આગળ અને પાછળના અંગરક્ષકોએ જોયું કે, બહેરામખાન લોહીની ધારામાં રંગાઈ ગયા છે. અંગરક્ષકોએ તરતજ પેલા યુવાનને ખતમ કરી નાખ્યો.
સમગ્ર બજારમાં હાહાકાર મચી ગયો.
બુઢી અમ્મા પણ ઝેર ખાઈને મરી ગઈ.
-૩-
નાના રહીમને લઈને બેગમ આગ્રા પાછી ફરી. મન રડતું હતું પરંતુ કઠણ રાખ્યું. કારણ કે એના પિતા પણ મેવાતના મોટામાં મોટા જાગીરદાર હસનખાં મેવાતીના ભાઈ જમાલખાં જેવા નામી ઘરાનાના હતા.
રહીમનો જન્મ ઇ.સ. ૧૫૫૬ માં લાહોરમાં થયો હતો.
મોગલ શહેનશાહ અકબરશાહ સ્વયં પોતાની ફોઈ પાસે આવ્યા. પોતાની દિલગીરી વ્યક્ત કરી, “આ અત્યંત દુ:ખદ ઘટના બની છે. ફૂઆજી તો સલ્તનત માટે મોટો આધાર-સ્થંભ હતા. માત્ર સોળ વર્ષની વયથી જ, પિતાજી સાથે સૈનિક તરીકે જોડાયા. કેવળ પોતાની યોગ્યતાથી જ મનસબદાર બન્યા. કનોજના યુધ્ધમાં પરાજીત થઈને પિતાજી સાથે તેઓ પણ ઇરાન ગયા વર્ષોની રઝળપાટને અંતે અફઘાનીસ્તાનના વિજયે તેઓને ઉંચો ઓહ્દો અપાવ્યો.
મારે કબુલ કરવું જોઇએ કે, ભારતમાં સૂરવંશને ઉખેડીને ફરીથી મોગલવંશને સ્થાપિત કરવામાં તેઓનું મોટું યોગદાન હતું. હું બાળક હતો ત્યારે મારા ગુરૂ અને સંરક્ષક પણ રહ્યા હતા. હવે મારી ફરજ થઈ પડે છે કે, તમારા આપત્તિના સમયે, સામ્રાજ્ય તરફથી, તમારી પૂરેપૂરી હિફાજત કરવી. આજથી હું રહીમને મારો સગો ભાઈ માનીશ, એના ઉછેર, શિક્ષણ સામ્રાજ્ય તરફથી થશે. હું એને મનસબદારીને યોગ્ય તાલીમ આપીને મનસબદાર બનાવીશ જ. આ મારો નિર્ધાર છે.
બાદશાહે સાંત્વના આપી. રહીમ સુન્ની મુસલમાન હતા.
કપરી તાલીમનો દીર્ધ સમય પૂરો થયો.
એક દિવસે, બાદશાહ અકબર, રહીમખાનના નિવાસસ્થાને પધાર્યા.
“રહીમ, જુવાન રહીમ, તું ફુઆજીની જ પ્રતિમૂર્તિ છે. આજે મને અનહદ આનંદ થાય છે. અબ્દુલ રહીમ હવે તમે મિર્ઝાખાં બની ગયા. તમારી કાબેલીયત પર નાજ છે. અમે તમને શાહી પરિવારના એક સભ્ય બનાવીએ છીએ. અમારી ખૂબસૂરત બહેન સાહબાનું સાથે આપની શાદી કરાવી આપીએ છીએ.”
શાહબાનુ અકબરશાહની ધાયમાંની દીકરી હતી.
આમ, બહેરામખાનની માફક રહીમખાન પણ શાહી પરિવારના એક સભ્ય બન્યા.
શાહી પરિવારના સભ્ય બનવું એટલે મહાગૌરવની વાત ગણાતી ભવિષ્યમાં કોઇપણ પ્રાંતના સૂબેદાર બનવાના કે મનસબદાર બનવાના દ્વાર અહીંથી ખુલતા. જે ઇન્સાન શાહી પરિવારનો સભ્ય હોય તેને જ સૂબેદાર બનાવાતો.
ઇ.સ. ૧૫૬૨ થી ૧૫૭૨ નો સમયગાળો મોગલ-સલ્તનતની ચડતીનો કાળ હતો. યુવાન રહીમખાને બાદશાહની પડખે રહી ઘણાં પરાક્રમો કર્યા.
ઇ.સ. ૧૫૭૩ માં ગુજરાત પર ચઢાઈ કરવામાં આવી ત્યારે રહીમખાન બાદશાહની સાથેજ હતા, તેઓએ આ વેળા પ્રશંસનીય કામગીરી બજાવી.
તે અરસામાં, ગુજરાતમાં થયેલા કેટલાયે યુદ્ધોમાં તેમણે પોતાની પ્રખર બુદ્ધિનો પરિચય આપ્યો. આના પુરસ્કાર સ્વરૂપે પાટણની જાગીર તેમને બક્ષવામાં આવી.
રહીમખાનની પ્રખર બુદ્ધિ-પ્રતિભા અને શૌર્ય ઘણીવાર મોગલસેનાના સંકટ સમયે ખીલી ઉઠતાં અને પરાજયને વિજયમાં પલટાવી દેતા.
રહીમખાનના મસ્તકે ગુજરાતના સૂબેદારનો તાજ પહેરાવવામાં આવ્યો. રહીમખાન જીવનની આ મોટામાં મોટી સિદ્ધિ હતી.
ત્રણ વર્ષનો દીર્ધ સમય વીતી ગયો.
પોતાના પિતાની કબર પર એક સુંદર બાંધકામ રહીમખાને કરાવ્યું. પાટણ શહેરમાં રાણકવાવથી થોડે દૂર, જ્યાં બહેરામખાનને દફન કરવામાં આવ્યા હતા. ત્યાં જઈને રહીમખાને ખાસ કાળજીથી આ કબર ચણાવી પિતૃઋણ અદા કરવાનો પ્રયત્ન કર્યો.
ઇ.સ. ૧૫૭૬ માં ફરી એકવાર બાદશાહ અકબરે તેઓને અમદાવાદથી અજમેર બોલાવ્યા. મંત્રણા સભામાં તો રહીમખાનને ખાસ કામ ફાળવવામાં આવ્યું નહીં. મેવાડ-અભિયાન માટે રાજા માનસિંહ પર બાદશાહે વધુ મદાર રાખ્યો એ તેઓ જોઇ શક્યા પરંતુ રહીમખાન સરળ પ્રકૃતિના હતા.
મોડી રાતે બાદશાહે તેઓને યાદ કર્યા. ઇંતેજારી તો થઈ. તેઓ બાદશાહ સમક્ષ પેશ થયા.
પૂરી ગંભીરતાથી. ધીમા સાદે બાદશાહ બોલ્યા.
“રહીમખાન, હલદીઘાટીના યુદ્ધમાં તમે પણ જાઓ હું તમને આ જંગનો સિપેહસાલાર નથી બનાવતો. પરંતુ ખરેખર તો તમે આ જંગમાં મોગલ ખાનદાનના અંદરૂની સિપેહસાલાર હશો. હું જાણું છું કે, આ જંગની સિપેહસાલારી માટે મોગલોમાંથી શાહબાઝખાન અને રાજપૂત છાવણીમાંથી રાજા ભગવાનદાસ જેવા આતુર છે પરંતુ મેં રાજા માનસિંહ જેવા નવલોહિયા યુવાનને આ જંગનો સેનાપતિ બનાવ્યો છે. એની બાહોશીની મારે કસોટી કરવી છે. યાદ રાખજો ખાન, તમારે આ બંને પક્ષોને સાથે રાખવાના છે.”
કુશળ રાજનીતિજ્ઞ રહીમખાન પોતાની ભૂમિકા સમજી ગયા. અને તે તેમણે સમગ્ર યુદ્ધ દરમિયાન નભાવી.
મેવાડમાં પ્રવેશતા પહેલાં મહારાણા પ્રતાપની હઠ સામે તેઓને અણગમો હતો જ્યારે મેવાડ છોડ્યું તે વેળા તેમની રાણાજી પર શ્રધ્ધા વધી.
રાજા માનસિંહ, શાહબાઝખાન, રાજા ભગવાનદાસ આ બધાં રાજપૂત સિપેહસાલારો કરતાં મહારાણા પ્રતાપની પ્રતિભા વિરાટ છે. તેમ તેઓને પ્રતીતિ થઈ ચૂકી. પછી તો હંમેશ માટે રહીમખાન મહારાણા પ્રતાપના સ્વાભિમાન અને દેશભક્તિના પ્રશંસક બની રહ્યા.
છતાંયે જ્યારે ઇ.સ. ૧૫૭૯ માં શાહબાઝખાનની મેવાડ અભિયાનની નિષ્ફળતા પર શહેનશાહ અકબરે અફસોસ વ્યક્ત કર્યો. ત્યારે એક જાઁબાઝ સિપેહસાલારની અદાથી, રાજસ્થાન, (અજમેર) ના સૂબા તરીકે રવાના થતા તેઓ ગર્જી ઉઠ્યા.
“મહારાણાની બગાવતને કચડીને જ હું જંપીશ. જો મહારાણા ઉધમ મચાવશે તો હું પણ મેવાડી સિંહને લોખંડના પાંજરામાં પૂરીને મોગલદરબારમાં ઉપસ્થિત કરીશ.”
અજમેરના સૂબા તરીકે રહીમખાને મોગલ થાણાંઓને ખૂબ વ્યવસ્થિત કર્યાં. આ સમયે મહારાણા પ્રતાપ પણ મેવાડના પૂર્વ પ્રાંતોમાં જઈને, શાંત રહીને પોતાની ક્ષીણ થઈ ગયેલી તાકાત જમાવવામાં પડ્યા, ક્રૂર અને જાલીમ શાહબાઝખાને ખૂબ વિનાશ વેર્યો હતો.
૯૯ અજમેરના સૂબા : રહીમખાન અજમેરના સૂબા તરીકે
મિર્ઝા રહીમખાને એક નીતિ નક્કી કરી કે, મહારાણા પ્રતાપને સામે ચાલીને છંછેડવા નહિ. મોગલ તાબાના પોતાના પ્રદેશો સાચવીને બેસી રહેવું.
અબ્દુલ રહીમ ખાનખાનન માત્ર સિપેહસાલાર ન હતા. તે વિદ્વાન હતા, દાનવીર હતા અને ઉચ્ચકોટિના કવિ હતા. અરબી, ફારસી અને હિંદી તથા સંસ્કૃતના માહિર હતા.
ભારતીય સંસ્કૃતિ તેઓની રગેરગમાં વ્યાપેલી હતી. તેઓની કીર્તિ પણ મોગલ સામ્રાજ્યના સીમાડા ઓળંગી દેશ-વિદેશમાં ફેલાઈ હતી. જોકે, શાહબાઝખાન તેમનો ભારે ટીકાકાર હતો. તે કહેતો, એક સિપેહસાલાર અને તે પાછો શ્રેષ્ઠ કવિ ! ખોટી વાત. રહીમખાન કવિ નથી. માત્ર સુક્તિઓ લખનાર સીધો-સાદો લેખક છે.
જ્યારે તેમના જ દરબારના કવિ ગંગ કહેતા.
રહીમખાનની રચનાઓમાં ઉંચામાં ઉંચી કલ્પના અને સમજણ જોવા મળે છે.
રાજા ટોડરમલ રહીમખાનની મહત્તા સારી પેઠે સમજતા હતા. તેઓ મોગલ દરબારની તટસ્થ વ્યક્તિ હતી. માટે તેઓના રહીમખાન વિષેના આ અભિપ્રાયની ભારે કિંમત અંકાતી.
રહીમખાન તુર્ક ખાનદાનના હતા. ઇ.સ. ૧૫૬૯ માં બાદશાહ અકબરે તેમને એક અગત્યનું અંગત કામ સોંપ્યું હતું. બાદશાહ બાબરની આત્મકથા જે તુર્કીભાષામાં લખાઈ હતી તેનો ફારસી અનુવાદ કરવાનું આ ભગીરથ કાર્ય હતું.
યુદ્ધના, દોડધામના આ સમયમાં પણ રહીમખાન થોડું થોડું અનુવાદ કાર્ય આગળ ધપાવ્યે જતા હતા. સાથે સાથે પોતાની કાવ્ય-રચના પણ સર્જન કરી રહ્યા હતા.
જનતામાં તેઓ વિષે માન્યતા હતી કે,
“આજે ભારતની સર્વસામાન્ય જનતા પણ તુલસી અને રહીમના દોહા કંઠસ્થ કરી, પોતાની વાક્ચાતુરીની વૃદ્ધિ અર્થે ઉપયોગમાં લે છે. બંને જનતાના પ્રિય કવિઓ છે.”
અજમેર શહેરમાં સૂર્યના કિરણો પડ્યા. સૂબા રહીમખાન એક ખંડમાં કાંઈક લખી રહ્યા હતા.
રહીમખાન ખુશ હતા. આજે તેમણે સંસ્કૃત ભાષામાં ભગવાન શ્રીકૃષ્ણ પ્રતિ પોતાની ભક્તિ પ્રગટ કરતા શ્ર્લોક રચ્યા હતા.
रत्नाकरोस्त सदनं गृहणीच पद्मा
कि देयमत्तु भवते जगदीश्वराय।
राधा गृहित मनसे मनसे च तुम्यं
दत्त भया निज मनस्तद् गृहाण ॥
“હે જગદીશ્વર, રત્નોના ભંડાર (રત્ન+આકાર) સમુદ્ર આપનુમ નિવાસસ્થાન છે. સ્વયં લક્ષ્મી આપની પ્રિયા છે. પછીઆ દુનિયા ઓળખવા માટે બીજી કઈ વસ્તુ બાકી રહી? હાં, આપના મનને રાધાએ ચોરી લીધું છે. તેથી મારા મનને આપની સેવામાં આનંદપૂર્વક સમર્પિત કરૂં. મારા મનને ગ્રહણ કરીને, કૃપયા, તમારા અભાવની પૂર્તિ કરો.”
આ રચનાથી રહીમખાન બેહદ ખુશ હતા.
પરંતુ આ આનંદ ક્ષણજીવી નીવડ્યો.
બપોરનો સમય હતો. એકાએક દિલ્હીથી, શાહી દરબારમાંથી એક કાસદ આવ્યો. કાસદે શાહી ફરમાન ધર્યું.
આ ફરમાન હતું બાદશાહ અકબરશાહનું અને તેઓને ફૌરન રાજધાની, સપરિવાર બોલાવ્યા હતા.
“બેગમ, રાજપૂતાનામાંથી હવે આપણે જવાની તૈયારી કરો.”
અને રહીમખાન પોતાના રસાલા સાથે દિલ્હી આવી પહોંચ્યા, બાદશાહને મળવાની ખૂબ આતુરતા હતી. પોતાને શા માટે બાદશાહે દિલ્હી બોલાવ્યો હશે?
બાબરનામાના અનુવાદનું કાર્ય સોંપ્યે બારબાર વર્ષ વીતી ગયા હતા. શુમ એ માટે મોગલે-આઝમ બેચેન બની ગયા હશે? સંવેદનશીલ ઇન્સાન માટે આવી પળો ચિંતાજનક હોય છે.
સમય વધારે વ્યતીત થઈ ગયો હતો અને પ્રમાણમાં કામ ઓછું થયું હતું. પરંતુ સર્જનની પ્રક્રિયા એ હથિયારોના કારખાના જેવી હોતી નથી. સર્જન એ આત્માનો અવાજ છે, ફરમાઈશનો નહિ.