સાજીશ - 4 Kanu Bhagdev દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

સાજીશ - 4

૪. ખૂનીની ચેલેન્જ... !

‘બહુરૂપી ખૂની’ અર્થાત્ અજય સકસેના અત્યારે સી.આઈ.ડી.ના હેડક્વાર્ટરના ‘ઇન્ટરોગેશન રૂમ'માં એક ખુરશી પર બેઠો હતો. એના માથા પર હાઈ વૉલ્ટેજનો બલ્બ લટકતો હતો જેનું તીવ્ર અજવાળું એના સમગ્ર દેહ પર રેલાતું હતું. ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ એકદમ ભારે અને રહસ્યમય હતું.

દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના ત્રણ-ચાર એજન્ટો અજયને ઘેરીને ઊભાં હતાં.

દિલીપ સિગારેટના કસ ખેંચતો ધ્યાનથી અજયના ચહેરા સામે તાકી રહ્યો હતો.

પછી તે અજયની સામે પડેલી એક ખાલી ખુરશી પર બેસી ગયો. હવે દિલીપ તથા અજયની વચ્ચે માત્ર બે ફૂટ જેટલું જ અંતર હતું

‘અજય... !’ દિલીપ સિગારેટનો કસ ખેંચ્યા બાદ અજયની આંખોમાં પોતાની વેધક આંખો પરોવતાં બોલ્યો, ‘તું જ ‘બહુરૂપી ખૂની’ છો કે નહીં એ સવાલ તને પૂછવો મૂર્ખાઈભર્યો ગણાશે કારણ કે તારા ‘બહુરૂપી ખૂની' હોવાના અનેક પુરાવાઓ મળી ગયા છે અને એમાં શંકાને કોઈ સ્થાન નથી. હા, એક સવાલનો જવાબ મારે તારી પાસેથી જરૂર જાણવો છે !'

અજય કશુંય બોલ્યા વગર ચૂપચાપ દિલીપ સામે તાકી રહ્યો. પરંતુ એની ચુપકીદીમાં પણ જાણે કે કોઈક મોટો ભેદ છુપાયેલો હતો.

‘તેં આઠ આઠ જૂનો કેવી રીતે કર્યાં એ મને કંઈ નથી સમજાતું !'

એને ચૂપ જોઈને દિલીપ ફરીથી બોલ્યો, ‘જે લોકો પોતે જ ખતરનાક અપરાધી હતા... ક્રૂર ખૂની હતા, એ લોકો સાથે વળી તારે શી દુશ્મનાવટ હતી...?'

‘દુશ્મનાવટ... !' અજય જાણે કે સ્વગત બબડ્યો.

‘હા, દુશ્મનાવટ... ! એ બધાને મારી નાખવા પાછળ કંઈક ને કંઈક કારણ તો હશે જ ને...?'

અને અત્યાર સુધી ચૂપ બેઠેલો અજય જાણે અચાનક ગાંડપણનો હુમલો થયો હોય એમ ખડખડાટ હસી પડ્યો. રાતના સન્નાટામાં જાણે કોઈક ઉજ્જડ કબ્રસ્તાનમાં પ્રેત હસ્યું હોય એવું એનું હાસ્ય હતું.

એના અટ્ટહાસ્યથી ત્યાં મોજૂદ સૌ કોઈ સ્તબ્ધ બની ગયાં. ‘અજય... !' દિલીપ જોરથી તાડૂક્યો. ‘હા... તમે સાચું કહ્યું, મિસ્ટર દિલીપ... ! સો ટકા સાચું ... ! સોળ આના સાચું... ! તમારી વાતમાં રજમાત્ર જૂઠાણું નથી... !' દિલીપના બરાડા પ્રત્યે ધ્યાન આપ્યા વગર અજય પોતાની જ ધૂનમાં બબડ્યો, ‘એ બધા સાથે મારે બહુ ગાઢ કહી શકાય એવી દુશ્મનાવટ હતી.... !'

દિલીપ સહિત ત્યાં મોજૂદ સૌના દેહમાં રોમાંચભરી ધ્રુજારી ફરી વળી. અજય સકસેના અત્યારે બિલકુલ કોઈક પાગલ જેવો લાગતો હતો. ‘તમને ખબર છે, મિસ્ટર દિલીપ... !' હસવાનું બંધ કરી, ખુરશી પર બેઠાં બેઠાં જ આગળ નમીને અજય સકસેના બબડ્યો, ‘મારે તેમની સાથે જેટલી ગાઢ દુશ્મનાવટ હતી, એની સરખામણીમાં તો મેં તેઓને બહુ સરળ રીતે મોત આપ્યું છે !'

સ... સરળ મોત... !' દિલીપને એક પછી એક ઝાટકા લાગતા હતા

‘હા, મિસ્ટર દિલીપ... !’ અજય પૂર્વવત્ રીતે બબડ્યો, ‘મેં તેમને બહુ સરળ મોત જ આપ્યું છે...! દરેક જણને એક એક ગોળી ઝીંકી, બસ ખતમ... ! પોતે ક્યારે પરલોકના પંથે રવાના થઈ ગયા છે એની પણ કોઈને ખબર નથી પડી. આનાથી સરળ મોત બીજું કર્યું હોઈ શકે...?’ બધાની આંખોમાં ખોફના પડછાયા તરવરી ઊઠ્યા. અજય નામનો આ માનવી જરૂર કરતાં વધુ ખતરનાક લાગતો હતો.

‘તો પછી તું તેમને કેવાં મોતે મારવા માગતો હતો...?’ દિલીપે સિગારેટનો વધુ કસ ખેંચતાં પૂછ્યું. એની વેધક નજર હજુ પણ અજયના એરા સામે જ જડાયેલી હતી.

‘હું તેમને રિબાવી રિબાવીને મારવા માગતો હતો. તેઓ મોતની ભીખ માગવા માટે લાચાર બની જાય એટલી હદ સુધી તેમને રિબાવવા માગતો હતો. જો ક્રિમિનોલૉજી એટલેકે અપરાધશાસ્ત્રના આ વિદ્યાર્થી અજય સકસેનાને તક મળી હોત તો એ તેમની લાશોના ટુકડા કરીને જંગલી પશુઓને ખવડાવી દેત... !'

અજયના અવાજમાંથી... એક એક શબ્દમાંથી પારાવાર નફરત નીતરતી હતી.

‘શા માટે... ? તારા કહેવા મુજબ તું અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી હોવા છતાંય આટલો મોટો ખૂની બની ગયો... ?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘મિસ્ટર દિલીપ... !’ અજય છંછેડાયેલા ઝેરી વિષધરના ફૂંફાડા જેવા અવાજે બોલ્યો, ‘હું અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી છું એ વાત બિલકુલ સાચી છે...! હું વકીલ બનવા માગતો હતો... ! માત્ર વિશાળગઢમાં જ નહીં, બલ્કે આખા ભારતમાં કીર્તિ મેળવે એવો વકીલ...! કાયદાનું રક્ષણ કરીને અપરાધીઓના છક્કા છોડાવી દે એવો બાહોશ વકીલ ...! જે ગરીબ અને લાચાર લોકોને જ્યારે ન્યાય ન મળતો હોય... જેઓ જિંદગીભર ન્યાય મેળવવા માટે કોર્ટ-કચેરીમાં અથડાતા, કુટાતા હોય, એવા લોકોના કેસ હાથમાં લઈને તેઓને ન્યાય અપાવવાની મારી અનહદ ઇચ્છા હતી. પરંતુ બધું માણસનું ધાર્યું નથી થતું. માણસ ધારે છે કંઈક ને બને છે કંઈક... ! ઇચ્છાઓનાં ઝાડ હકીકતની એક જ ફૂંકથી જમીનદોસ્ત થઈ જાય છે... !' કહેતાં કહેતાં અચાનક ભાવાવેશથી એનો અવાજ ગળગળો થઈ ગયો, ‘આપણે આપણાં સપનાંઓનું એક અલગ આસમાન બનાવીને તેમાં કલ્પનાઓ રૂપી ઇન્દ્રધનુષ્ય જેવા જુદા જુદા રંગ ભરીએ છીએ... ! પરંતુ પછી કમનસીબીની આંધી આવીને એક જ ઝાટકે બધું જ ધરાશાયી કરી નાખે છે... ! કશું જ નથી બચતું... ! જિંદગી એક મુઠ્ઠી રેતીમાં સમેટાઈ જાય છે અને આ રેતી પણ ધીમે ધીમે આપણી મુઠ્ઠીમાંથી સરકવા લાગેછે. બસ, આ જ છે જિંદગી અને જિંદગીની ફિલોસૉફી ! જીવનનો નિચોડ...!'

દિલીપ, રજની, ધીરજ તથા સી.આઈ.ડી.ના તમામ એજન્ટો હવે નર્યા અચરજથી અજય સામે તાકી રહ્યાં હતાં, એક ખૂનીના મોંએથી આ જાતની વાતો સાંભળવા મળશે એવી તો તેમણે કલ્પના પણ નહોતી કરી.

‘તમે લોકો કદાચ મને પાગલ માનતાં હશો... ! મારું ભેજું ચસકી ગયું છે અથવા તો મારા દિમાગનો કોઈક સ્ક્રૂ ઢીલો પડી ગયો છે એવું તમને લાગતું હશે... !' અજય ધીમેથી બોલ્યો, ‘એક વાત કહું, મિસ્ટર દિલીપ... ?'

'બોલ... !'

હવે તો મને પોતાને પણ એવું લાગે છે કે હું ગાંડો થઈ ગયો છું... ! મારું ભેજું ચસકી ગયું છે અથવા તો મારા દિમાગનો કોઈક સ્ક્રૂ ઢીલો પડી ગયો છે. તો પછી તમે લોકો મને પાગલ માનો એમાં શું ખોટું છે ? હા... હા... સમજો... હું પાગલ છું.. ! બહુ મોટો પાગલ... ! એક ખતરનાક પાગલ... !'

આટલું કહીને અજય ફરીથી ખડખડાટ હસ્યો. એનું હાસ્ય કાળજું કંપાવી મૂકનારું હતું.

પોતે પકડાઈ ગયો છે એ વાતની તેને જાણે કે બિલકુલ પરવાહ નહોતી.

દિલીપે એક ઊંડો શ્વાસ ખેંચીને ખુરશીની બૅક સાથે પીઠ ટેકવી. એણે સિગારેટનું ઠૂંઠું જમીન પર ફેંકીને બૂટના તળિયા વડે મસળી નાખ્યું. ઇન્ટરોગેશન રૂમનું વાતાવરણ હવે પહેલાં કરતાં વધુ રહસ્યમય ભાસતું હતું. એટલું જ નહીં, અજય સકસેના પણ તેમને માટે પ્રત્યેક પળે કોયડારૂપ બનતો જતો હતો.

'બહુરૂપી ખૂની'નું રૂપ પકડાયા પહેલાં જેટલું રહસ્યમય હતું એના કરતાં પણ અત્યારે વધુ રહસ્યનાં આવરણમાં લપેટાયેલું લાગતું હતું.

‘પણ મારા સવાલનો જવાબ તો તે આપ્યો જ નહીં,... !' દિલીપ મુદ્દાની વાત પર આવતાં બોલ્યો, ‘તેં આ બધાં ખૂનો શા માટે કર્યાં...? અને તું તેમને વધુ ક્રૂરતાથી, રિબાવી રિબાવીને શા માટે મારવા માગતો હતો...?

'કહું છું... એ પણ કહું છું... !' અજયના ચહેરા પર હવે હિંસાના હાવભાવ છવાઈ ગયા હતા, 'મિસ્ટર દિલીપ, તમે કદાચ કામતાપ્રસાદ સકસેનાનું નામ તો સાંભળ્યું જ હશે.. ? કામતાપ્રસાદનું નામ સાંભળીને દિલીપ સહિત સૌ એકદમ ચમકી ગયાં.

‘તું ‘વિશાળગઢ ટાઇમ્સ’ અખબારના માલિક કાપતાપ્રસાદની વાત કરે છે...?’

'રાઇટ... હું એ જ કામતપ્રસાદ સકસેનાની વાત કરું છું.. !' પરંતુ તેમને વળી આ કેસ સાથે શું સંબંધ છે... ?' દિલીપે આશ્ચર્યથી પૂછ્યું.

‘બહુ ગાઢ સંબંધ છે... ?

‘શું ?’

સૌથી પહેલો સંબંધ તો એ છે કે મિસ્ટર દિલીપ, કે…' અજય ધડાકો કરતાં બોલ્યો, ‘આ ખતરનાક, ક્રૂર, બહુરૂપી ખૂની એ જ કામતાપ્રસાદ સકસેનાનો એકનો એક દીકરો છે... !'

‘શું વાત કરે છે... ?’ બધાંની આંખો નર્યા અચરજથી વિસ્ફારિત બની ગઈ, ‘તું કામતાપ્રસાદનો પુત્ર છો...? પણ તેઓ તો વિશાળગઢની બહુ મોટી એ જાણીતી હસ્તી હતા... !'

અજય સકસેના કામતાપ્રસાદ જેવી જાણીતી વિભૂતિનો પુત્ર છે એ વાત માનવામાં આવે તેવી, સહેલાઈથી કોઈનાય ગળે ઊતરે એવી નહોતી.

‘વિશાળગઢ ટાઇમ્સ’ અખબારના માલિકનો પુત્ર અને એ પણ આ રૂપમાં... ?

ખરેખર ત્યાં મોજૂદ સૌને માટે આ દુનિયાની આઠમી અજાયબી જેવી વાત હતી.

'હા... તેઓ આ શહેરની મોટી અને જાણીતી હસ્તી હતા... !' અજય પુનઃ ખડખડાટ હસ્યો, પરંતુ તમને ખબર છે, મિસ્ટર દિલીપ... ? આજથી છ એક મહિના પહેલાં એ જ કામતાપ્રસાદ સકસેનાને એક રાત્રે અમુક શયતાનોએ તેમના જ બંગલામાં ઘૂસીને મોતને ઘાટ ઉતારી દીધા હતા. માત્ર કામતાપ્રસાદને જ નહીં, એમની પત્ની તથા પુત્રીને પણ મોતના જડબામાં ધકેલી દેવાયાં હતાં. એ મહાન હસ્તીના ઘરમાં ત્રણ-ત્રણ માણસનાં લોહી રેડાયાં હતાં. પરંતુ વિશાળગઢની પોલીસ તેમના ખૂનીઓમાંથી એક જણને પણ ન પકડી શકી....! કેટલા આશ્ચર્યની વાત છે, મિસ્ટર દિલીપ... ! વિશાળગઢના એ મહાન માણસના ઘરમાં આટલો મોટો હત્યાકાંડ થઈ ગયો અને પોલીસ પગ પર પગ ચડાવીને બેસી રહી. ખૂની સુધી પહોંચવા માટે પોલીસ પાસે કોઈ કડી, આધાર કે પુરાવાઓ નહોતાં એટલે એ કેસની ફાઈલ બંધ કરીને અભેરાઈ પર ધૂળ ખાવા માટે ચડાવી દેવામાં આવી. તપાસમાં આગળ વધવા માટે પોલીસને કોઈ કડી જ ન મળી.'

‘પણ એક વાત મને નથી સમજાતી, અજય... !' દિલીપ એકીટશે અજયના ચહેરા સામે તાકી રહેતાં બોલ્યો, ‘એ શયતાનોએ તાર કુટુંબીજનોને મારી નાખ્યાં, તો પછી તું કેવી રીતે બચી ગયો...!

‘તમારો સવાલ ઉત્તમ છે . . ! આ સવાલ મને ચોક્કસ પૂછવામાં આવશે એ હું જાણતો જ હતો. હવે જવાબ પણ જાણી લો... ! આ બનાવ બન્યો ત્યારે હું અહીંથી ખૂબ જ દૂર બેંગ્લોર ખાતે મારી કૉલેજની હૉસ્ટેલમાં હતો... !'

‘ઓહ... !' દિલીપ ધીમેથી બબડ્યો.

‘પણ મિસ્ટર દિલીપ... !' અજય ખોવાયેલા અવાજે બોલ્યો, ‘એ દિવસે હું પણ મારાં કુટુંબીજનો સાથે સાથે શયતાનોની ગોળીઓનો શિકાર બનીને આ દુનિયામાંથી રૂખસદ થઈ ગયો હોત તો સારું થાત.. ! એ દિવસ પછી મારી આખી દુનિયા જાણે કે બદલાઈ ગઈ. કાયદાનો રખેવાળ બનીને ગરીબ-અસહાય લોકોને ન્યાય અપાવવાની ઇચ્છા ધરાવનાર આ અજય સકસેનાને અપરાધીઓ પ્રત્યે એટલી હદ સુધી નફરત થઈ ગઈ કે એણે તેમને મારવા માટે કાયદાની નહીં પણ પોતાની રિવૉલ્વરનો જ આશરો લીધો... !’

‘અર્થાત્ તું ‘બહુરૂપી ખૂની બની ગયો, એમ ને ?’

‘હા, મિસ્ટર દિલીપ... !' અજય પૂર્વવત્ અવાજે બોલ્યો, ‘મારી પાસે આ એક જ ઉપાય હતો, મેં વિશાળગઢના એક એક અપરાધીને વીણી વીણીને મોતને ઘાટ ઉતારી દેવાની પ્રતિજ્ઞા લીધી હતી. છેવટે તો તેમનામાંથી જ કોઈકે મારાં કુટુંબીજનોનાં ખૂનો કર્યાં હશે...! જો હું એક એક કરીને વિશાળગઢના તમામ અપરાધીઓને મારી નાખું તો એ શયતાનો આપોઆપ જ ખતમ થઈ જવાના હતા. 'સૂકા પાછળ લીલું પણ બળે' એ કહેવત તો તમે સાંભળી જ હશે... ! આ રીતે જે અપરાધીઓ મારાં કુટુંબીજનોનાં ખૂનમાં નહોતા સંડોવાયા, તેઓ પણ મારી લોહીતરસી રિવૉલ્વરનો શિકાર થઈ જવાના હતા. મારો વિચાર બરાબર હતો ને મિસ્ટર દિલીપ... ?'

માત્ર દિલીપ જ નહીં બલ્કે રજની, ધીરજ તથા ઇન્ટરોગેશન રૂમમાં મોજૂદ તમામ સી.આઈ.ડી. એજન્ટો અજયની વાત સાંભળીને આશ્ચર્યચકિત થઈ ગયાં હતાં. અજયનું ભેજું ચસકી ગયું હતું એ વાતમાં શંકાને કોઈ સ્થાન નહોતું.

'અને તું દરેક મૃતદેહ પાસે ગંજીપત્તાંનાં ત્રણ પાનાં – ગુલામ, બેગમ, બાદશાહ – શા માટે મૂકતો હતો... ?' દિલીપે ઉત્સુક અવાજે પૂછ્યું.

'ગુલામ, બેગમ, બાદશાહ... ?' અજય ખડખડાટ હસ્યો, ‘મિસ્ટર દિલીપ... ! બચપણથી જ મને ગંજીપત્તાંનો ખૂબ જ શોખ હતો. અને આજે જુઓ... મારી જિંદગી ગંજીપત્તાંના જુગાર જેવી બની ગઈ છે. હું જ્યારે પણ મિત્રો સાથે રમવા બેસતો ત્યારે મોટા ભાગે મારી પાસે ગુલામ, બેગમ અને બાદશાહ જ આવતાં હતાં, જ્યારે મિત્રોમાંથી કોઈક ત્રણ એક્કા કાઢતા... અને હું હારી જતો... ! એક જમાનામાં ગંજીપત્તાંની રમત હું શોખ ખાતર, માત્ર ટાઇમ પાસ કરવા માટે જ રમતો હતો. પરંતુ પાછળથી આજ રમત મારી જિંદગીનો એક અગત્યનો ભાગ બની ગઈ…… ! મારી જિંદગી જ જાણે કે ગુલામ, બેગમ ને બાદશાહની રોન જેવી બની ગઈ... ! હું રોન કાઢતો તો સામેથી એક જ સરખાં ત્રણ પાનાં આવીને મને હરાવી દેતાં ! મિસ્ટર દિલીપ, ગંજીપત્તાં જેવી બની ગયેલી મારી જિંદગીને એ શયતાનોએ સૌથી મોટી હાર આપી... ! તેમણે મારા આખા પરિવારને જ મોતને ઘાટ ઉતારી દીધો. તેઓ મારે માટે ‘ત્રણ એક્કા' કરતાં ય વધુ ખતરનાક પુરવાર થયા કારણ કે એ બનાવ પછી તો મારી જિંદગીમાં કશુંય ન બચ્યું.’ કહેતાં કહેતાં એનો કંઠ રૂંધાવા લાગ્યો. હમણાં જ તે રડી પડશે એવું લાગતું હતું, ‘મિસ્ટર દિલીપ, ગંજીપત્તાંની જેમ એ શયતાનોએ ફરીથી મને ગુલામ, બેગમ, બાદશાહ પર પહોંચાડી દીધો હતો અને અહીંથી જ હવે મારે નવસેરથી દાવ શરૂ કરવા હતો. અને જુઓ ! મેં બહુરૂપી ખૂની'ના રૂપમાં જિંદગીના બીજા દાવની શરૂઆત કરી. પરંતુ આ વખતે મેં એક ચાલાકી વાપરી,, જિંદગી રૂપી ગંજીપત્તાંમાં મેં માત્ર ત્રણ જ પાનાં રાખ્યાં— ગુલામ બેગમ અને બાદશાહ !'

વાત પૂરી કરીને અજયે ફરીથી એક વાર બુલંદ અટ્ટહાસ્ય રેલાવ્યું.

‘મિસ્ટર દિલીપ... !’ હસવાનું બંધ કરીને છેવટે એ બોલ્યો, ‘હું મૃતદેહો પાસે શા માટે ગુલામ, બેગમ બાદશાહ મૂકતો હતો એ તો હવે તમને સમજાઈ જ ગયું હશે. મેં એ શયતાનોની જિંદગી જ ગંજીપત્તાંની રમત જેવી બનાવી દીધી હતી.'

ત્યાર બાદ એ હસતો જ રહ્યો...હસતો જ રહ્યો... ! એની વાત સાંભળીને દિલીપ સહિત સૌ કોઈના દેહમાં ધ્રુજારી ફરી વળી હતી.

દિલીપ ટહેલતો ટહેલતો ઇન્ટરોગેશન રૂમમાંથી બહાર નીકળી આવ્યો. અત્યારે એ ખૂબ જ થાકેલો લાગતો હતો. અજયની વાત સાંભળીને એના દિલો-દિમાગમાં ખળભળાટ મચી ગયો હતો. બાકીનાંઓ પણ એની પાછળ બહાર નીકળ્યાં. અલબત્ત, ઇન્ટરોગેશન રૂમમાં હજુ પણ અજયનું અટ્ટહાસ્ય ગુંજતું હતું. ‘શું વિચારે છે, દિલીપ...?' રજનીએ દિલીપ પાસે પહોંચીને પૂછ્યું.

અત્યારે એના ચહેરા પર પૂરેપૂરી ગંભીરતા છવાયેલી હતી. ‘કંઈ નહીં... !’ દિલીપ ગમગીન અવાજે બોલ્યો, ‘રજની ! ‘બહુરૂપી ખૂની'ને આપણે જેટલો ક્રૂર અને જાલિમ માનતાં હતાં, એટલો વાસ્તવમાં એ છે નહીં.. ! એણે જે કંઈ કર્યું છે તે સંજોગવશાત્ જ કર્યું છે. આ પરિસ્થિતિમાં કોઈ પણ માણસ આવું જ કરે !'

‘તારી વાત સાચી છે…… !' રજનીએ ગંભીરતાથી કહ્યું, ‘પોતાનાં કુટુંબીજનોનાં મોતની એના દિલો-દિમાગ પર જરૂર કરતાં વધુ અસર થઈ છે... ! એને ખૂબ જ આઘાત લાગ્યો છે.'

‘એ તો બરાબર છે, પણ આપણે હવે શું કરવાનું છે ?' ધીરજે પૂછ્યું.

'આપણે કશું જ નથી કરવાનું... !' દિલીપે જવાબ આપ્યો, આપણું કામ ‘બહુરૂપી ખૂની'ને પકડીને કાયદાના હવાલે કરવાનું હતું. આપણા તરફથી એ કેસ પૂરો થઈ ગયો છે. હવે જે કંઈ કરવાનું છે તે સ્થાનિક પોલીસે તથા અદાલતે જ કરવાનું છે !'

રજની અને ધીરજ ધીમેથી માથું હલાવીને રહી ગયાં. બીજે દિવસે સી.આઈ.ડી.એ આ સક્સેનાને વિશાળગઢ પોલીસના હવાલે કરી દીધો અને પોલીસે તેને ફાઈનલ ચાર્જશીટ બનાવીને કોર્ટમાં રજૂ કર્યો.

એ દિવસે કોર્ટમાં પગ મૂકવાની પણ જગ્યા નહોતી. ‘બહુરૂપી ખૂની’ને જોવા માટે લોકોની ચિક્કાર ભીડ એકઠી થઈ હતી. અજયને બંધ બૉડીની જીપમાં બેસાડીને પાછળના દરવાજેથી કોર્ટરૂમમાં લઈ જવાયો.

કોર્ટરૂમ પણ ખીચોખીચ ભરેલો હતો. પ્રેક્ષકોમાં પોલીસ અધિકારીઓ, પત્રકારો, પ્રેસ ફોટોગ્રાફરો તથા ટી.વી. ચેનલોના રિપોર્ટરો મોજૂદ હતા. અજય ત્યાં પહોંચ્યો કે તરત જ ફટાફટ કૅમેરાની સ્વીચો દબાવા લાગી.

ટી.વી. કેમેરા ચાલુ થઈ ગયા. અજયને સીધો આરોપીના પાંજરામાં લઈ જઈને ઊભો રાખી દેવામાં આવ્યો.

પ્રેક્ષકગણમાં ગણગણાટ શરૂ થઈ ગયો. નામદાર ન્યાયાધીશે ટેબલ પર હથોડી પછાડીને સૌને શાંત રહેવાનો આદેશ આપ્યો અને પછી ધ્યાનથી આરોપીના પાંજરામ ઊભેલા અજય સામે જોતાં પૂછ્યું, ‘મિસ્ટર અજય, તમે તમારા બચાવ માટે કોઈ વકીલ નથી રોક્યો ?’

‘ના, યોર ઓનર... ! નથી રોક્યો... !' અજયે સ્વસ્થ અવાજે કહ્યું.

એનો જવાબ સાંભળીને સૌ એકદમ ચમકી ગયા.

‘તમે તમારા બચાવ માટે વકીલ શા માટે નથી રોક્યો, મિસ્ટર અજય...?' ન્યાયાધીશે ફરીથી પૂછ્યું.

‘મને વકીલની જરૂર નથી લાગતી... !' અજયનો અવાજ એકદમ ગંભીર અને શાંત હતો, યોર ઓનર, પોતે કંઈક ખોટું કર્યું છે એવું માનનારા જ પોતાના બચાવ માટે વકીલને રોકે છે. મારી માન્યતા પ્રમાણે મેં કશુંય ખોટું નથી કર્યું !' ‘તમારી આ માન્યતા ખોટી પણ હોઈ શકે છે !’

‘બિલકુલ ખોટી નથી.. ! આ એક અટલ સત્ય છે !' અજયની વાતોથી ફરીથી એક વાર કોર્ટરૂમમાં ખળભળાટ મચી ગયો.

ન્યાયાધીશે ફરીથી એક વાર હથોડી પછાડતાં કોર્ટરૂમમાં શાંતિ છવાઈ ગઈ.

સરકારી વકીલ ઊભો થઈને પોતાનો કોટ વ્યવસ્થિત કરતો અજય પાસે પહોંચ્યો. શિકારને જોયા પછી શિકારીની આંખોમાં ચાલાકીના જે હાલભાવ છવાય બિલકુલ એવા જ હાલભાવ અત્યારે એના ચહેરા પર છવાયેલા હતા.

‘મિસ્ટર અજય... !’ સરકારી વકીલે પોતાના હાથમાં રહેલો ભગવદ્ગીતાનો ગ્રંથ એની સામે લંબાવ્યો.

‘શા માટે આ પવિત્ર ગ્રંથનું અપમાન કરો છો, વકીલ સાહેબ... !' અજયે કડવા અને કટાક્ષથી ભરપૂર અવાજે કહ્યું, 'આજ સુધીમાં કેટલા ગુનેગારો આ પવિત્ર ગ્રંથના સોગંધ ખાઈને સાચું બોલ્યા છે...? ભાગ્યે જ કોઈક એવો વીરલો હશે. બાકી તો સોગંધ ખાધા પછી પણ ખોટું બોલીને આ પવિત્ર ગ્રંથનું અપમાન જ કરાય છે અને આ અપમાન માટે બીજું કોઈ નહીં પણ તમારા જેવા વકીલો જ જવાબદાર છે. આ ગ્રંથના સોગંધ ખાઈને જો હું એમ કહીશ કે મેં કોઈ ગુનો નથી કર્યો તો તમે કંઈ મારી વાતને નથી માની લેવાના... ! પરંતુ હું તમારું નહીં પણ આ પવિત્ર ગ્રંથનું માન જાળવીને, એના પર હાથ મૂકીને કહું છું કે હું જે સત્ય હશે એ જ કહીશ... !' અજયની ધારદાર દલીલથી પળભર માટે સરકારી વકીલનો ચહેરો ઝંખવાણો પડી ગયો, પરંતુ પછી તરત જ પોતાની જાત પર કાબૂ મેળવીને એ બોલ્યો, ‘હા, તો મિસ્ટર અજય... ! સૌથી પહેલાં તો હું તમને એ પૂછવા માગું છું કે છેલ્લા થોડા સમય દરમિયાન વિશાળગઢમાં એક જ ઢબે અપરાધીઓનાં ખૂનો થયાં છે, એ તમે જ કર્યા છે?’

'હા...’ અજયના અવાજમાં જરા પણ ખમચાટ નહોતો, ‘એ બધાનાં ખૂનો મેં જ કર્યાં છે... !'

અજયના હકારાત્મક જવાબથી કોર્ટરૂમમાં ખળભળાટ મચી ગયો.

અજય આટલી સહેલાઈથી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી લેશે એવું કોઈએ નહોતું ધાર્યું.

અજયનો જવાબ સાંભળીને પળભર તો સકરારી વકીલ પણ સ્તબ્ધ બની ગયો હતો. એણે પણ કદાચ અજય પાસેથી આવા જવાબની આશા નહોતી રાખી.

‘આનો અર્થ એ થયો કે તું જ ‘બહુરૂપી ખૂની’ છો તે વાત કબૂલ કરે છે, ખરું ને ?'

‘હા...' અજયે બેધડક જવાબ આપ્યો, 'હું કબૂલ કરું છું.'

હવે સરકારી વકીલને પણ પરસેવો વળી ગયો. એણે ગજવામાંથી રૂમાલ કાઢીને કપાળ પર વળેલો પરસેવો લૂછ્યો.

અજયના જવાબથી ન્યાયાધીશસાહેબ પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા.

‘પણ તેં આ બધાં ખૂનો શા માટે કર્યાં..?' જવાબમાં અજયે જે વાત દિલીપને જણાવી હતી એ  જ ભરી કોર્ટમાં કહી સંભળાવી. એની કરુણ કથની સાંભળીને સૌ સ્તબ્ધ બની ગયા.

એણે પોતાનો ગુનો કબૂલી લીધો હતો એટલે વધુ કંઈ પૂછપરછ કરવાની બાકી નહોતી રહેતી. ચુકાદા માટે બીજા દિવસની તારીખ આપીને ન્યાયાધીશે કોર્ટ બરખાસ્ત કરી.

બીજે દિવસે પણ કોર્ટરૂમની એ જ હાલત હતી. ચુકાદો સાંભળવા માટે લોકોની ચિક્કાર મેદની એકઠી થઈ ગઈ કાલની જેમ આજે પણ અજયને પાછલા બારણેથી લાવવામાં આવ્યો. એનો ચહેરો એકદમ શાંત હતો.

દુઃખ કે ગમગીનીની આછી-પાતળી રેખા પણ એના વ્હેરા પર નહોતી દેખાતી.

સરકારી વકીલે રજૂ કરેલા તમામ પુરાવાઓને ન્યાયાધીશે ફરીથી એક વાર તપાસ્યા.

'મિસ્ટર અજય... ! તમને છેલ્લી તક આપવામાં આવે છે... !' એમણે અજય સામે જોઈને ગંભીર અવાજે કહ્યું, ‘તમારા બચાવમાં તમારે હજુ પણ કંઈ કહેવું હોય તો કહી શકો છો... !' મારે કશું જ નથી કહેવાનું, યોર ઓનર... ! આપ બેધડક ચુકાદો આપી શકો છો... !'

'ઠીક છે... !'

ન્યાયાધીશે દસેક મિનિટ સુધી ચુકાદો લખીને વાંચી સંભળાવ્યો. એમણે આપેલા ચુકાદા પ્રમાણે આરોપી અજય સકસેનાને કલમ ૩૦૨ મુજબ તકસીરવાર ઠરાવીને ફાંસીની સજા ફરમાવવામાં આવી હતી.

ચુકાદો સાંભળીને એકાએક જ અજય ખડખડાટ હસી પડ્યો.

‘આપે બરાબર જ ચુકાદો આપ્યો છે, યોર ઓનર... !' એ ચીસ જેવા અવાજે બોલ્યો, ‘મને ફાંસીની જ સજા થવી જોઈએ...! હું એ જ સજાનો હકદાર છું... ! આપનો ચુકાદો હું શિરોમાન્ય રાખું છું... !'

ત્યાર બાદ એ અચાનક જ જાણે ગાંડપણનો હુમલો થયો હોય એમ રેલિંગ સાથે જોરજોરથી પોતાના હાથ પછાડવા લાગ્યો.

એનું હસવાનું હજુ ચાલુ જ હતું. કોર્ટરૂમમાં મોજૂદ સૌ કોઈ જડવત્ બની ગયા હતા.

‘બહુરૂપી ખૂની’ને ફરમાવવામાં આવેલી સજા યોગ્ય છે કે નહીં, એ કોઈનેય નહોતું સમજાતું.

*

નાગપાલ પાઇપના કસ ખેંચતો ગંભીર ચહેરે પોતાની રિવૉલ્ડિંગ ચેર પર બેઠો હતો.

એની સામેની ખુરશીઓ પર દિલીપ તથા રજની મોજૂદ હતાં.

‘દિલીપ... !' નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, અજય સક્સેનાને ફાંસીની સજા ફરમાવવામાં આવી છે અને આ રવિવારે સજાનો અમલ પણ થઈ જશે એ તો તું જાણતો જ હોઈશ... !'

‘પોતાની સજાની વિરુદ્ધમાં એણે હાઈકોર્ટમાં કોઈ અપીલ નથી કરી. ?' દિલીપે પૂછ્યું.

‘ના...’

'કેમ... ?' દિલીપના અવાજમાં આશ્ચર્યનો સૂર હતો.

'તારા આ સવાલનો જવાબ તો અજય જ વધુ સારી રીતે આપી શકે તેમ છે !' નાગપાલ પાઇપમાંથી કસ ખેંચીને મોંમાંથી ધુમાડાનો ઢગલો કાઢતાં બોલ્યો, પરંતુ એટલું તો નક્કી જ છે કે એને ફાંસીની સજાનો કોઈ ભય નથી. એ જાણે કે સામેથી જ મોતને ભેટવા માગે છે. જો એનામાં સ્હેજ પણ જીવવાની ઇચ્છા હોત તો સૌથી પહેલાં તો તે કોર્ટમાં જ પોતાના બચાવ માટે કોઈક વકીલને રોકત... ! પરંતુ એ પગલું એણે ન ભર્યું. એટલું જ નહીં, ભરી અદાલતમાં એણે પોતે જ ‘બહુરૂપી ખૂની' હોવાનું તથા પોતે જ બધાને મોતને ઘાટ ઉતાર્યાનું પણ કબૂલ કર્યું. આ બધી વાતો પરથી સ્પષ્ટ રીતે પુરવાર થઈ જાય છે કે એને દિન-દુનિયા કે પોતાની જિંદગીનો કોઈ મોહ નથી રહ્યો. કુટુંબીજનોનાં સામૂહિક ખૂનો પછી જિંદગી જીવવા જેવું એની પાસે જાણે કે કશુંય નથી બચ્યું. અલબત્ત, અજયની એક વાત મને ખુબ જ નવાઈ પમાડે છે !’

‘કઈ વાત... ?’

અજયને જ્યારે તેની અંતિમ ઇચ્છા વિશે પૂછવામાં આવ્યું ત્યારે એણે એવો જવાબ આપ્યો છે કે પોતે મરતાં પહેલાં એક વખત કૅપ્ટન દિલીપને મળવા માગે છે... !'

‘શું... ?’દિલીપે ચમકીને પૂછ્યું.

'પણ અજય દિલીપને શા માટે મળવા માગે છે, અંકલ ?' આ વખતે રજનીએ સવાલ કર્યો.

'શા માટે મળવા માગે છે એની તો મને પણ ખબર નથી... ! અલબત્ત, એણે તને મળવાની તીવ્ર ઝંખના વ્યક્ત કરી છે... ! એના કહેવા મુજબ એ તારી સાથે કોઈક ખાસ અને જરૂરી વાત કરવા માગે છે !'

'એને કોઈ જરૂરી વાત નહીં કરવી હોય... !' દિલીપ બેદરકારીથી ખભા ઉછાળતાં બોલ્યો, 'મને મળીને એ ફરીથી કોઈક નવો ફણગો ફોડશે... ! મગજની નસો ખેંચાઈ જાય એવી વાહિયાત વાત કરશે... એ માણસ ગાંડો થઈ ગયો છે...! એની ડગળી ચસકી ગઈ છે... એ ભરી કોર્ટમાં પોતાનો ગુનો કબૂલ કરી ચૂક્યો છે... પોતે જ

‘બહુરૂપી ખૂની’ હોવાનું કબૂલી ચૂક્યો છે તો પછી મને મળીને એ કરશે પણ શું? કહેવા જેવું હવે શું બાકી રહ્યું છે એની પાસે... ?’

‘કદાચ કંઈક રહ્યું હોય... ! કોઈક વાત તે માત્ર તને જ જણાવવા માગતો હોય એ બનાવજોગ છે !'

‘મને તો એવું કંઈ નથી લાગતું !'

‘તો તું અજયને મળવા નહીં જાય, એમ ને ?' રજનીએ પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતાં પૂછ્યું.

‘ના...' દિલીપે નકારમાં માથું ધુણાવતાં જવાબ આપ્યો. નાગપાલ અને રજની લાચારીવશ એકબીજા સામે જોવા લાગ્યાં. તેમની ચુપકીદી પણ જાણે કે ઘણુંબધું કહેતી હતી. નાગપાલ રિવૉલ્વિંગ ચેરની બેંક સાથે પીઠ ટેકવીને પાઇપના કસ ખેંચવા લાગ્યો. એના ચહેરા પર મૂંઝવણ અને વિમાસણના હાવભાવ સ્પષ્ટ રીતે જોઈ શકાતા હતા.

‘દિલીપ... !' છેવટે નાગપાલ ગંભીર અવાજે બોલ્યો, ‘હું માનું છું ત્યાં સુધી તારે અજયને એક વખત મળી લેવું જોઈએ...! ભલે એ પાગલ હોય ... ભલે એની પાસે તને જણાવવા લાયક કશુંય ન હોય... ! પરંતુ એક વાત તારે ધ્યાનમાં રાખવી જોઈએ કે આ એક ફાંસીના માંચડે લટકનારા માણસની અંતિમ ઇચ્છા છે... ! આમેય એ સંપૂર્ણ રીતે નફરત કરવાને લાયક માણસ તો છે જ નહીં... !’

‘ઓ.કે. અંકલ... !' દિલીપ એક ઊંડો શ્વાસ ખેંચતાં બોલ્યો, ‘તમે કહો છો તો હું એને જરૂર મળી લઈશ... !' નાગપાલના હોઠ પર સંતોષભર્યું સ્મિત ફરકી ગયું. પરંતુ એક વાતથી તેઓ બિલકુલ અજાણ હતા.

દિલીપ અને અજયની મુલાકાતથી આ કેસમાં નવો જ વળાંક આવવાનો હતો. બીજે દિવસે દિલીપ અજયને મળવાને માટે જેલમાં પહોંચી ગયો.

ત્યાં સૌથી પહેલાં એની મુલાકાત જેલર પ્રતાપસિંહ રાઠોડ સાથે થઈ. આશરે પંચાવન વર્ષની વય ધરાવતો પ્રતાપસિંહ ખૂબ જ મળતાવડા સ્વભાવનો હતો.

એણે હસીને ઉમળકાભેર દિલીપને આવકાર્યો અને ખુરશી પર બેસાડ્યો.

ફરમાવો, મિસ્ટર દિલીપ... !' એણે પ્રશ્નાર્થ નજરે દિલીપ સામે જોતાં કહ્યું. ‘રાઠોડસાહેબ... !' દિલીપ બોલ્યો, ‘હું અહીં અજય સકસેનાને મળવા માટે આવ્યો છું એ તો તમે જાણો જ છો...!'

‘હા... જાણું છું.’

'હવે તમને મને અજય વિશે શક્ય એટલી વધુમાં વધુ માહિતી આપો... ! ગમે તેમ તોય એ બે દિવસથી તમારી જેલમાં છે... ! ‘તમારે કઈ જાતની માહિતી જોઈએ છે ?’ પ્રતાપસિંહે પ્રશ્નાર્થ નજરે એની સામે જોતાં પૂછ્યું.

'જેમ કે એ મને શા માટે મળવા માગે છે અને જેલમાં એનું વર્તન કેવુંક વિગેરે…… !' ‘મિસ્ટર દિલીપ... I’ પ્રતાપસિહ એક ઊંડો શ્વાસ ખેંચતાં બોલ્યો, ‘અજય તમને શા માટે મળવા માગે છે એ તો કોઈ જ નથી જાણતું. હા, એ પોતાની કોટડીના ખૂણામાં બેઠો બેઠો બડબડાટ જરૂર કરે છે કે – 'હું કૅપ્ટન દિલીપને મળવા માગું છું. એની સાથે એક વાર મારી મુલાકાત કરાવી દો... !' બલ્કે કાલે તો એણે ખૂબ જ વિચિત્ર વર્તન કર્યું હતું. કાલે રાત્રે એક સિપાહી જમવાનું આપવા માટે કોટડીમાં ગયો ત્યારે અજય તેને પકડીને જોર જોરથી બરાડા નાખવા લાગ્યો કે - 'તું મને કૅપ્ટન દિલીપ પાસે લઈ જા... !' એ સિપાહી બિચારો માંડ માંડ એનાથી પીછો છોડાવીને કોટડીમાંથી બહાર નીકળ્યો હતો.

‘ઓહ... !’ દિલીપનાં ભવાં વિચારવશ હાલતમાં સંકોચાયાં, આવો બીજો કોઈ બનાવ...?'

'ના... આવું તો બીજું કશુંય નથી બન્યું. અલબત્ત, અજયનું વર્તન ખૂબ જ વિચિત્ર છે. ક્યારેક ક્યારેક તે બેઠો બેઠો જોરજોરથી બરાડા નાખે છે તો રાત્રે ક્યારેક એના ધ્રુસકે ધ્રુસકે રડવાનો અવાજ પણ તેની કોટડીમાંથી સંભળાય છે ! ટૂંકમાં કહું તો એનું વ્યક્તિત્વ ખૂબ જ વિચિત્ર છે... ! એણે ઠંડા કલેજે આટલાં ખૂનો કર્યાં હશે એવું લાગતું જ નથી.’ ‘એટલે... ? તમે કહેવા શું માગો છો... ?'

‘હું માત્ર એટલું જ કહેવા માગું છું મિસ્ટર દિલીપ કે.. !' પ્રતાપસિંહના અવાજમાં થોડો ખમચાટ હતો, ‘અજયનું વર્તન બિલકુલ નાના બાળક જેવું છે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે એને તેના કૃત્યની જરૂર કરતાં વધુ સજા થઈ છે.'

જેલર પ્રતાપસિંહની વાત સાંભળીને દિલીપના અચરજનો પાર ન રહ્યો.

‘ઓહ, તો તમારી નજરે અજયને ફાંસીની જે સજા ફરમાવવામાં આવી છે એ ખોટી છે?' એણે પૂછ્યું.

‘ના, હું એવું કશુંય કહેવા નથી માગતો... !' પ્રતાપસિંહ નકારમાં માથું હલાવતાં બોલ્યો, 'એણે કરેલાં ગુનાની તેને જે સજા થવી જોઈએ એ જ થઈ છે ! પરંતુ જ્યારે હું અેનું બાળક જેવું વર્તન જોઉં છું ત્યારે એના પર દયા ઊપજે છે ! તેને સ્હેજ ઓછી સજા થઈ હોત તો વધુ યોગ્ય રહેત એવું મને લાગે છે!'

દિલીપ જેલરના લાગણીશીલ ચહેરા પર થોડી પળો સુધી તાકી રહ્યા બાદ છેવટે ઊભો થયો. ચાલો, મને એની પાસે લઈ જાઓ... !'

પ્રતાપસિંહ તેને જેલના ભૂગર્ભમાં આવેલી એક કાળકોટડીમાં લઈ ગયો. કોટડીમાં અજવાળા માટે છત પર માત્ર પચીસ વોલ્ટનો એક બલ્બ લગાવેલો હતો, જેનું આછું અજવાળું ત્યાં પથરાયેલું હતું. આ ઉપરાંત કોટડીમાં ચારે તરફ ભેજની દુર્ગંધ છવાયેલી હતી.

દૂર એક ચબૂતરા પર અજય બેઠો હતો. એના શરીર પર કૈદીઓ જેવાં વસ્ત્રો હતાં અને કેદી તરીકે એનો નંબર ૧૧૧ હતો. અત્યારે એ સફેદ ચોક વડે ચબૂતરા પર કશુંક લખતો હતો.

પછી અચાનક કોઈકનાં પગલાંનો અવાજ સાંભળીને એણે પીઠ ફેરવી. ભારેભરખમ બૂટનાં પગલાંનો અવાજ એની કોટડી તરફ જ આવતો હતો.

અજયે હથેળી વડે ચબૂતરા પર જે કંઈ લખ્યું હતું તે ભૂંસી નાખ્યું અને પછી ઊભો થયો. એને સામેની લોબીમાંથી દિલીપ તથા જેલર પ્રતાપસિંહ આવતા દેખાયા.

થોડી સેકંડોમાં જ દિલીપ કોટડીના લોખંડના સળિયાવાળા દરવાજાની બહાર અજયની સામે ઊભો હતો. ફાંસીએ લટકતાં પહેલાં એક વખત મને મળવાની તને ખૂબ જ ઇચ્છા હતી, એમ ને ?'

'હા, મિસ્ટર દિલીપ... !' અજયનો અવાજ બેહદ ગંભીર અને શાંત હતો, હું તમને મળવા માગતો હતો. મારે તમારું એક બહુ જરૂરી કામ છે... !,

‘શું કામ છે... ?’ કહેતાં કહેતાં અનાયાસે જ દિલીપની નજર ચબૂતરા પર પહોંચી ગઈ, અને અમે આવ્યા એ પહેલાં તું ચબૂતરા પર શું લખતો હતો... ' ‘હિસાબ કરતો હતો...!' અજય ખડખડાટ હસીને બોલ્યો,

'બહુ જરૂરી હિસાબ કરતો હતો... !'

‘હિસાબ... ?' દિલીપનું દિમાગ ચકરાવે ચડી ગયું, 'શાનો

હિસાબ... ?'

‘સમયનો હિસાબ... ! મને ફાંસી થવામાં હવે માત્ર બે જ દિવસની વાર છે... ! બે દિવસ પણ નહીં.. ! બે દિવસમાં એક કલાક અને ચાલીસ મિનિટ ઓછી... ! આ જુઓ... મારી પાસે ઘડિયાળ છે...! હું એક એક મિનિટનો હિસાબ રાખું છું.' વાત પૂરી કરીને એ ફરીથી ખડખડાટ હસ્યો.

એના હાસ્યમાં ભગવાન જાણે શું હતું કે દિલીપ જેવા દિલીપના દેહમાં પણ ધ્રુજારી ફરી વળી. એના રોમેરોમ ઊભાં થઈ ગયાં.

'એ તો ઠીક છે... પણ તેં મને શા માટે બોલાવ્યો છે... ?'

'મેં કહ્યું તો ખરું કે મારે તમારું બહુ જરૂરી કામ છે !' અજય સળિયા તરફ નમીને એકદમ ધીમેથી બોલ્યો, 'હું તમને એક બહુ મોટો ભેદ જણાવવા માગું છું. મારી વાત સાંભળીને તમે એકદમ ચમકી જશો... !'

'એવી તે કઈ વાત છે?'

'પહેલાં આ જેલરને અહીંથી વિદાય કરો... ! કોણ જાણે કેમ મને એનું ડાચું નથી ગમતું... !' કહીને એ ફરીથી ખડખડાટ હસ્યો અને પછી બોલ્યો, જોકે એક વાત માટે મારે જેલરસાહેબનો આભાર માનવો જ રહ્યો. તેમણે મને કેદી તરીકેનો બહુ સરસ નંબર આપ્યો છે. એક સો અગિયાર અર્થાત્ ત્રણ એક્કા... ! ગંજીપત્તાંની રમતમાં પણ ત્રણ એક્કાની જોડ સર્વશ્રેષ્ઠ ગણાય છે... ! હંમેશાં ત્રણ એક્કા જ જીતે છે... ! ત્રણ એક્કા આવતાં જ ખેલ ખતમ થઈ જાય છે... ! જુઓ... મારો ખેલ પણ ટૂંક સમયમાં જ ખતમ થઈ જશે... ! મારી જિંદગીની બાજી પૂરી થઈ જશે... !'

દિલીપ સ્તબ્ધ બની ગયો.

પોતાને કેટલી ખતરનાક સજા ફરમાવવામાં આવી છે એ વાતનો અજયને જાણે કે ખ્યાલ જ નહોતો.

એ જ વખતે દિલીપે સંકેત કરતાં જેલર પ્રતાપસિંહ ત્યાંથી ચાલ્યો ગયો. કાળકોટડીના દરવાજા પાસે હવે માત્ર બે જ જણ રહ્યા હતા.

દિલીપ અને અજય સક્સેના.. ! પ્રતાપસિંહના વિદાય થયા પછી દિલીપે પોતાના ગજવામાંથી સિગારેટનું પેકેટ કાઢીને તેમાંથી એક સિગારેટ પેટાવી.

મને પણ એક સિગારેટ આપશો ?' અજયના અવાજમાં વિનંતીનો સૂર હતો. દિલીપે ચૂપચાપ એક સિગારેટ પેટાવીને સળિયા વચ્ચેથી એના હાથમાં મૂકી દીધી. સિગારેટ હાથમાં આવતાં જ જાણે કેટલાય દિવસોથી તલપ લાગી હોય એમ અજયે ઉપરાઉપરી ચાર-પાંચ કસ ખેંચી નાખ્યા અને પછી બોલ્યો, ‘વાહ... મજા આવી ગઈ... ! ખરેખર તમે બહુ સારા માણસ છો... ! એક વાત કહું .. ? સાલ્લી આ જગ્યા બરાબર નથી... ! ભેજ અને દુર્ગંધ જ છે... ! ખરેખર. પણ જે હોય .. ! મારે શું ? મારે કંઈ થોડું જ કાયમને માટે અહીં રોકાવાનું છે? બસ, બે જ દિવસની તો વાત છે... ! હું સાચું કહું છું ને મિસ્ટર દિલીપ...?'

દિલીપના દેહમાં એની વાત સાંભળીને રોમાંચભરી ધ્રુજારી ફરી વળી. ફાંસીનો એને ખરેખર કોઈ ભય નહોતો... | પ્રતાપસિંહે સાચું જ કહ્યું હતું કે ક્યારેક ક્યારેક અજયની વર્તણૂક બિલકુલ નાના બાળક જેવી થઈ જાય છે.. ! 'મિસ્ટર દિલીપ, તમારે એક ભેદની વાત જાણવી છે....' અજયે સિગારેટનો કસ ખેંચતાં પૂછ્યું

‘હા, બોલ... ’

‘જુઓ... ! હું જ ‘બહુરૂપી ખૂની છું એ મે કોર્ટમાં કબૂલી લીધું છે. પરંતુ એક વાત એવી છે કે જે મારા સિવાય બીજું કોઈ જ નથી જાણતું... !’

‘કઈ વાત... ?’ દિલીપે સિગારેટનો કસ ખેંચ્યા બાદ ઉત્સુક નજરે એની સામે જોતાં પૂછ્યું.

‘મિસ્ટર દિલીપ... !' અજય સ્હેજ આગળ નમીને એકદમ ધીમેથી બોલ્યો, ‘મેં માત્ર પહેલાં સાત ખૂનો જ કર્યાં છે.. ! પરંતુ આઠમું એટલે કે અજિત મરચંટના જે ખૂન વખતે તમે મને પકડ્યો હતો એ ખૂન મેં નહોતું કર્યું... ! અજિતનો ખૂની હું નથી... !'

‘આ... આ તું શું બકે છે ...?' દિલીપે તીવ્ર અવાજે પૂછ્યું.

‘હું બકતો નથી પણ સાચું જ કહું છું, મિસ્ટર દિલીપ... !' ગંભીર અવાજે આટલું કહીને અજયે બુલંદ અટ્ટહાસ્ય રેલાવ્યું અને પછી પાગલની જેમ આમતેમ માથું ધુણાવતાં બોલ્યો, ‘હું અજિત મરચંટનું ખૂન કરવા માટે વિસાલરાય હૉસ્પિટલમાં જરૂર ગયો હતો... ડૉક્ટરના રૂપમાં જ ગયો હતો અને જો મને તક મળી હોત તો હું ચોક્કસ તેને મારી પણ નાખત... ! પરંતુ મેં શા માટે એને ન માર્યો, એ તમે જાણો છો...?'

‘શા માટે ન માર્યો… ?'

એટલા માટે કે હું તમને ઓળખી ગયો હતો...! મને ફસાવવા માટે તમે ત્યાં મજબૂત જાળ પાથરી છે એ વાતની મને ખબર પડી ગઈ હતી... !'

વાત પૂરી કરીને એ ફરીથી ખડખડાટ હસ્યો.

જ્યારે દિલીપની હાલત કિંકર્તવ્યવિમૂઢ જેવી થઈ ગઈ હતી. અજય સકસેના જાણે દુનિયાની આઠમી અજાયબી હોય એવી નજરે એ તેની સામે તાકી રહ્યો હતો. ‘અજય... !’ એણે વ્યાકુળ અવાજે પૂછ્યું, ‘જો અજિત મરચંટનું ખૂન તે નથી કર્યું તો પછી કોણે કર્યું છે... ?'

‘એ તો હું નથી જાણતો, મિસ્ટર દિલીપ... !' અજય સિગારેટનો અંતિમ કસ ખેંચીને તેના ઠૂંઠાને સળિયા સાથે ઘસીને બુઝાવતાં બોલ્યો, પરંતુ ખૂની જે કોઈ હોય તે... એ ખૂબ જ ચાલાક છે…. ! એણે બિલકુલ મારી જ પદ્ધતિ અપનાવીને અજિતને મોતને ઘાટ ઉતારી દીધો. એટલું જ નહીં, મારી માફક જ એણે અજિતના મૃતદેહ પાસે ગંજીપત્તાંના ત્રણ પાનાં – ગુલામ, બેગમ અને બાદશાહ – પણ મૂક્યાં.’ અજયની વાત સાંભળીને દિલીપના દિમાગમાં વિસ્ફોટ પર વિસ્ફોટ થવા લાગ્યા.

‘ઓહ ગૉડ... !' એણે આશ્ચર્યથી કહ્યું, ‘પણ જો તે અજિતનું ખૂન નહોતું કર્યું તો અત્યાર સુધી આ વાત શા માટે છુપાવી...? તેં કોર્ટમાં જ બધું શા માટે ન જણાવી દીધું...?'

‘એનાથી શું લાભ થાત.. ? મેં કોર્ટમાં આ વાત જણાવી હોત તોપણ એનાથી મારી સજામાં કોઈ ફર્ક નહોતો પડવાનો... ! એ સંજોગોમાં પણ મને ફાંસીની સજા થવાની હતી. ખૂન એક કરો કે દસ... ! બધાંની સજા ફાંસી જ છે... ! મારી વાત બરાબર છે ને મિસ્ટર દિલીપ...?

દિલીપના ચહેરા પર છવાયેલા વ્યાકુળતાના હાવભાવ વધુ ગાઢ બન્યા. અજય સકસેના નામનો આ યુવાન પ્રત્યેક પળે કોયડારૂપ બનતો જતો હતો.

'ના...’ છેવટે દિલીપે નકારાત્મક ઢબે માથું હલાવતાં કહ્યું, 'તું ખોટું બોલે છે... ! તારી વાત મારે ગળે નથી ઊતરતી... !'

'ખોટું બોલવાથી મને લાભ પણ શું છે... ?' અજયે પૂછ્યું, આમે ય બધા ધર્મો તથા કાયદાની એક વાત જગજાહેર છે કે મરતો માણસ ક્યારેય ખોટું નથી બોલતો... ! ખુદ પોલીસ તથા અદાલત પણ કોઈ પણ મરતા માણસની વાતને અર્થાત્ તેના ડાઇંગ ડેક્લેરેશનને માન્ય રાખે છે... ! દિલીપ નિરુત્તર થઈ ગયો.

અજયની આ વાતનો એની પાસે કોઈ જવાબ નહોતો.

'એક વાત મને નથી સમજાતી, અજય... !' છેવટે કશુંક વિચારીને એણે પૂછ્યું, ‘તેં આ વાત કોર્ટથી છુપાવી છે, તો પછી મને શા માટે જણાવે છે...?'

'બહુ મજાનો સવાલ છે તમારો... !' કહીને અજય ખડખડાટ હસ્યો.

દિલીપ સિગારેટના કસ ખેંચતો ચૂપચાપ પ્રશ્નાર્થ નજરે એની સામે તાકી રહ્યો.

‘મિસ્ટર દિલીપ... !' છેવટે હસવાનું બંધ કરીને અર્ધ ગંભીર અવાજે બોલ્યો, ‘હું ક્રિમિનોલૉજી એટલે કે અપરાધશાસ્ત્રનો વિદ્યાર્થી છું એ તો તમે જાણો જ છો... ! સંજોગોનો માર્યો જ હું અપરાધી બન્યો છું. પરંતુ અત્યારની પળે પણ મારા હૃદયમાં અપરાધ પ્રત્યે ઘોર તિરસ્કાર ભર્યો છે. અપરાધ કરે તેને સજા થવી જ જોઈએ એ વાતમાં હું માનું છું. કોઈ અપરાધી સજામાંથી બચી જાય એ મારાથી કેમ સહન થાય... ? તમે પોતે જ વિચારી જુઓ... !' કહેતાં કહેતાં એણે બંને હાથે સળિયા પકડી લીધા, જે શખ્સ ખરેખર અજિત મરચંટનુ ખૂન કર્યું છે એ અત્યારે કેટલો ખુશ થતો હશે...? ખૂન એણે કર્યું છે અને ફાંસીના માંચડે એના બદલે કોઈક બીજું લટકવાનું છે ! અત્યારે તો એ પોતાની જાતને શાબાશી આપતો હશે.. ! એની હિમત કેટલી વધી ગઈ હશે..? એક વાત કહું, મિસ્ટર દિલીપ...? એનો અવાજ એકદમ ધીમો અને રહસ્યમય બની ગયો હતો.

'શું ?'

'જે માણસે અજિત મરચંટને મોતને ઘાટ ઉતાર્યો છે તે હજુ પણ એક ખૂન કરશે... !' અજયનો અવાજ પૂર્વવત્ રીતે એકદમ ધીમો અને રહસ્યમય હતો, ‘તમે જોઈ લેજો... ! એ ચૂપ નહીં બેસે. એની હિંમત ખૂબ જ વધી ગઈ છે એટલે તે હજુ પણ ખૂનો કરશે... ! તમે એક ‘બહુરૂપી ખૂની’ને તો ફાંસીના માંચડે પહોંચાડી દીધો, પરંતુ બીજો ‘બહુરૂપી ખૂની’ જન્મ લઈ ચૂક્યો છે... ! હવે એને પણ પકડીને ફાંસીના માંચડે પહોંચાડો... !'

વાત પૂરી કરીને એ ખડખડાટ હસ્યો.

એનું બુલંદ અટ્ટહાસ્ય કોટડીમાં પડઘા પાડતું ગુંજી ઊઠ્યું.

‘હવે હું એક વાત કહું... ?' દિલીપ ઉશ્કેરાટભર્યા અવાજે બોલ્યો.

'બોલો...’

‘તુ પાગલ થઈ ગયો છે, અજય... !’ દિલીપે એક એક શબ્દ પર ભાર મૂકીને રોષથી તમતમતા અવાજે કહ્યું, ‘તારું ભેજું ખરેખર ચસકી ગયું છે. મને તારી કોઈ વાત પર ભરોસો નથી. હું નર્યું જૂઠાણું ચલાવે છે. હું દાવા સાથે કહું છું કે અજિત મરચંટનું ખૂન પણ તે જ કર્યું છે. હવે હું જઉં છું. ગુડ બાય... !'

આટલું કહી, પીઠ ફેરવીને તે લાંબાં લાંબાં ડગલાં ભરતો ભૂગર્ભમાંથી ઉપરના ભાગે લઈ જતી સીડી તરફ આગળ વધ્યો. 'મિસ્ટર દિલીપ... !' પાછળથી અજયનો બરાડો તેને સંભળાયો,

'મારી વાત ન માની તમે તમારી જિંદગીની સૌથી મોટી ભૂલ કરો છો... ! હજુ પણ માની જાઓ... ! અજિતનું ખૂન મેં નથી કર્યું... ! એનો ખૂની હજુ પણ આઝાદ ફરે છે... !'

દિલીપ એની વાત પ્રત્યે આંખ આડા કાન કરીને પગથિયાં ચડવા લાગ્યો. પાછળ હજુ પણ કોટડીમાં અજય બરાડા પાડતો હતો.

************