અમે બેંક વાળા - 32. ભૂત હૈ યહાં કોઈ SUNIL ANJARIA દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
  • સિક્સર

    મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવત...

  • જીવન ચોર...ભાગ ૧ ( ભૂખ)

    ભાગ ૧  : ભૂખ મહાદેવી શેઠાણી: એ પકડો એને... પકડો.. મારા લાખો...

  • ડેટા સેન્ટર

    ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભ...

  • સંઘર્ષ - પ્રકરણ 12

    સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમામ કથાઓ તેમાં દ...

  • એટૉમિક હૅબિટ્સ

    પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર...

શ્રેણી
શેયર કરો

અમે બેંક વાળા - 32. ભૂત હૈ યહાં કોઈ

32. ભૂત હૈ યહાં કોઈ
એ વખતે હું MICR સેન્ટર નો ઇન્ચાર્જ હતો. અમે આખા અમદાવાદ, ગાંધીનગર, કલોલ જેવાં નજીકનાં શહેરોના તે શાખાઓએ દિવસ દરમ્યાન કલેકટ કરેલ ચેક તેમની બેંકની સર્વિસ બ્રાન્ચ રકમ એન્કોડ કરી મોકલે તે એક ટેકનિકલ પ્રોસેસ રાત્રે પ્રોસેસ કરતા. કઈ બેંકે કોની પાસેથી કેટલા લેવા કે આપવાના એનું સેટલમેન્ટ, દરેક શાખાનું તેમણે આપણા ખાતામાં ઉધારવાના ચેકોનું લીસ્ટ અને માસ્ટર સમરી સાથે ચેકો બેંક, બ્રાન્ચ, તેમાં ખાતાના પ્રકાર, તેમાં પણ ખાતાં નંબર મુજબ સોર્ટ થતા. સ્વાભાવિક છે, બ્રાન્ચ બપોરે ત્રણ આસપાસ સર્વિસ બ્રાન્ચને અને તેઓ અમને, બેંક દીઠ વીસેક હજાર ચેક મોકલે એટલે અમારું કામ રાત્રે રહેતું. ડ્યુટી સાંજે 7 થી શરૂ થાય. ઓફિસર માટે જેવું કામ, 2 થી માંડી સવારે 5 વાગે પણ પૂરું થાય.
તો એવા એક દિવસે આશરે ચારેક લાખ ચેકોની બધી પ્રક્રિયા પૂરી થઈ ત્યાં સવા બે જેવા વાગેલા. અમુક ઓફિસરો જસ્ટ નીકળેલા. હું RBI ને મોકલવાનું કોઈ સ્ટેટમેન્ટ બનાવતો બેઠો હતો.
સિનિયર મેનેજર મિત્ર એસ.કે. શાહ કહે "સાહેબ કેટલી વાર છે?"
મેં કહ્યું "બસ, અર્ધા કલાક જેવું. તમે તમારે નીકળો."
એ કહે " સાહેબ, આ સમયે એક થી બે ભલા. હું બેઠો છું."
એ વખતે અમે, હા, મેં શિવરંજની ચિરીપાલ હાઉસથી નવજીવન પ્રેસના પ્રીમાઇસિસમાં MICR કલિયરિંગ હાઉસ શિફ્ટ કરેલું. સામી બાજુ હવે ડીમોલિશ થનારું સરદાર પટેલ સ્ટેડિયમ અને C.A. ઇન્સ્ટિટ્યૂટ, અમારી બાજુ આ મોટું પ્રીમાઇસિસ, બે ચાર બંગલા અને એક નાળું. વચ્ચેથી મીટરગેજ ટ્રેનનો પાટો અને ઉજ્જડ જમીન. બહાર નીકળો એટલે પ્રિમાઈસિસ માં ઘોર અંધારું અને ગેટની બહાર રસ્તો બિહામણો.
અઢી વાગ્યા આસપાસ હું ઊભો થયો. મને તો આમેય મારી એ વખતે હતી તે મારુતિ લઈ એકલા જવાની ટેવ હતી. તે દિવસે એક્ટિવા હતું. અમે પાર્કિંગના શેડ માંથી એક્ટિવા કાઢયાં. માત્ર અમારી લાઇટોનો શેરડો દૂર સુધી રસ્તા પર પથરાઈ રહ્યો. સાવ નિરવ શાંતિ. માત્ર અમારાં એક્ટિવાનો શાંત ઘુરકાટ.
"સાહેબ, સાથે રહેજો." એસ.કે. એ કહ્યું.
"અરે આગળ પાછળ હોઈએ તો કોઈ ફેર નહીં પડે. ભગાવીએ 40 ઉપર." મેં કહ્યું અને એક્સેલરેટર આપ્યું.
" સાહેબ, આપણે સાથે નીકળ્યા તો સાથે રહીએ. એટલીસ્ટ નારણપુરા ક્રોસિંગ સુધી. સાચું કહું, મને થોડી આંખની પણ તકલીફ શરૂ થઈ છે અને બીક પણ લાગે છે." તેણે કહ્યું.
હું કાઈં બહુ મરદ નું ફાડીયું કહીએ એવો બધે વખતે નથી હોતો પણ મારે માટે આ રોજનું હતું. અઢી ત્રણ વાગે જ. બધું રૂટિન પતે પછી કાઇંક નાનું મોટું જોવાનું ને સવારે પાંચ વાગે એક ઓફિસર ચેકો ડિલિવર કરવા બેસે તેની વ્યવસ્થા પણ જોવાની. રસ્તે મને કોઈ કાર કે સ્કૂટર રોકી ખૂન કરી નાખે એવી શક્યતા ન હતી.
હું તેમની સાથે રહ્યો. થોડા આગળ પાછળ.
થોડે આગળ જતાં સામેથી હવામાં દીવો આવતો દેખાયો. રસ્તેથી નહીં પણ પાટા તરફથી, સ્ટેડિયમ સાઈડ થી. એ તરફ એક સાંકડું નાળું હતું તે પાછળ તરફ હતું. તો એનો ઉપયોગ કરી કોઈ આવે, પણ આમ પાટા ઉપરથી?
એસ.કે. બ્રેક મારી ઊભા રહી ગયા. મને પણ નવાઈ તો લાગી. આ કોઈ ચોકીદારની ટોર્ચ ન હતી. અત્યારે સંક્રાંત પણ ન હતી કે કોઈનું તુક્કલ ઊડતું આવે. ને આવે તો પણ રાતે અઢી વાગે?
દીવો પવનમાં ફરકતો હશે એમ લાગ્યું. મેં ધીમી સ્પીડે આગળ જવા માંડ્યું. જે હોય તે આવે તે પહેલાં આગળ નીકળી જઈએ. એસ. કે. તો ઊભા રહી ગયા.
દીવો એક્ટિવા પર બેઠે પણ અમારા ખભા જેટલી ઊંચાઈએ હતો. પાટા તરફથી આવતાં હવે એણે ઝડપ પકડી.
એસ. કે. ભગવાનનું નામ લેવા લાગ્યા. હું કુતૂહલથી જોઈ તો રહ્યો.
એ દીવો હવામાં જ તરતો રસ્તા તરફ આવ્યો. એ રસ્તે આમેય લાઈટના થાંભલાઓ છે પણ લાઈટ નથી હોતી.
દૂરથી વળી કોઈ ચીબરી કે ઘુવડ નવજીવન પાછળ ઝાડો છે એમાંથી બોલ્યું.
કોઈ ક્લાર્ક લોકોએ અફવા પણ ફેલાવેલી કે નવજીવનનાં વિશાળ એકાંત પાર્કિગમાં ઘણાએ રાતે સફેદ કપડાં વાળી માનવ આકૃતિ ફરતી જોઈ છે. અમારો ચોકીદાર તો અંદરથી શટર બંધ કરી સૂઈ જાય. નવજીવનનો બીજી તરફ હોય. આ તો વળી એકદમ નિર્જન રસ્તો, હાઇકોર્ટ ક્રોસિંગ થી નારણપુરા ક્રોસિંગ સુધી, બે કિલોમીટર જેવો.
દિવસ પણ અંધારિયાંનો. ચંદ્ર પણ આથમી ગયેલો.
મને પણ હ્રદયમાં એક થડકો થયો. આમ તો હું દોઢ વર્ષથી આવા સમયે એમ જ એકલો નીકળતો.
દીવો હજી હવામાં હતો. ચીબરી ના કર્કશ અવાજ સાથે એ તરફથી પણ કોઈ ' હુ.. હુ..' જેવો અસ્પષ્ટ અવાજ આવ્યો.
અમે એ તરફ જોયું.
લે, એ તો વળી ત્યાં અટકી ગયો.
ઓચિંતો રામનામ નો અવાજ આવ્યો. એક બેલ વાગી.
મેં 'કોણ છે?' એમ હિંમત કરી પૂછ્યું.
પેલો અવાજ અંધારામાંથી આવ્યો.
" ભાઇલાઓ, ભલું થાય. આવડી આ ઊંચી માનવ કાયાઓ જોઈ હું થથરી ગયેલો."
એ માનવ કાયા, લારી કાયા સાથે પ્રગટ થઈ. એ કોઈ નાસ્તા કે એવી વસ્તુની લારી હતી!
" ભઈલા, તું અત્યારે ક્યાંથી? અમારે તો બેંકની નોકરી છે."
" હેં! બેંકની નોકરી આવા ટાણે?"
ઘણાને નવાઈ લાગતી કે બેંકની નોકરી રાતે હોય. આ સિરીઝ માં મારું પ્રકરણ ' દારૂડિયો ' વાંચ્યું હશે.
" ગામ આખા ના ચેક પ્રોસેસ કરવાની નોકરી છે. પણ તું?" હવે જીવમાં જીવ આવેલા એસ. કે. એ પૂછ્યું.
" બાપલા, રોટલો રળવા. વહેલી સવારે ઇન્કમટેક્સ સર્કલ એસ. ટી. ની બસો આવવા લાગે એટલે ઘરાકી. પાછો સાંજના આવું છું. લ્યો, ગરમ શીંગ લેશો?"
અમે શ્વાસ ખાધો, સાથે એની ગરમાગરમ, છાણાં પર શેકેલી શીંગ.
એ અમને આશીર્વાદ જેવું કહી ઘણે આગળ શેરી આવે છે એ તરફ ગયો. એના આશીર્વાદનો અર્થ ' આપકા દિન શુભ હો ' નાં ટિપિકલ પ્રોફેશનલ વાક્ય જેવો હતો.
અમારા જીવમાં જીવ આવ્યો. હવે એસ. કે. એ પણ એકસેલરેટર આપ્યું. વહેલું આવે રેલવે ક્રોસિંગ અને છુટા પડતાં અમારું ' ગુડ નાઈટ ' કહી પરસ્પર હાથ ઊંચો કરી પોતપોતાનાં ઘરોની દિશામાં વળવાનું.