ધૂલો તો હરખપદૂડો (DTH) - પ્રકરણ ૪૭
આપણે જોયું કે એમના મિત્ર વર્ગની એક ખાસ મીની શનિવારીય બેઠક વિનીયા વિસ્તારીના ઘરે ગોઠવાઈ છે. જેમાં વિનીયા વિસ્તારી અને સોનકી સણસણાટ એમના ચાંદ મામાના લગ્ન, ઘર તથા બુક સ્ટોર માટે આ ખુફિયા મિશન પર કાર્યરત હતાં. પણ કેતલા કીમિયાગાર તથા પિતલી પલટવારના આ મિશનના રોલ અંગે હજી અનિશ્ચિતતા પ્રવર્તે છે. હવે આગળ...
બૈજુ બાવરીએ એક અલગ મુદ્દો ઊભો કર્યો, "સરસ. ખૂબ આનંદની વાત છે પણ આ ચાંદ મામાના થાળે પાડવાની સમગ્ર ઘટનાક્રમમાં કેતનભાઈ અને પિતલી પલટવાર ક્યાં આવ્યાં?" આ સાથે સૌની ભૃકુટિઓ તણાઈ ગઈ.
બધાં ચોંકી ઊઠ્યાં, 'આ તો ધ્યાન બહાર રહી ગયું.'
વિનીયા વિસ્તારીએ વિવેકપૂર્વક જણાવ્યુ, "મારા ચાંદ મામાના લગ્ન કેતલા કીમિયાગાર અને પિતલી પલટવારે જ કરાવી આપ્યા છે."
સધકી સંધિવાત ખૂબ ભાવુક થઈ ગઈ, "પિતલી પલટવાર એન્ડ કેતનભાઈ? કોની સાથે?"
સોનકીએ સણસણાટ કર્યો, "એમના તારામાસી સાથે."
સધકી સંધિવાત રડવા બેઠી, "મારા અમિતભાઈ..."
કેતલા કીમિયાગારએ કસબ દાખવ્યો, "તારા અમિતભાઈનું પણ ગોઠવાઈ જશે. આ મયુરીઓ કળાકાર અને બૈજુ બાવરીએ બીડું ઝડપ્યુ છે ને!" એણે સુંદર સ્મિત સાથે ટોણો માર્યો.
સધકી સંધિવાત સદમામાં સરી ગઈ, 'પણ મારા અમિતભાઈનું કેમ ના થયું!'
પિતલીએ પલટવાર કર્યો, "કારણ કે આ ચાંદ તારાની જોડી, ઉપરથી જ નસીબ લખાવીને આવી છે." અને બધાં ખડખડાટ હસી પડ્યાં, 'ચાંદ તારા.' જોકે આ સહિયારા હાસ્યમાં સધકી સંધિવાત ખોટા હાસ્ય સાથે જોડાઈ ખરી પણ એનું મન ખિન્ન થઈ ગયું હતું. હાજર સૌએ આ વાતની નોંધ લીધી પણ સૌ કોઈએ આ વિષય પર વાત કરવાનું ટાળ્યું. એ વાત સધકી સંધિવાતને વધારે ખટકી. એ ચુપચાપ બેસી રહી. છેવટે પિતલી પલટવારે ચૂપકી તોડી, "સધકી, તું ચિંતા નહીં કર. તારા અમિતભાઈને કંપનીનું કામ પતાવીને પાછા આવી જવા દે. એમના માટે સરસ છોકરી શોધી રાખીશ. તું મૂડ ખરાબ નહીં કર. ઓકે?"
જોકે સધકી સંધિવાત રડવા લાગી, "તારી મહેનત બાબત કોઈ શક નથી. પણ મારા અમિતભાઈના કરમ ભારે છે. જોને, રેખાબેન અમેરિકન બીજવર, બે જુવાન સંતાનોના બાપ પર મોહી પડી. તારાબેન પોતાના ખર્ચે વિદેશથી ખાલી હાથે ભારત પાછા આવેલા ચાંદ મામાને દુકાન આપી, ધંધો સુધ્ધાં સેટ કરી આપ્યો, ઘર પણ આપશે અને સંસાર પણ વસાવી આપશે. અને ઓલી સુષમા, રેખાબેનની જેમ, અમિતભાઈ વાળી નીકળી તો હેમા પરણિત નીકળી. માત્ર મારા અમિતભાઈના નસીબ, 'તારક મહેતા કા ઊલટા ચશ્મા' ના પત્રકાર પોપટલાલ જેવા છે. આમાં મારા અમિતભાઈ..." એણે પોક મૂકી.
ભાવલો ભૂસકાએ ભાવનાત્મક વાતાવરણ જોઈ સધકી સંધિવાતને ખખડાવી નાખી, "બસ કર તારૂ આ અમિતભાઈ પુરાણ.". જોકે આ વખતે કોઈ વચ્ચે પડ્યું નહીં. એટલે એ બાથરૂમ તરફ દોડી ગઈ. બે મિનિટ બાદ એ એકદમ એ સંપૂર્ણ રીતે સ્વસ્થ થઈને આવી, અને બધાં વચ્ચે વ્યવસ્થિત રીતે ગોઠવાઈ ગઈ.
હિરકી હણહણાટએ એને તાળી પાડી વધાવી લીધી તો સૌ એની સાથે જોડાયા અને વાતાવરણ ફરી એક વાર હળવું થઈ ગયું એ સાથે સાથે એમના સૌના મન પણ હલકાં થઈ ગયાં.
*
છેવટે એ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠક, જે મૂકલા મુસળધાર તથા હિરકી હણહણાટના ઘરે નિર્ધારીત હતી એ મુદ્દા પર ચર્ચાસત્રનો આરંભ થયો. એ તો જાણે આનંદની વાત હતી પણ એક વાત એવી હતી, જે કહેવાય પણ નહીં અને સહેવાય પણ નહીં, એમ સૌને ખટકતી હતી. આ વિચિત્ર કહી શકાય એવી એ બાબત હતી એ મિત્ર વર્તુળની માસિક શનિવારીય બેઠકનું મેનુ.
હીરકી હણહણાટએ એના ઘરે ગોઠવાઈ રહેલી એ શનિવારીય બેઠક માટે મેનુ આ પ્રમાણે ફાઇનલ કર્યુ હતું - ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, બટર મિલ્ક (છાશ) એન્ડ રાઉન્ડ મીસીઝ પાપડ (ગોળ પાપડી) એઝ ડેઝર્ટ.
મૂકલા મુસળધાર સહિત અન્ય સૌને પણ ખૂબ નવાઈ લાગી કે આવુ તે કોઈ મેનુ હોય! એ પણ પાર્ટી માટે! અને એ પણ છ મહિને એક વખત વારો આવે ત્યારે કોઈ ખીચડી, કઢી ને ગુવારનું શાક જમાડે! પણ મૂકલા મુસળધાર તથા હિરકી હણહણાટનું સ્થાન આ મિત્ર વર્તુળ ગ્રુપમાં આદરણીય હતું. બધા આ કપલને બા, બાપુજી કહેતાં એટલે બા જે જમાડે તે ઠીક એ હિસાબે કોઈએ પણ કોઈ પણ જાતનો વિરોધ વ્યક્ત કર્યો નહીં. ફક્ત મૂકલા મુસળધારએ એક નિષ્ફળ પ્રયાસ કરી જોયો હતો. એ પ્રયત્નનો અંજામ પણ કરૂણ આવ્યો હતો. હિરકી હણહણાટએ એની પણ બોલતી બંધ કરી દીધી હતી.
એ દિવસે એમના ઘરે બધાં એક પછી એક, એમ આવવા લાગ્યાં. હિરકી હણહણાટએ બધાંનું શુધ્ધ પાણી અને શિસ્ત વાણીથી સ્વાગત કર્યુ. પણ ભોજનની કોઈ વિશિષ્ટ તૈયારીઓ જણાઈ નહીં. જોકે કોઈ આ બાબતે કોઈ વધુ ઉત્સુક પણ જણાયાં નહીં. છેવટે મૂકલા મુસળધારથી રહેવાયુ નહીં. એણે પૂછી લીધુ, "એ હીના, આ જમવાની જાહેરાત તો સંભળાઈ પણ તૈયારી જણાતી નથી."
હીરકીએ હણહણાટ કર્યો, "તમને વળી આ ચિંતા ક્યારેય કરવી પડી છે? છતાં તમે પૂછપરછ આદરી જ છે તો જણાવી દઈએ કે બધી તૈયારીઓ પૂર્ણ થઈ ગઈ છે."
મૂકલા મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો, "એટલે બધાંને આજે આ રસોઈ, એ પણ ટાઢી જમવાની છે?"
હિરકી હણહણાટએ હસતાં હસતાં હાલ જણાવ્યો, "તમને બૈરાઓની જેમ ભારે પંચાત! જમવાનું હમણાં બની રહ્યું હશે અને સમયસર ગરમાગરમ હાજર પણ થઈ જશે. એવી સ્વાદિષ્ટ અને અફલાતૂન રસોઈ પેશ થશે કે બધાં આંગળીઓ ચાટતા રહી જશે. સમજ્યા?"
બધાં મનમાં સમસમી ગયાં, 'ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, બટર મિલ્ક અને છોગામાં રાઉન્ડ મીસીઝ પાપડ (ગોળ પાપડી) એઝ ડેઝર્ટ. એ પણ પાછા સ્વાદિષ્ટ અને અફલાતૂન! બોલો! આ બાનું ચોક્કસ ખસી ગયું છે.'
મૂકલા મુસળધારએ પણ હવે હથિયાર હેઠા મૂકી દીધા, "ભલે, ભલે."
હિરકી હણહણાટએ હિંમતવાન હાકલ કરી, "તમે કોઈ ચિંતા કરતાં નહીં. એક બા ત્રણ દિવસ પહેલાં જ દેશમાંથી અહીં આવ્યાં છે. એમની ગજબની હથોટી છે આ દેશી મેનુ બનાવવામાં. તેઓ દેશમાં રોજરોજ આ સ્વાદિષ્ટ અને અફલાતૂન ભોજન પંદરેક લોકો માટે, આમ ચપટી વગાડતાં બનાવી દેવાનો મહાવરો ધરાવે છે. હાથે ધડાયેલ દેશી બાજરાના રોટલા તો અહીં ચાખવા મળવા એ પણ ભાગ્યની વાત છે. વળી એ દેશમાંથી જ ત્યાંનુ દેશી ધી સાથે લઈ આવ્યાં છે. એટલે દેશી ધી, દેશી બનાવટ અને દેશી સ્વાદનો આ ત્રિવેણી સંગમ સૌના મન નિશ્ચિત જ જીતી લેશે. તમે બધાં ફક્ત વાટ જુઓ. ઠીક છે?"
બૈજુ બાવરી, ઈશા હરણીના કાનમાં ગણગણી, "હું તો ઘરેથી જમીને જ આવી છું. ઉપરથી મયૂર મારા માટે અણમોલ લસ્સી ટેટ્રા પેક સાથે લઈ આવ્યો છે, એ લસ્સી રાત્રે કીચનમાં પાણી પીવાના બહાને જઈને ચૂપચાપ પી લઈશ. તમે બધાં ખાજો, ગુવારનું શાક, બાજરાનો રોટલો, કઢી, ખીચડી, છાસ અને ગોળ પાપડી. એ પણ અસલી દેશી ઘી સાથે."
જોકે બૈજુ બાવરીને છોડીને બાકી બધાં હિરકી હણહણાટનું માન સન્માન જાળવીને જે જમવાનું હશે એ હોંશે હોંશે જમવા માનસિક રીતે તૈયાર હતાં. માત્ર મૂકલા મુસળધારનું મન માનતુ નહોતુ. એણે થોડા ખચકાટ સાથે પૂછી લીધુ, "હીના, આ ત્રણ દિવસ પહેલાં જ દેશમાંથી અહીં આવેલા બા કોણ છે? તું કેવી રીતે ઓળખે છે એમને?"
હીરકીએ હણહણાટ કર્યો, "હું એમને નથી ઓળખતી પણ એમના દિકરાને ઓળખું છું."
મૂકલો મુસળધાર મૂંઝવણમાં મૂકાઈ ગયો, "એમ? આ બા, કોના બા છે?"
હિરકી હણહણાટ હરખાઈ ગઈ, "અરે, આપણાં મહેશભાઈનાં બા છે."
મૂકલો મુસળધાર મોળો પડી ગયો, "કોણ મહેશભાઈ?"
હિરકી હણહણાટએ બોમ્બ બ્લાસ્ટ કર્યો, "આપણી સોસાયટીમાં કચરો વાળવા આવે છે, એ મહેશભાઈ."
શું થશે આ મિત્ર વર્ગ માસિક શનિવારીય બેઠકના ભોજનનું? શું સધકી સંધિવાતના માસીયાઈ ભાઈ, અમિતભાઈનું ઠેકાણે આ ગ્રુપમાંથી કોઈ પાડી શકશે? આગળ શું થશે? આપના દરેક પ્રશ્નનો મજેદાર જવાબ મળશે ફક્ત જોડે રહેજો. અને હા, 'ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪૮' તથા આગળના દરેક પ્રકરણ વાંચવાનું ચૂકશો નહીં. આભાર (ક્રમશ...).
લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).