ધૂલો તો હરખપદૂડો (DTH) - 4 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 4

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૪

આપણે જોયું કે ઘૂલો ને ઈશા મહાબળેશ્વર ફરી આવ્યાં એની જાણ સૌને કરવા DTH વિવિધ પેંતરા અજમાવે છે. પણ ધૂલાનો પાકો મિત્ર મૂકલો મુસળધાર એના મનમાં એમ ઠસાવે છે કે તેઓ ડબલ ખર્ચ કરીને આવ્યાં હતાં. પછી બંને વચ્ચે ઇન્ડિયા ને ઇંગ્લેન્ડની ટેસ્ટ મેચની જેમ 'કોણ સાચું' નામની ટેસ્ટ મેચ ચાલુ થઈ. આ વાતનો સાથે મળી નિવેડો લાવવા ધૂલો, મૂકલા મુસળધાર અને એની પત્ની હિરકી હણહણાટને પોતાના ઘરે જમવા આમંત્રણ આપે છે. હવે આગળ...

આમ એક પાર્ટી ગોઠવાઈ ગઈ. એવું નક્કી થયું કે મૂકલો મુસળધાર ને હિરકી હણહણાટએ બીજા દિવસે સાંજે ધૂલા ને ઈશાના ઘરે જમવા જવાનું.

હવે ઈશાનું ટેન્શન ચાલુ.

આ ટેન્શનમાં નવું કંઈ નથી, પણ સદીઓ પુરાણી જર્જરિત સમસ્યા, શું બનાવું જમવામાં?

ચર્ચાઓ ચાલુ થઈ એમાં ધૂલો હલવાણો.
એના સજેશન પ્રમાણે બાજરીના રોટલાથી માંડીને ચીઝ પીઝા સુધીની બધી જ વાનગીઓ ચર્ચાઈ ગઈ પણ ફાઇનલ કંઈ થયું નહિ.

હવે? બોલો હવે? ભાથાના ઉપલબ્ધ તીર ખતમ થવા આવ્યા, પણ નિર્ણય હજી હાથતાળી આપી રહ્યો હતો. શું કરશુ હવે? ફરી એક વાર ધૂલો હલવાણો.

એ પોતાના ગુરુને યાદ કરવા લાગ્યો. અને ગુરુએ હંમેશાની માફક પરોક્ષ રીતે માર્ગ પણ બતાવી દીધો. એના ગુરુજી હંમેશા કહેતા, "કોઈ સંજોગમાં મગજ ના ચાલે તો સામે વાળા પર છોડી દેવું." ફરી એક વાર ચમત્કાર થઇ ગયો. ધુલાની બેટરી ચાર્જ થઇ ગઈ, યસ.

એ બોલ્યો, "હું શું કહું છું ડાર્લિંગ, આપણે ફોન કરીને એમને જ પૂછી લઈએ તો?'

ઈશાનું મોઢું ફુલાઈ ગયું, "ઇડિયટ, તને એટલી ખબર નથી પડતી કે મને લિમિટેડ આઈટમ જ બનાવતા આવડે છે? જો એમણે કોઈ એવી આઈટમ કહી દીધી જે મને બનાવતા ના આવડતી હોય તો? તમારો જીગરી દોસ્ત છે. તમને ખબર હોવી જોઈએને કે એમને શું ભાવે છે!"

ધૂલો બોલી પડ્યો, "એને તો પાઉંભાજી બહુ ભાવે."

ઈશા બગડી, "તો પહેલાં કહેવાય નહિ! મારો કેટલો ટાઈમ બગડ્યો! ચાલો ઉઠો હવે મારે તૈયારીઓ કરવાની બાકી છે."

ધૂલો અઢવઢમાં મૂકાઈ ગયો, "પણ ડાર્લિંગ, એ લોકો તો કાલે સાંજે આવવાના છે."

ઈશાએ છણકો કર્યો, "ખબર છે. તમે આ ચંચુપાત રહેવા દો ને મને મારા કામ કરવા દો. તમારી જેમ બેઠા બેઠા ગપ્પા નથી હાંકવાના, સમજ્યા?"

ધૂલાને જયારે સફેદ ઝંડો (શાંતિ) બતાવવો હોય ત્યારે એ જવાબ આપવાના બદલે ફકત મુંડી હલાવીને મોબાઈલમાં ખોવાઈ જાય.

એને જોઈને ઈશાએ પોતાનો મોબાઈલ હાથમાં લીધો, "જો તો કેટલા બધા મેસેજ આવી ગયા વૉટ્સએપમાં!"

અને બંને પોતપોતાના મોબાઇલ વિશ્વમાં ખોવાઈ ગયાં એટલે વાત પર તાત્કાલિક રીતે પડદો પડી ગયો.

*

જોકે મોબાઈલ પર ઈશા હરણી ને હિરકી હણહણાટ બંને એ વખતે ઓનલાઇન હતા. હવે એક નવી ચર્ચા શરૂ થઈ આવતીકાલે શું પહેરવાનું?

હિરકી હણહણાટ હણહણી, "હમણાં હમણાં વરસાદ પણ એવો જામી ગયો છે કે ટ્રેન્ડી પંજાબી ડ્રેસ જ ફાવે. પણ એ કેટલા મોંઘા આવે છે, બિચારા નાના માણસોથી ક્યાં બહાર નીકળાય આવા વરસાદમાં! બિચારા પંખીઓ દાણાં ચણવા પણ આવતા નથી આવા વરસાદમાં." હિરકી હણહણાટની ગાડી સાવ અચાનક અકારણ અવળે પાટે દોડી જાય.

ઈશા હરણી એની અવડે પાટે ચડેલી ગાડીને પાછી પાટા પર લઇ આવે, "હા ભાભી, આજકાલ સાદા ડ્રેસ તો સુકાતા પણ નથી જલ્દીથી, ટ્રેન્ડી તો ટ્રેન્ડી વાપરી લેવા પણ વરસાદ તો આવવો જ જોઈએ. પેલું ગયા મહિને સેલમાંથી લીધેલું સિફોનનું નવું પર્પલ ટોપ ને પીકોક બ્લુ પ્લાઝાનો સેટ બરાબર રહેશે, કાલ માટે?"

જવાબ, "આમ તો ચાલે પણ હમણાં હમણાં બે વાર પહેરી લીધું છે. એટલે..."
આમ એક કલાકની માઇન્ડ બ્લોઇંગ ચર્ચાઓ
પછી છેવટે નક્કી થયું કે શું પહેરવું છે! જોકે
હજી મૂળ સવાલ તો એમ જ ઉભો હતો, આવતીકાલે બનાવવું શું?

નવેસરથી સોશિયલ મીડિયા મેજી પરિષદ શરૂ થઈ, આમ તો કંઈ પણ ચાલે પણ આ મોસમમાં તો ભજીયા જ જામે. વગેરે.

છેવટે હા ના કરતાં, દાળ ભાત, ભજીયા, ખમણ અને લીલી ચટણી સાથે સલાડ પાપડ અને ડેઝર્ટ માં કુલ્ફી, આ પ્રમાણે મેનુ ફાઇનલી નક્કી થયું. હવે ઈશાને ટાઢક થઈ.

*

બીજા દિવસે સાંજે મૂકલો મુસળધાર અને હિરકી હણહણાટ આવ્યાં. ઉમળકાભેર સ્વાગત બાદ બંને સહેલી કિચનમાં ને બંને મિત્રો હોલમાં ગામ ગપાટામાં ખોવાઈ ગયાં.

છેવટે અસલી મુદ્દો હતો એ બહાર આવ્યો કે મહાબળેશ્વર ટ્રીપ માટે સસ્તુંને મસ્ત, ટૂંકમાં પૈસા વસૂલ, પેકેજ કયું?

મૂકેલો શરૂ થયો, "મહાબળેશ્વરમાં પોતાની રીતે એકલા જવાય જ નહિ. પેકેજ ટુરમાં જ જવાય. બુકિંગ, રહેવાની, ખાવા પીવાની કોઈ ઝંઝટ આપણા માથે નહિ લેવાની. ઘરેથી પીક અપ કરેને પાછા ઘરે ડ્રોપ કરે એવું પેકેજ મળે જ છે."

ધૂલા અસહમત થયો, "ના હવે, એમાં આપણી પ્રાઇવેસી શું રહે? આ તારા પૈસા પૈસાના ચક્કરમાં પચાસ માણસો સાથે ફરવા જવાય? આપણે તો બધું સ્પેશ્યલ અને પ્રાઈવેટ જોઈએ."

મૂકલો ગિન્નાયો, "બોલ ધૂલા, કેટલા પોઈન્ટ ફર્યો બે દિવસમાં?"

ધુલો હલવાણો, "એ તો વરસાદને લીધે બહાર નીકળાય એવું હતું જ નહિ. એટલે..." એણે વાક્ય પૂર્ણ કર્યુ નહિ.

મૂકલો મરક્યો, "અચ્છા બેટા, હવે ખબર પડી આ પ્રાઇવેસી અને વરસાદનું ચક્કર શું છે!" મૂકલો મૂછમાં હસવા લાગ્યો.

ધૂલો ખચકાયો, "ના ભાઈ ના, આ તો જરા એમ કે બે દિવસ જરા માઈન્ડ ચેન્જ થઇ જાય. બાકી..."

મૂકલો હવે ખીલી ઊઠ્યો, "એટલે અહીંયા બોર થાય છે ને! વાહ વાહ ધૂલા, તારે તો જલસા છે."

મૂકલો હવે એના મિત્રની હળવી મજાકના મૂડમાં આવી ગયો. આમ હુંસાતુસીનો અંત ચોક્કસ નજીક હતો ત્યારે જ ઈશા ને હિરકી ત્યાં આવી ગયા, "ચાલો, જમવાનું તૈયાર છે."

મૂકલો મોકો મૂકવા તૈયાર નહોતો, "ઈશા, આ મહાબળેશ્વરમાં ક્યાં ક્યાં ફરવા ગયા હતાં, તમે લોકો?"

ઈશા અચકાઈ, "કેમ તમારા દોસ્તારે કહ્યું નહિ?" પણ પછી તરત શરૂ થઈ ગઈ, "શુક્રવારે નાઈટ જર્ની કરીને પહોંચ્યા શનિવારે સવારે. અને શનિવારે સાઈટ સીઈંગ માટે આમણે એક ખટારા ગાડી બુક કરી હતી, તે હોટેલ સુધી આવીને પંચર થઈ ગઈ. એટલે એ રીપેર થવાની રાહ જોઈ જોઈને હોટેલમાં જ બેઠા રહ્યાં. પાછો બહાર જોરદાર વરસાદ એટલે હોટેલની લોન પણ આખી ચિખલ ચિખલ હતી. બોલો મૂકેશભાઈ, આવામાં ક્યાં જાય માણસ? શનિવાર એ ખટારા ગાડીએ બગાડ્યો અને રવિવારે તો સવારે દસ વાગ્યે નાસ્તો કરી, રૂમ ખાલી કરી દેવાની હતી. પછી સામાન એમના સ્ટોરેજ રૂમમાં રાખી બપોરે જમીને પાછાં આવવાનું હતું. આમને સોમવારે ઓફિસ ખરીને! એટલે અમે 'હીરો ઘોઘે જઈ આવ્યો ને ડેલીએ હાથ દઈ આવ્યો' જેવું કર્યું."

ધૂલો ફરી એક વખત હલવાણો. મૂકલો એની વધારે ફીરકી લે એ પહેલાં જ ધૂલાએ આંખ મારીને મૂકલાને ઈશારો કરી દીધો એટલે વાત ફરી એકવાર ઉચ્ચારાય એવા ધોરણે ધરબાઈ ગઈ.

જોકે મૂકલો જમતાં જમતાં પણ ધૂલા સામે જોઈ ને ખંધુ, વધુને વધુ ખંધુ, મૂછમાં મરકતો જતો હતો.

જોકે ભોજન દરમ્યાન એ ચારે જણાં નવી નવી વાતોએ વળગ્યાં. સાથે એટલું તો સાબિત થઈ ગયુ કે ધૂલો ગજબનો કલાકાર હતો. એણે પોતાના મોઢાં પર ભોંઠપની એક રેખા પણ આવવા ના દીધી.

વચ્ચે વચ્ચે ઈશા ભોળા ભાવે મહાબળેશ્વરની વાતો પણ કરતી ગઈ, "અમારી હોટેલમાં પણ ટાઈમ પાસ માટે કોઈ સુવિધા નહોતી. એમનો સ્વિમિંગ પુલ બંધ હતો ને જીમખાનામાં એક તૂટેલું કેરમ અને એક ત્રણ પગ વાળું લંગડુ ટેબલ ટેનિસનું ખખડી ગયેલુ ખોખું, ગાર્ડનમાં, લોન પર, બધે કીચડ જ કીચડ. આખો ટાઈમ રૂમમાં બેસીને ખાલી ટીવી જોયું, બોલો?"

હવે ધુલો રાહ જોતો હતો કે ક્યારે જમવાનું પતે! જોકે ઈશાએ બધા વટાણા તો વેરી દીધાં હતાં.

જમ્યા બાદ જેવા બંને મિત્રો ફરી એકલા પડ્યા કે ધૂલાએ સૂચનાત્મક હસીને મૂકલા સામે જોયું. મૂકલો તો ફીરકી લેવા તૈયાર જ હતો, "ભાઈ, તેં તો જબરજસ્ત પ્રાઇવેસીથી ટીવી જોયું!"

સામે ધૂલો પાછો પડે તેમ નહોતો. એણે સામે મરક મરક થઇને ખોટું ખોટું શરમાતા જવાબ આપ્યો, "એ ગાડીવાળો માનવા તૈયાર જ નહોતો. પૂરેપૂરી ટ્રીપના પૈસા લીધા પછી 'આ ટાયર પંક્ચર છે' એવું ખોટું બોલવા માટે માન્યો. સમજ પડી કે નહિ?" આવુ કહીને ધૂલાએ એક આંખ સંકેતાત્મક રીતે મીચીને ખોટી ખોટી તાળી પણ માંગી. ત્યારે મૂકલાએ સામે સાચી સાચી તાળી આપી.

હવે મૂકલો ડઘાઈ ગયો, 'આ તો સાચે જ પહોંચેલી માયા છે, હો ભઈ...'

ધૂલો મનમાં ને મનમાં ગુરુદેવનો આભાર માનીને (ઘણીવાર ધૂલો પોતે જ રસ્તો કાઢી લે છતાં દિલદાર ચેલાની જેમ પૂરી ક્રેડિટ ગુરુદેવને જ આપતો) મૂકલાની પીઠ થપથપાવીને બોલ્યો, "તું સસ્તા સસ્તાની પત્તર ખાંડે છે પણ બધે ફક્ત પૈસા ના જોવાય, સમજ્યો? મહાબળેશ્વરના વરસાદ સામે પૈસાની કોઈ કિંમત નથી આપણી માટે, શું સમજ્યો?"

મૂકલો તો માની ગયો ધૂલાને, 'સાલું, મજા તો આ જ કરી જાણે.' એની આંખોમાં પ્રગટતા અહોભાવ સામે હવે લુચ્ચું મરક મરક હસવાનો વારો ધૂલાનો હતો, 'સાલો બીજી વાર પૈસા પૈસા નહિ કરે, આપણી સામે.'

હવે અચાનક બધા સમીકરણ બદલાઈ ગયા હતાં. શીખવાડવા આવેલો મૂકલો શીખીને જઈ રહ્યો હતો ને મનમાં ભાવ તો એવા હતા કે આ સાલો છે તો શાતિર ખોપડી. આમ ધૂલાએ બાજીગર બની હારેલી બાજીને જીતમાં પરાવર્તિત કરવામાં સંપૂર્ણ સફળતા મેળવી લીધી.

આમ એ રાત્રે ચારે જણાં અલક મલકની વાતો કરીને છુટા પડ્યાં. આ સાથે એ દિવસની મેચમાં ધૂલો ઝળહળતા વિજય સાથે મલકાતો રહ્યો. એ વિચારતો હતો, 'આ મૂકલો આમ ભલે મુસળધાર હોય પણ આમ છે ભોળો, સારું થયું આજે કેતલો કીમિયાગાર નહોતો, નહિ તો મારી આબરૂના ધજાગરા કાઢી નાખત.' આ વાતને મમળાવતો ધૂલો પાછો મોબાઈલ પર ચેટિંગમાં લાગી ગયો ને ઈશા ક્લિનીંગમાં બીઝી થઇ ગઈ.

આ કેતલો કીમિયાગાર એ ધૂલા અને મૂકલાનો એક ખાસ મિત્ર. એને એમનો જ એક સોશિયલ મીડિયાના માધ્યમથી જડેલો મિત્ર, વિનીયો વિસ્તારી ભટકાઈ ગયો. અને એ બંને મિત્રો ત્યાં જામી પડ્યા સામ સામે.

જોકે આજની સફળતા બાદ હવે ધૂલાનું મહાબળેશ્વર પૂરાણ ફરી આગળ સલામત રીતે વધી શકે એવી શક્યતાઓ પણ વધી ગઈ.

અને આ જે મજા છે એ જ તો ખાસિયત છે ધૂલાની. એટલે જ બધા એને આ ખાસ નામથી ઓળખે છે, 'ધૂલો તો હરખપદૂડો (DTH).'

આ કેતલો કીમિયાગાર અને વિનીયો વિસ્તારી કોણ છે? મૂસળધારને આબાદ ફસાવીને ધૂલો પકડાશે કે છટકી જશે? આપના દરેક પ્રશ્નનો જવાબ આ હળવી નવલકથામાં મળશે. તો વાચકમિત્રો, જોડે રહેજો. આભાર (ક્રમશ).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).