ધૂલો તો હરખપદૂડો (DTH) - 5 ગિરીશ ભવાનજી મેઘાણી દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ધૂલો તો હરખપદૂડો (DTH) - 5

ધૂલો તો હરખપદૂડો (DTH) : પ્રકરણ ૫

આપણે જોયું કે બાજીગર ધૂલાએ ભોળા મૂકલા મુસળધાર સામે હારેલી બાજી કઈ રીતે જીતી લીધી. એમનો એક ખાસ મિત્ર કેતલો કીમિયાગાર, જો એ ત્યાં હાજર હોત તો આટલી સહેલાઈથી વાતને છટકવા દેત નહિ. એમનો એક સોશિયલ મીડિયાથી સંપર્કમાં આવેલો મિત્ર વિનીયો વિસ્તારી હતો જેની સાથે ચર્ચામાં મગ્ન કેતલાનો ખતરો હજી ટળ્યો નહોતો. હવે આગળ...

આપણાં DTH હરખપદૂડા ધૂલાને એકવાર ઓન લાઈન ચેટિંગ કરવામાં સામે એક નવો મિત્ર મળી ગયો હતો. એમના મિત્ર વર્તુળમાં એનું નામ વિનીયો વિસ્તારી. ધૂલાએ હવે મહાબળેશ્વર પુરાણના નવા ઘરાક તરીકે પોતાની પસંદગી આ વિનીયા પર ઊતારી.

એણે સમય બગાડ્યા વગર વિનીયાને તરત જ ફોન લગાડ્યો. પરિણામ સ્વરૂપે આ બંને મિત્રો જામી પડ્યા અને ઘૂલાનું મહાબળેશ્વર પુરાણ આગળ વધ્યું. એણે આ વખતે નક્કી કર્યુ, 'વાત કરવામાં પણ હવે લિમિટ રાખવી પડશે. ક્યાંક મૂકલો જો આની સાથે આ મુદ્દે વાત કરે તો ફરી પાછા નવા નવા ખુલાસા કરવા પડે. એટલે 'નરોવા કુંજરોવા' વાળી જ ઠીક રહેશે.'

આ વિનીયો વીસ્તારી, એટલે સોશ્યિલ મીડિયાનો જીવંત અવતાર. આ ઉપરાંત મહાજ્ઞાની ખરો પણ સમગ્ર જ્ઞાન સોશ્યિલ મીડિયાનું (અને એટલું જ). ફક્ત પોતે જ સાચો એ, એનો કાયમી મત. વ્યવહારમાં બોલે ભાષા અલંકારીક અને એ પણ સોશ્યિલ મીડિયાથી પ્રભાવિત. આનો એક લાભ, એક સદુપયોગ, એ પણ ખરો કે સોશ્યિલ મીડિયાને લીધે એના જ્ઞાન અને વીચારો લેટેસ્ટ ખરા. હા, બધાની બોલતી બંધ કરવામાં આ વિનીયો ૧૦૦% સક્ષમ.

જોકે ડોક્ટરો એના મોટા દુશમન (કે એ પોતે ડોક્ટરોનો મોટો દુશમન, એ વાંચકો જ સમજે). જ્યાં કોઈ જરા બીમાર હોય, પછી બીમારી નાની હોય કે મોટી, એનો ઈલાજ વિનીયા પાસે અચૂક હોય જ. ક્યાંક ક્યાંક દૂર દૂર વાપી પાસે કે જયપુર પાસે કે રાજકોટ પાસે કે જામનગર પાસે કે ભુજ પાસે તથા દૂર દૂરના નાના નાના ગામડાઓમાં દરેક બીમારીનો જાદુઈ ઈલાજ કરવા વાળાઓની પાક્કી(?) ખબર વિનિયા પાસે હોય જ.

એપેન્ડિક્સથી માંડીને બાયપાસ સુધીની બધી તકલીફ, વગર ઓપરેશને, જડમુળથી દૂર કરવાની પાક્કી ખબર વિનીયા પાસે હોય.
પથરીથી માંડીને મોતિયા અને ડાયાબિટીઝ વગેરે બધું ૪/૫ વિઝિટમાં જ જડમૂળથી ક્લીઅર એવો ભરોસો પણ ખરો.

હકીકતમાં આમાં સામે વાળાના ગાભા નીકળી જાય. એની સલાહને અનુસરનાર બિચારો ૨/૩ વિઝિટમાં જ થાકી જાય અને ઉપરથી વિનીયાનો ઠપકો ખાય, "વડીલ કુછ પાને કે લિયે કુછ ખોના પડતા હૈ, અગર આપને અપના ઈલાજ પૂરી શિદ્દતસે કરવાયા હોતા તો પૂરી કાયનાતકા હર જર્રા આપકો ઠીક કરને કી સાજિસમેં લગ જતા. પર એક પડીકી ફાંકીકી કિમત તુમ ક્યા જાનો, રણછોડ બાબુ?"

આમાં તો રણછોડ બાબુ હલવાઈ જાય, 'ના ના ભૂલ તો મારી જ છે. બાકી વિનયભાઈ (રણછોડ બાબુ માટે હો કે, આપણા માટે તો વિનીયો જ) હવે ફરી પાછું એક આંટો મારી આવું?'

વિનયભાઈ થોડા ઢીલા પડે પણ સાથે સાથે એને ખખડાવી નાખે, "એમ કંઈ થોડી થાય કે આપણી મરજી પડે એટલે ના જવું ને મરજી પડે ત્યારે જવું! આમાં તો વિશ્વાસ મેઈન છે બોસ, પણ હું એમની જોડે વાત કરીને તમને કહું છું. પણ હવે નિયમિત જવાનું અને પરેજી વગેરે બરાબર પાળવાની, ઠીક છે?"

અને રણછોડ બાબુ લટુડા પટુડા થઈને ઓવારી જાય આપણા વિનયભાઈ પર.
પાછું એના જ્ઞાનની કોઈ સીમા નહિ. વકીલને મળે તો એને કાયદાકીય સલાહો ઝીંકી દે. પ્રોફેસર મળે તો ભણાવી દે અને જે આવ્યો એનો સપાટો (સાવ સપાટો નહિ પણ ભુક્કા બોલાવી દે આપણો વિનીયો વીસ્તારી) એના જ્ઞાનને કોઈ સીમાડા જ નહિ એટલે આ જ્ઞાનનો વિસ્તાર ભ્રમાંડથી પણ વ્યાપક, એટલે એનું નામ વિનીયો વીસ્તારી.

હવે આ વિનીયો આપણા ધૂલા સાથે ફોન પર ચેટિંગ કરે છે. ધૂલો એને મહાબળેશ્વર તરફ ખેંચવા માટે વરસાદની વાત કાઢે તો વિનીયો એને આસામ ને કેરળમાં લઈ જાય.

ધૂલાએ શરૂઆત કરી, "આ વરસાદ આમ તો સારો પણ અહીંયા ઘરમાં થોડી વરસાદની મજા માણી શકાય! એને માટે તો કોઈ હિલ સ્ટેશન ફરવા જવુ પડે."

વિનીયો વિસ્તરે, "વરસાદ તો બોસ, કેરળનો, વરસમાં આઠ મહિના વરસાદ સતત જ ચાલુ હોય. અને હમણાં તો પૂરની સ્થિતિ છે ત્યાં, બોસ. આપણે તો પહેલાં જ કીધું હતું કે બોસ કે કેરળમાં વરસાદ આ વર્ષે જોરદાર પડવાનો અને તમે જોયુ બિલકુલ એમ જ થયું. બાકી ત્યાંની હાલત આપણે વિચારીએ એનાથી પણ ખરાબ છે, બોસ."

ધૂલો ફરી વાત મહાબળેશ્વર તરફ ખેંચે, "આમ જુઓ તો હિલ સ્ટેશન પર વરસાદ પડવો જ ના જોઈએ, સાચું કે નહિ, બોસ!"

વિનીયો આગળ વધે, "બોસ, વાત જ જવા દે. બાકી આ બધી ભગવાનની લીલા છે. આ જ કેરળવાળા મોટી મોટી જાહેરાતો કરતા હતા, 'કેરળ - ગોડ્સ ઓવ્ન કન્ટ્રી'. લે બોસ, હવે 'ગોડ હેઝ ડ્રોન હીઝ ઓવ્ન કન્ટ્રી'. બાકી બધી આ મિડીયાવાળાની માયાજાળ, કાં તો હોય એ સ્પષ્ટ બતાવે નહિ ને કાં તો હોય નહિ એ ઉભું કરીને બતાવ બતાવ કરે."

આમ ને આમ વાયરો થોડી વાર મહાબળેશ્વર તો થોડી વાર કેરળ તરફ ખેંચાય પણ વાત જામે નહિ. જાણે શિયાળ ખેંચે સીમ તરફ અને કુતરા ખેંચે ગામ તરફ.

છેવટે તોડ તો વિનીયાએ જ આપવાનો હોય, "બોસ, ત્યાં આટલા બધા મંદિરોમાં અબજો રૂપિયાના દાન આવે છે એ ક્યારે કામ આવશે? સો ઇટ્સ ગોડ'સ કન્ટ્રી એન્ડ લેટ ગોડ સપોર્ટ ઈટ." બોલો, આવા બધા આઈડિયાનો ખજાનો એટલે આપણો આ વિનીયો વીસ્તારી.

સમસ્યા આખી દુનિયાની હોય કે ફક્ત દેશની હોય, સમાજની હોય કે બીજી કોઈ પણ હોય, એનો તોડ વિનીયા પાસે જ હોય. આવા આ વિનીયાએ એક જબરજસ્ત બીડું ઝડપ્યું છે સમાજમાંથી અંધશ્રદ્ધા દૂર કરવાનું.

સોશ્યિલ મીડિયા પર કોઈ ગ્રુપમાં કે પર્સનલી મેસેજ આવતા રહે કે આ મેસેજ ૧૧ જણાને ફોરવર્ડ કરો તો માલામાલ થઇ જશો અને નહિ મોકલો તો પાયમાલ થઇ જશો, વગેરે. ઘણાં એવા મેસેજ મોકલાવે કે ફલાણાના ઓરિજિનલ ડોક્યુમેન્ટ મળ્યા છે. ફલાણા ભાઈ કે બેન કે બાબો કે બેબી ખોવાઈ ગયા છે. જેને મળે એ સમ્પર્ક સાધો. ફલાણાને મોટી બીમારી છે પણ ઈલાજ માટે પૈસા નથી તો આ મેસેજ જેટલા લોકોને મોકલશો એનાથી પર મેસેજ રૂ. ૧/- અને પર ગ્રુપ રૂ. ૫/- એમને મળશે, કે આ મેસેજ બે ગ્રુપ માં મોકલો એટલે કલર બદલાઈ જશે વગેરે. આવા મેસેજ મળે એટલે એ કામે લાગી જાય. બધાને ખખડાવી નાખે, 'કોઈ પણ હોય, બોસ, જે ના ચાલે એ ના ચાલે.'

પણ હકીકતમાં તો એ રંગીન જીવ. એની ઘરવાળી એટલે સોનકી, સોનકી સણસણાટ, લાગે ગામડિયણ પણ વાતો તઙ ને ફડ, થોડી કૂથલીખોર એટલે ભાષા તીખી ઉપરાંત વિચારોમાં વર્ચસ્વી વલણ.

આ વિનીયા અને સોનકીની પ્રેમ કથા પણ કોઈ ફિલ્મી સ્ટોરીથી જરાય ઊતરતી નહિ. વાત એમ બની કે વિનીયાની અને ગામડાની સોનકીની લગ્ન વિષયક વાત એમના પરિવારો વચ્ચે ચાલુ હતી. વિનીયો આમ રંગીલો પણ હજી સુધી ક્યાંય લપસ્યો નહોતો (કે એને લપસાવા કોઈ તૈયાર નહોતી થઈ) એટલે આ ગોઠવણ ચાલતી હતી.

એમાં એ બંનેની મીટિંગ ગોઠવાઈ. બંનેને વાતચીત કરવા મોકળાશ આપવામાં આવી. વિનીયા પાસે તો સોલિડ સોશ્યિલ મીડિયા જ્ઞાન એટલે એ જામી પડ્યો પેલીને ઈમપ્રેસ કરવા. અને સામે ગામડાની સોનકી બિચારી એ વખતે ભોળી (પાછળથી ખબર પડે કે લગ્ન પહેલાં બધી કન્યાઓ ભોળી જ હોય છે) એટલે એને આ સોશ્યિલ મીડિયાનુ કંઈ જ્ઞાન નહિ.

એમાં વિનીયાએ પૂછી લીધું, "સોનલ, તમને સ્માર્ટ ફોન વાપરતા આવડે?"

તો જવાબ આવ્યો, "આ રહ્યો." એણે નોકિયા ૩૧૫૦ - એકદમ બાબા આદમના જમાનાનો બેઝિક ફોન બતાવ્યો. એમાં તો વિનીયો આ સોનકીના ભોળપણ પર ઓવારી ગયો.

વિનીયો કહે, "આ નહિ. પણ તમને વોટ્સએપ, ફેસબુક વગેરે ચલાવતા આવડે?"

સોનકી શરમાઈને બોલી, "ના. તમે જ ચલાવજો, હું પાછળ બેસીશ." બસ આમાં જ તો વિનીયો હલવાઈ ગયો કે આ જમાનામાં આવી ભોળી કન્યા મળે ક્યાં! એટલે વિનીયો ઓળઘોળ થઈ ગયો, 'મને તો આ જ જોઈએ, હવે બીજી બધી મારે માટે બહેન સમાન.' સામે સોનકીને પણ ખ્યાલ આવી ગયો કે આ ભઈનું ચલણ કેટલે! એમાં જામી ગયું.

એ તો લગ્ન પછી ખબર પડી કે સોનકી કોઈને પણ (વિનીયાને સુધ્ધાં) ઊભી બજારે વેચી આવે એવી હતી. મોઢામાં તેજાબ ને જીભ એટલે હન્ટર અને વેણ એટલે મીઠું. સમજાઈ ગયુંને?

પણ વિનીયાને આ સમજાયુ ત્યારે ખૂબ મોડું થઈ ગયું હતું. હવે તો ઉકળતી ભઠ્ઠીમાં સિઝાવાનું હતું એટલે ઘર બહાર એને જે મળે એ હલવાણો. વિનીયો એના ગાભા કાઢી નાખે પણ મનમાં એક ડંખ જરૂર કે માળા છેતરાઈ ગયા.

શું આ વિનીયો ખરેખર સોનકીથી દુઃખી છે? આ મિત્રો, ધૂલા અને વિનીયા વચ્ચે મહાબળેશ્વર પુરાણનો અંત શું આવશે? વાત આગળ કેમ વધશે? આપના દરેક પ્રશ્નનો ઉત્તર મળશે, જોડે રહેજો. આપના સલાહ, સૂચન તથા પ્રતિભાવ આવકાર્ય છે. આભાર (ક્રમશ).

લેખક: ગિરીશ ભવાનજી મેઘાણી (GBMSIR).