ઋણાનુબંધ.. - 49 Falguni Dost દ્વારા પુષ્તક અને વાર્તા PDF

Featured Books
શ્રેણી
શેયર કરો

ઋણાનુબંધ.. - 49

પરેશભાઈની વાત સાંભળીને કુંદનબેને પણ એમની વાતને સહમતી આપી હતી. એમને પણ એવું જ માન્ય રાખ્યું હતું.

સ્તુતિ ખુબ જ ડાહી હતી. મોટેભાગે બાળકો રાત્રે ખુબ જગાડે અને પજવે છે પણ સ્તુતિએ ક્યારેય રાત્રે પરેશાન કરી કે કજિયા કરીને પ્રીતિને હેરાન કરી હોય એવું બન્યું નહોતું. બધા જ બાળકોની સરખામણીમાં એ બધું જ જલ્દી શીખતી હતી. યાદશક્તી ખુબ સારી હતી. ચાર મહિનાની થઈ ત્યારે બેસતાં પણ શીખી ગઈ હતી. એને ઊંઘવું ગમતું નહોતું. બેસતાં શીખી એટલે સેજ પણ ઉંઘાડીએ એટલે રોવા લગતી હતી. એને બેસવું હોય, જેવી બેસાડીયે એટલે તરત ચૂપ થઈ જાય! વળી, મોઢામાં બે ઉપરની તરફ અને બે નીચેની તરફ એમ સેજ ચાર દાંત પણ એક સાથે ફૂટી રહ્યા હતા. આથી જમવાનું પણ ધીરે ધીરે બધું શરૂ કરી દીધું હતું.

સ્તુતિમાં મહિને ઉભું રહેતા પણ શીખી ગઈ હતી. એટલે સતત એની પાછળ નાના, નાની અને પ્રીતિને રહેવું પડતું હતું. ઉભતા શીખી ગઈ હતી એટલે એને બેસવું ગમતું નહોતું. એને બેસાડે એટલે એ રોવા લાગે, જેવી ઉભી રાખે એટલે તરત રડતી ચૂપ થઈ જાય. બસ, આમ જ એનું પૂરું ધ્યાન રાખતા સારામાં સારી પરવરીશ આપવાની કોશિષ એના નાના તથા નાની આપી રહ્યા હતા.

પ્રીતિ આમ તો નોર્મલ જ લાગતી હતી. પણ ક્યારેક એ સ્તુતિ પર ગુસ્સે થઈ જતી હતી. એ ગુસ્સામાં એવું બોલતી પણ ખરા કે, બધા જ માતાપિતાનાં સબંધ બાળક એમના જીવનમાં આવે એટલે મજબૂત થાય છે. પણ તું જ એવી છે કે જેના લીધે અમે બંને અલગ થઈ ગયા છીએ. ક્યારેક આવેશમાં આવીને પ્રીતિ એને ઝાપટ પણ મારી દેતી હતી. પરેશભાઈ પ્રીતિનું આવું વર્તવું સમજી જ ગયા હતા. આ પ્રીતિને અજયથી જે અચાનક અંતર આવ્યું એ પ્રીતિના મનમાં ખટકતું હતું અને આ ભોળી બાળકી ને એ નિમીત માનતી હતી. પણ ખરેખર એ કારણ હતું કે નહીં એ ક્યાં કોઈ જાણતું હતું. પરેશભાઈ અને કુંદનબેન પ્રીતિની માનસિકતા સમજીને એને શાંતિથી ખુબ જ સમજાવતા હતા. પ્રીતિની સમસ્યા સમય જતા આપમેળે દૂર થઈ જ જશે એની પરેશભાઈને પુરી ખાતરી હતી. કારણ કે, પ્રીતિ સ્તુતિને જીવથી પણ વિશેષ સાચવતી જ હતી. પણ ક્યારેક જ એ આવું કરતી, અને ગુસ્સો શાંત થતા એને સમજાતું પણ હતું કે પોતે જે કર્યું એ ખોટું જ હતું.

પ્રીતિની પીએચડીની વાયવા નવેમ્બરમાં હતી. આ પરીક્ષા આપવા પ્રીતિ, સ્તુતિ, પરેશભાઈ અને કુંદનબેન ચારેય ભાવનગર ગયા હતા. એ લોકોએ હોટેલમાં રોકાવું પડ્યું હતું, કારણકે અચાનક વાયવા પોસપોન્ડ થઈને બીજે દિવસે ગઈ હતી. આ લોકો ભાવનગર આવ્યા એ અજયને ખબર જ હતી છતાં ત્યારે પણ એણે ફોન કરીને પ્રીતિ ઘરે આવે એવું કહ્યું નહોતું. પરેશભાઈ એમ આમંત્રણ વગર ત્યાં જાય એ જો એ લોકો વિચારે તો સાવ ખોટું જ હતું. કારણકે જેમને દાદાદાદી બન્યા નો હરખ જ ન હોય અને એ બિલકુલ એમની ભૂલને સ્વીકારતા ન હોય તો પરેશભાઈની આમાં કોઈ જ ભૂલ નહોતી કે એ લોકો હોટેલમાં રહે. હોટેલમાં પહેલીવાર સ્તુતિ આવી હતી. એ છ મહિનાની થઈ ગઈ હતી. રાત્રે હોટેલમાં પણ એ એના સમય મુજબ શાંતિથી ઊંઘી ગઈ હતી. એને ઉંઘાડતાં પ્રીતિને પણ ઊંઘ આવી ગઈ હતી

પ્રીતિ એના ઘરે સાસરે પહોંચી હતી. સીમાબહેને જ દરવાજો ખોલ્યો હતો. એને જોઈને પ્રીતિ ભડકીને બોલી, થઈ ગઈ તમારા મનને શાંતિ. આજ અમારી દીકરી એના પોતાના પપ્પાના ગામમાં છે છતાં તમારી વડીલોની ફરજ ચૂકના લીધે આજ એના પપ્પાએ એ બાળકીને ઘરે આવવાનું પણ ન કીધું, મેં મારો બધો હક જતો કર્યો પણ યાદ રાખજો અમારી દીકરીનો કોઈ હક તમે છીનવી નહીં જ શકો. આટલું બોલીને પ્રીતિએ એમના ગાલ પર એક જોરદાર ઝાપટ મારી દીધી... એક જાટકે પ્રીતિ પથારી માંથી ઉભી થઈ ગઈ. એને આવું સ્વપ્ન જોયું હતું. સમય જોયો તો ઉઠવાનો વખત થઈ જ રહ્યો હતો. પ્રીતિને મનોમન થયું કે, કાશ હું ખરેખર મારા સંસ્કારને ભૂલી ને આવું કરી શકત. એ પથારી માંથી ઉભી થઈ અને તૈયાર થવા બાથરૂમ તરફ ગઈ હતી.

પ્રીતિ વાયવા ની પરીક્ષા માટે કોલેજમાં પહોંચી ગઈ હતી. જેવી ત્યાં પહોંચી કે એમના સરે કીધું કે, અજયને તમે કોલ કરીને બોલાવી લો. પ્રીતિને થોડું અજુક્તું લાગ્યું હતું પણ સર અને અજય એકબીજાને ઓળખતા પણ હતા આથી એમની સૂચના માનીને પ્રીતિએ અજયને પણ બોલાવી લીધા હતા. અજય બધાની સામે નોર્મલ જ વર્તન કરી રહ્યો હતો. કોઈને અંદાજ પણ ન આવે કે છેલ્લા કેટલાક મહિનાથી બંને એકબીજાના સંપર્કમાં નથી.

પ્રીતિના વાયવા સારા ગયા હતા. એ પછી અજય અને પ્રીતિએ બધાને જમાડ્યા હતા. એક નાની પાર્ટી જ કહો તો પણ ખોટું નહીં. આવું બધા જ પોતાના વાયવા આપીને જમાડતા હોય, પ્રીતિએ પણ જમાડ્યા હતા. એ બધો જ ખર્ચો પરેશભાઈએ કર્યો હતો. સાંજ સુધી અજય પ્રીતિની સાથે જ રહ્યો એણે પહેલો ખર્ચો તો ન આપ્યો પણ પોતાના સાસુસસરા અને દીકરીને ઘરે પણ ન તેડાવ્યા કે ન મળવા ગયો હતો. પ્રીતિને અજયનું વર્તન ચોખ્ખું સમજાતું જ નહોતું. ઘડીક લાગણી દેખાતી તો ઘડીક સમાજની વાતોથી બચવા વર્તતો હોય એવું લાગતું હતું.

પ્રીતિ જેમ ભાવનગર ગઈ હતી એમ પાછી પોતાને ઘેર આવી ગઈ હતી. ક્યારેક ખુબ નાસીપાસ થઈ જતી એને પોતાના જીવનનું કોઈ અસ્તિત્વ જ દેખાતું નહોતું. આજ પણ એવું જ લાગ્યું હતું. અજય એના માટે કોઈ સ્ટેન્ડ લે એવું એનું વર્તન જ નહોતું. જો અજય ઈચ્છત તો એમ કહી શકે ને કે, હું છું તો તારે પેમેન્ટ આપવાની જરૂર નથી. તારી જવાબદારી એ મારી ફરજ છે. પણ આવું અજયને ન થયું કે એને જાણી જોઈને એમ કર્યું એનો જવાબ પ્રીતિને ન મળ્યો. બસ આવા જ અમુક સવાલોના લીધે પ્રીતિનો અજય પરથી વિશ્વાસ ઓછો થવા લાગ્યો હતો.

પ્રેમમાં વાળ સરીખી તિરાડ આજ મજબૂત લાગી હતી,
તુજ માં હું વસતી હતી જે આજ વિભિન્ન લાગી હતી,
પ્રેમનું અસ્તિત્વ જર્જરિત થતું હતું,
દોસ્ત! રુહે રુહની પ્રીત ભસ્મીભૂત લાગી હતી.

સ્તુતિ નવ મહિનાની આસપાસની થઈ હશે, એ થોડું થોડું બોલવા પણ લાગી હતી. અચાનક શું થયું કે એના દાદા અને દાદી એને જોવા માટે આવ્યા હતા. બે ત્રણ જોડી કપડાં અને ચાંદીની જાંજરી અને કડલી લાવ્યા હતા. સ્તુતિ આટલી મોટી થઈ ત્યારે એણે એના દાદા, દાદી જોયા હતા. કુંદનબેને એને જમાડ્યા હતા.

સીમાબહેને હવે વહેવારીક વાત કરી, ઘણો સમય ડિલેવરીને થઈ ગયો છે. હવે પ્રીતિને ભાવનગર ક્યારે મોકલો છો?

પરેશભાઈએ આ વખતે સ્પષ્ટ જ વાત કરી કે, તમે કહો ત્યારે જ મોકલી આપીયે પણ પ્રીતિના જે તમે આપેલા છે એ ઘરેણાં અને અહીંથી આપેલા ઘરેણાં માટે એક બેન્કમાં લોકર ખોલાવી દો, તથા એની જે સેલેરી આવે છે એના માટે એક અલગથી પ્રીતિનું જે ખાતું છે એનું એટીએમ કાર્ડ અને ચેકબુક પ્રીતિને આપી દો, અને પ્રીતિને અહીં તો કુંદન હોય એટલે બધું કામ એ કરી શકતી પણ હવે કામ માટે બેન બંધાવી દો એ મારો ખાસ આગ્રહ છે. બસ આટલું જરા જુઓ એટલે પ્રીતિ ને ત્યાં મોકલી આપીએ.

શું પરેશભાઈની વાત સાથે પ્રીતિના સાસરીવાળા સહમત થશે?
શું આવશે પ્રીતિના જીવનમાં બદલાવ? જાણવા જોડાયેલ રહો 'ઋણાનુબંધ' સાથે.

મિત્રો તમારો સાથ અને પ્રતિભાવથી મળતો પ્રતિસાદ લેખન લખવા મને ખુબ પ્રોત્સાહિત કરે છે. સાથ આપતા રહેશો અને પ્રતિભાવ પણ અવશ્ય આપજો. જય શ્રી રાધેકૃષ્ણ🙏🏻